વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત
Subject : હમરો ઘટ ન ભરાય
પ્રભુ! તમારા વિનાના, અમે અમારા વિનાના. તમે અમારી ભીતર અવતરિત થતા નથી, તો અમારું આ વ્યક્તિત્વ સૂનું સૂનું છે. જે ક્ષણે તમે આવો છો, તમારા પરમરસથી આ વ્યક્તિત્વને ભરી દો છો, ત્યારે જ અમારું વ્યક્તિત્વ અસ્તિત્વ બને છે; ત્યાં સુધી અમારા વ્યક્તિત્વનો કોઈ અર્થ પણ નથી.
અસ્તિત્વના ઘટને પરમરસથી ભરવો છે. પરમરસ. આત્માનુભૂતિ. અગણિત અતીતમાં ક્યારેય પણ ન માણી હોય એવી અનુભૂતિ. આપણે પ્રભુને કહીશું: પ્રભુ! જીવનનો, આ વ્યક્તિત્વનો, આ અસ્તિત્વનો ઘડો તેં આપ્યો છે અને તારે જ એને ભરવાનો છે.
બહિરંગ સુખ, ઇન્દ્રિયજન્ય સુખો અગણિત જન્મોમાં ઘણીવાર માણ્યા. પણ આ જન્મ અંતરંગ સુખથી ભરવાનો છે અને એ કામ પ્રભુ! તારે જ કરવાનું છે. ખાલી થઈને તારે દ્વારે આવ્યો છું; તું મને ભરી દે!
સિદ્ધિ સાધના સત્સંગ શિબિર – દેવલાલી સંવેદના – ૧
આપણા મૂર્ધન્ય કવિ સુન્દરમ્ નું એક ગોપી ગીત છે. ગીતનો ઉઘાડ બહુ જ મજાનો છે. ‘હમ જમના કે તીર, ભરત નીર હમરો ઘટ ન ભરાઈ, એસો ઘટ ક્યોં તુમને દિયો, જિસે તુમ બિન કો ન સગાઇ’.
બહુ જ પ્યારા શબ્દો ગોપીના છે. ‘હમ જમના કે તીર, ભરત નીર હમરો ઘટ ન ભરાઈ, એસો ઘટ ક્યોં તુમને દિયો, જિસે તુમ બિન કો ન સગાઇ’. પૃષ્ઠ ભૂમિકા એવી છે કે ગોપી યમુનાને કાંઠે પાણી ભરવા માટે ગઈ છે. જો કે ગોપી યમુનાને કાંઠે ગઈ છે. એમ કહેવું એ over statement ગણાય.
ગોપીનું શરીર યમુનાને કાંઠે ગયું છે. એનું મન તો પ્રભુમાં જ છે. અને મન પ્રભુમાં હોવાને કારણે ઘડો નદીના પ્રવાહમાં બરોબર મુકાતો નથી. અને એટલે ભરાતો નથી. ઘડો નથી ભરાતો ગોપી ફરિયાદ કોને કરશે? ગોપી માટે પ્રભુ સિવાય કોઈ ઘટના જ નથી. તો ગોપી પ્રભુને ફરિયાદ કરે છે. ‘એસો ઘટ ક્યોં તુમને દિયો, જિસે તુમ બિન કો ન સગાઇ’ પ્રભુ તે ઘડો પણ એવો આપ્યો કે ઘડાને પણ તારી જોડે જ સગપણ છે. મારી જોડે કોઈ સંબંધ નથી. મારા હાથમાં છે અને ભરાતો નથી.
બહુ મજાની ઘટના એ ઘટી; કે લક્ષ્મીશંકર મંચ પરથી આ ગીતને આલાપી રહ્યા હતાં. ત્યારે ઓડીટોરીયમમાં સુન્દરમ્ અને મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોશી પણ બેઠેલા. સુન્દરમ્ ભક્તહૃદય કવિ છે. જ્યારે લક્ષ્મીશંકર આલાપે છે, ‘હમરો ઘટ ન ભરાઈ, એસો ઘટ ક્યોં તુમને દિયો?’ એ વખતે સુન્દરમ્ ની આંખો છલછલાઈ ઉઠે છે. સુન્દરમ્ ઉમાશંકર જોશીને કહે છે કે ભાઈ! પ્રભુએ આ ઘડો કેમ આપ્યો? જો એ ભરાવવાનો જ નહતો તો? હવે ઘડો બદલાઈ ગયો. અસ્તિત્વનો ઘડો. પ્રભુએ આ અસ્તિત્વ મને આપ્યું. પણ એ જો ભરાવવાનો નથી, તો શા માટે આપ્યો? અને પછી ‘સુન્દરમ્ ની શ્રદ્ધા પ્રભુને કહે છે કે પ્રભુ! અસ્તિત્વનો ઘડો તે આપ્યો છે. તારે જ એને ભરવાનો છે. હું એક બિંદુ પાણી પણ એ ઘટમાં નાંખવાનો નથી. તારે જ, તારે જ એ ઘટને પૂર્ણતયા ભરવાનો છે.
અસ્તિત્વના ઘટને પરમરસથી ભરવો છે. પરમરસ! આત્માનુભૂતિ! અગણિત અતિતમાં ક્યારે પણ ન માણ્યું હોય એવી અનુભૂતિ. આપણે પ્રભુને કહીશું; કે પ્રભુ ! જીવનનો, આ વ્યક્તિત્વનો, આ અસ્તિત્વનો ઘડો તે આપ્યો છે. તારે જ એને ભરવાનો છે. અને પ્રભુ જ્યાં સુધી તું મારી ભીતર ન ઉતરે, ત્યાં સુધી મારા વ્યક્તિત્વનો કોઈ અર્થ પણ નહિ.
વેણીશંકર પુરોહિતે કહ્યું; ‘તમારા વિનાના, અમે અમારા વિનાના’ પ્રભુ તમે અમારી ભીતર અવતરિત થતાં નથી. તો અમારું આ વ્યક્તિત્વ સુનું સુનું છે. અને જે ક્ષણે તમે આવો છો, તમે તમારા પરમરસથી મારા વ્યક્તિત્વને ભરી દો છો. ત્યારે જ મારું વ્યક્તિત્વ અસ્તિત્વ બને છે. તો પ્રભુ વ્યક્તિત્વ તે આપ્યું. અસ્તિત્વ પણ તારે આપવાનું છે. પરમરસ તારે આપવાનો છે.
માનવિજય મહારાજ આલાપે છે; “પ્રભુની મહેરે તે રસ ચાખ્યો, અંતરંગ સુખ પામ્યો”. બહિરંગ સુખ, ઇન્દ્રિયજન્ય સુખો, અગણિત અતિતમાં ઘણીવાર માણ્યા. પણ આ જન્મ અંતરંગ સુખથી ભરવાનો છે અને એ કામ પ્રભુ તારે જ કરવાનું છે. ખાલી થઈને તારે દ્વારે આવ્યો છું. તું મને ભરી દે.
એ પરમરસનું પાન કર્યા પછી મહોપાધ્યાય માનવિજય મહારાજે કહેલું; કે પ્રભુ! એવો રસ તારી કૃપાથી આસ્વાદવા મળ્યો, અનંત અતિતમાં ક્યારે પણ આવો રસ ચાખવા નથી મળ્યો. તારી કૃપા. બસ તારી કૃપા થઇ જાય તો કશું જ અઘરું નથી. એટલે જ પ્રભુ વારંવાર હું કહેતો હોઉં છું કે it is so easy. It is so easy. તારી કૃપા થઇ ગઈ, પરમરસનો આસ્વાદ. સરળતમ ઘટના છે. પ્રભુ ! તું તો સતત વરસી રહ્યો છે. તારો પ્રેમ સતત સતત વરસી રહ્યો છે. એક ક્ષણ એવી નથી, એક ક્ષણાર્ધ એવું નથી કે તારો પ્રેમ ન વરસતો હોય.
અનંત અતિતમાં પણ તારો એ પ્રેમ તો વરસ્યા જ કરતો હતો. પણ, મારી પાસે એને ઝીલવાની સજ્જતા નહતી. આ જન્મમાં એ ઝીલવાની સજ્જતા તે મને આપી. તારા પ્રેમનો આસ્વાદ મળ્યો. પ્રભુ ! જે પહેલી ક્ષણે તારા પ્રેમનો આસ્વાદ મળ્યો, હું સ્તબ્ધ થઇ ગયો… કે આવો પ્રેમ, હોઈ શકે ખરો?
ત્રિલોકેશ્વર, અખિલ બ્રહ્માંડેશ્વર તું. અને તું તારા આ નાનકડા બાળકને આટલી ઉત્કટતાથી ચાહે? તારો પ્રેમ આસ્વાદ્યો. સ્તબ્ધતા છવાઈ ગઈ. એ સ્તબ્ધતા મટી, અને આંખોમાંથી તું વહેવા લાગ્યો. હવે હું ક્યાં હતો? તારા પ્રેમથી તે મારું હૃદય ભરી કાઢ્યું. હવે તું જ તું છે. કેવી કૃપા તે કરી પ્રભુ. મારું ‘હું’ જે કેન્દ્રમાં બેઠેલું હતું. અનંતા જન્મો થયા, ક્યારે પણ એ સ્થાન ભ્રષ્ટ નહિ થયેલું. તે એને કેન્દ્રમાંથી ઉઠાડી મુક્યું. તું કેન્દ્રમાં આવી ગયો. બસ પ્રભુ તારો આ પ્રેમ, તારો આ પરમરસ એ જ આસ્વાનુભૂતિ છે. અને એ આત્માનુભૂતિનું દાન આ શિબિરમાં તારે કરવાનું છે. તારે કરવાનું છે. We have not to speak a single word. મારે કે રાજરત્નસૂરિએ કે મહાયશસૂરિએ એક શબ્દ પણ કહેવાનો નથી. We have not to speak a single word. You have to speak.
અમે મૌનમાં સરી જઈશું. તું બોલજે. તારો એક-એક શબ્દ એટલો તો મધુરો હશે, કે અમે માધુર્યના સાગરમાં ડૂબી જઈશું. તું માધુર્યનો અધિપતિ છે. ‘મધુરાધિપતેરખિલં મધુરં’ માધુર્યના અધિપતિનું બધું જ મધુરું હોય. ‘ચલનં મધુરં, વચનં મધુરં, મધુરાધિપતેરખિલં મધુરં’. ‘ચલનં મધુરં – સુવર્ણ કમળ ઉપર તમે ચાલતાં હોવ, એ દ્રશ્યને જોઈએ, અને અમારી આંખો માધુર્યથી છલકાઈ ઉઠે. વચનં મધુરં – સમવસરણમાં બેસીને આપ દેશના આપતાં હોવ, આપનો એક-એક શબ્દ માધુર્યમાં ઘોળાઈને આવતો હોય, અમને, અમારા અસ્તિત્વને એ મધુર-મધુર બનાવી દે. તો પ્રભુ! એક જ ઈચ્છા છે. તારા દ્વારે આવ્યાં છીએ.
ગોપીએ ભલે ફરિયાદ કરી : ‘હમરો ઘટ ન ભરાઈ, એસો ઘટ ક્યોં તુમને દિયો?’. પણ અમારે એ ફરિયાદ નહી કરવી પડે. અમારો ઘડો તું ભરી જ દેવાનો છે. તારા પ્રેમથી, તારા પરમરસથી.
