વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત
Subject : દેશો તો તુમ હી ભલો, બીજો તો નવિ જાચું રે
મૌન ધ્યાન સાધના શિબિર ૧૮ – શ્રી મણિલક્ષ્મી તીર્થ સંવેદના – ૩
શક્રસ્તવના છેડે સિદ્ધસેન દિવાકરસૂરિએ આપની જોડે વાતો કરતાં કહ્યું, “ત્વં મે માતા, પિતા નેતા, દેવો ધર્મો ગુરુ પર:, પ્રાણાસ્વર્ગોSપવર્ગશ્ચ, સત્વં તત્વં ગતિર્મતિ:” પ્રભુ ! તું જ મારા માટે સર્વસ્વ છે. ત્વં મે માતા – તું મારી માં છે.! એક માં સતત દીકરાના કલ્યાણનું ધ્યાન રાખતી હોય, એક માં સતત એક આંખ દીકરા ઉપર જ રાખતી હોય.! એ માં તું છે.! સાધનામાર્ગમાં તું અમને ચલાવે, તારી આંગળી પકડીને અમને દોડાવે અને અમે થાકી જઈએ તો અમને ઉચકી પણ તું લે! પ્રભુ ! તું મારી માં છે! પણ, આજે તારા બાળક બનીને આવવું છે. એક છ મહિનાનું બાળક, એને ભૂખ લાગી એ માં ની સામે જોશે. એને પેટમાં દુઃખે છે; એ માં ની સામે જોશે. એના માટે માં સિવાય દુનિયામાં બીજો કોઈ પર્યાય છે નહિ. પ્રભુ! આજે અમને આવા બાળક તરીકે તું સ્થાન આપી દે! કોઈ પણ પ્રતિકૂળતા આવે, અમે માત્ર તને અને તને જ યાદ કરતાં હોઈએ; બીજા કોઈની યાદ નહિ, બીજા કોઈની સ્મૃતિ નહિ; માત્ર અમારા મન પર તું જ છવાયેલો હોય.!
મહોપાધ્યાયજીએ સ્તવનામાં કહ્યું, “દેશો તો તુમહી ભલો, બીજો તો નવિ યાચું રે” પ્રભુ ! તારી પાસેથી જે મળશે એ જ મને જોઈએ ! બીજાની પાસે હું હાથ લાંબો કરવાનો નથી. તું માં છે ! પિતા પણ તું છે ! જીવન ઘડતરનું કામ પણ તું જ કરી રહ્યો છે ! અને એ સંદર્ભમાં તું પિતા છે ! દેવ પણ તું !
ધર્મ પણ તું ! મારા માટે ધર્મ શું? મારા માટે સાધના કઈ? બસ, તારા ચરણોમાં જીવનને સમર્પિત કરવું તે ! તારી ભક્તિ એ જ મારી સાધના ! એ જ મારો ધર્મ ! તું જ ધર્મ છે !
ગતિર્મતિ: – સાધનામાર્ગમાં મારી ગતિ તું ! તારી કૃપા વિના, તારા પ્રેમ વિના સાધનામાર્ગમાં એક ઇંચ, એક સેન્ટીમીટર હું ચાલી શકું નહિ.! એક ડગલું ભરવું હોય, સાધના જગતમાં તો, એ ત્યારે જ શક્ય બને જ્યારે તારો પ્રેમ અમારા ઉપર વરસતો હોય. તારો પ્રેમ તો અનંતકાળથી વરસતો આવ્યો છે. પણ, એ પ્રેમને ઝીલવા માટેની સજ્જતા અમારી નહોતી.!
આજે પ્રભુ તારા ચરણોમાં એક જ પ્રાર્થના કરવી છે કે તારો જે પ્રેમ સતત વરસી રહ્યો છે, એને ઝીલવાની ક્ષમતા અમને મળે.! બસ, એ પ્રેમને ઝીલ્યા કરીએ, એ પ્રેમ બીજાને આપ્યા કરીએ, અને તારા પ્રેમની આ ગંગામાં અમે આગળ ને આગળ વહી અને તને મળી જઈએ.
‘ગતિર્મતિ:’ પ્રભુ ! મારી બુદ્ધિ પણ તું છે.! ઉપનિષદોમાં કહ્યું: सर्वं तस्य भासा सर्वमिदं विभाति (“यस्य भाषा विभाति इदं सर्वं”) જેના તેજથી બધું જ પ્રકાશિત થાય છે એ પરમાત્મા છે. સુવિધિનાથ ભગવાનના સ્તવનમાં મહોપાધ્યાયજીએ બહુ સરસ વાત કરી, “લઘુ પણ હું તુમ મન નવિ માઉ રે, જગગુરુ તુમને દિલમાં લાઉં રે” પ્રભુ ! હું એકદમ નાનકડો તારો ભક્ત અને છતાં તારા હૃદયમાં મારું સ્થાન હશે કે કેમ, એની શંકા થાય. પણ દુનિયાની અંદર સર્વશ્રેષ્ઠ, સર્વથી મહાન એવા તને હું મારા હૃદયમાં પધરાવી શકું.
ઉપાધ્યાયજી તને પૂછે છે, કે આમાં કોને શાબાશી આપવી? હું નાનકડો તારા હૃદયમાં સમાઈ ન શક્યો ! તું આટલો મોટો તને હું મારા હૃદયમાં સમાવું ! તો પછી શાબાશી કોને દઉં? તરત જ જવાબ આપ્યો, ‘જેહને તેજે બુદ્ધિ પ્રકાશી રે, તેહને દીજે એહ શાબાશી રે” પ્રભુ ! આ વિચાર પણ મારે તારી કૃપાથી આવ્યો છે ! એટલે મારી બુદ્ધિને ચલાવનાર તું જ છે.! મેં મારી બુદ્ધિને ચલાવી અને અનંતા જન્મ સુધી નરક અને નિગોદની સફર કરી. હવે મારી બુદ્ધિને તારા ચરણોમાં મૂકી દઉં છું. તું જે કહે, એ પ્રમાણે મારો ડગ ઉપડ્યો, તારી આજ્ઞા એ જ મારું જીવન.!
“ત્વં મે માતા, પિતા, નેતા, દેવો ધર્મો ગુરુ પર:” પ્રભુ ! મારા ગુરુ પણ તમે છો! પ્રભુ તો તમે છો જ ! ગુરુ પણ તમે છો ! પ્રભુ ! થોડા દૂર લાગે, સાત રાજલોક દૂર, સિદ્ધશિલા ઉપર બિરાજમાન થયેલા, જિનાલયમાં પણ છેક ગર્ભગૃહમાં બિરાજિત થયેલા; પ્રભુ થોડીક દૂરની ઘટના લાગે. સદ્ગુરુ નજીકની ઘટના લાગે.
ખુરશી પર સદ્ગુરુ બેઠા છે, અને આપણે એમના ચરણને પંપાળતા નીચે બેઠા છીએ. સદ્ગુરુ નજીક છે. તો પ્રભુ ! તું પ્રભુ પણ છે. સદ્ગુરુ પણ છે ! અને એટલે જ જીવનમાં કોઈ પણ સમસ્યા આવે છે, ત્યારે ગુરુ તરીકે હું તને યાદ કરું છું ! તારા ચરણોની અંદર એ સમસ્યાને મુકું છું, અને સમસ્યા છૂ થઇ જાય છે.!
“પ્રાણા” મારો પ્રાણ તું છે પ્રભુ ! તું ન હોય તો મારું જીવન કેમ હોઈ શકે?! આનંદઘનજી ભગવંતે કહ્યું; “આનંદઘન બિન પ્રાણ ન રહે છીન, કોટિ જતન કરી લીજીએ” પ્રભુ ! હું કરોડો પ્રયત્નો કરું તો પણ તારા વિના એક ક્ષણ હું રહી શકું એમ નથી. મારો પ્રાણ તું છે ! ઓક્સિજન વિના, પ્રાણવાયુ વિના, બે મિનિટ ચાર મિનિટ આપણે ચલાવી પણ શકીએ ! પણ, પ્રભુ ! તારા વિના તો એક સેકંડ પણ હું રહી ન શકું ! કારણ તું જ મારો પ્રાણ છે.!
“સ્વર્ગોSપવર્ગશ્ચ” સ્વર્ગ પણ તું ! મોક્ષ પણ તું ! શુભ-ભાવો તું મને આપે ! એ શુભ ભાવો હું હૃદયમાં ભાવિત કરું, સ્વર્ગ લોકમાં જાઉં. તું શુદ્ધની સાધના આપે, એ શુદ્ધની સાધના હું કરું, અને મોક્ષમાં જાઉં. મારો સ્વર્ગ તારા હાથમાં છે ! મારો મોક્ષ તારા હાથમાં છે !
“સત્વં તત્વં” મારું ચાલક બળ તું છે ! ડબ્બા ગમે તેટલા પડેલા હોય, એન્જિન ન હોય તો ડબ્બા એમને એમ પાટા ઉપર પડ્યા રહેવાના; એમ મારા જીવનનું ચાલક બળ તું છે ! તારા વિના એક ક્ષણ હું રહી ન શકું, એમ તારા વિના મારું જીવન ચાલી શકે નહિ. મારા બાહ્ય જીવનનું અને અભ્યંતર જીવનનું ચાલક બળ તું છે ! મારું અભ્યંતર જીવન, સાધનામય જીવન એનું ચાલક બળ તું છે, તો મારા વ્યવહાર જીવનનું ચાલક બળ પણ તું છે ! વ્યવહાર જીવનમાં તારી આજ્ઞાને પાળવાનું એ પણ તારી કૃપાથી જ થશે. તારી આજ્ઞાનું પાલન મારાથી શક્ય નથી, પણ તું કરાવે તો એકદમ સરળ છે.!
“દરિશન દુર્લભ સુલભ કૃપા થકી” તારું દર્શન દુર્લભ… પણ ક્યાં સુધી? હું કરવા ઈચ્છું ત્યાં સુધી; જે ક્ષણે તું ઈચ્છે, ત્યારે તું મને એ જ ક્ષણે, તારું દર્શન કરાવી શકે છે.! સદ્ગુરુને તું જ મોકલે છે.! સદ્ગુરુ ! મારા દિવ્ય નેત્રને ખોલે છે અને એ દિવ્ય નેત્ર ખુલે પછી હું તને જોવું છું. તો મારા અભ્યંતર જીવનનું અને બાહ્ય જીવનનું ચાલક બળ પ્રભુ તું જ છે.
‘તત્વં’ પૂરી દુનિયાનું તત્વ – સાર શું? તું..! નવતત્વ છે, એમાં મુખ્ય જીવ તત્વ ! પણ એ જીવ તત્વ પણ જ્યારે કર્મોથી મુક્ત અને એકદમ નિર્મળ બનેલું હોય, ત્યારે નવતત્વોની અંદર શ્રેષ્ઠ તત્વ તરીકે એ પ્રતિષ્ઠિત થાય છે. તો પ્રભુ ! તમારી પાસે નિર્મળ નિર્મળ ચેતના છે !
આજે એક જ માંગણી કરીએ કે જે નિર્મળ ચેતના આપની પાસે છે, એનો એક અંશ અમને આપો. અમારું હૃદય, અમારું મન એને નિર્મળ તમે કરી આપો! પ્રભુ ! તે જ કહ્યું છે કે તારી આ જન્મની સાધના નિર્મળ હૃદયની પ્રાપ્તિ છે. તો પ્રભુ ! તમારી નિર્મળ ચેતનામાંથી થોડો ટુકડો આપીને મને નિર્મળ હૃદયના માલિક બનાવો. મને નિર્મળ ચિત્તના સ્વામી બનાવો. બસ, પ્રભુ ! આટલી જ પ્રાર્થના તારા ચરણોમાં મુકું છું.