Aatmatatvanu Anusandhan – Vachana 3

19 Views
16 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : જાગૃતિ

જે પરમ આનંદ મળ્યા પછી બધા જ સુખો નકામા લાગે છે, એ આનંદ મેળવવા માટે જોઈશે સતત જાગૃતિ. એ માટે સ્વ અને પરના ખાના અલગ પડી જવા જોઈએ કે આ પર છે અને આ સ્વ છે. પરમાં નથી જવું – એ જાગૃતિનું પહેલું ચરણ. સ્વમાં જવું છે – એ બીજું ચરણ. અને સ્વમાં જ પ્રતિષ્ઠિત થઈને રહેવું – એ ત્રીજું ચરણ.

રહત વિકાર સ્વરૂપ નિહારી. તમારી ભીતર રાગ-દ્વેષ-અહંકાર ઊઠે એને જુઓ. જોશો, એટલે તમે દ્રષ્ટા બન્યા; રાગ-દ્વેષ-અહંકાર દ્રશ્ય બન્યાં. અને દ્રશ્ય અને દ્રષ્ટા બેય ક્યારેય એક ન હોઈ શકે! એટલે આ રીતે જોવાથી રાગ-દ્વેષ-અહંકાર તે હું નથી; સ્વ નથી – આ સ્પષ્ટ બોધ મળશે.

સ્વના પછી બે ખાનાં ખુલશે: શુભ અને શુદ્ધ. પ્રારંભિક સાધક શુભને ઘૂંટશે – સ્વાધ્યાય, ભક્તિ, વૈયાવચ્ચ વગેરે. અને જ્યાં તમારી યાત્રા ઊંચકાઈ, તમે શુદ્ધમાં પહોંચી જશો. તમારા ગુણોમાં, તમારા સ્વરૂપમાં તમે રહેતા હોવ – એનું નામ શુદ્ધ. શુભ એ સાધન અને શુદ્ધ એ સાધ્ય.

આત્મ તત્વનું અનુસંધાન વાચના –

ધ્યાન અને કાયોત્સર્ગમાં જે આનંદ આવે છે, એની વાત યોગશાસ્ત્રના ૧૨માં પ્રકાશમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યએ કરી. બહુ જ મજાની અભિવ્યક્તિ છે:

मोक्षोSस्तु  मास्तु यदिवा  परमानन्दस्तु वेद्यते स खलु |
यस्मिन्निखिलसुखानि प्रतिभासन्ते न किञ्चिदिव ||

મોક્ષ હમણાં મળે કે પછી મળે, ‘परमानन्दस्तु वेद्यते स खलु’ – પરમ આનંદનું સંવેદન અનુભવન અત્યારે અમે કરી રહ્યા છીએ. કેવો એ પરમ આનંદ છે, એની વાત કરી, ‘यस्मिन्निखिलसुखानि प्रतिभासन्ते न किञ्चिदिव – જે પરમ આનંદ મળ્યા પછી બધા જ સુખો નકામા લાગે છે, નિરર્થક – Meaningless. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યએ આપણા યુગમાં જ આ અનુભવ કર્યો. મતલબ કે આપણે પણ આ દશાનો અનુભવ કરી શકીએ.

તો એના માટે શું કરવાનું? એક જાગૃતિ. સ્વ અને પરના ખાના અલગ પડી જવા જોઈએ. આ પર છે, આ સ્વ છે. પરમાં જવું નથી. સ્વમાં જવું છે. એટલે ત્રણ ચરણો છે, પરમાં નથી જવું એ જાગૃતિનું પહેલું ચરણ. સ્વમાં જવું છે એ બીજું ચરણ. અને સ્વમાં જ પ્રતિષ્ઠિત થઈને રહેવું છે એ ત્રીજું ચરણ. તો પહેલાં પરમાં નથી જવું, આ ચરણને ઘૂંટવાનું છે. કદાચ નિમિત્ત મળ્યું, રાગ અને દ્વેષ ભીતર આવી પણ ગયા. પણ ખ્યાલ આવી ગયો, આ પર ભાવ છે એને કાઢો. આમ જુઓ તો સતત જાગૃતિ એ જ ધ્યાન છે. શરૂઆતમાં તમને એમ કહેવામાં આવે કે આંખો બંધ કરો, શરીર ટટ્ટાર રાખો. એટલે માટે કે આંખ બહુ જ Sensitive ઇન્દ્રિય છે. બીજી બધી ઇન્દ્રિયો કરતાં વધુ sensitive ઇન્દ્રિય આંખ છે. એમ કહેવામાં આવે છે કે કોઈ પણ દ્રશ્ય તમારી આંખમાં ૧૫ થી ૨૦ સેકંડ સુધી રહે, તો એ તમારા મનનો કબજો લઇ લે છે. એટલે આંખને બંધ રાખવાની. અંદર જવાની કોશિશ કરવાની.

પણ જ્યારે ખરેખર સાતમાં ગુણઠાણાનું એક નાનકડું edition છટ્ઠામાં મળે, ત્યારે પણ શું થાય? ૨૪ કલાક જાગૃતિ. ત્યાં પછી આમ બેસવાનું નથી કે આંખો બંધ કરવાની નથી. ખુલ્લી આંખો છે તમારી, પણ એટલી જાગૃતિ સઘન બની છે, કે પરભાવમાં તમે જઈ શકતા નથી. સ્વનો આનંદ તમે મેળવી લીધો, પછી પરમાં કેમ જાવ? માણસ કોઈ પણ પદાર્થને લે છે, ખાવા માટે, જોવા માટે, સુંઘવા માટે, એની પાછળનો આનંદ પોતાની અપૂર્ણતાને ઢાંકવાનો હોય છે. આ લઉં અને હું પૂર્ણ બનું, આ ખાઉં અને હું પૂર્ણ બનું. એટલે પરથી સંપૂર્ણતાનો એક ભ્રમ આપણી પાસે હતો. પ્રભુની કૃપાથી એ ભ્રમ જતો રહે. તો અત્યારે તમે સ્વયં સંપૂર્ણ છો. તમારા શરીરને રોટલી – દાળ જોઈએ છે, તમારે કશું જ જોઈતું નથી. જેને કશું જ ન જોઈએ એ બાદશાહ.

સ્વામી રામ હિમાલયની ઠંડીમાં, એકમાત્ર કૌપીન, નીચે લંગોટી, ટુવાલ જેવું પહેરેલું, હિમાલયની ઠંડીમાં આંખુ શરીર ખુલ્લું, એક અમેરિકને પૂછ્યું કે આપ કૌન હો? તો કહે કે હમ રામ બાદશાહ હૈ. અરે આપ બાદશાહ હો લેકિન આપ કે પાસ કુછ હૈ તો નહિ, કૌપીન કે સિવા… ત્યારે સ્વામી રામ કહે છે કી યે ભી નિકલ જાયેગા, તો પૂરે બાદશાહ બન જાયેંગે. યે હૈ તો થોડી બાદશાહત મેં કમી રહતી છે, યે ભી જાયેગા તો પુરા બાદશાહ બન જાયેંગે. પ્રભુએ આપણને આ જ સીસ્ટમ આપી છે કે શરીરને જોઈએ તે આપી દો. પણ ઉપયોગ તમારો માત્ર ને માત્ર સ્વ તરફ રહેવો જોઈએ. પર તરફ નહિ.

સ્વના પછી બે ખાનાં ખોલ્યા, શુભ અને શુદ્ધ. પ્રારંભિક સાધક શુભને ઘૂંટશે, સ્વાધ્યાય, ભક્તિ, વૈયાવચ્ચ, અને જ્યાં તમારી યાત્રા ઊંચકાઈ તમે શુદ્ધમાં પહોંચી જશો. તમારા ગુણોમાં, તમારા સ્વરૂપમાં તમે રહેતાં હોવ, એનું નામ શુદ્ધમાં સ્થિતિ થઇ. અને એ શુદ્ધમાં પહોંચવા માટેનું જે સાધન છે એ શુભ છે. ભક્તિ કરી આપણે બરોબર… પ્રભુની ભક્તિની શરૂઆતમાં અહોભાવ, આંખમાંથી નીકળતા આંસુ. ગળેથી નીકળતા ડૂસકાં, પણ એ પ્રારંભિક લયમાં, શુભમાંથી શુદ્ધમાં તમે જાવ ત્યારે પ્રભુની વિતરાગદશાને જુઓ. પ્રભુ પરમ આનંદમાં છે. હેમચંદ્રાચાર્ય કહે છે ને ‘परमानन्दस्तु वेद्यते स खलु’ – પ્રભુ તો પરમ આનંદમાં છે જ. પણ એ પરમ આનંદ આવ્યો ક્યાંથી? વિતરાગદશામાંથી. કશું જ જોઈતું નથી. કશું ગમતું નથી. સ્વમાં જ પ્રતિષ્ઠિત પ્રભુ થઇ ગયા છે. તો એ પ્રભુનો આનંદ સ્વ-પ્રતિષ્ઠિતતા ને કારણે છે. આવું તમે જોઈ શકો તો સીધું જ તમે શુદ્ધમાં છલાંગ લગાવી શકો. અને સત્તા રૂપે પ્રભુ સત્તા અને નિજ સત્તામાં કોઈ ફરક નથી. જિન સત્તા અને નિજ સત્તા એક જ છે. તો હવે ભક્તિમાં પણ એક કદમ આગળ વધવું છે. સ્વાધ્યાયમાં એક કદમ આગળ વધો એટલે અનુપ્રેક્ષા કરો, અને એ અનુપ્રેક્ષા અનુભૂતિમાં ફેરવાઈ જાય.

તો ‘यस्मिन्निखिलसुखानि प्रतिभासन्ते न किञ्चिदिव’ – એવો આનંદ કલિકાલ સર્વજ્ઞ અનુભવી શક્યા કે એ કહે છે કે દુન્યવી બધા જ સુખો આ આનંદની સામે સાવ ફિક્કા છે. આ એટલા માટે લખ્યું એમણે કે તમને બધાને ઈચ્છા થઇ જાય. આજે ઈચ્છા થઇ ગઈ આમ…. એવો આનંદ મળી જાય, એવો આનંદ મળી જાય, પછી તમારે બીજા કોઈની જરૂરિયાત રહેતી નથી. એકલા તમારી રૂમમાં બેઠા રહો બસ… મસ્તીમાં. તો ધ્યાન એટલે જાગૃતિ. અને એવી જાગૃતિમાં તમારે જવું છે કે ૨૪ કલાક તમે એ દશામાં હોવ. ભગવાને આચારાંગ સૂત્રમાં જે કહ્યું ને ‘મુણિણો સયયં જાગરન્તિ’ એ આ લયમાં છે. મારા મુનિઓ, મારી સાધ્વીઓ સતત જાગૃત હોય છે. પ્રભુની આપણા પરની આ શ્રદ્ધા, એ શ્રદ્ધા નિષ્ફળ જશે બોલો? પ્રભુ કહે છે: ‘મુણિણો સયયં જાગરન્તિ’ મારા મુનિઓ, મારી સાધ્વીઓ સતત જાગૃત હોય છે. ભલે અત્યારે તમને એ જાગૃતિ નથી મળી. આજે જ સંકલ્પ કરો, ભક્તિમાં જઈએ પ્રભુ પાસે ત્યારે, કે પ્રભુ! તે કહ્યું છે એવી દીક્ષા મારે જોઈએ છે, તે કહ્યું છે એવું મુનિત્વ, અને તે કહ્યું છે એવું સાધ્વીપણું મને તું આપી દે, કે હું સતત જાગૃત હોઉં. તમે સતત જાગૃત હોય તો શું થાય? વિચારો બિલકુલ હોતા નથી. કારણ કે ન ભૂતકાળની ચિંતા છે, ન ભવિષ્યકાળની. વર્તમાનની એક ક્ષણમાં તમે રહો છો. એટલે કોઈ વિચાર નથી. કશું બોલવાનું નથી. કશું કરવાનું નથી. Doing ખરી પડે છે. Doing એ જ સંસાર. Being એ જ સાધના.

બસ માત્ર અસ્તિત્વના લયમાં તમે વહ્યા કરો. તમારે કશું કરવાનું નથી. આજે બે સાધ્વીજી મહારાજ બેઠા હતા મારી જોડે, મેં કહ્યું ભક્તિ કેમ થઇ? એટલે એક કહે આમણે બહુ સારી કરાવી ભક્તિ, બીજા કહે ના, સાહેબ આમણે સારી કરાવી. મેં કીધું એના કરતાં કહો ને પ્રભુએ સારી કરાવી. કર્તૃત્વ પ્રભુ અને ગુરુને સોંપી દો. અસ્તિત્વ તમારી પાસે રાખો. અનંતા જન્મોથી પરભાવમાં તમે કર્તા રહ્યા. માત્ર પીડા ભોગવી છે. હું ઘણીવાર પૂછતો હોઉં છું. કે તમને ક્ષમાનો અનુભવ નથી, ક્રોધનો અનુભવ છે? નથી. ક્રોધનો અનુભવ ક્યાં છે? અનુભવ હોય તો છૂટી જાય. જે પીડાકારક હોય એનાથી તમે દૂર ભાગો. હું ક્રોધ કરું સામાને અસર થાય કે ન થાય. મને તો અસર થવાની જ છે. તો શા માટે હું ક્રોધ કરું?

એક માણસ પોતાના એપાર્ટમેન્ટમાં જતો હોય, ચોકમાં લાદીઓ ગોઠવેલી છે, એક લાદી ઊંચી થયેલી છે. રાત્રે એ માણસ પ્રતિક્રમણ કરીને ઘરે જાય છે. લાઈટ off થયેલી, અને એ જે લાદી હતી સહેજ ઉંચકાયેલી ત્યાં પગ સીધો જ જે છે એ મુકાયો. એટલે અંગુઠા ઉપર એકદમ લોહી-લોહી થઇ ગયું. બીજી આંગળીઓ પણ લોહીવાળી થઇ ગઈ. ટોર્ચ લઈને એણે જોયું તો ખ્યાલ આવ્યો કે ઓહો આ લાદી ઉંચકાયેલી છે. હવે એ ખ્યાલ આવી ગયા પછી એ ગમે તેવી રાત્રે આવે, એ ગમે તેવું અંધારું હોય, એના પગ ત્યાં ભટકાશે જ નહિ. અનુભવ થઇ ગયો. કે અહીંયા મારા પગનો અંગુઠો છોલાઈ ગયો. એમ ક્રોધ કર્યો, અને તમારું આખું વ્યકિત્વ છોલાઈ ગયું એમ કહો, તમે પુરા ને પુરા છોલાઈ ગયા. તો પણ ક્રોધ પ્રત્યેની આસ્થા જતી નથી. ક્રોધ ડંખે તો જતો રહે. ડંખ્યો નથી. ઘણા લોકો મને કહે કે સાહેબ! ક્રોધ તો ક્યારેક ડંખે પણ છે. રાગ તો ડંખતો નથી. મેં કહ્યું ડંખે નહિ એ બરોબર છે. પણ તમને એ ખ્યાલ હોય આની અંદર દૂધપાક હોવા છતાં food poison થઇ ગયું તો તમે ખાઓ ખરા? દ્વેષ એ સીધું ઝેર છે. અને આ દૂધપાકમાં ભેળવાયેલુ ઝેર છે. અને રાગ કરવો જ હોય તો પ્રભુ સાથે કરો, કોણ ના પાડે. એવી જાગૃતિ આજે પ્રભુ પાસે માંગો. કે પ્રભુ હું તારો સાચો મુનિ, હું તારી સાચી સાધ્વી બની જાઉં.

સતત જાગૃતિ હોય આ સ્વ છે, આ પર છે. પરમાં મારે જવાનું નથી. રાગમાં, દ્વેષમાં, અહંકારમાં, ઈર્ષ્યામાં ક્યાંય મારે જવાનું નથી. એક સંત એક સમી સાંજે એક ફાર્મ હાઉસની બહાર એક વૃક્ષ હતું ત્યાં બેઠા, અંધારું થવા આવેલું. તો ત્યાં જ એમણે સુવાનું નક્કી કર્યું. પણ સંતની નિદ્રા તો કેટલી હોય, કલાક-બે કલાકની. કારણ કે ધ્યાન કરો ને એટલે ઊંઘવાની જરૂર જ ન પડે. એક કલાકનું ધ્યાન તમને એ freshness આપી શકે કે જે ચાર કલાકની ઘસઘસાટની ઊંઘ તમને આપી શકે. સંત જાગતા બેઠેલા હતા. પ્રભુનું સ્મરણ કરતાં હતા. ત્યાં એક માણસ આટા-ફેરાં મારતો. સંતે એને બોલાવ્યો, પૂછ્યું; કેમ ભાઈ આમ આટા-ફેરાં મારો છો? તો કહે આ ફાર્મ હાઉસનો બંગલો છે ને એ મારા શેઠનો છે. હું એનો વોચમેન છું. એટલે આખી રાત મારે આમ ફરવાનું. મારે બરોબર ખ્યાલ રાખવાનો કે ક્યાંયથી કોઈ ચોર-બોર પેસી ન જાય. એટલે મારે સતત ફરવાનું. એ વખતે સંતની આંખમાં આંસુ આવ્યા. કે પ્રભુ આ માણસ એના શેઠનો સાચો વોચમેન બની શકે, હું તારો વોચમેન પણ ન બનું. હું સતત સતત સતત જાગૃત ક્યાં રહું છું. આની પાસે સતત જાગૃતિ છે વોચમેન પાસે. હું તારો વોચમેન છું, પ્રભુનો વોચમેન. મારામાં જાગૃતિ ન હોય તો કેમ ચાલે?

તમને એમ લાગે ને કે આ કરવું જ છે તો થઇ જવાનું. પ્રભુ તૈયાર બેઠા છે. પ્રભુ બિલકુલ તૈયાર. બસ તમારી ઝંખના જે ક્ષણે તીવ્ર બને એ ક્ષણે તમને આ મળી જવાનું. તો ધ્યાન અને કાયોત્સર્ગમાં આવો આનંદ આવે છે. ચિદાનંદજી મહારાજે ધ્યાનના ચાર પ્રકાર આપ્યા, જે આપણી પરંપરામાં છે. પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ, અને રૂપાતીત. પણ યોગશાસ્ત્રમાં એની વિભાવના અલગ છે. અને ચિદાનંદજી મહારાજે અલગ વિભાવના કરી છે. પણ ચિદાનંદજી મહારાજ પણ અનુભૂતિવાન યોગીપુરુષ હતા.

એક વાત તમને કહું, માત્ર અભિવ્યક્તિથી ક્યારે પણ રંગાતા નહિ. અનુભૂતિવાનની અભિવ્યક્તિ જે છે એ જ કામની છે. એ ફોતરું છે પણ અંદર દાણો તો છે જ પાછો. અંદર શીંગ છે. મગફળી અંદર છે. તો ખાલી ફોતરું હોય તો, મગફળી અંદર છે જ નહિ તો… આપણે બહુ જ નસીબદાર છીએ કે અનુભૂતિવાન અનેક મહાપુરુષોની અભિવ્યક્તિ આપણને મળી છે. રૂપસ્થ ધ્યાનની વ્યાખ્યા એમણે આપી.

“રહત વિકાર સ્વરૂપ નિહારી, તાકી સંગત મનસાધારી,

નિજ ગુણ અંશ લહે જબ કોય, પ્રથમ ભેદ તિણે અવસર જોય”

પહેલું એમણે રૂપસ્થ ધ્યાન લીધું. અનંતકાળથી અંધાર ઘેરા ભીતરના ખંડમાં સહેજ પ્રકાશનું કિરણ આવે, એ રૂપસ્થ ધ્યાન.

તો બહુ મજાની વાત તો એ કરી એમણે, “રહત વિકાર સ્વરૂપ નિહારી” – હજુ ભગવાનને જોવા પણ દુર્લભ બને. પણ રાત્રે રીંછને જોયો તો રીંછની જ વાતો ચાલે. ભગવાનની વાતો આખો દિવસ ચાલે? તો પ્રભુનું દર્શન અઘરું છે. ‘દરિશન દુર્લભ સુલભ કૃપા થકી’, એની કૃપા થાય તો જ દર્શન મળે. પણ એમણે બહુ જ નીચેથી વાતને શરૂ કરી. કે તમારી ભીતર રાગ કે દ્વેષ ઉઠે એને તમે જોઈ શકો કે નહિ? આ ક્યારે થાય, રાગ મારું સ્વરૂપ નથી, દ્વેષ મારું સ્વરૂપ નથી. અહંકાર મારું સ્વરૂપ નથી. આનંદ એ મારું સ્વરૂપ, જ્ઞાન, દર્શન, ચારિત્ર એ મારું સ્વરૂપ આ નક્કી થયેલું હોવું જોઈએ.

સમયસારમાં કુંદકુંદાચાર્યએ કહ્યું, કે ‘કોહેકોહો’ ક્રોધ થયો તો ક્રોધને પૂછો મારે શું એમાં… મારે ને ક્રોધને શું લેવા-દેવા… ક્રોધ તમારો સ્વભાવ છે નહિ. ક્ષમા એ જ તમારો સ્વભાવ છે. પણ ચાલો ક્ષમાને ન જોઈ શકો. ક્રોધને જોઈ શકો છો? તો આ કડીમાં પહેલી સાધના આટલી આપી, “રહત વિકાર સ્વરૂપ નિહારી,” તમારી ભીતર રાગ ઉઠે, દ્વેષ ઉઠે, અહંકાર ઉઠે એને જોવો. ચા પીવા સવારે બેઠા, tasty ચા છે, મનમાં આસક્તિ થઇ. તો એ આસક્તિ જુઓ, કે મારામાં આ ચા પીવાથી રાગ થઇ રહ્યો છે. તો શું થયું? તમે દ્રષ્ટા બન્યા. રાગ દ્રશ્ય બન્યું. અને દ્રશ્ય અને દ્રષ્ટા બેય એક હોઈ શકે ખરા? આ ટેબલ દ્રશ્ય છે. હું દ્રષ્ટા છું. બેય અલગ જ છે. તો રાગને તમે જોઈ શકો છો, કે મારામાં આસક્તિ ઉપડી. Tasty item હોય ને વાપરો, અને એ વખતે તરત જ તમે રાગને જુઓ કે મારી ભીતર રાગ ઉઠ્યો છે. કોઈના પ્રત્યે મનમાં પણ તિરસ્કાર ઉઠ્યો તો એ જુઓ કે મારા મનમાં તિરસ્કાર ઉઠ્યો છે. એટલે શું થશે? રાગ તે હું નહિ, તિરસ્કાર તે હું નહિ, અહંકાર તે હું નહિ આ પહેલો પાઠ મળશે. તો આવતી કાલે સાંજે આવો એ પહેલા પ્રભુનું દર્શન તો કરવાનું જ છે. પણ તમારી અંદર રહેલા વિકારોનું પણ, દોષો નું પણ દર્શન કરવાનું છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *