Sidhhi Sadhna Satsang Shibir – Samvedana 3

3 Views
14 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

Subject : તાર હો તાર

પ્રભુ! તું મને તારી દે. આપબળે આ ભવસાગરને હું પાર કરી શકું એમ નથી. તારા હાથમાં સંસાર છે, તારા હાથમાં મોક્ષ છે; તું મને તારી દે! ખ્યાલ છે કે તું તારવા માટે જ બેઠો છે. એક ક્ષણ ભવસાગરને તરવાની પ્રબળ ઝંખના અમારી થઇ જાય, બીજી જ ક્ષણે તું અમને મોક્ષ આપી દે એમ છે.

અને પ્રભુ! મને તારવાથી તારક તરીકેની તારી પ્રસિદ્ધિમાં છોગું લાગી જશે! એટલે ભલે હું રહ્યો દાસ અવગુણભર્યો પણ મને જાણી પોતા તણો તારી દે અને જગતમાં એટલો સુયશ લીજે કે તું મારા જેવા માણસને પણ તારી શકે છે!

You are almighty. તમે સર્વ શક્તિમાન છો. દુનિયાની કોઈ ઘટના એવી નથી જે તમારા માટે અશક્ય હોય. પાપીઓને પણ તમે મોક્ષ આપ્યો છે તો હું તો તમારો બાળક છું એટલે મારો તો એક વિશેષાધિકાર છે. જલ્દી જલ્દી મને મોક્ષ આપી દો ને; વાર કેમ લગાડો છો!

સિદ્ધિ સાધના સત્સંગ શિબિર દેવલાલી સંવેદના

પ્રભુ ! તારા ચરણોમાં આજે પૂજ્યપાદ દેવચંદ્રજી મહારાજે પ્રસ્તુત કરેલી એક સ્તવનાની કડી પેશ કરું છું. “તાર હો તાર પ્રભુ મુજ સેવક ભણી, જગતમાં એટલું સુજશ લીજે, દાસ અવગુણ ભર્યો જાણી પોતાતણો, દયાનિધિ દીન પર દયા કીજે”.

ઉઘાડ કડીનો કેટલો મજાનો છે. તાર – પ્રભુ ! તું મને તારી દે. મારા બળબુતા ઉપર આ ભવસાગરને હું પાર કરી શકું એમ નથી. તારા હાથમાં સંસાર છે. તારા હાથમાં મોક્ષ છે. તું મને તારી દે! ખ્યાલ છે કે તું તારવા માટે જ બેઠો છે. એક ક્ષણ ભવસાગરને તરવાની પ્રબળ ઝંખના અમારી થઇ જાય, બીજી જ ક્ષણે તું અમને મોક્ષ આપી દે એમ છે.

યાદ આવે, મહોપાધ્યાય યશોવિજયજી. એ કહે છે; કે પ્રભુની પાસે હું ગયો. મેં કોઈ પ્રાર્થના પણ નહિ કરેલી, કે પ્રભુ તું મને મોક્ષ આપ ! તું મને ભવસાગરને તરાવી દે. પ્રભુએ સામેથી કહ્યું; હું તને મોક્ષ આપું છું. ‘શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાય ધ્યાને, શિવ દિયે પ્રભુ સપરાણે’ મોક્ષ માંગ્યો પણ નહતો. તે આપી દીધો.

પ્રભુ! એવું કંઈ છે કે ભક્તિયોગાચાર્યો તને પ્રાર્થના કરે, તું એ પ્રાર્થના સ્વીકારી લે. અને અમે લોકો પ્રાર્થના કરીએ, એને તું ન સ્વીકારે? ના, એવું નથી. પણ, અમે તારી પાસે માંગતા જ નથી. અને માંગીએ જ નહિ, તોય શું થયું? તું અંતર્યામી છે. તારે સામેથી કહી દેવું જોઈએ કે બેટા! તારે કોઈ પ્રાર્થના કરવાની જરૂર નથી. બેસી જા. મારા પ્રેમના વહાણમાં. તું ભવસાગરને પેલે પાર પહોંચી જઈશ.

તાર – પ્રભુ ! તું મને તારી દે. તાર હો તાર. તાર શબ્દ બેવડાયો. અહીંયા ભક્તની એક પ્રબળ ઝંખના દેખાય. હવે ઝંખનાએ થોડો રંગ પકડ્યો. તાર હો તાર – પ્રભુ ! તું મને તારી જ દે. જલ્દી જલ્દી તારી દે. તારા વિના એક ક્ષણ રહેવાનું પાલવી શકે એમ નથી.

આનંદઘનજી ભગવંતે કહેલું; “આનંદઘન બિન, પ્રાણ ન રહે છીન, કોટિ જતન કરી લીજીયે” પ્રભુ એક ક્ષણ તારો આસ્વાદ મળ્યો. તારા પ્રેમનો આસ્વાદ મળ્યો. પ્રભુ! દુનિયામાં આવો પ્રેમ અનંત અતિતમાં ક્યારે પણ માણ્યો નથી. આવો પ્રેમ તારો માણ્યો. હવે તારા વિના એક ક્ષણ રહેવાય એમ નથી. ‘જ્યાં તું ત્યાં હું’. યા તો મને મોક્ષમાં લઇ જા તારી જોડે. નહિતર તું મારી જોડે આવી જા.

‘તાર હો તાર પ્રભુ’ તું પ્રભુ છે. You are Almighty, તમે સર્વ શક્તિમાન છો. દુનિયાની કોઈ ઘટના એવી નથી જે તમારા માટે અશક્ય હોય. પાપીઓને પણ તમે મોક્ષ આપ્યો છે. હું તો તમારો બાળ છું. મારો તો એક વિશેષાધિકાર છે. અને તમે પ્રભુ છો. સર્વશક્તિમાન. તો જલ્દી જલ્દી આપી દો. વાર કેમ લગાડો છો? લાગે છે કે ભૂલ ક્યાંક મારી તરફ છે. ‘તાર હો તાર પ્રભુ મુજ સેવક ભણી’, સેવકની આગળ ‘મુજ’ વિશેષણ કેમ લગાવ્યું? એટલા માટે કે મારું સેવકત્વ અધૂરું છે. મારું દાસત્વ અધૂરું છે. પણ, હું તમારો બાળ છું ને. મુજ સેવક ભણી. તારું દાસત્વ કેટલું તો અઘરું છે.

મીરાં યાદ આવે. મીરાંએ કહેલું, ‘સદા સેવા કરતી હું, સુમિરન ધ્યાન મેં ચિત્ત ધરતી હું; ભક્તિ મારગ દાસી કો દિખલાઓ, મીરાં કો પ્રભુ સાચી દાસી બનાઓ’, ભક્તિ મારગ મીરાં કો દિખલાઓ, મીરાં કો પ્રભુ સાચી દાસી બનાઓ. પણ એ પહેલાં મીરાં પોતાની સજ્જતાની વાત કરે છે. ‘સદા સેવા કરતી હું, સુમિરન ધ્યાન મેં ચિત્ત ધરતી હું’. પ્રભુ ! કાયાના સ્તર પર તારી આજ્ઞાનું પાલન કરું છું, વૈયાવચ્ચ કરું છું, સ્વાધ્યાય કરું છું. સદા સેવા કરતી હું – સતત કાયયોગ તારી સેવામાં લાગેલો હોય છે. સુમિરન ધ્યાન મેં ચિત્ત ધરતી હું – મારું મન, મારું ચિત્ત તારા સ્મરણમાં જ હોય છે. સતત તારું સ્મરણ ચાલ્યા કરતું હોય છે. તારા ઉપકારોનું સ્મરણ કરું, આંખોમાંથી ટપક ટપક આંસુ બિંદુ ઝરે છે. તું નરકમાંથી મને ઊંચકીને અહીં સુધી લઈને આવ્યો. હું નિગોદમાં સબડતો હતો. તું મને ઊંચકીને અહીં સુધી લઈને આવ્યો.

તારું સ્મરણ… જો કે મારું સ્મરણ, મીરાં કહે છે, ચંદના જેવું નથી. ચંદનાનું સ્મરણ કેવું હતું? પ્રભુ મહાવીર ચંદનાને દ્વારે આવ્યાં. એક અનહોની ઘટના ઘટી. ભક્ત તો હંમેશા પ્રભુના દ્વારે જતો જ આવ્યો છે. ત્રિલોકેશ્વર, અખિલ બ્રહ્માંડેશ્વર પરમાત્મા ચંદનાને દ્વારે આવ્યાં. ચંદનાના આનંદનો કોઈ ઓર-છોર ન રહ્યો. પણ, ચંદના રડતાં નથી. પ્રભુનો અભિગ્રહ પૂર્ણ થતો નથી. પ્રભુ પાછા ફરે છે. એ વખતે ચંદનાજીએ પ્રભુને કહ્યું છે, પ્રભુને Challenge આપી છે કે પ્રભુ ! તમે મારે દ્વારેથી પાછા જઈ શકતાં નથી. ‘એમ ચંદનબાળાને બોલડે પ્રભુજી પધાર્યા’ શું કહ્યું હતું ચંદનાએ? ‘એક શ્વાસ માંહે સો વાર, સમરું તમને રે’ પ્રભુ ! એક શ્વાસ પર એકવાર નહિ, સો-સો વાર તમારું સુમિરન કરું છું. તમે મારે દ્વારેથી પાછા કેમ જઈ શકો? ચંદનાના આંસુમાં, ચંદનાના એ સ્મરણમાં એ તાકાત હતી કે પ્રભુને પાછા ફરવું પડ્યું. એ સ્મરણ, ‘એક શ્વાસ માંહે સો વાર, સમરું તમને રે’ એક-એક શ્વાસ પર સો વારનું સુમિરન.

મીરાં કહે છે; ‘સુમિરન ધ્યાન મેં ચિત્ત ધરતી હું’. તારું સ્મરણ કરું છું. સ્મરણ ગાઢ બને છે. ત્યારે હું તારા ધ્યાનમાં સરકી જાઉં છું. એ ધ્યાન પાંખું પડે છે, ફરી હું સ્મરણની દુનિયામાં આવું છું. મારા મનની પાસે બે જ દિશાઓ છે. યા તો સુમિરન યા તો ધ્યાન. આ મીરાંની સજ્જતા છે. ‘સદા સેવા કરતી હું, સુમિરન ધ્યાન મેં ચિત્ત ધરતી હું’. હવે મીરાં કહે છે; ભક્તિ મારગ દાસી કો દિખલાઓ, મીરાં કો પ્રભુ સાચી દાસી બનાઓ. આ દાસત્વ પ્રભુ કેટલું અઘરું છે. મીરાંની પાસે જે સજ્જતા હતી, એ સજ્જતા મારી પાસે ક્યાં છે? હું સતત તારા આજ્ઞાપાલનમાં હોતો નથી. મારું મન સતત તારા સ્મરણમાં કે તારા ધ્યાનમાં હોય એવું બનતું નથી. પણ મીરાંની પાસે આ સજ્જતા હતી, અને છતાં મીરાં કહે છે; ભક્તિ મારગ દાસી કો દિખલાઓ, મીરાં કો પ્રભુ સાચી દાસી બનાઓ.

સ્મરણ છે, ધ્યાન છે. ધ્યાન આવે પણ છે જાય પણ છે. તો મીરાં શું માંગે છે? મીરાંને દાસત્વના સંદર્ભમાં શું જોઈએ છે? મીરાંને જોઈએ છે: અભેદ અનુભૂતિ. પ્રભુની સાથેની ૨૪ કલાકની અભેદ અનુભૂતિ. એનું પૂરું અસ્તિત્વ, માત્ર મન નહિ, માત્ર ચિત્ત નહિ. એનું પૂરું અસ્તિત્વ પ્રભુમય બનેલું હોય, એવું મીરાં માંગે છે. પ્રભુ! મીરાંની પાસે જેવું દાસત્વ હતું, એવું દાસત્વ મારી પાસે નથી. અને એટલે હું મારા વિશેષાધિકારને આગળ કરું છું. ‘મુજ સેવક ભણી’. ભલે સેવકત્વ મારામાં નથી. પણ હું તારો બાળ તો છું ને. એ લય પર મને આપી દે.

જગતમાં એટલો સુજશ લીજે. ભક્તની કરામત તો જુઓ. પ્રભુને પ્રલોભન આપે છે, કે પ્રભુ તું મને તારીશ ને તો તને બહુ મોટી પ્રસિદ્ધિ મળશે. ભગવાનને કહે છે; કે તને બહુ મોટો યશ મળશે. પ્રસિદ્ધિથી અલિપ્ત અને પ્રસિદ્ધિના સાગરમાં ડૂબેલ એવા પરમાત્માને ભક્ત પ્રસિદ્ધિનું પ્રલોભન આપે છે. જગતમાં એટલો સુજશ લીજે. જશ લીજે નથી કહેતાં, સુજશ લીજે. તું મને તારીશ ને ભગવાન, તો તારી કીર્તિ બહુ વધી જવાની. કે તું આવા માણસને પણ તારી શકે છે.

એટલે તારક તરીકેની તારી જે પ્રસિદ્ધિ છે, એમાં છોગું લાગી જશે. જગતમાં એટલો સુજશ લીજે. દાસ અવગુણ ભર્યો, જાણી પોતાતણો – હું ભલે બધા અવગુણોથી ભરેલો છું. પણ તારો છું ને. બસ, આ એક જ વાત મને તારી પાસે, તારા ચરણોમાં રહેવા માટેનો અધિકાર આપે છે. હું તારો છું. અને હું તારો છું, તો તું મારો છે જ. જે ક્ષણે હું તારો થયો, એ ક્ષણે તું મારો છે. હકીકતમાં તું મારો થવા માટે તલસી રહ્યો છે. હું તારો થતો નથી. અને એટલે તું મારો બની શકતો નથી.

ભક્તિ શાસ્ત્રનું એક ગુઢ તત્વ છે; કે પરમાત્મા આપણી ભીતર અવતરિત થવાની પ્રતિક્ષા કરી રહ્યા છે. He is waiting for us. પ્રભુ આપણી ભીતર અવતરિત થવાની રાહ જોઈ રહ્યા છે. અને એટલે જ પ્રભુ સદ્ગુરુ ચેતનાને મોકલે છે, કે મારે આના હૃદયમાં અવતરિત થવું છે. દેવલાલી શિબિર માટે જે લોકો આવ્યાં છે, એ બધાના હૃદયમાં અને અહીંયા રહેલ સાધુ-સાધ્વીજીઓના હૃદયમાં મારે અવતરિત થવું છે. Initial સ્ટેજનું કામ સદ્ગુરુ કરે છે. સદ્ગુરુ આપણા હૃદયને નિર્મળ બનાવી દે. અને પછી પ્રભુ આપણા હૃદયમાં અવતરિત થાય.

‘દાસ અવગુણ ભર્યો, જાણી પોતાતણો, દયાનિધિ દીન પર દયા કીજે’. પહેલીવાર આ કડી વાંચી. અને એમાં પણ આ ચરણ વાંચ્યું. ત્યારે નવાઈ લાગી : દીન પર દયા કીજે. હું તારો બાળક છું. હું દીન-હીન ક્યાં છું? આ સ્તવના વાંચતો હતો, એ જ વખતે નારદઋષિનું ભક્તિસૂત્ર પણ સ્વાધ્યાયમાં હતું. અને ત્યાં પણ આવ્યું; ‘દૈન્ય પ્રિયત્વાચ્ચ’ પ્રભુને દીનતા ગમે છે. વિચારમાં પડી ગયો, પ્રભુ કે હું તારું બાળક. બાળક દીન – હીન હોય એ કોઈ માઁ ને ગમે ખરું? તો પછી દિન પર દયા કીજે. શબ્દ પ્રયોગ કેમ થયો? નારદ ઋષિ કેમ લખે છે, ‘દૈન્ય પ્રિયત્વાચ્ચ’.

ઉતર તે જ આપ્યો પ્રભુ. તે કહ્યું; કે બેટા! તું દીન-હીન હોય એ મને ગમતું નથી. પણ દીનતાનો અર્થ એ છે કે તારા આંસુ મને ગમે છે. તું ચોધાર આંસુએ રડીશ. તારા એક-એક આંસુની કિંમત મને છે. કારણ – તું મારા માટે રડે છે. પ્રભુએ એ વખતે કહ્યું, કે પ્રભુ! કેટલી સરસ વાત તે કહેલી. તે કહેલું કે બેટા! અનંત અતિતમાં સંસારી સ્વજનો માટે તું એટલું બધું રડ્યો છે કે સ્વયંભૂરમણ સાગરના પાણી પણ એની પાસે ઓછા પડે. પણ, મારી માટે તું કેટલું રડ્યો?

એલીયેટ યાદ આવે. એલીયેટ કહેશે, Much is your building, but not the house of god. Much is your reading (writing) but not the word of god. એલીયેટે મને કહ્યું; Much is your building, but not the house of god. અનંત અતિતમાં તે ઘર કેટલા બાંધ્યા? અને મારા મંદિર તે કેટલા બાંધ્યા? Much is your writing but not the word of god. ખુબ લખ્યું તે, પણ મારા માટે કેટલું લખ્યું? જેમ ખુબ રડ્યો તું. મારા માટે કેટલું રડ્યો? તું ચોધાર આંસુએ રડે છે, તું ઓગળે છે, તું પીગળે છે, એ જ તારી સજ્જતા છે કે જે સજ્જતા ઉપર હું તને તારી આપું.

એક સંત યાદ આવે. એક યુવાને પૂછેલું; કે ગુરુદેવ! પ્રભુ શી રીતે મળે? ત્યારે સંતે કહેલું; તુમ મિટો તો મિલના હોય. તું મિટી જા. ઓગળી જા. પીગળી જા. મિલન આ ક્ષણે છે. ચંદનાજી મીટી ગયા, પ્રભુને પામી ગયા. સુલસાજી મીટી ગયા, પ્રભુને પામી ગયા. રેવતીજી મીટી ગયા, પ્રભુને પામી ગયા. મીરાં મીટી ગઈ, પ્રભુને પામી ગઈ.

એક બહુ સરસ વાત કરું. સ્ત્રી દેહની એક લાક્ષણિકતા. મીરાં ઝુકી શકે છે. ચંદનાજી ઝુકી શકે છે. સુલસા ઝુકી શકે છે. સ્ત્રીદેહની એક લાક્ષણિકતા છે. એવી એક રસાયણિક પ્રક્રિયા એના મનમાં થાય છે, કે એ ઝુકી શકે છે. પુરુષ દેહમાં અકળાય છે. પુરુષ ઝુકી શકતો નથી. ઝુકતા એને વાર લાગે છે. બહેનો માટે, માતાઓ માટે, સાધ્વીજીઓ માટે, મહાસતીજીઓ માટે આ ખુશખબર. કે તમે જલ્દી જલ્દી ઝુકી શકો. જલ્દી જલ્દી પ્રભુને પામી શકો. ‘તાર હો તાર પ્રભુ’ તારા વિના એક ક્ષણ રહેવાતું નથી. મારે તારી જોડે આવવું છે.

TAGGED:
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *