વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : આત્મ વિભૂતે પરિણમ્યો, ન કરે તે પરસંગ રે
સાક્ષીભાવની ટોચ પર ગયા પછી કોઈ પણ વ્યક્તિ સાથેનું રાગાત્મક કે સ્વાર્થાત્મક કોઈ જ અનુસંધાન નથી. તેમ છતાં તમે એ વ્યક્તિને ચાહો છો; કેમ? કારણ છે reverence for life. ચૈતન્ય પ્રત્યેનો સમાદર.
આત્મરતિ માં ઉદાસીનભાવ ભળે, ત્યારે બીજું ચરણ આત્મતૃપ્તિ મળે. આત્મામાં જ આનંદ આવે. તમે બહાર ક્યાંય જાઓ નહિ; જવાની ચેષ્ટા પણ કરો નહિ.
આત્મ વિભૂતે પરિણમ્યો, ન કરે તે પરસંગ રે. જ્યારે તમે સ્વયંસંપૂર્ણ બની ગયા, પછી પરનો સંગ કરવાનો રહેતો જ નથી. શરીર કદાચ પરનો સંગ કરી શકે; તમારા મનમાં એક પણ પરનો સંગ ન હોય.
પરમ સ્પર્શની યાત્રા – વેસુ ચાતુર્માસ વાચના – ૪૯
સાક્ષીભાવ + સમર્પણ એ પ્રભુની સાધનાનું composition. એ જ સમર્પણનો અનુવાદ પરમપ્રેમના રૂપમાં આપણે અનુભવી શકીએ.
કોઈ પણ મહાપુરુષના ઉપનિષદમાં તમે બેસો, એક દિવ્ય પ્રેમની તમને અનુભૂતિ થશે. સમર્પણ આપણી તરફ દિવ્ય પ્રેમ તરીકે વહે છે. એ પ્રેમ સાક્ષીભાવથી યુક્ત છે. બિલકુલ અલિપ્તદશા ચિત્તની એ મહાપુરુષની છે. અને જે પ્રેમ નીકળી રહ્યો છે, એ પ્રેમ – દિવ્ય પ્રેમ, reverence for the life – ચૈતન્ય પ્રત્યેનો સમાદર. ઘણા લોકો મને પૂછે કે સાક્ષીભાવની ટોચ પર ગયા પછી પ્રેમની તળેટી પર ઉતરી શકાય ખરું?
સાક્ષીભાવ એટલે અલિપ્તદશા; પણ આ જે દિવ્ય પ્રેમ છે, એ પણ અલિપ્તદશા જ છે. કોઈ વ્યક્તિ સાથેનું રાગાત્મક – સ્વાર્થાંત્મક કોઈ જ અનુસંધાન નથી, માત્ર એ વ્યક્તિને તમે ચાહો છો. કેમ? એ અનંત ગુણોથી યુક્ત આત્મા છે. સાધકના સ્તર પર તમે એ વિચારી શકો કે એ વ્યક્તિ અનંત ગુણોથી યુક્ત છે અને માટે હું એને ચાહું છું; ભક્ત તરીકે તમે એ રીતે વિચારી શકો, કે મારા પ્રભુને જે પ્રિય છે, મારા પ્રભુએ જેને ચાહેલ છે, એને મારે ચાહવો જ જોઈએ.
તો પ્રેમ છે, પણ એ દિવ્ય પ્રેમ છે; અને દિવ્ય પ્રેમની લાક્ષણીકતા એ થઇ કે ત્યાં નથી સ્વાર્થ! નથી રાગ! નથી બીજું કોઈ જ અનુસંધાન! એક જ અનુસંધાન છે; એ વ્યક્તિ અનંત ગુણોથી યુક્ત છે, ભવિષ્યનો સિદ્ધ પરમાત્મા છે.
પંન્યાસજી ભગવંત.. જેમનું નામ લેતાં મારા રૂંવાડા ખડા થાય છે.. આપણા યુગના શ્રેષ્ઠ સાધના મનીષી! અને એમ કહું; કે આપણા યુગમાં આપણને પ્રભુ આપનાર મહાપુરુષ પંન્યાસજી ભગવંત છે. સ્તવનોની અંદર પ્રભુ કર્તૃત્વની વાતો ઠાંસી ઠાંસીને ભરેલી હતી, એ સ્તવનો આપણે બોલતાં પણ હતાં અને છતાં વચલો સમય એવો ગયો, ૨૦૦ વર્ષનો લગભગ, કે જ્યાં પ્રભુ કર્તૃત્વની વાત ભૂલાઈ ગયેલી. કોઈ પણ વ્યક્તિ બોલે ને કોઈ સમારોહમાં તો શાસનદેવ આ મુમુક્ષુનું કલ્યાણ કરે. ભગવાન કલ્યાણ કરે એમ તો બોલાય કઈ રીતે? પ્રભુને વિતરાગ માન્યા ત્યાં સુધી બરોબર હતું, પ્રભુને નિષ્ક્રિય માની લીધા! એ જે ભૂલ હતી, એ ભૂલને પંન્યાસજી ગુરુદેવે સુધારી; અને પ્રભુના સાધના કર્તૃત્વની વાત એમણે બરોબર ગાઈ-બજાવીને કીધી. આપણી સાધનાનું સંપૂર્ણ કર્તૃત્વ ‘પ્રભુનું જ’ છે.
બે વાત હું કરતો હોઉં; જો તમે સાધક છો તો તમારા માટે ૯૯% grace, ૧% પર્સન્ટ effort, આ composition છે. તમે જો સાધક છો તો મારે કંઈક સાધના કરવી છે; તો ૯૯% પ્રભુનું કર્તૃત્વ ૧% કર્તૃત્વ તમારું, પણ એ કર્તૃત્વ કયા રૂપમાં? પ્રભુના પ્રસાદને ઝીલવાના રૂપમાં, બીજા કોઈ રૂપમાં નહિ. અનંત કાળ એવો ગયો કે પ્રભુની પ્રસાદી સતત વરસતી રહી, આપણે એને ઝીલી ન શક્યા.! આપણે કોરા ને કોરા રહ્યા.! એક ટકો કર્તૃત્વ તમારું એટલું છે કે તમે પ્રભુની પ્રસાદીને ઝીલો. પણ તમે જો ભક્ત થઇ ગયા, તમે સંપૂર્ણતયા પ્રભુને સમર્પિત થઇ ગયાં, તો composition અલગ આવશે. ૧૦૦% grace and I am effortless person. સો એ સો ટકા કર્તૃત્વ પછી પ્રભુનું. કારણ, સમર્પિત તો તમે બની જ ગયા છો, એટલે ઝીલવાનું કામ તો ચાલુ જ છે, પછી કર્તૃત્વ તમારી બાજુ કશું જ રહેતું નથી, માત્ર અને માત્ર પ્રભુ વરસી રહ્યા છે.!
તો આ વાત આપણા યુગની અંદર સૌથી પહેલાં પંન્યાસજી ગુરુદેવે આપણને આપી. એટલે એ અર્થમાં હું કહી શકું કે પ્રભુ આપણને એમણે આપ્યાં. પ્રભુ કર્તૃત્વની વાત આપણા હોઠ ઉપર નહતી. પ્રભુ કંઈ કરે જ નહિ! પ્રભુ તો બેસી ગયા સિદ્ધશિલા ઉપર… પ્રભુ બેસી ગયાં, પણ આર્હન્ત્યનું શું? પરમચેતનાનું શું? પરમશક્તિનું શું? એ પરમશક્તિ સંપૂર્ણ તયા સક્રિય છે અને એ જ શક્તિ કામ કરી રહી છે. અત્યારે શાસનની અંદર જે પણ ચમક – જે પણ દિપ્તી લાગે છે એ માત્ર અને માત્ર આર્હન્ત્યને કારણે છે. તો એ પંન્યાસજી ગુરુદેવ સાક્ષીભાવની ટોચ પર હતાં અને છતાં એટલા બધા પ્રેમાળ હતાં….!
મને ખ્યાલ છે, વીસેક વર્ષનું મારું વય, ગુરુદેવ સાથે રાજસ્થાનની યાત્રા કરવા ગયેલા. બેડામાં ગુરુદેવ બિરાજમાન, એમના ચરણોમાં હું બેઠો. એમની આંખોમાં જે પ્રેમ હતો..! એ આંખોથી એમણે મને જોયો; હું તૃપ્ત થઇ ગયો! એટલો પ્રેમ એમની પાસે હતો…
સાહેબજીના જીવનની એક ઘટના કહું. સાહેબજી હાલારમાં. ઉપધાન તપ ચાલી રહેલ હતાં. વ્યાખ્યાનની જવાબદારી કુંદકુંદવિજય મહારાજને સોંપેલી. રોજ વ્યાખ્યાનનો સમય થાય એટલે કુંદકુંદવિજય મહારાજ સાહેબ પાસે આવે, વંદના કરે, અને રજા માંગે, સાહેબજી પ્રવચન માટે જાઉં? સાહેબજી અનુજ્ઞા આપે, એટલે જાય. એકવાર આ જ રીતે ગુરુદેવ પાસે એ આવ્યાં. ગુરુદેવને વંદન કર્યું અને કહ્યું; સાહેબજી પ્રવચન માટે જાઉં? એ વખતે ગુરુદેવે પૂછ્યું કે આજે તું વ્યાખ્યાનમાં કયા વિષય ઉપર બોલવાનો છે? ક્યાં શ્લોક ઉપર બોલવાનો છે? એ દિવસે એટલા બધા એ વ્યસ્ત હતાં, કે કશું જ વિચારી શકેલા નહિ. એમણે કહ્યું; ગુરુદેવ ! કંઈ વિચાર્યું નથી; જાઉં છું, જે સ્ફૂર્શે એ બોલી દઈશ. એ વખતે ગુરુદેવનો જે પ્રેમ ઉભરી આવ્યો, એમને કહ્યું; આ ન ચાલે. બહુ જ પ્રેમથી કહે છે; આ ન ચાલે. ૩૦૦ આરાધકો ઉપધાનમાં છે. ૧૦૦ બીજા લોકો વ્યાખ્યાનમાં આવે છે. ૪૦૦ જણા એક – એક કલાકનું દાન તને કરશે, એટલે ૪૦૦ કલાક તને આપશે અને તું એ સમયને વેડફી નાંખે, એ ચાલે ખરું? તું કયો એવો પ્રત્યુત્પન્ન મતિપ્રવચનકાર છે, કે પાટ પર બેસે અને સ્ફૂરણા તને થઇ જાય.! હવેથી રોજ તૈયારી કરીને જવાનું, એ લોકોનો સમય નિષ્ફળ ન જ જવો જોઈએ. એક કલાકની અંદર એવું તત્વજ્ઞાન એમને મળવું જોઈએ કે એ જો ઈચ્છે તો ૨૩ કલાક સુધી એને ઘૂંટી શકે.
આજે હું આવું છું વ્યાખ્યાન માટે, તારે વ્યાખ્યાન કરવાનું નથી. ચાલ મારી જોડે. એ દિવસે ગુરુદેવ ગયા અને ગુરુદેવે પ્રવચન આપ્યું. શ્રોતાઓ પ્રત્યેનો પણ કેટલો ભાવ..! કે એ લોકો એક- એક કલાકનું દાન કરે છે… એ દાનને વેડફવાનો તને અધિકાર નથી!
આવી જ એક ઘટના સાહેબના જીવનમાં, રાણકપુરમાં ઘટી. રાણકપુર સાહેબજીનું પ્રિય સ્થળ. રાતા મહાવીર અને રાણકપુર. સાહેબજી રાતા મહાવીર જયારે રહેતાં, ગામ ત્યાંથી ત્રણ કિલોમીટર. અહીંયા તીર્થ. સાધુ ભગવંતો ત્રણ કિલોમીટર જઈને ગોચરી વહોરી આવતાં. તો રાણકપુરમાં સાહેબજી બિરાજમાન. પ્રભુની પ્રતિષ્ઠાની વર્ષગાંઠનો મહોત્સવ ચાલી રહ્યો છે, સાહેબજીની નિશ્રામાં. વર્ષગાંઠના દિવસે આજુબાજુના જૈનો તો આવે જ, પણ આદિવાસી લોકો હજારોની સંખ્યામાં આવે, એ જ દિવસે.. ત્યાં એમનો મેલો ભરાય. બધા જ આદિવાસીઓ દેરાસરમાં જાય, પ્રભુને નમસ્કાર કરે, વંદન કરે, અને આખો દિવસ મેળામાં મ્હાલે અને સાંજે ઘર ભેગા થઇ જાય. સાહેબજી સવારે દેરાસરે ગયા. દેરાસરથી પાછા ફર્યા. સેંકડો આદિવાસીઓ આવી ગયેલા. ભગવાનના દર્શન માટે બધા જતાં હતા. સાહેબજી ઉપાશ્રય આવ્યા. જે વ્યક્તિ આ મહોત્સવ કરી રહી હતી. એ સાહેબજીના વંદન માટે આવી. વંદન કર્યું. પછી સાહેબજીને પૂછ્યું; સાહેબજી કંઈ કામસેવા ? એ વખતે ગુરુદેવે પૂછ્યું; કે આ હજારો આદિવાસીઓ આજે પ્રભુના દર્શન માટે આવ્યા છે, એમની પ્રસાદીની કોઈ વ્યવસ્થા ખરી? પેલો ભાવુક ખુબ ઉદાર હૃદયનો. એ કહે સાહેબજી ! એમના માટે પ્રસાદની બધી જ તૈયારી છે. એ ગુરુદેવ પાસેથી ગયો; પોતાના માણસોને ઓર્ડર કર્યો; લાપસી, શીરો, મીઠાઈ જે પણ બની શકે એમ હોય તાત્કાલિક કલાક – બે ક્લાકમાં બનાવી નાંખો અને આ હજારો લોકોને – બધાને જમાડવાના છે. કોઈ પણ વ્યક્તિ જમ્યા વગર આ પરિસરમાંથી બહાર જવી ન જોઈએ. સાક્ષીભાવ અને પરમ પ્રેમનું આ કેવું મજાનું એક દ્વન્દ્વ હતું – સાહેબજી.!
આ સાક્ષીભાવના ત્રણ ચરણોને આપણે જોઈ રહ્યા હતાં. આત્મરતિ, આત્મતૃપ્તિ, અને આત્મસંતુષ્ટિ. આત્મરતિમાં જ્યારે ઉદાસીનભાવ ભળે છે, ત્યારે બીજું ચરણ આત્મતૃપ્તિનું મળે છે. તમે માત્ર તમારાથી જ તૃપ્ત બની જાવ છો! કશાની, કોઈની તમારે જરૂર રહેતી નથી.
પૂજ્યપાદ દેવચંદ્રજી મહારાજે પરમતારક અભિનંદનસ્વામી ભગવાનના સ્તવનમાં આ વાત લખી; “શુદ્ધ સ્વરૂપ સનાતનો, નિર્મલ જે નિઃસંગ; આત્મવિભુતે પરિણમ્યો, ન કરે તે પરસંગ” ઉત્તરાર્ધ કેટલું મજાનું છે. આત્મવિભુતે પરિણમ્યો, ન કરે તે પરસંગ – જ્યારે તમે સ્વયં સંપૂર્ણ બની ગયા, એ વખતે પરનો સંગ કરવાનો રહેતો જ નથી. શરીર પરનો સંગ કદાચ કરી શકે, તમે તો નહિ જ.!
એક સાધુની ગોચરી વાપરવાની ક્રિયા અધ્યાત્મસારમાં ઉપાધ્યાયજી ભગવંતે એને અસંગ ક્રિયા કહી છે. ‘અસંગાત્’ એ શબ્દ એમને ત્યાં વાપર્યો છે. એ મુનિ ગોચરી વાપરે છે. શરીરના સ્તર પર રોટલી અને દાળનો સંગ છે. મનના સ્તર પર માત્ર અને માત્ર પ્રભુ છે, પ્રભુની આજ્ઞા છે. મનના સ્તર ઉપર એક પણ પદાર્થ નથી, એક પણ વ્યક્તિનો સંગ નથી. આ ભૂમિકાએ તમારે અત્યારે પહોંચવાનું છે. Now and here.! આજે જ.!
તમારા મનમાં એક પણ પદાર્થનો સંગ ન હોય.! એક પણ પદાર્થ તમને ગમે એવું તમારી બાજુમાં તમે રાખો પણ નહિ.! ચશ્માંની ફ્ર્રેમ છે, અને ગમી ગઈ. તમે કહી દેશો; આ reject. આ ન ચાલે મારે.
પૂજ્યપાદ આચાર્ય ભગવંત રામસૂરી મ.સા. ડહેલાવાળા. એક પરમ સાધના પુરુષ. સાહેબજી ચશ્માં પહેરતાં. એક દાંડી તૂટી ગઈ ચશ્માંની તો ત્યાં દોરી ભરાવી દીધી. એક શ્રાવક એ જોઈ ગયો. આટલા મોટા આચાર્ય ભગવંત! અને એમના ચશ્માં આવા! એક શિષ્ય પાસેથી ગુરુદેવના ચશ્માનો નંબર લીધો, અને સરસ મજાની સોનેરી ફ્રેમમાં ચશ્મા બનાવીને લઈને આવ્યો, ગુરુદેવના ચરણોમાં મુક્યા. ગુરુદેવે કહ્યું; આ મારે નહિ ચાલે.! આટલા ભભકાદાર ચશ્માં મારે નહિ ચાલી શકે.. એક પરમ વિરાગી પુરુષ છે, છતાં આટલી જાગૃતિ એમની પાસે છે.! એ કહે છે આ નહિ ચાલે, લઇ જા પાછું, મારે તો આ જ બરોબર છે.! એવો એક પદાર્થ તમારી પાસે ન હોય, જેના પર તમને રાગ થાય. એક વ્યક્તિ ઉપર તમારો રાગ નથી. સીધી વાત છે; તમે જો ભક્ત છો, તો તમારે પ્રભુને પુરેપુરે અસ્તિત્વથી ચાહવા છે. પ્રભુની આજ્ઞાને ચાહવી છે. તમે બીજાને પણ ચાહતા હશો, તો પુરેપુરા તમે પ્રભુને શી રીતે ચાહી શકશો?
આ શ્રામણ્ય એક અદ્ભુત પરંપરા છે. આપણને એ મળી ગઈ છે. એવી પરંપરા કે એક પણ પદાર્થ પ્રત્યેનો પરનો રાગ અહીંયા ન રહે, એક પણ વ્યક્તિ પરનો રાગ અહીંયા ના રહે. આત્મવિભુતે પરિણમ્યો, ન કરે તે પરસંગ – તમે સ્વયં સંપૂર્ણ છો. પરના સંગની જરૂરિયાત ક્યારે પડે? કાગળનું ફૂલ હોય ને તો એમાં અત્તર નાંખવું પડે. પણ કુદરતી ફૂલ, સુગંધી છે, તો એમાં અત્તર નાંખવાની જરૂર નથી. તો તમે જ્યારે સ્વયં સંપૂર્ણ છો, તો પરપદાર્થોની તમારે ક્યારે જરૂરિયાત છે? શરીરને જરૂરિયાત પડે, આપી દો. તમને કોઈની જરૂરિયાત નથી, એ નક્કી કરી લો.
આ બહુ મજાનું સાધના સૂત્ર છે; ‘આત્મવિભુતે પરિણમ્યો, ન કરે તે પરસંગ’ અને એના જ અનુસંધાનમાં આગળ એક પંક્તિ મૂકી; “દ્રવ્યે દ્રવ્ય મિલે નહિ, ભાવે તે અન્ય અવ્યાપ્ત” તમે બીજાનો સંગ કરી પણ શકતા નથી! કેમ? “દ્રવ્યે દ્રવ્ય મિલે નહિ” એક દ્રવ્ય બીજા દ્રવ્ય સાથે ક્યારે પણ મળવાનું નથી! આત્મદ્રવ્ય પુદ્ગલદ્રવ્ય સાથે ક્યારે પણ મળી શકે નહિ! ધર્માંસ્તિકાય અને અધર્માંસ્તિકાય આકાશાસ્તિકાય ની અંદર રહે છે પણ કયારેય ભેગા થાય છે? કેમ? ‘દ્રવ્યે દ્રવ્ય મિલે નહિ’ એ જ રીતે એક આત્મદ્રવ્યને બીજું આત્મદ્રવ્ય મળી શકતું નથી. દરેક આત્મદ્રવ્યની સ્વતંત્ર સત્તા છે. અને એટલે સિદ્ધશિલા ઉપર બાજુ-બાજુમાં રહેવા છતાં આત્મપ્રદેશોની ક્ષીણ-ભેળ થતી નથી. “દ્રવ્યે દ્રવ્ય મિલે નહિ” કેમ? “ભાવે તે અન્ય અવ્યાપ્ત” અન્ય અવ્યાપ્તિ એ દ્રવ્યનો સ્વભાવ છે. બીજાને પોતાની ભીતર આવવા ન દેવા. આના પરથી એક સાધના નિષ્પન્ન થાય છે કે એક વ્યક્તિ બીજા વ્યક્તિને કશું આપી શકતી નથી, અને એમાંથી નિશ્ચયાભાસવાળાઓએ એક સિદ્ધાંત શોધ્યો કે નિમિત્ત નકામું છે..! એક વ્યક્તિ બીજી વ્યક્તિને કંઈ આપી શકતી જ નથી, એ જ રીતે મૂર્તિ એ પણ આપણને કંઈ આપી શકતી જ નથી, કારણ કે એ પુદ્ગલદ્રવ્ય છે, એટલે નિમિત્તોનો એમણે છેદ ઉડાડી દીધો!
By the way એક વાત કરું. કલાપૂર્ણસૂરિદાદા ગ્રહસ્થ પણામાં. એ વખતે પણ એમને પુસ્તક વાંચનનો બહુ શોખ. એક વ્યક્તિ એક પુસ્તક લઈને આવી કે આ પુસ્તક બહુ સારું છે, આપ વાંચો. સાહેબે ખાલી પાનું ફેરવ્યું આમ…! જે પાનું ફેરવ્યું એમાં પહેલા પાને લખેલું નિમિત્તો નકામાં છે, અકિંચિતકર છે. સાહેબે પુસ્તક પેલાને પાછું આપ્યું, કે આ પુસ્તક મારે નહિ ચાલે. મારે તો નિમિત્તોથી જ આગળ વધવાનું છે.!
તો આપણો સાપેક્ષવાદ એ રીતનો છે, કે અપેક્ષાએ આ વાત સ્વીકારી શકાય. જેમ કે, એક સદ્ગુરુ શિષ્યોને વાચના આપે છે. સાધકોને વાચના આપે છે. પણ ગુરુ જે છે, એ પોતાના ઉપાદાન ઉપર મહત્વ આપતાં નથી, એ નિમિત્તો ઉપર મહત્વ આપશે. જે વ્યક્તિનું ઉપાદાન શુદ્ધ થયેલું હશે, એ વ્યક્તિ આ વાતને બરોબર પામી શકશે. એટલે ત્યાં હું બોલું છું, એનું મહત્વ પ્રવચનકાર માટે રહેતું નથી. હું તો સ્વાધ્યાય કરું છું, જેની યોગ્યતા હશે, એને મળી જશે. એટલે એમણે શું કર્યું? નિમિત્તો ઉપર, સામી વ્યક્તિ ઉપર ભાર મુક્યો; પણ ઉપાદાન જે હતું એના ઉપર ભાર ન મુક્યો. એટલે પોતે નિમિત્ત છે, આ વાતને એમણે ગૌણ કરી નાંખી. હું તો પ્રભુનું વાજિંત્ર છું! પ્રભુ વગાડે એમ વાગું છું, મારામાં કોઈ વિશેષતા નથી! પણ, એ લોકોની વિશેષતા હશે, એ લોકોનું ઉપાદાન શુદ્ધ થયેલું હશે, તો એમને મળી જશે. પણ શિષ્યો, સાધકો એ શું માને? એ માને કે સદ્ગુરુએ કૃપા કરી અને એક કલાક અમને આપ્યો! એટલે આ રીતે શું થયું? સદ્ગુરુ જે છે એ પોતાના નિમિત્તને ગૌણ કરશે અને પેલાના ઉપાદાનને મુખ્ય કરશે. શ્રોતાઓ જે છે એ નિમિત્તને મુખ્ય કરશે કે સદ્ગુરુએ કૃપા કરી અને અમને આપ્યું. તો આ રીતે આપણે ત્યાં સાપેક્ષ રૂપે નિમિત્તોનો સ્વીકાર છે. છે.. ને છે…
દેવચંદ્રજી મ.સા. નિશ્ચયની ઊંચામાં ઉંચી વાતો કરતી વખતે સીધી જ પ્રભુની ભક્તિની વાતમાં આવી જાય છે. દેવચંદ્રજી મહારાજમાં ભક્તિ અને સાધનાની જુગલબંધી છે. આનંદઘનજી ભગવંતમાં પણ આ જ છે. ભક્તિ અને સાધનાની જુગલબંધી છે. કાર્ય અને કારણની ઊંડી મીમાંસા કરતાં હોય, અને એ ઊંડી મીમાંસા કરતાં સીધા જ પ્રભુના ચરણમાં આવી જાય. તો આપણને જે આ શ્વેતામ્બરીય સાધના પદ્ધતિ મળી છે, બહુ જ અદ્ભુત મળી છે! આ પદ્ધતિ ઉપર, આ સાધના પદ્ધતિ ઉપર હું એકદમ ઓવારી ગયો છું.! એકદમ સાયન્ટિફિક.
તો ‘આત્મવિભુતે પરિણમ્યો, ન કરે તે પરસંગ હો’ તમે પણ ભૂમિકા ઉપર આવી શકો; સામાયિક માં આવ્યા, પૌષધમાં આવ્યા, પરનો સંગ છૂટી ગયો.! એકવાર પરનો સંગ છૂટી જાય, તમે તમારા સંગમાં હોવ, પછી જે મજા આવે…!
એક તત્વજ્ઞની વાત આવે છે. એક વૃક્ષ નીચે બેઠેલો, ઊંડા ચિંતનમાં, અનુભૂતિમાં ખોવાયેલો. ત્યાં એના જ ગામનો એક માણસ આવે છે. ઓહો આ સાહેબ તો અહીંયા બેઠા છે. એ આવીને બેઠો અને એણે વાતો શરૂ કરી. શિષ્ટાચાર એવી એક બલા છે કે તમારે અનિચ્છાએ પણ એમાં જોડાવવું પડે. પેલા તત્વજ્ઞને પણ એની વાતોમાં જોડાવવું પડ્યું, અનિચ્છાએ. અડધો કલાકે પેલો ઉઠ્યો, ઉઠતી વખતે એણે કહ્યું, કે તમે એકલા હતા ને એટલે તમને કંપની આપવા માટે બેઠેલો. એ તત્વજ્ઞે મનની અંદર કહ્યું કે ભાઈ ! મારે મારી જાત સાથેની કંપની ચાલુ હતી, તે એને તોડાવી..!
યુરોપિયન પરંપરામાં એક સૂત્ર છે; two is the company and three is the crowd – બે જણા હોય તો કંપની, ત્રણ હોય તો ટોળું. આપણી ભારતીય પરંપરાનું સૂત્ર અલગ છે. One is the company and two is the crowd. તમે એકલા તમારી company માં ક્યારે બેસો છો? તમારી જોડે? ઘણાની જોડે વાતો કરી. તમારી જોડે કેટલી વાર બેઠા? આત્મ-નિરીક્ષણ પા કલાક, અડધો કલાક તમારી જાત જોડે બેસો. અને તમારી જાતને પૂછો; કે બપોરે પેલી વ્યક્તિ આવી, એને આ વાત કરી, અને હું આટલો ગુસ્સે થઇ ગયો. એ જરૂરી હતું ખરું? મેં પ્રેમથી એ વાત સાંભળી હોત અને પ્રેમથી પ્રતિસાદ આપ્યો હોત તો કેટલું સારું result આવત..! તમે તમારી જોડે બેસો અને તમારી ભૂલો જે છે, દિવસ દરમિયાન થયેલી, એને બરોબર જોઈ લો. એ ભૂલો ને જુઓ, પછી નક્કી કરો, કે એક અઠવાડિયા સુધી આ ભૂલ repeat થવી ન જોઈએ. એટલે આત્મ-નિરીક્ષણ, પછી તમે સંકલ્પ કર્યો કે અઠવાડિયા સુધી એક ભૂલ repeat થવી ન જોઈએ, પછી જાગૃતિ આવે; એટલે જ્યારે પણ એવો મોકો મળે, તરત જ તમારી જાગૃતિ મુખરિત બને અને એ ભૂલ repeat ન થાય.
એક મનો વૈજ્ઞાનિકે બહુ સરસ વાત કરેલી છે કે જેટલા દોષો તમારા તમને લાગે છે, એનું એક લીસ્ટ બનાવો. એ લીસ્ટ બનાવ્યા પછી હવે બીજું એક લીસ્ટ બનાવવાનું છે. બીજું લીસ્ટ એ રીતે બનાવવું છે કે આ જે દોષો તમારા છે, એમાંથી એકદમ હલકામાં હલકો સરળતાથી જાય એવો દોષ કયો? એ દોષને પહેલો મુકો. સહેજ અઘરો એને બીજા નંબરે. વધુ અઘરો ત્રીજા નંબર ઉપર. આ રીતે પાછું બીજું લીસ્ટ બનાવો. હવે પહેલા નંબરનો દોષ છે; એકદમ સરળતાથી જાય એવો, કે કોઈની નિંદા કરવી નહિ. ભાઈ આ તો બહુ સરળ છે! નિંદા તો થાય જ કેમ? આજથી સંકલ્પ.! એ રીતે પહેલો દોષ જાય. બીજો દોષ જાય. તો તમારો self confidence વધી જાય. આત્મ-વિશ્વાસ વધી જાય, ઓહો! આમાં શું છે? અને એ રીતે તમે એક પછી એક બધા દોષોથી મુક્ત બની શકો.
તો આત્મરતિ પછી આત્મ-તૃપ્તિ કે આત્મામાં જ આનંદ આવે; તમે બહાર ક્યાંય પણ જાવ નહિ, જવાની ચેષ્ટા પણ કરો નહિ. આ આત્મ-તૃપ્તિના ચરણે કેવો આનંદ હોય છે એની વાત અવસરે.
