Sidhhi Sadhna Satsang Shibir – Samvedana 5

1 View
10 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

Subject : એક તુજ આણ લહે થકે રે

પ્રભુ! સમ્યગ્દર્શનથી લઈને મોક્ષ સુધીની તમામ સાધના પ્રક્રિયાઓ ઉપર આપનું જ પ્રભુત્વ રહ્યું છે. આ જન્મમાં એવી રીતે સાધના ઘૂંટાવો કે મોક્ષ સુધીની અમારી યાત્રા ઝડપથી ચાલે.

અનેક જન્મોમાં આપનું શાસન પામીને મેં સાધના કરી; પણ આપે કહ્યું છે એ રીતે નહીં. તપ, જપ, ક્રિયાઓ ઘણા કર્યા; પરંતુ આપની આજ્ઞા વગરના. અને એટલે સાધના તો બહુ થોડી થઈ પણ એનો અહંકાર એટલો બધો હતો કે એ સાધનાનું પરિણામ મળ્યું નહિ.

હવે આ જન્મમાં અમે બસ આપને સમર્પિત થઈ જઈએ. તમારી આજ્ઞા પ્રમાણે નાનકડો તપ, નાનકડો જપ કે નાનકડી ક્રિયા કરીએ અને તો પણ અમને પરિણામ મળી જાય!

સિદ્ધિ સાધના સત્સંગ શિબિર દેવલાલી સંવેદના

પ્રભુ! અમારી સાધનાનું કર્તૃત્વ આપની પાસે છે. આપે કૃપા કરી; આપનું દર્શન થયું! નિત્ય અને અનિત્યનો ભેદ આપે બતાવ્યો, અને સમ્યગ્દર્શન આપે મને આપ્યું. સર્વસંગનો પરિત્યાગ હું શી રીતે કરી શકું? તમે સર્વસંગનો પરિત્યાગ કરાવરાવ્યો; અને મને તમારા માર્ગ પર દોડતો કરી દીધો.

સમ્યગ્દર્શનથી લઈને મોક્ષ સુધીની તમામ સાધના પ્રક્રિયાઓ ઉપર આપનું જ પ્રભુત્વ રહ્યું છે. એવું નથી કે મેં પહેલા સાધના નહતી કરી. આપનું શાસન પામીને, આપે બતાવેલી સાધના પણ મેં કરેલી; પણ આપે કહ્યું છે એ રીતે મેં નહિ કરેલું.

આ જન્મમાં એવી રીતે સાધનાનો ‘સ’ ઘૂંટાવો, કે મોક્ષ સુધીની અમારી યાત્રા ઝડપથી ચાલે. સાધનાનું લક્ષ્ય તમે આપ્યું, એ લક્ષ્ય સુધી પહોંચવાનો માર્ગ તમે આપ્યો, અને એ માર્ગ પર તમે મારી સાથે ચાલ્યાં. તમે પ્રભુ તો છો જ; સદ્ગુરુ પણ છો.

શક્રસ્તવમાં છેડે સિદ્ધર્ષીજીએ લખ્યું – સિદ્ધસેનદિવાકર સૂરિજીએ લખ્યું- “देवो धर्मों गुरु: पर:” સદ્ગુરુ તરીકે મારી આંગળી ઝાલીને તમે ચાલ્યાં. અગણિત જન્મોમાં કરેલી સાધના નિષ્ફળ કેમ ગઈ?

એની વાત માનવિજય મહારાજ અનંતનાથ પ્રભુની સ્તવનામાં લઈને આવ્યાં:

“તપ જપ કિરિયા મોગરે રે, ભાંગી પણ ભાંગી ન જાય;

એક તુજ આણ લહે થકે રે, હેલામાં પરહી થાય…”

પભુ તારા અને મારા વચ્ચે ભેદ શું છે? જેવું નિર્મળ ચૈતન્ય તારી પાસે છે, એવું જ નિર્મળ ચૈતન્ય સત્તા રૂપે મારી પાસે છે; પણ એ પ્રગટ થયું નથી. તો તમે આવરણની ભીંત તોડી નાંખી. મારા કર્મોના આવરણની ભીંત અકબંધ છે.

માનવિજય મહારાજ ત્યાંથી શરૂઆત કરે છે; તપ જપ કિરિયા મોગરે રે, ભાંગી પણ ભાંગી ન જાય – મને થયું, કર્મના આવરણની આ ભીંત તોડી નાંખી. તપનો હથોડો લીધો, ધડાધડ ઠોકવા માંડ્યો એ ભીંત પર, ભીંતનું પ્લાસ્ટર પણ ખર્યું નહિ! જપનો હથોડો લીધો, પરિણામ એ જ! ક્રિયાનો હથોડો લીધો, પરિણામ શૂન્ય.

તો શું કરવું? “તપ જપ કિરિયા મોગરે રે, ભાંગી પણ ભાંગી ન જાય; એક તુજ આણ લહે થકે રે, હેલામાં પરહી થાય” – પણ તારી આજ્ઞાની નાનકડી હથોડી હાથમાં લીધી અને એ ભીંતને touch કરી; ભીંત જમીન દોસ્ત થઇ ગઈ!

તો બે વાત થઇ – એક તપ-જપ ક્રિયા આજ્ઞા વગરની. એક તપ-જપ ક્રિયા આજ્ઞાવાળી.

તો તમારી આજ્ઞા પ્રમાણે હું નાનકડો તપ કરીશ, નાનકડો જપ કરીશ, નાનકડી ક્રિયા કરીશ તો પણ મને પરિણામ મળશે. ફરક ક્યાં પડ્યો? તમે લક્ષ્ય આપ્યું – એ સ્વરૂપ સ્થિતિ; તારા આનંદઘન નિર્મળ ચૈતન્યમાં ડૂબકી લગાવવી, અને એમાં કાયમ માટે રહેવું, એ તારું લક્ષ્ય છે. લક્ષ્ય આપે આપ્યું. માર્ગ પણ બતાવ્યો. રાગ-દ્વેષ અને અહંકાર; એને ધીરે ધીરે તું તોડતો જા, છોડતો જા, શિથિલ કરતો જા – એ તારો માર્ગ. અને એ માર્ગ પર આપ મારી સાથે ચાલો છો!

લક્ષ્ય આપે આપ્યું. માર્ગ પણ આપે આપ્યો. ચલાવવાનું કામ પણ આપ કરવા તૈયાર છો. અમારા તરફ માત્ર એક સ્વીકાર હોય શરણનો – કે બસ તને સમર્પિત થઇ જઈએ, તારા શરણે આવી જઈએ. તું કહે એ જ અમારો માર્ગ. તું કહે એ જ અમારું લક્ષ્ય.

હવે ખ્યાલ આવે છે કે ભૂતકાળમાં મારી ભૂલ શું થઇ? તપ કરતો હતો અને અહંકાર આવતો. જપ તો નાનકડો હતો પણ અહંકાર મોટો હતો. ક્રિયાકાંડ નાના હતાં, અહંકારનો ફુગ્ગો બહુ મોટો ફુલાઈ ગયેલો હતો. સાધના હતી બહુ થોડી, અને એ સાધના કર્યાનો અહંકાર એટલો બધો હતો કે જેના કારણે સાધનાનું પરિણામ મળ્યું નહિ. સાધના તો અહંકારને ઘટાડે, અહંકાર વધારે એ સાધના ન હોય! – તે આ જ્ઞાન આપ્યું. પ્રભુ ! મારે ભાગે આમ જુઓ તો તે કંઈ બાકી રાખ્યું જ નથી. લક્ષ્ય તું આપે, માર્ગ તું આપે, ચલાવે તું; બસ, અમારે તો સીધા જ મોક્ષમાં જઈને બેસી જવાનું છે! તું તૈયાર છે…

તે જ પંચસૂત્રમાં કહ્યું; ‘आयओ गुरुबहुमाणो’. સદ્ગુરુ પ્રત્યેનું બહુમાન તારી પાસે આવી ગયું, તો મોક્ષ તને મળી જશે. મોક્ષ આ રહ્યો! સદ્ગુરુ પ્રત્યેનું બહુમાન, સદ્ગુરુ દ્વારા પ્રભુની જે આજ્ઞા આવે છે, એના સ્વીકાર તરફ જશે. ભગવાન ! પ્રભુ ! ત્રિલોકેશ્વર ! તે તો ત્યાં સુધી કહ્યું; કે જે ગુરુને માને છે, એ જ મને માને છે. તમારી આજ્ઞા સદ્ગુરુ દ્વારા તમે અમને આપો છો, એ સદ્ગુરુ પ્રત્યેનું બહુમાન સદ્ગુરુની આજ્ઞાના સ્વીકાર સુધી જાય; મોક્ષ આ રહ્યો!

તમે તૈયાર છો મોક્ષ આપવા માટે… તમે હાથમાં મોક્ષ લઈને બેઠા છો, કે આવી જા બેટા ! તને મોક્ષ આપી દઉં.! સાધનાના પ્રભુ કર્તૃત્વની વાતો આ સ્તવનામાં આપણે જોઈ. આવી જ વાતો ઘણા બધા સ્તોત્રોમાં, ઘણા બધા સ્તવનોમાં આવે છે.

એક ઘટના યાદ આવે પ્રભુ. રાજસ્થાન બ્રાહ્મણવાડા તીર્થમાં ચૈત્રી ઓળી હતી. અમારા પરમ શ્રદ્ધેય અને અમને તારો માર્ગ આપનારા સદ્ગુરુ ભદ્રંકરવિજય મ.સા.ની નિશ્રામાં ચૈત્રી ઓળી હતી. એ સદ્ગુરુ પાસે કલાપૂર્ણસૂરિ દાદા આવેલા. કહો કે, ગુરુદેવે કલાપૂર્ણસૂરિ દાદાને બોલાવેલાં. ગુરુદેવને લાગ્યું; પ્રભુ કર્તૃતાની હું જે વાત કરું છું, એને મારા પછી કોણ રેલાવશે? ગુરુદેવે જોયું, કે કલાપૂર્ણસૂરિ યોગ્ય આત્મા છે. તો ગુરુદેવે કલાપૂર્ણસૂરિ મ.સા. ને બોલાવેલા કે તમે આવો મારી પાસે, અભ્યાસ કરવા. તો કલાપૂર્ણસૂરિ દાદા પણ એ વખતે ત્યાં હતાં. પ્રભુના બહુ મોટા ભક્ત જંબુવિજય મ.સા. પણ ત્યાં હતાં. ચૈત્રી ઓળીનો પહેલો દિવસ. પાટ પર આપણા યુગની ત્રણે વિભૂતિઓ બેઠેલી. કેન્દ્રસ્થાને પંન્યાસ ગુરુદેવ હતાં. એક બાજુ કલાપૂર્ણસૂરિ દાદા. એક બાજુ જંબુવિજય મ.સા. સાહેબજી પ્રવચન આપતાં હતાં. અરિહંત પદની વાત એ દિવસે કરવાની હતી.

તો પ્રભુએ સાધનાનું કર્તૃત્વ કેવી રીતે કર્યું એની વાત ગુરુદેવ ઊંડાણથી ચર્ચતા હતાં. પ્રભુ! અમે તારા બહુ જ ઋણી છીએ. કે તે આવા સદ્ગુરુને અમારી પાસે મોકલ્યાં. સ્તોત્રોમાં, સ્તવનામાં તારા કર્તૃત્વની વાતો ભરાઈને મુકાયેલી, અને છતાં અમે પ્રભુ કર્તૃતાની સાધનાની વાતથી દૂર હતાં. પ્રભુ કંઈ કરે જ નહિ, આવું અમે માનતા હતા. કોઈ દીક્ષા લેતું હોય તો પણ કહીએ શાસનદેવ તમારું કલ્યાણ કરે. પ્રભુ કલ્યાણ કરે એવું તો બોલાય પણ કેમ? પ્રભુ તો કંઈ કરે જ નહિ.!

આવા અંધાર ઘેરા સમયમાં તે અમારી પાસે આ પ્રકાશનો પુંજ મુક્યો. અને પંન્યાસજી ભગવંતે ગાઈ – બજાવીને તારી સાધના કર્તૃતાની વાતો કરી. તો એ દિવસે ગુરુદેવ બોલતાં હતાં, એક ભાવકે સવાલ કર્યો; કે ગુરુદેવ! સાધના પ્રભુએ આપી એ બરોબર. સદ્ગુરુ દ્વારા અમારા સુધી આવી એ પણ બરોબર. પણ સાધનાના કરનાર તો અમે છીએ? તો પછી સાધનાની પુરી કર્તૃતા પ્રભુની છે એવું કેમ કહેવાય? અને આવો કોઈ શાસ્ત્ર આધાર પણ છે ખરો? ગુરુદેવ પાસે શાસ્ત્ર આધારો ઘણા હતાં. પણ શું એમની કરુણા! એમણે વિચાર્યું કે ગુજરાતી ભાષી વર્ગ શ્રોતા વૃંદમાં બહુ મોટો છે. તો એવી એક ગુજરાતી કડી આપું કે જેમાં સાધના કર્તૃતાનું વર્ણન હોય, અને એ કડીને આખો દિવસ એ લોકો મમળાવી શકે.

તો ગુરુદેવે કહ્યું; કે આનંદઘનજી ભગવંતે નેમિનાથ પરમાત્માના સ્તવનમાં પ્રભુ સાધના શી રીતે આપે છે? અને એ સાધનાને ભક્ત શી રીતે ઝીલે છે, એની વાત કરી છે. બહુ પ્યારી કડી હતી; “ત્રિકરણ યોગ ધરી આદર્યો, નેમિનાથ ભરથાર; ધારણ પોષણ તારણો રે, નવસર મુક્તાહાર” રાજીમતીજીએ દીક્ષા લીધી. પ્રભુના ચરણોની અંદર મન, વચન અને કાયાને સમર્પિત કર્યું.

પ્રભુ! આ મન પણ હવે તારું છે. આ મનની અંદર તને સ્વીકૃત ન હોય એવો એક વિચાર – રાગ કે દ્વેષનો કે અહંકારનો ક્યારેય ઉઠશે નહિ. પ્રભુ વચન અને કાયા તો તને સમર્પું છું, મન પણ તને સમર્પિત કર્યું! રાજીમતીજીએ આ સમર્પણ કર્યું ત્યારે પ્રભુએ એમને શુભ, શુભનો વેગ અને શુદ્ધ – આ સાધનાની આખી પ્રક્રિયા આપી.

ધારણ પોષણ તારણો રે.

ધારણ – એટલે શુભમાં કઈ રીતે સ્થિર રહેવું. પોષણ – એટલે શુભમાં વેગ કેમ લાવવો. અને તારણ – એટલે શુદ્ધમાં સ્વગુણોના આનંદમાં, સ્વરૂપસ્થિતિમાં કેમ જવું એની વાત કરી.

તો પ્રભુએ રાજીમતીજીને શુભમાંથી શુદ્ધની અંદર મોકલી દીધા. તો રાજીમતીજીએ પ્રભુની એ સાધના દીક્ષાને સમર્પણના સ્તર પર સ્વીકારી. એટલે એક સૂત્ર છે : surrender ની સામે care. અમે સમર્પિત થઈએ પ્રભુ તને, તું અમારી કાળજી લે. અમારે કાંઈ જ કરવાનું રહેતું નથી! અમે અશુભમાં હોઈશું તો પણ શુભમાં તું લાવજે. શુભમાં આવશું, શુભનો વેગ તું આપશે. અને શુભનો વેગ આવશે, તો શુદ્ધમાં પણ તું અમને લઇ જશે.

એટલે સાધના સ્તર પર અમારે કાંઈ જ કરવાનું નથી; અમારે માત્ર તને, તારી આજ્ઞાને, સમર્પિત થઇ જવાનું છે. પણ પ્રભુ અમે તો અસમર્થ બાળકો છીએ તારા. તારી આજ્ઞાને સમર્પિત થવું, તને સમર્પિત થવું એ શક્તિ પણ તારે જ આપવી રહી. તું એ શક્તિ આપ ! અમે તારા ચરણોમાં સમર્પિત થઈએ અને તું અમને શુભથી શુદ્ધ સુધી લઇ જા.

TAGGED:
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *