વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : શક્તિપાત
વિષય-કષાયમાં રહેનારા આપણે સદ્ગુરુના શક્તિપાત વિના સાધનામાર્ગે ઊંચકાઈ શકીએ નહિ. સદ્ગુરુનું dual action હોય છે: પહેલા તો તમને શક્તિપાત ઝીલવા માટે તૈયાર કરવાના અને જે ક્ષણે તમે તૈયાર થાવ, એ ક્ષણે શક્તિપાત કરી દેવાનો.
સદ્ગુરુ તૈયાર બેઠા છે કે જે ક્ષણે આ તૈયાર થાય, એ ક્ષણે શક્તિપાત કરી દઉં! પણ શક્તિપાત ઝીલવા માટેની વિધિ તમને શીખવાડવામાં કેટલાય જન્મો વીતી ગયા. શક્તિપાત ઝીલવા માટે તમારે સંપૂર્ણ સમર્પિત બનવું પડે. ૯૦% પ્રભુની આજ્ઞા પ્રમાણે અને ૧૦% મારી ઈચ્છા પ્રમાણે… એ નહિ ચાલે. ૯૯% પણ નહિ ચાલે. Total surrender જોઈશે.
સામાયિક એટલે શું? નિઃસંગ, નિરાભાસ, નિરાકાર, નિરાશ્રય અને પુણ્ય-પાપ વિનિર્મુક્ત – આવું મન તમારી પાસે હોય, તો એ સામયિક છે.
આત્મ તત્વનું અનુસંધાન વાચના – ૭
બડભાગી છીએ આપણે, કે પ્રભુનું શાસન અને પ્રભુનું શ્રામણ્ય આપણને મળ્યું. શ્રામણ્યના પ્રારંભમાં કરેમિ ભંતે સૂત્ર આપણને આપવામાં આવ્યું. સદ્ગુરુ દ્વારા મળેલી એ મંત્ર દીક્ષા હતી. કહો કે સદ્ગુરુનો એક શક્તિપાત હતો. એવી રીતે સદ્ગુરુએ શક્તિપાત કરેલો, કે તું સમભાવને છોડીને વિભાવમાં ક્યારે પણ જઈ શકે નહિ. ન જાય એમ નહિ, જઈ શકે નહિ. સદ્ગુરુએ શક્તિપાત કર્યો. સ્થૂલભદ્રજીએ એ શક્તિપાતને ઝીલી લીધો.
સદ્ગુરુનું dual action હોય છે, પહેલાં તો તમને શક્તિપાત ઝીલવા માટે તૈયાર કરવાના, જે ક્ષણે તમે તૈયાર થાવ એ ક્ષણે શક્તિપાત કરી દેવાનો. એ આશીર્વાદના રૂપમાં હોય, મંત્ર દિક્ષાના સ્વરૂપમાં હોય… તો તમને શક્તિપાત ઝીલવા માટેની વિધિ શીખવાડવામાં કેટલાય જન્મો વીતી ગયા. સદ્ગુરુ તૈયાર બેઠા છે કે જે ક્ષણે આ તૈયાર થાય એ ક્ષણે શક્તિપાત કરી દઉં.
સ્થૂલભદ્રજી ગુરુ સંભૂતિવિજય મ.સા. પાસે આવ્યા. સ્થૂલભદ્રજીની bio-data જેમણે પણ જાણી હોય એ સદ્ગુરુ દીક્ષા આપવાનું સાહસ ન કરે. પણ આ ગીતાર્થ ગુરુ હતા. Face reading ના master હતા. એમણે જોયું, કે આ માણસ પરમ વિરાગી થઈને મારી પાસે આવ્યો છે, મારે શક્તિપાત કરવો છે, અને એ શક્તિપાતને ઝીલવા માટે તૈયાર છે. કરેમિ ભંતે આપી દીધું. દીક્ષાની વિધિમાં પહેલાં લોચ, પછી કરેમિ ભંતે. કરેમિ ભંતે કાનથી આપવાની વસ્તુ નથી.
કબીરજીએ કહ્યું છે : ‘સબ તન ભયે શ્રવણ’ સબ તન ભયે શ્રવણ. જ્યારે પૂરું તમારું શરીર, પૂરું વ્યક્તિત્વ, પૂરું અસ્તિત્વ શ્રવણમય બની જાય ત્યારે સદ્ગુરુ તમને મંત્ર દીક્ષા આપે છે. તો ગુરુએ જોયું કે, સ્થૂલભદ્રજી તૈયાર છે. હું શક્તિપાત કરી શકું એમ છું, એ ઝીલી શકે એમ છે. તો લુંચન કર્યું. સહસ્રાર ખોલી નાંખ્યું. આપણા શરીરના સૌથી મહત્વપૂર્ણ બે ભાગ. એક કરોડરજ્જુ – જે ઝુકવી ન જોઈએ. યોગશાસ્ત્રોમાં ઘણા બધા postures બતાવવામાં આવ્યા. પણ એમાં પગની સ્થિતિમાં ફેરફાર છે. અહીંયા કોઈ option આપ્યો જ નથી. આ તો ટટ્ટાર જ જોઈએ. એટલે કરોડરજ્જુને યોગિક ભાષામાં મેરૂદંડ કહેવાય છે. મેરૂ ક્યારેય ઝુકે? તો તમારા બધાના મેરૂ ઝૂકેલા… બીજો મહત્વનો ભાગ છે – ચોટીનો ભાગ. એ ચોટીના ભાગને બ્રહ્મરંદ્ર કહેવામાં આવે છે. બ્રહ્મ એટલે પરમાત્મા, એમને પ્રવેશવાનું દ્વાર.
તો દીક્ષા વખતે મુંડન થયેલું હોય, ચોટીના વાળ બાકી રહે. દીકરો હોય દીક્ષા લેનાર, તો સદ્ગુરુ પોતે પોતાના હાથથી એ ભાગને ખુલ્લો કરે. દીકરી દીક્ષા લેતી હોય તો ગુરૂદેવનો વાસક્ષેપ ત્યાં જાય અને બ્રહ્મરંદ્ર ખુલ્લું થઇ જાય. એ બ્રહ્મરંદ્રની નીચે સહસ્રાર છે. હજાર પાંખડીવાળું કમળ. અને એના ઉપર પરમાત્મા બિરાજમાન થતાં હોય છે. તો પહેલાં બ્રહ્મરંદ્રને ખોલ્યું, પછી કરેમિ ભંતે આપ્યું. મતલબ કે કરેમિ ભંતે તમારે પુરા તમારા અસ્તિત્વથી ઝીલવાનું છે. સદ્ગુરુનો શક્તિપાત ઝીલાવવો જોઈએ.
હું ઘણીવાર મારી વાચનાઓમાં એક વાત કહું છું કે દીક્ષા વખતે સદ્ગુરુએ શક્તિપાત કરેલો, મારો તો શક્તિપાત પર એટલો બધો જોર છે કે, હું માનું છું કે વિષય-કષાયમાં રહેનારા આપણે સદ્ગુરુના શક્તિપાત વિના સાધનામાર્ગે ઊંચકાઈ શકીએ નહિ. શક્તિપાત એ Lift છે. મુંબઈમાં કોઈને ૩૫માં માળે જવું છે, lift માં બેઠો બટન દબાવ્યું. Lift ૩૫માં માળે. પણ electricity fail હોય તો? દાદર ચડતાં નાકે દમ આવી જાય. તો શક્તિપાત એ lift છે. ગુરુ પોતાની શક્તિ તમને આપે છે. પંચોતેર વર્ષનો દીક્ષા પર્યાય જે મહાપુરુષનો હોય, એમની પાસે તમે જાવ, આશીર્વાદ માંગો એ તમારા માથા ઉપર હાથ મુકે એટલે શું થયું? એમણે પોતાની શક્તિ તમને આપી. તો હું ઘણીવાર કહેતો હોઉં છું, કે દીક્ષા વખતે શક્તિપાત સદ્ગુરુએ કરેલો. પણ ઝીલાયો નથી. તો ફરીથી સદ્ગુરુને કહો કે સાહેબ ફરીથી શક્તિપાત કરી આપો, ફરીથી કરેમિ ભંતે આપો. એવું કરેમિ ભંતે સૂત્ર અસ્તિત્વમાં જડાઈ ગયું, સમભાવ અસ્તિત્વનો એવો હિસ્સો બની ગયો, કે વિભાવમાં, રાગ-દ્વેષમાં સ્થૂલભદ્રજી એક ક્ષણ માટે જઈ ન શક્યા. કોશાને ત્યાં ચોમાસું રહેવાની આજ્ઞા માંગી. ગુરુ હા પાડે છે. ગુરુને માત્ર તમારો ચહેરો જોવાનો હોય છે. તમારો ચહેરો જોઇને તમારી સાધનાનું અનુમાન ગુરુ નક્કી કરે છે. તમે તમારી સાધનાની કેફિયત સદ્ગુરુ પાસે વર્ણવો, એ તમારી તરફ ખુલતી વાત છે. બાકી સદ્ગુરુ પાસે આવો, બેસી જાવ, તમારી જન્માન્તરીય ધારાને પણ અમારે ઉકેલવાની છે.
એક સાધક મારી પાસે આવ્યો. મારે એને સાધના આપવાની છે. હવે એને હું વિનયની ધારામાં મુકું, વૈયાવચ્ચની ધારામાં મુકું, સ્વાધ્યાયની ધારામાં મુકું, ભક્તિની ધારામાં મુકું. મારે any how, એની જન્માન્તરીય સાધનાનું અનુમાન કરવું છે. અને એની જે જન્માન્તરીય ધારા હોય એમાં એને મારે મુકવો છે. ત્રણ-ત્રણ જનમથી વૈયાવચ્ચની ધારાને ઘૂંટીને એક સાધક મારી પાસે આવે, અને હું એને સ્વાધ્યાયની ધારામાં મોકલું, ગુરુ તરીકે હું totally fail ગયેલો માણસ છું. સદ્ગુરુ તમારી જન્માન્તરીય ધારાને જોવે. તમારા અત્યારના સાધનાના stand point ને જોવે, અને આ જન્મના અંત સુધીમાં તમને સાધનાના કયા પડાવ સુધી પહોંચાડી શકાય એમ છે એ પણ જોઈ લે.
એકવાર વાચનામાં હું આ વાત કરતો હતો. એક ભાવક મારી સામે બેઠેલો, મને કહે સાહેબ બધું તમે કરી લો તો અમારે શું કરવાનું? જન્માન્તરીય સાધના તમે જુઓ. અત્યારની સાધનાનું stand point તમે જુઓ. જન્મના છેડા સુધીમાં મને ક્યાં પહોંચાડી શકાય એમ છે એ તમે જુઓ. અને એ રીતે મને પહોંચાડી પણ આપો. તો મારે શું કરવાનું? હું જરા હળવા મૂડમાં હતો, મેં કહ્યું, કે તારે પત્થર નહિ નાંખવાના. એ સમજ્યો નહિ. મેં કહ્યું, અનંત જન્મોથી પરમાત્માની કૃપાનું ઝરણું ચાલ્યું જ આવ્યું છે, પણ આપણે બુદ્ધિ ને અહંકાર ના પત્થર એવા નાંખ્યા કે ઝરણાને અટકાવી દીધા. આ વખતે નક્કી કરો, ન બુદ્ધિ જોઈએ, ન અહંકાર જોઈએ. માત્ર સમર્પણ.
ઝેન આશ્રમોમાં તો તકતી લગાવેલી હોય છે no mind please. આપણે ત્યાં તો no shoes please. ત્યાં લખેલું હોય છે No mind please. તમારી બુદ્ધિને લઈને અહીંયા આવતાં નહિ. તમે બુદ્ધિને લઈને આવ્યા હોવ, તો શું કરો તમે? ત્રણ-ચાર પ્રવક્તા હોય, આ બહુ સારું બોલ્યા,અને આ બરોબર નહિ બોલ્યાં. પણ તને માર્ક આપવા માટે કોણે બોલાવ્યો.
સ્થૂલભદ્રજી કોશાને ત્યાં ચોમાસું રહ્યા. એક ક્ષણ વિભાવમાં ગયા નથી. રોજ સવારે રજોહરણ મસ્તકે લગાવે, અને પછી કહે ગુરુદેવ, હું આપના aura circle માં જ છું. સદ્ગુરુનું aura circle, સદ્ગુરુના પ્રભાવના હિસાબમાં બહુ જ વ્યાપક રહેતું હોય છે. તો સ્થૂલભદ્રજી કહેતાં, કે હું આપના આભામંડળમાં, aura field માં જ છું. મને ક્યારેય લાગ્યું નથી કે હું બીજે ક્યાંય છું. બસ આપનો વરદ હાથ મારા મસ્તક પર સદાય મુકાયેલો હોય, એવું હું અનુભવું છું. એટલે જ ઉત્તરાધ્યયન સૂત્રમાં લખ્યું, ‘गुरुणां अंतिए सिया’ ગુરુની નજીક રહેવું જોઈએ. હવે, આ બધાને કહ્યું હોય ને, કે આજે જવાનું… સાહેબ ઉત્તરાધ્યયનમાં શું લખ્યું છે? ‘गुरुणां अंतिए सिया’ પણ એ ગુરુના આજ્ઞાદેહની નજીક રહેવું છે. ગુરુના દેહથી નજીક રહો એથી શું થાય? ગુરુના આજ્ઞા દેહની નજીક. તો તમે દૂર હોવ તો પણ નજીક છો.
સ્થૂલભદ્રજી આવ્યા, ગુરુ પાસે, ત્યારે ગુરુએ કહ્યું; દુષ્કર-દુષ્કરકાર, પરંપરામાં એનો સારો અર્થ છે કે બીજા બધા મુનિઓએ પ્રતિકૂળ સંયોગોમાં સાધના કરી. તે અનુકૂળ સંયોગોમાં સાધના કરી. એનો બીજો પણ એક અર્થ છે. બે દુષ્કર કામો સ્થૂલભદ્રજીએ કર્યા, જે તમારે કરવાના છે. કરશો? નક્કી? સ્થૂલભદ્રજીએ ગુરુદેવના શક્તિપાતને ઝીલ્યો. પહેલું દુષ્કર કામ. સદ્ગુરુ શક્તિપાત કરવા માટે તૈયાર હોય છે. પણ આપણે એને ઝીલવા માટે તૈયાર નહોતા. આટલી રઝળપટ્ટી કેમ થઇ આપણી? એક જ કારણ સદ્ગુરુનો શક્તિપાત ઝીલાયો નહિ. આ જન્મમાં શું લાગે છે બોલો? શક્તિપાત ઝીલવા માટે total surrender તમારે બનવું પડે. સંપૂર્ણ સમર્પિત. સાહેબ ૯૦ ટકા તો પ્રભુની આજ્ઞા પ્રમાણે. ૧૦ ટકા મારી ઈચ્છા પ્રમાણે… એ નહિ ચાલે. ૯૯% પણ નહિ ચાલે.
ધર્મદાસ ગણિએ ઉપદેશમાળામાં લાકડી ઉપાડી, કોઈ કહે સાહેબ હું ૯૯ ટકા તો પ્રભુની આજ્ઞા પ્રમાણે કરીશ, એક ટકો મારી ઈચ્છા પ્રમાણે કરીશ. તો એમણે લાકડી ઉગામી. “કસ્સા એસા કૂણેઈ સવ્વં” તું એક ટકો તારી ઇચ્છાથી કરતો હોય, તો તારું બધું ઈચ્છાપૂર્વક કરજે. “કસ્સા એસા કૂણેઈ સવ્વં” તને કોની આજ્ઞા મળી? કે તું કહે છે કે ૯૯ ટકા આજ્ઞા પ્રમાણે, એક ટકો ઈચ્છા પ્રમાણે. તો સ્થૂલભદ્રજી પાસે total surrender હતું. સંપૂર્ણ સમર્પણ. સદ્ગુરુના ચરણો પ્રત્યે. અને એથી ગુરુના શક્તિપાતને એ ઝીલી શક્યા. એટલે પહેલું દુષ્કર કામ એ કર્યું. બીજું દુષ્કર કામ એમણે એ કર્યું, કે સદ્ગુરુથી ભૌગોલિક રૂપે આટલા દૂર હોવા છતાં પણ એ શક્તિપાતને ટકાવી રાખ્યો. આલંબન મળતું રહે ને તો તો એ શક્તિપાત recharge થયા કરે. પણ આલંબન બિલકુલ વિપરીત છે. માત્ર ભોગનું આલંબન ત્યાં છે. અને એ ભોગના આલંબન વચ્ચે પણ સદ્ગુરુના શક્તિપાતને એમને ટકાવી રાખ્યો. એ બીજું દુષ્કર કાર્ય. તો આપણે બે કામ કરવાના છે. કરેમિ ભંતે પહેલા બરોબર લેવાનું. અને પછી બરોબર ટકાવવાનું.
અનંત સંસાર આપણો નષ્ટ થઇ જાય, માત્ર એક કરેમિ ભંતે આત્મસાત્ થઇ જાય તો, ન નરક રહે, ન નિગોદ રહે, ન કોઈ યાતના રહે, ન કોઈ પીડા રહે. તો આ સામાયિક, આ કરેમિ ભંતે સૂત્ર આપણને મળ્યું. યોગપ્રદીપ્ત ગ્રંથમાં સામાયિકની એક સરસ વ્યાખ્યા છે.
કે સામાયિક એટલે શું?
‘નિઃસંગં યન્નિરાભાસં નિરાકારં નિરાશ્રયં
પુણ્યપાપવિનિર્મુક્તં મન: સામાયિકં સ્મૃતં.’
એવું મન એ સામાયિક… કેવું મન? તો પાંચ વિશેષણો આપ્યા. નિઃસંગ, નિરાભાસ, નિરાકાર, નિરાશ્રય, અને પુણ્ય-પાપ વિનીર્મુક્ત. આવું મન તમારી પાસે હોય તો એ સામયિક છે. શ્રાવકો માટે પણ આ વાત છે, સાધુ-સાધ્વીજી માટે પણ આ વાત છે.
નિઃસંગં– પહેલું વિશેષણ. મનને કોઈ પદાર્થનો, કોઈ વ્યક્તિનો સંગ નથી. શરીરને વસ્ત્રનો સંગ હોઈ શકે. શરીરને આહારનો સંગ હોઈ શકે, મનને નહિ. વસ્ત્ર માત્ર મર્યાદાને ઢાંકવા માટે પહેરવાનું છે, ‘તં પિ સંજમ લજ્જટ્ઠા ધારીન્તી પરિહીંતીય..’ વિભુષા માટે વસ્ત્ર પહેરવાનું જ નથી. પ્રભુએ તો system એટલી મજાની આપી છે. કે આપણું મન નિઃસંગ થઇ જ જાય. હું ઘણીવાર કહું છું, કે નિશ્ચયની, નિશ્ચયાભાસની વાતો ઘણી જગ્યાએ હોઈ શકે, પણ નિશ્ચય અને વ્યવહારનું એક balancing જે છે એ પ્રભુની સાધના પદ્ધતિમાં છે. વ્યવહાર પણ કેટલો સરસ, તમારું મન કોઈ પદાર્થના સંગમાં ન રહે. આ ટેબલ સારું છે કે ખોટું છે? એ વિચાર ન આવવો જોઈએ. સારું છે વિચાર આવ્યો તો રાગ થયો. ખરાબ છે વિચાર આવ્યો તો દ્વેષ આવ્યો. ટેબલ પ્લેઇન ટેબલ છે. કોઈ sticker એને ન લગાડો. લોકો છે ને માણસોને પણ sticker લગાવે, આ સારા ને આ ખરાબ. પોતાના અહંકારને સાચવે એ માણસો સારા. અને પોતાના અહંકારને ખોતરે એ ખરાબ. હું ઘણીવાર હસતાં હસતાં કહું કે તમે લોકો દુનિયાનું કેન્દ્રબિંદુ છો? કે તમારે આધારે આખા પ્રાણી વર્ગનું આકલન થઇ શકે. કોઈ sticker ક્યાંય ન લગાડો. પદાર્થ પદાર્થ છે. વ્યક્તિ વ્યક્તિ છે. રાગ કરવો હોય, પ્રીતિ કરવી હોય તો પ્રભુ સાથે કરો. “પ્રીતિ અનંતી પર થકી. જે તોડે તે જોડે નહિ” પરની પ્રીતિ છૂટી જશે તો પરમની પ્રીતિ, સ્વની પ્રીતિ થશે.
મહોપાધ્યાયજી એક પદમાં સરસ કડી આપી છે,
“પરસંગ ત્યાગ લાગ નિજ રંગે, આનંદવેલી અંકુરા,
નિજ અનુભવ રસ લાગે મીઠા. જિમ ઘેબર મેં છુરા.”
પરસંગ ત્યાગ લાગ નિજ રંગે – પરના સંગને છોડીને સ્વના રંગમાં, કે પરમાત્માની પ્રીતિમાં તું જા. બે માર્ગ છે, એક તોડજોડનો માર્ગ છે. એક જોડતોડનો માર્ગ છે. પરની પ્રીતિ તોડી, સ્વ સાથે જોડાવું. એ તોડ જોડ નો માર્ગ છે. બીજો એક માર્ગ ભક્તનો છે. જોડતોડનો પ્રભુ સાથે જોડાઈ ગયા, બીજું બધું છૂટી ગયું. મેં હમણાં જ કહેલું ને વાચનામાં કે દીક્ષા કેમ લીધી? સંસાર કેમ છૂટ્યો? ચોથા પંચસુત્રના પ્રારંભમાં કહ્યું: સ એવં અભિપવ્વઈએ સમાણે, સોહઈ ભાવઓ કિરિઆ પરિણજુજ્જઈ” અભિપવ્વઈએ – બે શબ્દો છુટ્ટા પાડીએ, અભિવ્રજ્યા ને પ્રવ્રજ્યા. પ્રવ્રજ્યા પછી છે. અભિવ્રજ્યા પહેલાં છે. અભિવ્રજ્યા પરમાત્માનું પરમ સંમોહન. એમની આજ્ઞાનું પરમ સંમોહન એવું સંમોહન કે તમે એક ક્ષણ એના વિના રહી ન શકો.
આનંદઘનજી એ કહ્યું: ‘આનંદઘન બિન, પ્રાણ ન રહે છીન, કોટિ જતન કરી લીજીએ” કરોડો ઉપાયો કરું તો પણ પ્રભુ વિના એક ક્ષણ હું રહી શકું એમ નથી. એ પ્રભુ પ્રત્યેનો પ્રેમ, કે પ્રભુની આજ્ઞા પ્રત્યેનો પ્રેમ અસ્થિ-મજ્જામાં આવી જાય, પછી સંસાર છૂટી જ જાય. પ્રભુ જ પ્રભુ રહે. પ્રભુની આજ્ઞા જ હૃદયમાં રહે. પરને રહેવાની કોઈ જગ્યા જ નથી. No vacancy for others. Board લગાડી દેવાનું પછી. No vacancy for others. હવે બીજા કોઈ માટે જગ્યા નથી. તો આપણે એવી વાતો ચર્ચવા માંગીએ છીએ, કે જે આજે અને અત્યારે તમે કરી શકો એમ છો. અને અહીંના આ વાતાવરણમાં પ્રભુના આ શબ્દો સંભળાય, પ્રભુની કૃપાથી, એ પ્રભુના શબ્દો અસ્તિત્વના સ્તરે જાય. આખું આ પરિસર પરમાત્માના પ્રભાવથી મંડિત છે. એટલે જ તમે આમ enter થાવ આનંદ આનંદ આનંદ થઇ જાય છે. તો અત્યારે આપણે પ્રભુના પરિસરમાં બેઠા છીએ. પ્રભુના જ પ્યારા શબ્દો એ ભીતર ઘુસી જાય. તો આમાં કંઈ અઘરું છે? તમે દીક્ષા લીધી ત્યારે પરનો સંગ છોડેલો જ છે. હું ઘણીવાર કહું મારા મુમુક્ષુઓને કે સંસાર છોડવાની પળોજણમાં પડતો નહિ. સંસાર છૂટી જવો જોઈએ. છોડવાની પળોજણમાં પડ્યો ને તો મેં આટલું છોડ્યું, મેં આટલું છોડ્યું અને છોડનારને ડંડો લઈને મારે કાઢવો પડશે. છોડનાર બચી રહેશે પછી… મેં આટલું છોડ્યું…
એક હિંદુ સંન્યાસી થયેલા, કરોડોપતિ હતા એ જમાનાના, બધું છોડી સંન્યાસ લીધો પણ કરોડ રૂપિયા મનમાંથી જાય નહિ. તમારે છૂટી ગયું છે ને બધું… છે કંઈ? રહ્યું છે કંઈ? એને કરોડ રૂપિયા અંદર રહી ગયેલા. કોઈ પણ ભાવુકો આવે ને શું છે યાર, શું સંસારમાં પડ્યા છો? શું છે આમાં, આ કરોડો રૂપિયા હતા, ખંખેરીને નીકળી ગયા, એટલે કોઈ પણ નાનું પ્રવચન હોય કે સંગોષ્ઠી હોય કરોડ રૂપિયા આવ્યા વગર રહે નહિ. એમાં એક જ્ઞાની પુરુષ મળ્યા, હવે એમ તો પાછા હોશિયાર છે, જ્ઞાની પુરુષ જોડે કંઈ રીતે વાતો કરાય… દયા આપની કરોડોપતિ હતો કરોડોને છોડી દીધા. છૂટી ગયા કરોડો રૂપિયા. જ્ઞાની પુરુષ તો face reading ના master હતા, એ કહે: કરોડ છૂટી ગયા, અરે પાછળ ને પાછળ આવે છે કહે છે. છૂટી ક્યાં ગયા છે…
તો પહેલું સૂત્ર છે નિઃસંગં મન: સામાયિક.