વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : सेयं ते मरणं भवे
જીવનભંગ અને આજ્ઞાભંગ આ બેમાંથી એકની પસંદગી કરવાની હોય, તો જીવનભંગની પસંદગી કરવાની છે, આજ્ઞાભંગની નહિ. જીવન ગયું, તોય તરત જ મળી જવાનું છે; અહીંયા શ્વાસ પૂરો થયો, નવું જીવન તરત ચાલુ થવાનું છે. પણ પ્રભુની આજ્ઞાને જાણી જોઇને તોડી, એના પ્રત્યે સહેજ પણ આદરનો અભાવ થયો, તો એ આજ્ઞાધર્મ બીજા જન્મમાં મળશે કે કેમ… શંકા છે.
અનંત શરીરો મળ્યા અને ગયા. આ એક શરીર વધારે જાય, તોય શું ફરક પડે છે?! પ્રભુ મળવા જોઈએ; પ્રભુનો આજ્ઞાધર્મ મળવો જોઈએ. આ એક નિર્ધાર આપણને સત્વશાળી બનાવી દે છે.
શ્રાવક જીવનના સંદર્ભમાં પણ પ્રભુએ જે આજ્ઞાઓ બતાવેલી છે, એ દરેક આજ્ઞાઓ પ્રત્યે તીવ્ર આદર તમારી પાસે જોઈએ. બની શકે કે પાલન ઓછું-વત્તું થઇ શકે – તમારી નબળાઈના કારણે; પરંતુ તીવ્ર આદર તો એક-એક આજ્ઞા પ્રત્યે હોવો જ જોઈએ.
ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૨૯
પૂજ્યપાદ આનંદઘનજી ભગવંતની પરાવાણી – ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે
પ્રભુના પરમ પ્રેમમાં ડૂબી જવાનું મજાનું આમંત્રણ આનંદઘનજી ભગવંતનું છે. એક પરમ પ્રેમમાં ડૂબાય… કેટલો તો આનંદ ભીતરથી પ્રગટે!
પરમ પાવન આચારાંગ સૂત્રમાં એક બહુ જ સરસ રોમ હર્ષક પ્રસંગ આવે છે: એક મુનિરાજને ગંગા નદીના પેલે પાર જવું છે, ગંગા નદી હોડીથી જ ઉતરી શકાય, બીજી રીતે ઉતરી શકાય નહિ. તો મુનિરાજ ગંગાને કિનારે ઉભા છે. હોડી કોઈ જતી હોય પેલી બાજુ તો એમાં પોતે જઈ શકે, પહેલી વાત તો એ કે હોડીમાં બેસીને જવાય, તો પણ અપકાયની વિરાધના તો થવાની જ છે. તો હોડીમાં બેસીને શા માટે જવાનું…? એ વખતે આપણો ભારત નદીઓથી ભરપૂર હતો. એક નાનકડો triangle હોય, એની ત્રણેય બાજુ, ચારેય બાજુ નદીઓ જ નદીઓ હોય, તો હવે એક વિસ્તારમાં મુનિ ભગવંતો પધાર્યા, ૫ કે ૭ ગામ છે, ત્યાં ને ત્યાં આખી જિંદગી પૂરી શકાય નહિ, કારણ એક જ જગ્યાએ રહેવામાં આવે, તો એક ક્ષેત્ર પર, એ ક્ષેત્રના લોકો પર પ્રતિબદ્ધતા થવાની સંભાવના છે.
શું પ્રભુએ અમને મજાની આજ્ઞાઓ આપી છે! સુરત અઠવાલાઇન્સમાં મારું ચોમાસું હતું, લગભગ મારે એવું જ બનતું હોય છે, કે પૂનમની સાંજે તો વિહાર હોય જ, અહીંથી પણ મારે પૂનમની સાંજે જ વિહાર છે. તો પૂનમની સવારે ચાતુર્માસ પરિવર્તન કર્યું, બપોરે ૪ વાગે સુરતને છોડી દેવાનું હતું. સેંકડો લોકો મુકવા માટે આવેલા, એ બધાની આંખમાં આંસુ હતા, કે ગુરુદેવ જઈ રહ્યા છે. એ વખતે એ લોકોની આંખમાં તો આંસુ હતા, મારી આંખો પણ ભીની બનેલી, પણ એ વિયોગને કારણે નહિ, પ્રભુની આજ્ઞાના સ્મરણે મને ભીનો ભીનો બનાવી દીધેલો. સંક્ષિપ્ત વિદાય પ્રવચન આપવાનું હતું ત્યારે મેં કહ્યું, કે શું અમારા પ્રભુની અમારા માટેની આજ્ઞા છે! ચાર મહિના થયા, પ્રભુ કહે છે, quit this place. બસ આ ક્ષેત્રને છોડી દો હવે… હવે અહીંયા રહેવાય નહિ, વધુ તમે અહીંયા રહો, અને આ ક્ષેત્ર જોડે, ક્ષેત્રના લોકો જોડે તમારી પ્રતિબદ્ધતા થઇ જાય તો…!
અમારા ભદ્રંકરસૂરિ દાદા હતા, એ તો કહેતાં કે આ ચોમાસા પરિવર્તનનું તમે ક્યાંથી કાઢ્યું? સાહેબજી જોડે મારે ચોમાસું હતું, મને કહે યશોવિજય! આ ચોમાસું પરિવર્તન કરવું અને બેન્ડવાજા સાથે જવું આ બધું ક્યાંથી તમે લઇ આવ્યા…? પૂનમના દિવસે આપણો વિહાર હોય. તો નાનકડું ક્ષેત્ર છે, અને એમાં મુનિ ભગવંતો વધુ સમય રહે તો ક્ષેત્ર જોડે, ક્ષેત્રના લોકો જોડે આસક્તિ થાય, ઘરોબો થાય.
બહુ મજાની વાત કહું તમારી નજર અમારા તરફ હોય એ બિલકુલ બરોબર છે. પણ અમારી નજર સંપૂર્ણ તયા પ્રભુની સામે જ હોય, તમારી સામે નહિ, કોઈ સંયોગોમાં નહિ. તમારે તરવું છે, તો તમે મુનિ ભગવંતો તરફ, સાધ્વીજી ભગવતીઓ તરફ નજર રાખી શકો, પણ અમારી નજર તમારી સામે છે જ નહિ. અત્યારે તમે બધા મારી સામે બેઠેલા છો, પણ મારી સામે પ્રભુ છે, પ્રભુની આજ્ઞા છે. મારે માત્ર અને માત્ર એ પ્રભુની આજ્ઞા તમને આપવી છે.
તો હવે બે મુશ્કેલી આવી, એક બાજુ અપકાયની વિરાધના, બીજી બાજુ આસક્તિ થાય એવું છે. તો બે દોષ હોય ત્યારે નાનો દોષ હોય એને સ્વીકારવો પડે અને એથી પ્રભુએ કહ્યું, કે હોડીમાં બેસીને પણ તમે આ ક્ષેત્રને તો છોડી જ દો. એ મુનિ ભગવંત ગંગાને કિનારે ઉભા છે. એક હોડી તૈયાર થયેલી, ૧૫ – ૨૦ યાત્રિકો અંદર બેઠેલા છે, મુનિરાજે નાવિકને પૂછ્યું, મારે સામે પાર જવું છે તો હું તમારી નાવમાં બેસી શકું…? નાવિકે હા પાડી. મુનિરાજ બેસી ગયા.
એ જે વર્ણન આવે છે ત્યાં, અમે લોકો હલી જઈએ છીએ. એ મુનિરાજ નૌકામાં બેઠેલા છે એટલે એમનું શરીર નૌકામાં છે. એમનું મન, એમનું ચિત્ત, સંપૂર્ણ તયા પ્રભુમાં, પ્રભુની આજ્ઞામાં છે. ૨૫ જણા નૌકામાં બેઠેલા છે, અલક – મલકની વાતો કરે છે, મુનિરાજનું ધ્યાન એક પણ વ્યક્તિની વાતમાં નથી. નૌકામાં બેઠા, આંખો બંધ કરી, પોતાની ભીતર ઉતરી ગયા.
તમે ગાડીમાં જાવ ને ત્યારે શું કરો..? તમારી કારમાં શું – શું હોય? અમારા પેથડમંત્રી ઘરેથી રાજસભા જતાં, પાલખીમાં બેસીને તો પાલખીની અંદર ઉપદેશમાળા પ્રતના પાનાં પડ્યા રહેતા, જ્યાં પાલખીમાં બેઠા પેથડમંત્રી, અને માણસોએ પાલખી ઉપાડી. એ લોકો પાલખી ઉપાડીને ચાલવા લાગ્યા, પેથડમંત્રી પુસ્તક વાંચવા માંડે છે. તમારી કારમાં કેટલા પુસ્તકો હોય ધાર્મિક? તમારા ઘરે અને તમારી ઓફિસે કેટલા ધાર્મિક પુસ્તકો હોય…? આજનો યુગ તો સુવર્ણ યુગ છે. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, બધી જ ભાષાઓ કેટલા સરસ પુસ્તકો બહાર આવ્યા છે.. મેં પહેલાં પણ કહેલું, બે પ્રતિક્રમણ સૂત્રો મૂળથી તમને આવડે છે, તો એનો અર્થ સૌથી પહેલાં કરી લો.
પૂજ્યપાદ ભુવનભાનુ સૂરિ મ.સા.નું પ્રતિક્રમણ સૂત્ર- ચિત્ર આલ્બમ પુસ્તક છે, બહુ સરસ છે. એક વાર એ વાંચો લો, નમુત્થુણં તમે બોલો છો, પણ એમાં પ્રભુના કયા કયા વિશેષણો છે, તમને ખ્યાલ નથી. એકવાર નમુત્થુણં નો અર્થ થઇ ગયો, અને પછી તમે નમુત્થુંણં બોલો તમારી આંખો ભીની ન બને તો જ નવાઈ.
કલાપૂર્ણસૂરિ દાદાને ચૈત્યવંદન કરતાં જોવા એ પણ આપણું એક સૌભાગ્ય રહેતું. ઘણીવાર દાદાને એ રીતે જોયેલા, પણ પહેલી જ મૂંઝવણ એ થાય કે પ્રભુને જોવા કે આ દાદાને જોવા? એ કલાપૂર્ણસૂરિ દાદા ચૈત્યવંદન કરતાં હોય, નમુત્થુણં પોતે જ બોલે. અને એક -એક વિશેષણે એમના ચહેરા ઉપર પ્રભુ પ્રત્યેનો જે ભાવ ઉભરાતો હોય, આપણે જોઇને છક થઇ જઈએ.
એ મુનિરાજ નાવમાં બેઠેલા છે, નાવ અધવચ્ચે ગઈ, નાવમાં તોફાન આવ્યું, દરિયો નજીકમાં હશે, દરિયાની ભરતી, એના કારણે નદીમાં થોડું તોફાન આવ્યું. બધા વિચારમાં પડી ગયા, ક્યારેય નહિ નાવ સડસડાટ દોડતી હોય, આ નાવ આજે તોફાનમાં કેમ સપડાઈ? એક જણાએ કહ્યું; આ મુંડીયો સાધુ બેઠો છે ને એના કારણે તકલીફ થાય છે. બધા એવા લોકો બેઠેલા વાત તો ખરી લાગે છે તમારી હો… સાલું કોઈ દિવસ નહિ, અને આજે જ આ તોફાન કેમ આવ્યું… આ તો એવું તોફાન છે, આપણી નાવ ઉંધી પડશે, તો આપણે બધા ખતમ થઇ જઈશું. એ બધા અરસ – પરસ નક્કી કરે છે કે આ સાધુને નદીમાં ફેંકી દેવો. એટલે આપણે તો સહી સલામત પેલે પાર જતા રહીએ. મુનિરાજ એ સાંભળે છે, પોતાને નદીમાં નાંખી દેવાની વાત છે. અને એ સાંભળતા અંદર કોઈ જ feeling થતી નથી. જીવન રહે કે જાય કોઈ ફરક પડતો નથી. આવા મુનિઓને.. એમના માટે તો આજ્ઞા એ ધર્મ જે છે એ ન જવો જોઈએ.
અમારે ત્યાં દશવૈકાલિક સૂત્રમાં એક સરસ મજાનું સૂત્ર આવે છે, મૂળ ઉત્તરાધ્યયનમાં છે, ઉત્તરાધ્યયનમાં સૂત્રમાં રથનેમી અધ્યયન છે, જેમાં રાજીમતીજી રથનેમી મુનિને કહી રહ્યા છે; “सेयं ते मरणं भवे ” રથનેમી મુનિ સહેજ આસક્તિમાં આવી ગયા છે, રાજીમતીને જોઇને, રાજીમતી સાધ્વીજી રથનેમી મુનિને કહે છે; ‘सेयं ते मरणं भवे’ જો તમે આજ્ઞા ધર્મને છોડવા તૈયાર હોવ તો હું કહું છું કે તમારા માટે મૃત્યુ એ શ્રેયસ્કર છે. જીવનભંગ અને આજ્ઞા ભંગ આ બેમાંથી એકની પસંદગી કરવાની હોય તો જીવનભંગની પસંદગી કરવાની છે, આજ્ઞા ભંગની નહિ. જીવન ગયું, તરત જ મળવાનું છે. અહીંયા શ્વાસ પૂરો થયો, નવું જીવન તરત ચાલુ થવાનું છે. પણ પ્રભુની આજ્ઞા અને એને જાણી જોઇને તોડી એના પ્રત્યે સહેજ પણ આદરનો અભાવ થયો તો એ આજ્ઞા ધર્મ બીજા ધર્મમાં ભળશે કે કેમ… શંકા છે. એટલે જીવન જાય તો ભલે જાય, કોઈ વાંધો નહિ. મારો આજ્ઞા ધર્મ ન જવો જોઈએ. આ આજ્ઞા ધર્મ ઉપરની પ્રીતિ, આજ્ઞા ધર્મ પ્રત્યેનો આદર. એક વાત બરોબર સમજી લો, તમારા શ્રાવકજીવનના સંદર્ભમાં પણ પ્રભુએ જે આજ્ઞાઓ તમને બતાવેલી છે, એ દરેક આજ્ઞાઓ પ્રત્યે તીવ્ર આદર તમારી પાસે જોઈએ. બની શકે પાલન ઓછું – વત્તું થઇ શકે, એ આપણી નબળાઈ છે, પરંતુ આજ્ઞા ધર્મ પ્રત્યેના આદરમાં સહેજ પણ આપણી ચુંક ચાલી શકે નહિ, તીવ્ર આદર એક – એક આજ્ઞા પ્રત્યે. હું પણ પ્રભુની બધી જ આજ્ઞા પાળી નથી શકતો, પરંતુ પ્રભુની એક – એક આજ્ઞા પ્રત્યે પૂર્ણ આદર મને હોવો જ જોઈએ,
તો મુનિરાજ આરામથી બેઠા છે, નાવિક સાથે બધા જ એક મત થઇ ગયા, કે મુનિને ઉચકીને નદીમાં ફેંકી દો, એ વખતે મુનિએ આંખ ખોલી, અને પ્રેમથી બધાને કહ્યું, કે તમારી ઈચ્છા મને નદીમાં ફેંકવાની છે, પણ જો હું મારી મેતે નદીના પ્રવાહમાં જતો રહું તો તમને વાંધો ખરો? પેલા આખરે તો ભારતના લોકો હતા, હિંદુ હતા, મહારાજ તમે તમારી મેળે નદીમાં જતા રહેતા હોવ તો અમારે તો બહુ સારું, મુનિની હત્યાનું પાપ અમને લાગશે નહિ. શા માટે આ કહ્યું? એ લોકો પોતાના શરીરને throw કરે તો શું થાય? અપકાયના જીવોની વધુ વિરાધના થાય. Throw કરો એટલે શું થાય…? આખું શરીર એને throw કરવામાં આવે તો અપકાયના જીવોની વિરાધના કેટલી બધી થાય…! પેલા લોકોએ હા પાડી…
મુનિ ધીરેથી નદીમાં વહી જાય છે. શ્રમણ બન્યા એ પહેલાંના તારુ હતા, મોટી – મોટી નદીઓને તરી શકે એવા હતા, એ નદીમાં ગયા, પણ નદીમાં ગયા પછી નથી હાથ હલાવતાં, નથી પગ હલાવતાં. સીધી વાત… હાથ હલાવો, પગ હલાવો અપકાયના જીવોની વિરાધના થાય. એ શરીર મડદાની જેમ નદીમાં વહી રહ્યું છે. કોઈ આકાંક્ષા નથી, જીવનની. જીવન રહે કે ન રહે. પ્રભુ તારી આજ્ઞા રહેવી જોઈએ. અને એ નદી દરિયામાં મુનિના શરીરને લઇ જાય, કોઈ મનમાં ઝીઝક નહોતી, જે વખતે જે થવાનું હોય તે થાય. મારો તો મારો આજ્ઞા ધર્મ સચવાવો જોઈએ. શરીરનું જે થવું હોય તે થાય. પણ બન્યું એવું નદીએ એકદમ છાલક મારી, અને શરીર કિનારે પડ્યું, કિનારે મુનિ આવી ગયા, પછી શું કરે છે…?
પછી એ ભીના કિનારા ઉપર ઉભા રહે છે. સામું ગામ દેખાય છે પણ ત્યાં જતા નથી, નદીને કિનારે ઉભા રહે છે, શા માટે…? વસ્ત્રો ભીના છે, શરીર ભીનું છે, એ વસ્ત્રોમાંથી, શરીરમાંથી પાણીના ટીપાં નીચે પડી રહ્યા છે, હવે જો વિહાર કરવા જાય તો રેતીયા રસ્તા ઉપર ચાલે તો પાણીના ટીપાં રેતમાં પડે, તો અપકાયના જોવોની વિરાધના થાય. જ્યાં સુધી કુદરતી રીતે શરીર સુકાતું નથી, વસ્ત્રો સુકાતાં નથી ત્યાં સુધી મુનિ કિનારે ઉભા રહે છે. કુદરતી રીતે વસ્ત્રો સુકાઈ ગયા, શરીર સુકાઈ ગયું, પછી ઈરિયાવહિયા કરી અને વિહાર કરે.
અમને લોકોને આવા મહામુનિઓની ઈર્ષ્યા આવે છે, શાસ્ત્રગ્રંથોમાં આવી ઘટનાઓ વાંચીએ ત્યારે આંખો ભીની બને છે. અને એ વખતે પ્રભુને અમારી આંખના આંસુ કહેતા હોય છે કે પ્રભુ! અમારામાં આવું સત્વ ક્યારે આવશે? અનંત શરીરો મળ્યા અને ગયા. આ એક શરીર વધારે જાય શું ફરક પડે છે?! શરીર જાય તો શું ફરક પડે છે?! પ્રભુ મળવા જોઈએ, પ્રભુનો આજ્ઞા ધર્મ મળવો જોઈએ. આ જીવન શાના માટે એ નક્કી કરો. આ મુનિરાજના મનમાં નક્કી હતું; જીવન માત્ર અને માત્ર પ્રભુની આજ્ઞાના પાલન માટે છે. આ એક નિર્ધાર આપણને બધાને સત્વશાળી બનાવી દે છે. અત્યારે જે સત્વ ખૂટી ગયું છે એવું લાગે છે, એ સત્વની પૂર્તિ માત્ર એક આ સંકલ્પથી થાય. શરીર જવાનું જ છે.
મારા દાદા ગુરુદેવ ભદ્રસૂરિ મ.સા., ૧૦૩ વર્ષનું સાહેબજીનું વય હતું, આજ્ઞા પાલનમાં એટલા બધા ચુસ્ત. પહેલાં તો રોજના એકાસણા ચાલતા, લગભગ ૭૦ વર્ષની વય સુધી… પછી એકસાથે ખોરાક ન લઇ શકાયો ત્યારે વૈદ્યોના બહુ દબાણથી બેસણા શરૂ કર્યા, પણ જ્યારે ૯૦ વર્ષનું વય થયું, ત્યારે તો હોજરી એટલી બધી કાગળ જેવી કોમળ થઇ ગઈ કે ખાલી અડધો ગ્લાસ કે પોણો ગ્લાસ પ્રવાહી લે ને તો પણ બસ. વધારે લઇ શકાય એમ નહોતું. ત્યારે નવકારશી ન છૂટકે એમને કરવી પડી. હવે તકલીફ અમને એ થઇ કે સાહેબજીને શું આપવું… દૂધ આપવાની કોશિશ કરી પણ ગેસ થઇ જતો. ૯૦ વર્ષનો વય. પીપરામૂળવાળું દૂધ આપ્યું તો પણ કોઈ અસર ન થઇ.
અને એમાં અમારે જુના ડીસા જવાનું થયું, ત્યાં વાલચંદભાઈ વૈધ. આપણા જૈન… વૈદ્યકીય બાબતોમાં નિષ્ણાંત, અને ધાર્મિક બાબતોમાં પણ નિષ્ણાંત. તો એમને પૂછ્યું કે ગુરુદેવને શું આપવું, એ ઉપાશ્રય આવ્યા, ગુરુદેવના ભક્ત હતા. ગુરુદેવને જોઇને કહ્યું કે સાહેબને માટે હવે એક જ વસ્તુ આપી શકાય એવી છે, અને એ છે એકલા દુધની ચા. દૂધ એમના શરીરને અનુકૂળ નથી. પીપરામૂળ નાંખીને આપો છો તો પણ અનુકૂળ નથી. પણ જો તમે ચા બનાવીને આપશો ને તો આખું form બદલાઈ જશે. દૂધ રહેશે, રૂપાંતરણ થઇ જશે, એટલે શરીર એને સ્વીકારી લેશે. એટલે દર ૨ – ૩ કલાકે અડધો ગ્લાસ કે પોણો ગ્લાસ જેટલો પણ ચા લઇ શકે એટલો ચા આપો. અને એ પણ ધાર્મિક બાબતોના નિષ્ણાંત. કે સાહેબ આમ તો મને ખ્યાલ છે કે તમારે આધાકર્મી લેવાય નહિ, તમારા માટે બનાવેલું, પણ આટલા મોટા ગીતાર્થ આચાર્ય ભગવંત અને એ પણ આટલી વયના એમના માટે તો અપવાદ છે જ, એ મને ખબર છે. એટલે તમે આ રીતે ચા આપો.
જુના ડીસામાં બાજુમાં ઘર લાલભાઈનું – ગોશાળિયું, તો એમના ત્યાં સુચના આપેલી કે આ રીતે વહોરવા માટે મહાત્મા આવશે. અને એકલા દુધની ચા. સાહેબજી માટેની વહોરી આવશે. એકવાર એવું બન્યું, અમે બધા બહાર અભ્યાસ કરતાં હતા, અને લાલચંદભાઈ પોતે ગુરુ મહારાજ જોડે બેઠેલા, દાદા જોડે, અને એ ભોળા ભગત, એમને સાધુ ધર્મનો કોઈ ખ્યાલ નહિ, એ કહે બાપજી તમે પધાર્યા જુના ડીસામાં તો મારી તો લોટરી લાગી ગઈ. કહે… તમારા માટેની જે special ચા જે હોય ને એ મારા ત્યાં બને છે. મને લાભ મળે છે. અત્યાર સુધી ગુરુદેવને આ ખ્યાલ નહોતો, કારણ કે એ સમયનું જુના ડીસા.. ૪૦૦ ઘર, બધા જ ભરેલા ઘરો, મહેમાનો આ તે બધું આવતું જ હોય, એટલે ગ્રહસ્થના ઘરમાં ચા તો ઉકળતી જ હોય. એટલે સાહેબ માનતા કે નિર્દોષ ચા આ લોકો મારા માટે લઇ આવે છે. પહેલી જ વખત સાહેબજીને ખ્યાલ આવ્યો કે આ લોકો મારા માટે દોષિત ચા લાવે છે.
મને ખ્યાલ છે, એ દિવસે બપોરે ૩ વાગે રોજના નિયમ પ્રમાણે હું ચા વહોરીને આવ્યો, અમારી આલોચવાની વિધિ હોય એ વિધિ મેં કરી, સાહેબજી માટે પાત્રી માં ચા કાઢી. મેં કીધું સાહેબજી ચા વાપરવાની છે. એવા તો સાહેબજી સ્થિતપ્રજ્ઞ બનેલા કે એમને અમને પહેલાથી કહેલું કે શરીર તમને ભળાવું છું. હું માત્ર સ્વમાં લીન થયેલો છું. દવા જે ડોક્ટર કહે ને એ આપવી પડે એવું હોય તો આપી દેજો શરીરને… શરીર તમને ભળાવું છું. હું મારામાં લીન છું. અને એ ગુરુદેવને પાત્રીમાં કાઢી ચા, મેં આપી. મને આજે પણ યાદ છે સાહેબજીની આંખમાં આંસુ હતા. સાહેબજીએ મને ધમકાવ્યો, મને કહે તમે લોકોએ શું માંડ્યું છે આ તોફાન..! આ શરીર જવા જ બેઠું છે હવે, એને તમારે સાચવવું છે કે મારી સાધના તમારે સાચવવાની છે? આ ૯૦ વર્ષની વયે મને તમે આધાકર્મી ચા પીવડાવો છો! કેટલો આજ્ઞાધર્મ ઉપરનો પ્રેમ.. કશું લેવાતું નથી, ચા પણ કેટલી અડધો કપ જેટલી માંડ લેવાય, શરીરને પોષણ તો આપવું જ પડે. અને અમારા માટે તો આવા સદ્ગુરુનું અસ્તિત્વ એ જ મોટી મૂડી હતી. કે એમની body માંથી જે ઉર્જા નીકળતી, એ ઉર્જા અમારી સાધનાને ઉચકવા માટે પર્યાપ્ત હતી.
સાહેબજીને જુના ડીસા રહેવાનું બહુ થયું, ધુરંધરવિજય મહારાજના બાપા, મહાયશવિજય મ.સા. એમને એક અનુભવ કહેલો, એ ગ્રહસ્થપણામાં જુના ડીસાના… એ કહે શિયાળાની અંદર ભદ્રસૂરિ દાદા જે રૂમમાં રહેલા હોય એ રૂમ તો pack હોય આમેય.. અને જુનો ઉપાશ્રય હતો, લાકડાનો, એ એટલો બધો pack, કે એકદમ શિયાળામાં હુંફ જ આવ્યા કરતી હતી. તો એ મહાયશવિજય મહારાજ કહેતાં કે ગ્રહસ્થપણામાં હું સવારે ૪ – ૪.૩૦ પ્રતિક્રમણ કરવા માટે ઉપાશ્રયે જાઉં, અને દાદા જે રૂમમાં બેઠેલા હોય, એ રૂમનો દરવાજો સહેજ ખોલું એવી સુગંધ આવે અંદરથી… યોગી પુરુષોના દેહમાંથી જે ઉર્જા નીકળે એ ઉર્જાની પવિત્ર સુગંધ હોય છે.
વાવમાં કલાપૂર્ણસૂરિ દાદાએ ચોમાસું કરેલું, તો દાદા વહેલી પરોઢિયે એક રૂમમાં જઈને સાધના કરતાં. ૬ – ૬.૩૦ સુધી બધી એમની સાધના ચાલે. એ રૂમ જ્યારે ખુલે ને ત્યારે એક સરસ સુગંધ આવે. વાવના જ એક ભાઈએ મને કહેલી વાત છે. એ કહે રોજ હું જાઉં એ વખતે, બારણું ખુલે અને એવી એક સુગંધ આવે પણ એ ભાઈ આમ બુદ્ધિશાળી પાછા, તરત બધી વાત માની લે એવા નહિ. એટલે એને થયું દાદા સૂરિમંત્ર ગણતા હોય અને એમાં જે વાસક્ષેપ મૂકે, એ વાસક્ષેપની તો આ સુગંધ નહિ હોય ને? એમાં એસેન્સ નાંખેલું હોય છે. એટલે એટલો હોશિયાર માણસ એકવાર એણે કલાપૂર્ણસૂરિ મહારાજને કહ્યું કે સાહેબનો સૂરીમંત્રનો જે વાસક્ષેપ છે ને એ મને આપશો થોડો… મારા એક સંબંધી એ બહુ જ બીમાર છે, અને ગુરુદેવ ઉપર એમને બહુ જ શ્રદ્ધા છે તો ગુરૂદેવનો વાસક્ષેપ ફળે, પણ એ જ પેલો સૂરિમંત્રની આરાધનાવાળો. આપ્યો વાસક્ષેપ, પડીકામાં લીધો, ઘરે ગયો, બે – ચાર વાર સુંઘ્યો. અને લાગ્યું કે પેલી સુગંધ અને આ સુગંધ અલગ છે. બીજી સવારે ૬.૧૫ વાગે આ વાસક્ષેપની સુગંધ બરોબર લઈને ગયો, ત્યાં ગયો, બારણું ખુલ્યું, અને જે સુગંધ મળી, યથાવરદ્ ત્યારે એણે ખ્યાલ આવ્યો, કે યોગી પુરુષોના દેહમાંથી એક ઉર્જા નીકળતી હોય છે. પણ એ ઉર્જા આટલી પવિત્ર બની કેમ…? સવાલ એ છે… એ આજ્ઞા પ્રત્યેના આદરથી… પ્રભુ પ્રેમ… પરમ પ્રેમ… અંદર બીજું કંઈ હતું જ નહિ.
હું ઘણીવાર કહેતો હોઉં, કે આપણું હૃદય કેટલું…? બંધ મુઠ્ઠીના આકારનું છે, હૃદય આટલું. અનંતા જન્મોમાં શું કર્યું? કચરાથી હૃદયને ભર્યું. અને ભગવાન માટે બોર્ડ લગાડ્યું, no vacancy. જગ્યા નથી. આ જન્મમાં શું કરવાનું છે…? એ હૃદયને પ્રભુથી ભરી દેવાનું છે, અને પછી બોર્ડ લગાડવાનું છે, no vacancy for others. હવે બીજા કોઈ માટે જગ્યા રહી નથી.. પ્રભુથી જ, પ્રભુના પ્રેમથી જ હૃદયને ભરી દીધું છે. અનંતા જન્મોમાં જે નથી મળ્યું, એ આ જન્મમાં મેળવવું છે.
એટલે જ સાધક માટે એક વિશેષણ આવે છે, “સાધનૈક દ્રષ્ટિ:” એની નજર માત્ર સાધના તરફ છે, માત્ર પ્રભુની આજ્ઞા તરફ છે. પેલા મુનિરાજની વાત આપણે જોઈ, કેવા હતા એ…! “આજ્ઞેક દ્રષ્ટિ:” એમની દ્રષ્ટિ માત્ર પ્રભુની આજ્ઞા તરફ હતી. શરીર ઉપર પણ નહિ, શરીર જાય તો જાય. આ ક્ષણે જાય, મને કોઈ વાંધો નથી. મારા પ્રભુની આજ્ઞા… એના પાલન માટે આ જન્મમાં હું આવ્યો છું. તો એ હું ની સાધનૈક દ્રષ્ટિ હતા, આજ્ઞેક દ્રષ્ટિ: હતા. માત્ર અને માત્ર પ્રભુ તરફ, પ્રભુની આજ્ઞા તરફ એમની દ્રષ્ટિ હતી. કેવા – કેવા મહામુનિઓ થઇ ગયા! પ્રભુથી જ એમણે હૃદય ભરી નાંખ્યું. અને આમ છે ને shortcut… રાગ ન આવવો જોઈએ હૃદયમાં, દ્વેષ ન જોઈએ, સાલું એકદમ tasty વસ્તુ આવે તો શું થાય? થોડો રાહ તો આવી જાય. સાલો પેલો માણસ મળે, સાલું આખી જિંદગી એને મારું ખરાબ કરેલું, હવે એ મળે તો ગુસ્સો આવી જ જાય. હવે અહંકાર ન કરીએ પણ બહુ એકદમ વિદ્વાન માણસો આપણી પ્રશંસા કરે, તો થોડો અહંકાર આવી જાય. આ બધી ગરબડમાંથી મટવું હોય તો પ્રભુને ભરી દેવાના હૃદયમાં. પછી કોઈ માટે જગ્યા જ નથી. ન રાગ માટે, ન દ્વેષ માટે, ન અહંકાર માટે.
એકવાર ખંભાતમાં મહોપધાય્ય યશોવિજય મહારાજ અને મહોપાધ્યાય માનવિજય મહારાજ બેઉ ભેગા થયેલા. બેઉનું શિષ્ય વૃંદ મોટું, એટલે એક બહારની સુવિધા માટે અલગ અલગ ઉપાશ્રયમાં ઉતરેલા, દૂર – દૂરના… જેથી કરી ગોચરી – પાણી, નિર્દોષ બેઉ વૃંદને મળી શકે. બધા સાથે રહે તો ગોચરી – પાણી નજીકમાં એટલું સુલભ ન થાય. બંનેને એકબીજા પ્રત્યે ગુણાનુરાગ. બંને મહાત્મા હતા, પ્રવચન માટે લોકોએ વિનંતી કરી તો એક મહાત્માએ સવારનું રાખ્યું, તો એકે બપોરનું રાખ્યું. લોકોને બધાને બે બાજુ લાભ મળી શકે. મહોપાધ્યાય યશોવિજય મહારાજનું પ્રવચન એકદમ તાર્કિક. અને સમજવામાં થોડું ટફ પડી જાય. માનવિજય મ.સા.નું વ્યાખ્યાન એકદમ સરળ. એ સ્તવનો ગાય, કોઈ સજ્ઝાયો ગાય, અને કથાઓ માંડી – માંડી અને વ્યાખ્યાનને રસપ્રદ બનાવે.
અને એકવાર એક બહુ વિદ્વાન માણસ માનવિજય મ.સા. પાસે ગયો, અને વંદન કર્યું, પછી કહ્યું ગુરુદેવ! શું આપનું પ્રવચન.. અદ્ભુત… હું બેઉ પ્રવચનમાં જાઉં છું. બેઉ પ્રવચન સાંભળું છું, પણ ઉપાધ્યાય યશોવિજય મહારાજના પ્રવચન કરતાં આપનું પ્રવચન શ્રેષ્ઠ છે. હવે ગામનો અગ્રણી માણસ આવું કહે, સામાન્ય તયા અહંકાર આવવાની શક્યતા રહે, પણ માનવિજય મ.સા. આખું હૃદય પ્રભુથી ભરાઈ ગયેલું, અહંકારને રહેવાની જગ્યા જ નથી.
તમારા માટે shortcut નથી લાગતો આ? Shortcut નહિ…? પ્રભુથી હૃદયથી ભરી દો. પ્રભુના પ્રેમથી હૃદયને ભરી દો. બીજા માટે જગ્યા જ નથી. એ વખતે માનવિજય મ.સા. એ કહ્યું કે ભાઈ! યશોવિજય મહારાજનું પ્રવચન બહુ જ શ્રેષ્ઠ છે, બહુ જ ઊંચું છે પણ, એ મારા જેવા શ્રોતાઓ માટે છે. એક જૈનશાસનના બહુ મોટા ખ્યાતિપ્રાપ્ત ઉપાધ્યાયજી કહે છે કે યશોવિજયજીનું પ્રવચન મારા જેવાઓ માટે છે. મારું પ્રવચન તમારા જેવા માટે છે. પણ યશોવિજયજીનું પ્રવચન મારા જેવા માટે છે. એટલે અમને લોકોને પણ શાસ્ત્રોનો બોધ યશોવિજય મહારાજના પ્રવચનોથી થાય છે. કેટલો ગુણાનુરાગ..! બોલો…
નહીતર ઘણીવાર એવું બને કે સૂંઠને ગાંગડે ગાંધી થયેલો માણસ હોય, અને એ મહાત્માઓને માર્ક્સ આપવા મંડી પડે, આમનું પ્રવચન બહુ સારું, આમનું ઠીક – ઠીક, આમનું જરા બોરિંગ… ભાઈ તને અહીંયા માર્કસ આપવા કોને બેસાડ્યો…? પણ હું ઘણીવાર કહું છું કે તમે બુદ્ધિ લઈને આવો તો આજ કામ થવાનું.
ચાર મહાત્મા એક સમારોહમાં બોલે, તમે બુદ્ધિ લઈને આવ્યા છો, તમારી બુદ્ધિ શું કરવાની…? એ મહાત્માઓને પર્સન્ટેજ આપવાની… બુદ્ધિ ભીંજાઈ ન શકે, પલળી ન શકે, તો ડૂબવાની વાત ક્યાં છે!? આપણે ડૂબવું છે એટલે બુદ્ધિને બહાર મુકીને આવો, અહંકારને બહાર મુકીને આવો. દેરાસરમાં તમે જાવ, અહંકાર મુકીને આવો ને…? કમસેકમ અંદર જાવ ત્યારે તો અહંકાર મુકીને જાવ ને…? કે ત્યાં પણ મોટા શેઠ તરીકે જાવ પાછા..? કે પુજારી તમારા હાથમાં અગરબત્તી સળગાવીને આપે. ત્યાં એ તમારી અપેક્ષા, ત્યાં પણ શેઠ થઈને જાવ છો. સ્નાત્ર પૂજા ભણાવો ને ત્યારે પેલી પંક્તિ આવે, ‘અષ્ટ સંવર્ત્ત વાયુથી કચરો હરે,’ એટલે શું કરવાનું…? ખેસનો પલ્લું જે છે આમ – આમ કરવાનું… ક્યારે વિચાર આવ્યો, એ આઠ દીપ કુમારિકાઓ જેનો વૈભવ અપાર છે એ પણ પ્રભુના દરબારમાં કચરો કાઢવા માટે આવે છે! તમને બધાએ મોરપીંછની સાવરણી લઈને દેરાસરમાં કાજો કાઢતા ક્યારે જોવું બોલો? એટલે એ પ્રભુની ભક્તિ નથી એવું માનો છો…!
તમને ખ્યાલ છે પહેલી નિસીહી બોલો એટલે ઘરની ચિંતા ગઈ, ઓફિસની ચિંતા ગઈ, પણ દેરાસરની ચિંતા તમે કરી શકો. પ્રદક્ષિણા પથ ફરતાં હોવ ત્યારે કચરા જેવું લાગે, તો શાસ્ત્રમાં એવું લખ્યું છે કે કચરો દેખાય તો શ્રાવક કચરાને દૂર કરે, તમારા શાસ્ત્રમાં શું આવે…? તમે ગોઠીને હાથ મારો એય પુજારી અહીં આવ આ કચરો કેમ છે? એટલે કચરો કાઢવાની જવાબદારી તમારી નથી. બરોબર ને…? ઘર કેટલી વાર સાફ કર્યું? દેરાસરની શુદ્ધિ કેટલી વાર કરી?
પ્રભુની પાસે હું ભક્ત તરીકે જાવું છું આ વાત છે. ઇન્દ્ર મહારાજા પાંચ રૂપે પ્રભુને મેરૂ પર્વત ઉપર લઇ જાય.. કેમ? એક જ વાત પ્રભુની બધી ભક્તિ હું કરું… પ્રભુને લઉં પણ હું, બે બાજુ ચામર પણ હું ઢોળું, આગળ વજ્ર પણ હું ઉછાળું, પાછળ છત્ર લઈને પણ હું ચાલુ. દેવતાઓ નહોતા?! પણ બધી ભક્તિ હું કરું…
તમે બધા ઉદાર માણસો… બીજાને પણ લાભ મળવો જોઈએ ને…
પણ હવે ઉદાર નહી બનતા થોડા લોભિયા બની જજો. અને ખુબ સરસ ભક્તિ કરજો.