Anandghanji Ne Sathvare – Vachana 22

985 Views 27 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : જીવદયાણં

પ્રભુ જીવનના દાતા છે. આ જીવન શેના માટે? પ્રભુના અવતરણ માટે. માત્ર શ્વાસ લેવા અને છોડવા – એ જીવન નથી. હ્રદયની અંદર પ્રભુનું અવતરણ થાય, ત્યારે જ સાચું જીવન આપણને મળે.

યોગનું પહેલું સૂત્ર છે નિર્વિચારતા. વિચારોને રોકો નહિ; જુઓ. અત્યારે તમે વિચારોના ઘોડા ઉપર સવાર થઇ જાઓ છો; વિચારોમાં ભળી જાઓ છો. હવે માત્ર વિચારોને જોવાના છે; એમની અસરમાં નથી આવવાનું.

મન રાગ, દ્વેષ કે અહંકારમાં જાય, એ વખતે તમે જો જોનારના રૂપમાં આવો, તો વિચારોના પ્રવાહને તમે થોડોક નિયંત્રિત કરી શકશો. અને જો તમે પૂરેપૂરા જોનાર થઇ ગયા, તો વિચારોના પ્રવાહનું નિયંત્રણ સીધું તમારા હાથમાં આવી ગયું. પછી વિચાર કરવો કે ન કરવો – એ આપણા હાથમાં!

ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૨૨

“ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે”

અનુભૂતિના લયમાં ઉચ્ચારાયેલા આ શબ્દોને આપણે અનુભૂતિના સ્તર ઉપર જ ઝીલી શકીએ. માત્ર વિચારોની ચાદર ઉપર આ શબ્દો ઝીલી શકાય નહિ. કોઈ પણ પરાવાણી હોય એને તમે માત્ર અનુભૂતિની ધારા ઉપર જ ઝીલી શકો. પહેલા અલપ – ઝલપ અનુભૂતિ અને એ પછી અનુભૂતિની એક ધારા ચાલે. અલપ – ઝલપ અનુભૂતિ આપણા બધાના જીવનમાં થયેલી હોય છે. પણ એટલી ઝડપથી થયેલી હોય છે કે આપણે એના તરફ ધ્યાન આપી શકતા નથી. હું વીસેક વર્ષનો હતો એ વખતથી યોગ અને ધ્યાનની ધારાના ઊંડાણમાં જવાની ઈચ્છા. પણ અમારું જે વિચરણ પ્રદેશ હતો, ત્યાં બીજા કોઈ મહાત્માનો લાભ મળતો નહિ. એક બપોરે થોડીક મૂંઝવણમાં હું હતો. કે ઊંડાણમાં જવું છે, પણ શી રીતે જવું… એના માટે guide કરનાર કોઈ વ્યક્તિ જોઈએ. એ દિવસે કામ વધારે પહોંચેલું. સૂઈ ગયો બપોરે… અને એ ઊંઘની અંદર એક આભાસ થયો. જાણે કે પરમ ચેતના મને કહેતી હોય, કે બેટા! તારે ક્યાં મૂંઝાવાનું છે. હું તારી જોડે જ છું. જે – જે તબક્કે guidance ની જરૂર પડશે. એ તબક્કે હું હાજર જ છું. આંખ ખુલી પણ એ વખતે હું rationalist હતો. શ્રદ્ધાવાદી નહિ. તો મેં વિચાર્યું કે કદાચ આ auto suggestion પણ હોય. આત્મસ્ફૂરણ.. પણ એ સાંજે એક ભાઈ મારી પાસે આવ્યા, એક પુસ્તક લઈને. મને એમણે પૂછ્યું કે આ પુસ્તક તમે જોયું છે. મેં હાથમાં લીધું. એ વખતે અંગ્રેજીમાં જેને book worm આપણે કહીએ, એવો પુસ્તકિયો કીડો હું હતો. મારા રસના વિષયનું કોઈ પુસ્તક લગભગ મેં છોડેલું ન હોય.

આપણી library ઓ જ નહિ, સાર્વજનિક library ઓને પણ ફેંદી નાંખેલી. પણ આ પુસ્તક મેં જોયેલું જ નહિ. મેં કહ્યું લાવો. મને કહે છે હું તમને આપવા જ આવ્યો છું. મેં એ પુસ્તક વાંચ્યું. જ્યાંથી હું અટકતો હતો ત્યાંથી પુસ્તક ચાલુ થતું હતું. એટલે પુસ્તક વાંચતો ગયો, ધ્યાનમાં આગળ વધતો ગયો. પુસ્તક પૂરું થયું. હવે શું? આગળ..? એ જ દિવસે એક ભાઈ આવ્યા, મારી જોડે બેઠા, એ હિંદુ હતા.  એમણે કહ્યું: મને મારા મિત્રે કહ્યું કે તમને યોગમાં બહુ રસ છે. મને પણ યોગમાં રસ છે એટલે હું આવ્યો છું. મેં એમને પૂછ્યું કે અત્યારે તમારી ધારા કંઈ રીતે ચાલે છે ? એમણે પોતાની સાધનાની વાત કરી…. પુસ્તક જ્યાં અટક્યું હતું ત્યાંથી એમની સાધના શરૂ થતી હતી. એમણે પોતાની સાધનાની વાત કરી. મને અનુભૂતિમાં આગળ જવાનો માર્ગ મળી ગયો. આવી રીતે પરમ ચેતનાએ મને યોગના અને ધ્યાનના શિખર ઉપર મુક્યો. ત્યારે લાગે કે પરમ ચેતના ક્ષણે ક્ષણે આપણી કેવી care રાખે છે. આમ હું સૂત્ર આપું છું surrender ની સામે care, પણ અહીંયા તો મારું કંઈ સમર્પણ બી નહોતું. અને બસ અનરાધાર એની કૃપા એક પાક્ષિક રીતે વર્ષી ઉઠી. આ જ અર્થમાં વીતરાગ સ્તોત્રમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય એ કહ્યું “ત્વં અકારણ વત્સલ:” મૈત્રી રાખનારા ઘણા બધા હોય. આપણા પર પ્રેમ વરસાવનારા ઘણા બધા હોય. પણ પ્રભુ અકારણ વત્સલ છે. કોઈ પણ કારણ ન હોય એનો સ્નેહ માત્ર વરસ્યા કરે. માત્ર વરસ્યા કરે. ગઈ કાલે friends  day હતો. કેટલા નવા friends બનાયા બોલો….એક સાધુને અને એક સાધ્વીને બારે મહિના, ચોવીસ કલાક friends day છે. જે ક્ષણે આ રજોહરણ અમને મળ્યું, એ ક્ષણે કહેવામાં આવ્યું, કે તારા કેન્દ્રમાંથી તને હટાવામાં આવે છે. પ્રભુની આજ્ઞા ત્યાં મુકવામાં આવે છે. અને પ્રભુની આજ્ઞા શું?

અમારે સૌથી પહેલા જે ગ્રંથ ભણવાનો હોય છે દશાવૈકાલિક સૂત્ર એમાં કહેવામાં આવ્યું, ‘સવ્વભૂઅ પભુવસ્સ’ બેટા! તું સર્વ પ્રાણીઓનો મિત્ર બની જા. પ્રારંભિક કક્ષાનો સાધક સદ્ગુરુને પૂછે છે કે ગુરુદેવ! બધાના મિત્ર કેવી રીતે બની શકાય… આટલા friends day ઉજવ્યા, સાચો એકેય નથી થયો હજી સુધી… આજે આપણે ઉજવી લઈએ. શિષ્ય પૂછે છે કે બધાના મિત્ર તો શી રીતે થવાય? તમે કોના મિત્ર થાવ બોલો… જે તમારા હું ને પંપાળે એ તમારો મિત્ર. અને તમારા હું ને ખોતરે, એ તમારો દુશ્મન. તમે મનુષ્યોને બે છાવણીમાં વહેંચી નાંખ્યા. સારા, ખરાબ. સારા કોણ? મને સારો કહે એ… ખરાબ કોણ? મને ખરાબ કહે એ… હું ઘણીવાર હસું કે તમે દુનિયાનું કેન્દ્રબિંદુ છો? તમે દુનિયાનું કેન્દ્રબિંદુ છો કે તમારા આધારે આખી મનુષ્ય જાતિનું વર્ગીકરણ થઇ શકે. તો શિષ્ય પૂછે છે કે બધાના મિત્ર કંઈ રીતે થઇ શકાય? તમારે બનવું છે? તો રસ્તો બતાવું… માર્ગ બતાવ્યો… ‘સમ્મં ભૂઆઇં પાસઓ’ તું સમ્યગ્ રીતે બધા પ્રાણીઓને જો. તો તું બધાનો મિત્ર બની જઈશ.

અત્યાર સુધી આપણે ખોટી રીતે, અસમ્યગ્ રીતે દુનિયાના બધા લોકોને જોયા છે. સમ્યગ્ રીતે જોવાનો મતલબ શું? એનામાં રહેલા સિદ્ધત્વને તમે જુઓ. એ આત્માની અંદર સિદ્ધત્વ પડેલું જ છે. એ સિદ્ધત્વને તમે જુઓ. ‘નમો સિદ્ધાણં’ કહેવાનું મન થાય. બધા માત્ર મિત્રો નહિ. તમારા સિવાયના બધા જ સિદ્ધ ભગવાન છે. મિત્ર તરીકે નહિ, ભગવાન તરીકે બધાને જોશો? મારી દ્રષ્ટિએ આ મૈત્રીભાવ એ પ્રાયશ્ચિત છે. અનંતા જન્મોમાં એક જ રેકોર્ડ વગાડી છે આપણે…હું superior. તમે કેવા ભાઈ? અનંત જન્મોથી એક જ નાદ ભીતર રહેલો છે. અહંકાર ને કારણે હું superior છું. હવે એ ભાવ લાવવો છે કે બધા જ superior છે. હું સામાન્ય માણસ છું. એટલે મેં પહેલા એક સૂત્ર આપેલું: બધા જ આત્માઓ સારા જ છે. એવું જે ભીતરથી માનતો હોય એનો જ પ્રભુ શાસનમાં નિશ્ચયથી પ્રવેશ થયેલો કહેવાય.

સદ્ગુરુ તમારા vision ને ખોલી આપે છે. અમારું કામ શું? એક નવું vision તમને આપવાનું. એક હિંદુ સદ્ગુરુ હતા. બહુ જ મજાના, શક્તિશાળી હતા. પણ ખરેખર શક્તિશાળી કોણ હોય….. જે નમ્ર માં નમ્ર હોય એ શક્તિશાળી. અહંકારી માણસ ક્યારે પણ શક્તિશાળી ન હોઈ શકે. યાદ રાખજો. તમારો અહંકાર તમને તોડી પાડે. નમ્રતા દ્વારા જે પુણ્ય એકઠું થાય, એ તમને ઉચકે. અને અહંકાર દ્વારા જે પાપ પેદા થાય એ તમને નીચે પછાડે. એ સંત ઘણી બધી શક્તિઓના, મંત્રો, તંત્રોના માલિક હતા પણ બહુ જ નમ્ર. એક ભક્ત એમની પાસે આવ્યો. અને એણે કહ્યું ગુરુદેવ! આજે મારે ત્યાં ભિક્ષા માટે આપ પધારો.

અમને તમે પૂછો તો અમે શું કહીએ… વર્તમાનયોગ. એક સાધુ ઉપાશ્રયની પાસે આવ્યો, તમારું ઘર બાજુમાં છે, તમે કહો કે સાહેબ વહોરવા માટે પધારો. મુનિરાજ ને લાગે કે ગોચરી લગભગ પૂરી થઇ છે. કદાચ ખૂટી પણ શકે. એટલે એ વર્તમાનયોગ કહે છે. કોઈ commitment નહિ, ન હા, ન ના, વર્તમાનયોગ. અત્યારે મને વર્તમાન ક્ષણ જોડે સંબંધ છે. એટલે આવતી ક્ષણે હું આવી પણ શકું, ન પણ આવી શકું. એ વર્તમાનયોગમાં રહેનારો મુનિ પરમ આનંદમાં હોય. આનંદમાં નહિ પરમ આનંદમાં… કોઈ ઘટના ઘટી ગઈ તો ઘટી ગઈ. કચરા ટોપલીમાં નાંખી દીધી. કોઈ ઘટના ઘટવાની છે તો ઘટે ત્યારે જોઈશું. આ વર્તમાન એક મિનિટમાં હું મજામાં છું. આવું કરી તમે શકો… એક મિનિટ…એની સાધના, આનાથી નાની સાધના કઈ આપું બોલો…એક મિનિટની સાધના. એક મિનિટ આનંદમાં રહેવાનું…. પછી બીજી ક્ષણ આવશે એ પણ એવી જ આવશે. એની photocopy જેવી… ત્રીજી ક્ષણ પણ એવી આવશે. આનંદનો એક રાજમાર્ગ તમારી સામે ખુલ્લો થઇ જશે. એક ક્ષણ વર્તમાન યોગમાં રહેવાનું ચાલુ કરો. હું અત્યારે અહીં છું.

અગ્રેજીમાં એક best seller પુસ્તક લખાયું છે. Power of now. એનું હિન્દીમાં, ગુજરાતીમાં અનુવાદ થયું. વર્તમાન કી શક્તિ. વર્તમાનની શક્તિ. વીસેક લાખ copy ઓ પુસ્તક ની ખપી ગઈ છે અને હજુ પણ એની demand આવે છે. એટલે લોકો નથી વાંચતા એવું નથી. પણ એકદમ સરસ પુસ્તક હોય, તો લોકો વાંચે જ છે. એ power of now માં લેખકે માત્ર આ જ વાત કરી છે વર્તમાનયોગની…. કે વર્તમાનમાં રહો. તમારું મન શું કામ કરે તમને ખ્યાલ છે? તમારું મન યા તો તમને ભૂતકાળમાં લઇ જાય, યા તો ભવિષ્યકાળમાં લઇ જાય. વર્તમાનમાં એક મિનિટ તમારે આનંદમાં રહેવું છે ત્યાં તમારા મનની કોઈ જરૂરિયાત નથી. મનની શક્તિ કહો કે અશક્તિ કહો એટલી જ છે કે યા તો તમને ભૂતકાળમાં લઇ જાય યા તો ભવિષ્યકાળમાં લઇ જાય. ભૂતકાળ ગયો, એક ઘટના થઇ ગઈ. હવે એ ઘટનાને વાગોળવાનો શો અર્થ? દાદર પરથી ઉતરતા હતા, કોક સજ્જનની ઈચ્છા નહોતી પણ પાછળથી ધક્કો આવ્યો. એ સજ્જનનો ધક્કો તમને લાગ્યો. તમે પડી ગયા. પડી ગયા એ વાસ્તવ છે. વર્તમાન છે. પાટા પિંડી કરો એ વર્તમાન છે. પણ કોણે મને પાડ્યો આ વિચારમાં જાઓ તો વર્તમાનયોગ ખંડિત થયો. આજે practical કરશો? Free પડેલા હોવ ત્યારે ૫ મિનિટ વર્તમાનયોગમાં રહો. તમે તો ૨૪ કલાક ને…24 hours. વર્તમાનયોગ. કોઈ ઘટના ઘટી ગઈ એને યાદ કરો તમે એને…… અને યાદ કરો તો વર્તમાનયોગ રહે ખરો? એટલે રજોહરણ લીધુંને ત્યારે જ આ સાધના લીધેલી છે. એટલે વર્તમાનયોગને બરોબર પકડી રાખવાનો.

પેલા હિંદુ સંતને ભક્ત કહે છે મારે ત્યાં ભિક્ષા માટે પધારો… સંતે કહ્યું – જોઈશું… પેલા ભક્તે ૧૧ થી ૧ વાગ્યા સુધી રાહ જોઈ. ગુરુ નહિ જ આવ્યા. નિરાશ થઇ ગયો. મેં ગુરુને આમંત્રણ આપેલું. અને ગુરુ નહિ આવ્યા. બોલો… મેં ગુરુને કહેલું અને ગુરુ નહિ આવ્યા. અહીંયા ‘મેં’ ઉપર ભાર વધારે જાય કે ગુરુ ઉપર વધારે જાય? ક્યાં જાય? ક્યાં જાય? વજનદાર કોણ? ગુરુ કે તમે? ગુરુ શબ્દનો અર્થ શું થાય? ભારે… પણ આતો તમે વધારે ભારે થઇ ગયા. મેં કીધું હતું… અને ગુરુ મહારાજ ભિક્ષાએ નહિ આવ્યા. ભાઈ વિનંતી કરવી એ તારી ફરજ છે. આવવું કે ન આવવું એ ગુરુદેવે જોવાનું છે. જીરણશેઠ રીજ ભાવના કરતા હતા. પ્રભુ આવે, પ્રભુ આવે… પ્રભુ આવે…. પ્રભુ નહિ ગયા. ૧ વાગ્યા સુધી રાહ જોઈ, ગુરુ નહિ આવ્યા, જમી લીધું. પછી એક ભિખારી જેવો માણસ આવ્યો, કંટાળી ગયો. જા પાછો જા, કહે છે. અત્યારે અવાય? કહે છે… દોઢ વાગે? પેલો પાછો ગયો. બીજી સવારે ભક્ત ગુરુ પાસે ગયો. કહે સાહેબ! મેં તો તમારી કેટલી રાહ જોઈ… પણ તમે આવ્યા જ નહિ. ગુરુ કહે હું તો આવ્યો હતો. તે ના પાડી એટલે પાછો ગયો. તમે આવ્યા હતા… ક્યારે આવ્યા હતા? ગુરુ કહે દોઢ વાગે. યાદ કર. કોણ આવ્યું હતું… ઓ… એ ભિખારીના વેશમાં તમે હતા? મારી તો ભૂલ થઇ ગઈ. પણ ગુરુદેવ! ગઈ કાલની મારી ભૂલ માફ કરો. આજે તો મારે ત્યાં પધારો જ. ગુરુ એ જ જવાબ આપે છે જોઈશું. હવે તો બરોબર રાહ જોઇને બેઠો છે કે ગુરુ ક્યાં રૂપમાં આવે. આપણે જોવાનું જ નહિ… આપણે વહોરાયા કરવાનું. ભિખારીના રૂપમાં આવે કે કોઈ પણ માણસના રૂપમાં આવે… ૧૧ થી શરૂઆત થઇ ૧ – ૧.૩૦ કોઈ આવ્યું નહિ. ન ભિખારી, ન સંત. કોઈ એને ત્યાં આવ્યું જ નહિ. એને થયું ગુરુદેવે મારી ભૂલ માફ નહિ કરી હોય. ગઈ કાલે મારી ભૂલ થઇ જરૂર… મેં માફી પણ માંગી. અને ગુરુદેવ તો ક્ષમાના સાગર છે. તો એમણે મારી માફી માફ નહિ કરી હોય… કેમ આજે નહિ આવ્યા… ત્યાં પોણા બે વાગ્યા અને એક કૂતરો આવે છે ઘરમાં. અને સીધું રસોઈ ઘરમાં પ્રવેશવા માટે જાય છે. પેલો જમી – કરીને બહાર આવેલો. પેલું કૂતરું રસોડા ઘરની જાળી ખુલ્લી હતી, તો સીધું રસોડામાં જવા જાય છે. આ ભાઈએ તો સીધી લાકડી લીધી હાથમાં. પછી જોરથી લાકડી ફેંકી કૂતરા ઉપર. કૂતરા ને વાગી. અને કૂતરો ભાગ્યો. ફરી બીજા દિવસે ભક્ત ગુરુ પાસે ગયો. સાહેબ! તમે તો આવ્યા જ નહિ… ગુરુ કહે આવ્યો હતો ને… તારી પ્રસાદી પણ લીધી. હજુ દુઃખે છે પ્રસાદી. તે પ્રસાદી એવી જોરદાર આપી… આમ રોટલી – શાક ની પ્રસાદી હોય તો તો કલાકમાં પતિ જાય બધું. આ તો ગઈ કાલની પ્રસાદી આજ સુધી યાદ છે. અને ભક્તને ખ્યાલ આવ્યો કે એ રૂપની અંદર ગુરુદેવ આવેલા. અને સદ્ગુરુએ practically એક lesson શીખવાડ્યું કે કોઈ પણ પ્રાણી ની અંદર જે સિદ્ધત્વ છે એનો તું આદર કર. ‘નમો સિદ્ધાણં’.

કોઈ જગ્યાએ પ્રતિષ્ઠા મહોત્સવ હતો, મોટી ધર્મશાળા નહિ, ૨ – ૩ હોલો હતા. તો મહેમાનોમાં પુરુષોને એક હોલમાં, બહેનોને બીજા હોલમાં રાખેલી. બપોરનો સમય ૨ – ૨.૩૦ વાગ્યાનો. બધી બહેનો જમીને સૂતેલી. પણ કોઈ પલંગ – બલંગ નહોતા. સીધી પથારી ઉપર જ સુવાનું હતું. કોઈ આમ સુતું, કોઈ આમ સુતું… કોઈ આમ સુતું. એક દીકરીને, ૧૮ એક વર્ષની દીકરીને હોલના એક છેડેથી નીકળી બીજા છેડે જવાનું હતું. એ બાજુ રૂમ હતી ત્યાં… એણે ઘણી સાવધાની રાખી, પણ એનો પગ એક બહેનને અડી ગયો. અને એ બહેન પરમ ગુસ્સાવાળા. સહેજ પગ touch થયો છે. એમાં તો એટલા ગુસ્સે થઇ ગયા. આંધળી છો, દેખતી નથી, મારા પગને છુંદી નાંખ્યો. અલ્યા touch કર્યો છે કે છુંદી નાંખ્યો? પેલી દીકરી માફી માંગે છે. હાથ જોડે છે કે aunty મારી ભૂલ થઇ. ભૂલ શેની થઇ? જાણી – જોઇને તે કર્યું છે. ફરી માફી માંગી દીકરી ગઈ. દીકરી ગઈ પછી એ બહેનની જે પાડોશણ હતી એણે પૂછ્યું – કે આ દીકરી કોણ હતી તને ખબર છે? તો કહે ના ખબર નથી. આ દીકરીને હું ઓળખું છું. એ વૈરાગ્યવાસિત થયેલી છે. સાધ્વીજી મહારાજ પાસે ભણે છે. એનું મુહુર્ત નીકળી ગયું છે દીક્ષાનું. અને ૧ મહિના પછી એ દીક્ષા લેવાની છે. આ બાઈને એટલો બધો પશ્ચાતાપ થયો, કે ભવિષ્યમાં જે દીક્ષા લેનાર છે, એનું મેં આ રીતે અપમાન કર્યું… સાંજે એ દીકરી મળી, તો આ બહેન એના પગમાં પડે છે. માફી માંગે છે. કે તું દીક્ષા લેનારી ભવિષ્યમાં… અમારા માટે અત્યારે પૂજનીક છે તું. દીક્ષાર્થી તરીકે… મુમુક્ષુ તરીકે… અને મેં તને આટલા બધા ખરાબ વચનો કહ્યા… તું મને માફી આપ દીકરા… પેલી કહે aunty તમારે માફી માંગવાની હોય જ નહિ. ભૂલ મારી હતી. તો ભવિષ્યમાં દીક્ષા લેવાની છે એના પર આટલો પ્રેમ હોય, તમને પણ હોય ને? મુમુક્ષુ તમારા આંગણે આવે, તો કેટલા બધા ભાવથી જમાડો… તો ભવિષ્યમાં દીક્ષા લેવાનો છે એના પર આટલો પ્રેમ હોય, તો ભવિષ્યમાં સિદ્ધ થવાનો છે એ આત્મા ઉપર કેટલો પ્રેમ હોય….. એક ખાલી vision જ ખોલવું છે. કે બધા જ આત્માઓ સિદ્ધાત્મા છે. તો અલપ – ઝલપ અનુભૂતિ… આપણને સર્વાંગીણ અનુભૂતિ તરફ લઇ જાય છે.

શ્વેતકેતુ પિતા પાસે આવ્યો, અને પિતાએ કહ્યું કે જે એકને જાણે તો બધું જણાય જાય, એ એકને તું જાણીને આવ્યો? તો કહે ના, એવું તો મને કંઈ જણાવ્યું નથી. તો જા પાછો ગુરુ પાસે. ગુરુને એણે કહ્યું કે જે એકને જાણીએ તો બધું જણાય જાય એ એકને મારે જાણવાનો છે. ગુરુ સમજી ગયા, આને આત્માનુભૂતિ કરવી છે. તમારે પણ કરવી છે બરોબર ને? તમારે તમારો અનુભવ કરવો છે?

ટી.વી. ના નાનકડા screen પર આખી દુનિયાના દ્રશ્યોને જોનારો માણસ પોતાની અંદર જે ઘટના ઘટે છે એનાથી બેખબર છે. આનાથી મોટી વિડંબના કઈ હોઈ શકે? માણસ છે ને રાજકારણમાં આગળ આવ્યો. બહાર ડહાપણ ડોળવા લાગ્યો. અને ઘરમાં એ નજર જ ન આપે. છોકરાઓ સામ – સામે લડતા હોય. પત્ની જે છે એ પણ રોજ ઝઘડા કરતી હોય, ઘરની અંદરનું વાતાવરણ એકદમ ખરાબ હોય, છતાં ય બહાર જ  ફર્યા કરે… અને ઘરમાં નજર ન રાખે તો કેવો કહેવાય… તમે આજ સુધી બહારની ખબર લીધી. ભીતરની ખબર લીધી? તમારી અંદર જે અપાર આનંદ છે એનો અનુભવ તમને થયો?

કાલે જે આપણે ધ્યાન કરાવેલું અને દર રવિવારે આપણે કરાવવું છે, એ ધ્યાન એટલા માટે છે કે તમારી ભીતર રહેલ આનંદનો અનુભવ તમને થાય. ગુરુ તો અનુભૂતિવાન પુરુષ હતા. અને અનુભૂતિ કેમ અપાય એનો એમને ખ્યાલ હતો. તો પહેલું step નિર્વિચાર બનવાનું હતું. આ યાદ રાખો. વિચારો સતત તમારા મનમાં આવી રહ્યા છે. ઊંઘ પણ પૂરી થઇ જાય. અને અડધી ઊંઘ તંદ્રા જેવું હોય ત્યારે પણ વિચારો આવ્યા કરે છે. એ વિચારોને કોઈ ધડ માથું નથી હોતું. કોઈ સંબંધ નથી હોતો. પણ મનને એક વિચારવાની ખોટી ટેવ પડી ગઈ છે. પણ એ ખોટી ટેવ તમારી કેટલી energy ને નષ્ટ કરે છે. તમારા કેટલા સમયને નષ્ટ કરે છે.

એક મિત્ર લમણે હાથ દઈને બેઠેલો પોતાના ઘરે… એનો મિત્ર એને મળવા આવ્યો. મિત્ર આવ્યો મળવા એને ખબર પણ નથી. ૧૦ મિનિટ મિત્ર બેઠો પણ પેલો વિચારોમાં એટલો ગરકાવ કે એને ખબર જ ન પડી મિત્ર આવ્યો છે. મિત્ર ચાલ્યો ગયો. અઠવાડિયા પછી મિત્ર ફરી આવ્યો. અને એણે કહ્યું કે અઠવાડિયા પહેલા હું આવેલો, શું વિચારમાં તું ડૂબેલો, કે ૧૦ મિનિટ હું બેઠો તોય તને ખ્યાલ ન આવ્યો. પેલાને અઠવાડિયા પહેલા કોઈ વિચારોમાં ગરકાવ હતો એ ખ્યાલ આવ્યો. પણ કયો વિચાર હતો એ ભૂલી ગયો છે. અઠવાડિયા પછી જે વિચાર કયો હતો એનો તમને ખ્યાલ નથી, એ વિચાર તમારી કેટલી energy નષ્ટ કરે. તમારા કેટલા સમયને નષ્ટ કરે.

એટલે યોગનું પહેલું સૂત્ર આ છે: નીર્વિચારતા. વિચારોને રોકો નહિ. વિચારોને જુઓ. અત્યારે શું કરો છો તમે વિચારોના ઘોડા ઉપર સવાર થઇ જાવ છો. હવે માત્ર વિચારોને જોવાના છે. જોવામાં અને ભળવામાં કેટલું અંતર તમને બતાવું…

એક પર્વત ઉપર આગ લાગી જંગલમાં.. ૫૦ કિલોમીટર દૂર એક ગામ છે. એ ગામનો માણસ રાત્રે ૧૦ વાગે બહાર નીકળ્યો. ત્યારે એને પર્વત પરની આગ દેખાય છે. મોટી આગ હતી. દેખાઈ… પણ એ આગની અસર થાય કંઈ? ૫૦ કિલોમીટર દૂર જે આગ છે એની અસર થાય? પણ બાજુમાં જ fire place હોય તો… બાજુમાં જ સગડી હોય તો અસર થાય કે નહિ. એમ વિચારોને જોવાના મતલબ વિચારોની અસરમાં નહિ આવવાનું… એના માટે આજે પહેલું lesson આપું… નવકારશીનું પચ્ચક્ખાણ પારવાનું હોય, પારીને બેઠા dining table પર, ચા આવી. આમ હાથમાં લીધીને વરાળ સાથે સુગંધ આવીને… બહુ tasty લાગે છે હો… એક ઘૂંટડો ભર્યો, તમારા જ test ની ચા હતી. એ વખતે મનમાં આસક્તિ થઇ બરોબર? ચા પ્રત્યે આસક્તિ થઇ. હવે એ આસક્તિ થઇ છે. એને જુઓ… આ કામ કરો… કમસેકમ ૨ ને ઉભા કરો… એક આસક્તિ ને કરનારો, એક આસક્તિને જોનારો. એક ક્રોધ કરનારો, એક ક્રોધને જોનારો. તમે જોનાર હોવ તો મજામાં.. ભગવાનને આચારાંગ સૂત્રમાં પૂછવામાં આવ્યું “કિમ અત્થિ ઉવાહી પાસગસ્સ”. પ્રભુ! દ્રષ્ટાને કોઈ ઉપાધિ હોય છે? ભગવાને કહ્યું “ણત્થિ તિબેમિ”. દ્રષ્ટાને જોનારને કોઈ ઉપાધિ હોતી નથી. આટલી જ સાધના કરવાની છે. રાગ કરનાર તમારું મન છે. દ્વેષ કરનાર તમારું મન છે. અહંકાર ને કરનાર તમારું મન છે. મન ભલે એમાં રહ્યું તમે જોનાર તરીકે આવી જાઓ. મનમાં રાગ છે તમે જોઈ રહ્યા છો. મનમાં દ્વેષ આવ્યો તમે જોઈ રહ્યા છો. એ જોનાર છે એ તમે છો. તો જોનારને છૂટો પાડો. ખાવાની ક્રિયા ચાલે છે… કોણ ખાય છે? શરીર ખાય છે. શરીર ખાય છે. પણ tasty ભોજન છે તો conscious mind પણ એમાં લાગેલું છે. કે બહુ સરસ છે. પણ એ વખતે તમે જોનારના રૂપમાં આવો. તો શું થશે… વિચારોના પ્રવાહને તમે થોડોક નિયંત્રિત કરી શકશો. અને પૂરા જોનાર તમે થઇ ગયા, તો વિચારોના પ્રવાહનું નિયંત્રણ સીધું તમારા હાથમાં આવી ગયું. હવે વિચાર કરવો કે ન કરવો એ આપણા હાથમાં. વિચાર કરવો છે,  switch on કરવાની, વિચાર નથી કરવો, switch off કરવાની. કાઉસ્સગ માં તમે શું બોલો? કાઉસ્સગ કરતા પહેલા?  “ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપ્પાણં વોસિરામિ”. કાયાથી હું સ્થિર રહીશ. હું બોલીશ નહિ. અને મારું મન પણ એકદમ સ્થિર રાખીશ. આ પ્રતિજ્ઞા આપણી કાર્યોત્સર્ગ ની છે. એટલે કાર્યોત્સર્ગ કરતી વખતે મનને આપણે off કરી દઈએ છીએ. કે માત્ર લોગસ્સ કે નવકાર ગણાય છે. એના તરફ ધ્યાન અપાય, એ સિવાય બીજે ક્યાંય ધ્યાન ન અપાય.

તો ગુરુ વિચારે છે કે આને નિર્વિચાર બનાવવો પડશે. એટલે ગુરુએ એને કહ્યું કે આના માટેની સાધના મોટી છે. ગુરુદેવ આપની કૃપા, પ્રભુની કૃપા, મારા પિતાની આજ્ઞા બસ સારું થઇ જશે.

કોઈ પણ સાધક છે ને એની ભાષામાં અહંકાર છલકતો નથી. ના ના સાહેબ હું કરી દઈશ એમાં શું છે… એ નહિ.. હું કરી દઈશ એમ નહિ. આપની કૃપા, પ્રભુની કૃપા થઇ જશે. જે થશે એ કૃપાથી થશે. મારાથી નહિ થાય. સાધનાનું પહેલું પગથિયું છે અસહાયતા. તમે અસહાય છો. તમને જ્યારે લાગે છે કે આ દરિયામાં હું પડ્યો છું, સંસારના. કોઈ મને બચાવનાર નથી સિવાય કે પ્રભુ… અને એ વખતે આંખોમાંથી આંસુ ઝરે, પ્રભુ, પ્રભુ, પ્રભુ મને તું બચાવ. પાર્થનામાં આ લય છે. કોરી આંખે તમે પ્રાર્થના કરો. ભગવાનને એ સ્વીકાર્ય નથી. ગળેથી ડૂસકા વહેતા હોય, આંખોંથી આંસુ વહેતા હોય, શરીરે રોમાંચ હોય, અને તમે પ્રાર્થના કરો એ પ્રાર્થના પ્રભુને સ્વીકાર્ય છે.

આપણી જે સાધના છે, પ્રતિક્રમણ, પૂજા વિગેરેની… એ પણ તમને નિર્વિચાર બનાવે છે. પ્રતિક્રમણ કરો ત્યારે કોઈ જ વિચાર બીજો કરવાનો નહિ. માત્ર જે સૂત્રો ચાલે છે, એમાં જ તમારે તમારો ઉપયોગ રાખવાનો. તમે વંદિતું બોલતા હોવ ‘તં નિંદે તં ચ ગરિહામિ’ ‘તં નિંદે તં ચ ગરિહામિ’ તમે બહાર હોવ તો કોણ નિંદા કરે અને કોણ ગર્હા.

ગોવાલિયા ટેંકમાં મારું ચોમાસું હતું. પર્યુષણમાં તો બહુ મોટી સંખ્યામાં લોકો આવે. પાછળનો હોલ એ લોકો ભાડે લે. તો એ હોલમાં મારું પ્રવચન ચાલતું હતું. મેં કહ્યું કે સાંજે પ્રતિક્રમણમાં પણ ૮૦૦ થી ૧૦૦૦ ની સંખ્યા હોય છે ભાઈઓની… મેં કહ્યું આજે મારે તમારું વંદિતું ડુસકાની play back પર સાંભળવું છે. તમે જુઠું બોલ્યા છો આજે વિના કારણે અને એ જે તમારું વ્રત હતું એમાં તમને અતિચાર લાગ્યો, એના માટે તમે જ્યારે નિંદા કરો છો, એ વખતે ‘તં નિંદે તં ચ ગરિહામિ’ બોલતાં ડૂસકા ન આવે તો શું આવે. મેં કહ્યું ૧૦૦૦ જણા હોય, અને એકસાથે ડૂસકા ભરતા હોય એવી રીતે મારે તમારું વંદિતું સાંભળવું છે. આપણે અહીંયા બી કરશું ને આવું..

કેટલી મજાની સાધના આપણને મળી છે. એ સાધનાને સમજીએ ને તો પણ આપણે uplifted થઇ જઈએ. પ્રતિક્રમણ સૂત્રોની વાત જવા દો. ચૈત્યવંદન સૂત્રોના અર્થ આવડે છે? એક નમુત્થુણં સૂત્રનો અર્થ તમને આવડતો હોય, અને એ નમુત્થુણં તમે બોલો તમારી આંખમાંથી આંસુ ન ઝરે તો જ નવાઈ… આવા પરમાત્મા મને મળ્યા? જેણે મને બધું જ આપ્યું. આપણા નમુત્થુણં માં એક જે વિશેષણ નથી એ કલ્પસૂત્રના નમુત્થુણં માં છે. ‘જીવદયાણં’ પ્રભુ જીવનના દાતા છે. તમારા હૃદયમાં પ્રભુનું અવતરણ થયું તો જ જીવન નહીતર જીવન એટલે શું? માત્ર શ્વાસો ચાલે એને તમે જીવન કહેશો? coma માં પડેલો માણસ હોય શ્વાસ ચાલે છે, પણ એના જીવનનો કોઈ અર્થ નથી. માત્ર શ્વાસ ને લેવા અને છોડવા એ જીવન નથી. હ્રદયની અંદર પ્રભુનું અવતરણ થાય ત્યારે જ સાચું જીવન આપણને મળે છે. એટલે ઇન્દ્ર મહારાજા પ્રભુની સ્તવના કરતા કહે છે ‘જીવદયાણં’. પ્રભુ આપ જીવનના દાતા છો. આપ અમારા હૃદયમાં હોવ તો જ જીવન. આપ અમારી પાસે નથી તો અમારી પાસે જીવન જેવું કાંઈ છે નહિ. આ જીવન શેના માટે? એક જવાબ બધાના કંઠેથી નીકળે ‘પ્રભુના અવતરણ માટે’. આ જીવન માત્ર અને માત્ર પ્રભુનું અવતરણ આપણા હૃદયમાં થાય એના માટે છે. અને તમે જો નક્કી કરો કે તમારા હૃદયમાં પ્રભુનું અવતરણ કરવું છે તો અમે કરાવી આપીએ. અમે તમારા ઘર દેરાસરમાં જ મૂર્તિની પ્રતિષ્ઠા કરીએ એમ નહિ, તમારા હૃદયમાં પણ પ્રભુની પ્રતિષ્ઠા અમે કરી આપીએ. આ એક મનમાં ભાવ ઘૂંટો. કે પ્રભુનું અવતરણ મારી ચેતનામાં, મારા હૃદયમાં થવું જોઈએ.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *