Param Sparsh Ni Yatra – Vachana 10

9 Views
23 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : મેરે પ્રભુશું પ્રગટ્યો પૂરણ રાગ

પૂર્ણ રાગનો મતલબ એ કે તમારી રાગાત્મક ચેતના માત્ર અને માત્ર પ્રભુ સાથે જોડાયેલી છે. પર પદાર્થોનો ઉપયોગ તમારું શરીર કદાચ કરે, પણ તમારી ચેતના સંપૂર્ણતયા પ્રભુમયી બની ગઈ છે.

આવો પૂર્ણ રાગ, આવી ભક્તિ જો તમારી પાસે આવી જાય, તો એવો આનંદ, એવો કૈફ તમારી પાસે હોય જેની તુલના દુનિયાના કોઈ પદાર્થ સાથે ન થઇ શકે. જિને એ પિયાલા પિયા તિનકું, ઔર કૈફ રતિ કૈસી !

પ્રભુ પ્રત્યેનો પૂર્ણ રાગ – પરમપ્રેમ – એ જ પ્રભુઆજ્ઞા પ્રત્યેના પ્રેમમાં રૂપાંતરિત થાય.

પરમ સ્પર્શની યાત્રા – વેસુ ચાતુર્માસ વાચના – ૧૦

  1. સાધકને પોતાની સાધના નાનકડી લાગે.
  2. સાધકની સાધના પ્રભુ દ્વારા certify થયેલી હોય
  3. અને એ સાધનાને કોઈ જોઈ ન શકે.

આ ત્રણ શરતો સાધના જગતના ઊંડાણમાં જવાની છે.

પહેલી વાત, સાધના સાધકને નાનકડી લાગે. કારણ, સાધના પ્રભુ કર્તૃક છે, સદગુરુ કર્તૃક છે. સાધના આપે પણ સદગુરુ, એને ઘૂંટવાનું કામ પણ સદગુરુ કરે છે. મહોપાધ્યાય યશોવિજય મહારાજાએ મજાની સાધના દીક્ષા આપણને આપી. “આતમ ભાવે સ્થિર હોજો, પર ભાવે મત રાચો રે!” એ સાધનાને તેઓ પોતે જ હવે ઘુંટાવી રહ્યા છે. પરભાવમાંથી મુક્ત થવું છે, સ્વભાવમાં જવું છે. There are two ways, એક સાધકનો માર્ગ, એક ભક્તનો માર્ગ. સાધકનો માર્ગ એ છે – પરભાવ છુટ્યો, સ્વભાવ મળ્યો. ભક્તનો માર્ગ એ છે કે પરસંગમાંથી મારે પરમના સંગમાં ડૂબી જવું છે. અને એકવાર પરમમાં હું ડૂબી જઉ, then I have not to do anything absolutely! પરમના રૂપમાં ડૂબવાનું, પરમની આજ્ઞામાં ડૂબવાનું, પરમ સંબંધી જે પણ કંઈક હોય એમાં ડૂબવું છે. આ ભકતનો માર્ગ છે.

આજે એ ભક્તના માર્ગ ઉપર મહોપાધ્યાયજી ભગવંતની જોડે ચાલીએ. એક મજાની એમની સ્તવના છે. પ્રારંભ ઉઘાડ કેટલો મજાનો! “મેરે પ્રભુ શું પ્રગટ્યો પૂરણ રાગ!” એક મજાના સમાચાર – મેરે પ્રભુ શું પ્રગટ્યો પૂર્ણ રાગ! મને મારા પ્રભુથી પૂરણ રાગ થયો છે, પરમ પ્રેમ! પૂર્ણ રાગનો મતલબ એ છે કે મારી રાગાત્મક ચેતના માત્ર અને માત્ર પરમાત્મા સાથે જોડાઈ ગઈ છે. એક પણ પદાર્થ સાથે, એક પણ વ્યક્તિ સાથે, મારી રાગાત્મક ચેતના જોડાયેલી નથી. પર પદાર્થો નો ઉપયોગ મારું શરીર કરે છે પણ મારી ચેતના સંપૂર્ણતયા પરમમય બની છે, એવું મહોપાધ્યાયજી ભગવંત કહે છે. મેરે પ્રભુ શું પ્રગટ્યો પૂરણ રાગ!ભક્તનું એક અવતાર કૃત્ય છે. આ જન્મની અંદર આવ્યા પછી એક જ કામ કરવું છે, પ્રભુ સાથે પૂર્ણ પ્રીતિથી બંધાઈ જવું છે. એક પદાર્થ ઉપર રાગ થઈ ગયો તો 5% તમારી રાગાત્મક ચેતના એ બાજુ ગઈ; તો પ્રભુ સાથે તમે 95% જ જોડાઈ શકશો. બીજા પદાર્થ સાથે, બીજી વ્યક્તિ સાથે તમે જોડાયા, 10% રાગાત્મક ચેતના પરમાં ગઈ તો પરમની અંદર 90% તમારી ચેતના જશે. આ જન્મની અંદર એક નિર્ધાર- પૂરેપૂરો પ્રેમ પ્રભુની સાથે જ.

નારદ ઋષિને એક ભક્તે પૂછેલું કે ગુરુદેવ! ભક્તિ એટલે શું? મજાની વાત તો એ છે, ભક્તિને તમે શ્વસી શકો, ભક્તિને જીવી શકો, ભક્તિને અનુપ્રાણિત કરી શકો. ભક્તિને શબ્દમાં તમે કઈ રીતે કહો? પણ એ વ્યક્તિ એવી છે જેને ભક્તિના માર્ગે જવાની ઈચ્છા છે પણ એને ભક્તિની સુગંધ ક્યારે પણ મેળવી નથી. તો એ નારદ ઋષિ ને પૂછે છે, ગુરુદેવ! ભક્તિ એટલે શું? નારદ ઋષિએ બહુ જ પ્યારા શબ્દો આપ્યા, “सा त्वस्मिन परमप्रेमरूपअमृतस्वरूप ”!   એટલી મજાની પ્રાંજલ સંસ્કૃતમાં વ્યાખ્યા છે કે ગુજરાતી કરતા ડર લાગે કે એનો charm તૂટી જશે. નારદ ઋષિએ એ વ્યક્તિને પૂછ્યું કે બેટા, તે કોઈને પ્રેમ કર્યો છે? એક નાનકડું બાળક છે તેને ક્યારેય ચાહ્યું છે? તારા ઘરે કૂંડાની અંદર ફૂલ ઉગેલું છે, ક્યારે તેને ચાહ્યું છે? ત્યારે એણે કહ્યું, હા! પ્રેમનો, ચાહતનો મને અનુભવ છે. નારદ ઋષિ કહે છે, તારી એ ચાહતને extreme point પર લઈ જા. અને એ ચાહત પરમાત્મા પ્રત્યેની હોય, ભક્તિ તને મળી ગઈ. પરમાત્મા પ્રત્યેનો પરમ પ્રેમ ભક્તિ. આ વ્યાખ્યા, મહર્ષિ નારદે આપણને આપી. જોકે મેં અનુવાદ કરતા કહ્યું, પરમાત્મા પ્રત્યેનો પરમપ્રેમ! મહર્ષિ તો કહે છે: “सा त्वस्मिन परमप्रेमरूपा अमृतस्वरूपा च”!   એને વિશેનો પરમપ્રેમ! નારદ ઋષિ પરમાત્મા શબ્દ વાપરતા નથી. તેના વિશેનો પરમપ્રેમ એ ભક્તિ! ભક્તનું વ્યાકરણ પણ મજાનું છે, ભક્તનું બધું જ મજાનું હોય. વ્યાકરણ પણ મજાનું છે.ભક્તના વ્યાકરણમાં ત્રીજો પુરુષ દ્વિવચન પણ નથી, બહુવચન પણ નથી. ત્રીજો પુરુષ એક વચન “તે”છે. “તે” એટલે પરમાત્મા. બીજો પુરુષ છે જ નહીં અને પહેલા પુરુષમાં પણ માત્ર એક વચન “હું”. પછી હું તેમાં ડૂબી જાય એટલે વ્યાકરણ પુરું. “सा त्वस्मिन परमप्रेमरूपा अमृतस्वरूपा च”!

ભક્તિ એટલે અમૃતના ઘૂંટડે ઘૂંટડા પીવાના. કોઈ જન્મની અંદર જે અમૃતતત્વ તમને નથી મળ્યું તે આ જ જન્મમાં પ્રભુ તમને આપવા માંગે છે. Are you ready? એકેય જન્મની અંદર કદાચ આવું અમૃત તત્વ આપણને મળ્યું નથી, તો આ જન્મ શેના માટે? એક life planning કરો. જીવન શા માટે?  એક philosopher એ કહેલું, “પ્રભુએ જીવન એના માટે આપ્યું છે કે આપણે એને મળી શકીએ”. એ તો આપણને મળેલો જ છે, આપણે એને મળ્યા નથી. તો આપણે એને મળી શકીએ, એના માટે પ્રભુએ આ જીવન આપણને આપ્યું છે. अमृतस्वरूपा च.

કલાપૂર્ણસૂરી દાદા શંખેશ્વર પ્રભુના દરબારમાં બેઠેલા હોય, ત્યારે આપણને વિમાસણ એક જ થાય કે શંખેશ્વર દાદાને જોવા કે કલાપૂર્ણદાદાને જોવા? દાદા પ્રભુમાં એવા ડૂબી જતા કે એમના ચહેરા ઉપર પણ આપણને શંખેશ્વર દાદા જ દેખાય. એ સાહેબ ચૈત્યવંદન કરતા હોય, નમુત્થુણં બોલતા હોય અને એમના ચહેરા ઉપર જે ભાવભંગીમાં ઉભરાય, આપણે જોયા જ કરીએ, જોયા જ કરીએ. એમના માટે સામે શંખેશ્વર દાદા સાક્ષાત્ હતા, મૂર્તિ નહીં. સાક્ષાત્ પ્રભુ! અને સાક્ષાત્ પ્રભુને જોતા જે આનંદ થાય એ કલાપૂર્ણસુરી દાદાને થતો હતો. લાગે કે પ્રભુ અમૃતના ઘૂંટડે ઘૂંટડા એમને પીવડાવી રહ્યા છે અને દાદા પી રહ્યા છે. શું મસ્તી! શું આનંદ! પ્રભુ એ જ આનંદ તમને આપવા માંગે છે. કલાપૂર્ણસૂરી દાદાની તમને ઈર્ષ્યા આવે કે કેટલા મોટા ગજાના પ્રભુના ભક્ત! પણ પ્રભુ તમને પણ એ હદે ઉચકવા માંગે છે.

સાહેબજી મુંબઈ નહોતા પધારેલા. મુંબઈની બહારથી નીકળ્યા. દહીસર ચેકનાકા પાસેથી. એ વખતે દોઢથી બે લાખ માણસો સાહેબજીની એ વિહાર યાત્રા વખતે સાહેબજીને જોવા માટે તલપાપડ હતા. પોલીસ અફસરો ચમકી ગયા કે આ કોણ છે? બબ્બે લાખ માણસ સડકો પર! દાદાનો કાળધર્મ થયો પછી એક વ્યક્તિ મારી પાસે આવી, અને એણે કહ્યું કે સાહેબ! દાદા જતા રહ્યા. એમનું મિશન અધૂરું રહી ગયું. મેં કહ્યું દાદાનું મિશન તો ક્યારનું પૂરું થઈ ગયું હતું. દાદાનું મિશન તો એક જ હતું, પ્રભુને પામવાના! જે ક્ષણે પ્રભુ મળ્યા દાદા નું મિશન પૂરું થઈ ગયેલું. પછી પ્રભુનું મિશન ચાલુ થયેલું. પ્રભુ કહેતા હતા કે હું જેને મળું છું, જે વ્યક્તિ મને મળે છે, એને બહારથી અને ભીતરથી હું કેવો ચમકાવું છું જોઈ લો, આ મારું self-sample! એકમાત્ર દાદા નું મિશન હતું પ્રભુની પ્રાપ્તિ, પ્રભુનું સાક્ષાત્કાર!અને એ થઈ ગયું, દાદાનું મિશન પૂરું.પછી પ્રભુનું મિશન ચાલુ થયું. પ્રભુએ કહ્યું તને સાક્ષાત્કાર થઈ ગયો, હવે બીજાને કરાવ.  अमृतस्वरूपा च! સાચી ભક્તિ જ્યારે આપણી પાસે આવી જશે, એવો તો આનંદ, એવો કેફ તમારી પાસે હશે કે જે કેફ ની તુલના દુનિયાનો કોઈ પદાર્થ ન કરી શકે.

ચિદાનંદજી મહારાજ કહે છે, જિન્હેં યે પિયાલા પિયા, તીનકો ઔર કૈફ રતિ કૈસી?  જેણે આ ભક્તિનો પ્યાલો પીધો એનો કૈફ અદભુતથી પણ અદભુત! ઉપનિષદ જગતમાં મૈત્રેયીનું બહુ મોટું નામ છે. યાજ્ઞવલ્ક્ય, એમની બે પત્ની. યાજ્ઞવલ્ક્યને સંન્યાસ લેવાનો વિચાર થયો. એમણે બંને પત્નીઓને જોડે બેસાડી અને કહ્યું હું સંન્યાસી થવા ઈચ્છું છું મારી જે સંપત્તિ છે એ તમને બેઉને અડધા અડધા ભાગે વહેંચી દઉં. તમારા બંનેનું જીવન આરામથી પસાર થઈ જશે. એ વખતે બેમાંથી એકનું નામ હતું મૈત્રેયી. એ મૈત્રેયીએ જે કહ્યું એ ઉપનિષદ જગતમાં ઉપનિષદ પરંપરામાં સદીઓથી ગુંજતું આવ્યું છે. મૈત્રેયી કહે છે येनाहं नामृतांस्याम् किमहं तेन कुर्याम् ? શું આ સંપત્તિ દ્વારા અમૃતતત્વ મને મળશે? જેના દ્વારા અમૃત તત્વ મને ન મળે એનું મને કામ નથી .અને મૈત્રેયી પતિની પાછળ પાછળ સંન્યાસીની થઈ ગઈ. એક જ વાત અમૃતનો આસ્વાદ કરવો છે. પરમના રૂપનો આસ્વાદ, પરમની આજ્ઞાનો આસ્વાદ. ક્યાંય પણ ડૂબી જાઓ, અમૃત જ અમૃત.

એક મજાની પરંપરાની વાત છે. ગુરુએ એક શિષ્યને કહ્યું, કે તારે પેલા ગામ એક ગ્લાનમુનિની વૈયાવચ્ચ માટે જવાનું છે. ગુરુની આજ્ઞા,શિષ્ય માટે કોઈ વિચાર હતો જ નહીં. પણ જે ગામે જવાનું હતું એ ગામ જતા પહેલા મોટી નદી આવતી હતી. સદીઓ પહેલા સહસ્ત્રાબ્દિઓ પહેલા આપણો ભારત દેશ સસ્ય શ્યામલ હતો. નદીઓ જ નદીઓ. અને એવી મોટી નદી જે હોડી દ્વારા જ તરી શકાય. મુનિરાજ નદીના કાંઠે ગયા. એક હોડી તૈયાર હતી જે સામે કાંઠે જવાની હતી. મુનિરાજે નાવિકને પૂછ્યું, કે તમારી નૌકામાં મને સ્થાન મળી શકે? મારે પણ સામે પાર જવું છે. નાવિક કહે બેસી જાઓ. બધા બેઠેલા છે તમે પણ બેસી જાઓ. એક ખૂણામાં પૂજના પ્રમાર્જના કરી મુનિરાજ બેઠા. એ નદી જે હતી ને દરિયો નજીકમાં હતો. અને ઘણીવાર દરિયામાં તોફાન આવે તેની અસર નદીમાં પડતી. આજે અધવચ્ચે હોડી ગઈ અને તોફાન શરૂ થયું. એવું તોફાન હોડી ઊંચકાય-પછડાય. યાત્રિકો ગભરાઈ ગયા. જો હોડી ઉંધી પડી તો બધા જ નદીમાં ખતમ. શું કરું? એક જણાએ કહ્યું કે કોઈ દિવસ નહીં અને આજે જ તોફાન કેમ આવ્યું? બીજો કે આ જૈન સાધુ બેઠા છે માટે. અને એ પછી બધાએ નક્કી કર્યું  મુનિને ઊંચકીને નદીમાં ફેંકી દેવા. આપણે તો સલામત રહી જઈએ. વિચાર વિમર્શ ચાલે છે કે મુનિને ફેંકી દો. મુનિ સાંભળે છે, કોઈ પ્રતિભાવ નથી. શરીર ફેકાશે તો પણ વાંધો નથી. શરીર રહી જશે તો પણ વાંધો નથી. જે પણ ઘટના ઘટવી હોય એ ઘટે. પ્રભુનો મુનિ, પ્રભુની સાધ્વી પ્રભુ પ્રભાવિત છે ઘટના પ્રભાવિત નહીં. બરોબર?

તમે બધા પ્રભુ પ્રભાવિત ને? ઘટના પ્રભાવિત તો કોઈ નહીં ને? લોકો મને ઘણીવાર કહે, સાહેબ નિમિત્ત હોય ને, ત્યારે અસર થઈ જાય. એ વખતે હું કહું, બે નિમિત્ત હોય- એક સામાન્ય અને એક સુપિરિયર. તો કયા નિમિત્તની અસર થાય? સુપિરિયરની ને? એકે ખાલી એટલું જ કહ્યું કે આને કામ સોંપાય નહીં. બીજાએ તો ધડાકો જ કરી નાખ્યો અને કહ્યું આને કામ સોંપાય? આના એકે કામમા ભલીવાર હોય છે ખરો? સીધું જ બોમ્બાર્ડમેન્ટ. બે નિમિત્તો થયા, એક સારું અને એક સુપિરિયર. અસર કોની થાય? સુપિરિયર નિમિત્તની, બરોબર? સામાન્ય માણસો બોલે એ સામાન્ય નિમિત્ત અને પ્રભુના શબ્દો એ સુપિરિયર નિમિત્ત. બરોબર? કોઈએ કંઈ કહ્યું,ગુસ્સો આવવાની મનમાં તૈયારી છે ત્યાં પ્રભુનું વચન યાદ આવે તો શું થાય? સુપિરિયર નિમિત્ત કયું? પ્રભુના શબ્દો! એ પ્રભના શબ્દો યાદ આવે તો બ્રેક લાગે કે ના લાગે?

આચારાંગજીનું એક સૂત્ર બહુ જ પ્યારું છે. બહુ જ ઇફેક્ટિવ. ત્યાં પ્રભુની કરુણા પ્રગટ થઈ છે. એક સાધક ક્રોધ કરવા માટે તૈયાર થયો છે. પ્રભુની પાસે માત્ર કરુણા છે. માત્ર પ્રેમ છે. સાચું કહું પ્રભુના પ્રેમને તમે અનુભવ્યો નથી, માટે જ તમે પરમાં જાવ છો. પદાર્થોના રાગમાં જાવ, વ્યક્તિઓના રાગમાં જાઓ, કે શરીરના રાગમાં જાઓ- એ ત્યારે જ સંભવિત બની શકે જ્યારે પ્રભુનો પ્રેમ તમે ન અનુભવ્યો હોય. જે ક્ષણે પ્રભુનો પરમ પ્રેમ અનુભવ્યો, બધું જ છૂ થઈ જાય છે. કશું જ રહેતું નથી. હૃદયની અંદર, પુરા અસ્તિત્વમાં માત્ર પ્રભુનો પ્રેમ રહે છે. આવા પ્રભુ અને એ મને આટલું બધું ચાહે છે! ક્યારેય આંખો છલછલાઇ છે તમારી? પ્રભુનું દર્શન કરતાં ક્યારેય પણ તમારી આંખો ભીની બની છે? પ્રભુ! તે મારી આટલી કેર કરી! નરકને નિગોદમાં હું હતો. તે મને ઊંચકીને લાવ્યો.

તો, સાધક ક્રોધ કરવા તૈયાર થયો છે. પ્રભુની કરુણા  મુખરિત થાય છે. પ્રભુ કહે છે, एस‌ खलु गंथे! શું કરે છે તું? તું નિર્ગ્રંથ છે, નિર્ગ્રંથિ છે. ગાંઠો પડાય તારાથી? બધી જ ગાંઠો જેની છેદાઈ ગઈ એ નિર્ગ્રંથ! તું નિર્ગ્રંથ અને ક્રોધમાં જાય છે? ગાંઠો પાડવા માટે જાય છે? નહીં. તારાથી ન જવાય! આ પ્રભુનો પ્રેમ! પેલી બાજુ ક્રોધ. કોનો વિજય થાય? મને કહો તો. કોનો વિજય થાય, ક્રોધનો કે પ્રભુના પ્રેમનો?

મારા પ્રભુ મારી આટલી બધી કાળજી રાખે. હું ગુસ્સામાં જાઉં છું, મારા પ્રભુને ખ્યાલ આવ્યો. પ્રભુ કહે છે નહીં તારે જવાનું નથી. આટલો બધો પ્રેમ મારા પ્રભુને મારા ઉપર?! પર્સનલી પ્રભુ મને આટલો બધો ચાહે છે?! સાચું કહેજો, પૂરું જીવન પ્રભુને તમે ન્યોછાવર કર્યું. કેમ? આ પ્રભુના પ્રેમને કારણે જો તમે ન્યોછાવર કર્યું તો આ સમર્પણ તમારું સાચું. માત્ર પરંપરાને કારણે દીક્ષા લઈ લીધી. વાંધો નથી. આવી ગયા અહીંયા સારું જ છે. પણ હવે, તમારી દીક્ષા  જોઈએ જે પ્રભુના પ્રેમ પર આધારિત છે. મારા પ્રભુ મારા ઉપર આટલો બધો પ્રેમ વરસાવે એ પ્રભુની ઈચ્છા પ્રમાણે હું મારા જીવનને ઢાળી ન શકું?! એટલે તો એક ભક્તે કહ્યું, “તું ઢાળે એ પાત્રમાં હું ઢળવાનો”. મારી કોઈ ચોઈસ નથી. મારી કોઈ ઈચ્છા નથી. તારી જે ઈચ્છા.

એનો પ્રેમ! માત્ર એના પ્રેમથી ખેંચાઈને જે લોકો આ માર્ગે આવેલા છે એ 100% નહીં 105% રિઝલ્ટ મળવાનું. મારી પાસે આ જ છે. માત્ર એના પરનો પ્રેમ. એણે મને આટલો ચાહ્યો! મારા જેવા નાચીઝ માણસને એ પરમાત્મા આટલું બધું ચાહે! પહેલાં તેમ લાગે કે સંભવિત ખરું? it is impossible, quite impossible! એ મને ચાહે, શા માટે? પ્રેમ એનો સ્વભાવ છે!

તો એનો પ્રેમ મુખરિત બન્યો, एस आलु गंथे! આ ગાંઠ છે ત્યાં જવાનું નથી તારે. છતાં કોઈ આગળ વધે છે. પ્રભુ એમ નથી કહેતા કે મારી વાત ન માની, જવા દો. પ્રભુ પ્રેમથી આગળ કહે છે, एस खलु मोहे! આ તારું અજ્ઞાન છે. ક્રોધથી શું થાય? તને પણ પીડા જ થવાની છે. “એકશનની સામે રિએક્શન” – એ તમારું સૂત્રને? ના તમારું ન હોય. જિનશાસનને પામેલાનું સૂત્ર એકશનની સામે નોનએક્સન હોય છે. એક્સનની સામે રિએક્શન- એ તમારું સૂત્ર નથી. ‘ઈંટકા જવાબ પથ્થરસે’ ની વાત નથી. અહીંયા તો એક્શનની સામે નોન-એક્શન. કોઈ પણ ક્રિયા થાય સામે, પ્રતિક્રિયા કોઈ નથી, પ્રતિભાવ કોઈ નથી, સ્વીકાર જ માત્ર છે.

બુદ્ધના જીવનની ઘટના આવે છે. એક જગ્યાએ બુદ્ધ વૃક્ષની નીચે ધ્યાન માટે બેઠેલા. જોડે પટ્ટશિષ્ય આનંદ છે. ક્યાંક અનાડી માણસ આવ્યો, એણે કહ્યું અહીં બેઠા છો? ખબર નથી પડતી મારા ખેતરમાં જવાનો રસ્તો છે આ? જંગલનો મામલો હતો. રસ્તા જેવું કંઈ હતું પણ નહીં. ગમે ત્યાંથી એના ખેતરમાં જવાતું હતું.પણ અનાડી માણસ કોને કહે? ઉભા થઈ જાવ! બુદ્ધ ઊભા થયા. 100 મીટર દૂર બીજું ઝાડ હતું ત્યાં જઈને બેઠા. પેલો માણસ ત્યાં આવી ગયો. તમે ચહેરા પરથી બહુ હોશિયાર માણસો લાગો છો. છતાં તમને એટલી ખબર ન પડી કે મારા ખેતરમાં જવાનો રસ્તો હતો. ત્યાં બેઠા હતા કેમ? આનંદ મનમાં કહે બાપલા અહીંયા તારું ખેતરે નથી, તારા ખેતરમાં જવાનો રસ્તો એ નથી. હવે તો છાલ મૂક. પણ પંદર-વીસ મિનિટ સુધી એ નોનસ્ટોપ બોલતો હતો અને સામે બુદ્ધ હતા. નો એક્સન. હસતા રહ્યા. પેલાનું જોર ઠંડું પડ્યું અને એ રવાના થયો. પછી પટ્ટશિષ્ય આનંદે પૂછ્યું કે, સાહેબ તમારી પાસે કઈ માસ્ટર કી છે? આપણો કોઈ ગુનો નહોતો. એણે કીધું દૂર થઈ જાવ તો દૂર થઈ ગયા. હવે એના બાપનું ખેતર પણ નહોતું અહીંયા, તોય ઝઘડો કરવા આવ્યો. તમે હસતા હતા. આ માસ્ટર કી કઈ છે તમારી પાસે? ત્યારે બુદ્ધે કહ્યું, આનંદ! તું ભિક્ષાએ ગયો છે, આપણા બે માટે છ રોટલી લાવવાની છે. રોટલી આવી ગઈ, શાક આવી ગયું. તું આપણા મુકામ તરફ પાછો ફરે છે. ત્યાં એક ભક્ત મળ્યો. મારે ત્યાં આવવું જ પડશે. અરે પણ ગોચરી આવી ગઈ. ગોચરી પૂરી હોય કે અધૂરી હોય મારે ત્યાં આવું જ પડશે. તું એને ત્યાં જાય. પેલો ભક્ત છે, રોટલીનો થપ્પો ઓફર કરે છે. તું શું કહીશ? એક રોટલી પણ નહીં, અડધી નહીં, પા પણ નહીં. માત્ર ગોળની કાંકરી લઈ લઉં. તમારું મન સચવાય. ગોળની કાંકરી લીધી ને તું પાછો ફર્યો છે. હવે બુદ્ધે પૂછ્યું, એણે રોટલીનો થપ્પો ઓફર કર્યો, તે લીધો નહીં. હવે રોટલીઓ રહી ક્યાં? એના વાસણમાં કે તારા પાત્રમાં? આનંદ કહે, સીધી વાત છે. મેં લીધી નહિ તો તેના પાત્રમાં જ રહે ને! તો બુદ્ધે કહ્યું, આજ વાત હતી. એની પાસે જે હતું એ ઓફર કરેને. મારે જરૂર નથી.

કેટલી મજાની માસ્ટર કી છે આ. હોઠથી નહિ બોલવાનું પણ મનમાં કહી દેવાનું, નો પ્લીઝ! મારે જરૂરિયાત નથી. બુદ્ધની પાસે એક્શનની સામે નો એક્શન હતું. તો પ્રભુ કહે છે, एस खलु मोहे! આ તારું અજ્ઞાન છે કે તું એક્શનની સામે રિએક્શન આપે છે. તો પણ સાધક અટકતો નથી. ભગવાન આગળ કહે છે, एस आलु मारे! આ ક્રોધ એટલે મૃત્યુ છે મૃત્યુ! તારે મરી જવું છે અત્યારે? તો પણ સાધક ન અટક્યો ત્યારે ભગવાને કહ્યું, एस खलु नीरये! આ ક્રોધ નરક છે. છોડી દો. આવી પ્રભુની કરુણા! આવો પ્રભુનો પ્રેમ મને અને તમને મળ્યો છે.

પેલા મુનિરાજ પ્રભુના પ્રેમમાં ડૂબેલા હતા. પેલા લોકો વિચાર કરે છે ફેંકી દઈએ. સર્વાનુમતી થઇ કે મુનિને ફેંકી દઈએ. નાવીકને પણ એમાં જોડાવું પડ્યું. મુનિરાજને લાગ્યું આ લોકો હવે મને ફેંકી દેશે. ત્યારે ઉભા થયા. અને એમણે પ્રેમથી કહ્યું તમારે મને નદીમાં ફેંકવો છે પણ, હું મારી મેળે નદીમાં જતો રહું તો ચાલે કે ન ચાલે? આખરે પેલા હિન્દુ લોકો હતા. એ તો બહુ સારું. તમે તમારી મેળે નદીમાં જતા રહો તો ઋષિ હત્યાનું પાપ અમને ન લાગે. એટલા માટે મુનિરાજે કહ્યું, પ્રભુ પરના પ્રેમને કારણે. એ પ્રભુ પરનો પ્રેમ, પ્રભુની આજ્ઞાના પ્રેમમાં રૂપાંતરિત થયેલો. મારા શરીરને આ લોકો થ્રો કરશે તો કેટલા બધા અપકાયના જીવની કિલામણા થશે. એના બદલે હું ધીરેથી મારા શરીરને નદીમાં પ્રવાહીત કરી દઉં. એ લોકોએ હા પાડી, શરીરને પુંજી લીધું અને ધીરેથી મુનિરાજ નદીમાં વહે છે. દીક્ષા લીધા પહેલાના એ તારું હતા, મોટા તારું. મોટી મોટી નદીઓને હાથથી તરી જનાર. પણ અત્યારે હાથ પણ હલાવવો નથી, પગ પણ હલાવો નથી. સીધી વાત- હાથ પગ હલાવો એટલે અપકાયના જીવની કિલામણા થાય. એવો પ્રભુનો પ્રેમ જેણે શરીરના પ્રેમથી પણ એને મુખરિત કરી દીધો.

સામાન્ય મનુષ્યને સૌથી વધારે રાગ પોતાના શરીર પર હોય છે. આ શરીર પરનો પ્રેમ પ્રભુના પ્રેમને કારણે ખતમ થઈ જાય છે. આ પ્રભુનો પ્રેમ આપણી પાસે છે. કેટલા બડભાગી છીએ આપણે, બોલો? આવો પ્રભુનો પ્રેમ મને અને તમને મળ્યો છે. પ્રભુ દિલ ફાડીને આપણને ચાહે છે. પ્રભુ એવું સુરક્ષા ચક્ર આપણને આપવા માંગે છે કે નોટ અ સેકન્ડ આપણે વિભાવમાં જઈએ. અને એના કારણે દુર્ગતીમાં આપણે ક્યારે પણ ન જઈએ એવું સુરક્ષાચક્ર આપણને પ્રભુ આપે છે. એનો પ્રેમ, એની કેર ક્યારેક તમે વિચારશોને તમને કલ્પનામાં પણ નહીં આવે, આટલો પ્રેમ કોઈ કરી શકે ખરું?

અને એટલે જ હેમચંદ્રાચાર્યે વીતરાગ સ્તોત્રના પ્રારંભમાં કહ્યું, “त्वं अकारण वत्सल:“. સામાન્ય મનુષ્ય કોઈ કારણને કારણે પ્રેમ કરતા હોય છે. મારો દીકરો, મારી દીકરી. પણ અહીંયા પ્રભુની પાસે અકારણ વાત્સલ્ય છે. માત્ર પ્રેમ છે. એમ કહી શકું કે લવ ફોર લવ. પ્રભુનો પ્રેમ જે છે એ લવ ફોર લવ છે. અને એની સામે આપણે devotion for devotion સુધી જવું છે. ભક્તિ હું કરીશ તારી, પણ મોક્ષ માટે નહિ. તારી ભક્તિ મને ગમે છે માટે કરીશ. મારા મોક્ષ માટે હું ભક્તિ કરું તો મોક્ષ નંબર એક ઉપર થાય અને ભક્તિ નંબર બે પર. પ્રભુની ભક્તિ નંબર વન છે. ડિવોશન ફોર ડિવોશન. એ જો લવ ફોર લવ કરતો હોય તો આપણે ડિવોશન ફોર ડિવોશન કેમ ન કરી શકીએ? હું તારી ભક્તિ કરીશ તો અકારણ. કોઈ કારણ મારી પાસે નથી, તારી ભક્તિ કર્યા વગર રહી શકતો નથી એ જ કારણ છે.

એ મુનીરાજનું શરીર નદીમાં વહે, દરિયામાં જાય તો વાંધો નથી. નદીએ છાલક લગાવી કાંઠે શરીર પડ્યું. ઉભા થયા મુનિરાજ. શરીર ભીનું છે, કપડા ભીના છે. જ્યાં સુધી પાણી ટપકી રહ્યું છે તેમના દેહમાંથી, વસ્ત્રમાંથી, ત્યાં સુધી નદીના કાંઠે ઊભા રહ્યા. તેથી પાણી નીતરે એ પાણીમાં ભળી જાય. કુદરતી રીતે શરીર અને વસ્ત્રો સુકાયા એ પછી મુનીરાજે વિહાર યાત્રા શરૂ કરી. આ હતો પ્રભુ પરનો પ્રેમ.

“મેરે પ્રભુશું પ્રગટ્યો પૂરણ રાગ!”

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *