વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત
દર્શન પદ
તમને નીરખું નાથ નિરંજન, એવી આપો આંખો
ચખ્ખુદયાણં. પ્રભુને જોવા માટેની, પ્રભુના માર્ગને જોવા માટેની આંખો કોણ આપે? પ્રભુ આપે!
આ જીવનમાં આપણું અવતારકૃત્ય એક જ છે: સમ્યગ્દર્શન પામવું. પ્રભુનું દર્શન થાય, ને આંખો ભીની ભીની બની જાય; આંખોમાંથી આંસુની ધાર છલકાય. પ્રભુની એવી ભક્તિ આપણને સમ્યગ્દર્શન પદ સુધી લઇ જાય છે.
પહેલા અહોભાવના રૂપમાં પ્રભુનું ભીની ભીની આંખે દર્શન થાય. અને આગળ જતાં અલગ રીતે – ગુણાત્મક, સ્વરૂપાત્મક – દર્શન થાય. તે જ સમ્યગ્દર્શન.