વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : મેરે પ્રભુ સું પ્રગટ્યો પૂરન રાગ
અસંગ મન, તે સામાયિક. ભક્તની દ્રષ્ટિએ પરનો અસંગ = પરમનો સંગ. સાધકની દ્રષ્ટિએ પરનો અસંગ = સ્વનો સંગ. મનમાં પરનો અસંગ એટલી હદે થઇ જાય કે પરમની પૂર્ણ પ્રીતિ થઇ જાય.
મન એટલે જ અપૂર્ણતા. અગણિત જન્મોથી ઇચ્છાઓની ધારામાં મન વહેતું આવ્યું છે. મનની પેલે પારની ઘટના જે અસ્તિત્વ છે, એ અસ્તિત્વ જ્યારે પૂર્ણ બને છે; ત્યારે જ મન પૂર્ણ બને છે.
તમે ધ્યાનમાં ગયા, તમારું વ્યક્તિત્વ ઓગળી ગયું અને પરમાત્માનું અસ્તિત્વ તમને મળ્યું. એ અસ્તિત્વ મળ્યું પછી જ મન પૂર્ણ બનશે. ત્યાં સુધી મન પૂર્ણ બનવાનું નથી. પૂરન મન પૂરન સબ દિસે, નહિ દુવિધા કો લાગ.
આત્મ તત્વનું અનુસંધાન વાચના – ૯
યોગપ્રદીપમાં સામાયિકની વ્યાખ્યા આપવામાં આવી.
‘નિઃસંગં, યન્નનિરાભાસં, નિરાકારં, નિરાશ્રયં પુણ્ય-પાપ વિનિર્મુક્તં મન: સામાયિકં સ્મૃતં’
અસંગ મન તે સામાયિક. ભક્તની દ્રષ્ટિએ પરનો અસંગ = પરમનો સંગ. સાધકની દ્રષ્ટિએ પરનો અસંગ = સ્વનો સંગ.
મહોપાધ્યાયજી ભગવંત ભક્તની ધારામાં છે. અને એટલે તેઓ કહે છે, ‘મેરે પ્રભુશું પ્રગટ્યો પૂરન રાગ’ પરનો અસંગ એટલી હદે થઇ ગયો, કે પરમની પ્રીતિ પૂર્ણ થઇ ગઈ. સવાલ આપણને થાય કે એવી પરમની પ્રીતિ આપણને કઈ રીતે થાય? અહીંયા આવ્યા છીએ, માત્ર અને માત્ર પરમની પ્રીતિ માટે. તેની પ્રીતિથી હૃદય ભરી દેવું છે. હમણાં હમણાં એક પદાર્થ હું વારંવાર repeat કરતો હોઉં છું. પ્રભુનો પ્રેમ સતત આપણા ઉપર વરસી રહ્યો છે. એક ક્ષણ, એક સેકંડ એવી નથી, કે જ્યારે પ્રભુનો પ્રેમ વરસતો ન હોય. અગણિત જન્મોથી આ પ્રેમની વર્ષા ચાલુ હતી. પણ આપણી પાસે receptivity નહોતી. આપણે એ પ્રેમને ઝીલી શક્યા નહિ. આ જન્મમાં આપણું અવતારકૃત્ય કોઈ પણ હોય, તો એ એક જ છે, કે પરમના પ્રેમથી હૃદયને સભર બનાવી દેવું. અને એ જ પ્રભુનો પ્રેમ બીજાને આપ્યા કરવો. મારું પોતાનું અવતારકૃત્ય મને પૂર્ણ થયેલું લાગે છે. આ જન્મમાં જેટલી ઉંચાઈ સુધી મારે પહોંચવું હતું, ત્યાં પ્રભુએ મને મૂકી દીધો. હવે પ્રભુ કહે છે, તું મારા પ્રેમને ઝીલીને બીજાઓને આપ. એટલે મારું કામ પૂરું થયું. પ્રભુનું કામ શરૂ થયું. તમારા બધા ઉપર પણ પ્રભુનો પ્રેમ આ જ રીતે વરસી રહ્યો છે. એને ઝીલો. તો સવાલ એ થાય છે કે એ પરમની પ્રીતિને ઝીલવા માટેનું પાત્ર કયું હોય? કયા પાત્રમાં પરમની પ્રીતિને આપણે ઝીલી શકીએ? કઈ સજ્જતા આપણી હોવી જોઈએ…
તો બહુ મજાની વાત એ જ સ્તવનામાં કરી, ‘જિનગુણચંદ્ર કિરણશું ઉમટ્યો, સહજ સમુદ્ર અતાગ’ પૌરાણિક કથા એવી છે કે, ચંદ્ર સમુદ્રનો દીકરો છે. દીકરાની જેમ-જેમ ઉન્નતી થાય, તેમ પિતાને, માતાને હર્ષ થાય. પૂનમનો ચંદ્ર સંપૂર્ણતયા ખીલેલો હોય, ત્યારે દરિયામાં એકદમ ભરતી આવે. તો ચંદ્ર એ દીકરો છે. સમુદ્ર એ પિતા છે. તો આપણી ભીતરનો સમુદ્ર પ્રભુમય બન્યો એનું કારણ શું? માત્ર મનને કે હૃદયને પ્રભુની પ્રીતિથી ભરી દેવાની વાત નથી. Conscious mind માં પ્રભુની પ્રીતિ ઝીલાઈ તો પણ શું? આવતાં જનમમાં… પૂરું તમારું અસ્તિત્વ એના પ્રેમથી ભીંજાઈ જાય. તો સહજ સમુદ્ર અતાગ’ અસ્તિત્વ માટે સરસ શબ્દ વાપર્યો, અતાગ એવો સહજ સમુદ્ર. અતાગ… જેના ઊંડાણનું માપ લઇ શકાય નહિ. એવો એક સહજ સમુદ્ર અસ્તિત્વનો આપણી ભીતર છે. પણ એ સમુદ્ર પણ પૂર્ણ ક્યારે થાય? પેલા સમુદ્રને મળે ત્યારે. તો સહજ સમુદ્ર અતાગ. આપણી બધાની ભીતર એક સમુદ્ર છે. એ વ્યક્તિત્વનો સમુદ્ર છે, અને એને પ્રભુ સાથે જોડીશું ત્યારે અસ્તિત્વના સાગરમાં એ પલટાઈ જશે. તો ‘જિનગુણચંદ્ર કિરણશું ઉમટ્યો, સહજ સમુદ્ર અતાગ’ અતાગ એવા સહજ સમુદ્રમાં ભરતી આવી. ભરતી નું કારણ શું? કે આ ચંદ્ર જેમ-જેમ વિકસે તેમ સમુદ્ર વધારે ઉછળે. એમ અહીંયા અસ્તિત્વનો આપણો સમુદ્ર ઉછળે ત્યારે જિનગુણચંદ્ર કિરણશું – પ્રભુના ગુણો રૂપી ચંદ્રના જે કિરણો છે એ કિરણો સાથે એનો સંપર્ક થાય ત્યારે સમુદ્ર ઉછળે. ચંદ્રમા ત્યાં છે, સમુદ્ર નીચે છે, પણ ચંદ્રના કિરણો અહીં સુધી આવે છે. તો આપણો સમુદ્ર અહીં છે. પરમાત્મા ત્યાં છે. તો શું કરવાનું? પ્રભુના ગુણો જે છે, એ ચંદ્ર કિરણો બની ગયા. એ પ્રભુના ગુણોની આંશિક અનુભૂતિ થવી જોઈ. માત્ર વિચાર નહિ. સમુદ્રને ચંદ્ર-કિરણોનો સ્પર્શ થાય છે. એમ તમારાં સહજ સમુદ્રને પણ પ્રભુના ગુણોનો આંશિક સ્પર્શ થવો જોઈએ… કરવો છે? હું તો now and here નો માણસ છું. બેસી જાવ. કરી દઈએ. એના માટેનું સૂત્ર શીતલનાથ પ્રભુના સ્તવનમાં મહોપાધ્યાય યશોવિજય મહારાજે આપ્યું: ‘જ્યોતશું જ્યોત મિલત જબ ધ્યાવત, હોવત નહિ તબ ન્યારા’ જ્યોતિર્મય પરમાત્મા છે. એ જ્યોતિર્મય પરમાત્મા સાથે તમે સંપર્ક કઈ રીતે સાધી શકો? there is only one way. એક જ માર્ગ છે. ન શબ્દોથી મિલન થાય, ન વિચારોથી મિલન થાય. જ્યોતિર્મય પરમાત્માનું મિલન તમે જ્યોતિર્મય થાવ તો જ થાય.
દરિયામાં કે નદીમાં પત્થર નાંખો, તો પત્થર પડ્યો રહેવાનો છે. એ દરિયામાં કે નદીમાં ઓગળવાનો નથી. પણ ઝરણું નદીમાં જાય તો? એ નદીમય બની જશે. એમ શબ્દ અને વિચાર એ પત્થર છે. અને એ પત્થર જ્યોતિર્મય અસ્તિત્વમાં પીગળી નહિ શકે. તો આપણા વ્યક્તિત્વને આપણે જ્યોતિર્મય બનાવવું પડશે. સમભાવની આંશિક અનુભૂતિ તમારી પાસે આવી, તો શું થયું? તમારી ભીતર સમભાવનું ઝરણું ચાલુ થયું. અને દરિયામાં ભળી જશે. એટલે શબ્દ અને વિચાર ત્યાં સુધી જ કામના છે કે એ જ્યોતિર્મયતા ને પ્રગટાવી શકે. પણ જે શબ્દ અને જે વિચાર જ્યોતિર્મયતાને પ્રગટાવી ન શકે, અનુભૂતિને ન આપી શકે, એ શબ્દ અને વિચારનું આપણે કોઈ પ્રયોજન નથી. એક સાધક કોઈ પણ પુસ્તક હાથમાં લેશે, બે પાનાં ફેરવશે, જોઈ લેશે આ મને પરમાત્મા તરફ લઇ જાય તેમ છે? નથી તો મુકો… છે તો વાંચો…
સંત કબીરે કહ્યું: ‘શબ્દ શબ્દ બીચ અંતરા, સાર શબ્દ ગ્રહી લે’ સાર શબ્દ કયો? ‘જો શબ્દે સાહિબ મિલે’ તમે ધ્યાનમાં બેસો છો હમણાં ભગવાને સરસ મજાનો મોકો આપ્યો છે. ભક્તિમાં, ધ્યાનમાં, જાપમાં, પ્રવાહિત થવાનો. ઓગળી જાવ તમે, પીગળી જાવ. તમારું વ્યક્તિત્વ ન રહે. દેહનો અધ્યાસ ન રહે, દેહનો ખ્યાલ ન રહે. ૮ વાગ્યા, કે ૯ વાગ્યા, કે ૧૦ વાગ્યા. ખ્યાલ ન રહે. ન ભૂખ, ન તરસ… ઓગળી જવું છે. પ્રભુએ આપણને અહીં બોલાવ્યા છે, એટલા માટે જ કે તમે બધા ઓગળી જાવ. મારામાં ઓગળી જાવ. પ્રભુનું આમંત્રણ… ના પડાય? તો ઓગળી જવાનું એ જ અનુભૂતિ. સમભાવની ધારામાં ગયા, સમભાવનું ઝરણું પરમાત્માના સમતાના સમંદરમાં ભળ્યું, બસ તમે ઓગળી ગયા, પીગળી ગયા. તમારું વ્યક્તિત્વ ન રહ્યું. પણ તમને વિરાટ અસ્તિત્વ મળ્યું. એક બુંદ વરસાદનું સમુદ્ર ઉપર પડે, પાંચ મિનિટ પછી કોઈ કહે પેલું બિંદુ પડ્યું ને હમણાં દરિયામાં એને બહાર કાઢો તો… quite impossible. એ બિંદુએ પોતાની identity ગુમાવી દીધી. એ identity less થઇ ગયું. પણ એને પોતાની identity ગુમાવી, દરિયાને પામી લીધો. એ એક ટીપામાં દરિયાના પુરા ગુણધર્મો આવી ગયા. તો ‘જિનગુણચંદ્ર કિરણશું ઉમટ્યો, સહજ સમુદ્ર અતાગ’ અને એ પછી શું થાય એની વાત કરી.
‘પૂરન મન પૂરન સબ દિશે, નહિ દુવિધા કો લાગ’ મન પૂર્ણ ક્યારે બને? અસ્તિત્વની ધારા ઉપર તમે ન જાવ, ત્યાં સુધી મન પૂર્ણ બની શકે જ નહિ. મન એટલે જ અપૂર્ણતા. અગણિત જન્મોથી ઇચ્છાઓની ધારામાં મન વહેતું આવ્યું છે. આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ… એની choices નો કોઈ પાર જ નથી. તો મન સતત અપૂર્ણ રહેવા માટે સર્જાયેલું છે. પણ મનની પેલે પારની ઘટના જે અસ્તિત્વ છે, એ અસ્તિત્વ જે વખતે પૂર્ણ બને છે. એ વખતે મન પૂર્ણ બને છે. ધ્યાનમાં ગયા, તમારું વ્યક્તિત્વ ઓગળી ગયું અને પરમાત્માનું અસ્તિત્વ તમને મળ્યું. એ અસ્તિત્વ મળ્યું પછી મન પૂર્ણ બનશે. ત્યાં સુધી મન પૂર્ણ બનવાનું નથી. Total choiceless બનવું છે.
કુમારપાળ રાજાએ આત્મનિંદા દ્વાત્રિંશિકામાં કહ્યું: मोक्षेऽप्यनिच्छो भवितास्मि नाथ! પ્રભુ ક્યારે મને યથાખ્યાત ચારિત્ર મળશે કે જ્યારે હું મોક્ષને વિશે પણ ઈચ્છા વગરનો હોઈશ. મોક્ષનો પર્યાય જ્યારે ખુલવો હોય ત્યારે ખુલે મને એની પણ આકાંક્ષા નહિ હોય. અશુભની ઈચ્છા તો નહિ, શુભની ઈચ્છા પણ નહિ. અને એક વાત યાદ રાખો, તમને શુભની ઈચ્છાની છૂટ આપી શકાય પણ conditionally. શરતી. બિન શરતી નહિ. આયંબિલની ઓળી કરવાનો વિચાર આવ્યો, શુભ વિચાર છે, શુભ ઈચ્છા છે, તમે ગુરુદેવના ચરણોમાં એને મૂકી શકો. પછી ગુરુદેવ કહે કે ના તારે હમણાં નથી કરવાની. તહત્તિ ગુરુદેવ. પણ નહિ સાહેબ મારે કરવી જ છે હમણાં. એટલે હું ઘણીવાર કહું કે શુભ ઈચ્છા પણ ગુરુના ચરણ પર મુકજો, ગુરુના માથે નહિ ઠોકતા. નહિ, નહિ, નહિ મારે કરવું જ છે… શુભની પણ ઈચ્છા conditionally. ગુરુ કહે કે કરવાનું, તો કરવાનું. ગુરુ કહે ના તો નહિ. ઇચ્છકારી ભગવાન પસાય કરી પચ્ચક્ખાણનો આદેશ આપશોજી… ગુરુ આયંબિલનું આપે તો આયંબિલ, એકાસણું આપે તો એકાસણું. જે પચ્ચક્ખાણ આપે તે. તો શુભ ઈચ્છા કરવાની છૂટ. પણ શુભ ઇચ્છાઓ ઉપર તમારો આગ્રહ ન જોઈએ.
એટલે જ યોગબિંદુમાં હરીભદ્રસૂરિ મહારાજે પ્રાથમિક સાધકની બે સજ્જતાઓની વાત કરી છે. પ્રાથમિક સાધક નિરાગ્રહશીલ હોય, અને નિર્દ્વન્દ્વ હોય. નિરાગ્રહશીલ – કોઈ આગ્રહ ન રહે. ગુરુ તમારી શુભ ઈચ્છાને કેમ તોડશે? એ શુભ ઈચ્છાની પાછળ તમારો આગ્રહ છે. હું તો એકાસણું જ કરું. બેસણું કરું જ નહિ ક્યારેય… તો ગુરુ એને કહે છે તું બેસણું કર આજે. એકાસણું કરવું એ મોટી સાધના નથી. તારી ઈચ્છાને તોડવી એ મોટી સાધના છે. એટલે પ્રારંભિક કક્ષાનો સાધક પણ નિરાગ્રહશીલ હોય. કોઈ આગ્રહ નથી. સદ્ગુરુ જે કહે તે કરવાનું છે. અને જે ક્ષણે તમે નિરાગ્રહશીલ બન્યા, નિર્દ્વન્દ્વ બન્યા. હવે રતિ-અરતિ, સુખ-દુઃખ કોઈ દ્વન્દ્વ ન રહ્યું. મારે આમ કરવું હતું ને ગુરુ મહારાજે ના પાડી. સદ્ગુરુના ચરણોમાં સંપૂર્ણ સમર્પણ એ જ સાધનાની પહેલી શરત છે. અત્યાર સુધીના જન્મોમાં પ્રભુની સાધના મળી, પ્રભુનું શ્રામણ્ય મળ્યું છતાં આપણો સંસાર ચાલુ રહ્યો, કારણ શું? આપણી પાસે total surrender નહોતું. આપણું હું ઊભું હતું. તમારે ભગવાનને કઈ રીતે રાખવા છે? ભગવાન! કેન્દ્રમાં હું છું ને તમે બાજુમાં બેસી જજો. ભગવાન કહે હું નવરો છું? અડધી જગ્યા રોકીને તું બેઠો છે, સિંહાસન ઉપર અને અડધું સિંહાસન મને આપે છે, મારે એવી ક્યાં ફુરસત છે… મને આખું ને આખું હૃદય આપી દેનારા અસંખ્ય માણસો છે, તો ત્યાં ન જાઉં હું? તારી પાસે આવું…સદ્ગુરુને પણ આ જ કહ્યું: સાહેબ! મારું હું તો રહેવાનું જ. તમારે રહેવું હોય તો થોડી જગ્યા કરી આપું બોલો… બરોબર ને… અગણિત જન્મોમાં આ જ કર્યું, આજન્મમાં શું કર્યું? તમારી ઈચ્છાનું પ્રાધાન્ય વધારે કે ગુરુની આજ્ઞાનું પ્રાધાન્ય? ગુરુ આજ્ઞા આપે ત્યારે સીધી જ સ્વીકારી લો? કે આમ દલીલ આવે.. argument? સાહેબ આ તો આમ ફાવે એમ નથી. સાચી વાત? હું કહું કે ભાઈ અહિંયા ચોમાસું કરવાનું… ચિટ્ઠી ફાડી દઉં… એટલે તમે બધા તૈયાર.
તેરાપંથના આચાર્ય મહાપ્રજ્ઞ એમનો પાટોત્સવ આવે ત્યારે બધાના ચાતુર્માસ નક્કી કરે. હવે બધા જ શિષ્યો આચાર્યના છે. કોઈ ગુરુ-શિષ્ય નથી. બધા ગુરુ ભાઈઓ છે. તો આ વખતે બે આમને મુક્યા હતા. એમાંથી એકને આમ મુકે ને એકને આમ મુકે. કોને ક્યાં મુકવા એ પૂર્ણ તંત્ર આચાર્યના હાથમાં. તો કેટલી સમર્પિતતા કહેવાય. એવી સમર્પિતતા આપણી પાસે છે? તો નિરાગ્રહશીલતા આવશે તો નિર્દ્વન્દ્વતા આવશે. વિહાર ક્યારે છે? ગુરુદેવ કહે ત્યારે. કાલે શું કરવાનું છે? ગુરુદેવ કહે ત્યારે. અચલગઢ ક્યારે જવાનું? ગુરુદેવ કહે ત્યારે. નિર્દ્વન્દ્વતા.
તો અસ્તિત્વ પૂર્ણ બને છે, પ્રભુમય બને છે, ત્યારે જ મન પૂર્ણ બને છે. ત્યાં સુધી મન અપૂર્ણ જ રહેવાનું. Conscious mind કહો, subconscious mind કહો, કે unconscious mind કહો એ ત્રણેયની અંદર સંજ્ઞાનું જ સામ્રાજ્ય છે. અનંત જન્મોથી જે સંજ્ઞાઓ પુષ્ટ થઇ છે એ બધા મનોની અંદર છે. એટલે એ મનો ક્યારેય શુદ્ધ થવાના નથી, પણ અસ્તિત્વને શુદ્ધ બનાવશું એટલે મન પારદર્શી બની જશે. તો પૂરન મન પૂરન સબ દિશે – મન પૂર્ણ બન્યું. બધું પૂર્ણ દેખાય છે. શ્રીપાળરાજાને ધવલશેઠ પણ સિદ્ધ ભગવાન તરીકે દેખાયા હતા. પૂર્ણ આત્મા તરીકે…
હકીકતમાં ડાઘ મારા ચશ્માના ગ્લાસમાં હોય છે, તો મારે એ ડાઘને દૂર કરવો જોઈએ. પણ ડાઘ ત્યાં છે, મને ફરસ જ્યાં છે ત્યાં ડાઘ દેખાય છે. તો ફરસ સાફ કરાવાની? તમારી દ્રષ્ટિને સાફ કરવાની છે, તમારા visionને સ્વચ્છ બનાવાનું છે, કે બીજા બધાઓને સ્વચ્છ બનાવવાના છે? તમે બધાને સ્વચ્છ બનાવવા માટે નીકળી પડ્યા છો. પહેલાં આપણે નિર્મળ બનીશું, automatically તમારા aura field માં જે આવશે એ નિર્મળ બની જશે. એટલે કવાયત બીજાને નિર્મળ કરવાની ક્યારેય પણ તમારે કરવાની નહિ. એ સદ્ગુરુનો વિષય છે. તમારો વિષય નથી. તમે તો તમારી જાતને નિર્મળ બનાવો. તો પૂરન મન પૂરન સબ દિશે, બધું જ પૂર્ણ દેખાય છે. કોઈ વ્યક્તિમાં તમને ક્યાંય દોષ દેખાતો જ નથી.
હું ઘણીવાર કહું, જરિયામાં કોલસાની ખાણ છે, એ કોલસાની ખાણમાંથી સાંજે એક કર્મચારી બહાર નીકળ્યો. હવે કોલસાની રજથી એનું આખું શરીર રજોટાઈ ગયું છે. કાળો હબસી જેવો લાગે છે. સામાન્ય માણસ એને જોવે તો ઓહો આવો કાળો, કાળો, કાળો. પણ જે એને ઓળખે છે એને ખબર છે આ ચીમન છે. એની ચામડી એકદમ ગોરી છે. હમણાં નળ નીચે બેસશે બાથરૂમમાં એટલે એકદમ રજ બધી જતી રહેશે અને ગોરી ચામડી ખુલ્લી થઇ જશે. તમને આ ખબર નથી? બધા પૂર્ણ આત્મા છે. કર્મની રજ લાગેલી છે… ખરી જશે… બધા પૂર્ણ જ છે. મારી જાત મને અપૂર્ણ દેખાય અને મારા સિવાયના બીજા બધાને હું પૂર્ણ તરીકે જોઈ શકું. તો જ નિશ્ચયથી પ્રભુશાસન મને મળેલું કહેવાય. બધા જ સારા જ છે. ખરાબ હોય તો એકમાત્ર હું છું. આ વાત મનના સ્તર પર પુરેપુરી ઘુમરાય ત્યારે નિશ્ચયથી પ્રભુશાસનમાં પ્રવેશ થાય. તો અસંગ મન, પરથી અસંગ બનેલું મન પરમના સંગમાં જોડાઈ જાય.