વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : વૃત્તિઓનું ઉર્ધ્વીકરણ
માત્ર પ્રવૃત્તિઓનું શુભત્વ ન ચાલે; વિકારોને દૂર કરવા માટે વૃત્તિઓનું ઉર્ધ્વીકરણ જોઈશે. પ્રવચન શ્રવણ થકી વૃત્તિઓનું ઉર્ધ્વીકરણ આપણે કરવું છે.
સદગુરુ એટલે mind-transplant ના expert! સંજ્ઞાપ્રભાવિત મન સદગુરુના ચરણે સમર્પિત કરી દો અને આજ્ઞાપ્રભાવિત મન લઈ જાઓ!
પાપ કરતા પહેલા જે ચેતી જાય, તે પરમ સાધક અને પાપ થઇ જાય પણ તરત જ જેને બળાપો થાય તે સાધક. ક્યારેક તો એવું પણ બને કે પાપ ચાલતું પણ હોય અને મનમાં બળાપો પણ ચાલતો હોય.
પરમ સ્પર્શની યાત્રા – વેસુ ચાતુર્માસ વાચના – ૧૭
રશિયન નવલકથાકાર Tolstoy ની એક મજાની કથા છે. એને બે દીકરા છે. એક છ વર્ષનો, બીજો આઠ વર્ષનો! એકવાર આઠ વર્ષના દીકરાએ માં ને કહ્યું કે, મા! તારો પ્રેમ અજોડ જ હોય! મા ના પ્રેમની તુલના કરી શકાય નહિ. પણ આજે મારે તને કહેવું છે કે, તારા અમારા બે ના પ્રેમ કરતા, અમારો તારા પરનો પ્રેમ વધારે છે. મા હસવા લાગી. મા એ પૂછ્યું, શી રીતે? એણે કહ્યું, હિસાબ સીધો છે, તારે બે દીકરા છે. તારો પ્રેમ અડધો-અડધો વહેંચાઈ જાય. અમારે તો એક જ મા છે. અમારો બધો પ્રેમ તને મળે. Tolstoy ની કથા અહીંયા પૂરી થાય છે.
આપણે એ કથાને થોડીક આગળ વધારીએ. આપણી મા – પ્રભુમા ને અગણિત બાળકો છે અને છતાં એક-એક બાળકની એ Personal Care લઈ રહી છે. જેટલી મારી Care લે, એટલી જ આ મુનિ ભગવંતોની Care એ મા લે છે અને આ સાધ્વીજી ભગવંતીઓની Care એ મા લઈ રહી છે. અને તમારા બધાની Care પણ એ મા લઈ રહી છે. એણે જે પ્રેમ આપણા ઉપર વરસાવ્યો છે, એની કલ્પના પણ આપણે કરી ના શકીએ! આટલો બધો પ્રેમ! બસ એક માત્ર પ્રેમ એણે આપણા તરફ વહાવ્યા જ કર્યો, વહાવ્યા જ કર્યો, વહાવ્યા જ કર્યો! એ પ્રેમને જેણે ઝીલ્યો એનું જીવન પૂરેપૂરું બદલાઈ જાય.
એક ઘટના યાદ આવે. પાલનપુરમાં એક અગ્રણી શ્રાવક! પર્યુષણમાં 64 પ્રહરી પૌષધ કરેલા. ત્યાં એક પત્રિકા મુંબઈથી આવી, એમના નજીકના સંબંધીના દીકરાએ 16 ભત્તું કરેલું હતું અને પારણા પાંચમનું એનું પારણું હતું. પત્રિકા આવી ગઈ પણ એ ભાઈને 64 પ્રહરી પૌષધ હતો. અને સંઘમાં એ અગ્રણી હતા. રથયાત્રા, તપસ્વીઓનું બહુમાન, ચૈત્યપરિપાર્ટી આ બધા જ કાર્યક્રમો ચાર-પાંચ દિવસ સુધી ચાલવાના હતા. પાંચ દિવસ પછી એ મુંબઈ જાય છે. ખાસ પેલા યુવાનની 16 ભત્તાની સાતા પૂછવા. રાત્રે 10:00 વાગે બોમ્બે સેન્ટ્રલ ઉતર્યા. નજીકમાં જ સંબંધીનું ઘર હતું. કારમાં ત્યાં પહોંચી ગયા 10:15 વાગે. એ વખતે પેલા યુવાનનું Routine ચાલુ થઈ ગયેલું. પહેલાની જેમ રોજ રાત્રે 10:00 વાગે ઘરે આવે, એ રીતે આજે પણ 10:00 વાગે રાત્રે ઘરે આવેલા. હાથ મોઢું ધોઈ Fresh થઈ, Dining Table ઉપર બેસી, ભાખરી અને શાક ગરમા-ગરમ ખાઈ લેવું. એ વખતે પેલા પાલનપુરવાળા ભાઈ એના ઘરમાં આવે છે. 16 ભત્તાવાળાની, જેની શાતા પુછવા આવ્યા છે, એ રાત્રે 10:15 વાગે ગરમા-ગરમ ભાખરી અને શાક ખાઈ રહ્યો છે. પાલનપુરવાળા ભાઈ ખુબ અહોભાવથીહાથ જોડી એ યુવાનને નમસ્કાર કરે છે. એક મિનિટ આપણે થોભીએ. તમે હોવ તો શું થાય? શું વિચાર આવે? લ્યો, આ 16 ભત્તું કર્યું, મોટી-મોટી પત્રિકા છપાવી, પાંચ દિવસ થયા નથી અને ભાઈ સાહેબ રાત્રે ઠોકવા માટે મંડી પડ્યા છે. એ પાલનપુરવાળા ભાઈ પર પ્રભુની એવી કૃપા ઉતરેલી કે પૂરું Vision ફેરવાઈ ગયું.
અમારા બધાનું એક Positive Attitude હોય છે. હું તો વારંવાર કહું છું કે, પ્રભુએ મને જે ભેટો આપી છે, એ પૈકીની શિરમોર ભેટ છે Positive Attitude. શ્રી સંઘ પ્રત્યે અને સામાન્યજન સમુદાય પ્રત્યે પણ એક Positive Attitude રહેલો છે અને એથી ક્યારે પણ કોઈના દોષ દેખાયા એવું બની શક્યું નથી. તમારા બધામાં રહેલા સિદ્ધત્વનો રોજ હું આદર-સત્કાર કરું છું. નમો સિધ્ધાણં જ્યારે હું બોલું છું, ત્યારે તમને બધાને હું ઝૂકું છું. તમારામાં સિદ્ધત્વ રહેલું છે, એને પ્રણામ હું કરું છું.
તો, પ્રભુએ એક મજાનો Positive Attitude આપી દીધો, હકારાત્મક વલણ! એ ભાઈ પાસે પણ આ Positive Attitude હતો. આજે તો Negativity એટલી બધી વધી છે કે Motivational Speakers નો રાફડો ફાટ્યો છે. કારણ, લોકોને Negativityમાંથી Positivityમાં આવવું છે. પણ જિનશાસન જેને મળ્યું એ તો માત્ર અને માત્ર Positivityમાં જ હોય. મેં પહેલા એક Practical Approach તમને આપેલો. શક્ય બને તો આજથી જ શરૂ કરી દેજો. આજે ભલે મોડું થયું છે, પણ રોજ સવારે ઉઠો, સૌથી પહેલા તમે શું કરો? આપણે ત્યાં કહ્યું છે, “પ્રભાતે કર દર્શન” બંને હથેળીને તમે જોડો, સિદ્ધશિલાનો આકાર થાય. એ સિદ્ધશિલા એ મારું ઘર છે. અત્યારે જ્યાં રહું છું, રૈન બસેરા છે. એ પછી એક Positive Attitude 10 મિનિટ માટે લાવવાનો છે. તમારા મનને માત્ર હકારાત્મક વિચારોથી ભરી દો. કેટલો હું બડભાગી! પ્રભુનું શાસન મને મળ્યું! 8 અબજ માણસોથી છલકાતી આ દુનિયા! એમાં પ્રભુનું શાસન મળ્યું હોય, એવા કેટલા? થોડાક કરોડ! એમાં તમારો નંબર લાગી ગયો, પ્રભુનું શાસન મળ્યું, પ્રભુની સાધના પદ્ધતિ મળી. સુરત જેવા શહેરમાં રહેવાનું મળ્યું. જ્યાં બારે મહિના વેશ પરમાત્માના દર્શન થયા જ કરે. દસ મિનિટ જો તમે Positivity ને આપી દો, આખો દિવસ તમારો મજાનો જશે.
એ પાલનપુરવાળા ભાઈ પાસે આ Positive Attitude હતો. એમણે વિચાર કર્યો કે આ યુવાને સવારે ઘરે નાસ્તો કર્યો હશે. ઓફિસે જઈને ચા પીધી હશે. બાર વાગ્યે ટિફિનમાંથી ગરમા-ગરમ રોટલી-શાક ખાધા હશે. ત્રણ વાગે ચા પીધી હશે. પાંચ-સાડા પાંચે પાછું Fruits ને હળવો નાસ્તો કર્યો છે અને છતાં એને રાત્રે 10:00 વાગે ખાવું પડે છે. આવો યુવાન અને 16 ભત્તુ કર્યું? વાહ! એ પાલનપુરવાળા ભાઈએ કહ્યું, શું પ્રભુની કૃપા અને એ પ્રભુની કૃપાને તમે ઝીલી લીધી! ગુરુદેવના પચ્ચખાણની તાકાત એને તમે ઝીલી લીધી. તમે 16 ભત્તુ કરી શક્યા, ખરેખર ધન્યવાદ છે! તમે આ Positive Attitude લાવી શકો કે નહિ?
ગુલાબને જોયેલું છે? ગુલાબ અને કાંટા ભેગા જ હોય છે. એક સાહચર્ય છે એમનું! તમે શું જોશો? કાંટામાં ગુલાબ કે ગુલાબમાં કાંટા? ગુલાબ કાંટાની વચ્ચે છે. આટલી કોમળ-કોમળ ગુલાબની પાંદડીઓ અને કાંટાથી વિંધાઈ રહી છે. પણ કાંટાની અંદર સર્જનહારે કેવી કળા કરી! ગુલાબના નાજુક પુષ્પને મૂકી દીધું. વાત એકની એક જ છે. તમે કયા દ્રષ્ટિકોણથી જુઓ છો, એની વાત છે. અને આ દ્રષ્ટિકોણ આવે, તો અમારી જેમ પ્રભુ શાસનના એક પણ અંગ ઉપર ક્યારે પણ તિરસ્કાર ના થાય. કોઈ વ્યક્તિ આવી જાય અને કહી દે, પેલા મહારાજ સાહેબ, એમનામાં આમ ઠેકાણું નથી. તરત તમે કાન બંધ કરી દેજો અને કહેજો કે પંચમહાવ્રતધારી મહાત્મા છે, આપણા કરતાં ઘણા ઊંચા છે અને એમનામાં શિથિલતા હશે તો એમના ગુરુદેવ જોશે. આપણે એને જોવાની હોતી નથી. જિનશાસનના એક પણ અંગની ક્યારેય પણ નિંદા કરવી નહિ. નિંદા સાંભળવી નહીં.
એક બહુ મજાની ઘટના તમને કહું. ક્યારેક કોઈની નબળી વાત સાંભળી, તમે તરત જ એને Spread Out કરવા માંડો છો, એના માટે એક મજાની ઘટના તમને કહું. એક સાધક- જો કે બહારથી સાધના કરતો હતો; ભીતરથી એ સાધક નહોતો. બે શબ્દો આપણે ત્યાં છે, પ્રવૃત્તિ અને વૃત્તિ. પ્રવૃત્તિ શુભની હોઈ શકે, વૃત્તિ કઈ છે? વેદોમાં એક શબ્દ આવે છે, “ઊર્ધ્વરેતસ્!” કોઈપણ સાધક ઊર્ધ્વરેતસ્ જોઈએ. એટલે કે એની વૃત્તિઓનું ઉર્ધ્વીકરણ થયેલું હોવું જોઈએ. મહાપુરુષોના ફોટાને જુઓ, તમને લાગે ચહેરા ઉપર કેટલું બધું તેજ છે! એ જે તેજ છે એ વૃત્તિઓના ઉર્ધ્વિકરણને કારણે આવે છે. અનંત જન્મથી આપણી વૃત્તિઓ નિમ્નગામીની રહી, નીચે ઉતરનારી રહી. આ એક જ જન્મ એવો મળ્યો છે, જ્યાં આપણે આપણી વૃત્તિઓને અને આપણા વિચારોને ઉચકવાના છે.
હું તો પ્રભુ શાસન પર, પ્રભુની સાધના પદ્ધતિ પર ઓવારી ગયેલો છું. દુનિયાની બધી જ સાધના પદ્ધતિઓ જોઈ. Therotically તો જોઈ. વિપશ્યના જેવી કેટલીયે સાધનાઓ Practically પણ મેં કરી. એ પછી ડંકાની ચોટ પર એક અધિકારી વિદ્વાનના રૂપમાં હું કહી શકું કે પ્રભુની સાધના પદ્ધતિમાં વ્યવહાર અને નિશ્ચયનું જે Balancing છે, એ દુનિયામાં ક્યાંય નથી. બડભાગી છીએ આપણે કે વ્યવહાર અને નિશ્ચયનું આટલું મજાનું બેલેન્સિંગ આપણને મળ્યું. વ્યવહાર આટલો સરસ ક્યાં મળશે? દુનિયામાં આવી નિર્દોષચર્યા દુનિયામાં બીજે ક્યાં મળી શકે? પ્રભુએ કેવું સંયમ જીવન આપણને આપ્યું! એક પણ પાપ થાય નહિ, વિરાધના થાય નહિ અને છતાં સાધના માટે શરીરને સાચવવું જેટલું જરૂરી હોય એટલું સચવાઈ પણ જાય. આ વ્યવહાર સાધના ખરેખર વ્યવહાર સાધના ક્યારે બની શકે? જ્યારે એ નિશ્ચયમાં રૂપાંતરિત થાય ત્યારે. નહીંતર પ્રભુની સાધના મળી, પણ આપણા માટે એ વ્યવહારાભાસ સાધના બની જશે.
ચાલનારા બે જાતના હોય, એક Morning Walkers અને એક લક્ષ્ય લઈને ચાલનારા. ડોક્ટરે કહ્યું Hyper Tention છે, ડાયાબિટીસ છે. પાંચ કિલોમીટર રોજ ચાલો. અઢી કિલો મીટર ઘરથી દૂર જશો, પછી Back To Home. હતા ત્યાં ને ત્યાં! લક્ષ્ય લઈને જે યાત્રિક નીકળેલો છે, એ અહીંથી જશે. પડાવ પર પડાવને વિતાવશે અને શંખેશ્વર કે પાલિતાણા પહોંચી જશે. આટલા વર્ષોથી સાધના કરી, તમે ક્યાં છો? જે રાગ, જે દ્વેષ, જે અહંકાર તમારી પાસે પહેલા હતા, એમાં ઘસારો પડ્યો? આપણે Morning Walkers નથી. અઢી કિલોમીટર ચાલ્યા, અઢી કિલોમીટર Back To Home. હતા ત્યાં ને ત્યાં! એ જ વૃત્તિઓ, એ જ વિચારો, એ જ રાગ, એ જ દ્વેષ, એ જ અહંકાર! તો વૃત્તિઓનું ઉર્ધ્વીકરણ કરવું છે. સાધક એ છે જેને પ્રવૃતિ તો શુભ છે જ! જેના વિચારો પણ શુભ છે, પવિત્ર છે.
હું અત્યારે બે વાત ઘણીવાર કહું છું, તળેટી પર આપણે હોઈએ અને શિખર પર આપણે જવું હોય, પાલીતાણા જઈએ એટલે તળેટીએ જઈએ, ચૈત્યવંદન કરીએ. લક્ષ્ય છે દાદા પાસે જવાનું! 24 કલાક મનને શુભ યોગમાં રાખવુ એ તળેટી છે. અને શુદ્ધમાં છલાંગવું એ શિખર તરફની યાત્રા છે. તમે પણ આ કરી શકો. પ્રવૃત્તિ ભલે ધંધાની છે, ઓફિસે ગયેલા છો. તમે ઘરે છો, રસોઈ કરી રહ્યા છો. પ્રવૃત્તિમાં વિરાધના છે. પણ એ વિરાધનાનો ડંખ છે, તો વૃતિમાં શુભત્વ-નિર્મળતા આવી જાય.
તો, ખરો સાધક એ છે જેની પ્રવૃત્તિમાં પણ શુભત્વ છે, વૃત્તિમાં, વિચારોમાં પણ શુભત્વ છે. એટલે આખીય સાધના વૃત્તિઓના ઉર્ધ્વીકરણની છે. ધીરે-ધીરે-ધીરે વિચારોને ઊંચકો અને એના માટે એક Short Cut આપું તમને? મન પ્રભુને આપી દો અથવા અમને આપી દો. હું તો Mind Transplantation નો નિષ્ણાંત માણસ છું. તમારું જૂનું મન આપો, નવું મન તમને આપી દઉં. સંજ્ઞા વાસિત, સંજ્ઞા પ્રભાવિત મન આપી દો, આજ્ઞા પ્રભાવિત મન તમને આપી દઉં. Mind Transplantation કરવું છે? કોઈ ઝંઝટ ના રહે પછી!
પેલો સાધક પ્રવૃત્તિથી સાધક હતો, વૃતિમાં સાધના નહોતી. એકવાર એક સાધકનું કોઈ નબળું પાસુ એણે સાંભળ્યું. એ સાંભળ્યા પછી એની નબળી વૃત્તિ જે હતી, એ એકદમ ઉદ્દીપ્ત થઈ ગઈ અને એને થયું કે આ વાત Spread Out કરું. બે-ચાર જણાને એણે વાત કરી. છેલ્લે એણે વિચાર્યું કે, ગુરુદેવને પણ વાત કરું કે આ સાધક આવો છે. મેં એના માટે આવું સાંભળ્યું છે. ગુરુની ચેમ્બરમાં ગયો તો ભક્ત ઘણા બેઠેલા હતા. ગુરુ એકાંતમાં હોય એવો સમય એને મળતો નથી. એકવાર ગયો, બીજી વાર ગયો, ત્રીજી વાર ગયો, ચોથી વાર ગયો. સદગુરુ Face Reading ના Master હતા. એમને પેલી વાત તો ખ્યાલ આવી ગયેલી. આનો ચહેરો જોયો. ખબર પડી ગઈ. ભાઈ સાહેબ, આ વાત મને કરવા માટે આવે છે! પાંચમી વાર પેલો આવ્યો. ગુરુ એકાંતમાં હતા. એણે ગુરુને વંદન કર્યું કે સાહેબ મારે એક વાત કરવી છે. ગુરુ કહે, મને ખબર છે. ગુરુ કહે છે કે પહેલા મારા ત્રણ પ્રશ્નનો જવાબ આપ પછી તારી વાત હું સાંભળીશ. આખરે ગુરુ તો ગુરુ છે. ગુરુ પાસે ગયા પછી તમારે ગુરુની વાત સાંભળવી જ પડે. ગુરુ કહે છે કે મારા ત્રણ પ્રશ્નનો જવાબ આપ. પહેલો પ્રશ્ન: તે જે વાત સાંભળી છે એ કોઈના મોઢે સાંભળેલી છે, તે નજરે કઈ જોયું નથી. તો પહેલો પ્રશ્ન મારો એ છે કે આ વાત સાચી હોઈ જ શકે એવું તું માને છે? નજરે જોયેલું પણ ખોટું હોઈ શકે. છે તમને આ વિશ્વાસ? નજરે જોયેલું ખોટું હોઈ શકે, સદગુરુ કહે તે ખોટું ના હોય! છે આ શ્રદ્ધા?
સ્થૂલભદ્રજીની સાત સાધ્વી બહેનો ગુરુદેવ પાસે આવી. ગુરુદેવ અમારા ભાઈ મહારાજ સાહેબ ક્યાં છે? ગુરુદેવે કહ્યું પેલી ગુફામાં જાઓ. ત્યાં સ્વાધ્યાય કરે છે. સ્થૂલભદ્રજી એટલા વિદ્યાના, મંત્ર-તંત્રના જાણકાર થઈ ગયેલા કે બહેનો આવી રહી છે એ એમને ખ્યાલ આવે છે. અને પોતાની વિદ્યા દ્વારા સિંહનું રૂપ ધારણ કરીને બેસી ગયા. સાત બહેનો ત્યાં આવી ગુફા નાનકડી! સિંહ બેઠેલું, આજુબાજુ કોઈ ખાંચો નથી, ખૂણો નથી, માત્ર સિંહ છે. સાત બહેનો પાછી ફરી. ગુરુદેવને કહ્યું, ગુરુદેવ ત્યાં તો ભાઈ મહારાજ નથી, સિંહ છે! ગુરુએ ધ્યાનથી જોયું. તમારે Remote Control દબાવવું પડે. અમારે તો એ પણ નહિ. ગુરુએ ધ્યાનનો ઉપયોગ મૂક્યો. ખ્યાલ આવી ગયો સ્થૂલભદ્ર સિંહ બનેલો હતો. પાછો મૂળરૂપમાં આવી ગયો છે. ગુરુદેવે કહ્યું સ્થૂલભદ્ર ત્યાં જ છે જાઓ. હમણાં જ નજરે જોઈને આવ્યા છીએ, ભાઈ મહારાજ છે નહિ. ખૂણો-ખાંચણો નથી કે ક્યાંય છુપાઈ શકે. સિંહ જ છે. પણ કેવી શ્રદ્ધા ગુરુ પર! નજરે જોયેલું ખોટું હોઈ શકે, સદગુરુ કહે એ ખોટું ના હોય! એ સાત બહેનો ફરીથી એ ગુફા તરફ પગને ઉપાડે છે. પગમાં કોઈ જીજક નથી, કોઈ કંપન નથી. કેમ? નજરે જોયેલું ખોટું હોઈ શકે, ગુરુદેવ કહે તે ખોટું ના હોય.
અહીંયા ગુરુ પૂછે છે કે નજરે જોયું નથી, ખાલી કાને સાંભળ્યું છે. તું સાધક છે. તું એમ કહી શકે કે 100% ઘટના ઘટી જ હશે? નજરે જોયેલું હોય તો પણ ખોટું હોઈ શકે. એક માણસે નજરે જોયુ. શું જોયું? દરિયાની રેતમાં થોડે દુર એક માણસ બેસેલો. એની જોડે એક બહેન હતી અને સીસામાંથી એ કંઈક પીતો હતો. પેલાએ કલ્પના એ કરી, દારૂડિયો માણસ છે અને કોઈ હલકી સ્ત્રીને લઈને આવ્યો છે. નજીક ગયા પછી એને ઓળખ્યો ત્યારે ખબર પડી એ તો સજ્જનોનો પણ શિરમોર માણસ હતો. બાટલામાં પાણી હતું અને જોડે હતી એ એની સગી બહેન હતી. નજરે જોયેલું ખોટું હોઈ શકે.
તો, ગુરુ કહે છે તે માત્ર કાનથી સાંભળ્યું છે એ સાચું હોઈ શકે એમ તું માને છે? પેલો શું કહે? સાહેબ! સાચું ન પણ હોઈ શકે! બીજી વાત, બીજો પ્રશ્ન! તું મને કહેવા આવ્યો છે, ઠીક છે. મને કંઈ કહે તો કંઈ અસર થવાની પણ નથી. કારણ, કોઈના પણ સ્ખલનની વાતો સાંભળીને મને કોઈના પ્રત્યે તિરસ્કાર થવાનો જ નથી. સદગુરુના હૃદયનો વૈભવ કેવો હોય છે? તમારી આલોચનાઓને વાંચે છે. એક સદગૃહસ્થ છે. ધર્મ સંઘમાં જેનું સ્થાન સર્વોપરી હોય, એ માણસે જે પાપો કરેલા હોય, તેની નોંધ એ ગુરુને આપે. એ નોંધ વાંચતા ગુરુને એ વ્યક્તિ પ્રત્યે સહેજ પણ તિરસ્કાર ના થાય અને ઉપરથી અમને લોકોને અહોભાવ થાય કે આવા પાપો કરેલા છે અને એના પ્રત્યે એને તિરસ્કાર થયો! પાપો પ્રત્યે જેને તિરસ્કાર થાય એ બડભાગી માણસ છે!
તો ગુરુ કહે છે કે તું મને કહીશ એની મને અસર થવાની નથી પણ તું ચાર-પાંચ જણાને કહીને આવ્યો છે અને બીજાને આ વાત તું કહેવા જવાનો છે. મને બીજા પ્રશ્નનો જવાબ આપ કે જે આ વાત સાંભળશે એને શું લાભ થવાનો? મને કહે, જે સાંભળશે કે પહેલા સાધકે આવું અકાર્ય કર્યું, એ સાંભળનાર એને પચાવી નહિ શકે. એને વ્યક્તિ ઉપર તિરસ્કાર થશે. તો તું એને સંભળાવીશ, એનાથી એને લાભ થવાનો કે નુકસાન થવાનું? પેલાએ કહ્યું નુકસાન થવાનું.
ત્રીજો પ્રશ્ન: તું આ વાત આટલા રસથી બીજાને કહેવા ઈચ્છે છે, તું જે લયથી આ વાતને કરે છે, એમાં એ વ્યક્તિ પરનો તારો દ્વેષ સમાયેલો છે. એ વ્યક્તિ પરના આટલા દ્વેષથી તને શું મળશે? ખ્યાલ આવ્યો તને? કેટલો કર્મબંધ તુ કરીશ! તો ગુરુ કહે છે, જે વાત ખોટી પણ હોઈ શકે, જે સાંભળવાથી સાંભળનારને નુકસાન છે, જે બોલવાથી બોલનારને નુકસાન છે, એ વાતો તારે Spread Out કરવી છે અને તું માને છે, તું સાધક છે? પેલો શરમાઈ ગયો અને એણે એ જ વખતે નિયમ લીધો કે ગુરુદેવ મને નિયમ આપો કે ક્યારેય પણ આવી વાત સાંભળું તો મારા મનમાં એને દબાવી દઈશ. ક્યારે પણ એ વાતને કોઈની આગળ ખુલ્લી નહિ કરું.
By The Way, એક સવાલ તમને પૂછું. કોઈ વ્યક્તિમાં કોઈ દોષ દેખાયો, તમને ખરાબ કોણ લાગે? દોષ ખરાબ લાગે કે દોષી વ્યક્તિ ખરાબ લાગે? ખરાબ કોણ લાગે? પહેલા પણ મેં કહેલું રોગ ખરાબ કે રોગી ખરાબ? તમારો Close Friend છે, દૂર રહે છે, તમને સમાચાર મળ્યા કે બીજા ટેસ્ટિંગ કરાવતા કેન્સર Detect થયું છે એને! અને ડિટેક્ટ થયું, ત્યારે છેલ્લા સ્ટેજમાં આવેલો છે. તમે એ સાંભળો કે મારા Close Friend ને છેલ્લા સ્ટેજનું કેન્સર થયું છે, એ સાંભળ્યા પછી તમારો પ્રતિભાવ શું હોય? સાલાને કેન્સર થયું એવો પ્રતિભાવ હોય? પ્રતિભાવ શું હોય? અરે એને કેન્સર થયુ? હૃષ્ટપુષ્ટ માણસ, એકદમ સ્વસ્થ માણસ! ક્યારેય Metacin કે Salitol એણે લીધેલી નથી. તાવ પણ જેને આવેલો નથી, માથું દુખવા જેને આવેલું નથી ક્યારેય, એ માણસને થર્ડ સ્ટેજનું કેન્સર? એટલે પ્રતિભાવ સંવેદનાત્મક હોય ને તમારો? કે ધિક્કારથી ભરેલો હોય? કેન્સર ખરાબ! કેન્સર જેને થયેલું છે એ વ્યક્તિ સારી કે ખરાબ? એ વ્યક્તિ સારી ને! એમ દોષ જેનામાં છે, એ વ્યક્તિ ખરાબ કે દોષ ખરાબ? એ જ દોષને તમે લઈને બેઠેલા હોવ પાછા અને પેલો માણસ એની જોડે જવાતું હશે? અહંકારનું પૂતળું છે. એ અહંકારનું પૂતળું છે, તું શું છે, એ જોયું?
મારા દાદા ગુરુદેવ ભદ્રસુરી દાદા! 11 વર્ષની વયે મેં દીક્ષા લીધી. મારું આખું શૈશવ દાદા ગુરુના ચરણોમાં ગયું. દાદાની જોડે બેસવાનું. ભણ્યા કર્યું, ગોખાઈ ગયું. એકવાર એવું બન્યું, એક ગામમાં અમે હતા. એ જ ગામની એક વ્યક્તિ આવી. એ ભાઈ એકલા જ હતા. દાદા ગુરુદેવ બાજુમાં જાપ કરતા હશે. હું બેઠેલો અને મારી જોડે એણે વાત શરૂ કરી. સાહેબ, પેલા ભાઈ છે ને આમ ધર્મનું પૂંછડું ગણાય. પૂજા કરવા નીકળે ને ત્યારે તો Up To Date કપડા અને પેટી જોઈ હોય તો! પણ અંદર બધું પોલમ પોલ છે. કેટલાયના એ પૈસા ઠોકી ગયેલ છે. આ બધી વાત એણે કરી. હવે સાધક તરીકે મારે સાંભળવી જોઈતી નહોતી. મારે કહેવું જોઈતું હતું કે ભાઈ! કોઈની પણ સારી વાત કરવાની હોય તો બરાબર છે. કોઈની નબળી વાત મારાથી સાંભળી શકાય નહિ. પણ હું થોડો અણજાણ માણસ! હું પણ એ ગાડીમાં ચડી બેઠો કે આ મેં પણ સાંભળ્યું છે એમના માટે.
દાદા ગુરુદેવ બધુ સાંભળતા હતા. પેલા ભાઈ ગયા પછી મને બોલાવ્યો. મને એમણે પૂછ્યું કે દીક્ષા લેતા પહેલા તું વેપારીનો દીકરો હતો? મને નવાઈ લાગી કે દાદા ગુરુદેવ આ પ્રશ્ન કેમ પૂછે છે! એમને તો બધો ખ્યાલ છે. અમે લોકો પહેલા કોણ હતા? શું હતા? બધું જ દાદાને ખ્યાલ છે. હું જૈન હતો, વેપારીનો દીકરો હતો. બધું જ ખ્યાલ છે. મેં કીધું, સાહેબ આપને તો ખ્યાલ છે હું વેપારીનો દીકરો જ હતો. ત્યારે એમણે મને કહ્યું, કે વેપારીનો દીકરો ખોટનો ધંધો કરે? મેં કીધું ના કરે. એના લોહીમાં જ ઉતરી ગયેલું હોય કે Profit ક્યાં છે એને જોઈ લેવું. મને એમણે કહ્યું, પેલો તો શ્રાવક હતો. એણે કોઈની નિંદા કરી, તે એને સાંભળી એ પહેલો ગુનો. અને પછી તું એની ગાડીમાં ચડી બેઠો અને તે કહ્યું, હા મેં પણ એના માટે આવું સાંભળ્યું છે. એક સાધક તરીકે તારા માટે આ ખોટનો ધંધો નથી? વેપારીનો દીકરો ખોટનો ધંધો કરે?
તમને એકદમ સરળતાથી સમજાવું. કોઈ મહાપુરુષ, કોઈ શ્રેષ્ઠ સાધક છે. બની શકે, તમે જોયું કે નાની-નાની બાબતમાં એમને ગુસ્સો આવી જાય છે. એ પોતે જ્ઞાની છે. ક્રોધના ઉદયમાં પોતાને ભાન નથી રહેતું. એમનો એને બળાપો છે. પ્રભુ પાસે રોજ એ પોષ-પોષ આંસુએ રડે છે. કે પ્રભુ! હું તારો ભક્ત અને છતાં ક્રોધ મને કેમ આવી શકે? પ્રભુ મારી તો ઠીક છે, પ્રતિષ્ઠા શું! તારી પ્રતિષ્ઠા કેટલી મોટી! હું તારો ભક્ત અને ક્રોધ મારામાં હોય, તને શોભે ખરું? તમે ભગવાનને ક્યારેય કહ્યું? ભગવાન જોડે લડાય .નાનો દીકરો ક્યાંક ગયેલો હોય. એના કપડાં બરાબર ના હોય. બીજા બધા હસે. એ ઘરે આવીને એની મા ને કહે છે કે તને ખબર નહોતી મારે Reception માં જવાનું હતું. તો નવા કપડાં મને પહેરાવવા જોઈએ ને. એમ પ્રભુને ના કહો કે જિનશાસન તે મને આપ્યું. મારામાં કયા ગુણો જૈન તરીકે જોઈએ, એ પ્રભુ તને ખ્યાલમાં નથી? તો એ ગુણો તે મને કેમ નહિ આપ્યા? કહો પ્રભુને! એ શ્રાવકને ગુસ્સો આવે છે વાત-વાતમાં! છતાં એ પ્રભુની પાસે જઈને પોષ-પોષ આંસુએ રડે છે અને છતાં એવો ઉદય ભયંકર છે કે સાહેબ નિમિત્ત મળ્યું નથી કે ઉદયમાં સપડાયા નથી. પણ જ્ઞાની છે. જ્ઞાની માણસ જલ્દીથી છૂટી શકે. પાપ થયું ખરું. ક્રોધ થયો ખરો. પણ રાચીમાચીને થયો નહિ.
પૈસા કમાયા. હમણાં તો જે આવે એ શું કહે? મંદી જ મંદી છે! અમારે ત્યાં તેજી છે હો! ધર્મસ્થાનકોમાં જ તેજી છે, બાકી બધે મંદી છે. ધારો કે તેજી હોય, ખૂબ કમાયા તો પણ તમારા મનમાં એટલો બધો આનંદ ના હોય. પ્રભુ મળે અને જે આનંદ હોય, એક સાધના મળે અને જે આનંદ હોય, એવો આનંદ શ્રાવકને ક્યારેય પણ સંપત્તિની પ્રાપ્તિમાં ન હોઈ શકે.
તો, પેલા સાધકને ક્રોધ આવે છે, એ તમે જોયું. જોઈને તમે શું કરવાના? લો ભાઈ, આટલા મોટા સાધક, આચાર્ય ભગવંતો પણ કહે કે આમની સાધના ઊંચી છે. એમને જ આટલો ગુસ્સો આવે છે તો આપણને આવે તો એમાં શું વાંધો? આ ખોટનો ધંધો થયો કે નહિ? તમારા ક્રોધ પ્રત્યે તમને જે પશ્ચાતાપ થવાનું હતું, એને બદલે તમે તમારા ક્રોધનો બચાવ કર્યો. પાપ થઈ જાય એ અલગ વસ્તુ છે, પણ એ પાપોનો ભયંકર પશ્ચાતાપ એક સાધકની પાસે હોવો જ જોઈએ. પાપ કરતા પહેલા જે ચેતી જાય એ પરમ સાધક છે અને પાપ થઈ જાય અને તરત જ જેને બળાપો થાય એ સાધક છે. ક્યારેક તો એવું બને કે પાપ ચાલતું પણ હોય અને મનમાં બળાપો થાય. આસક્તિ પણ થતી હોય સંપત્તિ પ્રત્યે અને એ આસક્તિ પ્રત્યે તમને તિરસ્કાર પણ થતો હોય.
આ પ્રવચન સાંભળીને વૃત્તિઓનું ઉર્ધ્વી કરણ આપણે કરવું છે. પ્રવૃત્તિમાં શુભત્વ હોય એટલા માત્રથી ચાલશે નહીં. તમારા વિચારોને ઉચકવાના છે. એકદમ સરળ વાત છે. ઓફિસે ગયેલા છો, ધંધો ચાલી રહ્યો છે. નીતિમત્તાથી, Morality થી તમારે ધંધો કરવો છે. પ્રભુની આજ્ઞા પ્રમાણે શ્રાવકત્વની દિશામાં તમારે ચાલવું છે. તો એ વખતે પણ તમારા વિચારો પવિત્ર હશે. ઓફિસમાં જાઓ ને પહેલા પ્રભુના ફોટાને વંદન કરો, પછી ગુરુદેવના ફોટાને વંદન કરો. કેવા ગુરુદેવો આપણે ત્યાં હતા! માસક્ષમણને પારણે વહોરવા માટે જાય. નિર્દોષ ભિક્ષા મળે તો કહેતા ચાલો સાધના વૃદ્ધિ! અને નિર્દોષ ભિક્ષા ન મળે, 31 માં દિવસે ઉપવાસ થાય તો કહેતા તપોવૃદ્ધિ! મળ્યું તો સાધના વૃદ્ધિ, ન મળ્યો આહાર તો તપોવૃદ્ધિ! તમે એ મહાત્માનું દર્શન કરી ઓફિસમાં બેઠેલા હોવ, પૈસા મળ્યા તો શું થયું? ધર્મની વૃદ્ધિને? કારણ કે તમારી સંપત્તિ ક્યાં ખર્ચાવવાની છે? સંસારમાં ઓછી, અહીંયા વધારે! બરાબરને? 10% ત્યાં અને ૯૦% અહીંયા બરાબરને? કે ૯૦% ત્યાં અને 10% અહીંયા? કે 99% ત્યાં અને 1% અહીંયા? Ratio કયો છે?
તો, સંપત્તિ મળી. સારું થયું. એક સંઘ કઢાવો છે, ઉપધાન કરાવું છે, આ કરાવું છે, કેટલા લોકો મારી પાસે આવે છે. કેટલાને કેટલી ઈચ્છા હોય છે. અમારા જેવાઓના પાંચ-પાંચ વર્ષના બુકિંગ નક્કી થયેલા હોય છે. હમણાં એક ભાઈને 82માં ઉપધાન માટેનું મુહૂર્ત આપ્યું 2082માં! 2079 ચાલે છે. 2080માં Full છે 2081 માં Full છે. 2082 માં આપ્યું. એટલા બધા લોકોને એટલી બધી આરાધના કરવી છે, કરાવવી છે.
તો, સંપત્તિ મળી, ધર્મ વધ્યો. સંપત્તિ ન મળી, આસક્તિ ઘટી. બે બાજુ લાભ! આવી મજાની વૃત્તિઓ, આવા મજાના વિચારો, તમને સતત મળે એવી પ્રાર્થના.