વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : ધ્યાન
તમે ઈચ્છો ત્યાં મન જાય કે મનને જ્યાં જવું હોય ત્યાં જાય? શુભ વિચારો આવતાં હોય, તો આવવા દો. જે ક્ષણે અશુભ વિચાર થાય, એ ક્ષણે મનને switch off કરી દો. Meditation તમને તમારા મન પરનું આવું નિયંત્રણ આપે છે.
શુભ વિચારો એટલા માટે છે કે એ અશુભ વિચારોને કાઢે. અયોગી બનીશું, ત્યારે શુભ વિચારોને પણ છોડી દેવાના છે. જે ક્ષણે અશુભ વિચારો નીકળી ગયા totally, પછી શુભ વિચારોની પણ જરૂરિયાત નથી. પછી અશુભ અને શુભ બંને નીકળી જાય; શુદ્ધની અવસ્થા આવે.
બહાર વિચારોનો ઘોંઘાટ છે. તમારી ભીતર અપાર શાંતિ છે; અપાર આનંદ છે. ધ્યાનમાં મન સ્થિર થાય, એટલે તમારા એ આનંદનો તમે અનુભવ કરી શકો છો.
ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૨૧
“ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો”
પ્રભુ મારા માટે પરમ પ્રિય છે. પ્રભુથી પ્રિય વધુ કોઈ છે નહિ, હોઈ શકે પણ નહિ. એક આસ્વાદ પ્રભુનો મળે. બીજું બધું છોડવું ન પડે. છૂટી જાય. એની સુગંધ, એનો આસ્વાદ, અદ્ભુત. જ્યાં સુધી એ આસ્વાદ મેં અનુભવ્યો નહોતો, ત્યાં સુધી મારા માટે પણ એ શબ્દોનો વિષય હતો. કે કંઈક મજાની ઘટના ઘટે છે. પણ એ ઘટના ઘટી. પ્રભુએ કૃપા કરી. અને એનું સ્વરૂપ દેખાડ્યું. એની સ્વરૂપદશાનો આંશિક આસ્વાદ આપ્યો. હવે જે આનંદ છે beyond the words. Beyond the imagination. કલ્પના કરી ન શકાય, કે આવો આનંદ હોઈ શકે. પદાર્થો મળે, વ્યક્તિઓ મળે, અને ત્યારે જે મનોદશામાં ફેરફાર થાય છે એને આપણે રતિ અથવા અરતિ કહી શકીએ. પ્રિય વ્યક્તિ મળી… રતિ ભાવના આંદોલનો ભીતર ઉઠ્યા. પણ રતિ જુદી ચીજ છે. આનંદ અલગ ચીજ છે. રતિ સંયોગ જન્ય છે. રતિ પરાધીન છે. મનગમતી વ્યક્તિ મળે તો તમે મજામાં નહીતર સજામાં. રતિ પરાધીન અવસ્થા છે. આનંદ સ્વાધીન અવસ્થા છે.
બસ, પ્રભુની એ નિર્મળ ચેતનાનો આસ્વાદ કરો. અને ખ્યાલ આવે કે મારી પાસે પણ આવી નિર્મળ ચેતના છે. તમે તમારી નિર્મળ ચેતનાનો આસ્વાદ કરો. આ ઘટના ઘટ્યા પછી બહાર આવી શકાતું નથી. ૩૦ વર્ષ સુધી હું એકાંતમાં રહ્યો. ગુરુદેવોની કૃપા એમણે મને બધી જ છૂટ આપેલી. મોટા ભવ્ય ઉપાશ્રયોમાં એક રૂમમાં હું રહેતો હોઉં, સવારથી સાંજ સુધી મારો સ્વાધ્યાય, ભક્તિ, ધ્યાન, ચાલતું હોય. ગુરુદેવ અચાનક ગયા, ગુરુદેવ પછી અરવિંદસૂરિ દાદા હતા. દાદાએ મને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, કે યશોવિજય હું આ કાંઈ સંભાળવાનો નથી. ગુરુદેવ હવે ગયા છે તું સંભાળી લે. દાદા ભીતરની દુનિયાના પુરુષ હતા. એ કહે છે મને આ જન્મ મળ્યો છે, આ જન્મનો પૂરેપૂરો ઉપયોગ મારે કરી લેવો છે. એટલે management માં, વ્યવસ્થામાં હું ક્યારેય પણ આવી નહિ શકું. તું સંભાળજે. ગુરુની આજ્ઞા.
પહેલું જ ચોમાસું મારું સુરત અઠવાલાઇન્સ સંઘમાં હતું. ગુરુદેવ ગયા પછીનું. સુરતનો બહુ જ પ્રતિષ્ઠિત સંઘ, મેં પ્રવેશની પહેલાં ટ્રસ્ટીઓને બોલાવ્યા. અને મેં કહ્યું કે હું તમને ૧ કલાક પ્રવચન આપીશ. સાધકોની માંગ હશે, તો ૧ કલાક વાચના પણ આપીશ. પણ ૨૨ કલાક તો મારા પોતાના જ રહેશે. હું એકાંત રૂમમાં જ રહીશ. દાદા હોલમાં રહેશે. બીજા બધા બધા મહાત્માઓ હોલમાં રહેશે. પચ્ચક્ખાણ, માંગલિક, વાસક્ષેપ બધું નીચે થયા કરશે. પણ ૨૨ કલાક મારા પોતાના જ રહેશે. શ્રી સંઘ એટલો તો ભાવુક હોય છે, એટલો તો ઉદાર હોય છે. એમણે કહ્યું સાહેબ ૨ કલાક તમે અમને આપો એ પણ તમારી ઉદારતા છે. અમે ૨ કલાકથી સંતુષ્ટ થઈ જઈશું. એવા ૨ – ૪ ચોમાસા થયા, પછી એવી એક મનની અવસ્થા આવી, જ્યારે એકાંત અને ભીડ એમાં કોઈ ફરક ન રહ્યો. પછી અત્યારે હું ભીડમાં રહું છું. પણ એ ભીડમાં પણ મારું નિજી એકાંત બરોબર સચવાયેલું રહેશે. એકદમ આનંદ, એકદમ મજા, લક્ષ્ય એક જ છે. ભીતર, ભીતર, ભીતર ઉતરવું છે. અનુભૂતિ જે થઇ છે એને પ્રગાઢ બનાવવી છે.
આજે આપણે અનુભૂતિને થોડીક practically જોઈએ. અનુભૂતિની વાત ઘણા દિવસથી કરું છું. તમને પણ થાય કે અનુભૂતિ તો મજાની છે. પણ એ દુનિયામાં પ્રવેશવું શી રીતે? તો આજે એ દુનિયામાં પ્રવેશ કરીએ. આજે લોકો ધ્યાન માટે કયાંય ના કયાંય દોડે છે. વિદેશમાં પણ યોગા, ધ્યાન… એક પ્રવાહ વહ્યો છે. પણ ત્યાં ધ્યાન કરવાની પાછળ, યોગા કરવાની પાછળ ૨ જ ઉદેશ્યો છે. Body building, mental peace. શરીર મજબુત બને, આસનો, પ્રાણાયામ, વિગેરે દ્વારા અને ધ્યાન દ્વારા ચિત્ત શાંત બને. આજે લોકોનું મન એટલું તો અશાંત બનેલું છે કે આ યુગમાં તો ધ્યાન વગર ચાલી જ ન શકે. ૫૦ વર્ષ પહેલા નો યુગ હતો શાંતિનો. પણ અત્યારે તો તમે stress age માં જીવો છો. Stress age માંથી બહાર નીકળવું છે. તો મન એટલું અશાંત બનેલું છે. કે ધ્યાન વગર એ શાંત થાય એમ નથી. અત્યારે તકલીફ ક્યાં છે, કે વિચારો ઉપર તમારું નિયંત્રણ નથી. લગભગ વિચારો કોના આવે બોલો? એમાં પણ તમે પરોપકારી માણસો… આનો વિચાર કરો… આનો વિચાર કરો, ભાઈ તારો વિચાર કર્યો તો કહે કે ના. કેટલા પરોપકારી માણસો તમે. એક દિવસમાં તમે આજુબાજુવાળા કેટલાનો વિચાર કરતા હશો…બોલો. આનું આમ… આનું આમ… આનું આમ… આનું આમ…એ વિચારોથી તમને શું મળે. સાધુ ભગવંતોને જુઓને તો તો આનંદ બી થાય. એમનો આનંદ જોઇને એમને પૂછવાનું પણ મન થાય કે સાહેબ આટલો બધો આનંદ તમારી પાસે ક્યાંથી છે. પણ લોકોને તમે જુઓ… પેલો અહંકારી છે, પેલો લોભી છે, પેલો વાતોડિયો છે, પેલો નિંદા કરવાવાળો છે. ભાઈ એમાં બધામાં તો એક – એક હશે દુર્ગુણ, તારામાં બધા છે.
હું ઘણીવાર એક મજાની વાત કહું કે મીઠાઈ ખાઈને માણસ થાક્યો હોય ને તો પછી નમકીન ઉપર જાય અથવા ગરમ નાસ્તા તરફ જાય, કે ભાઈ મીઠાઈ મુકો હવે. ઢોકળા લાવો. સેન્ડવીચ લાવો. એમ બીજાના ગુણો જોયા તમે, બીજાના દોષો પણ જોયા. હવે એક કામ કરો ને. બીજાના દોષો જોઇને થાક્યા હોવ કે ન થાક્યા હોવ. એકવાર તમારા ગુણો તો જુઓ, તમારા દોષો તો જુઓ. ગુણ બિલકુલ નથી અને દોષોનો ભંડાર અંદર છે આ ખ્યાલ આવશે. તો અશાંત મનને શાંત કરવા માટે ધ્યાન. આપણું આ જૈન meditation છે. આપણી શાસ્ત્રીય પદ્ધતિ પર બિલકુલ સ્થિર થયેલું. પહેલા આપણે practical શરૂ કરીએ, પછી ધીરે ધીરે તમને સમજાવતો જઈશ.
આંખો બંધ…. શરીર ટટ્ટાર…. ધીરે ધીરે ધીરે શ્વાસ લો….. ધીરે ધીરે ધીરે શ્વાસ છોડો….. પૂરો શ્વાસ… એવી રીતે શ્વાસ લો કે ફેફસાં ભરાઈ જાય… એવી રીતે શ્વાસ છોડો કે ફેફસાં ખાલી થઇ જાય….. આજે આપણે બધા જ અધૂરા શ્વાસે જીવી રહ્યા છે. પૂર્ણ શ્વાસની સાઈકલ અત્યારે તમે રચી રહ્યા છો. ધીરે ધીરે ધીરે શ્વાસ લેવાય છે. શ્વાસથી ફેફસાને ભરી દો. હવે ધીરે ધીરે ધીરે શ્વાસને કાઢો….. શ્વાસને એવી રીતે ભરવાનો છે કે ઝડપથી ખાલી કરવો ન પડે. ધીમે ધીમે લેવાય, ધીમે ધીમે છોડાય. આ દ્રવ્ય પ્રાણાયામ છે. આપણી ૪ ચરણની સાધનામાં પહેલું ચરણ છે ભાવ પ્રાણાયામ. દ્રવ્ય પ્રાણાયામ બરોબર થઇ જાય પછી આપણે ભાવ પ્રાણાયામ તરફ જઈ શકીએ… આંખો બંધ છે. શરીર ટટ્ટાર છે…. એક પણ વિચાર નહિ કરો… પૂરું ધ્યાન, પૂરી હોંશ શ્વાસ લેવામાં અને શ્વાસ છોડવામાં રાખો. પૂરો શ્વાસ લેવાય, પૂરો શ્વાસ છોડાય. હવે ભાવ પ્રાણાયામ… આ હોલની અંદર ઘણા બધા મહાત્માઓએ સમભાવના આંદોલનો છોડેલા છે. તમે જ્યારે શ્વાસ લો છો ત્યારે એ સમભાવના આંદોલનો ને પકડવા છે. પકડવા છે means… કોઈ પ્રયત્ન નથી કરવો. એક મનને suggestion આપો કે શ્વાસ લેવાય ત્યારે આ હોલમાં રહેલા સારા વિચારો અંદર જાય, અને અંદર જે ખરાબ વિચારો છે ક્રોધના, આસક્તિના, અહંકારના, એ બહાર નીકળે. તો પહેલું ચરણ ભાવ પ્રાણાયામ. એક – એક શ્વાસ લો છો. સારા વિચારો તમારી ભીતર પ્રવેશે છે. અને ખરાબ વિચારો બહાર નીકળે છે. ૨ – ૫ મિનિટ પણ તમે આ મુદ્રામાં રહો તો તમને એકદમ freshness લાગે. જેમ ખાધેલું હોય, પેટમાં ભાર લાગતો હોય, પણ ૧૦ કલાક પછી પેટ એકદમ જે છે નમેલું થઇ જાય, અને એકદમ હળવાશ લાગે. એમ ચિત્તમાંથી ખરાબ વિચારો જવાને કારણે મનમાં એક હળવાશ તમે અનુભવશો. એક relaxation.
તો પહેલું ચરણ ભાવપ્રાણાયામ. શ્વાસ લઈએ છીએ ત્યારે સારા વિચારોને અંદર લઈએ છીએ. શ્વાસ છોડીએ છીએ ત્યારે ખરાબ વિચારોને બહાર ફેંકીએ છીએ. ૧ મિનિટ આ પ્રક્રિયામાં રહો. પહેલું ચરણ ભાવ પ્રાણાયામ. કોઈ વિચાર નહિ. ઊંઘ ન આવે તેની સાવધાની. ટટ્ટાર બેસો. ૪ ચરણની આપણી સાધના છે. પહેલું ચરણ હતું આ… ભાવ પ્રાણાયામ.
બીજું ચરણ છે ભાષ્ય જાપ. અહીંથી જે મંત્ર બોલાવવામાં આવે એ મંત્રનું ગાન તમારે બધાએ એકસાથે કરવાનું છે. ભાષ્ય જાપ. “તિત્થયરા મેં પસીયંતુ”… “તિત્થયરા મેં પસીયંતુ”… “તિત્થયરા મેં પસીયંતુ”…“તિત્થયરા મેં પસીયંતુ”… “તિત્થયરા મેં પસીયંતુ”… તિત્થયરા મેં પસીયંતુ”… તિત્થયરા મેં પસીયંતુ”… તિત્થયરા મેં પસીયંતુ”…તિત્થયરા મેં પસીયંતુ”… તિત્થયરા મેં પસીયંતુ”… તિત્થયરા મેં પસીયંતુ”…તિત્થયરા મેં પસીયંતુ”… તિત્થયરા મેં પસીયંતુ”… તિત્થયરા મેં પસીયંતુ”…તિત્થયરા મેં પસીયંતુ”… તિત્થયરા મેં પસીયંતુ”… તિત્થયરા મેં પસીયંતુ”…તિત્થયરા મેં પસીયંતુ”… તિત્થયરા મેં પસીયંતુ”… તિત્થયરા મેં પસીયંતુ”…તિત્થયરા મેં પસીયંતુ”… તિત્થયરા મેં પસીયંતુ”… તિત્થયરા મેં પસીયંતુ”…
આ મંત્રનો અર્થ એ હતો કે તીર્થંકર ભગવંતોનો પ્રસાદ, એમની કૃપા મારા ઉપર ઉતરે. હકીકતમાં ભાર ‘મારા ઉપર’ એ શબ્દ પર છે. પ્રભુની કૃપા ક્ષણે ક્ષણે ઉતરી રહી છે. પણ એને ઝીલવા માટે શું કરવું પડે. મનનું પાત્ર ઊંધું હોય ત્યાં સુધી આપણે કઈ રીતે પ્રભુના પ્રસાદને ઝીલી શકીએ. એટલે મનના આ વાસણને સીધું કરવું છે. સ્થિર કરવું છે. તો એ સ્થિરતા માટે ત્રીજું ચરણ આવે છે માનસ જાપ. “તિત્થયરા મેં પસીયંતુ” આ પદનો મનની અંદર જાપ કરો. હોઠ પણ ફફડવા ન જોઈએ. ૨ મિનિટ માનસ જાપ. મંત્ર નાનકડો છે. તમારા મનને બિલકુલ એ મંત્ર ઉપર સ્થિર કરો. અત્યારે તમારા માટે “તિત્થયરા મેં પસીયંતુ” સિવાય કોઈ ઘટના નથી. વિચારો દ્વારા, સ્મરણ દ્વારા પણ કોઈ ઘટનામાં ન જાઓ. વિચારો off. બહુ વિચાર આવી જાય તો “તિત્થયરા મેં પસીયંતુ” બોલતા બોલતા અટકી જાવ. ઊંડા બે શ્વાસ લો, અને ઝડપથી છોડો. એટલે વિચારોની સાઈકલ તૂટી જશે. આપણે જાપ અત્યાર સુધી ઘણો કર્યો. પણ મનના વિચારો થંભ્યા નથી. અત્યારે કામ એ કરવું છે કે જાપ દ્વારા મનને સ્થિર કરવું છે. આ ત્રીજું ચરણ એ સાધન એકાગ્રતા છે.
ચોથા ચરણમાં તમારે તમારા સ્વરૂપમાં ડૂબવું છે. અનુભૂતિ કરવી છે. અનુભૂતિ માટેની પૂર્વ ભૂમિકા આ છે. કે તમારું મન “તિત્થયરા મેં પસીયંતુ” એ પદ પર એકદમ સ્થિર થયેલું છે. અને હવે ચોથું ચરણ ધ્યાનાભ્યાસ. “તિત્થયરા મેં પસીયંતુ” પદને હવે છોડી દેવું છે. હવે તમારી ભીતર જે આનંદ છે, જે પ્રસન્નતા છે, જે શાંતિ છે એનો અનુભવ કરવો છે. અત્યાર સુધી શું થતું… મન તમને બહાર ને બહાર લઇ જતું. તમે પણ બહાર જ જતા, હવે મન સ્થિર થયું છે તો તમે અંદર જઈ શકો છો. તમે શાંત છો, પ્રશાંત છો, તમે આનંદમય છો. તમારા એ આનંદનો અનુભવ કરો. ઘોંઘાટ તો બહાર છે. વિચારોને કારણે, તમારી ભીતર અપાર શાંતિ છે. અપાર આનંદ છે. આ હોલમા અત્યારે જેટલી શાંતિ છે એના કરતા પણ વધુ શાંતિ અત્યારે તમારા મનમાં છે. તમે જે ક્ષણે શાંત બન્યા, એ ક્ષણે ભીતરના આનંદની તમે અનુભૂતિ કરવા મળશે. આનંદનું એક ઝરણું સતત તમારી ભીતરથી વહી રહ્યું છે, પણ તમે એનો અનુભવ આજ સુધી કરી શક્યા નહોતા. ૧ મિનિટ એકદમ શાંતિથી આનંદમાં રહો. તમારી જાગૃતિ એટલી જ વિચાર ન આવે, ઊંઘ ન આવે. તમે એકદમ awareness માં હોવ. તમે શાંત છો, પ્રશાંત છો, આનંદમય છો. ભીતર જો શાંતિ સ્થપાય છે, તો ભીતરના આનંદનો અનુભવ કરો.
આંખ ખોલી શકો છો. “તિત્થયરા મેં પસીયંતુ”… “તિત્થયરા મેં પસીયંતુ”… “તિત્થયરા મેં પસીયંતુ”… “તિત્થયરા મેં પસીયંતુ”… “તિત્થયરા મેં પસીયંતુ”… પહેલા ચરણમાં આપણે ભાવ પ્રાણાયામ કર્યું. મનને એક suggestion આપ્યું, કે સારા વિચારોને અંદર લઇ જવા છે. અત્યારનો મનોવૈજ્ઞાનિક કહે છે કે તમે તમારા મનમાં positivity ને કેમ ભરી શકો. એક પ્રયોગ છે નાનકડો… સવારે ઉઠો. ૫ મિનિટ બેસો. મનને suggestion આપો કે મારી આજુબાજુમાં જે positive thoughts છે હકારાત્મક વિચારો, એ બધા મને મળો. તમારી આજુબાજુ ether માં, વાતાવરણમાં બે જાતના આંદોલનો છે. એક હકારાત્મક, એક નકારાત્મક. અમારા જેવા લોકોએ છોડેલા positive આંદોલનો પણ તમારી આજુબાજુમાં છે. નિરાશ લોકોએ છોડેલા, હતાશાના, નિરાશાના negative આંદોલનો પણ તમારી આજુબાજુ છે.
રેડિયો અને ટી.વી માં જે રીતની વ્યવસ્થા છે, કે તમારે જે frequency નું મોજું પકડવું હોય એ પકડી શકો. એમ અહીંયા પણ એ વ્યવસ્થા આપી. કે સવારે ઉઠીને તમે એકદમ પ્રસન્ન થઇ ગયા. એકદમ પ્રસન્ન… અકારણ… ખુશ ખુશ…પ્રભુએ નવો દિવસ ભેટમાં આપ્યો. મનુષ્યનું શરીર આપ્યું. કેટલું સરસ મારી પાસે છે. ૫ મિનિટ હકારાત્મક વિચારોમાં આવો, તો એક frequency હકારાત્મક આંદોલનોની ખુલી જશે. અને આખો દિવસ તમે હકારાત્મક વિચારોને પકડ્યા કરશો.
એ જ રીતે જો તમે સવારના પહોરમાં ઉઠીને નિરાશ થઇ જાઓ, ૫ મિનિટ તો તમે એવી frequency ને ખોલી નાંખો કે નિરાશાના આંદોલનો સતત તમને મળ્યા કરે. આજે તો રૈકી, પ્રાણીક ઉર્જા… આ બધું વિચારોના સ્તર પર જ રચાયેલું છે.
૧૦૦ કિલોમીટર દૂર રહેલ patient ને રૈકી માસ્ટર અહીંથી વિચારો છોડી અને સાજો કરી શકે છે. શુભ વિચારની આ બહુ મોટી તાકાત છે. તો ભાવ પ્રાણાયામમાં સૌથી પહેલા આપણે શુભ વિચારને લેવાની અને ખરાબ વિચારોને છોડવાની process કરીએ છીએ. મન છે ને તમારું obedient servant છે. આજ્ઞાંકિત સેવક. તમે મનને આજ્ઞા નથી આપતા, અત્યારે boss કોણ સાચું કહેજો… મન કે તમે? boss કોણ? મન કહે એમ તમારે કરવાનું? કે તમે કહો એમ મન કરે. માણસ ઘોડા ઉપર સવાર હોય ત્યાં સુધી વાંધો નહિ. પણ ઘોડો માણસ ઉપર સવાર થાય તો… તમે વિચારના ઘોડા ઉપર હોવ, અને તમારી પાસે લગામ હોય, મનનો ઘોડો જ્યાં રોડને છોડી દે, ઉજ્જડ ખેતરમાં ભાગવા જાય, તમે લગામ ખેંચો. મન જે વખતે અશુભ વિચારોમાં જાય લગામ ખેંચો છો? મનને જ્યાં જવું હોય ત્યાં જવા દેવું કેમ?
હું મુલ્લાજીની વાત ઘણીવાર કરું છું. અરબસ્તાનમાં મુલ્લાજી. ત્યાં ઘોડા તો હોય નહિ, ગધેડા હોય. ગધેડા ઉપર બેસવાનું, પણ ગધેડાને લગામ ન હોય, એકવાર મુલ્લાજી જાય છે. ગધેડા પર બેસીને. એક મિત્રે પૂછ્યું ક્યાં જાય છે? તો મુલ્લાજી કહે ગધેડાને પૂછ. અલ્યા ગધેડો બોલતો હશે. તું બોલને ક્યાં જાય છે? મુલ્લા કહે વાત એવી છે કે ગધેડાને લગામ નથી. મારે જવું હોય પૂર્વમાં, ગધેડો ચાલે પશ્ચિમમાં. હવે ભર બજારે ગધેડા જોડે કુસ્તી કરીએ એ સારા શું લાગીએ… એટલે નક્કી કર્યું ગધેડા ઉપર બેસવાનું. ગધેડાને જ્યાં જવું હોય ત્યાં જાય. તમારે આવું છે? મનને જ્યાં જવું હોય ત્યાં જાય? કે તમે ઈચ્છો ત્યાં મન જાય? Meditation આ વસ્તુ આપે છે તમને… તમારા મન પરનું નિયંત્રણ Meditation તમને આપે છે. તો વિચારો જે છે, શુભ વિચારો આવતાં હોય, તો આવવા દો. જે ક્ષણે અશુભ વિચાર થાય એ ક્ષણ switch off કરી દો. છે switch? Switch છે? કોઈ માણસ નવો નવો કોઈ ઘરમાં, ગામડામાં ગયો હોય ને પછી electricity નું જોડાણ ઘરમાં નથી. તો બાજુવાળા પાડોશી જે છે એના ત્યાંથી વાયર ખેંચી લે. અને એક બલ્બ ઘરમાં લટકાવી દે. હવે એવું બન્યું શનિ – રવિ ના weekend માં પાડોશી જે છે એ ક્યાંક બહાર ગયો. તો શનિવારે રાત પડી. રોજ રાતે તો કહેતો પેલાને કે ભાઈ switch off કર. આજે તો ઘર જ બંધ છે. કોઈ છે નહિ. કોને કહેવું switch off કર. પોતાની પાસે switch off કરવાનું સાધન નથી. પેલો ગયો છે બહાર. અને એટલો મોટો બલ્બ છે. આખી રાત ઉજાગરો થયો. કારણ કે અંધારું હોય તો ઊંઘ આવે. એની પાસે switch off કરવાની સગવડ નહોતી. તમારી પાસે પણ નથી ને? તો Meditation દ્વારા આ વસ્તુ મળે કે જે ક્ષણે તમે ધારો એ ક્ષણે વિચારોને બંધ કરી દે. ઘણા લોકો હું બેઠો હોઉં ને ત્યારે પૂછે – સાહેબ શું વિચારો છો? ત્યારે હું કહું કે વિચારો તો ભૂતકાળની ઘટનામાં ગયું. હવે વિચાર શેના? આટલી સાધના પછી વિચાર શેના હોય? Now there is the experience. માત્ર અનુભવ છે. વિચાર નથી આ. રોટલી દાળ ભાણામાં હોય ત્યાં સુધી વિચાર હોય, ખાવા માંડ્યા ત્યારે અનુભૂતિ હોય. તો અમારે લોકોએ કંઈ વિચાર કરવાનો હોતો નથી. અનુભૂતિમાં હોઈએ અમે… વિચાર જ ન કરવાનાં, બોલો કેટલી મજા આવે. કારણ કે આપણે અયોગી બનશું છેલ્લે ત્યારે શુભ વિચારોને પણ છોડી દેવાના છે. શુભ વિચાર એટલા માટે છે કે અશુભ વિચારને કાઢે. જે ક્ષણે અશુભ વિચારો નીકળી ગયા totally, પછી શુભ વિચારોની કોઈ જરૂરિયાત નથી. પછી અશુભ અને શુભ બેઉ નીકળી જાય. શુદ્ધની અવસ્થા આવે.
તો ૪ ચરણોનું આ ધ્યાન. એકેક ચરણમાં બહુ જ ઊંડાણ રહેલું છે. તમારી ઈચ્છા હશે તો આવતાં રવિવારે ફરીથી આપડે આ Meditation કરાવશું. અને એમાં જે ઊંડાણ, જે રહસ્ય છે એની પણ વાતો કરીશું.