Param Sparsh Ni Yatra – Vachana 48

46 Views
19 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : આત્મરતિ – કિમ હોવે પરનો આશી રે

તીર્થ એટલે જ્યાં પ્રભુની ઊર્જા / આંદોલનો સઘન બનેલાં હોય એવી જગ્યા. તીર્થમાં તમે ગયા પછી તમારે કંઈ જ કરવાનું નથી. માત્ર ન્યુટ્રલ બની જાઓ, કોઈ વિચારો ન હોય; શાંત ચિત્તે બેસી જાઓ, તો તીર્થનાં આંદોલનો જ બધું કરી દેશે!

મહાપુરુષોના શબ્દોના લોભમાં આપણે એમની ઊર્જાને ચૂકી જઈએ છીએ. તમે ખાલી થઈને જાઓ, અહોભાવ તમારી પાસે છે, તો એ ઊર્જા તમારા હૃદયને પૂરેપૂરું ભરી દેશે. તમે ન હોવ, અને હોય – આ જ પરાનો સંસ્પર્શ.

આત્મરતિ ને ચોથા ગુણસ્થાનકની ઘટના કહી શકાય. સમ્યગ્દર્શનનો સ્પર્શ મળે, ત્યારે અનુભૂતિ કેવી હોય? બાલ ધુલિ ઘર લીલા સરખી, ભવલીલા ઇહાં ભાસે રે.

પરમ સ્પર્શની યાત્રા – વેસુ ચાતુર્માસ વાચના –

મહાપુરુષોના ચરણોમાં આપણે બેઠેલા હોઈએ ત્યારે એક અનુભવ થાય કે સાક્ષીભાવ અને પરમપ્રેમના ઝરણામાં આપણે વહી રહ્યા છીએ. મને આવા અનુભવો ઘણાબધા થયા છે. આજના યુગના શ્રેષ્ઠ ભક્તિયોગાચાર્ય દાદા ગુરુદેવના ચરણોમાં વર્ષો સુધી રહેવાનું થયું. એમના પવિત્ર દેહમાંથી નીકળતા સાક્ષીભાવ અને પરમપ્રેમના આંદોલનોને વર્ષો સુધી ઝીલવાનું થયું. એ જ રીતે આપણા યુગના જે પણ મહાપુરુષો હતા એ બધાના ચરણોમાં બેસવાનું થયું. હું પાટણ ગયેલો, એ અવખતે આપણા યુગના શ્રેષ્ઠ સાધના મનીષી પૂ.પા.ગુરુદેવ ભદ્રંકરવિજય મહારાજ સાહેબ ત્યાં બિરાજમાન હતા. સાહેબજીની તબિયત થોડી નાજુક. પંચાસરા પાર્શ્વનાથની સામે આવેલ નગીનદાસ પૌષધ શાળામાં ગુરુદેવ બિરાજમાન. હું પણ ત્યાં ગયો. વજ્ર્સેન વિજય મહારાજ સાહેબને પૂછ્યું કે સાહેબજીની ઓરામાં, ઊર્જામાં અડધો કલાક-કલાક બેસવું છે. સાહેબજીની અનુકુળતા ક્યારે હોય? એમણે કહ્યું, બપોરે ચાર વાગે આવો. 

બપોરે ચાર વાગે સાહેબજીની રૂમમાં હું ગયો. સાહેબજી સંથારેલા હતા. હું એક ખૂણામાં બેસી ગયો, વંદના કરી; માત્ર મારે તો એમની ઊર્જા લેવાની હતી. બાબુભાઈ કડીવાલા એમની રૂમમાં બેઠેલાં અને બહુ મધુર કંઠે ‘સાર કર સાર કર સ્વામી શંખેશ્વરા’ ગાઈ રહ્યા હતા. સાહેબજી બંધ આંખે સાંભળી રહ્યા હશે અથવા તો પોતાની ભીતર ઉતરી ગયેલા હશે. અડધો કલાક મને બેઠાને થયો. અચાનક સાહેબજીએ આંખો ખોલી. મને બેઠેલો જોયો. ઈશારો કર્યો નજીક આવવા. હું નજીક ગયો. વંદના કરી ફરીથી. ફરી ઈશારો કર્યો બેસવાનો. હું ત્યાં બેસી ગયો. શું પ્રેમ એ મહાપુરુષનો! કેવી કૃપા! તબિયત એકદમ નાદુરસ્ત, એક શબ્દ પણ બોલી શકાતો નથી! એમણે ગળા પાસે આંગળી લગાડી, મને કહેવા માટે કે બોલાતું નથી. એ વખતે મેં કહ્યું કે ગુરુદેવ આપે બહુ શબ્દો આપ્યા. આપના શબ્દો અમારા માટે સાધના માટેના ભોમિયા છે. સાધનાનું સંપૂર્ણ માર્ગદર્શન આપના શબ્દોમાંથી અમને મળી જાય છે. આપ ખુબ વરસ્યા છો. હવે આપના શબ્દોનો લોભ નથી, માત્ર આપની ઉર્જા મેળવવી છે. હું ઘણીવાર કહેતો હોઉં છું કે મહાપુરુષોના શબ્દોના લોભમાં આપણે એમની ઊર્જાને ચુકી જઈએ છીએ! દસ મીનીટ બેઠો સાહેબજી પાસે. સાહેબજી એક શબ્દ પણ બોલ્યા નહિ. એ શબ્દનો લોભ, સદ્ગુરુની ઊર્જાથી એણે તમને વંચિત કરી દીધા! સદ્ગુરુ શબ્દો આપશે તોપણ કેટલા શબ્દો આપશે? પણ ઊર્જા લેતા આવડે તો? 

બુદ્ધના જીવનની એક ઘટના છે. એક રાત્રે બુદ્ધ સુતેલાં છે. પટ્ટશિષ્ય આનંદ માત્ર ગુરુની ઊર્જામાં બેઠેલા છે. ગુરુને આંખોથી જોઈ રહ્યા છે. ગુરુની ઊર્જાને પી રહ્યા છે. પણ આનંદે માર્ક કર્યું કે ચાર કે પાંચ કે છ કલાક બુદ્ધ સુતેલાં હતા. એક આંગળી આમથી આમ નથી થઈ. હાથ આમથી આમ નથી થયો. પડખું તો એમણે બદલ્યું નથી, ચત્તા ને ચત્તા સુઈ ગયા છે, પણ એક આંગળી હલી નથી, હાથ આમથી આમ થયો નથી.! સવારે પટ્ટશિષ્ય આનંદે બુદ્ધને પૂછ્યું કે પ્રભુ! આખી રાત તમારી ઊર્જા લીધી. આખી રાત તમને માત્ર જોઈ રહ્યો હતો.. પણ એક પણ આંગળી હાલતી નહતી, હાથ હાલતો નહતો, આ શું? એ વખતે બુદ્ધ કહે છે કે સાધકની કાયા એના કંટ્રોલમાં જોઈએ. 

જે વાત કોઇપણ દર્શનમાં નથી, એ વાત જૈન દર્શનમાં છે, અને એ ત્રણ ગુપ્તીની વાત છે. મનોવિલયની વાત દરેક દર્શનમાં છે; પણ વચનવિલય અને કાયવિલયની વાત માત્ર અને માત્ર પ્રભુશાસનમાં છે.  ધ્યાનશતકમાં કહ્યું કે તમે ક્યાંયથી પણ શરૂઆત કરી શકો છો; મન ને સ્થિર કરી અને કાયાને સ્થિર કરી શકો છો, અથવા કાયાથી શરૂઆત કરી અને મનની સ્થિરતા તમે કરી શકો છો. કાયા સ્થિર બની ગઈ, પછી મનને સ્થિર બનાવવું સહેલું બનશે. 

ચંદ્રગુપ્તે દંડરાજ્ય પર હુમલો કર્યો. પણ એ હુમલામાં એ નિષ્ફળ ગયો. જીવ બચાવીને ભાગ્યો. એનો ઘોડો પણ વચ્ચે મરી ગયો. એકલો એક ગામમાં એ જાય છે. બપોરનો સમય ભૂખ લાગેલી છે. એ ગામમાં ફરે છે. એક માજીએ જોયું અજાણ્યો માણસ છે. અજાણ્યો માણસ એટલે મહેમાન.. ચલ ભાઈ મારે ત્યાં જમવા માટે. માજીએ ઘેંસ બનાવેલી. ગરમાગરમ ઘેંસ થાળીમાં નાંખી. ચંદ્રગુપ્તને એટલી બધી ભૂખ લાગેલી હતી, એણે સીધો જ હાથ મુક્યો વચ્ચે, ઘેંસ નો લોંદો હાથમાં લીધો, પણ એટલી ગરમ ઘેંસ, આંગળીઓ બળી ગઈ. એ વખતે માજીએ કહ્યું કે તું પણ પેલા ચંદ્રગુપ્ત જેવો જ લાગે છે. 

ચંદ્રગુપ્તને થયું કે હું હારી તો ગયો પણ મારી હારનું કારણ શું? કદાચ આ માજી પાસેથી જાણવા મળે. એટલે એણે પૂછ્યું કે માજી ચંદ્રગુપ્તે શું ભૂલ કરી? માજીએ કીધું કે તે કરી એ જ. ઘેંસને કોરકોરથી ખાવી જોઈએ, છેડે છેડે થી, થોડી ઠંડી થાય, થોડી લો, થોડી લો. વચ્ચે હાથ ઘલાય સીધો? ચંદ્રગુપ્તે પણ શું કર્યું? આજુબાજુના ગામડાઓનો વિશ્વાસ સંપાદન કરવો જોઈએ, લોકોને પોતાની જોડે ભેળવવા જોઈએ. સીધો એણે પાટલીપુત્ર ઉપર હુમલો કર્યો; એને નાસવું પડ્યું. 

શાસ્ત્રોએ કહ્યું કે પહેલા કાયાને સાધો. પ્રવચનમાં તમે બધા બેઠેલા છો. એકેયની કાયા ટટ્ટાર ખરી, બોલો? સ્પાઈનલ કોર્ડ- એ કરોડરજ્જુ મેરુદંડ છે. યૌગિકભાષામાં સપાઇનલ કોર્ડને મેરુદંડ કહેવાય છે. મેરુ ક્યારેય ઝુકે નહિ. તમારાં બધાના મેરુ ઝૂકેલા છે. યોગશાસ્ત્રમાં ઘણા બધા postures બતાવ્યા – આસનો. Postures ઘણા, પણ એની અંદર આની સ્થિતિ તો એક જ હોય, પગની સ્થિતિમાં ફેરફાર પડે, પણ અહીંયા કોઈ ફેરફાર નહિ, કરોડરજ્જુ ટટ્ટાર જ જોઈએ. ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપ્પાણં વોસિરામિ. સ્થાન એટલે કાયગુપ્તિ, મૌન એટલે વચનગુપ્તિ અને ધ્યાન એટલે મનોગુપ્તિ. 

કેટલાક લોકો મને પૂછે છે કે અત્યારે ધ્યાન હોય? ત્યારે હું એક જ વાત કહું, ત્રિગુપ્તિ સાધના અત્યારે હોય? અષ્ટપ્રવચન માતાની સાધના અત્યારે ખરી? હોય જ! એના વિના શ્રામણ્ય ટકે જ નહિ! ચારિત્રાચાર.. તો એ ત્રિગુપ્તિ સાધના એ જ આપણું ધ્યાન, એ જ આપનો કાયોત્સર્ગ. તો કાયાને સાધીને પણ મનને સ્થિર કરાય. કાયા જો સ્થિર ન હોય તો મન સ્થિર ક્યાંથી થશે? 

તો ગુરુદેવે કહ્યું, ગળા ઉપર આંગળી મુકીને, બોલાતું નથી. મેં કહ્યું, ગુરુદેવ આપે ખુબ આપ્યું છે, હવે વધારે જોઈતું નથી આપની પાસેથી. પણ કેવો એમનો પ્રેમ! એક વાક્ય એમણે મને કહ્યું. એક જ વાક્ય! મારા માટે એ મંત્ર બની ગયું! સાહેબે કહ્યું, વૈખરીમાંથી પરામાં જજે. એક જ વાક્ય..! એ શક્તિપાત હતો! આવા સદ્ગુરુ એકાદ વાક્ય બોલે, શક્તિપાત હોય! એમની વર્ષોની જે ચરિત્રની તાકાત છે, એ તાકાત એ શબ્દોમાં ઉતરે છે..! એવી વ્યક્તિ હોય કે જેનો પાપોદય ભયંકર ચાલતો હોય, આર્થિક રીતે બેહાલ હોય, બીજીરીતે પણ ભયંકર સ્થિતિમાં હોય; એક મહાપુરુષ પાસે જાય અને કહી દે, તારું કલ્યાણ થાઓ! પેલા કર્મોને બાજુમાં જવું પડે, અને એ વ્યક્તિ ખરેખર કલ્યાણના પથ ઉપર ચડી જાય! ગુરુદેવે શક્તિપાત કર્યો, ‘વૈખરીમાંથી પરામાં જજે.’ એ વખતે હું માત્ર વૈખરીમાં જ હતો. માત્ર શબ્દો બોલતો, એ શબ્દોની સાથે પરમનું અનુસંધાન મારી પાસે નહતું.  સદ્ગુરુ એ શક્તિપાત કર્યો અને એ જ ક્ષણથી પરમની સાથે મારા શબ્દોનું અનુસંધાન થઈ ગયું. 

એ પછીની એક મજાની ઘટના છે. રાણકપુર તીર્થમાં એક વાચનાશ્રેણી હતી. એ વખતે કુદરતી વિચાર આવ્યો. કે રાણકપુર તીર્થમાં ગુરુદેવ ભદ્રંકર વિજય મહારાજ સાહેબ ખુબ રહેલાં. તો પ્રભુના આંદોલનો તો પુરા તીર્થ પરિસર માં છે. આ સદ્ગુરુના આંદોલનો પણ પુરા પરિસરમાં છવાયેલા છે. આંદોલનોની ઊર્જાને જ્યાં સુધી નહિ સમજીએ ત્યાં સુધી આપણી સાધના અપલીફ્ટેડ નહિ બને. 

તીર્થો એ શું છે? તીર્થ એટલે માત્ર જ્યાં આંદોલનો સઘન બનેલાં હોય એ જગ્યા. મંદિર તો પાછળથી આવે, પહેલા આંદોલનો હોય. સિદ્ધગિરિ ઉપર એકપણ મંદિર નહતું, માત્ર રાયણવૃક્ષ હતું અને દાદા ઋષભદેવ ધ્યાન માટે ત્યાં જતા હતા. કૈવલ્યની પ્રાપ્તિ પછી ધ્યાન હોતું નથી પણ કૈવલ્યની પ્રાપ્તિ પૂર્વે દાદા ઋષભદેવ જયારે પણ ગયા, રાયણવૃક્ષની નીચે એમને ધ્યાન કર્યું, કોઈ મંદિર ત્યાં નહતા. 

એકવાર અમદાવાદની એક સભામાં મેં એક વિચાર મુક્યો. મેં કહેલું કે રાયણવૃક્ષની નીચે મારે પણ ધ્યાન કરવું હોય છે પણ ભક્તો એટલાં બધા ત્યાં હોય છે, અને બધા પ્રદક્ષિણા દેતા હોય, એટલે બેસવાની જગ્યા બરોબર મળે નહિ. બીજુ ગિરિરાજ ઉપર આપણા દેહની પણ અમુક મર્યાદાઓ આવે. રાતોની રાતો રાયણવૃક્ષની નીચે ધ્યાન કરવું હોય તો ત્યાં શક્ય નથી. એ વખતે મેં ત્યાં એક વિચાર મુકેલો કે આ જ રાયણવૃક્ષની નીચેની કોઈ ડાળ પવનના કારણે કદાચ છૂટી પડી જાય અને વનસ્પતિવિદોની સહાય લઇને આપણે નીચે કોઇપણ જગ્યાએ એને વાવીએ, અને એ રાયણવૃક્ષ ફૂલેફાલે એની નીચે ધ્યાન કરી શકાય. બુદ્ધ જે વૃક્ષની નીચે સંબોધિને પામ્યાં – એ બોધિ વૃક્ષ. એ બોધિવૃક્ષની ડાળોને ચીનમાં અને જાપાનમાં લઇ જવામાં આવી, અને ત્યાં પણ બોધિ વૃક્ષ થયા. 

તો આંદોલનો, ઊર્જા બહુ જ મહત્વની વસ્તુ છે. તીર્થમાં તમે ગયા; તમારે કાંઈજ કરવાનું નથી, માત્ર ન્યુટ્રલ બની જાઓ, વિચારો ન હોય, શાંતચિત્તે બેસી જાઓ, બીજું બધું જ કામ એ આંદોલનો કરી લેશે. તમે ખાલી થઈને ગયા છો, અહોભાવ તમારી પાસે છે, એ આંદોલનો તમારાં હૃદયને પુરેપુરા ભરી દેશે. 

તો મેં વિચાર્યું એ રાણકપુર તીર્થની અંદર પ્રભુના આંદોલનો છવાયેલા છે, એ જ રીતે આવા મોટા સદ્ગુરુ થયા એમના આંદોલનો પણ છવાયેલા છે. બૌદ્ધ પરંપરામાં એક બહુ મજાની વસ્તુ છે. મજાની વસ્તુ એ રહી કે એ લોકો જુના થયેલા મંદિરને, એ મઠને તોડી પાડતા નથી. ચારસો વરસ પહેલાનો મઠ છે એ, અત્યારે તમને એ તાજો અને તાજો લાગે. રીનોવેશન કેમ કરવું? એના માટેની પણ આખી વિધિ છે. એ બૌદ્ધ મઠોના ફોટા જોઈએ. કેટલી પરંપરા એ લોકોએ જાળવી છે! એ હસ્તપ્રતો, એ જ લાકડીના સ્ટેન્ડસ અને એના ઉપર એ હસ્તપ્રતો મુકાયેલી હોય, અને નાના નાના ભિક્ષુઓ એનો પાઠ કરી રહ્યા હોય. પરંપરાને બરાબર જાળવી લીધી છે. એ સ્થાપડા, એ જ સ્થાપડી, એ જ હસ્તપ્રતો, બધું એ જ. 

અમદાવાદમાં વિશાલા મ્યુજીયમ છે. એની અંદર ધાતુની કલાત્મક વસ્તુઓ રાખી છે. પણ ૮૦% વસ્તુઓ મંદિરોની છે. એ જે કળશો હતા, હાથ બનાવટના, વિભિન્ન જાતના, કળાકારીગરી વાળા. એ પૂજાની પેટીઓ, એ ફૂલ દાનીઓ, એ પણ મજાની કળાકૃતિ વાળી. 

તો પૂર્વજો પાસે બે વસ્તુઓ હતી. આંદોલનો નું જ્ઞાન હતું તો કળાનું પણ જ્ઞાન હતું. આપણી પાસેથી આ બેય છૂટી રહ્યું છે. મેં નક્કી કર્યું કે રાણકપુરની અંદર ગુરુદેવનાના શબ્દો ઉપર જ બોલવું. ‘આત્મોથ્થાનનો પાયો’, સાહેબજીનું પુસ્તક એ મેં પસંદ કર્યું. પછી વિચાર્યું કે પરાનો સંસ્પર્શ અહિયાં તો મળવો જ જોઈએ. ગુરુદેવ હાજર છે આંદોલનો રૂપે. પ્રભુ હાજર છે. તો પરાનો સંસ્પર્શ અહિયાં થવો જોઈએ. એટલે શું કર્યું મેં? સવાર અને બપોરની વાચના. નવ વાગ્યાની વાચના. સાડા આઠે બધાયે આવી જવાનું. હું પણ આવી જાઉં. સાડાઆઠે હોલના દરવાજા બંધ થઈ જાય. સાડાઆઠ થી નવ પૂરું ઓડીટોરીયમ ધ્યાનમાં જતું રહે, નવ વાગે હું આંખ ખોલું; શ્રોતા આંખ ખોલે, ન પણ ખોલે, એ પણ ધ્યાનમાં હોય. નવ વાગે મારી આંખ ખુલે. ટેબલ ઉપર ‘આત્મોથ્થાનનો પાયો’ પુસ્તક પડેલું છે, હું એમ જ ફેરવું પુસ્તક. જે પાનું આવ્યું, એના પરનો પહેલો, બીજો, ત્રીજો પેરેગ્રાફ વાંચું, અને પછી એના ઉપર બોલું. આશય એ હતો કે મારી બુદ્ધિનું interpretation વચ્ચે ન હોય. મેં નક્કી કર્યું આના ઉપર બોલવું છે તો પોઈન્ટ્સ મેં વિચારેલા હોય; પણ મને ખ્યાલ જ નથી મારે કયા વિષય ઉપર બોલવાનું છે? એમ જ પાનું ખોલ્યું. ડાબા હાથ ઉપર જે પણ પેરેગ્રાફ છે એને વાંચું. મોટો પેરેગ્રાફ હોય તો એક વાંચું. નાના હોય તો બે-ત્રણ વાંચું. અને ૪૫ મિનીટ સુધી એના ઉપર બોલું. પછી તરત સર્વમંગલ ન થાય. ૨૦ મિનીટ બધા ફરી ધ્યાનમાં જાય. એટલે એ શબ્દો ધીરે-ધીરે અંદર જાય. ૨૦ મિનીટ પછી સર્વમંગલ કરું, અને એ શ્રોતાઓ બિલકુલ બોલ્યા વગર એ જ ધ્યાનની પરિસ્થિતિમાં પોતાની રૂમ તરફ જાય. આ શું હતું? શ્રવણયોગ. 

તો એ પ્રવચનોમાં મને ખ્યાલ છે. ખરેખર પરાનો સંસ્પર્શ થતો હોય એવું મેં અનુભવેલુ. મારી બુદ્ધિ હતી જ નહિ, મને કોઈ ખ્યાલ પણ હતો નહિ, મારે શેના ઉપર બોલવાનું છે. બસ એમને એમ શબ્દો નીકળ્યા કરે. તમે ન હોવ અને ‘એ’ હોય એટલે પરાનો સંસ્પર્શ થઈ ગયો. હકીકતમાં છે ને આ જ સૂત્ર જીવન વ્યાપી બનાવવાનું છે. તમે ન હોવ, તમારો ‘હું’ ન હોય, તમારો અહંકાર ન હોય, અને પ્રભુ અને સદ્ગુરુ હોય, તમારું જીવન સાર્થક બની જાય. અમારે દંડો લઈને કેમ બેસવું પડે છે? તમારાં હું ને કાઢવા માટે. તમે ન હોવ અને ‘એ’ હોય, આ પરિસ્થિતિ આપણે સર્જવાની છે. એટલે અમે લોકો દંડો લઈને બેસીએ છીએ, તમારાં હું ને કાઢવા માટે. એકવાર ‘હું’ નીકળી ગયુ, અને પ્રભુનો પરમપ્રેમ ઝીલાઈ ગયો; આનંદ જ આનંદ. આ વાત એટલાં માટે કરી કે આ મહાપુરુષ આત્મરતિ અને આત્મતૃપ્તિના સ્તર ઉપર નહતા, છેલ્લાં ચરણ આત્મસંતુષ્ટિ ના ચરણ ઉપર હતા. કાલે આપણે ત્રણ ચરણની વાત કરી હતી. આત્મરતિ, આત્મતૃપ્તિ, આત્મસંતુષ્ટિ. 

પહેલું ચરણ આત્મરતિ. ચોથા ગુણઠાણાની ઘટના આપણે કહી શકીયે. સ્થિરાદ્રષ્ટિની સજ્ઝાય માં, એટલે કે પાંચમી દ્રષ્ટિની સજ્ઝાયમાં સમ્યગદર્શન સ્પર્શે ત્યારે શું થાય, એની વાત મહોપ્ધ્યાય યશોવિજય મહારાજે કરી. યોગદ્રષ્ટિ સમુચ્ચય હરીભદ્રસૂરિ મહારાજ સાહેબનું, અને એનું ગુજરાતી મજાનું કન્વર્ઝન ઉપાધ્યાય યશોવિજય મહારાજ સાહેબે આપ્યું, અને એમાં એમણે લખ્યું કે સમ્યગદર્શન મળે ત્યારે અનુભૂતિ કેવી હોય?  ‘બાલ ધુલિઘર લીલા સરખી, ભવ લીલા તિહાં ભાસે રે.’ સંસારમાં એ વ્યક્તિ છે, પણ એનો સંસાર એને કેવો લાગે છે? નાનો બાળકો ભીની રેતમાં ઘર બનાવે; પછી કહે, મારું ઘર- મારું ઘર. પછી મમ્મી બુમ પાડે ચલ ભાઈ જમવા, એ જ ઘરને પાટું મારીને રવાના. સમ્યગદર્શનનો સ્પર્શ થાય ત્યારે શું થાય, એની વાત આપી. ‘બાલ ધુલિઘર લીલા સરખી, ભવ લીલા તિહાં ભાસે રે.’ અને પછી કહ્યું, ‘અંશે હોય ઇહાં અવિનાશી, પુદગલ જાલ તમાસી રે; ચિદાનંદઘન સુજશ વિલાસી, કિમ હોય પરનો આશી રે?’’ ‘અંશે હોય ઇહાં અવિનાશી’ – તમે અમર છો. હું આત્મતત્વ છું અને આત્મતત્વ અમર છે. એ સાધક મૃત્યુના બિછાના ઉપર પડેલો હોય; ડોકટરો કહે છે કલાકો, મીનીટો ગણવાની છે, અને એ કહે છે, ‘અબ હમ અમર ભયે ન મરેંગે’. એ કહે છે, ‘નાશી જાસી હમ થીર વાસી, ચોખે વ્હૈં નીકલેંગે’ નાશવંત જે છે એ જ જવાનું છે, હું તો સ્થિર છું. ‘અંશે હોય ઇહાં અવિનાશી’ પછી કહ્યું, ‘પુદગલ જાલ તમાસી રે’ આ ભૂમિકા તમારી છે. શ્રાવકપણાની ભૂમિકા પાંચમાં ગુણઠાણે, સમ્યગદર્શન ચોથા ગુણઠાણે. આ ચોથા ગુણઠાણાની વાત છે. પુદ્ગલ જાલ તમાશી રે – બધો જ સંસાર એને તમાશા જેવો, ઈન્દ્રજાળ જેવો લાગે છે કે આમાં કાંઈ નથી! તમે જે ઘરમાં છો, તમે જે પરિવારને પોષી રહ્યા છો, તમે જે સંસારને લઈને ચાલી રહ્યા છો, એ બધું જ તમને meaningless લાગે છે. ‘ચિદાનંદઘન સુજશ વિલાસી’ – પછી જ્ઞાન અને આનંદ એમાં ડૂબી જવાનું. 

રતિ અને અરતિ ક્યાં સુધી? બહારના સંયોગો છે ત્યાં સુધી. એક સંયોગ ગયો એટલે અરતિ ભાવ થાય. એક પ્રિય સંયોગ મળ્યો એટલે રતિ ભાવ થાય. પણ સંયોગોની દુનિયા છૂટી તો રતિ અને અરતિ ગઈ; હવે માત્ર છે આનંદ. ‘ચિદાનંદ ઘન સુજસ વિલાસી, કિમ હોવે પરનો આશી.’ એ પરનો આસક્ત શી રીતે બની શકે? પર એને ગમી કેમ શકે? પરને અનંતા જન્મોમાં તમે ચાહ્યું; આ જન્મ માત્ર અને માત્ર પરમની જોડે પ્રીતિ કરવા માટે છે. પરમની પ્રીતિ કરી, કહો કે પરમે અમારી તરફ પ્રીતિનો દોર વહાવ્યો, અને જે આનંદ છે! Beyond the words.. Beyond the expectations.. શબ્દોમાં એ આનંદને અમે કહી શકતા નથી.! માત્ર અમારા ચહેરા ઉપર જે આનંદ દદડે છે, એના જ પરથી તમે કલ્પના કરી શકો. આ જન્મ માત્ર અને માત્ર પરમની પ્રીતિ માટે છે. એકવાર એની પ્રીતિની ધારામાં તમે વહો; સંસાર ફીકો ફસ લાગશે. સંસાર છૂટી જશે! સંસારમાં રહેશો અને સંસાર છુટેલો હોય. 

એવા શ્રાવકોને જોયા છે. એક ભાઈ હતા. બહુ મોટો કારોબાર, એમણે એકવાર પોતાના ચારેય દીકરાઓને બોલવી કહી દીધું. ધંધો મેં તમને સોંપી દીધો છે, પણ હવેથી એ ધંધાની વાત તમારે મારી પાસે ક્યારેય કરવાની નહિ. ખોટ ગયી , નફો થયો એ વાત તમે જાણો, એ વાત તમારે મારી પાસે કરવાની નહિ. એક રૂમ જેમાં બાજુના રૂમમાં  ઘર દેરાસર છે, ત્યાં અમે બે જણા રહીશું. અમારા માટે એક જ રૂમ, બાકીનો બંગલો તમારો. બે ટાઇમ જમવાનું અને એક ટાઈમ ચા અમને અમારી રૂમમાં આપી દેવાનું. બાકી તમારી જોડે અમારે કોઈ સંબંધ નથી, અમે માત્ર અમારી ભીતર ઉતારી જઈશું. ત્યાં રહ્યા છતાં તમે બધાથી અલગ હોઈ શકો, આવું બની શકે, કારણ સમ્યગદર્શન તમને સ્પર્શેલું છે. 

આત્મરતિ એ પહેલી ભૂમિકા, આત્મતૃપ્તિ એ બીજું ચરણ, અને આત્મસંતુષ્ટિ એ ત્રીજું ચરણ. એની વાતો અવસરે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *