વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત
Subject : પ્રભુજી! તુમ દીઠે સબ દીઠો
મૌન ધ્યાન સાધના શિબિર ૧૮ – શ્રી મણિલક્ષ્મી તીર્થ સંવેદના – ૨
પ્રભુના ચરણોમાં એક સ્તવના હમણાં આપણે પેશ કરી; “પ્રભુજી! તુમ દીઠે સબ દીઠો” પ્રભુ ! અનંતા જન્મોની અંદર માત્ર તારું દર્શન ન મળ્યું. આજે આ જન્મમાં તારું દર્શન મળ્યું! લાગે છે કે બધું જ મને મળી ગયું! હવે કશું જ બાકી ન રહ્યું! પ્રભુ! તારું દર્શન! તારા ગુણોનું દર્શન! તારા સ્વરૂપનું દર્શન! મારી ભીતરની યાત્રામાં મને આગળ વધારે છે. અત્યારે તારા મુખ ઉપર વીતરાગતાની કેવી એક ધારા વિલસી રહી છે..!
દુનિયાની કોઈ વ્યક્તિ, કોઈ પદાર્થ તને આકર્ષી શકે નહિ.! તું વિતરાગ છે.! પણ પ્રભુ ! મારી વીતરાગતાને તું ખોલી આપે; એટલા માટે હું તારી પાસે આવ્યો છું.
મજાની પરંપરા આપણને મળી છે. પરના રાગમાંથી પરમનો રાગ અને પરમના રાગમાંથી સ્વની અનુભૂતિ! તો પ્રભુ ! તારામાં મને એટલો સંમોહિત કરી દે; કે તારા વિના દુનિયાની એક પણ ચીજ, એક પણ વ્યક્તિ મને આકર્ષી ન શકે. બસ, ગમે માત્ર તું! તું! અને તું..!
આ પરમનો જે રાગ છે, એ જ મારી વિતરાગદશાને ધીરે ધીરે ખોલે છે. અનંતા જન્મોમાં પદાર્થો જોડે પ્રીત કરી, વ્યક્તિઓ સાથે પ્રીત કરી, પરિણામ- નરક અને નિગોદની સફર.! પ્રભુ આ જન્મમાં તું મળ્યો ! મારી વિતરાગદશાને તું પ્રગટ કરી આપ! તારા મુખ ઉપર જે પ્રશમરસનું ઝરણું વહી રહ્યું છે. એ જોતાં જ મુગ્ધ થઇ જવાય છે. આવો પ્રશમરસ !
માનતુંગાચાર્યએ ભક્તામર સ્તોત્રમાં કહ્યું: યૈ: શાંતરાગ રૂચિભિ: પરમાણુભિસ્તવં” પ્રભુ ! જે શાંતરસના પરમાણુઓ હોય, તમારું આ શરીર નિષ્પન્ન થયું છે, લાગે છે કે દુનિયામાં આટલા જ પ્રશમરસના પરમાણુઓ છે! કારણ કે આવું શાંત રૂપ દુનિયામાં બીજે ક્યાંય જોવા મળતું નથી. ! મળ્યું પણ નથી.!
તો પ્રભુ ! અત્યારે તારા એ પ્રશમરસના ઝરણામાં મને એવો તો ડુબાડી દે, કે મારી ભીતર પ્રશમરસનું ઝરણું ચાલુ થઇ જાય.!
“પ્રભુજી! તુમ દીઠે સબ દીઠો” હવે દુનિયાને જોવી નથી પ્રભુ ! દુનિયાને જોઈ-જોઈને થાકી ગયા ! એ જ પદાર્થો છે ! એ જ વ્યક્તિઓ છે ! એ જ માટીના પૂતળાઓ છે ! શું જોવાનું છે?! અમૃતમય સ્વરૂપ તારું છે ! બસ, પ્રભુ! એક જ પ્રાર્થના છે તારા એ સ્વરૂપમાં, તારા ગુણોમાં અમને ડુબાડી દે.!