વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : ધ્યાનની તારી રે લાગી નેહ સું
તારી એટલે તન્મયતા. ધ્યાનની તન્મયતા શી રીતે મળે? એક જ શબ્દ આપ્યો : નેહ સું. પરમાત્માનો સ્નેહ એટલો બધો ભીતર છવાઈ જાય કે પછી ભીતર પરનો સંગ રહે જ નહિ, પરની પ્રીતિ રહે જ નહિ અને તમે માત્ર પરમની પ્રીતિમાં સરવા માંડો.
રાગ-દ્વેષ-અહંકારની સંક્લિષ્ટ ચિત્તવૃત્તિઓ જતી રહે એ યોગ, એ ધ્યાન. પ્રભુનો પ્રેમ ઉત્કટ કક્ષાએ પહોંચે, પછી ધ્યાન મેળવવું ક્યાં અઘરું છે! ભીતર પરમની પ્રીતિ આવે, સંક્લિષ્ટ ચિત્તવૃત્તિઓનો નિરોધ થાય, દ્રષ્ટા સ્વરૂપની અંદર પેસી જાય, સ્વસ્થિતિ એને મળી જાય.
ચિત્ત મેં શ્રુત એસે બસે, જૈસે જલ મીના રે. પાણીમાં માછલું જેમ તર્યા જ કરતું હોય, સ્થિર ન હોય, સતત તર્યા જ કરે, એ જ રીતે ભક્તના ચિત્તની અંદર પણ પ્રભુના પ્યારા પ્યારા શબ્દો સતત ઘુમરાયા કરતા હોય છે.
આત્મ તત્વનું અનુસંધાન વાચના – ૧૫
‘નિઃસંગં મન: સામાયિકં’ નિઃસંગતા આવે તો શું થાય?
પરનો અસંગ = પરમનો સંગ = પરમની પ્રીતિ. એ પ્રીતિ મનની અંદર spread out થઇ જાય, પરનો સંગ રહે ક્યાં? તમે તમારા મનને પ્રભુના પ્રેમથી ભરી દો, પછી બીજી એક પણ વ્યક્તિ માટે, બીજા એક પણ પદાર્થ માટે, તમારા મનમાં કોઈ જગ્યા જ નથી.
બહુ મજાની અભિવ્યક્તિ મોહનવિજય મ.સા. ની છે; ‘પ્રીતલડી બંધાણી રે અજીત જીણંદશું’ કેવી પ્રીત બંધાઈ? કેવી? ‘પ્રભુ પાખે ક્ષણ એક મને ન સોહાય જો’ પ્રભુ વગર એક ક્ષણ હું રહી શકું એમ નથી. એ જ કડીમાં એક બહુ સરસ ધ્યાન સૂત્ર મુક્યું છે; હું પોતે સમજુ છું ત્યાં સુધી ગુજરાતી ભાષામાં આટલું નાનકડું આવેલું ધ્યાનસૂત્ર બીજું કોઈ નથી. સંસ્કૃતમાં મળે. પાતંજલ યોગ સૂત્રોમાં મળે. योगश्चित्तवृत्तिनिरोधः, तदा द्रष्टुः स्वरूपेऽवस्थानम् પણ ગુજરાતીમાં ‘ધ્યાનની તારી રે લાગી નેહશું’ તારી એટલે તન્મયતા. તારી, સતોરી, આ બધા સુફી ધ્યાનની કક્ષાના શબ્દો છે. તો તારી એટલે તન્મયતા. ‘ધ્યાનની તારી લાગી રે’ ધ્યાનની તન્મયતા મને મળી ગઈ. શી રીતે મળી?
એક જ શબ્દ આપ્યો. નેહશું. પરમાત્માનો સ્નેહ એટલો બધો મારી ભીતર છવાઈ ગયો. કે પરનો સંગ રહ્યો નહિ, પરની પ્રીતિ રહી નહિ. હું માત્ર પરમની પ્રીતિમાં, સ્વની પ્રીતિમાં સરવા માંડયો. ‘ધ્યાનની તારી રે લાગી નેહશું’ બીજો એક અર્થ એ પંક્તિનો એવો પણ થાય, કે મને જે પ્રભુ પરનો પ્રેમ છે, એ પ્રેમ એટલો ઉત્કટ છે કે હવે મારા મનમાં બીજું કોઈ સમાઈ શકે એમ છે નહિ, એટલે હું ધ્યાનની ધારામાં બહુ ઝડપથી જઈ શકું એમ છું. ધ્યાનની ધારામાં તમારે જવું હોય તો શું કરવું પડે?
પતંજલિ ઋષિએ પહેલું જ સૂત્ર આપ્યું, योगश्चित्तवृत्तिनिरोधः’ ઉપાધ્યાયજી ભગવંતે એના ઉપર ભાષ્ય કર્યું છે, અને એમાં એમણે લખ્યું; ‘योग: संक्लिष्टचित्तवृत्तिनिरोधः’ તો રાગ દ્વેષ અહંકારની સંક્લિષ્ટ ચિત્તવૃત્તિઓ જતી રહે એ યોગ, એ ધ્યાન. પ્રભુનો પ્રેમ ઉત્કટ કક્ષાએ પહોંચ્યો. પછી ધ્યાન મેળવવું ક્યાં અઘરું છે. બીજું સૂત્ર બહુ સરસ છે, ‘तदा द्रष्टुः स्वरूपेऽवस्थानम्’ જ્યાં સંક્લિષ્ટ ચિત્તવૃત્તિઓનો નિરોધ થયો, ત્યારે દ્રષ્ટા સ્વરૂપની અંદર પેસી જાય. સ્વસ્થિતિ એને મળી જાય છે. તો રાગ, દ્વેષ, અહંકાર ઓછા કરો, પ્રભુના પ્રેમની ધારામાં દોડો, અને ધ્યાન તમને મળી જાય.
‘ધ્યાનની લાગી રે તારી નેહશું’ ઉદાહરણ આપે છે; ‘જલદ ઘટા જિમ શિવ સુત વાહન દાય જો’ મહાદેવજી ના બે પુત્રો, ગણેશજી અને કાર્તિકેયજી. ગણેશજી નું વાહન તો ઉંદર છે, કાર્તિકેયજી નું વાહન મોર છે. તો જલદ ઘટા – વાદળાઓ ઘનઘોર આકાશમાં જામી ગયા છે. પાણી પડું પડું થઇ રહ્યું છે, ત્યારે મોરને કેટલો બધો આનંદ થાય. શિવ સુત વાહન – કાર્તિકેયજી નું વાહન મોર, એને જેવો આનંદ આકાશમાં રહેલા વાદળાઓને જોઇને થાય એમ મને પ્રભુને જોઇને આનંદ થાય છે. આવો જ એ ભક્ત છે. એ ભક્તની મનોદશા કેવી હોય? આપણે જે પદ જોઈ રહ્યા છે, એમાં હવેનું પદ એ આવે છે, ‘ચિત્ત મેં શ્રુત એસે બસે, જૈસે જલ મીના રે’ ભક્ત કેવો હોય? ચિત્ત મેં શ્રુત એસે બસે – એના ચિત્તમાં માત્ર પ્રભુના શબ્દો રમતાં હોય. મારા પ્રભુએ શું કહ્યું છે? આમ પ્રવચન સાંભળતો હોય, પ્રવચનકાર મહાત્મા કહે: પ્રભુએ આમ કહ્યું છે પેલો નાચવા માંડે વાહ! મારા ભગવાને એ આ કહ્યું છે.
‘ચિત્ત મેં શ્રુત એસે બસે, જૈસે જલ મીના રે’ પાણીમાં માછલું જેમ તર્યા જ કરતું હોય, એ સ્થિર ન હોય એ તર્યા જ કરે, એ જ રીતે ભક્તના ચિત્તની અંદર પ્રભુના પ્યારા પ્યારા શબ્દો સતત ઘુમરાતા હોય છે. મારા પ્રભુએ આ કહ્યું… મારા પ્રભુએ આ કહ્યું… મારા પ્રભુએ આ કહ્યું… રૂપ પરમાત્મા અને શબ્દ પરમાત્મા. દેરાસરે જઈએ રૂપ પરમાત્માના સાનિધ્યમાં આપણે હોઈએ છીએ. પ્રવચન સભામાં બેસીએ છીએ ત્યારે અથવા તો સ્વાધ્યાય કરીએ છીએ ત્યારે શબ્દ પરમાત્માના સાનિધ્યમાં આપણે હોઈએ છીએ. રૂપ પરમાત્માનો લય તો કદાચ કલાક-બે કલાક આપણી પાસે હોય છે. શબ્દ પરમાત્માનો લય ૨૪ કલાક… તમારી ઊંઘ છે ને એને conscious sleep કહેવાય. એક સાધકની જે નિદ્રા છે એના માટે અત્યારની યોગિક દુનિયામાં શબ્દ છે conscious sleep. જે થાકે તે ઊંઘી જાય. બરોબર ને…શરીર થાક્યું છે તો સુઈ જાય. conscious mind વિચારો કરીને થાક્યું છે તો સુઈ જાય. તમે ક્યાં થાક્યા છો? તમારે ક્યાં સુવાનું છે? એટલે તો કહ્યું; ‘અંતરંત પમજ્જએ ભૂમિં’ પડખું બદલવાનું હોય, ત્યારે ઓઘાથી સંથારાની જમીન પુંજાઈ જાય, પોતાના શરીરનો ભાગ પુંજાઈ જાય. એ ક્યારે બન્યું? તમે જાગો છો. તો આને અત્યારે conscious sleep કહે. તો તમે શ્રોતા હોવ, પ્રભુના એક-બે શબ્દોને લઈને એ ધારામાં તમે જાવ.
આમ સામાન્ય આપણી પરંપરા શું છે તમને કહું, સંથારાપોરિસી ના સુત્રો ધ્યાનના સુત્રો છે.
‘એગોહં નત્થિ મે કોઈ, એગો મે સાસઓ અપ્પા, નાણદંસણ સંજુઓ,
સેસા મે બાહિરા ભાવા સવ્વે સંજોગ લક્ખણા’
આ ધ્યાનમાં જવાનું સૂત્ર છે. એટલે પ્રતિક્રમણ પછી સંથારાપોરિસીના ટાઈમને વાર હોય ત્યાં સુધી સ્વાધ્યાય કરી લો. સંથારાપોરિસી ભણાવો પછી ધ્યાન. અને એ ધ્યાનની ધારામાં તમે સુઈ જાવ એટલે conscious sleep મળી જાય. તો ‘એગો મે સાસઓ અપ્પા’ એ શું છે? પેલા મેરેથોનની દોડ હોય ને runners બધા એક રેખા પર આવીને ઉભા હોય, રેફરી વન-ટુ-થ્રી કહે એટલે બધા દોડવા મંડી પડે. આપણે એવા મજાના માણસો રેફરી વન-ટુ-થ્રી કહે એટલે આપણે સંથારામાં જઈને સુઈ જવાનું. તો ‘એગો મે સાસઓ અપ્પા’ ‘સેસા મે બાહિરા ભાવા’ બીજાના માટે કહેલું નથી.
ભલે સીધું ધ્યાન ન લાગતું હોય, અનુપ્રેક્ષા કરો. અને અનુપ્રેક્ષા કરીને અંદર જાવ. એક વાત ખાસ યાદ રાખો, જે અનુપ્રેક્ષા અનુભૂતિમાં ન પલટાય એ અનુપ્રેક્ષા તમારા માટે તો કામની નહિ જ. બીજાને વ્યાખ્યાનમાં તમે પીરસી દો. અનુપ્રેક્ષા એ જ તમારા માટે કામની જે અનુભૂતિમાં પલટાય છે. ‘એગો મે સાસઓ અપ્પા’ એટલો બધો આનંદ થાય છે શાશ્વત આત્મા મારે ક્યાં કોઈની જરૂરિયાત છે? જ્ઞાન, દર્શન, આનંદ, વિતરાગદશા, કેટલું બધું મારી પાસે છે. એ સિવાયનું બધું બાહ્ય છે. એની જોડે મારે કોઈ કામ નથી. તો હું સ્વમાં ઉતરી જાઉં એના માટેનું આ સૂત્ર આવ્યું. તો આની અનુપ્રેક્ષા કરો. ધ્યાન લાગે તો ધ્યાનમાં જાવ, અને પછી સુઈ જાવ તો conscious sleep આવે. એટલે યા તો અનુપ્રેક્ષા જે છે, એને ઊંઘમાં ઘૂસાડો. યા તો ધ્યાનને ઊંઘમાં લગાડો. તમને ખબર છે, ઉત્તરાધ્યયન સૂત્રમાં રાત્રિનો એક જ પ્રહર નિદ્રાનો કહ્યો છે; ‘તઈયાએ નિદ્દમોક્ખં તુ’ કહ્યું છે બીજીમાં ઊંઘવાનું કહ્યું, ત્રીજીમાં ઊંઘવાનું કહ્યું નથી. ‘તઈયાએ નિદ્દમોક્ખં તુ’ જો તમે ખરેખર પહેલા પ્રહરમાં સ્વાધ્યાય કર્યો હોય, બીજામાં ધ્યાન કરેલું હોય, તો નિદ્રાની જરૂરિયાત જ નથી.
આજે પણ વૈજ્ઞાનિકો કહે છે; એ લોકો તો બીટા, ગામા બધા તરંગો આપણા માપે છે. ઇલેક્ટ્રોલ્સ લગાવીને, બધું જ… તો એ લોકો એમ કહે છે, પાંચ કલાકની ઘસઘસાટ ઊંઘ દ્વારા જેટલી freshness મળે, એટલી freshness ૩૦ મિનિટના ધ્યાનથી મળી જાય. કારણ કે પેલી નિદ્રા હોય છે, ઘસઘસાટ ન હોય એ, એમાં વિચારો ચાલ્યા કરતાં હોય છે. ઘસઘસાટમાં તમે એમ માનો છો કે વિચારો નથી આવતાં, પણ unconscious mind માં તો એ સુતેલા જ હોય છે. જ્યારે ધ્યાનની અંદર એવી જાગૃતિ તમારી પાસે છે, કે એક પણ સંસ્કાર અનાદિનો એમાં ખુલવાનો નથી. એટલે ‘તઈયાએ નિદ્દં’ નહિ લખ્યું, ‘તઈયાએ નિદ્દમોક્ખં તુ’ જો ધ્યાન દ્વારા પુરેપુરી તાજગી મળી ગઈ છે. તો ત્રીજીમાં નિદ્રા નહિ, નિદ્રા મોક્ષ. પછી ધ્યાનની ધારામાં જાવ, સ્વાધ્યાયની ધારામાં જાવ. બે પ્રહારની નિદ્રા પણ આગમિક કાળ પછીની છે. પહેલાં એક જ પ્રહર હતો, અને એ પણ આ ‘નિદ્દમોક્ખં’ શબ્દ વાપર્યો એ જ.
તો ઉત્તરાધ્યયન સુત્રે તમને કેટલો કાર્યક્રમ આપ્યો ખબર છે? દિવસના ૩ પ્રહર એટલે ૯ કલાક, એ સ્વાધ્યાય, ધ્યાન, ક્રિયા માટે, રાત્રિના પણ ૩ પ્રહર, ૯ x ૨ = ૧૮ કલાક. અત્યારની પરંપરા પ્રમાણે નિદ્રાના બે પ્રહર આપણે સમજીએ.. તો પણ ૧૫ કલાક. હું તો ત્યાં સુધી કહું મારી વાચનામાં, કે વિહાર હોય ને, તો ઈર્યાપૂર્વક વિહાર કરો ને એ પણ સાધનામાં લખી દેવાય. એ પણ ગણી લઈશું પણ ૧૫ કલાક કરી આપો. શું એ મહામુનિઓ હશે, ત્રીજા પ્રહરમાં વિહાર, આહાર, નિહાર, ઉનાળામાં ત્રીજા પ્રહરમાં આપણે મુકામમાં બેઠા બેઠા પરસેવે રેબઝેબ થતાં હોઈએ, આ તો ઠીક છે આબુ છે અહીંયા એટલે… અને ત્રીજા પ્રહરમાં વિહાર કરે.
તો આપણી વાત એ હતી, ‘ચિત્ત મેં શ્રુત એસે બસે, જૈસે જલ મીના રે’ જંબુવિજય મ.સા ભકત પણ હતા, સ્વાધ્યાયશીલ પણ એવા જ હતા. એમનું ચોમાસું અમારી જન્મભૂમિ ઝીંઝુવાડામાં થવાનું હતું. એટલે ભાગ્યેશવિજયજી ને ત્યાં મોકલેલા, સાહેબનું જ્ઞાન મળે. સાહેબ વાચનાઓ આપતાં. એક વખત સાહેબને એક પંક્તિ બેઠી નહિ. એટલે એમણે પૂછ્યું ભાગ્યેશવિજય! તને બેસે છે આ પંક્તિ? ભાગ્યેશવિજય કહે સાહેબ આપને ન બેસે, ત્યાં મારી બુદ્ધિ તો ક્યાં જવાની હતી… દિવસ પૂરો થયો, પ્રતિક્રમણ થયું, સંથારાપોરિસી ભણાવી. રાત્રે ૧૦-૧૦.૩૦ વાગે જંબુવિજય મ.સા. ભાગ્યેશવિજયના પાટ પાસે આવ્યા, સહેજ દંડાસન ખખડાવ્યું. ભાગ્યેશવિજય જાગે છે? આ તો અચંભામાં પડી ગયા, સાહેબ અત્યારે રાત્રે અહીંયા, પગમાં પડ્યા, સાહેબ અત્યારે કેમ? ભાગ્યેશવિજય પેલી પંક્તિ છે ને એ બેસી ગઈ… ‘ચિત્ત મેં શ્રુત એસે બસે, જૈસે જલ મીના રે’ અને છેલ્લી પંક્તિમાં કહે છે, ‘સાંઈ સેવન મેં દેઈ સિર, કછુ વિલયન કીના રે’ પ્રભુના ચરણોમાં માથું આપી દીધું. ગુમાવ્યું નથી ઘણું બધું મેળવી લીધું છે.
કબીરજીએ જ કહ્યું છે, ‘યે તન વિષ કી વેલડી, ગુરુ અમૃત કી ખાણ, શીશ દિયે ગુરુ જો મિલે, તો ભી સસ્તા જાય’ તમે તમારા માથાને બહુ મૂલ્યવાન માનો છો. તમારી બુદ્ધિ… એટલે અમારે કામ છે ને પહેલું શું કરવાનું? તમારી બુદ્ધિને ઉડાડવાની. એટલે ઉપનિષદોમાં કહ્યું, ‘આચાર્યો હિ મૃત્યુ:’ તમારા વિભાવો માટે એક સદ્ગુરુ મૃત્યુ છે. તમારા બધા વિભાવોને તોડી નાંખે. બુદ્ધિ લઇ લે. અહંકાર લઇ લે.
તો યે તન વિષ કી વેલડી – અ શરીરમાં શું છે? ગંદગી જ ગંદગી છે. ગુરુ અમૃત કી ખાણ – ગુરુ પાસે શરીર એ જ છે, પણ આપણી નજર ગુરુના શરીર પર નથી, ગુરુ તત્વ ઉપર છે. આખરે ગુરુ વ્યક્તિમાંથી ગુરુ ચેતનામાં આપણે જવાનું જ છે. જે ગુરુ વ્યક્તિ પર અનહદ પ્રેમ તમને હતો, જેમ કે મને ૐકાર સૂરિ દાદા ઉપર, ભદ્રસૂરિ દાદા ઉપર, તમને જયઘોષસૂરિ દાદા ઉપર, એ સદ્ગુરુ જાય પછી શું? ગુરુદેવ ગયા ને એના પછીના બીજા જ દિવસે ગુણાનુવાદ સભા હતી. તો બધા એમ માનતા કે યશોવિજય વર્ષોથી સદ્ગુરુની જોડે જ રહે છે, પડછાયાની જેમ. એટલે એ તો એટલી હદે તૂટી ગયેલો હશે, કે ગુણાનુવાદ સભામાં એક શબ્દ પણ બોલી નહિ શકે. પણ સાહેબ ગયા ને ચાર-છ કલાક થયા, તરત જ fresh થઈ ગયો, ગુરુ ક્યાં જાય, ગુરુ અહીં જ છે. ગુરુનો દેહ અગ્નિને સમર્પિત થશે, ગુરુની ઉર્જા તો અહીંયા જ છે. એ ઉર્જા મેળવી, ગુણાનુવાદ સભામાં અડધો કલાક ઉભો રહી શક્યો. અને એટલે હું વારંવાર કહું છું ગુરુ જતાં જ નથી. ગુરુ અહીં જ રહે છે. શું થાય ‘એકોSહં બહુસ્યામ્’
ઉપનિષદનું વચન છે, પહેલાં પરમાત્મા એક હતા, પછી વિચાર થયો કે મારે ઘણા રૂપે વિલસવું છે, તો ‘એકોSહં બહુસ્યામ્’ એમ સદ્ગુરુ પહેલાં એક દેહમાં હતા, એટલે હજારો-લાખો લોકોના હૃદયમાં આવી ગયા. તો ‘યે તન વિષ કી વેલડી, ગુરુ અમૃત કી ખાણ, શીશ દિયે ગુરુ જો મિલે, તો ભી સસ્તા જાય’ પણ એ માથું કયું ઉતારવાનું છે? અહંકારનું માથું. આ માથું ઉતારવાથી ગુરુ નહિ મળે. તો નિઃસંગં મનની ભક્તિના સ્તર પર શું વ્યાખ્યા થાય, એ આપણે આટલા દિવસ જોયું.