Shree Navpad Shashvati Oli 2025 – Siddha Bhagwant Pad

109 Views
19 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : ચેતના પ્રત્યેનો સમાદર

ભક્તની બે સજ્જતા: બુદ્ધિરહિત અને શક્તિવિકલ. પોતાની બુદ્ધિ અને પોતાનો પ્રયાસ એના પરની જેની શ્રદ્ધા – આસ્થા ઊડી ગઈ છે, તે ભક્ત. ભક્ત પાસે બુદ્ધિ નથી, શ્રદ્ધા છે; પ્રયાસ નથી, પ્રસાદ છે. તમે બધા શ્રદ્ધાજીવી છો પણ બીજી વાત તમારા માટે મહત્ત્વની છે: કર્તૃત્વમુક્ત પણ તમે હોવા જોઈએ.

ધારણ, પોષણ, તારણો રે, નવસર મુક્તાહાર. આપણી સાધના પધ્ધતિના આ ત્રણ પડાવો: ધારણ, પોષણ અને તારણ. શુભ, શુભનો વેગ અને શુદ્ધ.

Surrender ની સામે care. સાધનામાં આવતી બાહ્ય અસુવિધાઓને દૂર કરવાનું કાર્ય પણ પ્રભુ કરે છે અને વિભાવથી આપણને સુરક્ષિત રાખવાનું કાર્ય પણ પ્રભુ કરે છે. એનું સુરક્ષાચક્ર મળી જાય, એની care મળી જાય, તો એક ક્ષણ માટે પણ તમને વિભાવ સ્પર્શી ન શકે.

આબુ ઓળી વાચના –

સ્વપ્ન આવ્યું છે, અને આપ રાજાને ત્યાં આવો, અને આપની સલાહ જે છે, એ રાજાને એવી રીતે આપો, કે અમારું રાજ્ય વધુ સમૃદ્ધ બને. પહોંચી ગયા અધિકારીની post ઉપર બંગલો મળી ગયો, બધું જ મળી ગયું. અને ધવલશેઠ ફરતાં ફરતાં ત્યાં આગળ આવે છે, બંદર પર વેપાર કરવો હતો. તો રાજાની અનુમતિ લેવી પડે, રાજાની અનુમતિ લેવા માટે ધવલશેઠ સોનામહોરોનો થાળ ભરીને લાવે છે. રાજાના ચરણોમાં મુકે છે. વિનંતી કરે છે, મારે આપના બંદરમાં વેપાર કરવો છે. મને અનુમતિ આપો. અનુમતિ મળી ગઈ, એ વખતે ધવલજીની  નજર બાજુના સિંહાસન ઉપર પડી, બાજુના સિંહાસન ઉપર સરસ રાજવી વસ્ત્રો પહેરીને શ્રીપાળ કુમાર બેઠેલા, અરે આ? જેને દરિયામાં ફેંકી દીધેલો, એ અહીંયા… ધવલના પેટમાં તેલ રેડાયું, પણ શ્રીપાળજીની આંખમાં લાલાશનો ટીસ્યો પણ ફૂટતો નથી. શું કારણ? મારામાં સમભાવ છે એની પરીક્ષા ધવલજીએ કરી. એટલે ધવલજી મારા ઉપકારી, મારા ગુરુ. તમારે ગુરુ કેટલા? બોલો….

જે તમને કડવા શબ્દોથી કંઈક કહે, અને તમારો સમભાવ ચુકાઈ નહિ, એ બધા જ તમારા ગુરુ. બરોબર? તો શ્રીપાળજીને તો એક ગુરુ હતા, તમારે કેટલા બધા ગુરુ? ભારતીય પરંપરામાં ગુરુ દત્તાત્રય ના ૨૪ ગુરુઓની વાત આવે છે, દત્તાત્રય બહુ જ સમૃદ્ધ કુટુંબમાં જન્મેલા, ભણવાની વય થઇ, માત-પિતાને નક્કી કર્યું દીકરાને બહાર ક્યાંય જવા દેવો નથી. સારામાં સારા પંડિતો ઘરે આવે અને ભણાવી જાય. એકવાર પંદર એક વર્ષનું વય હશે દત્તાત્રયનું, ઝરૂખામાં બેઠેલા, અને જોયું એક માણસ ગધેડા ઉપર બેઠેલો અને આગળ ફૂટેલો ઢોલ વાગતો હતો, દત્તાત્રયે પોતાના એક નોકરને બોલાવ્યો, અહીં આવ, આ શેનો વરઘોડો છે? કહે છે… ઘરે રહીને ભણ્યા છે,  એટલે દુન્યવી વાતોનો એમને ખ્યાલ નથી. આ કયો વરઘોડો? તો કહે સાહેબ આ માણસે ચોરી કરેલી, એ પકડાઈ ગયો, હવે એને ફાંસીના માંચડે ચડાવવાનો છે. પણ બધા લોકોને ખ્યાલ આવે કે જે પણ ચોરી કરશે, એને ફાંસીના માંચડે જવું પડશે. એના માટે આ સરઘસ કાઢ્યું છે. ફૂટેલો ઢોલ આગળ વાગે છે. અને એને ગઘેડા ઉપર બેસાડવામાં આવ્યો છે. અને ગામ બહાર ફાંસીના માંચડે એને ફાંસી આપવામાં આવશે. દત્તાત્રય ધ્રુજી ગયા. એક નાનકડી ઘટના પણ તમને ધ્રુજાવવા માટે પુરતી હોય છે. તમારા જન્માન્તરીય સંસ્કારોને ખોલી આપે. દત્તાત્રયને થયું, રાજાની આજ્ઞા ન માની, એની આ હાલત થાય, તો પ્રભુની આજ્ઞા હું ન માનું તો મારું શું થાય? ‘તિલ તિલ કા અપરાધી હું મેં, રતિ રતિ કા ચોર’, પ્રભુનો આટલો મોટો ચોર હું છું, એણે મોકલ્યો છે મને અહીંયા, સાધના કરવા, હું જલસો કરી રહ્યો છું. મારા પ્રભુનો હું ચોર છું. મને કઈ સજા થશે? બસ આ વિચાર… અને સંન્યાસ.  આ જ વાત આપણે ત્યાં છે, ગુરુ અદત્ત એટલે શું? માત્ર ભિક્ષાના સંદર્ભમાં જ ગુરુ અદત્તને લેવાનું નથી. પુરા જીવન વ્યવહારમાં ગુરુ અદત્તને લેવાનું છે.

એક મુનિ, એક સાધ્વી એની એક પણ ક્ષણ ન તો પ્રભુ અદત્ત હોય, ન ગુરુ અદત્ત હોય. પ્રભુએ આપેલું કામ કરવાનું છે તો પણ સદ્ગુરુને પૂછવું પડે. દેરાસરે જવાનું, પ્રભુ દત્ત છે. પણ તમારે જ્યારે દેરાસરે જવું છે, ઉપાશ્રયમાંથી બહાર નીકળવું છે? તમારે ગુરુદેવને પૂછવું છે, કે સાહેબજી હું દેરાસર માટે જાઉં? એક-એક ક્ષણ ગુરુદત્ત જોઈએ. એક વિચાર મનમાં આવી ગયો ખરાબ, તો પણ તરત જ એ સદ્ગુરુના ચરણોમાં નિવેદિત કરવો જોઈએ. સદ્ગુરુ કેટલા તો કરૂણાશીલ છે. પ્રતિક્રમણ તમે રોજ કરો, વંદિતા પહેલા સવ્વસ્સવિ આવે, તમે ભલે બોલો નહિ, પણ મનમાં તો ચિંતન કરો, તો સવ્વસ્સવિ દેવસિઅ, દુચ્ચિંતિઅ, દુબ્ભાસિઅ, દુચ્ચિટ્ઠીઅ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન! ગુરુદેવ દિવસ દરમ્યાન ખોટું કરાઈ ગયું છે, ખોટું બોલાઈ ગયું છે, ખોટું વિચારાઈ ગયું છે, હું એનું શું કરું? કોઈ ગુરુએ તમને પૂછ્યું? કે અલ્યા કેટલા વર્ષથી પ્રતિક્રમણ કરે છે? ૨૫ વર્ષથી તું પ્રતિક્રમણ કરે છે, કેટલાય ગુરુઓએ કહ્યું, પડિક્કમેહ. પાછો ફરી જા. તારે પાછા ફરવું નથી. અને અમને પૂછ પૂછ કરવું છે. કોઈ સદ્ગુરુઓએ આ ન કહ્યું. એટલા જ પ્રેમથી કહ્યું: પડિક્કમેહ. બેટા! આવું થઇ ગયું છે, તો તું પાછો ફરી જા. તમને ગુરુની કરુણાનો સ્પર્શ ગુરુ પડિક્કમેહ બોલે ત્યારે થાય છે?

એક પાંચ વર્ષની દીકરી હોય, એને શરદી થઇ તો મમ્મા ને કીધું, મમ્માએ  સારીડોન ની ટેબલેટ આપી, વિક્સ વેપોરબ ઘસ્યું. બ્લેન્કેટ ઓઢાડીને સુવાડી દીધી. કલાકમાં તો એકદમ ok થઇ ગઈ. મમ્માએ કહેલું કે ice candy ખાવાની નહિ, એક કલાક થયો, ok થઇ ગઈ baby, અને ત્યાં ice candy વાળાની ઘંટડી સંભળાઈ. નીચે ગઈ. Ice candy ખાધી, શરદી શરૂ. મમ્મા શરદી થઇ ગઈ, શું કર્યું હતું? Ice candy ખાધી હતી? હા, મમ્મા. ફરીથી પ્રેમથી વિક્સ વેપોરબ ઘસી આપે, સુવાડી દે. પણ આવું કેટલા દિવસ ચાલે બોલો….? એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, ચાર દિવસ, પાંચમાં દિવસે આવે તો તમે શું કહો? આ માતાઓ શું કહે? તને કેટલી વાર કહ્યું પણ, ice candy નહિ ખાવાની. તારે ice candy ખાવી છે? અને રાડો પાડવી છે. એક ‘માં’ જે ‘માં’ ના પ્રેમનો કોઈ પાર ન હોય, એ ‘માં’ પણ થાકી જાય ક્યારેક પણ ગુરુમાં ક્યારેય થાકે નહિ. ૨૫ વર્ષથી પૂછું છું છતાં પ્રેમથી એક જ જવાબ, પડિક્કમેહ.

શ્રીપાળજીને થયું, કે ધવલ શેઠ મારા ઉપકારી છે. મારામાં સમભાવ થોડો પણ છે એની ખાત્રી મને ધવલજી દ્વારા થઇ. તો એ મારા ગુરુ, એ મારા ઉપકારી. જો કે હું તો કહું છું કે આ વાત પણ શ્રીપાળજી માટે સામાન્ય છે. ધવલશેઠે ખરેખર કામ કર્યું છે. અને એ રીતે કામ કરેલું છે, તો ધવલ શેઠને ઉપકારી તરીકે, ગુરુ તરીકે માને તો એમાં કોઈ વાંધો નથી. પણ શ્રીપાળજી એનાથી પણ આગળ વધ્યા. એમને ધવલની અંદર સિદ્ધત્વ દેખાયું હતું.

આજે સિદ્ધપદનો દિવસ. ભૂતકાળમાં જે સિદ્ધ ભગવંતો થયા, એમને તમારો પ્રણામ… નમસ્કાર… વર્તમાન કાળમાં મહાવિદેહ ક્ષેત્રમાંથી કોઈ સિદ્ધિપદને પામે તમારો નમસ્કાર… અને ભવિષ્યમાં જે સિદ્ધિપદને પામવાના છે, એ બધા ઉપર? યાદ રાખજો આ બધા ભવિષ્યના સિદ્ધો છે. તો એ ભવિષ્યના સિદ્ધો, એના ઉપર તમારી લાગણી કઈ? કોઈ પણ અંકલ વિના કારણે અડધો કલાક non-stop ગાળોનો વરસાદ વરસાવે, action ની સામે reaction તમારું ન હોય. તો action વધારે ચાલે નહિ. Action અને reaction બે ભેગા થાય એટલે વરઘોડો ચાલે. સાધક માટે action ની સામે non-action છે. એ action ને માત્ર પ્રેમથી ઝીલવાનું. તો અડધો કલાક સુધી એ non-stop ગાળોનો વરસાદ વરસાવે છે. એમનું વ્યાખ્યાન પૂરું થયું પછી તમે પગમાં પડો, કે તમે કેટલો બધો મારા ઉપર ઉપકાર કર્યો. શ્રીપાળજી જેવી પરીક્ષા મારી કે તમારી થવાની નથી. પણ આટલી નાનકડી પરીક્ષામાંથી તમે પસાર થઇ શકો ખરા? કોઈએ કડવી વાત કરી, સીધો જ આક્રોશ. Action ની સામે reaction. ભગવાનની વાત આ નથી. ભગવાનની વાત છે, action ની સામે non-action.

તો શ્રીપાળજી પાસે reverence for the life હતું. ચેતના પ્રત્યેનો સમાદર. આપણે દયા તો પાળીએ, જીવદયા પાળીએ, હું એનો અર્થ થોડો અલગ કરું છું. પોષાર્થી હોય, બહાર નીકળેલો હોય, ઈર્યાસમિતિનો અનુભવ તો છે નહિ, પણ બગલમાં ચરવળો દબાણો એટલે ખ્યાલ આવ્યો, કે હું પૌષધમાં છું. ઈર્યાપૂર્વક ચાલવાનું નક્કી કરે છે. જ્યાં એનો પગ મુકાવાનો છે ત્યાં જ એક કીડી છે. પગ બાજુમાં મુકાય છે, કીડીની રક્ષા થાય છે. પણ કીડીની રક્ષા એ વ્યવહારના સ્તરની વાત છે. એ પોષાર્થી એમ માનશે કે પ્રભુએ મને બચાવ્યો. આ પાપકર્મ મારાથી થઇ જાત, આ હિંસા, આ વિરાધના મારાથી થઇ જાત, એમાંથી પ્રભુએ મને બચાવ્યો. પાવાપુરીમાં સૌથી પહેલાં ગૌશાળાનું ઉદ્ઘાટન થયું. દેરાસરનું પછી થયું. તો એ ગૌશાળાના ઉદ્ઘાટન પ્રસંગે પૂજ્યપાદ જીતેન્દ્રસૂરિ મ.સા. અને હું બેઉ હતા. હું જ્યાં રેવદર થી રાજસ્થાનમાં પ્રવેશ્યો, થોડા – થોડા અંતરે હોર્ડીંગ આવે, પાવાપુરી જીવદયા ધામ. પાવાપુરી પહોંચ્યા. ઉદ્ઘાટન સેરેમની શરૂ થયો. મેં જ્યારે પ્રવચન આપ્યું ત્યારે મેં કહ્યું, કે જીવદયા શબ્દ મને ખટકે છે. જીવોની દયા કરનારા આપણે કોણ? પ્રભુએ આપણને આ જ્ઞાન આપ્યું છે. એના કારણે આ થાય છે, તો આપણે કોઈ જીવદયા કરનારા નથી. ખરેખર તો એ જીવો આપણા ઉપર દયા કરે છે. આપણે એમની સુરક્ષા માટે બધા પ્રબંધો કરીએ, એનાથી પુણ્ય બંધાય. અને એ પુણ્યના કારણે તમારું શરીર સ્વસ્થ રહે , ચિત્ત પ્રસન્ન રહે તો એ જીવો તમારા ઉપર દયા કરે છે.  પછી મેં કહ્યું કે આ રીતે અર્થ રાખવો હોય તો જીવદયા શબ્દ બરોબર. એ જીવો દ્વારા મારી દયા. નહિતર જીવ-મૈત્રી ધામ. બાબુભાઈ બેઠેલા, બહુ જ ઝડપી action વાળા માણસ. બીજા દિવસે હું પાછો ફર્યો, સેંકડો હોર્ડીંગ બદલાઈ ગયેલા. પાવાપુરી જીવ-મૈત્રી ધામ.

શ્રીપાળજીની પાસે આ જીવો પરનો પ્રેમ હતો. પણ શ્રીપાળજીએ એ નથી માન્યું, કે પ્રેમ હું આપું છું બીજાને. પ્રભુએ મને ચાહ્યો છે અને એથી હું આ માર્ગ ઉપર આવ્યો છું. શું પ્રભુની ચાહત…  અગણિત જન્મોથી એ આપણને ચાહતા જ રહ્યા છે. આપણે એમને પિછાણતા પણ નહોતા. આપણે નરક અને નિગોદમાં હતા. ત્યારે પણ એમનો પ્રેમ આપણા સુધી પહોંચેલો. અને એ પ્રેમ જ આપણને મનુષ્ય જન્મ સુધી પ્રભુના શાસન સુધી અને પ્રભુના શ્રામણ્ય સુધી લાવ્યો છે. કોઈ પણ સાધના તમને મળી, ક્યારે પણ કહેતાં નહિ મેં આ સાધના પ્રાપ્ત કરી. પ્રભુની કૃપાથી આ સાધના મને મળી છે. એટલે જ આપણે ગઈ કાલે જોયેલું, કે શુભની સાધના એટલે કે અહોભાવમાં વહેવાની સાધના. શુભના વેગની સાધના એટલે કે અહોભાવ તીવ્ર બને એવી યાત્રા. અને શુદ્ધમાં જવું એટલે તમારે તમારા સ્વરૂપમાં રહેવું. હું ઘણીવાર પૂછતો હોઉં છું કે તમે તમે ન હોવ તો શું હોવ? તમે તમે નથી.

પેલો કુંભારનો ગધેડો ખોવાઈ ગયો. કુંભારો માટે ગધેડો એટલે સંપત્તિ ગણાય. બીજા બધા કુંભારો ખરખરો કરવા આવ્યા. કે તમારો ગધેડો ખોવાઈ ગયો. ત્યારે પેલો હસતો હતો. કેમ? તો કહે આજે ભગવાને સદ્દબુદ્ધિ મને આપી. રોજ જંગલમાંથી માટી લઈને આવું ત્યારે હું એ જ ગધેડા ઉપર બેસતો, આજે એ ગધેડા ઉપર બેઠેલો નહિ નહિતર હું જ ખોવાઈ જાત ને… એ કુંભાર ખોવાયો નહોતો. તમે તો ખોવાઈ ગયા છો. શુદ્ધમાં જવું એટલે તમારું તમારામાં રહેવું. ઉપયોગ સ્વ કેન્દ્રિત બની જાય.

એક બૌદ્ધ ભિક્ષુ હતા, રડતાં હતા, કો’કે પૂછ્યું કેમ રડો છો? ત્યારે એમણે કહ્યું: કે સાંજે હું બુદ્ધ ભગવાન પાસે જઈશ. કદાચ મને બુદ્ધ ભગવાન પૂછે, કે તું આનંદ જેવો કે મુદ્ગલાયન જેવો વિરાગી સાધુ કેમ ના બન્યો? તો હું કહીશ કે પ્રભુ તમે બનાવ્યો હોય એવો હું હોઉં ને… તમે જેવો બનાવો એવો હું હોઉં… તમે એવો મને નહિ બનાવ્યો તો એવો હું નથી. તમારી આખી જીવનની ચર્યા આ એક જ શબ્દમાં આવે, I am totally choiceless person. મારી કોઈ ઈચ્છા નથી, સદ્ગુરુ મને જેવો બનાવવા ઈચ્છે એવો બનવા હું ઈચ્છું છું. શિષ્ય છે ને આમ ત્રણ જાતના હોય, તમારા માટે ત્રીજો પ્રકાર બરોબર નથી. શિષ્ય ત્રણ જાતના, એક પત્થર જેવા, એક બરફની પાટ જેવા, અને ત્રીજા પાણી જેવા. પત્થરની પાટ હોય, અને નાનકડા વાસણમાં એને લેવી હોય તો, કેટલા હથોડા ઠોકવા પડે… બરફની પાટ હોય અને જગમાં લેવી છે તો પણ કેટલા એને ઠોકમઠોક કરવી પડે..  પણ પાણી, એને જગમાં ઢાળો, વહોળા માં ઢાળો, ગ્લાસમાં ઢાળો, કારણ કે આકાર વગરનો છે. તમે પણ ઈચ્છા વગરના છો. એટલે અમારી મહેનત જ ન થાય બોલો… વગર મહેનતે કામ પૂરું અમારું… તમને અમારે વાચનાઓ આપવી પડે ને, પાણી જ છે પછી. આમ ઢાળીએ, આમ ઢાળીએ. બરફની પાટ છો? તો પણ સારું, થોડા ગચિયા (ચોસલા) કાઢ્યા એટલે જગમાં નાંખ્યા ને  પાણી થઇ ગયું. અને મને શ્રદ્ધા છે, કે પત્થર જેવા તો તમે નથી જ. તમારા વતી હું કહી દઉં.

તો એ બૌદ્ધ ભિક્ષુ કહે છે, કે ભગવાન પાસે જઈશ, ભગવાન કદાચ પૂછે કદાચ કે તું આનંદ જેવો કે મુદ્ગલાયન જેવો વિરાગી ભિક્ષુ કેમ ના બન્યો હું કહીશ, કે પ્રભુ તમે બનાવ્યો એવો હું બન્યો. પણ પ્રભુ મને જો પૂછશે કે તારું ચિત્ત ડામાડોળ કેમ છે? તારું ચિત્ત સ્થિર કેમ નથી, તો હું શું જવાબ આપીશ? કારણ દીક્ષા વખતે પ્રભુએ મને ‘સ્થિરચિત્ત’ નામ આપેલું છે. હું અસ્થિર ચિત્તવાળો હોઉં તો કેમ ચાલે?

ષોડશક માં હરીભદ્રસૂરિ મહારાજાએ કહ્યું: ‘નામન્યાસ એવ શક્તિપાત:’ સદ્ગુરુ દીક્ષા વખતે તમને જે નામ આપે છે એ નામ એ જ તમારી સાધના. કારણ કે સદ્ગુરુએ એ નામની અંદર શક્તિપાત કર્યો છે. હું ઘણીવાર કહું કે બીજું કોઈ યાદ રહે કે નહિ, તમારું નામ તો યાદ રહેવાનું. તમારા નામમાં જ તમારી સાધના ફીટ કરી દઈએ તો? તો એ ભિક્ષુ કહે છે કે પ્રભુ મને જો પૂછે કે તું સ્થિરચિત્તવાળો કેમ નથી? તો હું શું જવાબ આપીશ? એટલે હું રડું છું. એટલે એમની વેદના એ હતી ‘હું’ ‘હું’ ન હોઉં તો શું હોઉં? એમ તમને પૂછું છું? તમે તમે ન હોવ તો શું હોવ? તમે તમે છો? તમે શુદ્ધ સ્વરૂપમાં સ્થિર છો અત્યારે? ઉપયોગ સ્વમાં કે પરમાં?

મારા પ્રવચનમાં મેં ઘણા સાધકોને જોયા છે, આંખો બંધ હોય, બંધ આંખોમાંથી આંસુ રેલાતા હોય, એ સ્થિરાસને કે પદ્માસને બેઠેલો હોય, ધ્યાનની મુદ્રા લાગે, અને એ ધ્યાનના સ્તર પર એ પ્રભુના પ્યારા શબ્દોને ઝીલતો હોય. શું મજાની પરંપરા આપણને મળી છે. દુનિયાની પ્રમુખ સાધના પદ્ધતિઓ જોઈ, એમ પ્રમુખ સામાજિક સંરચનાઓ પણ જોઈ. આપણી સામાજિક સંરચનામાં અહોભાવ જે માત્રામાં ઘૂંટાયેલો છે, કદાચ બીજે મળવો મુશ્કેલ છે. આ મુનિરાજને જોયા નથી… સુટેડ, બુટેડ ગ્રેજ્યુએટ, એમ.બી.એ. થયેલો છે, ઝુકી જશે. આ એક પરંપરા મળી છે આપણને, અહોભાવની…

અહોભાવથી આપણી સાધના શરૂ થાય છે, અને શુદ્ધમાં એ પર્યવસિત થાય છે. કેવો અહોભાવ આ શાસને આપણને આપ્યો. મારી વાત એ છે કે શુભ, શુભનો વેગ, અને શુદ્ધ ત્રણે પ્રભુ આપે. એટલે અહોભાવ તીવ્ર માત્રામાં થાય તો પણ એના ઉપરની માલીકિયત ઠોકી નહિ બેસાડતાં. મને આવો ભાવ આવ્યો. ઘણા તો છે ને કોઈ સરસ વિચાર આવે ને સત્તર જણાને કહેતાં ફરે, મને આ વિચાર આવ્યો. અલ્યા તને વિચાર આવ્યો, કે તે વિચારને રીલીઝ કર્યો?

ટી.વી. નું ઈડિયટ બોક્સ હોય, એ કંઈ પ્રોગ્રામ create નથી કરતું, એ પ્રોગ્રામને receive કરે, અને છોડે. એમ કોઈ મહાપુરુષ નજીકમાં હોય એમણે વિચારો કરેલા હોય સરસ, અને એ વિચારોના મોજાં છૂટીને તમારી પાસે આવ્યા હોય, તમે ન્યુટ્રલ હોવ, તટસ્થ હોવ, તમે એ મોજાને પકડ્યા હોય, અને તમે કહો મને વિચાર આવ્યો. તને વિચાર આવ્યો નથી, તે મહાપુરુષના વિચારને પકડ્યો છે. તો પ્રભુએ શાસન સ્થાપ્યું. અને અહોભાવ મળ્યો. આ શાસન ન મળ્યું હોત તો આટલો અહોભાવ મળત? શાસન મળ્યું, અહોભાવ મળ્યો. શાસન કોણે સ્થાપ્યું? પ્રભુએ સ્થાપ્યું. તો અહોભાવ કોણે આપ્યો? પ્રભુએ. એ અહોભાવની extreme point ઉપર તમે ગયા, કોણ તમને લઇ ગયું? પ્રભુ. પ્રભુના શાસનને કારણે પ્રભુના પ્યારા પ્યારા શબ્દોને કારણે તમારી અહોભાવની ધારા એકદમ ઉંચકાય. અને તમે વિચારોના, સાધનાના, અહોભાવના મેરૂશિખર ઉપર પહોંચી જાવ… પણ ત્યાં તમને પહોંચાડ્યા કોણે? પ્રભુએ. અને શુદ્ધની ધારા… આદેશ્વર દાદાનું દર્શન કરીએ અહીંયા, એમના ચહેરા ઉપર જે વિતરાગદશા છે, જે પ્રશમરસ છે, એનું દર્શન કરીએ, આપણી અંદર એવી વિતરાગદશા છે, એવો પ્રશમરસ છે. એવી અનુપ્રેક્ષા થાય. કારણ કે મહાપુરુષોએ આપણને કહ્યું છે, અને પછી એ જ પ્રભુની કૃપાથી આપણી અંદર રહેલી વિતરાગદશાનો આંશિક અનુભવ થાય. તો શુદ્ધ તમને કોણે આપ્યું? પ્રભુએ. એટલે શુભ, શુભનો વેગ અને શુદ્ધ આ ત્રણેય પ્રભુ દ્વારા મળે છે.

એટલે કડી આપણી એ હતી, ‘ત્રિવિધ યોગ ધરી આદર્યો, નેમિનાથ ભરથાર, ધારણ પોષણ તારણો રે, નવસર મુક્તાહાર’ રાજીમતીજીએ શું કર્યું? મન, વચન અને કાયા પ્રભુના ચરણોમાં સમર્પિત કર્યું. આપણું સમર્પણ અધૂરું છે. અધૂરું છે ને? શરીર પ્રભુને સોંપ્યું મન તો તમારી પાસે જ રાખ્યું છે, કે પ્રભુને સોંપ્યું? મન પ્રભુને સોંપ્યું એનો અર્થ એ છે, કે પ્રભુની આજ્ઞાને અસંમત એક પણ વિચાર તમારા મનમાં ન આવી શકે. તો રાજીમતીજીએ મન, વચન અને કાયા પ્રભુના ચરણોમાં સમર્પિત કરી. અને પ્રભુએ એક સરસ મજાનો નવસેરો હાર ઘડાય, એવો સાધનાનો હાર રાજીમતીજીને આપ્યો. ધારણ, પોષણ તારણ – ધારણ એટલે શુભ, પોષણ એટલે શુભનો વેગ, અને તારણ એટલે શુદ્ધ.

તો આજે નમો સિદ્ધાણં, બધામાં સિદ્ધ ભગવંત દેખાઈ જાય તો સિદ્ધપદની આરાધના તમારી અસ્તિત્વના સ્તરે ઉતરેલી ગણાય.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *