વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : ગ્રંથ-ગુરુ
જીવંત-ગુરુ અને ગ્રંથ-ગુરુ – આ બે પરંપરા આપણે ત્યાં છે. જો જીવંત સદ્ગુરુ તમને કહે કે : આ આચાર્ય ભગવંતના ગ્રંથોને તારે વાંચવાના છે – તો એ આચાર્ય ભગવંત તમારા ગ્રંથ-ગુરુ બને છે.
અનુભૂતિવાન વ્યક્તિના શબ્દો મળવા એ પણ બહુ દુષ્કર છે કારણ કે અનુભૂતિની ટોચ પર તમે જાઓ, પછી તમે speechless થઇ જાઓ છો. શબ્દો રહેતાં નથી; રહી શકતાં નથી.
એટલો બધો આનંદ ભીતરનો આવે છે કે શબ્દોની દુનિયામાં બહાર આવી જ ન શકાય. તેમ છતાં આપણા મહાપુરુષો બહાર આવ્યા અને આપણને ગ્રંથો આપ્યાં; માત્ર અને માત્ર પ્રભુની આ આજ્ઞાને ખાતર : તને સિદ્ધિ થઇ છે, તો તારે વિનિયોગ કરવાનો છે.
આત્મ તત્વનું અનુસંધાન વાચના – ૧૩
‘નિઃસંગં મન: સામાયિકં’ પરનો અસંગ = પરમનો સંગ. એ પરમની પ્રીતિ ઉપર, એ પ્રીતિની ધાર ઉપર આપણે ચાલીએ, ત્યારે આપણને કેવો અનુભવ થાય એની મજાની વાત કબીરજીએ આપણને આપી. ‘ભક્તિ કા મારગ ઝીણા ઝીણા રે, નહિ અચાહ, નહિ ચાહના, ચરનન લય લીના રે’ સમર્પણની વાત બે દિવસથી આપણે ઘૂંટી રહ્યા છીએ. એક સમર્પણ તમારી પાસે આવી ગયું, you have not to do anything absolutely. બીજું કાંઈ જ તમારે કરવાનું નથી.
સદ્ગુરુનો શક્તિપાત, તમારી સાધના uplifted થઇ જાય. ભગવાન ગૌતમની વાત જ્યારે-જ્યારે હું કરું છું ને ત્યારે મારી આંખો ભીંજાતી હોય છે. એમ થાય કે પચ્ચીસો-સાડા પચ્ચીસો વર્ષ મોડા જન્મ્યા. એ વખતે પ્રભુ ગૌતમના હાથે દીક્ષા થઇ હોત તો, ભવભ્રમણાનો અંત આવી ગયો હોત. ભગવાન ગૌતમ યાદ આવે, એ જ રીતે મને મારા બે ગ્રંથ ગુરુઓ યાદ આવે. જીવંત ગુરુ અને ગ્રંથ ગુરુ આ બે પરંપરા આપણે ત્યાં છે. સદ્ગુરુ તમને કહે કે આ આચાર્ય ભગવંતના ગ્રંથોને તારે વાંચવાના છે, તો એ સદ્ગુરુ તમારા ગ્રંથ ગુરુ બને છે. મને બે ગ્રંથ ગુરુ મળ્યા. પચ્ચીસ એક વર્ષનું મારું વય, પૂર્વના અને પશ્ચિમના ઢગલાબંધ પુસ્તકો વાંચતો હોઉં, અને અહંકારને પુષ્ટ કરતો હોઉં. ગુરુદેવની કરુણામય નજર મારા ઉપર પડી. મને બોલાવ્યો, યશોવિજય! અહીં આવ. હું ગુરુદેવના ચરણોમાં ગયો, વંદના કરી, એ વખતે ગુરુદેવે પૂછ્યું, કે આટલા બધા પુસ્તકો તું વાંચે છે, હરીભદ્રસૂરિ મ.સા. ના ગ્રંથોને તે વાંચ્યા? મેં કહ્યું, સાહેબજી હવે મારો વિચાર એ જ છે કે હરીભદ્રસૂરિ દાદાના ગ્રંથો હું વાંચું. એમણે અનુજ્ઞા આપી. વાંચ. મેં પૂછ્યું, કયા ગ્રંથથી શરૂઆત કરું? ગુરુદેવે કહ્યું, યોગબિંદુથી શરૂઆત કર. હવે આપણને ખ્યાલ છે, પહેલાં યોગશતક, પછી યોગદ્રષ્ટિ સમુચ્ચય, પછી યોગવિંશિકા અને છેલ્લે યોગબિંદુ આવે. ગુરુદેવે મને સૌથી પહેલાં યોગબિંદુ આપ્યું. મેં યોગબિંદુ વાંચવા લીધું. છેલ્લે એક મજાનો શ્લોક આવ્યો, ‘વિદુષાં શાસ્ત્રસંસાર:, સદ્યોગ રહિતાત્મનામ્’ મેં કહ્યું; વાહ! હરીભદ્રસૂરિ દાદાએ લાકડી તો બરોબર લગાવી. ગુરુ મોહે મારે શબ્દ કી લાઠી, ચેલે કી મતિ અપરાધીની નાઠી’ એ શ્લોકાર્ધ વિદુષાં શાસ્ત્રસંસાર:, સદ્યોગ રહિતાત્મનામ્ – જો તમારું યોગનું નેત્ર ખુલ્યું નથી, તો તમારા માટે ગ્રંથોનો પણ સંસાર છે. એવી લપડાક લાગી, બે ગાલ ઉપર, એ જ ક્ષણે, ગ્રંથોનો સંસાર છૂટી ગયો. ગ્રંથો રહ્યા. પણ ગ્રંથો દ્વારા પણ રાગ-દ્વેષાત્મક સંસારમાં હું જતો હતો એ અટકી ગયો. એ પછી તો હરીભદ્રસૂરિ મહારાજના એક-એક ગ્રંથોને વાંચ્યા નહિ, ઘૂંટ્યા. કેટલાય લોકોને વંચાવ્યા.
એ પછી કલાપૂર્ણસૂરિ દાદાનું છેલ્લું વંદન રાજસ્થાન કલાપુરામાં થયું. ઝાલોર જીલ્લામાં, પૂરો દિવસ ગાડીઓની લાઈન લાગતી હતી. સાંજે હું આરામથી સાહેબના ચરણોમાં બેઠો. મેં કહ્યું સાહેબ! મારા માટે હિતશિક્ષા.. એમણે મને કહ્યું, દેવચંદ્રજી મહારાજને ઘૂંટવાના છે. બીજા ગ્રંથગુરુ મળી ગયા. એ પછી દેવચંદ્રજી મહારાજને પણ ઘૂંટ્યા. એમ લાગ્યું, કે પ્રભુ શાસનનો હાર્દ, આ બંને ગ્રંથ ગુરુઓના શબ્દોમાંથી મળી ગયો.
હરીભદ્રસૂરિ મહારાજની અભિવ્યક્તિ મજાની છે એ તો બરોબર, પણ એમણે પોતાની શ્રેષ્ઠ પ્રજ્ઞા દ્વારા, જે પદાર્થોને ખોલ્યા છે, આપણે છક થઇ જઈએ. મારો વિચાર હવે એ જ છે. કે હરીભદ્રસૂરિ મ.સા. એ જે અમુલ્ય પ્રદાન આપ્યું છે એના વિશે કંઈક લખું. પ્રણિધાનની વ્યાખ્યા, કોઈ પણ સદ્ગુરુ કરે તો શું કરે? તે-તે ક્રિયામાં મનનું જોડાણ. હરીભદ્રસૂરિ મ.સા. મનોવિજ્ઞાનના આયામના આચાર્ય છે. એમણે જોયું, કે સાધના કરવા આવેલો સાધક સાધનામાં ઓતપ્રોત ન થાય એનું કારણ શું? બે કારણો એમને શોધ્યા. કે એક તો પરમાં એની નજર જાય છે. પેલો આમ કરે છે, પેલો આમ કરે છે. અને સ્વાર્થીય દ્રષ્ટિકોણ એનો રહેલો છે. જેના કારણે શ્રેષ્ઠ ગુરુઓના ચરણોમાં એ, એ રીતે ઝુકી શકતો નથી જે રીતે એને ઝૂકવું જોઈએ. સ્વાર્થીય દ્રષ્ટિકોણ છે, મને ભૌતિક લાભ ક્યાંથી મળશે એ ગુરુ પાસે જાઉં. તો હરીભદ્રસૂરિ મહારાજે પ્રણિધાનની વ્યાખ્યામાં ષોડશકની અંદર ઉમેરી દીધું. હીનગુણ દ્વેષાભાવ. પરોપકાર વાસના, વિશિષ્ટતા. તો આ બંને ગ્રંથ ગુરુઓ માટે એક વિચાર મને સતત આવે, કે એમના યુગમાં હું જન્મેલો હોત, અને એમના ચરણોમાં બેસીને આ ગ્રંથો વિશે, મને કંઈક કહેવામાં આવત, તો મને કેટલો બધો આનંદ થાત. જેમના શબ્દોની અંદર આટલું મળે છે, એમના પોતાનામાં બળ કેટલું હશે… એક વાત યાદ રાખો, અનુભૂતિવાન વ્યક્તિના શબ્દોમાં જ બળ હોય છે. જેની પાસે અનુભૂતિ છે જ નહિ, એની અભિવ્યક્તિ ગમે એટલી સારામાં સારી હોય, આપણને જોતાં જ લાગે કે ખાલી માણસ છે.
એકવાર હું સુરતથી ડીસા બાજુ આવવાનો હતો, તો સુરતમાં એક સાધકે મને કહ્યું કે સાહેબ! ભરૂચમાં નર્મદાના પુલથી નજીકમાં એક સંતનો આશ્રમ છે. હું ઘણીવાર ત્યાં ગયેલો છું. આત્મતત્વ ઉપર કેટલું સરસ એ બોલે છે, કે આપણે ખુશ થઇ જઈએ. આપની ઈચ્છા હોય તો આપના સમય પ્રમાણે એમનો સમય ગોઠવાવી આપું. મેં એ વખતે એટલું જ કહ્યું એમને, કે મારે બહુ ઝડપથી જવાનું છે એટલે મને નહિ ફાવે. પણ મારા મનમાં એ હતું કે હવે શબ્દોની કંઈ જરૂરિયાત નથી. મહાપુરુષોના શબ્દો વાંચો, બરોબર છે. એ કહે છે હું આત્મતત્વ ઉપર બહુ સરસ બોલું છું. ભાઈ આત્મતત્વની અનુભૂતિ થઇ ગઈ છે. તું ગમે એવા શબ્દોમાં pack કરીને આપે તો ય મારે શું છે? અનુભૂતિવાન વ્યક્તિના શબ્દો મળવા એ પણ બહુ દુષ્કર છે. અનુભૂતિની ટોચ પર તમે જાવ, તમે speech less થઇ જાવ છો. શબ્દો રહેતાં નથી, રહી શકતાં નથી. એટલો બધો આનંદ ભીતરનો આવે છે, કે શબ્દોની દુનિયામાં તમે બહાર ક્યાંથી આવી શકો… પણ આપણા મહાપુરુષો બહાર આવ્યા, માત્ર અને માત્ર પ્રભુની આજ્ઞા ને ખાતર. કે તને સિદ્ધિ થઇ છે તો તારે વિનિયોગ કરવાનો છે. તો ઘણીવાર થાય કે દેવચંદ્રજી મહારાજ તો હમણાં જ થયા છે, થોડોક વહેલો જન્મેલો હોત, તો એમના ચરણોમાં બેઠેલો હોત.
જર્મનીમાં એક પ્રોફેસર હતાં, મહિલા પ્રોફેસર. એ બૌદ્ધ ગ્રંથોને યુનિવર્સીટીમાં ભણાવતા હતા. એમની માસ્ટરી હતી. પણ જેમ મને હરીભદ્રાચાર્ય ગમી ગયા, એ જ રીતે એ પ્રોફેસરને એક ગુરુના ગ્રંથો બહુ જ ગમી ગયા. કહો કે એ ગુરુના પ્રેમમાં પડી ગયા. પ્રભુના પ્રેમમાં પડ્યા છો ને હમણાં તો… હમણાં ક્યાં છો બધા? પ્રભુના સંમોહનમાં. એવું સંમોહન કે દુનિયાનું સંમોહન ઉડી જાય. એક પદાર્થ પ્રત્યેનો, એક વ્યક્તિ પ્રત્યેનું આકર્ષણ ના રહે. મેં આજે સવારે જ કહેલું, કે એક મુમુક્ષુની આંખ કેવી? એ આંખ જોતાં લાગે કે આ વ્યક્તિ કોઇથી પણ આકર્ષિત ન થઇ શકે. એ પ્રભુના પ્રેમમાં એટલા હદે પાગલ બની ગઈ છે કે દુનિયાના કોઈ પણ પદાર્થથી, કોઈ પણ વ્યક્તિથી સંમોહિત ન થઇ શકે. અને આવી અભિવ્રજ્યા હોય, પછી જ પ્રવ્રજ્યા આપવાની છે. એવું પ્રભુનું સંમોહન હોય, કે પ્રભુ સિવાય, પ્રભુની આજ્ઞા સિવાય, એને કંઈ ગમતું જ નથી. તો એ પ્રવ્રજ્યામાં આવશે, પર તરફ એની નજર નહિ હોય.
ભગવાને આચારાંગ સૂત્રમાં કહ્યું તેમ એ ‘તદ્દિટ્ઠીએ’ બની જશે. તમારે પ્રભુદ્રષ્ટિક બનવાનું છે. કો’ક તમને પૂછે, હમણાં કોઈક ભાઈ આવ્યા હતા? પેલા ભાઈ હતા? તમે કહો સાહેબ કોઈ આવ્યું તો હતું, કોણ હતું મને ખબર નથી. દશવૈકાલિક સૂત્રમાં આવે, ન ય દિટ્ઠં સુઅં સવ્વં, ભીક્ખૂ (સાહુ) અક્ખાઉમરિહઈ ’ એનો એક અર્થ મને બહુ સરસ મળ્યો, એક મુનિરાજ સ્વાધ્યાય કરે છે. બે જણા એમનાથી પાંચેક ફૂટ દૂર કઈક વાતો કરી રહ્યા છે, અડધો કલાક સુધી. એ વાતો કરીને ગયા, મુનિરાજનો સ્વાધ્યાય પૂરો થયો, કો’ક મુનિરાજને પૂછે છે, કે બે જણા તમારી જોડે બેઠેલા હતાં, એ શું વાત કરતાં હતાં? ત્યારે કહે છે કે ભાઈ મને ખબર નથી. મારો ઉપયોગ પુરેપુરો સ્વાધ્યાયમાં હતો. એ જ રીતે વહોરવા ગયા, તમારી આંખો નીચે જ ઝુકેલી છે, કોઈ પૂછે, કે બહારની ગાડીમાં એ ઘરે ફલાણા ભાઈ આવવાના હતા, આવેલા હતા? મુનિ કહે છે, સાહેબજી મને કંઈ ખ્યાલ નથી. ‘તદ્દિટ્ઠીએ’ બીજા કોઈનો ખ્યાલ ન હોય. કોણ આવ્યું, કોણ ગયું? જાણનાર જાણે, મારે જાણવાનું નથી. મારે તો જાણનાર ને જાણવાનો.
તો પ્રોફેસરની ઈચ્છા થઇ કે આ સદ્ગુરુ મને મળ્યા હોત તો કેટલો આનંદ આવત મને… પણ પ્રોફેસર તંત્રજ્ઞ હતા, બૌદ્ધ ગુરુ હતા એટલે એ ખ્યાલ હતો કે એક જ મઠમાં વર્ષો સુધી એ રહેલા હોય. અને એક ખંડમાં એ રહેતા હોય, તો એ ખંડ એમની ઉર્જાથી સભર હોય. ૨૦૦-૫૦૦ વર્ષ એ કાળના મહાસાગરમાં એક નાનકડી ચમચી એક tiniest portion છે. હું ઘણીવાર સમેતશિખર જનારા યાત્રિકને કહું, કે ઋજુવાલિકાનેકાંઠે ધ્યાનમાં તું બેસી શકે, તો કલાક-બે કલાક ધ્યાનમાં બેસજે. પ્રભુના કૈવલ્ય વખતે જે આંદોલનો નીકળેલા, એને વૃક્ષોએ વધુ પીધેલા છે. પણ ધરતીએ પણ પીધેલા તો છે જ. વૃક્ષની receptivity વધારે છે, ધરતીની એનાથી ઓછી છે. ધારો કે વૃક્ષ આપણને નથી મળતું, ધરતી તો એ જ છે. એ ધરતીની અંદર એ vibrations છે. હવે તમે થોડાક પણ મર્મજ્ઞ હોવ ને, તો તમે આજુબાજુમાં ફરો. જ્યાં તમને vibrations પકડાય ત્યાં બેસી જાવ.
આપણે ત્યાં એવી વ્યવસ્થા હતી, કે vibrations વાળું જે સ્થાન હોય એની બિલકુલ નજીક મંદિર નહિ બનાવતા. એની ઉપર તો ન જ બનાવાય, કારણ કે vibrations ઢંકાઈ જાય. પણ એની બિલકુલ બાજુમાં પણ નહિ. એનાથી અડધો કિલોમીટર દૂર, એ મંદિર એટલા માટે કે કોઈ મર્મજ્ઞ સાધક આવે એને ખ્યાલ આવે કે આજુબાજુમાં vibrations વાળું કોઈ સ્થાન છે. એટલે મંદિર પરિચાયક બને. એ ઋજુવાલિકાને કાંઠે જે દેરાસર છે એ આ પરિચાયક બને. પછી તમે ફરો, કિલોમીટર, દોઢ કિલોમીટર આમ, અને જ્યાં vibrations તમને મળે ત્યાં બેસી જાવ. તો પ્રભુના કૈવલ્ય વખતે જે આંદોલનો પેદા થયેલા, એ આંદોલનો તમને મળે. રાયણવૃક્ષે દાદા આદિનાથની ધ્યાનની ઉર્જાને receive કરી છે. દાદા કેવલી ન બન્યા, ત્યાં સુધી ઉપર આવેલા, અને જ્યારે-જ્યારે ઉપર આવેલા રાયણવૃક્ષની નીચે બેઠેલા. એ રાયણવૃક્ષે પ્રભુના ધ્યાનની ઉર્જાને પીધેલી છે. તમે એ રાયણવૃક્ષ નીચે શાંતિથી બેસો, તો તમને એ ધ્યાનની ઉર્જાનો અનુભવ થાય. બૌદ્ધ પરંપરા બહુ સરસ છે. બુદ્ધને સંબોધી જે વૃક્ષ નીચે થયું, એ બોધિ વૃક્ષની ડાળને વ્યવસ્થિત રીતે જાપાનમાં, તિબેટમાં અને બધે લઇ જવામાં આવી, અને ત્યાં એને પ્રતીરોપિત કરવામાં આવી. એ ડાળ લઈને જાય, બહુ મોટું વરઘોડો હોય, અને ગામે ગામે વરઘોડો ફરતો ફરતો રાજધાની માં પહોંચે, ત્યાં વૃક્ષનું પ્રત્યારોપણ થાય, અને એ વૃક્ષમાંથી પાછું બોધિ વૃક્ષ તૈયાર થાય. અને એ વૃક્ષની નીચે પાછા એ લોકો બેસે એટલે ભગવાન બુદ્ધની ધ્યાનની ઉર્જા એમને મળે. કારણ કે એમના માટે ભારત આવવું એ બહુ દૂરની ઘટના છે. તો વૃક્ષને ત્યાં લઇ ગયા. મેં એકવાર સુઝાવ આપેલો, અમદાવાદની એક સભામાં, કે રાયણ વૃક્ષનો કોઈ ભાગ આપણે લઇ શકીએ નહિ, પાંદડું પણ તોડી શકીએ નહિ, પણ કોઈ ડાળ એવી છે જે તૂટું તૂટું થઇ રહી છે, અને ગમે એટલા ઉપાયો કરો તો પણ બચી શકે એવી નથી તો એવી ડાળને નીચે ક્યાંક સરસ જગ્યાએ પ્રતીરોપિત કરવામાં આવે તો દિવસે-રાત્રે લોકો ધ્યાન કરી શકે. એટલે આ સમજ આપણા પૂર્વજોમાં બહુ જ હતી. કે વૃક્ષની નીચે બેસો, ધ્યાનની ઉર્જાને પ્રાપ્ત કરો.
એ પ્રોફેસરે તપાસ કરી કે આ ગુરુ ક્યાં રહેતાં હતા? તિબેટના એક મઠમાં રહેતાં હતા. ક્રિશ્ચયન ને પ્રવેશ મળે નહિ ત્યાં, જર્મનીના ચાન્સેલર જે હતા, એના ઉપર આ યુનિવર્સીટીની થોડી લાગવગ હતી, એ લાગવગ લાગી, એ લોકોએ તિબેટના સત્તાવાળા ઉપર લાગવગ લગાડી. અને પ્રોફેસરને એક મહિના સુધી મઠમાં જવાની છૂટ મળી. પ્રોફેસર આવી ગયા, five star hotel માં રોકાઈ ગયા. અને દિવસમાં બે કલાક-ચાર કલાક મઠમાં જાય. મઠ બહુ મોટો. બે કલાક ધ્યાન કરે છે પ્રોફેસર, પણ એ ગુરુની જે અનુભૂતિ પકડાઈ છે, એવી ઉર્જા મળતી નથી. કારણ કે વારંવાર એ ગ્રંથોને ભણાવ્યા છે. એના ઉપર અનુપ્રેક્ષા કરી છે. એટલે એ ગુરુનું ચિંતન કેવું હોય? એમની અનુભૂતિ કેવી હોય, એ એમને ખ્યાલ છે. તો આ ઉર્જા ક્યાંય પકડાતી નથી. એકવાર આખા મઠને જોવે છે, તો પાછળની બાજુ એક ઓરડો બંધ હતો, ખાલી તાળું લગાયેલું એમ નહિ, એના ઉપર સીલ લગાવેલું, કે આ ઓરડાને કોઈ ખોલી શકશે નહિ. પ્રોફેસરને લાગ્યું આ ઓરડાને જોતાં, કે ગુરુ અહીંયા જ રહેતાં હોવા જોઈએ. પૂછ્યું આશ્રમના સત્તાવાળાઓને, તો કહે એ તો ઓરડો બંધ જ છે, અને એ ખોલવાની કોઈને સત્તા નથી. હવે? ગુરુની ઉર્જાને લીધા વિના જવું નથી. ફરી લાગવગ લગાડી. ફરી તિબેટના સત્તાવાળા ઉપર દબાણ આવ્યું. એ તિબેટના સત્તાવાળાઓએ મઠના સત્તાવાળા ઉપર દબાણ લાવ્યું. અને છેલ્લે ઓરડો ખુલ્યો. ઓરડો જેમણે બંધ કરાવેલો એ ખરેખર મર્મી સાધકો હતા. એમને ખ્યાલ હતો, ગુરુની ઉર્જા અંદર છે. ઓરડો ખુલ્લો રાખશું કે બારી-બારણાં બધા ખુલ્લા રાખશું તો ઉર્જા નીકળી જશે. એટલે બધું જ pack કરી રાખેલું. અને ઉપર લખેલું કોઈએ ખોલવો નહિ. એ ખોલ્યો, પ્રોફેસર અંદર ગયા, ધ્યાનમાં બેઠા, સીધી જ એ ગુરુની અનુભૂતિ એમને મળવા લાગી. પંદર દિવસ તો એમના નકામા જ ગયા. પંદર દિવસ બાકી હતા, રોજના ૫-૫, ૬-૬ કલાક એ ઓરડામાં આવીને પ્રોફેસર રહેતા, અને ધ્યાન કરતાં અને ધ્યાનની અંદર એ ઉર્જાને પકડતાં.
ઉર્જાને પકડવા માટે ધ્યાન શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ છે. તમારું ચિત્ત શાંત થયેલું હોય, એકાગ્ર થયેલું હોય, ત્યારે જ આ સૂક્ષ્મ ઉર્જા પકડાય. કારણ કે એકદમ સૂક્ષ્મ ઉર્જા છે. એટલે ચિત્ત એકદમ શાંત ન થાય ત્યાં સુધી પકડાય નહિ. આપણે ત્યાં પણ બાપજી મ.સા. વર્ષો સુધી વિદ્યાશાળામાં રહ્યા, તો વિદ્યાશાળામાં આજે પણ આંદોલનો લાગે છે. તો સમર્પણની ધારા ભગવાન ગૌતમના શિષ્યોને મળેલી, આપણને પણ મળી જાય, એટલે શક્તિપાત આપણા ઉપર પણ થઇ જાય.