Sidhhi Sadhna Satsang Shibir – Samvedana 2

1 View
14 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

Subject : તું ગત મેરી જાને

સિદ્ધિ સાધના સત્સંગ શિબિર દેવલાલી સંવેદના

પ્રભુ! તારો આ અપાર પ્રેમ, તારી આ અનોખી ચાહત, એ જ મારું હોવાપણું છે. એ જ મારું જીવન છે. “ઇતની ભૂમિ પ્રભુ તુમ હિ આણ્યો” તું જ મને ઊંચકીને અહીં સુધી લઈને આવ્યો. મનુષ્યત્વના દ્વાર સુધી, તારા શાસનની પ્રાપ્તિ સુધી, તારા શ્રામણ્યની ઉપલબ્ધિ સુધી.

હું તો એક ડગલું પણ ચાલી શકું એમ નહતો. અને પ્રભુ મારી આ અસહાયતા એ જ તો મારું વરદાન હતું. હું નહતો ચાલી શકતો, હું એક ડગલું પણ તારી તરફ ભરી શકતો નહતો. ત્યારે તો તે મને બાહોમાં ઊંચક્યો. તારી ગોદનો હુંફાળો સ્પર્શ મને મળ્યો. એ ક્ષણોની યાદ આવે છે. આંખો ભીની બને છે. હ્રદય ભરાઈ આવે છે. કેટલો બધો પ્રેમ ! આટલો બધો પ્રેમ ! અને એ પણ અમારા જેવા એક નાચીજ બાળક ઉપર..!

ત્યાં જ કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય યાદ આવે : ‘ત્વં અકારણવત્સલ’ તારા પ્રેમને, તારી ચાહતને, વરસવા માટે કોઈ કારણ જરૂરી નહતું. પાણી ભરેલા વાદળાં વરસ્યા જ કરે. એમ તું અહર્નિશ વરસ્યા કરે. પણ, ક્યારેક એવું પણ બન્યું, કે તારી આંગળી છૂટી ગઈ. સંસારના જંગલમાં એકલો અને અટૂલો, અપાત રડતો હું હતો.

એ ક્ષણોના વર્ણનથી ભક્તિયોગાચાર્ય અમૃતવિજયજી સ્તવનાનો પ્રારંભ કરે છે. કોઈ પ્રસ્તાવના નથી, કોઈ પ્રાક્-પ્રસંગ, preface નથી. એક બાળકની માઁ સાથેની વાતચીત. સ્તવનાનો ઉઘાડ – “તું ગત મેરી ચાલ” પ્રભુ ! તું અંતર્યામી છે. તારા વિના, તારી આંગળી મેં છોડી દીધી. એ ક્ષણોમાં જે અપાર પીડા મેં સહન કરી, એનો ખ્યાલ તને છે. કારણ – તું અંતર્યામી છે. “તું ગત મેરી ચાલ”.  મજાની વાત એ છે કે પ્રભુ અંતર્યામી છે. પ્રભુ આપણા મનની બધી જ વાતો જાણે છે. અને છતાં સ્તવનાની અંદર એ જ વાતો વારંવાર આવ્યાં કરે છે, કે પ્રભુ! આમ થયું…  પ્રભુ! આમ થયું… પ્રભુ! આમ થયું. અરે, પણ પ્રભુને તો ખ્યાલ જ છે. એ અંતર્યામી છે. જરૂર.. એ અંતર્યામી છે. એ આપણા મનની બધી વાતો જાણે છે. અને છતાં આપણે એને જ આ વાત જણાવવાના છે.

શું કારણ? અહીંયા જ ભક્ત હ્રદયને એક અપરિચિત ગલીનો ખ્યાલ આવે છે. એવી એક ભીતરની અવસ્થા થઇ છે કે પ્રભુ વિના કોઈની સાથે બોલવાની ઈચ્છા થતી નથી. બોલવું તો એની સાથે જ. આખરે પ્રભુ! અમારા જીવનનો ધ્રુવ તારક તો તું જ છે. અમે જે પણ કરશું, એના કેન્દ્રમાં તું જ હોઈશ. અમે બોલીશું, તને ઉદ્દેશીને. અમે સાંભળશું તને.

કલાકો સુધી પ્રવચનો ચાલતાં હશે. અમે કોને સાંભળશું? અમે તને સાંભળશું. પ્રભુ યાદ આવે. સમવસરણમાં હું આવેલો. એક બાજુ તારું અફાટ રૂપ. બીજી બાજુ તારા પ્યારા શબ્દો. ‘રૂપં મધુરં, વચનં મધુરં, મધુરાધિપતેરખિલં મધુરં. તારું રૂપ, રૂપની છેલ્લી સરહદ. તારા શબ્દો મધુરપથી ભરેલા. પણ પ્રભુ એ વખતે મારા મન પર એક મીઠી મૂંઝવણ સવાર થયેલી. મૂંઝવણ એ હતી કે હું  તને જોઉં કે તને સાંભળું? ઇન્દ્રિયોની દુનિયામાં એક નિયમ છે, કે તમે એકસાથે એક જ ચેનલને ચલાવી શકો. તો મૂંઝવણ એ થઇ કે તારા રૂપને જોઉં, કે તને સાંભળવું…? વિજય વિડિયો વિઝનનો થયો. એ જ ક્ષણોમાં તારું રૂપ જોવાયું. તારા શબ્દો છૂટી ગયેલા.

અત્યારે જ્યારે કોઈને પણ સાંભળવાનું થાય, ત્યારે હું તને સાંભળતો હોઉં. એ સમવસરણીય ક્ષણોનું અનુસંધાન એ ક્ષણોમાં કરતો હોઉં છું. તારા રૂપને પીવાની મજા. તારા શબ્દોને પીવાની મજા. તને સાંભળી તો કેમ શકાય? તારા શબ્દો શ્રવણનો વિષય નથી. પાનનો વિષય છે. એ પરમરસનું પાન. અને એ પરમરસ પીવાય. એવી તો મસ્તી. એવી તો તાજગી. તમારી સાથેની ક્ષણો – મજા જ મજા. અને તમારા વગરની ક્ષણો – પીડા જ પીડા.

પ્રભુ ! તમને ખ્યાલ છે કે હું કદાચ તમારી આંગળી છોડી પણ દઉં છું. તમે મારો હાથ પકડી રાખો ને… કે હું તમારાથી વિખુટો પડું જ નહિ. ‘તું ગત મેરી જાને’ શું કહેવું છે પ્રભુને? એક વિતક કથા. એક પીડાની કથા. જે એના વિનાની ક્ષણોમાં અનુભવેલી. ‘મેં જગવાસી સહી દુઃખરાશી, શો તો તુમસે નહિ છાને’.  જ્યારે જ્યારે પ્રભુ તમને છોડીને સંસારમાં હું રહ્યો, દુનિયામાં હું રહ્યો, પીડા જ મેં અનુભવી છે. ‘મેં જગવાસી સહી દુઃખરાશી, શો તો તુમસે નહિ છાને’.  કારણ? ‘સબ લોક્ન મેં તિણી સત્તા, દેખત દરિશન જ્ઞાન’ તમે સર્વજ્ઞ છો. સર્વદર્શી છો. શું પ્રભુ તમે મારી પીડાને નથી જોઈ શકતાં? અતિતને યાદ કરું. સમવસરણની ક્ષણોને યાદ કરું. આનંદ હૃદયમાં છવાય છે. પણ અત્યારે શું? અત્યારે હું રાગ-દ્વેષમાં હોઉં. અત્યારે હું અહંકારમાં હોઉં. અત્યારે હું સંસારમાં હોઉં. તમારા વિનાની આ ક્ષણો પ્રભુ અત્યંત પીડાને અનુભવું છું. અને છતાં એ સામર્થ્ય નથી કે રાગ-દ્વેષને ભગાવી દઉં. અહંકારને તિલાંજલિ આપી દઉં. અને તમારા ચરણોને પકડી લઉં.

ખબર છે કે જે ક્ષણે તમારા ચરણોને પકડ્યા, તમારા શરણમાં હું આવ્યો, તમારું રક્ષાકવચ મારા ઉપર કામ કરવા લાગ્યું. પણ પ્રભુ ! મારી તો ફરિયાદ એ છે કે તમારું રક્ષા કવચ સતત મારા ઉપર કામ કેમ ન કરે? ક્યારેક તમે શરત મુકો છો કે surrender ની સામે care. તું સમર્પિત થા ! મારું સુરક્ષાચક્ર તને મળશે. તું એક ક્ષણ વિભાવોમાં નહિ જાય. પણ પ્રભુ ! રાગ-દ્વેષને સમર્પિત થયેલો હું કઈ રીતે તમને સમર્પિત થઈશ…! તમારે જ કઈ કરવું પડશે. શું હું તમારું બાળક નથી? બાળક ખાડામાં પડે એને ચીસ પણ નહિ પાડવી પડે. માઁ દોડતી આવશે, અને એને ઊંચકી લેશે. હું વિભાવના ખાડામાં છું. છું તો છું. હું બાળક છું. પણ તમે – ત્રિલોકેશ્વર, અખિલ બ્રહ્માંડેશ્વર. તમારી શક્તિનો કોઈ ઓર-છોર નહિ. તમે શા માટે તમારું સુરક્ષાચક્ર મને નથી આપતાં? આ ક્ષણોમાં પણ આપો ને.

વિતરાગ સ્તોત્રમાં કલિકાલ સર્વજ્ઞશ્રીએ આ જ ફરિયાદ કરી છે. એક બાજુ એમણે કહ્યું; ‘ભવત્પ્રસાદે નૈવાહ, મિયતિં પ્રાપિતો ભુવં’. પ્રભુ તારા પ્રેમથી જ ઊંચકાઈને હું અહીં સુધી આવ્યો. તે જ મને ઊંચક્યો. આજે શ્રામણ્યની પગથાર પર હું આવ્યો. અને રાગ-દ્વેષ મારી રત્નત્રયીને લુંટી રહ્યા છે ત્યારે તું મૌન કેમ બેઠો છે? ‘રત્નત્રયં મે હ્રિયતે’ પુરા વિતરાગ સ્તોત્રમાં શબ્દોના સ્તર પર એનો જવાબ નથી. અશબ્દમાં જવાબ આપ્યો છે. અશબ્દમાં જવાબ એ અપાયો – કે આપણે જ્યાં સુધી અસહાય હોઈએ, એનો પ્રેમ મળ્યાં જ કરવાનો. માત્ર અસહાય બની જાવ. અસહાયદશાને તીવ્ર બનાવો. રડો એની પાસે કે પ્રભુ! તારા વિના નથી રહેવાતું.

રાગ અને દ્વેષને અનાદિના પરિચયને કારણે છોડી શકતો નથી. પણ તારા વિના એક ક્ષણ ગમતું નથી. હું કદાચ રાગ-દ્વેષને ન છોડી શકું. તારી તાકાત નથી? તું એક ક્ષણની અંદર મારા રાગ-દ્વેષને દૂર કરી શકે એમ છે. ઉપમિતિમાં સિદ્ધર્ષી કહે છે; तवायत्तो भवो धीर! भवत्तारोЅपि ते वश:’ પ્રભુ ! સંસાર પણ તારા હાથોમાં છે. મોક્ષ પણ તારા હાથમાં છે. તારી વાત સમજી ગયો હું. તારી વાત એક જ છે : તું અસહાયદશાને તીવ્ર બનાવ. મારું રક્ષાકવચ કામ કરતું થઇ જશે.

‘સબ લોક્ન મેં તિણી સત્તા, દેખત દરિશન જ્ઞાને; ઇન કારણ ક્યા તુમસે કહેવો’ એટલે તમને શું કહું, તમે જાણો જ છો કે હું રાગ-દ્વેષને વશ થયેલો છું. હું અહંકારને અધીન છું. જરૂર… હૃદયના એક ખૂણામાં એક વાત વસેલી છે કે સુખ તો તમારા ચરણોમાં જ છે. પણ એટલી તાકાત નથી કે તમારા ચરણો સુધી આવી શકું. તમે જ તમારી બાહોમાં મને ઉઠાવી લો.

ઇન કારણ ક્યા તુમસે કહેવો. અને પછી ભક્તનો વિશેષાધિકાર પ્રગટ થાય છે. ભક્ત જ પ્રભુને કહી શકે એવી વાત અહીંયા કહેવાઈ. ‘કહીએ તો ન સુને કાને’ ‘ઇન કારણ ક્યા તુમસે કહેવો, કહીએ તો ન સુને કાને’ ગમે એટલી વાર કહીએ, તું  મારી વાત સાંભળે છે બરોબર? સાંભળતો હોય તો તારા માટે એક ક્ષણનું કામ છે. વિભાવના ખાડામાંથી મને ઊંચકી લે.

સુરદાસ ખાડામાં પડ્યા; તને યાદ કર્યો, તું આવી ગયો. એટલે એવું છે કે તમે પણ ભેદભાવ રાખો છો. ભક્ત હોય એનો કૉલ મળે એટલે તરત પહોંચી જવાનું. અમારા જેવા અભક્તો કહે તો વાત સાંભળવાની નહિ. ઇન કારણ ક્યા તુમસે કહેવો – તું બધું જાણે છે. શા માટે તને કહેવું? એટલે સીધી વિતૃષ્ણા – ‘કહીએ તો ન સુને કાને’ કહીએ તો તું સાંભળતો નથી. પણ લાગ્યું; કે થોડી વાત વધારે થઇ ગઈ છે. એનું સુરક્ષાચક્ર આપવા એ તૈયાર જ છે. હું તૈયાર નથી. એ તો સ્પષ્ટ કહે છે; 99% grace. 1% effort. ૯૯% મારો પ્રેમ. ૧% તારો પ્રયત્ન. હું એક પ્રતિશત પ્રયત્ન ન કરું, તો એ પ્રેમ ન આપે એમ નહિ, હું એના પ્રેમને ઝીલી કેમ શકું?

એ તો અગણિત જનમથી પ્રેમને વરસાવતો આવ્યો છે. હું એને ઝીલી શકતો નહતો. પણ પ્રભુ એક વાત કહું, તમારા પ્રેમને ઝીલવાની સજ્જતા પણ તમે જ આપો છો ને. અને એ સજ્જતા આપેલી, ત્યારે તો તમારા પ્રેમનો અનુભવ મને થયો. અને એ પ્રેમનો અનુભવ થયેલો ને, એ ક્ષણોમાં તો દુનિયા પુરી છૂટી ગયેલી. પણ ફરી પાછું સંજ્ઞાઓનું જોર… કે તમારા રક્ષાકવચમાંથી હું બહાર આવી ગયો. ફરી મને સજ્જ બનાવો તમારા રક્ષાકવચને લેવા માટે.

હું તો કહીશ – 99% grace. 1% effort. એ બીજા માટે રાખો. મારા માટે નહિ. મારા માટેનું સૂત્ર તો મેં નક્કી કર્યું છે; 100% grace, love, and I am effortless person. I am effortless person. I have not to do anything absolutely. મારે કશું જ કરવાનું નથી. તમારે જે કરવું હોય એ કરો. બોલ તમારી કોર્ટમાં ફેંકી દઉં છું. પ્રભુ! તારી જોડે વાતો કરતાં કરતાં કલાકોના કલાકો આમ વીતી જાય ખબર ન પડે. ભલે તું દૂર છે, પણ તારી વાતો કરતાં પણ કેટલો બધો  આનંદ આવે. કે એ ક્ષણમાં તું એકદમ નજીક છે એવું લાગે. તારા સ્પર્શનો અનુભવ એ ક્ષણોમાં થાય.

અમૃતવિજય મહારાજ છેલ્લે કહે છે; પ્રભુ ! મારે બીજું કાંઈ જ જોઈતું નથી. સમ્યક્ત્વ મને આપી દો. સમ્યગ્દર્શન મળી જાય, વિભાવોની ચુંગાલમાંથી હું છુટું અને તમારા સુરક્ષાચક્રમાં આવી જાઉં. વધારે કશું જ જોઈતું નથી. ‘દેઈ સમકિત દાને, માનો અજીતપ્રભુ અરજી એ ઇતની, જ્યું અમૃત મન માને’ આખરે તમારી પાસે આવ્યો છું. તમે મારું મન તો મનાવશો જ. તમારી ખાસિયત રહી છે કે તમે માત્ર અને માત્ર પ્રેમ વરસાવ્યા કરો છો. મેં ફરિયાદો ઘણી બધી કરી, પણ એ ફરિયાદોનો અર્થ એક જ હતો; કે તમારા પ્રેમની વર્ષા સતત વરસતી રહી, હું રેઇનકોટ પહેરીને બેઠો. માથે ટોપી પહેરી લીધી. અને પછી બુમ મારું છું પ્રભુ ! તારા પ્રેમનો સ્પર્શ થતો નથી. ક્યાંથી થાય? તમે તો અપાર કૃપા કરી, અમારા રેઈનકોટને કાઢવા માટે તમે સદ્ગુરુ ચેતનાને મોકલી. સદ્ગુરુ ચેતનાએ રેઈનકોટ કાઢી પણ નાંખ્યો. પણ અમે નવો રેઈનકોટ ખરીદી પાછો પહેરી લીધો. તો પ્રભુ ! બાળક તો બાળક જ રહેવાનું છે. તમે માઁ છો ! તમે પ્રભુ છો ! સર્વેશ્વર છો ! બધું જ છો. પણ મારા માટે માત્ર માઁ છો.

જો કે તમારું બાળક અમે બની શક્યા છીએ કે કેમ, એની શંકા છે. એક બાળક ચાર-પાંચ મહિનાનું હોય, માંદુ પડ્યું, માઁ રાત-પરોઢિયા એના માટે કરશે. માઁ માટે એ પોતાનું બાળક છે. પણ, એ ચાર મહિનાના, છ મહિનાના, કે આઠ મહિનાના બાળકની સજ્જતા શું છે? એની સજ્જતા એક જ છે; એ માઁ ની સામે જુએ છે. એને ભૂખ લાગી, એ માઁ ની સામે જુએ છે. એની પથારી ભીની બની એ માઁ ની સામે જુએ છે. એને પેટમાં ચુંક ઉપડી એ માઁ ની સામે જુએ છે. એના માટે માઁ સિવાયની કોઈ દુનિયા નથી. અને એ જ વાત તમે આચારાંગ સૂત્રમાં કહી, ‘તદ્દિઠ્ઠીએ’. તું તારી દ્રષ્ટિને મારા તરફ ફેરવ. પ્રભુ ! અમે ત્વદ્ દ્રષ્ટિક ન બની શક્યાં. અમે અન્ય દ્રષ્ટિક બન્યાં છીએ. એટલે અમારું બાળકત્વ પણ અમારી પાસે નથી. પણ, ભિક્ષા માંગવી તો શરમ શું રાખવી? એ બાળકપણું પણ આજે આપી દો.

‘માનો અજીતપ્રભુ અરજી એ ઇતની, જ્યું અમૃત મન માને’ બસ પ્રભુ ! તમારા વિનાનો મને રાખતાં નહિ. તમારા ચરણોમાં મને સ્થાન આપજો. તમારા હૃદયમાં મને સ્થાન મળે, એ ભલે દૂરની વાત હોય. પણ તમારા ચરણમાં તો આજે જ મને સ્થાન આપી દેજો.

TAGGED:
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *