Aatmatatvanu Anusandhan – Vachana 8

75 Views
17 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : નિઃસંગ મન

ચાર પ્રકારની ભાષા. વૈખરી એટલે માત્ર શબ્દો જ શબ્દો. મધ્યમા ની અંદર શબ્દોનું અર્થ સાથે જોડાણ થાય છે. પશ્યન્તિ એટલે જોતી ભાષા; સાધકને એમાં ગ્રંથના શબ્દો એવા ને એવા દેખાય છે. પરા માં વિચારોનું સંપ્રેષણ કરવામાં આવે છે અને અહંકારશૂન્ય બનેલ મર્મી સાધક એ વિચારોને ઝીલીને પોતાના શબ્દોમાં રજૂ કરે છે.

સાધકના મનમાં પરનો સંગ હોઈ શકે નહિ. શરીરને હોય; મનને ન હોય. મનને સંગ ક્યારે થાય? રાગ-દ્વેષાત્મક ચિંતન થાય ત્યારે. આ પદાર્થ સારો છે, આ પદાર્થ ખરાબ છે – આ રીતે ચિંતન કરો એટલે રાગાત્મકરૂપે યા દ્વેષાત્મકરૂપે એ પદાર્થ તમારી ભીતર આવી જાય.

ભક્તને પણ પરનો સંગ ન હોય. ભક્તિ એટલે પરમાત્મા પરનો પરમપ્રેમ. સો એ સો ટકા મન પ્રભુ તરફ આકર્ષાયેલું હોય, એ પરમપ્રેમ. હવે જો એક પણ પરનો મનમાં રાગાત્મક કે દ્વેષાત્મક સંગ થઈ ગયો, તો સો ટકા સંગ પ્રભુનો ન રહે!

આત્મ તત્વનું અનુસંધાન વાચના –

કરેમિ ભંતે સૂત્ર આપણને મળ્યું, અને પરભાવમાંથી સ્વભાવ તરફ જવાની એક મજાની યાત્રા શરૂ થઇ. સદ્ગુરુનો એ શક્તિપાત હતો. એ શક્તિપાત ઝીલાય જાય, તમે એક મિનિટ માટે, એક સેકંડ માટે વિભાવમાં ન જઈ શકો.

યાવજજીવનનું સામાયિક આપણને મળ્યું. એ સામાયિક એટલે શું? એની વ્યાખ્યા યોગપ્રદીપમાં અપાયેલી છે. યોગપ્રદીપ, યોગસાર, હૃદયપ્રદીપ ષડત્રિંશિકા, એવા ગ્રંથો છે, જેના રચયિતાનું નામ આપણને મળતું નથી. આપણે માની શકીએ કે પરા કે પશ્યન્તિમાં આવેલા એ ગ્રંથો છે અને પરા અને પશ્યન્તિમાં ગ્રંથ મળી ગયો, લખાઈ ગયો, એ ગ્રંથકાર કહેશે મારું કર્તૃત્વ આમાં છે જ નહિ. મારું નામ ક્યાંથી આવે?

ચાર ભાષા – વૈખરી, મધ્યમા, પશ્યન્તિ, પરા. વૈખરી એટલે માત્ર શબ્દો જ શબ્દો. મધ્યમાની અંદર શબ્દોનું અર્થ સાથે જોડાણ થાય છે. તમે નમુત્થુણં બોલો છો, એક-એક પદનો અર્થ તમારા ખ્યાલમાં આવે છે. પશ્યન્તિ ભાષા બહુ મજાની છે.

એક આચાર્ય ભગવંત, જંઘા બળ એમનું ક્ષીણ થયેલું, એક જ ઉપાશ્રયમાં રહેવાનું થયું. પ્રભુ આજ્ઞા પ્રત્યેનો પક્ષપાત એટલો બધો કે દર મહિને ઉપાશ્રયનો રૂમ બદલી નાંખે. એ આચાર્ય ભગવંતે સેકંડો સાધકોને એક ગ્રંથ આપેલો. અધિકારીને જ ગ્રંથ આપી શકાય. ૧૦૦ એક વર્ષમાં એવું બન્યું, કે જેમણે જેમણે ગ્રંથ લીધો એમને કોઈ અધિકારી મળ્યો નહિ. એટલે ગ્રંથ એમની સાથે લુપ્ત થઇ ગયો. હવે શબ્દ રૂપે એ ગ્રંથ નથી, લખાયેલો હતો નહિ. ગુરુએ મુખપાઠથી જ આપેલો છે. અને લખવાની ના પણ પાડેલી હતી. કારણ કે લખી દો તો અનધિકારીના હાથમાં પણ આવી જાય.

કોઈ મર્મી સાધક એ ઉપાશ્રયમાં જાય અને એને સંકેત મળે, કે અહીંયા કંઈક  અદ્ભુત ઘટના ઘટેલી છે. કઈ ઘટના ઘટી એ ખબર નથી. પણ કોઈક અદ્ભુત ઘટના અહીં ઘટેલી છે અને એ ધ્યાનમાં જાય છે, ધ્યાનમાં જાય છે અને ધ્યાનની અંદર આખો જ ગ્રંથ ભીંત પર લખાયેલો એને જોવા મળે છે. એ ગ્રંથને એ લખી લે છે. એટલે પશ્યન્તિ ભાષા એટલે જોતી ભાષા. છેલ્લે પરા, ઘણા બધા મહાપુરુષોએ ઘણા બધા વિચારો પાઠવેલા હોય, અત્યારે પણ પાઠવી રહ્યા હોય, કોઈ મર્મી સાધક હોય, તો એ વિચારના પરમાણુઓને પકડી લે. અહંકારથી શૂન્ય બનેલો એ સાધક હોય. એના મનની અંદર પ્રક્ષેપ થવા લાગે. એક અજવાળું થાય અને એને લાગે કે મને કંઈક આપવામાં આવી રહ્યું છે.

એ વિચારો હોય છે. એ વિચારોને એ પોતાના શબ્દોની અંદર રજુ કરે છે. આ પરા. પશ્યન્તિમાં અને પરામાં ફરક એ પડ્યો કે પશ્યન્તિમાં ગ્રંથના શબ્દો એવા ને એવા દેખાયા. અને એવા ને એવા લખાયા. પરામાં વિચારોનું સંપ્રેષણ કરવામાં આવ્યું છે. એ વિચારો તમે ઝીલી લીધા અને એ વિચારોને તમે તમારા શબ્દોની અંદર મુક્યા. પંચસૂત્ર મૂળ એ પરામાં આવેલો ગ્રંથ છે. હરીભદ્રસૂરિ મહારાજ બેઠેલા, અને વિચારોનું સંપ્રેષણ થવા લાગ્યું. સાધનાની ત્રિપદી જે પહેલાં પંચસૂત્રમાં છે, કેટલી તો અદ્ભુત છે. એ સાધના ત્રિપદીનું પ્રક્ષેપણ એમના મનમાં કરવામાં આવ્યું. પછી એમણે પોતાના શબ્દોની અંદર એ પંચસુત્ર લખ્યું છે. તમે એમનું પ્રાકૃત કોઈ ગ્રંથ જોવો. સંસ્કૃત લલિત વિસ્તરા જોવો. અને પંચસૂત્ર જોવો. લલિત વિસ્તરાનું સંસ્કૃત પ્રાંજલ ગદ્ય જેવું છે એવું જ પંચસૂત્રનું પ્રાકૃત પ્રાંજલ ગદ્ય છે. એટલે અમે લોકો તો પહેલેથી માનતા હતા કે પંચસૂત્ર મૂળ હરીભદ્રાચાર્યની જ કૃતિ છે. પણ હમણાં હમણાં ધર્મ પરીક્ષા ગ્રંથમાં મહોપાધ્યાય યશોવિજયજીએ સ્પષ્ટ પુરાવો આપ્યો. ઉક્તં ચ – કહીને એમણે પંચસૂત્ર મૂળનો પાઠ ત્યાં ઉધરિત કર્યો છે.

 ‘उकतं च हरिभद्रसूरिणा पंचसूत्रे’ અને પંચસૂત્ર મૂળનો પાઠ ત્યાં મુક્યો છે. તો પંચસૂત્ર પરામાં આપવામાં આવેલો છે.

રાણકપુર હું ગયેલો, વાચના કરવાની હતી. આગળના દિવસ સુધી કયા વિષય ઉપર બોલવું એ મેં નક્કી નહિ કરેલું. છેલ્લા દિવસે એક વિચાર મને આપવામાં આવ્યો કે, દાદા આદિનાથના મજાના આંદોલનો તો પુરા પરિસરમાં તો છે જ. પણ પંન્યાસજી ભગવંત ભદ્રંકરવિજય મ.સા. અહીંયા બહુ રહેલા, તો એમના પવિત્ર આંદોલનો પણ આ પરિસરમાં છે. ત્યારે મને થયું કે હું, પંન્યાસજી ભગવંતના શબ્દો ઉપર જ કેમ ન બોલું? એ વખતે એક મેં એક આખી નવી મેથડ શરૂ કરેલી. મેં એક પ્રસંગ વાંચેલો અને પ્રસંગને આધારે મેં એક નવી મેથડ શરૂ કરેલી. પ્રસંગ એ હતો, કે શ્રી અરવિંદના ગયા પછી માતાજી પોંડીચેરીમાં આવ્યા. એકવાર માતાજીએ શ્રી અરવિંદના સાવિત્રી ઉપર બોલવાનું નક્કી કર્યું. સાવિત્રી બહુ જ ટફ છે. માતાજીએ એક વિચાર કર્યો, કે સાવિત્રી ઉપર હું બોલું, કે એ બોલે? પ્રભુ બોલે, સદ્ગુરુ બોલે કે હું બોલું? તો એમણે શ્રોતાઓને કહી દીધું કે સવારે ૯ વાગે auditoriumના દરવાજા બંધ થઇ જશે. ૯ થી ૯:૩૦ સુધી બધાએ ધ્યાનમાં જતા રહેવાનું. ૯:૩૦ એ alarm વાગે, બધા આંખો ખોલે, માતાજીની સામે ટેબલ ઉપર સાવિત્રીનું પુસ્તક છે. એ પુસ્તક એમને એમ જ એ ખોલે. અને ડાબા હાથે જે પહેલો પેરેગ્રાફ આવે, એને વાંચે. અને એના ઉપર અડધો કલાક પ્રવચન આપે. એની પાછળનો ઉદ્દેશ એ હતો, કે પોતાની બુદ્ધિ વચ્ચે ક્યાંય આવે નહિ. શેના ઉપર બોલવાનું છે એ ખબર નથી. કયું પાનું કે કયો પેરેગ્રાફ આવશે એ ખબર નથી. તો તમે ન બોલો તો એ બોલે. ભગવાન બોલે ને તમારા કંઠમાંથી? પણ શરત આટલી જ છે કે તમે ન બોલો તો. અને અડધો કલાક પ્રવચન ચાલે, પછી પાછુ ૨૦ મિનિટ ધ્યાનમાં જવાનું અને ચુપચાપ auditorium ને છોડી દેવાનું.

તો શ્રોતાઓ માટે મહત્વની વાત એ હતી કે ધ્યાનના સ્તર ઉપર એ લોકો શબ્દોને ઝીલતાં. અને શબ્દોને ઝીલ્યા પછી પણ ધ્યાન કરતાં, જેથી એ શબ્દો સેન્ડવીચ થઇ જાય. તમે બધા અહીંયા પોણા છ એ આવો તો વાંધો નથી કંઈ. આ Shed ખાલી જ છે. સાડા પાંચે આવો તો ય વાંધો નહિ. ઈરિયાવહિયા કરી, આંખો બંધ કરી, ધ્યાનમાં લાગી જવાનું. એટલે શ્રોતાઓ માટે એ જલસો હતો. અને વક્તા માટે એ વાત હતી કે પોતાને કંઈ ખબર જ નથી શેના ઉપર બોલવાનું છે. એ બોલાવશે. About Savitri માં એ બધા જ પ્રવચનો ગ્રંથસ્થ થયા છે. મેં એ વાંચ્યા ત્યારે મને લાગ્યું કે આમાં human touch છે જ નહિ, divine touch જ છે. એવી વાતો નીકળી છે જેની કલ્પના પણ આપણને ન આવી શકે. તો ક્યાંય તમને human touch ન લાગે. બધે જ divine touch લાગે.

આ ઘટના વાંચ્યા પછી રાણકપુર શિબિરમાં આવીને મેં એ કામ કર્યું. શ્રોતાઓને કહી દીધું આ ટાઈમે આવી જવાનું. હું પણ એ ટાઈમે પહોંચી જવાનો. ધ્યાનમાં બધાએ બેસી જવાનું, અડધો કલાક પૂરો થાય, આત્મોત્થાનનો પાયો પુસ્તક મારી સામે હતું. આમ જ ખોલું અને જે પેરેગ્રાફ પહેલો આવે એ વાંચું અને એના ઉપર બોલું. અને છેલ્લે પણ ૨૦ મિનિટ ધ્યાન કરવાનું. અહીંયા આપણે આવું કરી શકીએ? તો શબ્દો પ્રભુના ધ્યાનમાં સેન્ડવીચ થઇ જાય.

બીજી એક વાત છે. ધન્ના અને શાલિભદ્રજી પ્રભુનું સમવસરણ રાજગૃહીમાં મંડાય ત્યારે અચૂક વૈભારગિરિની ગુફામાંથી આવે. આવે, ઈરિયાવહિયા કરે, પ્રભુને વંદના કરે, અને પ્રભુની અમૃત વાણીને સાંભળવા માટે કહો કે પીવા માટે બેસી જાય. તમે સાંભળો કે પીવો? પીવો તો કેવી મજા આવે? એક શરાબી મયખાનામાંથી ચકાચક પીને નીકળ્યો હોય તમારે એને પૂછવું ન પડે કે ભઈલા કેટલો પીધો છે? એની લડખડાતી ચાલ કહી આપે.

ધન્નામુનિ અને શાલિભદ્રમુનિ પ્રભુના શબ્દ-શબ્દને પીવે છે. પ્રભુની દેશના પુરી થઇ, પ્રભુને વંદના કરી, અને ચાલી નીકળે. એ વખતે સેંકડો આંગળીઓ એમની તરફ ચિંધાતી હોય. ઘણાને ખ્યાલ છે કે ધન્નામુનિ અને શાલિભદ્ર આ છે. પણ આગળ જાય એ ધન્નામુનિ કે પાછળ જાય એ ધન્નામુનિ? લોકો આંગળીથી બતાવે આગળ જાય એ ધન્નામુનિ, પાછળ જાય એ શાલિભદ્રમુનિ. હજારો આંખો એમને જોઈ રહી છે. પણ એ બધાથી બેપરવાહ એ બંને મુનિઓ ઈર્યાનું પાલન કરતાં કરતાં ગુફામાં જાય. ઈરિયાવહિયા કરે, આસન પર બેસે, સૌથી પહેલું કામ શું કરે? પ્રભુએ theorical form માં જે આપ્યું છે એને practical form માં ફેરવવાની વિચારણા કરે. તમે પણ આ જ કરવાના ને? સામાયિકની વ્યાખ્યા આપણી ચાલે છે, તો એ સામાયિક મને કઈ રીતે મળે, એનું practical form ની અંદર ચિંતન કરવાનું.

તો યોગપ્રદીપે કહ્યું: ‘નિઃસંગં, યન્નનિરાભાસં, નિરાકારં, નિરાશ્રયં પુણ્ય-પાપ વિનિર્મુક્તં મન: સામાયિકં સ્મૃતં’ આવું મન તે સામાયિક. તમારા મનને પરનો સંગ હોઈ શકે જ નહિ. શરીરને હોય મનને ન હોય, મનને સંગ ક્યારે થાય? રાગ-દ્વેષાત્મક ચિંતન થાય ત્યારે. આ પદાર્થ સારો છે, આ પદાર્થ ખરાબ છે. આ રીતે ચિંતન કરો એટલે રાગાત્મક રૂપે, યા દ્વેષાત્મક રૂપે એ પદાર્થ તમારી ભીતર આવી જાય.

અત્યારે વૈજ્ઞાનિકો કહે છે, કે એક પુદ્ગલ પર, એક પદાર્થ પર તમે ૨૫ થી ૩૦ સેકંડ ધારી-ધારીને જોવો અને તમારી ભૂમિકા ગમા અને અણગમાની છે તો એ પદાર્થ તમારા મનમાં વસી જશે. એ પદાર્થ તમારા મનનો કબજો લઇ લેશે. તો પરનો સંગ તમારા મનને ન હોય. બરોબર…

 હવે બે વાત કરવી છે, તમે ભક્ત હોવ તો પણ પરનો સંગ તમને પાલવી ન શકે. તમે સાધક છો, તો પણ પરનો સંગ તમને પાલવી ન શકે. ભક્ત સંપૂર્ણતયા પ્રભુના પ્રેમમાં ડૂબેલો છે. નારદઋષિને પૂછવામાં આવ્યું, કે ભક્તિ એટલે શું? ત્યારે એમણે કહ્યું: ‘સા ત્વસ્મિન પરમપ્રેમ રૂપા, અમૃત સ્વરૂપા ચ.’ ભક્તિ એટલે શું? પરમાત્મા પરનો પરમપ્રેમ. જો કે મેં અનુવાદમાં કહ્યું. પરમાત્મા પ્રત્યેનો પરમપ્રેમ. મહર્ષિ નારદ શું લખે છે… સા ત્વસ્મિન પરમપ્રેમ રૂપા, એને વિશેનો પરમપ્રેમ એ ભક્તિ. તમારા પ્રેમને ઉચ્ચ બિંદુ ઉપર લઇ જાવ, સર્વોચ્ચ બિંદુ ઉપર. તમારી ચાહતને જેટલી તમે ઊંચકી શકો એટલી ઉંચકો. અને એ ચાહત એના વિશેની હોય. ભક્તિ થઇ ગઈ. એના વિશે… ભક્તનું વ્યાકરણ બહુ નાનું છે. એમાં ત્રીજો પુરુષ એકવચનમાં ‘તે’ છે. પહેલાં પુરુષ એકવચનમાં ‘હું’ છે. બીજી કોઈ ગરબડ છે નહિ એમાં. ‘તે’ ને ‘હું’ પછી ‘હું’ ‘તે’ માં ડૂબી જાય એટલે વ્યાકરણ પૂરું થઇ જાય.

તો ભક્ત પ્રભુને પરમપ્રેમ, પૂર્ણપ્રેમ કરે છે. મહોપાધ્યાયજીએ કહ્યું: ‘મેરે પ્રભુશું પ્રગટ્યો પૂરન રાગ.’ પૂર્ણ રાગ એટલે શું? તમે સ્તવન તો ગાવ ને? ‘મેરે પ્રભુશું પ્રગટ્યો પૂરન રાગ’ પછી શું કહો? કે પ્રભુ મને આવો પૂર્ણ રાગ મળ્યો નથી. પણ એ મળે એના માટે આ પ્રાર્થના તારા ચરણોમાં રજુ કરું છું. એકવાર મને એક ભક્તે પૂછેલું, કે હું પ્રભુ તારો, ને તું પ્રભુ મારો. એ સ્તવન ગાઈએ તો આપણને અસત્ય બોલવાનું પાપ ન લાગે? આપણે ક્યાં પ્રભુના થઇ ગયા છીએ? પ્રભુ તો આપણા છે  જ. આપણે ક્યાં પ્રભુના થયા છીએ? ત્યારે મેં કહ્યું કે, જ્ઞાનવિમલસૂરિ મહારાજે એ  સ્તવન જે લખ્યું છે એ વિધેયાત્મક રૂપણા. કે મારે થઇ જ ગયું છે આ. આપણે એને પ્રાર્થના ના લયમાં લેવાના. કે પ્રભુ હું તારો બની શક્યો નથી. પણ અંતરમાં ૧૦૦ એ ૧૦૦ ટકા ઈચ્છા છે કે આ જન્મનો અંત થાય એ પહેલાં મારે પૂર્ણતયા મારા અસ્તિત્વને તારા રંગથી રંગી દેવું છે.

મીરાંએ કહેલું, “લાલ ન રંગાવું, હરિ ન રંગાવું, તેરે હિ રંગ મેં રંગ દે ચુનરિયા” અને પછી કહે છે એસા હિ રંગ દો, કે રંગ નાહિ છુટે, ધોબીઆ ધુએ ચાહે સારી ઉમરિયા” અસ્તિત્વના સ્તર પર પ્રભુનો પ્રેમ, ભક્તિ આવી જવા જોઈએ. તો આપણું એક લક્ષ્યાંક છે, “મેરે પ્રભુશું પ્રગટ્યો પૂરન પ્રેમ” પૂર્ણ પ્રેમ મેળવવો જ છે. હવે પૂર્ણ પ્રેમ એટલે ૧૦૦ એ ૧૦૦ ટકા મન એના તરફ આકર્ષાયેલું હોય. એકાદ ટેબલ ગમી ગયું. તો ચાહતમાં પાંચ ટકા કટૌતી આવી ગઈ. એકાદ ઘડિયાળ ગમી ગઈ, બીજા દસ ટકાની કટૌતી આવી ગઈ. એટલે તમે જો ભક્ત છો, તો તમે પરની પ્રીતિમાં જઈ શકો જ નહિ. પરમની પ્રીતિ કહો કે સ્વની પ્રીતિ કહો. પરમમાં ડૂબવું એમ કહો, કે સ્વમાં ડૂબવું એમ કહો. વાત એકની એક જ છે. પણ આપણી પરંપરા બહુ સારી છે. સ્વમાં ડૂબવાની વાત જે છે ને એ સાક્ષીભાવના લયની છે. એકલો સાક્ષીભાવ કોરો પડી જાય છે. સમર્પણ વિનાનો સાક્ષીભાવ કોરો પડી જાય છે. અને એથી એમાં પાછળના બારણેથી ‘હું’ નો પ્રવેશ થઇ જાય છે. સમર્પણ પણ તમે જે સમજો છો, એ સાચું ન પણ હોઈ શકે. અપેક્ષા રહેલી છે થોડી… અને તમે પ્રભુને ચાહતા હોવ તો એ ચાહત ૧૦૦ ટકાની નથી.

તો એ સમર્પણ જે છે એ સાચું નથી. એમાં જો સાક્ષીભાવ મળે, અલિપ્તદશા મળી જાય, તો સમર્પણ જે છે ને એ વાસ્તવિક બની જાય. એટલે પ્રભુએ આપણને સમર્પણ + સાક્ષીભાવની સાધના આપી છે.

ઉત્તરાધ્યયન સુત્રના પહેલા અધ્યયનના પહેલા ગાથા સૂત્રમાં ભગવાને કહ્યું: ‘વિણયં પાઉકરિસ્સામિ’ તને હું સમર્પણના પાઠો શીખવીશ. પણ ક્યારે? તું સાક્ષીભાવમાં ગયેલો હોઈશ ત્યારે. ‘સંજોગા વિપ્પમુક્કસ્સ’ તું સંયોગોથી બિલકુલ દૂર હશે, મુક્ત પણ નહિ, પ્રમુક્ત, વિમુક્ત નહિ. વિપ્રમુક્ત. ‘અણગારસ્સ’ આ દેહનો પણ તને કોઈ પ્રેમ નહિ હોય. ‘ભિક્ખુણો’ તું અહંકારથી પણ પર હોઈશ. ‘ણમે દેહથીણ કૂપેચ્ચા થોઉં લદ્ધં…’ તો પદાર્થો અને વ્યક્તિઓના સંગથી પર હોવું એ સાક્ષીભાવનું પહેલું ચરણ. દેહાધ્યાસની મુક્તિ એ સાક્ષીભાવનું બીજું ચરણ. અને અહંકારમુક્તિ એ સાક્ષીભાવનું ત્રીજું ચરણ. તો પ્રભુએ કહ્યું કે, સાક્ષીભાવના આ ત્રણ ચરણો તને મળેલા હશે, તો હું તને સમર્પણના પાઠો શીખવીશ. તો આપણી વાત એ છે, ‘મેરે પ્રભુશું પ્રગટ્યો પૂરન રાગ’ ભલે અત્યારે પ્રગટ્યો નથી. પ્રગટાવવો છે? બધાની ઈચ્છા છે? કહો ને સાહેબ એના માટે તો નીકળ્યા છે… એના માટે જ નીકળ્યા છો ને… તો હવે એ જોવું છે કે પરની પ્રીતિમાંથી સંપૂર્ણતયા છૂટવું. પરમની પ્રીતિમાં સંપૂર્ણતયા જવું. એનો માર્ગ કયો? એટલે આપણી પરંપરાએ એક મજાનો માર્ગ બતાવ્યો કે પ્રભુના ગુણોની અનુભૂતિ દ્વારા સ્વગુણોની અનુભૂતિ કર. પ્રભુની વિતરાગદશા જે છે, એ જો. એનું ચિંતન કર, એનું અનુભવન કર. અને તારી ભીતર જે વિતરાગદશા છે એની તું અનુભૂતિ કર. તો આ એક સરસ માર્ગ છે. સમર્પણ દ્વારા ભીતર જવાનું. બાકી હું વિતરાગ છું, હું વિતરાગ છું, એમ બોલ્યા કરવાથી કંઈ થશે નહિ અને કદાચ એકલો સાક્ષીભાવ હશે, તો કોરો પણ પડી જશે. એટલે આ જ વાતને આપણે આગળ કાલે જોઈશું.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *