વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : ગોયમ દીજે દાન
સદ્ગુરુનો પ્રેમ, એમની કરુણા એટલી બધી વ્યાપક હોય છે કે એમને એમ જ થાય કે મારી પાસે જે પણ આવે એને હું સાધનાના શિખર પર ચડાવી દઉં. સામાન્યમાં સામાન્ય વ્યક્તિને પણ જો સાધનાના શિખર પર ચડાવવી હોય, તો સરળમાં સરળ માર્ગ છે શક્તિપાતનો. આપણી આખી પરંપરા શક્તિપાતની છે.
ભગવાન ગૌતમ પાસે પંદરસો નૂતન દીક્ષિતો હતા. જે પાંચસો નું સમર્પણ તીવ્ર હતું, મોહનીયનો ક્ષયોપશમ તીવ્ર હતો, એમણે કરેમિ ભંતે ના શક્તિપાતને ઝીલી લીધો અને સીધું જ સાતમું ગુણઠાણું, ક્ષપકશ્રેણી અને કેવળજ્ઞાન!
આગળ જતાં ભગવાન ગૌતમ પ્રભુ મહાવીરની ગુણધારાનું, પ્રભુના પરમ ઉદાસીનભાવનું વર્ણન કરે છે અને પછી શક્તિપાતના રૂપમાં કહે છે કે તમારી પાસે પણ એવી જ ઉદાસીનદશા છે. બીજા પાંચસોએ એ શક્તિપાત ઝીલી લીધો. કરેમિ ભંતે વખતે અને જિનગુણશ્રવણ વખતે જે પાંચસો શક્તિપાત ન ઝીલી શક્યા, એમના પર જિનગુણદર્શન સમયે શક્તિપાત થઇ ગયો!
આત્મ તત્વનું અનુસંધાન વાચના – ૧૨
‘નિઃસંગં મન: સામાયિકં’ પરનો અસંગ એટલે પરમનો સંગ. સદ્ગુરુનો સંગ. એ પરમની પ્રીતિની ધારે ચાલીએ ત્યારે શું થાય? કબીરજીએ કહ્યું; ‘નહિ અચાહ નહિ ચાહના. ચરનન લય લીના રે’ ભક્તિનો માર્ગ, પરમની પ્રીતિનો માર્ગ અઘરો છે. પણ એકવાર એ માર્ગ મળી ગયો પછી તમને લાગશે એ ભક્તિના માર્ગે… એ સમર્પણે… તમને શું આપ્યું. સદ્ગુરુ શક્તિપાત કરવા આતુર હોય છે, સદ્ગુરુનો પ્રેમ, એમની કરુણા એટલી બધી વ્યાપક હોય છે, કે એમને એમ જ થાય કે મારી પાસે જે પણ આવે છે. એને હું સાધનાના શિખર પર ચડાવી દઉં. અને સામાન્ય વ્યક્તિત્વને સાધનાના શિખર પર ચડાવવી હોય તો સરળમાં સરળ માર્ગ છે શક્તિપાતનો. આપણી આખી પરંપરા શક્તિપાતની છે.
પ્રભવસ્વામી, કેટલા બધા શિષ્યો એમના હતા, જ્ઞાની, ધ્યાની, તપસ્વી. પણ પોતાના ઉત્તરાધિકારી તરીકે કોને નીમવા? એના વિચારમાં એ પડ્યા. આટલા બધા શિષ્યોમાંથી એમને એક પણ શિષ્ય પોતાના ઉત્તરાધિકારી તરીકે યોગ્ય ન લાગ્યો. શય્યંભવ બ્રાહ્મણને દીક્ષિત કરી, અને એને પોતાનો ઉત્તરાધિકારી બનાવ્યો. શું ખૂટતું હતું બીજાઓની પાસે? આખો જ શક્તિપાત કરવાનો હતો. તીર્થંકર ભગવંતો ગણધરો ઉપર શક્તિપાત કરે છે. અને એ શક્તિપાતના કારણે જ સીધી જ દ્વાદશાંગી રચના ફટોફટ થઇ જાય છે. એ પછી જે પાટ પરંપરા ચાલી, એમાં દરેક ગુરુ પોતાના ઉત્તરાધિકારીને પોતાની પુરી શક્તિ આપતાં રહ્યા. અને એ એક સદ્ગુરુની શક્તિથી પૂરું શાસન ચાલતું હતું.
તો આખી શક્તિપાતની પરંપરા આપણે ત્યાં હતી. ભગવાન ગૌતમ પાસે પંદરસો નૂતન દીક્ષિતો છે. અને એમનો પ્રેમ એમના તરફ વહ્યો. કરેમિ ભંતે આપ્યું, સીધા જ શક્તિપાત રૂપે. તમારા બધા ઉપર પણ કરેમિ ભંતે આપતી વખતે સદ્ગુરુએ શક્તિપાત કરેલો છે. એ શક્તિપાત ૫૦૦ એ ઝીલી લીધો. જેમનું સમર્પણ તીવ્ર હતું. જેમના મોહનીયનો ક્ષયોપશમ તીવ્ર હતો, એમણે એ કરેમિ ભંતેના શક્તિપાતને ઝીલી લીધો. સીધું જ સાતમું ગુણઠાણું, ક્ષપકશ્રેણી, કેવલજ્ઞાન. Journey સાવ સરળ છે, અઘરી છે? એ પછી પારણું થયું. અને ગૌતમસ્વામી ભગવાને કહ્યું; ચાલો ભાઈ ગુરુદેવ પાસે, ભગવાન પાસે. એટલે પેલા ૧૦૦૦ કહે છે; તમારે પણ વળી ગુરુ છે? ૫૦૦ તો કેવલજ્ઞાની થઇ ગયા. એટલે એમની વાત જવા દો. તમારે ગુરુ? તમે આટલા મોટા ચમત્કારિક ગુરુ, અને તમારા પણ ગુરુ… એ વખતે ભગવાન ગૌતમ પ્રભુની ગુણધારાનું વર્ણન કરે છે. પ્રભુનો પરમ ઉદાસીનભાવ. એમણે કહ્યું; અપ્સરાઓ પ્રભુના દરબારમાં નાચે છે, ૬૪ ઇન્દ્રો એમના ચરણોમાં ઝૂકેલા છે. એમના ચરણોમાં બધા ઝૂકેલા છે… પણ એ પોતાની અંદર છે. એ ઇન્દ્રોમાં પણ નથી. એ ક્યાંય નથી. એ માત્ર પોતાની અંદર છે. વિચાર તો કરો, આ વાત કહી શકાય નહિ, તો એ તપસ્વીઓની પોતાની કક્ષા કેટલી ઉંચકાયેલી હશે.
ઉદાસીનતાની તીવ્ર કક્ષાની વાતને એ સાંભળી શકે છે, apply કરી શકે છે. પછી ભગવાન ગૌતમે કહ્યું, શક્તિપાતના રૂપમાં કે તમારી પાસે પણ એવી જ ઉદાસીનદશા છે, એવી જ વિતરાગદશા છે. અને ૫૦૦ ઉપર એ શક્તિપાત થઇ ગયો. કેવલજ્ઞાની. તમે પરમાત્માની પરમ ઉદાસીનતા ને સાંભળો તો છો. જુઓ પણ છો. એ જોયા પછી થયું શું? ભીતર કોઈ ખલબલાટી મચી? પ્રભુ કહે છે, હું સ્વમાં સ્થિર થયેલો છું, માટે આનંદમાં છું. તું પણ સ્વમાં સ્થિર થઇ જા. હવે એક અનુભવ કરો, ધ્યાનમાં અડધો કલાક- કલાક માટે જાવ. ઉપયોગ સ્વની અંદર ગયેલો હોય, એટલી બધી શાંતિ, એટલો બધો આનંદ, તમને મળશે…કે તમે વિચારી શકશો, કે સ્વમાં જવાથી આટલો બધો આનંદ મળે છે. આમ છે ને આનંદના અને શાંતિના બે પ્રકાર છે. પહેલી શાંતિ જે મળે છે, એ વિકલ્પોના અભાવની શાંતિ હોય છે, પછી તમે એના સાતત્યમાં જાવ છો ત્યારે તમારે વાસ્તવિક શાંતિ તમને મળે છે. પહેલાં તો શું થશે? નિર્વિકલ્પ દશાને તમે ઘૂંટશો. તમે બેસશો. વિકલ્પો એક પણ નથી. કદાચ કોઈક વિચાર આવી ગયો તો પણ એને જોઈ લીધો. એ વિચારમાં ભળવાનું તમારે છે નહિ. તો એ જે શાંતિ તમને મળી, એ જે આનંદ તમને મળ્યો, એ વિકલ્પોના અભાવવાળો આનંદ છે. તમારો પોતાનો આનંદ નહિ. પણ વિકલ્પોના અભાવવાળો આનંદ પણ આટલો બધો સરસ તમને લાગે ત્યારે તમે પોતે વિચારી શકો. કે મારો પોતાનો આનંદ કેવો હશે…
તો એ જે વિકલ્પોના અભાવવાળો આનંદ મળ્યો, એ ભૂમિકાએ પહોંચ્યા પછી તમારે આગળ વધવું છે. એ ભૂમિકા એટલે foundation થયું. એ foundation ઉપર તમારે આગળ વધવું છે. શું કરવું છે? કે ઉપયોગને સ્વની અંદર સમયના ગાળા ઉપર પણ વિસ્તારવો છે. અને ઊંડાણમાં પણ લઇ જવો છે, બે કામ કરવા છે. ઉપયોગ સ્વમાં ગયો, એ સમયગાળાને ધીરે ધીરે વિસ્તારતા જાવ. અડધો કલાક, કલાક, દોઢ કલાક. ૨૪ કલાક તમે ધ્યાનમાં રહી શકો છો. ભગવાને જે જાગૃતિની વાત કરી ને એ જાગૃતિ એ ધ્યાન છે. એ જાગૃતિની વ્યાખ્યા જ્ઞાનસારે આપી, અને એ વ્યાખ્યામાં એક જ વાત છે, કે તમારી મનોદશા પરભાવમાં ગયેલી ન હોય. અને તમે સ્વ તરફ જવાની કોશિશ કરી રહ્યા હોય એ જાગૃતિ છે. તો તમારે તમારી જાગૃતિને વિસ્તારવી છે.
ભગવાને કહ્યું; ‘મુણિણો સયયં જાગરન્તિ’ ૨૪ કલાક જાગૃત રહેવાનું છે. તો એ જાગૃતિ આ વિકલ્પોના અભાવવાળા આનંદ પછીની, કે જ્યાં તમે પોતે છો અને તમે પોતે તમારા આનંદને માણી રહ્યા છો. તો હવે બે વસ્તુ થઇ. સમયના ગાળા ઉપર તમે એનો વિસ્તાર કર્યો. ૨ કલાક ધ્યાન છે, ૩ કલાક કર્યું, ૪ કલાક કર્યું, આપણી છે ને આખી પરંપરા બહુ મજાની છે. ધ્યાનશતક આપણે ત્યાં ધ્યાનનો authentic ગ્રંથ એમાં બહુ સરસ વાત લખી, કે ભાવનાને લઈને કોઈ ચડે અને ધ્યાનમાં જાય, ધ્યાન પાંખું પડ્યું, ભાવનામાં એ આવી ગયો. ભાવનાને સુદ્રઢ કરી, પાછો ધ્યાનમાં ગયો, એટલે ધ્યાન-ભાવના, ધ્યાન-ભાવના, ધ્યાન-ભાવના, એમ કરીને તમે ૨૪ કલાક જાગૃતિમાં રહી શકો.
આપણે ત્યાં શાંત સુધારસમાં સોળ ભાવનાઓ આપી. દિગંબરોનું કાર્તિકેય અનુપ્રેક્ષા ગ્રંથ છે, એમાં એક બહુ સરસ વાત થઇ છે, કે અનિત્ય ભાવના તો ત્યાં અપાઈ. પણ પછી પૂછવામાં આવ્યું; કે આ બધું અનિત્ય છે તો નિત્ય કોણ? તો કહે કે નિત્ય આત્મતત્વ છે. એ રીતે બધી જ ભાવનાઓનું પર્યવસાન સ્વની અંદર કરવામાં આવ્યું. આ અશુચિ છે બધું. બધું અશુચિ છે તો શુચિ કોણ? પવિત્ર કોણ? આત્મતત્વ. તમારું આત્મતત્વ નિર્મળ જ છે. નિશ્ચયનયની દ્રષ્ટિએ આપણે અલિપ્ત જ છે. ‘અલિપ્તો નિશ્ચયેનાત્મા, લિપ્તશ્ચ વ્યવહારત:’ પણ આપણે ત્યાં વ્યવહાર અને નિશ્ચયનું balancing છે. નિશ્ચયથી મારો આત્મા પણ શુદ્ધ જ છે. પણ મને ખ્યાલ છે કે રાગ-દ્વેષ મને થાય છે. હું રાગ-દ્વેષથી લિપ્ત છું. અને એથી મારે એ રાગ-દ્વેષને ઉખાડવા માટે મહેનત પણ કરવી જોઈએ. પણ એ રાગ-દ્વેષ છે ક્યાં? કર્મોનો ઉદય, કર્મોનો બંધ, સત્તા છે ક્યાં?
સમયસાર જેવો શ્વેતાંબરીય ગ્રંથ છે, અધ્યાત્મ બિંદુ. જેનું હમણાં જ વિવેચન ભાગ્યેશસૂરીજીએ લખ્યું છે. તો એ અધ્યાત્મ બિંદુમાં હર્ષવર્ધન ઉપાધ્યાય કહે છે: ‘बन्धोदयोदीरणसत्त्वमुख्या:, भावा:प्रबन्ध: खलु कर्मणां स्यात्’ l
બંધ, ઉદય, ઉદીરણા ને સત્તા ખરી, પણ એ કોને? કર્મને. મારે શું છે? યોગવિંશિકાની અંદર બહુ મજાની વાત આવે છે, યોગવિંશિકામાં એક મણીકાંચન યોગ થયો છે. હરિભદ્રાચાર્યનું મૂળ અને મહોપાધ્યાયજીની ટીકા એટલે મણીકાંચન યોગ. તો એમાં બહુ સરસ વાત કરી, કે શ્રેણીની અંદર અનાલંબન હોય છે. પછી પૂછવામાં આવ્યું; કે જે જિનકલ્પીકો છે, બિલકુલ નિર્વિકલ્પ છે અને આત્મસ્વરૂપના વિભાવનમાં ડૂબેલા છે. એમને અનાલંબન હોય કે ન હોય? ત્યારે ઉપાધ્યાયજીએ સ્પષ્ટ કહ્યું; કે આત્મસ્વરૂપનું વિભાવન કરનાર અને વિકલ્પોથી પર બનેલ સાધક એ અનાલંબનને પ્રાપ્ત કરી શકે છે. ભલે મુખ્ય અનાલંબન ના પ્રાપક અનાલંબન. હવે એને આપણે નીચે ઉતારીએ. પ્રમત્ત સંયમ ઉપર, વિકલ્પો નથી, અને તમે આત્મસ્વરૂપનું જ સતત વિભાવન કરી રહ્યા છો. તો અનાલંબન હોય. ઉપાધ્યાયજી ભગવંતે બીજી વાત એ પણ લખી છે, કે સાધકે પોતાના નિશ્ચયનયથી શુદ્ધ આત્મતત્વનું સ્વરૂપ સતત અનુપ્રેક્ષામાં લેવું જોઈએ. આખર તમારી સાધના શેના માટે છે? આ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવા માટે.
આપણી બધી જ સાધના આત્મનિર્મલીકરણ માટે છે. તો વિકલ્પોના અભાવવાળો આનંદ મળ્યો. હવે એને સમયના ગાળા પર વિસ્તારો. ઊંડાણ પણ વધતું જશે. અને જેમ-જેમ ઊંડાણ વધતું જશે, તેમ-તેમ તમારો જે મૂળભૂત આનંદ છે, એનો સ્પર્શ તમને થશે. આ જ આનંદનો સ્પર્શ હેમચંદ્રાચાર્ય ને થયો. અને એટલે એમને યોગશાસ્ત્રમાં લખ્યું, મોક્ષ જ્યારે થાય ત્યારે. પણ મોક્ષમાં હોય એવા આનંદની એક નાનકડી આવૃત્તિ મારી પાસે છે. તો સમર્પણ, શક્તિપાત. તમે પ્રભુના પ્રશમ રૂપને જુઓ છો, પણ તમને ક્યારેય થયું કે ક્રોધ વિભાવ છે. અને ક્ષમા જ મારું સ્વરૂપ છે. હું ઘણીવાર કહું છું કે ક્ષમાનો વિચાર તો નથી કર્યો, ક્રોધનો ય વિચાર ક્યાં કર્યો છે… ક્રોધ + ધ્યાન કરો. ક્રોધ શા માટે કરો છો? ક્રોધ કરનારો એમ જ કહે સામાએ આમ કર્યું. માટે મને ગુસ્સો આવ્યો. સામાએ કર્યું કે તારા કર્મે કર્યું?
તારું કર્મ નિમિત્ત છે, પેલો તો બિચારો એમ ને એમ ખોટો દેવાદાર થઇ ગયો. તો ક્ષમા + ધ્યાન એ તો બરોબર પણ ક્રોધ + ધ્યાન કરો. ક્રોધની ક્ષણોને જુઓ ક્રોધ શા માટે છે? ક્રોધના પણ દ્રષ્ટા બનો. ચિદાનંદજી મહારાજે રૂપસ્થ ભાવનાના ચિંતનમાં કહ્યું; ‘રહત વિકાર સ્વરૂપ નિહારી, તાકી સંગત મનસાધારી, નિજ ગુણ અંશ લહે જબ કોય, પ્રથમ ભેદ તિણે અવસર જોય.’ ‘રહત વિકાર સ્વરૂપ નિહારી’ ચાલો ભગવાનનું સ્વરૂપ હજી નથી જોઈ શકતા ને? વાંધો નહિ. તમારામાં રાગ-દ્વેષ ઉઠ્યો એને જોશો? બહુ મજાની વાત લખી, એને બરોબર જુઓ. તો શું થયું? તમારા ગુણોનો અંશ તમને મળ્યો. દ્રષ્ટાભાવ તમને મળ્યો. દર્શનગુણ જે છે, એનો આંશિક ગુણ દ્રષ્ટાભાવ રૂપે તમને મળ્યો. કે તમે આસક્તિને જોવો છો. આસક્તિ દ્રશ્ય છે. તમે દ્રષ્ટા છો.
એક માણસ tasty ચા પીતો હોય, એને એમાં taste આવે છે. તો હવે એક મન જે છે એ ચા ના ટેસ્ટને પણ આસ્વાદે છે. બીજું મન એ જોઈ પણ શકે છે. કે મને આસક્તિ ઉઠી છે. આવું જ ક્રોધ વખતે કરો. એક મન ક્રોધમાં છે, અને તમે ક્રોધના દ્રષ્ટા છો. તમે દ્રષ્ટા જ છો. વિભાવોના કર્તા નથી. નથી અને નથી. You are only the observer. Only the seeker. તમે માત્ર દ્રષ્ટા છો. તો આસક્તિને જોઈ, આસક્તિ દ્રશ્ય છે, તમે દ્રષ્ટા છો. અને દ્રશ્ય અને દ્રષ્ટા અલગ હોવાના, એટલે ક્રોધ મારો સ્વભાવ એવું તમે નહિ કહો, એક શિષ્યે ગુરુને કહેલું, કે સાહેબ શું કરું? ક્રોધ મારો સ્વભાવ થઇ ગયો છે. ગુરુ બી મજાના માણસ હતા. અચ્છા, અચ્છા એવું છે… જો હું, ready one, two, three કહું છું. Three કહું એટલે ગુસ્સો શરૂ કરી દેવાનો. પેલો કહે એમ તો શી રીતે આવે પણ… કેમ ન આવે તારો સ્વભાવ છે તો… પાણીનો સ્વભાવ ઠંડું થવાનો તો ઠંડું જ રહેશે. એને ગરમ કરશો તો પણ ઠંડું થઇ જવાનું છે. એટલે ક્રોધ એ સ્વભાવ નથી એ ખ્યાલ આવી જાય ક્રોધ દ્રશ્ય છે, હું દ્રષ્ટા છું.
તો બીજી ૫૦૦ ની બેચ પર ભગવાન ગૌતમે આ કામ કર્યું. પ્રભુની ઉદાસીનદશાનું વર્ણન, પ્રભુની વિતરાગદશાનું વર્ણન. પ્રભુના પ્રશમરસનું વર્ણન. અને એ વર્ણન કરીને કહ્યું; કે તમારી ભીતર આ બધું છે. પેલા લોકો ઊંડા ઉતર્યા, સમ્યગ્દર્શન પાંચમુ, છટ્ઠું, સાતમું ક્ષપકશ્રેણી અને તેરમું. ૫૦૦ ની બેચ બાકી રહી હવે, એ લોકો સમવસરણમાં આવે અને દૂરથી પરમાત્માને જોવે, બસ પરમાત્માને જોયા, એમની વિતરાગદશાને જોઈ, ગુરુનો શક્તિપાત એ વખતે લાગુ પડી ગયો. કરેમિ ભંતે વખતે ન મળ્યો, જિનગુણશ્રવણ વખતે ન મળ્યો, પણ જિનરૂપદર્શન, જિનગુણદર્શન વખતે શક્તિપાત થઇ ગયો. અને ૫૦૦ ની ત્રીજી બેચ પણ કેવલજ્ઞાનને પામી ગઈ. એટલે સદ્ગુરુ શક્તિપાત કરવા તૈયાર છે. તમે શક્તિપાત ઝીલવા તૈયાર? એક સાદો પ્રશ્ન પૂછું? ગુરૂ આપે એ તમને ગમે? કે તમને ગમે તે ગુરુ આપે? બહુ જ સાદો પ્રશ્ન. તમને ગમે તે અમારે આપવાનું. કે અમને તમારા માટે જે ઠીક લાગે એ અહીં આપી દઈએ… જ્યાં સમર્પણ છે ને ત્યાં આ જ વાત આવે. સાહેબ આપ જે આપો એ જ મધુરું મધુરું છે. આપનો પુણ્યપ્રકોપ પણ એટલો મીઠો લાગશે, ગુરુ ક્રોધ ન કરે ક્યારે હો… ગુરુ ક્રોધ ન કરે પણ ગુરુ પુણ્યપ્રકોપ કરે, ક્રોધમાં શું થાય? અંદર – બહાર બધું ગરમ થઈ જાય. શિષ્યને જરૂર છે તો લાલ આંખ કરી દીધી. ચોયણા, પડીચોયણા.. પણ ગુરુ પોતે ઠંડા છે.
એકવાર બુદ્ધ માટે એવું બન્યું, દેવદત્ત ઉપર ગુસ્સે થયા. બુદ્ધ ગુસ્સે થયા, પટ્ટશિષ્ય આનંદ બુદ્ધના ગુસ્સાને પી રહ્યો છે. તમે તો વાચનાને પીઓ કદાચ. આનંદ બુદ્ધના ગુસ્સાને પી રહ્યા છે. મારા ભગવાન ગુસ્સે થાય? પાછળથી આનંદે પૂછ્યું; કે ભગવાન! તમે ગુસ્સે થયેલા? ત્યારે બુદ્ધે કહ્યું, હું ગુસ્સે થયો હતો એમ નહિ, મેં ગુસ્સાનો ઉપયોગ કર્યો હતો. એના માટે જરૂરી હતી તો આપી દીધું. ડાયાબીટીસ થયેલું હોય તો દર્દીને વૈદ્ય કહી દે કે કારેલાંનો રસ આ છે તું પી લે. પણ કારેલાંનો રસ આપનાર વૈદ્ય કડવો બનતો નથી. પેલાને જરૂરત છે માટે કારેલાંનો રસ આપ્યો. એમ બુદ્ધ કહે છે, કે એના માટે જરૂરી હતું, આપી દીધું. હું ક્યાં ગુસ્સે થયો હતો? તો હવે ગુરુને ઠીક લાગે એ આપી દે એમ.. ત્રિલોચનસૂરિ મ.સા. ની વાત આવે છે, પચ્ચક્ખાણ લેવા ગયા, રોજ ગુરુ મહારાજ એકાસણાનું આપતાં. એ દિવસે સોળભત્તાનું આપી દીધું. પૂછ્યું નથી કે તું સોળભત્તું કરીશ? કેટલાથી આપું, કટકે કટકે આપું… પેલો તો એકાસણાનું પચ્ચક્ખાણ લેવા આવ્યો. સીધું સોળનું આપી દીધું. સોળમાં દિવસે સાંજે પ્રતિક્રમણ પછી એક ભાઈ એમની સેવા કરતો હતો, સાહેબ કાલે તો પારણું ને, તો પારણું ગુરુ મહારાજના હાથમાં. મારો કોઈ વિચાર જ નથી. શું એ સમર્પણ હશે… કાલે ગુરુદેવ પાસે જઈશ, જે પચ્ચક્ખાણ આપશે તે… અને બીજા દિવસે ગયા, ગુરુ મહારાજ કહે સોળભત્તું સરસ થઇ ગયું. હવે ચૌદ ઉપવાસના આપી દઉં છું. એટલે માસક્ષમણ થઇ જાય.
ચરનન લય લીના રે, ચરણોની અંદર – પ્રભુના, સદ્ગુરુના ચરણોમાં ઝુકી જવું છે, ઓગળી જવું છે, પીગળી જવું છે.