Pravachan Anjan Jo Sadguru Kare – Vachana 55

83 Views
24 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : દર્શન પદ

આતમજ્ઞાન કો અનુભવ દરિશન. આત્મજ્ઞાન તમારી પાસે છે કે મારો આત્મા નિર્મળ છે, વીતરાગદશામાં છે વગેરે. આ શાબ્દિક જ્ઞાન કે વૈચારિક જ્ઞાન તમારી પાસે છે, એ જ્ઞાન અનુભૂતિમાં આવે એનું નામ સમ્યગ્દર્શન. સમ્યગ્દર્શન આવે એટલે હું કોણ છું – એની અનુભૂતિ ચાલુ થઈ જાય.

પ્રભુનું નિર્મળ દર્શન થાય, એટલે પ્રભુના ગુણોને જોવા સુધી આપણે પહોંચી શકીએ. પ્રભુના એ ગુણોનું દર્શન એ ગુણોની અનુભૂતિમાં પલટાય છે અને તમે પોતે એ આનંદ, એ વીતરાગદશાની ધારામાં વહેવા લાગો છો. એ જ સમ્યગ્દર્શન.

નિર્મળ દર્શન કેવી રીતે થાય? આંખોમાંથી આંસુની ધાર ચાલતી હોય, ગળેથી ડૂસકાં પ્રગટતા હોય અને પ્રભુનું જે દર્શન થાય, એ ભક્તના સ્તરનું નિર્મળ દર્શન. અને નિર્વિકલ્પતાની પૃષ્ઠભૂમિકા ઉપર પ્રભુનું જે દર્શન થાય, તે સાધકના સ્તરનું નિર્મળ દર્શન.

ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૫૫

સમ્યગ્દર્શનપદની પૂજાનો પ્રારંભ પૂજ્યપાદ પદ્મવિજયજી મ.સા.એ બહુ જ મજાથી કર્યો. પ્રભુ નિર્મલ દરિશન કીજીયે. પહેલી વાર એ કડી વાંચી ત્યારે હું પણ આશ્ચર્યચકિત બન્યો. પ્રભુનું દર્શન કરવાનું હોય. આ કડીમાં લખેલું, ‘પ્રભુ નિર્મલ દરિશન કીજીયે.’

નિર્મલદર્શન એટલે શું? એ પછી નિર્મલદર્શન શબ્દના બે અર્થો સમજાયા. એક અર્થ ભક્તના સ્તર પર છે, બીજો સાધકના સ્તર પર છે. ભક્તના સ્તર પર નિર્મલદર્શન એટલે શું? આંખોમાંથી આંસુની ધાર ચાલતી હોય, ગળેથી ડૂસકાં પ્રગટતા હોય અને જે પ્રભુનું દર્શન થાય એને ભક્તના સ્તર પર નિર્મલદર્શન કહેવાય છે. દેરાસરના પગથિયા ચડ્યા, પ્રભુને જોયા; એ જ ક્ષણે આંખોમાંથી આંસુની ધાર ચાલુ થઈ જાય. આ પ્રભુ.! એ જ પ્રભુ મને નરક અને નિગોદમાંથી ઊંચકીને મનુષ્યભવમાં લઇ આવ્યા. આ જ પ્રભુની કૃપાથી એનું શાસન મને મળ્યું. આ જ પ્રભુની કૃપાથી સાધનાના અને ભક્તિના માર્ગ ઉપર હું બે-ચાર ડગલાં પણ માંડી શક્યો. આ પ્રભુ..! એ પ્રભુ સામે દેખાય આંખમાંથી આંસુનો ધોધ ચાલુ થઈ જાય. તો આંસુની સાથે કરાયેલું દર્શન એ ભક્તના સ્તર પર નિર્મલદર્શન. તમે બધા ભક્ત છો ને?

યા તો તમે ભક્ત હોવ યા તો તમે સાધક હોવ. જેણે સો એ સો ટકા કર્તૃત્વ પ્રભુના ચરણોમાં સમર્પિત કર્યું એ ભક્ત. જે એમ કહી દે કે પ્રભુ હું કાંઈ જ કરવાનો નથી. મોક્ષમાં લઇ જવો હોય તો તું લઇ જા; હું તો બેઠો છું અહીંયા. મારી તાકાત પણ ક્યાં છે?! કે સાધનામાર્ગે કે ભક્તિમાર્ગે એક ઇંચ કે એક સેન્ટીમીટર પણ હું ચાલી શકું. પ્રભુ હું કાંઈ જ કરવાનો નથી, બધું જ તારે કરવાનું છે. સંપૂર્ણ તયા પોતાની સાધનાના કર્તૃત્વને પ્રભુ ઉપર જે મૂકી દે તે ભક્ત. અને જેની પાસે એક ટકો કર્તૃત્વ છે, સાધક પણ ૯૯ ટકા કર્તૃત્વ પ્રભુની ઉપર જ સોંપી દેશે. પણ મારા પ્રભુએ કહ્યું છે એ રીતે મારે ચાલવું છે, આ વિચાર સાધકની પાસે છે. એટલે એક ટકો કર્તૃત્વ સાધકની પાસે છે. તો ૯૯ ટકા કર્તૃત્વ જે પ્રભુની ઉપર છોડે એ સાધક, ૧૦૦ ટકાનું કર્તૃત્વ પ્રભુની ઉપર છોડી દે એ ભક્ત.

ભક્તના માટે નિર્મલદર્શન: આંખોમાંથી આંસુની ઝડી વરસી રહી છે, મારા ભગવાન… મારા ભગવાન.. મારા ભગવાન… સાધકના સ્તર પર: નિર્વિકલ્પતાની પૃષ્ઠભૂમિકા ઉપર જે દર્શન થાય તે નિર્મલદર્શન છે.

દેરાસરે તમે ગયા. તમે ગયા એમ કહું કે તમારું શરીર ગયું એમ કહું. આજે બધા જ દેરાસરે જઈને આવ્યા હશો. બરોબર વિચાર કરીને કહો કે માત્ર તમારું શરીર ગયેલું કે તમે પોતે પણ ગયેલા હતા? કદાચ તમે ગયેલા હતા, મન પણ તમારું ત્યાં હાજર હતું પણ એ મન વિચારોમાં ડૂબેલું હતું તો એ મન દ્વારા પ્રભુનું દર્શન શી રીતે થાય? ઘણા ભક્તો દેરાસરે જઈને આવે એમને પૂછવામાં આવે કે આજે પ્રભુજીની આંગી કેવી હતી? એટલે એ ભાઈ માથું ખંજવાળે. ભગવાનની આંગી તો હશે જ પણ કેવી આંગી હશે એ મને ખ્યાલ નથી. શરીર દેરાસરમાં ગયેલું, આંખો ખુલ્લી હતી, મન વિચારોમાં ઘેરાયેલું હતું.

એટલે સાધકના નિર્મલ દર્શનની એક જ શરત છે. નિર્વિકલ્પતા પૂર્વક પ્રભુનું દર્શન થવું જોઈએ. જે ક્ષણે તમે પ્રભુની પાસે ગયા તમારાં મનમાં એક પણ વિચાર ન હોવો જોઈએ. બહાર મુકીને જાઓ ને બધા વિચાર પણ. પહેલી નિસિહિ બોલો; બધા જ વિચારોને બહાર મૂકી દો. વળતા તમારાં લઇ જાઓ વિચાર, બીજાના લઇ જાઓ, મને કોઈ વાંધો નથી. પણ કમસેકમ દેરાસરમાં આવો ત્યારે એક પણ વિચાર જોઈએ નહિ.

હવે એ જોઈએ કે વિકલ્પો આવે છે શેના કારણે? વિકલ્પો રાગ-દ્વેષ-અહંકાર આદિને કારણે આવે છે. ધારો કે બિલકુલ વિચાર, દેરાસરમાં ગયા અને નથી. પણ એક વ્યક્તિ આવી ગઈ, તમારી આગળ ગભારા પાસે ઉભી રહી ગઈ. તમને એના પ્રત્યે અણગમો છે, તિરસ્કાર છે; તરત જ દ્વેષના વિચારો ચાલુ થઈ જવાના. એટલે વિકલ્પોને પેદા ન થવા દેવા હોય તો રાગ-દ્વેષ-અહંકાર એ બધાને શિથિલ કરવા પડે.

હવે એ વિચાર કરીએ પરમાત્માના દરબારમાં હોઈએ. પ્રભુનું અપરૂપ આપણી સામે હોય છે. કેવું રૂપ? “કોટિ દેવ મિલકર ન કર શકે એક અંગુષ્ઠ રૂપ પ્રતિછંદ, એસો અદ્ભુત્ત રૂપ તિહારો, માનું વર્ષત અમૃત કે બુંદ.” કરોડો દેવો ભેગા થાય અને પોતાના રૂપના જથ્થાને એકત્ર કરે તો પણ એ રૂપ પ્રભુના ચરણના અંગુઠા જેટલું થતું નથી! આવું રૂપનું Extreme point આપણી આંખોની માટે, આપણા મનને માટે ઓચ્છવ થઈને આવેલું હોય, એ વખતે બીજી વ્યક્તિ પર રાગ કે દ્વેષ થઈ શકે ખરો?! તમે બે મિનિટ માટે પણ પ્રભુને પૂરેપૂરું મન સોંપી દો ને તો પ્રભુ તમારા મનને એવું તો પકડી રાખશે કે તમારું મન રાગ-દ્વેષમાં જઈ શકશે નહિ.

પણ તમે પ્રભુને મન આપતા નથી. કેટલું-કેટલું તમે પ્રભુને આપો! કરોડો રૂપિયા ખર્ચીને સ્વદ્રવ્યથી દેરાસર તમે બનાવો છો. એ પ્રભુની ભક્તિ માટે લાખો રૂપિયાના ચડાવા તમે બોલો. શંખેશ્વર ગયા, પાલીતાણા ગયા. અભિષેકનો ચડાવો એક લાખ મણ, તમારાં સવાલાખ મણ. જે પ્રભુની ભક્તિ માટે તમે આટલી સંપત્તિ છોડી શકો, જે પ્રભુની ભક્તિ માટે શરીરના રાગને પણ તમે છોડી શકો. ત્રણ ટાઇમ ખાનારા તમે માસક્ષમણ કરી શકો. કારણ શું? પ્રભુએ કહ્યું છે માટે મારે કરવું છે. જે પ્રભુ પ્રત્યેની ભક્તિથી કરોડો રૂપિયા તમે ખર્ચી શકો. જે પ્રભુ પરની ભક્તિથી તમારાં શરીરના રાગને તમે છોડી શકો. એ પ્રભુને તમારું મન આપવાનું છે. તૈયાર? પ્રભુ તૈયાર. તમારું ગંદુ મન એને પણ લેવા પ્રભુ તૈયાર. તમે તૈયાર આપવા માટે?

તો દેરાસરમાં ગયા મન પ્રભુને આપી દીધું. પછી તમે દેરાસરની બહાર ન નીકળો ને ત્યાં સુધી પ્રભુ તમને બરોબર પકડી રાખશે. દેરાસરની બહાર નીકળ્યા પછી પણ જો તમે એ વિચારોમાં હોઈ શકો તો તમે તમારાં અસ્તિત્વને એ ક્ષણોમાં પણ પ્રભુમય બનાવી શકો.

હવે આજે આપણે આના ઉપર ફોકસ કરીએ. પદ્મવિજય મ.સા. સમ્યગ્દર્શનની એક ત્રિપદી આપી છે પૂજામાં. પહેલા ચરણમાં આ વાત કરી, પ્રભુ નિર્મલદર્શન કીજીયે. એટલે કે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પહેલા તમારી પાસે પ્રભુનું નિર્મલદર્શન જોઇશે. બીજા ચરણમાં સમ્યગ્દર્શનની વ્યાખ્યા આપી છે અને ત્રીજા ચરણમાં એ સમ્યગ્દર્શન મળે પછીની ભાવદશા કેવી હોય? એની વાત કરે છે.

તો સમ્યગ્દર્શન આપણે મેળવવું જ છે તો એના માટેનું પૂર્વચરણ આ. પ્રભુ નિર્મલદર્શન કીજીયે. હવે ચાલો દેરાસરમાં ગયા. પ્રભુ મન લેતા નથી કે તમે મન આપતા નથી. જે હોય તે.. એ તમારાં બે ની વાત છે. આપણે એવું કાંઇક કરીએ કે તમે સાધક છો અને તમે નિર્મલદર્શન કરી શકો. તો વિકલ્પોને હટાવવા છે. વિકલ્પોને હટાવવા માટે રાગ-દ્વેષને શિથિલ કરવા છે. અને રાગ અને દ્વેષ શિથિલ બનેલાં હશે તો દેરાસરમાં ગયા પછી તમે તમારાં મનને નિર્વિકલ્પ રાખી શકશો અને પ્રભુનું નિર્મલદર્શન કરી શકશો. બરોબર.?

તો આપણી પ્રેક્ટીકલ સાધના એ થઈ કે રાગ-દ્વેષ-અહંકાર ને આપણે થોડા શિથિલ બનાવવા છે. એના માટે પૂજ્યપાદ ચિદાનંદજી મહારાજે રૂપસ્થ ધ્યાનની વાત કરી. ચાર ધ્યાન છે: રૂપસ્થ, પદસ્થ, પિંડસ્થ અને રૂપાતીત.

પહેલું ધ્યાન રૂપસ્થ ધ્યાન છે. એ રૂપસ્થ ધ્યાન થોડુંક તમે ઘૂંટી શકો તો વિભાવો પર, રાગ-દ્વેષ પર તમારું નિયંત્રણ આવે. એ નિયંત્રણ આવે એટલે વિકલ્પો ઉપર નિયંત્રણ આવે અને વિકલ્પો પર નિયંત્રણ આવે એટલે નિર્મલદર્શન થઈ જાય. You can do this, but if you desire. તમે જો ઈચ્છો આજે જ આ પ્રક્રિયાને કરીને તમે તમારાં મનને નિર્વિકલ્પ બનાવીને પ્રભુનું નિર્મલદર્શન કરી શકો એમ છો. But if you desire. જો તમને થાય કે સમ્યગ્દર્શન માત્ર પ્રભુના નિર્મલદર્શનથી મળી જતું હોય તો શા માટે હું નિર્મલદર્શન ન કરું? સમ્યગ્દર્શન જોઈએ? જોઈએ? અને એ સમ્યગ્દર્શન જોઈએ તો પ્રભુનું નિર્મલદર્શન જોઇશે જ. તો રૂપસ્થ ધ્યાન. બહુ જ મજાનું છે. મજાનું એટલાં માટે છે કે તમે જ્યાં છો ત્યાંથી શરૂઆત થઈ છે.

પ્રભુનું દર્શન આપણે જોયું અઘરું છે. પણ એવા એક દર્શનની વાત કરે છે જે દર્શન તમે અત્યારે કરી શકો. બહુ જ પ્યારી કડી છે, “રહત વિકાર સ્વરૂપ નિહારી, તાકી સંગત મનસાધારી; નિજ ગુણ અંશ લહે જબ કોય, પ્રથમ ભેદ તિણે અવસર જોય”

ચિદાનંદજી મહારાજ એક સવાલ કરે છે કે ભાઈ! પ્રભુનું દર્શન અઘરું છે, માની લીધું. તું નવકારશીનું પચ્ચક્ખાણ પારીને ચા પીતો હોય. ચા ટેસ્ટી હોય અને એ ટેસ્ટી ચા માં તને આસક્તિ થતી હોય તો તારા મનની અંદર જે આસક્તિ ઉભી થાય છે એને તો જોઈ શકે કે નહિ? સીધી વાત. ચા પીવા બેઠા ટેસ્ટી ચા છે. એકેક ઘૂંટડો sip કરો છો. વાહ! મજાની ચા છે. ટેસ્ટી ચા. ગરમાગરમ ચા! તો એ વખતે તમારાં મનમાં જે આસક્તિ ઉભી થઈ એને તમે જોઈ શકો છો? જોઈ શકો…? બે મન થયા તમારાં. એક મન આસક્તિને કરનારૂ, બીજું મન આસક્તિને જોનારૂ. આસક્તિને જોવાનું થાય; આસક્તિ શિથિલ થયા વગર રહે નહિ.

ક્રોધ તમારાં મનમાં આવે છે પણ તમે division પાડતા નથી. તમે એ વખતે પુરા ને પુરા ક્રોધ કરનારા તરીકે હોવ છો. જેમ ચા પીવામાં division પાડ્યું. એક મન આસક્તિ કરે છે, બીજું મન આસક્તિ ને જુવે છે. એમ એક મન ક્રોધમાં વહે છે, બીજું મન ક્રોધને જુવે છે. પછી જોનારને ધીરે-ધીરે-ધીરે આપણે ઊંચકીએ, કરનાર છૂ થઈ જશે. રાગ અને દ્વેષને, ઈર્ષ્યાને અને અહંકારને શિથિલ બનાવવા માટે બહુ જ મજાની પ્રાયોગિક સાધના આપી. આમાં તો અઘરું કાંઈ નથી ને? ચા પીવાની ના પાડતા નથી, દૂધપાક કે બાસુંદી ખાવાની ના પાડતા નથી. પણ એ વખતે આસક્તિ ઉઠે તો એને જોવાનું કહે છે. એ જ રીતે ક્રોધ ન કરો એ વાત તમારા માટે અત્યારે નથી પણ ક્રોધ ઉઠે ત્યારે એક મન ક્રોધની અંદર involve થયેલું છે, બીજું મન એ ક્રોધને પણ જુવે છે. પછી ક્રોધને જોનાર એકદમ વધી જશે, ક્રોધને કરનાર એકદમ નાનું થઈ જશે.

તો વિભાવો પર નિયંત્રણ આવ્યું. એના કારણે વિકલ્પો પર નિયંત્રણ આવ્યું અને વિકલ્પો પર નિયંત્રણ આવ્યું તો પ્રભુનું નિર્મલદર્શન થઈ ગયું.

હવે એ નિર્મલદર્શન કેવું હોય છે? એની વ્યાખ્યા પદસ્થ ધ્યાનમાં આપે છે. પદસ્થ ધ્યાનમાં આપણે એવી કલ્પના કરીએ છીએ કે આપણે સમવસરણમાં બેઠા છીએ. મહાવિદેહમાં આપણે પહોંચી ગયા છીએ, પ્રભુના સમવસરણમાં આપણે બેઠા છીએ અને પ્રભુને આપણે જોયા જ કરીએ છીએ, જોયા જ કરીએ છીએ. તો એ પદસ્થ ધ્યાન તમને કરતાં આવડે તો નિર્મલદર્શનમાં તમે ડૂબી જાઓ.

પદસ્થ ધ્યાનની વ્યાખ્યા આપી. “તીર્થંકર પદવી પ્રધાન, ગુણ અનંત કો માનું સ્થાન, ગુણ વિચાર નિજ ગુણ જે લહે, ધ્યાન પદસ્થ સુગુરુ એમ કહે” ચિદાનંદજી મહારાજ કહી રહ્યા છે પણ કેટલી નમ્રતા એક સદ્ગુરુના શબ્દોમાં હોય છે. ધ્યાન પદસ્થ સુગુરુ ઈમ કહે. હું કહું છું એમ નહિ. સદ્ગુરુઓની પરંપરા દ્વારા મને આ જ્ઞાન મળેલું છે અને એ જ્ઞાન હું તમને આપું છું. આમાં મારા ઘરનું કશું જ નથી.

તો આ પદસ્થધ્યાન પણ તમે રોજ કરી શકો એમ છો.

દેરાસરમાં ગયા. પ્રભુની સામે તમે બેઠા છો. આદિનાથ પરમાત્મા જેવા મોટા પરમાત્મા છે. તમે પ્રભુના મુખ ઉપર જુવો છો. કેવા પરમાત્મા છે? ગુણ અનંત કો માનું સ્થાન. અનંત ગુણોથી યુક્ત પ્રભુ છે. એ અનંત ગુણનો અનુભવ આપણે શી રીતે કરશું? પ્રભુના મુખ ઉપર જોઈશું અને પ્રભુના મુખ ઉપર જે વિતરાગદશા, જે પ્રશમરસ દેખાઈ રહ્યો છે એને બરોબર જોઈશુ. તો બહુ પ્યારા શબ્દો આપ્યા, તીર્થંકર પદવી પ્રધાન ગુણ અનંત કો માનું સ્થાન. હવે શું કરવાનું? ગુણ વિચાર નિજ ગુણ જે લહે, આ પદસ્થ ધ્યાન. એ પ્રભુનો જે ગુણ છે: વિતરાગદશા. એ ગુણ મારી અંદર છે, એનો વિચાર – એનું ચિંતન ચાલુ થાય. પ્રભુના મુખ ઉપર શું દેખાય? તમે સરસ કપડાં પહેરીને નીકળ્યા હોવ ને તો ચહેરા ઉપર શું દેખાય આમ? કેવા અપટુ ડેટ કપડાં પહેર્યા છે! પ્રભુ વિતરાગ છે. તમે સોનાની આંગી ધરાવી, હીરાનો મુગટ પહેરાવ્યો, પ્રભુના ચહેરા ઉપર કોઈ ફરક પડે? એ શંખેશ્વરદાદા પુનમના પાંચ હજાર ભક્તો હોય, એકમના પાંચસો ભક્તો પણ નથી. પ્રભુના મુખ ઉપર કોઈ ફરક પડે?! ગઈ કાલે તો પાંચ હજાર ભક્તો હતા, આજે તો દેખાતા જ નથી. પ્રભુ સ્વયં સંપૂર્ણ છે. પ્રભુ કહે છે, પાંચ હજાર હોય કે પાંચ સો હોય કે એકેય ન હોય. એને તારી બાજુ રાખ. મારી બાજુ તો હું સ્વયં સંપૂર્ણ થઈને મારામાં બેઠો છું.

તો એ પ્રભુની જે વિતરાગદશા છે, એનો વિચાર ક્યારેય આવે છે? એ પ્રભુ સ્વયં સંપૂર્ણ છે. ન તમારાં દાગીનાની એમને જરૂર છે, ન તમારી ભક્તિની એમને જરૂરત છે. એવા સ્થાનોમાં પરમાત્મા છે. જ્યાં કોઈ પૂજા કરનાર ન હોય. પણ પરમાત્માને શું..? ઘણીવાર આપણે કહીએ, ભગવાન અપૂજ રહ્યાં. અલ્યા ભગવાન અપૂજ રહ્યા કે તું અપૂજ રહ્યો?! પરમાત્માની પૂજા તો તમે ક્યાંય ન કરતા હોવ તો વિદ્યાધરો અને દેવો કરતા હોય છે. તો પ્રભુ સ્વયંસંપૂર્ણ છે. એમને બહારની એક પણ ચીજની જરૂરિયાત નથી. તમે પણ એવા જ છો. આ શરીરની માયા વળગેલી છે એટલે રોટલી અને દાળ જોઈએ છે. એ પણ ન હોય તો… આત્મા તો અણાહારી જ છે.

તમે બોલો ને “અણહારી પદ મેં લહ્યો વિગ્ગહ ગઈ અનંત.” એ તમને ખ્યાલ છે તમે પણ અને હું પણ અણહારી અવસ્થામાં અનંતી વાર રહ્યા છીએ. છે ખ્યાલ? એક આત્મા, એક શરીરમાંથી બીજા શરીરમાં જાય ત્યારે શું થાય? એક કીડી અહિયાં છે અને મરે છે. અહિયાં એને ઉત્પન્ન થવાનું છે. તો એને ત્યાં પહોંચતા કેટલી વાર લાગે? પહેલા સમયે એ સીધી ઉપર જાય. આત્માનો સ્વભાવ ઉર્ધ્વગમનનો છે. પહેલી ક્ષણે આત્મા ઉપર જાય પછી કર્મ એને પકડી લે છે, બીજી ક્ષણે એ વર્ટીકલમાં ફંટાય, ત્રીજા સમયે જ્યાં ઉત્પન્ન થવાનું છે ત્યાં પહોંચી જાય. આહારની સંજ્ઞા કેવી લાગુ પડેલી છે કે જે ક્ષણે શરીરમાંથી વિદાય લઈએ એ ક્ષણે પણ છેલ્લો આહાર લઈને નીકળીએ છીએ! અને જે ક્ષણે નવા શરીરમાં પેસીશું આહારસંજ્ઞાને કારણે આહાર લેવાનું શરૂ થઈ જશે. પણ વચલો એક સમય જે રહ્યો એમાં તમે આહાર લીધો નહિ. એટલે અણહારીદશા તમને મળી. પણ પ્રભુની આગળ આપણે કહીએ છીએ કે પ્રભુ એ અણહારી દશા એકાદ બે સમયની નહિ શાશ્વતીના લયની અણહારી દશા મને આપી દે.

તો તમે સ્વયં સંપૂર્ણ છો. હવે આપણે એમાં થોડા આગળ વધીએ. તમે સ્વયં સંપૂર્ણ છો, હું પણ સ્વયં સંપૂર્ણ છું. પણ મને પણ શરીર છે, શરીર છે એટલે હું આહાર લઉં છું પણ પ્રભુની આજ્ઞાનું પાલન હું બરોબર કરતો હોઉં, તો મારું શરીર આહાર લેશે. મારું મન આસક્તિમાં નહિ જાય. મારું શરીર વસ્ત્ર પહેરશે, મારા મનમાં એની આસક્તિ નહિ હોય. પ્રભુ શું કરે? તમને સમજાવું. તો શરીર રહ્યું, શરીર માટે આહાર રહ્યો. શરીર માટે વસ્ત્રો રહ્યા. પણ કર્મનો બંધ છુટી ગયો. ગમો અને અણગમો પ્રભુએ લઇ લીધા. એક સાધુએ વાપરી લીધું. શું વાપર્યું એનો એને ખ્યાલ નથી. કેમ? શરીરે ખાઈ લીધું, મન પ્રભુની આજ્ઞાના ચિંતનમાં હતું.

તો મારે એક મજાની વાત આજે કરવી છે કે તમે સ્વયં સંપૂર્ણ છો જ. શરીર છે તમારી પાસે એટલે ખાવું પડે. શરીર છે મર્યાદા માટે વસ્ત્રો પહેરવાના છે. પણ ભોજન લેતી વખતે તમે આસક્તિમાં ન જાઓ, વસ્ત્રો પહેરો અને તમે આસક્તિમાં ન જાઓ. આટલું તમે કરી શકો છો? એ જ રીતે કુટુંબનું પાલન તમારે કરવાનું છે. પૈસા કમાવવાના છે. તમે ધંધો કરો પણ છો. પણ એ ધંધા દ્વારા પૈસાને મેળવો પણ છો. પણ એ પૈસાની પ્રાપ્તિ ઉપર વધુ પડતો રાગ તમે કરતા નથી. શું પ્રભુએ અદ્ભુત્ત system આપી છે! અમે અહીંયા રહીને તો ઘણા બધા કર્મબંધોથી પર રહી શકીએ. તમે ત્યાં રહીને પણ ઘણા બધા કર્મબંધોથી પર રહી શકો. પૈસા કમાયા પણ ખરા. પુણ્યને કારણે મળી ગયા. જરૂરિયાત પુરતું કમાવવું છે અને એમાં પણ રાગ કરવો નથી.

તો આ પદસ્થ ભાવ છે. કે પ્રભુ સ્વયં સંપૂર્ણ છે. હું પણ સ્વયં સંપૂર્ણ છું. પણ અપૂર્ણતા ક્યાં આવી? એક મારું શરીર છે ત્યાં. હું ઘણીવાર કહું છું. શરીર છે. અને વધારે પડતી વેદનાને હું નથી સહન કરી શકતો. એટલે બહુ વેદના થાય તો pain killer હું લઇ પણ લઉં છું. પણ એક વસ્તુ પ્રભુએ કરી આપી. શરીર પ્રત્યેનું attachment પ્રભુએ તોડી આપ્યું. ગમે તેવો રોગ થાય. ડોકટરો ડાયગ્નોસિસ કરે કે થોડાક સમયનો મામલો છે તમે એને આરામથી સાંભળી શકો. એકવાર જવાનું જ છે ને? ક્યારેક જવાનું છે ને? ક્યારે જવાનું છે, એ ખબર નથી, બરોબરને?

એક અમદાવાદી ભાઈ એમના વેવાઈને ત્યાં એક ગામડામાં ગયા. સાંજના સમયે ગયા. ભોજન કર્યું વાતચીત થઈ ગઈ રાત્રે. સવારે અમદાવાદીને પાછુ અમદાવાદ આવવું છે. ટેક્સી લઈને આવેલો ટેક્સી મૂકી દીધેલી. સવારે એને વેવાઈને પૂછ્યું કે મારે અમદાવાદ જવું છે. શું સાધન મળે? તો પેલા વેવાઈએ કીધું કે એટલું નાનકડું આ ગામ છે કે રીક્ષા, છકડો, ટેક્સી કશું જ આ ગામમાં available નથી. એક બસ આવે છે અને એ અમદાવાદ જાય છે. પૂછ્યું બસનો ટાઈમ શું? તો કહે બસનો ટાઈમ એવો છે કે ૬ થી ૧૦ માં ક્યારેય પણ આવી જાય. બાપુશાહી ખાતું છે અહિયાં. ડ્રાઈવર ટાઇમસર ઉઠી ગયો તો છ વાગે પણ એસ.ટી આવી જાય અને ડ્રાઈવર જો ઊંઘી ગયો, એ કોઈ એના સગાસંબંધીને ત્યાં પહોંચી ગયો તો દશ વાગે પણ બસ આવી જાય. આવે છે એ નક્કી. ક્યારે આવે છે એ નક્કી નથી. પેલો ભાઈ અમદાવાદી. એને જવું જ છે અમદાવાદ, એ શું કરે? એ કહે પોણા છ વાગ્યા દર્શન પ્રભુના કરી લઉં. બસ સ્ટેન્ડ પર પહોંચી જાઉં. કદાચ આજે પણ છ વાગે આવી જાય તો? થર્મોસની અંદર ગરમ ચા ભરી લે છે, નાસ્તો બોક્ષમાં લઇ લે છે. જયારે પણ નવકારશીનું પચ્ચક્ખાણ આવશે પારીને નાસ્તો કરી લઈશ. પણ બસ સ્ટેન્ડ પર ટાઈમસર હાજર થઈ ગયો. એ છ વાગે હાજર થઈ ગયો.

સૂત્ર એ હતું: બસ ક્યારેક જરૂર આવે છે પણ ક્યારે આવે છે એ નક્કી નથી. આ બસ ક્યારેક ઉપડવાની છે. ઉપડવાની એ નક્કી. અહીંયા કાયમ આ બસ રહેવાની નથી. પણ ક્યારે ઉપડવાની એ પણ નક્કી નથી. ક્યારેક ઉપડવાની એ નક્કી પણ ક્યારે ઉપડવાની એ નક્કી નથી. તો શું કરીએ? જાગૃત બની જઈએ. જયારે પણ મૃત્યુ આવે, તૈયાર છીએ…

તો પ્રભુની વિતરાગદશાને જુઓ અને વિચારો કે એ જ વિતરાગદશા મારી ભીતર છે. પ્રભુનો પ્રશમરસ જોયો; વિચાર્યું એ જ પ્રશમરસ મારી ભીતર છે. આ પદસ્થ ધ્યાન.

પદ્મવિજય મહારાજ સાહેબે આપેલું પહેલું ચરણ અહીં પૂરું થયું. કે પ્રભુ નિર્મલદર્શન કીજીયે. પ્રભુના ગુણોનું દર્શન થયું અને એ ગુણો સત્તા રૂપે મારી ભીતર પડેલા છે આવું દર્શન થયું એને કહ્યું નિર્મલદર્શન.

બીજા ચરણે સમ્યક્દર્શન. એની વ્યાખ્યા આપી શુદ્ધ ગુજરાતીમાં. “આતમ જ્ઞાન કો અનુભવ દરિશન, સરસ સુધારસ પીજીયે”

સમ્યગ્દર્શન એટલે.. શું કહે છે? સરસ સુધારસ પીજિયે. અમૃતના ઘૂંટડે ઘૂંટડા પીવાના છે.

એ સમ્યગ્દર્શન છે શું? Defination આપે છે. આતમજ્ઞાન કો અનુભવ દરિશન. આત્મજ્ઞાન તમારી પાસે છે. મારો આત્મા નિર્મળ છે, મારો આત્મા વિતરાગદશામાં રહેલો છે, આ જ્ઞાન શાબ્દિક જ્ઞાન કે વૈચારિક જ્ઞાન તમારી પાસે છે. એ જ્ઞાન અનુભૂતિમાં આવે એનું નામ સમ્યગ્દર્શન. આતમજ્ઞાન કો અનુભવ દરિશન સરસ સુધારસ પીજિયે.

સમ્યગ્દર્શન આવે એટલે હું કોણ છું, એની અનુભૂતિ ચાલુ થઈ જાય.

ચોથા ગુણઠાણે એ અનુભૂતિ સામાન્ય હશે, પાંચમે અને છટ્ઠે થોડી વધશે અને સાતમે ગુણઠાણે, સાતમે ગુણઠાણે તો એ બિલકુલ સ્પષ્ટ clearity થઈ જશે. આત્મતત્વ અલગ પડી જશે અને પરતત્વ અલગ પડી જશે. સ્વ અલગ. પર અલગ.

તો સમ્યગ્દર્શન પદની વ્યાખ્યા કરી: આતમજ્ઞાન કો અનુભવ દરિશન.

નિર્મલદર્શન કીજીયે એ પહેલા ચરણમાં પ્રભુના ગુણને જોવા સુધી આપણે પહોંચી ગયેલા. એ ગુણનું દર્શન, હવે બીજા ચરણે ગુણની અનુભૂતિમાં પલટાય છે. તમે આનંદની ધારામાં રહો છો. એક મુનિ – એક સાધ્વી સતત આનંદની ધારામાં હોય. રતિ અને અરતિ એ સંસાર. આનંદની ધારામાં વહેવું એ સમ્યગ્દર્શન.

એ સમ્યગ્દર્શન મળે પછી શું થાય તો ત્રીજું ચરણ મુક્યું. એહથી હોવે દેવ ગુરુ મુનિ, ધર્મરંગ અત્થિ મજજા. એ સમ્યગ્દર્શન મળે, એ આત્માનુભૂતિ મળે. પછી પ્રભુ પ્રત્યેનો, સદ્ગુરુ પ્રત્યેનો અહોભાવ એટલો બધો વધી જાય છે કે નસોની અંદર પછી લોહી દોડતું નથી, પ્રભુ પ્રત્યેનો અનુરાગ દોડે છે. આ પ્રભુની કૃપા..! આ સદ્ગુરુની કૃપા! મને સમ્યગ્દર્શન મળ્યું!

માત્ર ત્રણ ચરણ અને એ નવપદપૂજામાં સમ્યગ્દર્શન પદની પૂજામાં પદ્મવિજય મહારાજ સાહેબે આપ્યા. નિર્મલદર્શન પહેલું ચરણ, આત્મનુભૂતિ બીજું ચરણ અને એ આત્માનુભૂતિ થયા પછી પ્રભુ અને સદ્ગુરુ પ્રત્યે જે અત્યંત ભક્તિ ઉભરાય એ ત્રીજું ચરણ.

આ ત્રણ ચરણો તમને બધાને જલ્દી-જલ્દી મળે એવો આશીર્વાદ.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *