Sidhhi Sadhna Satsang Shibir – Samvedana 4

1 View
17 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

Subject : તુમ દીઠે સવિ દીઠો

પ્રભુ! જ્યાં સુધી તમારું દર્શન નથી થયું, ત્યાં સુધી જ આ દુનિયાને જોવાની ઈચ્છા થાય છે. જે ક્ષણે તમારું દર્શન થાય, બીજું બધું જ છૂટી જાય છે. તુમ દીઠે સવિ દીઠો નહીં; પણ તુમ દીઠો સવિ છૂટો! તમને જોયા; બધું છૂટી ગયું. બસ પ્રભુ! એવું દર્શન એકવાર આપી દો.

પ્રભુ! મારી કોઈ તાકાત નથી કે હું તારું દર્શન કરી શકું. હું કરવા જાઉં, તો દર્શન દુર્લભ નહિ, કદાચ અશક્ય છે. પણ તું જ્યારે ઈચ્છીશ, તારી કૃપા તું મારા ઉપર મુકીશ, ત્યારે હું તારું દર્શન કરીશ.

પ્રભુ! દર્શન આપો; નહિતર કમસેકમ વિરહની અત્યંત પીડા તો આપો જ; જેથી વિરહની એ ક્ષણોમાં પણ અમે તમારી સાથે જ જોડાયેલા રહીએ અને એ તમારા વિરહની ક્ષણો બીજા બધા સાથેના અ-મિલનમાં ફેરવાઈ જાય.

સિદ્ધિ સાધના સત્સંગ શિબિર દેવલાલી સંવેદના

“તુમ દીઠે સબ દીઠો” જ્યાં સુધી તમારું દર્શન નહિ થયેલું પ્રભુ, દુનિયાને જોવાની ઈચ્છા થતી. જે ક્ષણે તમારું દર્શન થયું; બીજું બધું જ છૂટી ગયું! “તુમ દીઠે સવિ દીઠો”

કેવું એ દર્શન હોય..?

એ દર્શન બહારની આંખોથી થયેલું ન હોય; એ દર્શન દિવ્ય નયણ દ્વારા થયેલું હોય! ભગવદ્ ગીતાની બહુ મજાની પંક્તિ છે. જેમાં પરમ ચેતના ભક્તને કહે છે;  ददामि दिव्यं चक्षुस्ते. (“दिव्यं ददामि ते चक्षु: पश्य मे योगमैश्वरम्॥”) અર્જુન હું તને દિવ્ય નેત્ર આપું છું. એ દિવ્ય નયન દ્વારા તું મારા સ્વરૂપને જો. સદ્ગુરુ બે આંખોની વચ્ચે રહેલ આજ્ઞાચક્રને ખોલી આપે, દિવ્ય નયનનો ઉઘાડ કરી આપે અને એ દિવ્ય નયન દ્વારા પ્રભુ તારું રૂપ જોવાય.

લાગે છે કે અમારું અવતાર કૃત્ય માત્ર આટલું જ છે : તમારું દર્શન.

યાદ આવે; મહાભારતની ઘટના. ઉદ્ધવજી વૃંદાવન જઈ રહ્યા છે. રથ વૃંદાવનમાં પહોંચ્યો. રથને જોઇને ૫૦-૬૦ ગોપીઓ એકઠ્ઠી થઇ ગઈ. વિચાર્યું કે શ્રીકૃષ્ણ જ આવતાં હશે. રથ લઈને બીજું કોણ આવે? રથ ઉભો રહ્યો. દ્વાર ખુલ્યું. પણ, શ્રીકૃષ્ણ અંદર નહતા. ઉદ્ધવજી બહાર આવ્યાં. ઉદ્ધવજી જ્ઞાની છે. ગોપીઓ ભક્ત હૃદયવાળી છે. જ્ઞાની પાસે ક્યારેક શુષ્કતા હોઈ શકે છે. માત્ર સાક્ષીભાવ હોય અને સમર્પણ ન હોય તો શુષ્કતા હોઈ શકે છે. ગોપીઓ પાસે સમર્પણ છે. ઉદ્ધવજી પાસે સાક્ષીભાવ છે. ઉદ્ધવજીને ગોપીઓના હૃદયનો ખ્યાલ નથી આવતો. ઉદ્ધજી ગોપીઓને કહે છે,”શ્રીકૃષ્ણ શ્રીકૃષ્ણ લઈને શું મંડી પડી છો? કોઈ કામ-બામ છે કે નહિ? શ્રીકૃષ્ણ એમના કામમાં છે. તમે તમારા કામમાં પડો.” એ વખતે મુખ્ય ગોપીએ આગળ આવીને બહુ મજાની વાત કહી. એને કહ્યું; “ઉધા ન ભયે મન દસદિશ” ઉદ્ધવજી તમે જ્ઞાની છો. તમારી પાસે દસ-વીસ મન હશે. અમારી પાસે એક જ મન હતું, એ મન પ્રભુમાં વિલીન થઇ ગયું. હવે અમે શું વિચારીએ? શું કરીએ? પ્રભુ ! આ ગોપીઓની ઈર્ષ્યા આવે છે. એમની પાસે એક જ મન, અને એ મનને તમે લઇ લો! આમ પણ તમે મનોહર છો – મનને હરણ કરનારા. તો ગોપીઓના મનને તમે હરી લીધું. અમારા મનને કેમ ન લીધું? અમે અમારું મન કદાચ તમને નથી આપી શકતાં. પણ તમે તો અમારું મન છીનવી શકો છો ને…? તમે અમારા મનને એવી રીતે છીનવી લો, કે તમને જોયા પછી અમારા માટે દુનિયા જેવું કંઈ રહે નહિ!

“તુમ દીઠે સવિ દીઠો” તો બરોબર. તુમ દીઠે સવિ છૂટો. બધું જ છૂટી જાય પ્રભુ! માત્ર તમે રહો! અમારા અસ્તિત્વમાં માત્ર તમારી પ્રતિષ્ઠા હોય. પ્રભુ અનંત જન્મોથી પરની પ્રતિષ્ઠા મનમાં કરી, હૃદયમાં કરી, અસ્તિત્વમાં કરી; પીડા જ પીડા. ખ્યાલ આવે છે કે તમારી પ્રતિષ્ઠા એકવાર મારા હૃદયમાં, અસ્તિત્વમાં થઇ જાય; આનંદ જ આનંદ. બધું છૂટી જાય.. માત્ર તમે રહો! તમને જોયા પછી બીજું જોવાની ઈચ્છા થાય ત્યાં સુધી હું તો માનું છું કે તમારું દર્શન મને નથી થયું. જો કે હું તો તમને જ કહીશ કે તમે મને એવું દર્શન કેમ ન આપ્યું? તમે સર્વશક્તિમાન છો. તો પછી તમે આવું દર્શન મને કેમ ન આપ્યું? મારા તરફથી ચુંક હશે. એકાદ ચુંક નહિ, ઘણી ચુંક હશે. પણ એથી શું થયું? બાળક તરીકેનો એક વિશેષાધિકાર મારી પાસે છે. તમારે મને દર્શન આપવું જ રહ્યું.

ઉદયરત્નજી મહારાજ યાદ આવે. શંખેશ્વરના પરિસરમાં ઉદયરત્નજી મહારાજ ચાલી રહ્યા છે. એ વખતે પ્રભુ શંખેશ્વર ભગવાન પેટીની અંદર એક વ્યક્તિને ત્યાં. એ વ્યક્તિ ઈચ્છે તો દર્શન થાય નહિતર ન થાય. કો’કે પૂછ્યું; ઉદયરત્નજી મહારાજને કે પ્રભુનું દર્શન તમને થશે? ત્યારે એમણે કહ્યું; પ્રભુ દર્શન આપશે જ! હું દર્શન માટે સજ્જ છું કે નહિ, એ પ્રભુ નહિ જુએ. પ્રભુ મારા ઉપર વરસી પડવાના છે. ‘त्वमकारणवत्सलः’ મારી કોઈ સજ્જતા હોય કે ન હોય પ્રભુ, તું તો વરસતો જ આવ્યો છે. તો આજે પણ તારે વરસવું જ રહ્યું. તારે તારું દર્શન આપવું જ રહ્યું.

ઉદયરત્નજી મહારાજ એ વ્યક્તિને ત્યાં ગયાં. એ ભાઈને ખ્યાલ આવ્યો કે આજે મોટા મ.સા. આવે છે. એટલે એ ભાઈ તો તૈયાર થઈને બેસી ગયા. પાઘડી-બાઘડી લગાવી દીધી. મૂછ સરખી કરી નાંખી. હમણાં મોટા મ.સા. આવશે, અને મને કહેશે, ભઈલા! પ્રભુનું દર્શન કરાવ પણ આપણે એમ દર્શન-બર્શન કરાવવાના નથી. કહી દેવાનું કે જાવ હમણાં, કલાક પછી આવજો. પણ, ઉદયરત્નજી મહારાજ તો એ વ્યક્તિના ઘરમાં આવ્યાં. એમણે પેટીને જોઈ. પેટીની સામે બેસી ગયા. પેલા ભાઈ તો વિચારમાં જ પડી ગયાં. પેટીને ખંભાથી તાળું છે, અને ચાવી મારી પાસે છે. મ.સા. શું કરશે? પણ ઉદયરત્નજી મહારાજ direct ડાયલિંગના માણસ. એમણે સીધું જ પ્રભુને કહ્યું; ‘સાર કર, સાર કર સ્વામી શંખેશ્વરા, દેવ કાં એટલી વાર લાગે?’ પ્રભુ દૂર-દૂરથી વિહાર કરીને તારી પાસે આવ્યો છું. ઠેક ખેડાથી વિહાર કરીને અહીં આવ્યો છું. તું વિચારમાં પડ્યો છે કે દર્શન આપું કે ન આપું? તારે દર્શન આપવું જ પડશે. પેટી ખુલતી નથી. તાળું ખુલતું નથી. અને એ વખતે ઉદયરત્નજી મહારાજ ભક્તના લયમાં કહે છે; ‘કોડી કર જોડી દરબાર આગે ખડા, ઠાકુરા-ચાકરા માન માંગે!” આજે અમે તમારું દર્શન કરવા આવ્યાં છીએ, તમે માન માંગો છો? ભાવ પૂછાવો છો? ભક્તનો આ આર્તનાદ! તાળું ખુલી ગયું. પેટી ખુલી ગઈ. ભગવાન અદ્ધર ઊંચકાઈ આવ્યાં. અને ઉદયરત્નજી મહારાજની આંખોમાંથી આંસુનું પૂર નીકળે છે. વાહ! પ્રભુ વાહ! મેં તને પ્રાર્થના કરી અને તે મને દર્શન આપી દીધું! પ્રભુ! શંખેશ્વર પાર્શ્વનાથ દાદા! ઉદયરત્નજી મહારાજને તે દર્શન આપ્યું. અમે બધા આજે તારા દર્શન માટે આવ્યાં છીએ. દિવ્ય નયન અમારી પાસે છે કે નહિ, એ તારે જોવાનું. દિવ્ય નયન ન હોય, તો દિવ્ય નયન આપી પણ દે! જે કરવું હોય તે કર! પણ દર્શન આપ! તારું અદર્શન કોઈ પણ રીતે હું ખમી ન શકું.

યાદ આવે શ્રીપાળરાસમાં આવેલી મદનમંજુષા. ભગવાનની પૂજા કરી. ગભારામાંથી એ બહાર નીકળી. અને ગભારાના દરવાજા આપોઆપ બંધ થઇ ગયા. એ વખતે એ રાજકુમારી સિસકી સિસકીને રોવે છે. છાતીફાટ રોવે છે. ડુસકાંમાંથી ચડાઈને આવતાં એના શબ્દો હતાં; ‘દાદા દરિશન દીજિયે જી, એ દુઃખ મેં ન ખમાય’ પ્રભુ મને દર્શન આપ? તારા અદર્શનના દુઃખને હું સહન નહિ કરી શકું!

ભક્તે એક મોટી હરણફાળ ભરી છે. બધી જ પીડાઓને ભક્તે એક પીડામાં સંક્રાંત કરી છે. અને એ એક પીડા છે, પરમ પ્રિયનો વિરહ! એનું અદર્શન!

પ્રભુ ! નારદઋષિને પહેલી વાર વાંચ્યા. એમનું ભક્તિસૂત્ર જોયું. એક શબ્દ એમણે વાપર્યો છે; વિરહાસક્તિ. આ શબ્દ આગળ હું ઉભો રહી ગયો. સ્તબ્ધ થઇ ગયો. વિરહની પીડા હોય, વિરહનું અપાટ દુઃખ હોય. વિરહાસક્તિ? વિરહની આસક્તિ! વિરહનું ખેંચાણ ! વિરહનું સંમોહન ! આ કઈ રીતે બની શકે? પછી તમે જ ઉત્તર આપ્યો, કે બેટા, દુનિયાના કોઈ પણ પદાર્થના કે કોઈ પણ વ્યક્તિના મિલન કરતાં પણ મારા વિરહમાં વધારે આનંદ હોય છે.

મેં પૂછ્યું, પ્રભુ ! આનંદ શી રીતે? ત્યારે તમે કહેલું; કે બેટા! વિરહ ખરો. પણ કોનો? મારો. એટલે વિરહની ક્ષણોમાં તું મારી સાથે જોડાયેલો છે. તું મારી સાથે એકાકાર બને છે. તું મારી સાથે એસોસીએટેડ થાય છે. પ્રભુ! તમારો આ જવાબ સાંભળ્યા પછી ક્યારેક તમે દર્શન નથી આપતાં. ત્યારે તમારા વિરહના આનંદમાં ઝુમું છું કે ચાલો, દર્શન તે ન આપ્યું, વિરહ તો તે આપ્યો. તારા વિરહની પીડામાં ઝૂરવાનું, ઝૂમવાનું એ પણ આ જ જન્મમાં તે આપેલું છે. અગણિત જન્મોમાં દુન્યવી પદાર્થો માટે રડ્યો. તારા માટે બે આંસુ મેં ક્યાં સારેલા હતા કે તું નથી મળ્યો! પ્રભુ! દર્શન તારે આપવું હોય ત્યારે આપજે. વિરહની પીડા તો આપ્યા જ કરજે. કારણ કે એ વિરહની ક્ષણોમાં હું તારી સાથે સંબદ્ધ હોઈશ. હું અને તું બે હોઈએ પછી એ મિલન હોય કે વિરહ ફરક શો પડે છે? મારે તારામાં રહેવું છે.

નારદઋષિએ ભક્તિની બહુ મજાની વ્યાખ્યા આપી. પ્રાંજલ સંસ્કૃત છે. ગુજરાતીમાં અનુવાદ કરતાં ડર લાગે કે એનો ચાર્મ તૂટી જશે. सा त्वस्मिन् परमप्रेमरूपा ॥ अमृतस्वरूपा च॥ ભક્તિ એટલે પરમાત્મા વિશેનો પરમપ્રેમ. પ્રેમને સર્વોચ્ચ બિંદુ પર લઇ જવામાં આવે, અને એ પ્રેમ પરમાત્મા પરનો હોય – એનું નામ ભક્તિ. જો કે અનુવાદની અંદર મેં કહ્યું; પરમાત્મા વિશેનો પરમપ્રેમ.

નારદઋષિના શબ્દો બહુ મજાના છે :

सा त्वस्मिन् परमप्रेमरूपा ॥ अमृतस्वरूपा च ॥ 

એના વિશેનો પરમપ્રેમ! એ! એ એટલે તું! ભક્તનું વ્યાકરણ બહુ મજાનું છે. ત્રીજા પુરુષ એકવચનમાં તે. તે એટલે પરમાત્મા. પહેલા પુરુષ એકવચનમાં ‘હું’. પછી ‘હું’ ‘તે’ માં ઓગળી જાય, વ્યાકરણ પૂરું.

પ્રભુ! “તુમ દીઠે સવિ દીઠો, ઓર કોઈ ભાવે નહિ જગ મેં” તું મળી ગયો. તારું દર્શન મળ્યું કે તારો વિરહ મળ્યો. ઓર કોઈ ભાવે નહિ જગ મેં – દુનિયા છૂટી ગઈ! હવે કશું જ ગમતું નથી. તારા વિનાનું કંઈ જ ગમતું નથી. ન કોઈની વાત સાંભળવી ગમે. ન કશું બોલવું ગમે. બોલવું ગમે તો તારા માટેનું. સાંભળવું ગમે તો તારા માટેનું. વિરહનો આનંદ તે આપ્યો છે. તારો ખુબ ખુબ આભાર. પણ, બાળક છું ને, તારી સાથે ક્યારેક ઝઘડીશ પણ ખરો.

ભક્તના જીવનમાં એક ત્રિભેટો આવે છે. પ્રભુ મળ્યાં. અલપ-ઝલપ મળ્યાં. દુનિયાની સંજ્ઞાઓએ આકર્ષણ કર્યું. ભક્ત પરના રાગમાં ગયો. પ્રભુ છું થઇ ગયા! પણ, એ ક્ષણોમાં પ્રભુ આલપ-ઝલપ મળેલાં. એનો આનંદ એટલો બધો છે, કે દુનિયાની કોઈ ચીજ સાથે, કે દુનિયાની કોઈ વ્યક્તિ સાથે એ મેળ બેસાડી શકતો નથી. “ઓર કોઈ ભાવે નહિ જગ મેં” – બીજું કંઈ ગમતું નથી અને પ્રભુ મળતો નથી! આ ત્રિભેટો જે છે એ ભક્તના આંસુના પૂરને લઈને આવે છે.

ભક્ત કહે છે; પ્રભુ ! આના કરતાં હું પહેલા સારો હતો. તું શું માટે મને મળ્યો? હું મારી પરની દુનિયામાં મજાથી રહેતો હતો. તે તારી દુનિયાનો આસ્વાદ ચખાડ્યો, મારી પેલી દુનિયા છૂટી ગઈ, અને તું પણ છૂટી ગયો! પણ એ ક્ષણોમાં પ્રભુ તું કહે છે કે બેટા! અત્યારે વિરહનો આનંદ તને આપું છું. અને ભક્તિશાસ્ત્રનું એક ગણિત છે, કે વિરહવ્યથાનું extreme point જે છે, એની બાજુમાં જ મિલનનું starting point છે. તમે ખુબ રડ્યા, ખુબ રડ્યા, ખુબ રડ્યા એના માટે; બસ, એ તૈયાર છે મળવા માટે. એટલે જ નારદઋષિએ કહેલું; ‘दैन्यप्रियत्वात्’ આપણા આંસુ એની દુનિયામાં જવા માટેનું પાસપોર્ટ અને વિઝા છે. આંસુ વિના એની દુનિયામાં આપણે જઈ શકતા નથી.

ચંદનાજી આંસુ દ્વારા પ્રભુ તને પામી ગયાં. સુલસાજી આંસુ દ્વારા તને પામી ગયા. એક ધર્મલાભ શબ્દ તારો સાંભળ્યો શ્રાવકના મુખેથી, અને સુલસાજી છાતીફાટ રડ્યા છે. રડવાનું થોડું થમ્યું, ત્યારે ડૂસકાંમાંથી ચળાઈને આવતાં એમના શબ્દો હતાં, મારા નાથ,! મારા પ્રભુ! ક્યાં તું? ક્યાં હું? તું ત્રણ લોકનો સ્વામી! અખિલ બ્રહ્માંડનો સ્વામી! તું મારા જેવી એક નાચીજ દાસીને યાદ કરે! તું મને ધર્મલાભ પાઠવે! મારા પ્રભુ! તારા આ ઋણમાંથી હું કઈ રીતે મુક્ત બનીશ?

ચંદનાજીના આંસુમાં તાકાત હતી. તો સુલસાજી પણ આંસુમાં જ તાકાત હતી. અને સુલસાજી આંસુ દ્વારા એને મેળવી ગયા. રેવતીજી પાસે પણ આંસુ હતા. અને  મીરાં પાસે પણ આંસુ હતા. મીરાં ખુબ તડપી છે તારા માટે. એકવાર તો મીરાંએ કહેલું; “તડપ તડપ જીવ જાશી” પ્રભુ! તું મને કેટલો તડપાવીશ? તડપી-તડપીને પ્રાણ ચાલ્યા જશે.

“દરિશન બિન દુઃખણ લાગે નયન, છતિયા મેરી થર થર કંપે” મીરાં કહે છે; દરિશન બિન દુઃખણ લાગે નયન – તારું દર્શન મળતું નથી. રડ્યા જ કરું છું… રડ્યા જ કરું છું… તું જો તો ખરો, મારી આંખોની સામે, કેવી લાલચોળ થઇ ગઈ છે. હવે તો આંખો દુઃખવા લાગી છે! છતિયા મેરી થર થર કંપે – મારી છાતી કાંપી રહી છે, તારા વિના. તડપ તડપ જીવ જાસી – તડપી-તડપીને મારા પ્રાણ ચાલ્યા જશે! તું મને કેટલું તડપાવીશ?

‘તુમ દીઠો સવિ દીઠો, ઓર કોઈ ભાવે નહિ જગ મેં’ એકવાર પ્રભુ તું મળી જઈશ – તારું દર્શન થશે; દુનિયા આખી છૂટી જશે.

મારા માટે પ્રભુ તારા રાગમાં પડવું, તારા પ્રેમમાં પડવું – એ મુક્તિ માટેનું shortest cut છે. કેટલા બધા ઉપર રાગ કરીને બેઠો છું! કેટલા બધા પદાર્થો ઉપર, કેટલા બધી વ્યક્તિઓ ઉપર. ક્યારે આ રાગને હું કાઢીશ? રાગને કારણે દ્વેષ છે. અને મારી જાત ઉપર પણ રાગ છે, જે અહંકારના રૂપમાં પ્રદર્શિત થાય છે. આ બધા રાગને હું કાઢીશ કઈ રીતે? માત્ર તારા પ્રેમમાં પડી જાઉં – તારા રાગમાં પડી જાઉં; બધા જ રાગ છૂ થઇ જશે!

મારા માટે મુક્તિનો shortest cut ‘તું’ છે!

જો કે મને તો મુક્તિ પણ ક્યાં જોઈએ છે? મને તો તું જ જોઈએ છે! એટલે તો ઋષભ પંચાશિકામાં ધનપાલ કવિએ કહ્યું; કે પ્રભુ! તારી કૃપાથી મને મુક્તિ તો મળવાની જ છે. પણ મુક્તિ મળશે, તારી સેવા છૂટી જશે એનું શું? તારી ભક્તિ છૂટી જશે એનું શું? તારો પ્રેમ છૂટી જશે એનું શું? મારા માટે વધુ મહત્વ તારા પ્રેમનું છે, તારા હોવાનું છે. પ્રભુ મારું હોવાનું અનંતા જન્મોમાં ખુબ ખુબ વિકૃત રૂપે બહાર આવ્યું. હવે બધું જ મારું હોવાનું, તારા હોવામાં વિલીન થઇ ગયું. તું જ હોય, હું ન હોઉં.

‘તુમ દીઠો સવિ દીઠો’ હું તો કહીશ, ‘તુમ દીઠો સવિ છૂટો’ તમને જોયા; બધું છૂટી ગયું. બસ એવું દર્શન એકવાર આપી દો? મારી તાકાત નથી, હું દર્શન કરી શકું. એટલે મહોપાધ્યાયજીએ કહ્યું; ‘કર કે કૃપા પ્રભુ દરિશન દીનો’ તે કૃપા કરી અને દર્શન આપ્યું.

આનંદઘનજી ભગવંતે કહ્યું; ‘દરિશન દુર્લભ સુલભ કૃપા થકી, આનંદઘન મહારાજ’ ‘હું’ કરવા જાઉં તો દર્શન દુર્લભ નહિ, કદાચ અશક્ય છે. પણ તું જ્યારે ઈચ્છીશ, તારી કૃપા તું મારા ઉપર મુકીશ. ત્યારે જ હું તારું દર્શન કરીશ. મહોપાધ્યાયજીએ ગાયું; ‘કર કે કૃપા પ્રભુ દરિશન દીનો’ મને તું દર્શન આપી દે, હું પણ ગાઈશ – ‘કર કે કૃપા પ્રભુ દરિશન દીનો’. દર્શન આપો, નહિતર કમસેકમ વિરહની અત્યંત પીડા તો આપો જ કે વિરહની ક્ષણોમાં પણ અમે તમારી સાથે જોડાયેલા રહીએ અને એ તમારી વિરહની ક્ષણો બીજા બધા સાથેના અમિલનમાં ફેરવાઈ જાય.

TAGGED:
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *