વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત
Subject: શબ્દ શક્તિપાત
તમારી કોઇ પણ વ્યવહાર સાધના સાર્થક ક્યારે? જો એ નિશ્ચયમાં તમને લઇ જાય, તો. જે સાધના તમને નિશ્ચયમાં ન લઇ જાય, એ સાધના વ્યવહારાભાસ બની જાય. એ પ્રભુની વ્યવહાર ક્રિયા પણ રહેતી નથી, માત્ર વ્યવહારાભાસ છે! સામાયિક તમે લીધું, કટાસણા ઉપર બેઠા, ચરોવળો હાથમાં લીધો, મુહપત્તિ લીધી, વિધિ કરી, બધું જ કર્યું; પણ જો સમભાવ ન આવે તો?!
સદ્ગુરુ ન મળે ત્યાં સુધી આવું vision ખૂલી શકે જ નહિ. જાણકારી અને માહિતી અલગ વસ્તુ છે; સાધનામાર્ગમાં એમનું કોઈ પ્રયોજન નથી. એક vision. એક દ્રષ્ટિ ખૂલવી જોઈએ. દ્રષ્ટિ ના ખૂલે, ત્યાં સુધી કામ નથી થતું. સદ્ગુરુના ચરણમાં સમર્પિત થઈને બેસીએ, તો જ એક vision આપણને પ્રાપ્ત થાય.
તમારી પાસે સમર્પણ આવે છે, ત્યારે ગુરુ જે આપવા માંગે છે એ તમે ઝીલી શકો છો. ગુરુનું પ્રવચન એ સામાન્ય શબ્દો નથી; શબ્દ શક્તિપાત છે. શક્તિપાતનો અર્થ એ છે કે ગુરુએ વર્ષો સુધી જે સાધના કરી છે, એ સાધનાની શક્તિ એ તમારી અંદર પ્રક્ષિપ્ત કરે છે. તમે જો એમને સમર્પિત થઈ જાઓ, તો માત્ર થોડા શબ્દો દ્વારા તમને એમની વર્ષોની અનુભૂતિનો અર્ક મળી જાય.
મૌન ધ્યાન સાધના શિબિર ૧૧ – જીરાવલા વાચના – ૧૩
કોઇપણ સાધનાને અસ્તિત્વના સ્તર ઉપર ઉતારવી જરૂરી એટલાં માટે છે કે તો જ એ સાધનાની વાસ્તવિક અનુભૂતિ તમે કરી શકો છો. શરીરના સ્તર પર એ સાધના છે; તમારી પાસે એનો કોઈ અનુભવ નથી. Conscious mind ના સ્તર પર સાધના છે; એ અનુભૂતિની ઘટના નથી. અસ્તિત્વના સ્તરે સાધના જ્યારે જાય છે, ત્યારે અનુભૂતિનો વિષય બને છે. સામાયિકની અમૃતક્રિયા કરી, જેટલી ક્ષણો સમભાવની અનુભૂતિ તમને થઈ, એ ક્ષણો સાધનાના અસ્તિત્વના સ્પર્શની ક્ષણો. એ જ રીતે પ્રભુની પૂજા કરતા કરતા: પ્રભુની વિતરાગદશા, પ્રભુનો પ્રશમરસ એ ભીતરથી છુઈ ગયો, ભીતરથી સ્પર્શી ગયો; અને આનંદ – આનંદ ભીતર છવાયો! એ પ્રશમરસની સહેજ પણ ગ્લીમ્સ મને મળે તો પણ મને કેટલો આનંદ મળે, એવી એક સામાન્ય અનુભૂતિ થઈ. એ અનુભૂતિને થોડ ધારદાર બનાવો: થોડી વાર મૌન રહીને, શાંત રહીને; તો પ્રભુની પ્રશમરસ દશાનો તમને આંશિક અનુભવ થયો. તો એ તમે સાધનાને અસ્તિત્વના સ્તર ઉપર ઉતારી કહેવાય.
એના માટે બે તત્વોની આવશ્યકતા છે: સાધકની તીવ્ર ઝંખના અને સદ્ગુરુ સમર્પિતતા. આપણા યુગમાં સાધનાને અસ્તિત્વના સ્તર ઉપર આપવાનો, બહુ જ મોટો પ્રયોગ, વિશાળ સંખ્યામાં પંન્યાસ પ્રવર ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબના તત્વાવધાનમાં થયો. એવા એક સાધકો મળ્યા, જેમની ઝંખના તીવ્ર હતી, જેમનું ગુરુ સમર્પણ અજોડ કોટિનું હતું; અને ગુરુએ કામ શરુ કર્યું.
બહુ મજાની વાત તમને કહું: સમર્પણ તમારી પાસે આવે છે ત્યારે શું થાય છે? ગુરુ જે આપવા માંગે છે ને, એ તમે ઝીલી શકો છો. ગુરુ જે પ્રવચન આપે છે ને, એ પ્રવચન સામાન્ય શબ્દો નથી; એ શબ્દ શક્તિપાત છે! આપણને ખ્યાલ છે – કલાપૂર્ણસુરિદાદા મોટેથી બોલી શકતા નહિ, ધીમે ધીમે બોલતા, કદાચ શરૂઆતના ૧૦૦-૨૦૦ જણાને સંભળાય; હજાર હજાર માણસ ભેગું થતું, કેમ? ગુરુદેવની ઓરા અમને મળે, અને એના એકાદ-બે શબ્દો પણ મળી જાય તો, એ શબ્દ મંત્ર રૂપે થઇ જાય! તો આવા અનુભૂતિવાન જે ગુરુઓ છે, એ તમારી ઉપર શબ્દ શક્તિપાત કરે છે. શક્તિપાતનો મતલબ એ છે: એ ગુરુએ વર્ષો સુધી જે સાધના કરી છે, એ સાધનાની શક્તિ એ તમારી અંદર પ્રક્ષિપ્ત કરે છે! તમારો ભલે છ મહિનાનો દીક્ષા પર્યાય હોય, એવા સદ્ગુરુ મળી ગયા, અનુભૂતિવાન! ૫૦ વરસના દીક્ષા પર્યાયવાળા છે. એમણે જે સંયમની સુક્ષ્મ સાધનાઓ કરેલી છે; તમે જો સમર્પિત થઈ જાઓ એમને, માત્ર થોડા શબ્દો દ્વારા, તમને ૫૦ વરસની એમની અનુભૂતિનો અર્ક મળી જાય! આપણે અત્યારે માત્ર શબ્દોમાં રહ્યા છીએ; નહિ! શબ્દ શક્તિપાત સુધી જવું છે! અને કોઇ પણ શક્તિપાત માટેની શરત એ છે કે સમર્પણ તમારી પાસે પૂરેપૂરું હોવું જોઈએ.
હવે પંન્યાસજી ભગવંતે કઈ રીતે કામ કર્યું, એનું એક સેમ્પલ તમને આપું. પંન્યાસજી ભગવંતે સમજાવ્યું એ ભક્તોને કે તમારી સાધનાને ત્રણ અવરોધ નડે છે: રાગનો-દ્વેષનો-અહંકારનો. પણ અનુભૂતિવાન સદ્ગુરુ છે ને, એ મર્મ સુધી પહોંચી શકે છે. તો એમણે કહ્યું કે રાગ-દ્વેષ અને અહંકારમાંથી, મોટો અવરોધક હોય તો તમારો અહંકાર છે. તમારો હું! આ શરીર, આ નામ, એના મિશ્રણથી એક દ્રવ્ય તૈયાર થયું; તમે એના ઉપર હું નું લેબલ ચિપકાવી દીધું! એ ‘હું’ મોટો અવરોધ સર્જે છે; રાગ-દ્વેષ તો બાય પ્રોડક્ટ થઈ જશે. મને ગમે છે ત્યાં રાગ છે, મને નથી ગમતું ત્યાં દ્વેષ છે. રાગ-દ્વેષ પણ અપેક્ષાએ બાયપ્રોડક્ટ થઈ જાય છે. મુખ્ય છે અહંકાર. હવે સાધનાને વેગવતી બનાવવી હોય; અહંકારના ચૂરેચુરા કરવા પડે! અને એના માટે સાહેબજીએ એમને નમસ્કાર મંત્ર આપ્યો; પણ એ રીતે આપ્યો કે નમસ્કાર મહામંત્રના નમો ભાવને તમારે અનુભૂતિના સ્તર ઉપર લઇ જવાનો છે! સાહેબજી કહેતા, નમસ્કાર મહામંત્રમાં અરિહંતાણં, સિદ્ધાણં, આયરિયાણં પછી છે; નમો પહેલા છે. નમો આવ્યું તો જ પાછળનું પદ સાર્થક! નમો…! ઝૂકવું તમારુ ઘટિત થયું? તમે ઝુક્યા છો ક્યાંય? એક લાખ નવકારમંત્ર નો જાપ કર્યો; તમારાં હોઠે કર્યો કહી દઉં, તમને શું ફળ મળે એનું? નમો ભાવ તમારી પાસે આવ્યો? ઝૂકવાની વૃત્તિ આવી ગઈ? કોઇ પણ સદ્પુરુષના ચરણોમાં ઝુકી જવું, સામાન્ય ગુણ પણ જ્યાં લાગે ત્યાં ઝુકી જવું, આ ઝૂકવાની વૃત્તિ તમારી પાસે આવી? સાહેબજી પૂછતા. એ ઝૂકવાની વૃત્તિ નહિ આવી, નમો ભાવ ન આવ્યો; એ નમો ભાવ નહિ આવ્યો તો નમસ્કાર મહામંત્ર તમારી પાસે છે જ નહિ! તો નમો ભાવ જે છે, એ અહંકાર ભાવને દુર કરે.
હવે એક બહુ મજાની વાત ખાસ બહેનો અને માતાઓ માટે. અત્યારના વૈજ્ઞાનિકો એમ માને છે કે સ્ત્રી દેહમાં અને પુરુષ દેહમાં રાસાયણિક પ્રક્રિયાઓ ભિન્ન ભિન્ન રીતે થાય છે; અને એટલે જ સ્ત્રી દેહની રાસાયણિક પ્રકિયાને કારણે, સ્ત્રી- એ બહેન, એ માતા, એ દીકરી જેટલી ઝડપથી ઝુકી શકે છે, અહોભાવની ધારામાં આવી શકે છે, પુરુષ દેહમાં એ શક્યતા થોડી ઓછી છે! પુરુષ અકડું છે! અભિમાની છે! જરૂર તમે પણ જન્માંતરમાં સાધના કરેલી હોય તમે પણ ઝુકી શકો છો. આ એક સામાન્ય, માસ લેવલ ઉપર થયેલી વાત છે કે રાસાયણિક સંયોજન આવું છે, અને એટલે જ સુલસા-ચંદનબાલા ઝડપથી તૈયાર થઈ જવાની ત્યાં. પાછળ વાઈટ ડ્રેસવાળી બધી સુલસા, આગળ બેઠેલી ચંદના, બરોબર? કેટલી બહેનો મારી ચેમ્બરમાં આવે આમ, વંદન કરતા- કરતા રડી પડે! પાંચ – પાંચ, દસ – દસ મિનીટ સુધી રડ્યા જ કરે.. રડ્યા જ કરે.. આમ બસ… એ ભીનાશ.. એ આંસુ.. તમને પ્રભુ સુધી લઇ જાય!
તો મૂળભૂત વાત એ છે કે નમો ભાવ આવ્યો? ઝૂકવાનું ઘટિત થયું? અને પછી એટલાં મોટા ગુરુદેવ એ હતા. એમણે કહ્યું, પંચમહાવ્રતધારી સાધુ-સાધ્વીઓને ઝૂકો, શ્રાવક-શ્રાવિકાઓના પણ જે વ્રતો છે, જે એમની સાધના છે, એમને ઝૂકો. અને એ મહાપુરુષની દ્રષ્ટિ એટલી વિશાળ હતી. એમણે કહ્યું, હિંદુ સંત હોય, સુફી સંત હોય અને કોઇ પણ સામાન્ય માણસ છે, તમને જ્યાં પણ ગુણ દેખાય, ઝુક્જો! છે ને આવા સદ્ગુરુ ન મળે ને ત્યાં સુધી વિઝન ખૂલી શકે જ નહિ! જ્ઞાન જુદું વસ્તુ છે, જાણકારી અને માહિતી અલગ વસ્તુ છે. સાધનામાર્ગમાં એનું કોઈ પ્રયોજન નથી! વિઝન! એક દ્રષ્ટિ ખુલવી જોઈએ! દ્રષ્ટિ ના ખુલે ત્યાં સુધી કામ નથી આવતું. અને આવા ગુરુદેવના ચરણમાં બેસીએ, સમર્પિત થઈને; તો જ એક વિઝન આપણને પ્રાપ્ત થાય! આ જ નવકાર મંત્ર આપણે ઘણીવાર ઘૂંટી લીધો. અને કોઇ પણ સાધુ ભગવંતની નિંદા થતી હોય, આપણે ટાપ્સી પુરાવા તૈયાર હોઈએ! અરે! પંચ મહાવ્રતધારી મહાત્મા છે! એની નિંદા કરો તમને કેટલું પાપ લાગે, વિચાર તો કરો? કોઈની પણ નિંદા ન થાય! પંચ મહાવ્રતધારી મહાત્માની તમે નિંદા કરો છો! અને જયારે સામાયિક અને પૌષધ કરનારો માણસ, સાધુ-સાધ્વીજીઓની નિંદા કરતો હોય છે, ત્યારે અમારી છાતી ચિરાઈ જાય છે! આનું બિચારાનું થશે શું?
અમને લોકોને ઉપાધ્યાય યશોવિજયજીએ 350 ગાથાના સ્તવનમાં કહ્યું કે જ્ઞાનદશા તમારી પાસે નહિ આવી તો, આ બધી તમારી કષ્ટ ક્રિયા છે! સાધુ જીવનની ક્રિયાઓ બધી મજાની! પ્રભુએ કહેલું છે, માટે બધું જ મજાનું! એક-એક પરીષહો બધા મજાના! પણ જ્ઞાન દ્રષ્ટિ જો નહિ ખુલી, નિશ્ચયદ્રષ્ટિ જો નહિ ખૂલી; તો આ બધું નકામું! શું શબ્દો છે, એમના ખબર છે? ‘જો કષ્ટે મુનિવૃત્તિ પામે, બળદ થાય તો સારો’ જડ સાધુ છે, આતાપના સહન કરું, આમ કરું- તેમ કરું, કષ્ટસહન કરું, અને એના મનની અંદર કોઈ ભાવ નથી, કોઈ સંતો પ્રત્યેનો ભાવ નથી, બધાની નિંદા કરનારો માણસ છે, માત્ર એ કષ્ટોને સહન કરે છે; તો એવા સાધક પ્રત્યે એક લાફો લગાવ્યો ઉપાધ્યાયજી ભગવંતે! શું તું એમ માને છે કે કષ્ટ ક્રિયાથી મુનિવૃત્તિ મળે એમ? ‘જો કષ્ટે મુનિવૃત્તિ પામે, બળદ થાય તો સારો’ બળદયો થઈ જા તું! ઘાંચીની ઘાણીમાં ફર્યા જ કરજે આખો દા’ડો! કષ્ટથી મુનિવૃત્તિ મળતી હોય તો કષ્ટ તો તારા કરત બળદયા વધારે કરે છે, મજુરિયા વધારે કરે છે; એટલે અમારે ત્યાં એટલું સરસ મજાનું વિઝન આપવામાં આવ્યું: ‘પરિષહ સહનાદિક પરકારા, એ સબ હી વ્યવહારા; નિશ્ચય નીજગુણ ઠરણ ઉદારા, લહત ઉત્તમ ભવપારા’ પદ્મવિજય મહારાજની આ એક સાધના કૃતિ છે, એમાં એ લખે છે- ‘પરિષહ સહનાદિક પરકારા, એ સબ હે વ્યવહારા’ સાધુઓએ પરિષહ સહન કરવા જ જોઈએ, અને શ્રાવકોએ પણ કરવા જોઈએ, એમાં શું વાંધો છે? પણ પરિષહ સહન, એ વ્યવહાર સાધના છે. એક વાત ખાસ યાદ રાખો: કોઇ પણ વ્યવહાર સાધના તમારી, સાર્થક ક્યારે? ‘એ નિશ્ચયમાં તમને લઇ જાય તો.’ જે સાધના તમને નિશ્ચયમાં ન લઇ જાય; એ સાધના વ્યવહારાભાસ બની જાય! એ પ્રભુની વ્યવહાર ક્રિયા પણ રહેતી નથી, વ્યવહારાભાસ છે! સામાયિક લીધું તમે, સામાયિકની પ્રક્રિયામાં બેઠા, કટાસણા ઉપર બેઠા, ચરોવળો હાથમાં લીધો, મુહપત્તિ લીધી, વિધિ કરી, બધું જ કર્યું; સમભાવ ન આવે તો?
નિશ્ચય સાધના શું? બહુ સરળ છે. નિશ્ચય એટલે મંઝીલ, વ્યવહાર એટલે માર્ગ. જે માર્ગ મંઝીલે ન પહોંચાડે, એને માર્ગ એ કહેવાય ખરો? હું મારી વાચનાઓમાં, પ્રબુદ્ધ સાધકોને એક જ સવાલ કરું છું – આટલા વર્ષોની સાધના દ્વારા તમે ક્યાં પહોંચ્યા, એ મને બતાવો? અહીંથી વરમાળ તીર્થ છે ને, બાય રોડ જાઓને તો ૧૪ કિલોમીટર છે. તમારે જવું છે કે હું વરમાળની યાત્રા કરું. તમને ખ્યાલ છે કે કલાકે ૫ કિલોમીટર હું ચાલુ છું, Maximum ત્રણ કલાક થાય. તમે ત્રણ કલાક ચાલો, ચાર ચાલો, પાંચ ચાલો, છ ચાલો અને વરમાળ તીર્થ આવે જ નહિ, તો તમે વિચારમાં પડો કે ન પડો? કમસેકમ વિચારમાં તો પડો ને, કે ખોટા માર્ગે આવી ગયો છું. કારણ કે અહીંથી સાત કિલોમીટરે રેવદર, રેવદરથી બે ફાંટા પડે: એક પાવાપુરી સુરેલ બાજુ જાય, એક વરમાળ ને મંડાણ તરફ જાય, અને પેલા રસ્તે મારી મૂકી હોય. તો માર્ગે ચાલનાર પાસે એક વાત નક્કી હોય છે, મારી મંઝીલ કઈ છે? હું ઘણીવાર કહું છું. આપણે ત્યાના અત્યારના ૯૦% સાધકો, ખેદ સાથે કહું છુ: Morning walk કરવાવાળા છે! Morning walk વાળાને શું હોય- ડોકટરે કહ્યું, ૫ કિલોમીટર ચાલવાનું છે, પ્રેશર છે, ડાયાબીટીસ છે, પાંચ કિલોમીટર ચાલવાનું રોજ સવારે; એ શું કરશે? અઢી કિલોમીટર ઘરથી બહાર જવાનું, અઢી કિલોમીટર બેક ટુ હોમ. હવે એ શું નક્કી કરે? રોડની સરફેશ કઈ બાજુ સારી છે, મંઝીલ નથી કોઈ. ક્યાંક પહોંચવું એમ નથી. માત્ર ૫ કિલોમીટર ચાલવું. શરીરની ચરબી બળી જાય થોડી અને એ રીતે હું સ્વસ્થ બનું. તો એ morning walker જે છે, એની પાસે કોઈ મંઝીલ નથી; માત્ર ચાલવાનું છે. અને એક સાધક લક્ષ્ય લઈને ચાલે, મારે પાલીતાણા જવું છે. તમે પણ અમદાવાદથી પાલીતાણા જવા નીકળો. તરત જ અમદાવાદથી બહાર નીકળો. કેટલા માર્ગો નીકળે? પણ તમે ગૂગલમાં જોઇને પણ નક્કી કરશો કે પાલીતાણાનો માર્ગ કયો? ૨ માર્ગ આવશે – 3 આવશે – ૪ આવશે, ગૂગલમાં જોતા જશો, પાલીતાણાનો માર્ગ કયો?
તો તમે લોકોએ મંઝીલ નક્કી કરી છે? કે morning walk ચાલે છે હજુ સુધી? બે સામાયિક થઈ ગયા; Morning walk થઈ ગઈ આજની! અને આપણે શું હોય? ૫૦૦ નો સ્વાધ્યાય થઈ ગયો! ભયો-ભયો… ગંગાજી ન્હાયા! મંઝીલ શું છે, એ તો કહો? સ્વાધ્યાય… સ્વનું અધ્યયન થયું? સ્વનું અધ્યયન થયું? હું કોણ છું? ખબર પડી? હું આ નથી…! હું શરીર નથી..! શરીરને જે હું માને; તે મિથ્યાત્વી! ફરીથી..! શરીરમાં હું પણાની જેને બુદ્ધિ હોય એ મિથ્યાત્વી! કારણ મિથ્યા દર્શન છે! પ્રભુએ કહ્યુ, કે તું ચૈતન્યમય! આનંદમય આત્મા છે! જ્ઞાન સ્વરૂપ આત્મા છે! તમે શરીરને હું માનો, એટલે મિથ્યાત્વ થઇ ગયું! મંઝીલ શું છે તમારી? આજે નક્કી કરો!
હું અત્યારે કોઈ ટીકા-ટિપ્પણી ક્યારેય પણ કરતો નથી, એકદમ પોઝીટીવ માઈન્ડનો માણસ છું, માત્ર પ્રેમથી તમને માર્ગ બતાવવો છે મારે! મારે કહેવું છે, મંઝીલ નક્કી કરો! ‘ચિત્ત પ્રસન્ને પૂજન ફલ કહ્યું’ પૂજન એટલે માત્ર દ્રવ્ય પૂજા નહિ; ભાવ પૂજન – પ્રભુની આજ્ઞાનું પાલન! તો પ્રભુની આજ્ઞાનું પાલન તમે જેમ-જેમ કરો; એમ ચિત્તપ્રસન્ન બનતું જ જાય! No doubt! પ્રભુની આજ્ઞા છે, કે રાગમાં ન જા! દ્વેષમાં ન જા! અહંકારમાં ન જા! તમે એમાં ન જાઓ; તમે ever -green અને ever-fresh રહેવાના જ છો! અમે લોકો ever-green અને ever-fresh કેમ છીએ? મલાઈ ખાતા નથી! બીજું કાઈ અમારી પાસે છે નહી! માત્ર પ્રભુની આજ્ઞાનું પાલન છે! અને એ પ્રભુની આજ્ઞાનું પાલન, અમને લોકોને ever-fresh, ever-green રાખે છે! ક્યારે પણ વિષાદ આવે જ નહિ! શેનો આવે? તો સામાયિક કરો, પ્રતિક્રમણ કરો, બધું પ્રભુની આજ્ઞાનું પાલન છે! હવે, એ પ્રભુની આજ્ઞાના પાલન દ્વારા, ચિત્તપ્રસન્નતા વધી?
એક નાનકડી વાત તમને પૂછું? વંદિતું સૂત્રમાં બોલો છો, ‘તં નિંદે તં ચ ગરિહામિ. એ પાપની હું નિંદા કરું છું અને ગર્હા કરું છું.’ નિંદા એટલે આત્મસાક્ષીએ ગર્હા, અને ગુરુ પાસે જઈને આપણે નિંદા કરીએ તેને ગર્હા કહેવાય. તો હવે આજે તમે જુઠું બોલેલા છો, અને એની ગાથા આવી; ‘તં નિંદે તં ચ ગરિહામિ’ બોલતા ડુંસકા આવે? સપાટ… એકદમ flat રીતે, ‘તં નિંદે તં ચ ગરિહામિ’, બોલી જાઓ કે સાંભળી જાવ! આમ તો બોલનાર જ હોય છે, આપણે તો સાંભળનાર હોતા જ નથી! પ્રતિક્રમણમાં સાંભળનાર હોય કોઈ?! ક્યાંય ને ક્યાંય ફરતા હોય બધા!
ગોવાલિયા ટેંક મુંબઈમાં અમારું ચોમાસું હતું. પર્યુષણમાં મોટો હોલ લે એ લોકો. પ્રતિક્રમણમાં હજારેક લોકો આવે પુરુષોમાં. મેં પ્રવચનમાં કહ્યું, મેં કહ્યું.. ‘આજે તમારી પાસે મારે ડુંસકાની પ્લેબેક ઉપર વંદિતુ સાંભળવું છે!’ એક ભાઈ વંદિતુ બોલતો હોય; ૯૯૯ જણાના ડુંસકા ચાલુ હોય! ‘તં નિંદે તં ચ ગરિહામ’ ‘તં નિંદે તં ચ ગરિહામિ’ ઓહોહો! કેટલા બધા પાપો કર્યા..! આ પાપોમાંથી મુક્તિ! પ્રભુ કેવા ઉદાર, તમને ખબર પડી? કેટલા ઉદાર છે? આજની કોઈ કોર્ટ એવી છે? તમે કહી દો, ‘સાહેબ આ તો અજાણતા છે ને આમ થઈ ગયું! અજાણતા ચોરી કરી નાંખી આમ!’ અજાણતા ચોરી કરે કોઈ? ‘પણ આમ થઈ ગયું, સાહેબ! મને માફ કરી દો!’ આજની કોઈ કોર્ટ કોઈને માફ કરતી નથી; એક પ્રભુની કોર્ટ એવી છે: શુદ્ધ હૃદયથી પશ્ચાતાપ કરો; તમને માફી આપે છે!
ચૈત્યવંદન કરો કે કોઈ પણ ક્રિયા કરો, ઈરિયાવહિ પૂર્વક તમે કરો છો. ઈરીયાવહિયામાં શું છે? ‘જે મે જીવા વિરાહિયા, એગિંદિયા, બેઇન્દિયા’, એ વખતે આંખમાં આંસુ આવે! તમે ઘરેથી ચાલીને દેરાસરે આવેલા છો, કદાચ ઈર્યાસમિતિ પાળી નથી, કદાચ નાનકડો જીવજંતુ પગ તળે આવી પણ ગયેલો હોય, એ વખતે એ ઈરીયાવહિયા તમે કરો અને ખરેખર પશ્ચાતાપ સાથે કરો! તો શાસ્ત્રો એમ કહે છે કે ઈરીયાવહીયા સૂત્ર એ લઘુપ્રતિક્રમણ સૂત્ર છે! નાનામાં નાનું પ્રતિક્રમણ સૂત્ર કયું? ઈરીયાવહીયા સૂત્ર? અને પણ કેટલી મજાની વાત આવી, હવે તમને કહું – પાણી રેલાયેલું હતું, સચિત્ત હતું, તમે એના ઉપર પગ મુકીને આવ્યા. હવે અપકાય જીવો તો એકીન્દ્રીય છે, કાન નથી એની પાસે, તમારી વાત સાંભળશે શી રીતે? તમે તે જીવોની માફી તો માંગી લો, એ જીવો કેવી રીતે સાંભળશે? એટલે એટલી સરસ થીમ ત્યાં આપી: ‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! ઈરીયાવહીયં પડીક્કમામિ?’ પ્રભુને ઉદ્દેશીને આપણે કહીએ છીએ, પ્રભુ આવું મેં કર્યું છે, તો મારી આ માફી બધા જીવોને આપ પહોંચાડી આપશો? મને નિર્દોષ આપ બનાવી આપશો? આટલી સરસ સાધના જેણે મળેલી હોય! એ ભીનો ન રહે, તો શું રહે, મારે તમને પૂછવું છે?
સુરદાસજી એ કહ્યું, ‘નિશદિન બરસત નેન હમારે, સદા રહત બરસારી તું હમ પર’. ‘નિશદિન બરસત નેન હમારે’ પ્રભુ મારી આંખો રાત અને દિવસ વરસી રહી છે! પછી શું કહે છે? ‘સદા રહત બરસારી તું હમ પર.’ પ્રભુ આ આકાશને તો એકાદ-બે મહિના ભીનાશ રહે છે; મારી આંખોના આકાશને બારે મહિના ભીનાશ રહે છે! અહી બારે મહિના ચોમાસું જ ચોમાસું છે! ભક્ત ભીનો-ભીનો! ભક્તની વ્યાખ્યા જ આ! હું તો ઘણીવાર કહું છું: ભીનું હૃદય, ભીની આંખો; પરમાત્મા આ રહ્યા! ભીનું હૃદય,ભીની આંખો, પરમાત્મા ક્યાં છે? ‘અહીંયા છે!’ પરમાત્મા દુર નથી! આ રહ્યા..! ભીનું હૃદય ક્યાં છે?! કોમળતા… અમારી સાધના માટે પણ કહ્યું, દશવૈકાલિકની હરીભદ્રસુરિની મહારાજની ટીકામાં કે સાધુ કેવો હોય પ્રભુનો? સાધ્વી કેવી હોય? તો એમણે લખ્યું, ‘सर्वजीवस्नेहपरिणाम: साधुत्वम्’ સર્વજીવો પ્રત્યેનો મૈત્રીભાવ જેની પાસે છે, કોમળ-કોમળ હૃદય જેનું છે; એ પ્રભુનો સાધુ છે! એ પ્રભુની સાધ્વી છે! જો કે આ છઠ્ઠા ગુણઠાણાની વાત છે. સાતમે ગુણઠાણે તો એકદમ અંદર ઉતરી જવાનું છે. સાતમે ગુણઠાણાની ટોચ પર તો તમે ચોવીસ કલાક ધ્યાનદશામાં હોવ છો! એટલી મજાની પરફેક્ટ સાધના મળી છે કે આ સાધનાને સદ્ગુરુની નિશ્રામાં જઈએ, સદ્ગુરુને સમર્પિત થઈને આપણે કરીએ ને, બે-ચાર જન્મો તો બહુ વધારે છે, આવતા જન્મમાં પણ મનુષ્ય થઈએ ને, તો મોક્ષમાં જઈ શકીએ આપણે! તો પંન્યાસજી સાહેબે આ વાત સમજાવી નમો ભાવની.
પછીની વાત કરું- હિંમતભાઈ બેડાવાળા, સાહેબના પ્રમુખ ભક્ત. પાલીતાણામાં અરવિંદસૂરીદાદાની નિશ્રામાં ચોમાસું હતું. હિંમતભાઈ બેડાવાળા ત્યાં આવેલા. બપોરે ઘણીવાર એમને મારી પાસે આવવું હોય વાચના લેવા માટે, તો એ સમય પૂછતાં, હું કહેતો, આ ટાઈમે આવજો. તો એ ટાઇમની વીસ મિનીટ પહેલા આવે, પહેલા દાદાને વંદન કરી લે, પછી મને વંદન કરે, પછી બધા જ સાધુઓને વંદન કરી લે! બધા જ સાધુઓને વંદન કર્યા પછી, ફરી મારી પાસે આવે, ફરી વંદન કરે મને! વાયણાના આદેશ લે, મારી પાસે બેસે. એકવાર મારા એક શિષ્યએ હિંમતભાઈને કહ્યું, હિંમતભાઈ તમારી સાધના તો બહુ જ ઉંચી છે, અમે એવી સાધના આજે કરી શકતા નથી! હિંમતભાઈ તમે અમને વંદન કરો છો ને, ન કરો તો અમને સારું લાગશે! એ વખતે હિંમતભાઈ કહેતા, સાહેબ! તમે પંચ મહાવ્રતધારી છો! મારી એક જ ઈચ્છા છે તમને વંદન કરતા, ‘હું પંચ મહાવ્રતધારી ક્યારે બની જાઉં!’ એક ઈચ્છા છે, ‘પ્રભુના સાચા સાધુ મારે બની જવું છે!’
એ હિંમતભાઈની સાધના એ હતી, તમને કહું: એ બેડાવાળા કહેવાય, બેડા ગામના રહેવાસી હતા રાજસ્થાનના. એમના ગામથી ત્રણ કિલોમીટર દુર દાદા પાર્શ્વનાથનું તીર્થ છે. એકવાર સાંજના ટાઇમે, ૪-૫ વાગે દેરાસરમાં ગયા, પૂજા કરી, પછી એક જગ્યાએ ઉભા – કાઉસગ્ગ ધ્યાનમાં. તીર્થ હતું. યાત્રિકો આવે ત્યારે આવે, બાકી તો ખાલી હોય. પુજારીને ખ્યાલ હતો. હિંમતભાઈ સાહેબ પૂજા કરવા આવ્યા છે, સાંજના આવ્યો, કોઈ જોયું નહિ મંદિરમાં એણે. અંધારું હતું, થાંભલાની પછવાડે હિંમતભાઈ હતા, દેખાણું નહિ, આરતી ઉતારીને મંદિર માંગલિક કરીને જતો રહ્યો. જંગલમાં તો કોઈ રહે જ નહિ! બેડા જતો રહ્યો એ પણ. ઘર એનું બેડા હતું. આમ તો આપણું દેરાસર ૫-૫.૩૦ ખુલે, આ તીર્થનું, જંગલમાં આવેલું મંદિર હતું, કોઈ યાત્રિક હોય તો ભલે, નહીતર દસ વાગે -અગિયાર વાગે દેરાસર આવો અને પૂજા કરી જાઓ. દસ વાગે પુજારી આવ્યો! દેરાસર ખોલ્યું; અંદર હિંમતભાઈ! સાંજનું પ્રતિક્રમણ કરી દીધેલું, સવારનું પ્રતિક્રમણ કરી દીધું, આખી રાત કાઉસગ્ગ ધ્યાનમાં રહેલાં, અત્યારે કાઉસગ્ગ ધ્યાન ચાલુ હતું! સવારના દસ વાગે! પુજારી ગભરાઈ ગયો! મારી નાંખ્યા! આ તો બહુ મોટા ટ્રસ્ટી સાહેબ છે! મેં ખ્યાલ પણ ન રાખ્યો! સાહેબ અંદર હતા ને, મેં દેરાસર માંગલિક કરી નાંખ્યું! સાહેબ મારી ભૂલ થઈ ગઈ!હિંમતભાઈ કહે ભૂલ કંઇ નથી થઈ, આખી રાત કાઉસગ્ગ ધ્યાનનો લાભ, તે મને અપાયો છે! આ હિંમતભાઈ..!
હવે, તમને એ વાત કહું કે ‘નમો ભાવ’ એમનો કેટલો વિસ્તરેલો? સાધુ-સાધ્વી પ્રત્યે એમને આટલો જ ભાવ! શ્રાવક-શ્રાવિકા પ્રત્યે પણ એટલો ભાવ! અમારા એ ચોમાસામાં, એમને ૭૮ મી ઓળી પૂરી થઈ – વર્ધમાનતપની. ઘરે જ આયંબિલ કરતા. આયંબિલશાળા એ નહિ જતા. રૂમ રાખેલી. બે-ચાર રૂમો રાખેલી, મહેમાન આવે કરે, પોતાનું રસોડું. ઘરે જ આયંબિલ કરતા, કેમ? એક કે બે દ્રવ્યથી એમનું આયંબિલ હોય, ક્યારેક અલોણું આયંબિલ હોય; આયંબિલ શાળામાં જાય, લોકોને ખબર તો હોય આ હિંમતભાઈ બેડાવાળા છે, ઓહોહો! સાહેબે એક વસ્તુ લીધી અને આયંબિલ પૂરું કરી નાંખ્યું! ખાલી બે વાટકી દાળ પીધી અને આયંબિલ પૂરું! હિંમતભાઈ એટલાં જાગૃત સાધક હતા, એ વખતે કોઈ મારી પ્રશંસા કરશે, અનુમોદના કરશે, એને તો અનુમોદના કરવાની છૂટ હોય છે; મને તો અહંકાર ક્યારેક નહિ આવી જાય ને પાછો? એટલાં માટે આયંબિલશાળાએ નહિ જતા, ઘરે આયંબિલ કરતા. હવે ૭૮મી ઓળી પૂરી થઈ. પારણું કરવાની જરૂરિયાત લાગી નહિ, પારણું શા માટે? શરીર કામ કરે છે; આંખોની રોશની ચુકાઈ ગઈ હોત, શરીર લડથડિયાં ખાતું હોય, તો પારણું કરવું પડે! શરીરને કંઇક આપવું પડે, ઘી-દૂધ. મજાથી શરીર કામ કરે છે. ૭૯મી ઓળી લાગલાગટ શરુ કરવી છે. જે દિવસે એમને ઓળી શરુ કરવી હતી એ દિવસે, પ્રભુને ખુબ પ્રાર્થના કરી, સદ્ગુરુઓ પાસે આશીર્વાદ લીધો, પછી બહુ મજાનું કામ શું કર્યું?
એ પન્નારૂપા ધર્મશાળામાં પ્રતિક્રમણની બધી આરાધના કરતા હતા. અમે લોકો પન્નારૂપામાં જ હતા. તો ત્યાં પ્રતિક્રમણમાં જેટલા પણ શ્રાવક ભાઈઓ આવતા હતા, બધાને વિનંતી કરી, ૨૦૦-૫૦૦ જે હતા એમને, કે આવતીકાલે મારે ત્યાં આપને એકાસણું કરવા માટે આવવાનું છે. ચોમાસામાં બધા યાત્રિકો એકાસણું જ કરે.. ‘આવતીકાલે એકાસણું મારે ત્યાં.’ એટલે ૭૯મી ઓળીનો પ્રારંભ એ દિવસે ૫૦૦ સાધકોને પોતાને ત્યાં નિમંત્રયા! ૭૮ આયંબિલ થયેલાં, ૭૯મો દિવસનો ઉપવાસ, આજનું આયંબિલ કર્યું નથી, અને ૫૦૦ સાધકોને પોતાના ત્યાં લઈ જઈને ખુબ ભક્તિ કરે છે, બે-ચાર મીઠાઈ, બધી જ વાનગીઓ..! બહુ શ્રીમંત હતા પાછા, બધાને જમાડ્યા, સાધર્મિક ભક્તિ કરી, પછી કહ્યું – ઉભા થઈને, નમ્રતાથી હાથ જોડીને, ‘આપ સહુ અહી પધાર્યા છો. મારા ઘરે આપણી ચરણરજ પડી, હું ધન્યભાગી બન્યો છું! આપ મને આશીર્વાદ આપો કે આજથી મારી જે ઓળી શરુ થાય છે, એ ઓળીને હું સરસ રીતે પરિપૂર્ણ કરું. એટલે કે પ્રભુની આજ્ઞા છે, એ રીતે અપ્રમત્ત રીતે હું સાધના કરી શકું, મને આશીર્વાદ આપો!’ એ ૫૦૦ એ ૫૦૦ શ્રાવકોની આંખમાં આંસુ! હિંમતભાઈ અમે તમને શું આશીર્વાદ આપીએ! મોટા-મોટા આચાર્ય ભગવંતો, સુધર્માપીઠ ઉપરથી તમારી સાધનાની પ્રશંસા કરે છે! એ તમે..! તમે અમને આશીર્વાદ આપો, એ બરોબર છે, કે અમારી સાધના તમારી જેવી થાય. અમે તમને શું આશીર્વાદ આપીએ? એ વખતે હિંમતભાઈએ શું કહ્યું, યાદ રાખજો: એ કહે, ‘નહિ! તમે બધા પ્રભુએ કહેલી અમૃતક્રિયાને કરનારા છો! તમે બધા સામાયિક, પ્રતિક્રમણ, પૂજા બધું કરનારા છો, અને આ રીતે પ્રભુની આજ્ઞાના જે પણ પાલકો હોય, મારા માટે પૂજનીય છે! તમારો બધાનો આશીર્વાદ મારે જોઈએ!’
અને એ દ્રષ્ટિ કેટલી વિસ્તરી, એ પણ મારે પાછું બતાવવું છે. હિંમતભાઈ, ચન્દ્રકાંતભાઈ, શશીકાંતભાઈ બધાને બદ્રી જવાનો વિચાર આવ્યો. બદ્રી જાય છે, હિમાલયમાં. બદ્રી એટલે ઋષભદેવ પ્રભુનું નિર્વાણભૂમિ એવું આપણે માનીએ છીએ. તો ત્યાં આગળ એ જાય છે, કારમાં બેસીને; પણ એટલું નક્કી, જ્યાં જ્યાં કોઈ સંત મળે – નિર્મલ હૃદયના; ત્યાં જવાનું, એમના ચરણોમાં બેસવાનું, સત્સંગ જો એમની અનુકુળતા હોય તો જરૂર કરવાનો! કોઇ પણ નિર્મલ હૃદયના સંત મળે, આપણે એમની પાસે જવાનું જ.
એક વાત તમને કહું, જે લોકો દ્રષ્ટિરાગમાં આવી ગયા છે, તે બહુ ચુકી ગયા છે! બહુ ચુકી ગયા છે! એક જગ્યાએ અમે ગયેલા, દિગંબર ભાઈઓના ઘર હતા, એ પણ પ્રેમાળ જ હોય પાછા. આપણા ત્યાં ઘર જ હતા નહિ, દિગંબરોના ઘર હતા, વહોરવા માટે નીકળ્યો, હું તો અજાણ્યો હતો. એક ભાઈ દિગંબર જ હતા, પ્રેમથી વહોરવા માટે નીકળ્યા. એમાં એક ઘરે ગયા. એક બહેને કહ્યું, પેલા ભાઈને મારી જોડે આવીને વહોરાઈ દે, કહે છે, આપી દે. પેલા ભાઈએ વહોરાવ્યું. હું તો બહાર નીકળ્યો. આપણને કાંઈ ખબર નહિ. બાઈ માણસ છે, M.C. માં હોય કે એવું કંઇક કારણ હશે. પેલો ભાઈ હોશિયાર હતો. મને કહે, સાહેબ! એ બાઈએ તમને કેમ ન વહોરાવ્યું, ખબર પડી? મેં કહ્યું, ના રે એમાં શું? બાઈ માણસ છે. ના-ના સાહેબ! એ કારણ નથી, કહે છે; એમણે સમ્યક્ત્વ ઉચરેલું છે! એટલે દિગંબર સાધુ સિવાય, કોઈને સાધુ ગણાય જ નહિ પછી! તમે સાધુ જ નથી, એમની પરિભાષામાં! આ પરિભાષા આજે આપણે ત્યાં પણ આવી ગઈ છે! એટલે વિવેકદ્રષ્ટિ તમારી પાસે જોઇશે! કે જ્યાં-જ્યાં ગુણ છે, ત્યાં મારે ઝૂકવું છે! કોને ઝૂકવું છે? ગુણીને ઝૂકવું છે આપણે! તો એ હિંમતભાઈ બેડાવાળાને, બધા જ સાધકો, કોઇ પણ સંત હોય… અને એક વાત તમને કહું, આશ્રમધારી કે મઠધારી સંતોની વાત નથી કરતો, મેનેજમેન્ટ કે બીઝનેસ લઈને બેઠેલો હોય, એની વાત નથી; નિર્મલહૃદયનો સંત, એ ઝુંપડીમાં બેઠો હશે! એ દુનિયાને મળવા કયારેય આવવાનો નથી! તમારે એને મળવા જવું હોય તો જાવ, એ પ્રભુમાં વિલીન થઈ ગયેલો છે! એવા અન્યપંથના સંતો પણ ઘણા છે! રમણ મહર્ષિ.. રામકૃષ્ણ પરમહંસ.. આનંદમયી માં… આજના યુગના સંતો હતા! ખરેખર લાગે એમને જોતા કે પ્રભુમય એમનું જીવન હતું!
તો આપણે ત્યાં તો પહેલી દ્રષ્ટિથી સાધના શરું થઈ જાય છે! અને તમારી પાસે તો પહેલી દ્રષ્ટિ છે કે નહિ એના પણ ફાંફા છે! ઘણીવાર તો મારી વાચનામાં સાધુ-સાધ્વીઓને પૂછ્યું કે યોગદ્રષ્ટિ સમુચ્ચયમાં, પહેલી દ્રષ્ટિના જે ગુણો કહ્યા છે, એ આપણી પાસે છે? મિત્રાદ્રષ્ટિ – એ સાધક, મૈત્ર્ય હોય; બધાનો મિત્ર હોય! એને કોઈ શત્રુ જ ન હોય! આ પહેલી દ્રષ્ટિ છે, બોલો! અને એમ કરતા કરતા આગળ જાય, ત્યારે પાંચમી દ્રષ્ટીએ એને સમ્યક્દર્શન મળે છે!
એકવાર મારા મિત્ર પ્રદ્યુમ્નસૂરી મહારાજ વ્યાખ્યાન આપતા હતા. મીરાંની વાતો કરતા હશે. તો એક સાધકે પૂછ્યું, સાહેબજી! મીરાં કઈ દ્રષ્ટિમાં હશે? પ્રેમથી પૂછ્યું એણે, સાહેબજી મીરાં કઈ દ્રષ્ટિમાં હશે? પ્રદ્યુમ્નસૂરી મહારાજે કહ્યું, ભાઈ! હું એવો જ્ઞાની નથી, એવું કહી શકું, એવું સર્ટિફાઈડ કરી શકું કે મીરાં આ દ્રષ્ટિમાં હશે. પણ મીરાંની અભિવ્યક્તિ જોતા મને લાગે છે કે એ અભિવ્યક્તિના અનુસાર એની અનુભૂતિ હોય તો મારી પાસે મીરાં જેવી અનુભૂતિ નથી! આપણા જૈનશાસનના એક પ્રબુદ્ધ આચાર્ય એમ કહે છે કે મીરાંની અનુભૂતિ જેવી અનુભૂતિ મારી નથી! આ શું છે? વ્યાપક દ્રષ્ટિ છે! તો શું થશે? જ્યાંથી પણ ગુણ મળશે; તમે લેવા માંડશો!
તો એ લોકો કોઇ પણ સંત પાસે જાય. ખબર પડી કે એક સંત છે. નાનકડી ગુફામાં એ રહે છે! એ લોકો હોય ને, ખાવા-પીવાની એ લોકોને કોઈ હિસાબ જ ન હોય! ભગવાન ભરોસે જ હોય! કોણ ખવડાવશે, કોઈ વિચાર જ ન હોય એમને! ખાવું જ નથી! પીવું જ નથી! કોઈ આપી જાય તો લઇ લેશે, નહીતર કાંઈ નહિ! દેહથી બે પરવાહ હોય. ત્યાં સંત પાસે ગયા. ને ત્યાં તો બેસાય એવું જ નહોતું! સંત નાનકડી ગુફામાં! એટલી નાનકડી ગુફામાં કે એક માણસ ટૂંટિયું વાળીને સુઈ શકે, લાંબો થઈને સુઈ એ ન શકે! બેઠા.. પ્રેમથી બેઠા.. પછી આમ જિજ્ઞાસાથી પૂછ્યું, ‘બાબા ઇતની સંકરી ગુહા મે કયો હો?’ હિમાલય હતો, ગુફાઓનો કોઈ તોટો ન હતો. અને નાનકડી ગુફા હોય, સીધો પવન આવે. પાછળથી ઊંડી હોય તો પવન ઓછો આવે, ને હિમાલયમાં તો ઠંડીથી જ બચવાનું હોય છે. ‘બાબા ઇતની સંકરી ગુહાં મેં આપ કયો હો?’ સંત હસ્યા.. સંતે કહ્યું, ‘ક્યોં? બડી ગુહાં કા ક્યાં કામ હે? મેં ઓર મેરે ભગવાન, દો તો યહાં રહતે હે, ફિર તીસરે કા કામ ક્યાં હે?’ ‘મેં ઓર મેરે ભગવાન, દો તો યહાં રહતે હે, ફિર તીસરે કા કામ ભી ક્યાં હે યહાં?’ આ સંત!
ને પછી બીજી એક જગ્યાએ ગયા. થોડુક રોડથી દુર. ચાલવાનું હતું. સહેજ થોડું ચડવાનું હતું. કેડી હતી. ત્યાં સંત હતા, ગુફામાં. આ લોકો ખબર રાખે, ક્યાં-ક્યાં સંતો છે આવા. કાર મુકીને રોડ ઉપર, ચાલ્યા અંદર, દસ મિનિટનો રસ્તો હતો; બધા પહોંચી ગયા, શશીકાંતભાઈ, ચન્દ્રકાંતભાઈ, પ્રાણલાલભાઈ દોશી. હિંમતભાઈ જરા ધીરે ધીરે ચાલી શકે, ઉંમર પણ થઈ ગયેલી. પેલા લોકો જઈને બેઠા. સ્વામીજીએ પણ હાથ હલાવ્યા, આશીર્વાદ આપ્યો; ત્યાં જ હિંમતભાઈ આવે છે, ગુફામાં એન્ટર થાય છે; જ્યાં એ ગુફામાં એન્ટર થયા – પ્રવેશ્યા; પેલા સંત ઉભા થઈ ગયા! હિંમતભાઈનું નામ ક્યારેય સાંભળેલું નથી! હિંમતભાઈ કોણ છે, એમને ખબર નથી! હિંમતભાઈ ગુફામાં પ્રવેશ્યા; અને ઉભા થઈ ગયા! આગળ આવ્યા, હિંમતભાઈને હાથ જોડે છે, ‘અરે! આપ કયું યહા આયે? આપ તો મુજસે ભી બડે સંત હો!’ ‘આપ યહા કયું આયે? આપ તો મુજસે ભી બડે સંત હો!’
કેવી રીતે ખ્યાલ આવ્યો? માત્ર ઉર્જાથી… એ જે બોડીમાંથી ઉર્જા નીકળતી હતી, હિંમતભાઈની, આટલી સાધના જેણે કરી હોય, જેનું મન આટલી હદે પ્રસન્ન હોય, ગુરુદેવે આપેલું મન! ગુરુએ આપેલુ મન, હો! પ્રભુએ આપેલું મન! તમારી પાસે કોનું આપેલું છે? કોનું આપેલું? કોનું આપેલું છે? તો ભેટ આપું, એ સ્વીકારશો? પ્રભુનું મન, ગુરુનું મન, તમને મળી જાય, જોઈએ? ખરેખર જોઈએ તો મળી જ જાય! ખરેખર જોઈએ તો મળી જ જાય! ગુરુ જેવું પવિત્ર હૃદય, અમને કેમ ન મળે? મળે જ! તમે બધા મોક્ષે જવાના જ છો! ને મોક્ષે જશો ત્યારે, નિર્મલહૃદયના સ્વામી થઈને જ જવાના છો! તો નિર્મલહૃદય આજે મળે! Now and here! કેમ ન મળે?! ઈચ્છા થવી જોઈએ! તીવ્ર ઝંખના…!
તો સંત કહે છે, ‘આપ કયું યહા આયે? આપ તો મુજસે ભી બડે સંત હો!’ તો પણ હિંમતભાઈ એમને પગે લાગે! પેલા આમને પગે લાગે! શું એ દ્રશ્ય હશે! જે સંતે ઘરબાર છોડેલા, દેહની પણ ચિંતા છોડેલી, એ માણસને એમની સાધના ઉંચી લાગે છે, બોલો! હિંમતભાઈની.. માત્ર ઉર્જા! એ પણ કેટલી સેકંડની? એન્ટર થયાને ઉર્જા પકડી લીધી! ઉપાશ્રય આ જ કામ કર્યું છે કે ઉર્જાને પકડી રાખી છે. એટલે જ ગભારાના મંદિરો બહુ સારા છે, ભોંયરાના મંદિરો બહુ સારા. પહેલાના ગભારા પણ એવા હતા. મોટો ગભારો હોય, પાલીતાણા હોય, શંખેશ્વર હોય… કોઈ વેન્ટીલેશન જ નહિ, માત્ર અંધારું જ હોય. બીજું કોઈ દ્વાર જ ન હોઈ શકે ત્યાં! કારણ? ઉર્જાને ઘુમરાવાની હતી… ભોંયરામાં તો બહુ જ સરસ ઘુમરાય ઉર્જા! ભોંયરાના મંદિરો ખુબ જ સારા!
પછી એ લોકો બદ્રી પહોંચ્યા છે. બદ્રીમાં પેલા તાટબાબા હતા, માત્ર કંતાનનું ટુવાલ જેવું વસ્ત્ર પહેરેલું હોય, ખુલ્લુ ડીલ બદ્રીમાં’ય! લોકો ત્રણ કોટ પહેરીને ફરે.. આ ખુલ્લાં ડીલે! અને છ મહિના તો બદ્રીમાં કોઈ માણસ ન હોય, કોઈ માણસ નહિ! મંદિરો બંધ થઈ જાય. પુજારીઓ નીચે ઉતરી જાય. હરિદ્વાર સુધી. બદ્રી માં કોઈ માણસ નહિ. અને તાટબાબા બારે મહિના બદ્રીમાં રહે! આ લોકો ત્યાં પણ ગયા એમની પાસે. કોઈ ગુફા-બુફા નહિ! કોઈ જગ્યા નહિ! માત્ર વૃક્ષ નીચે, ક્યાંક કોઈ જગ્યાએ, દેરા તંબુ તાણીને બેઠેલા હોય, મજાથી! કહે, ‘સબ ભૂમિ ગોપાલ કી! અબ ક્યાં? જમીન કે ટુકડે કો ક્યાં કરના હે?’ ‘સબ ભૂમિ ગોપાલ કી! સબ અપની જમીન નહિ.’ આ લોકો બેઠા અને પૂછ્યું, ‘બાબા! છ મહિના તો યહા કોઈ રહતા હી નહિ. મનુષ્ય ભી નહિ હોતે. આપ તો યહા પર હી રહતે હો. ઠીક હે, દૂસરી બાત તો ઠીક હૈ કી આપ ઠંડી કો ઝેલ શકતે હો, લેકિન ભિક્ષા કા પ્રબંધ કેસે હોતા હે? રોટી-દાલ કા પ્રબંધ કેસે હોતા હે?’ અને સંત શું બોલે છે, ખુમારીથી! ‘ક્યાં? તુમ એસા સોચતે હો, કી તુમ રોટી દેનેવાલે હો? અરે! રોટી દેનેવાલા ઉપરવાલા હૈ! તુમ કોન હો? તુમ દેનેવાલે કોન હો?! વોહ તો ઉપરવાલા દેતા હૈ!’ શું એ શ્રદ્ધા હશે!
હિંદુઓમાં એક સાધના આવે છે, એને આકાશીવૃત્તિ કહેવામાં આવે છે. એ આકાશીવૃત્તિની સાધનાનો મતલબ એ છે કે માત્ર એ પરમાત્મા તરફ મુખ રાખીને બેઠેલો હોય. સંસારમાં બેઠેલો ગ્રહસ્થ છે. કોઈ ચિંતા એને નથી! જે પણ ઘટના ઘટે, પ્રભુના ચરણોમાં અર્પણ! મારે ઘટના જોડે કોઈ સંબંધ નથી! આકાશીવૃત્તિ! આર્થિક ચિંતા છે! શું છે.. કોઈ વાત નહિ! પ્રભુ ઉપર જીવવાનું! હાથ ક્યારેય લાંબો નહિ કરવાનો!
તો પંન્યાસજી ભગવંતે આ સાધના આપી, કોને આપી? સમર્પિત સાધકોને આપી! અને એ લોકો ઝીલી શક્યા! અને પંન્યાસજી ભગવંતના જે ગ્રંથો છે. આપણા બધાના ગ્રંથગુરુ એ બની શકે એમ છે. સમર્પણ હોય તો એ બની શકે! એ ગુરુ બનવા તૈયાર… આપણે શિષ્ય બનવા તૈયાર ખરા? બોલો… ગુરુ તૈયાર… શિષ્ય નથી, બોલો! કેટલી મજાની વાત છે! ગુરુ તૈયાર, શિષ્ય નથી!
આપણે ત્યાં શાસ્ત્રોમાં એક મજાની વાત આવે છે- એક ગુરુ હતા. એક શિષ્યને દીક્ષા આપી છે. બીજા પણ ઘણા શિષ્યો હતા. એક શિષ્ય જરા હોનહાર હતો, તેજસ્વી હતો. એક વિદ્યા ગુરુ પાસે એવી હતી કે જે અમુક જાતની સજ્જતા હોય પછી જ આપી શકાય એવી હતી. કાચાપોચાને વિદ્યા પચે એવી નહોતી. તો ગુરુ ડ્યુઅલ એકશનમાં છે. પહેલા એને તૈયાર કરે છે; જયારે તૈયાર થાય, એને વિધા આપી દે, એવું નક્કી કર્યું છે. પણ શિષ્ય થોડો કમજોર નીકળે છે, ગુરુને એટલો સમર્પિત થઈ શકતો નથી, ગુરુ આપે છે એને ઝીલી શકતો નથી, ગુરુના કાળધર્મનો સમય પહોંચે છે! છેલ્લી ક્ષણ સુધી ગુરુએ જોયું, જ્ઞાની ગુરુ હતા! મારો દેહ અત્યારે છૂટવાનો છે, ખબર હતી. ૫.૫૫ મારો દેહ છૂટવાનો છે. ૫.૫૪ સુધી રાહ જોઈ! પેલો હીરો પરિપક્વ થાય તો વિદ્યા આપીને જાઉં! પેલો રહી જાય છે, અને પછી, ગુરુના ગયા પછી, પેલાને ભાન થયું! ઓહોહો! આટલા મોટા ગુરુ હતા! આટલા મોટા ગુરુ હતા! આવા મોટા ગુરુના પામીને હું ચુકી ગયો! જેવો પશ્ચાતાપ થયો.. એવો પશ્ચાતાપ… અને એમાં એકદમ સમર્પણની ભૂખ જાગી! આંખમાંથી રોજ આંસુ! ગુરુદેવ! તમારાં જેવા મહાન સંત મળ્યા, હું તમને ઓળખી ન શક્યો? હું તમને પામી ન શક્યો, ગુરુદેવ? મારું જીવન તો ખલાસ થઈ ગયું! એટલું સમર્પણ આવી ગયું! દેવલોકમાં રહેલાં ગુરુ જુવે છે, જે સાંજે એ પરિપક્વ થયો એકદમ, સમર્પણ પણ એનું પૂરેપૂરું થઈ ગયું, ગુરુદેવ આવ્યા દેવલોકમાંથી, વિદ્યા આપી દીધી!
તો શાસ્ત્રોમાં બે પ્રશ્નો કર્યા. કે પહેલા શું હતું? ગુરુ હતા અને શિષ્ય નહોતો! ગુરુના કાળધર્મ સુધી શું હતું? ગુરુ હતા, શિષ્ય નહોતો! અને શિષ્યને જે આપવું હતું, તેના સંદર્ભમાં એ નહોતો. ગુરુ ગયા પછી; શિષ્ય છે ને ગુરુ નથી. ભલે ગુરુ દેવલોકમાંથી આવી ગયા, બધું આપી દીધું! આપણી ભૂમિકાએ આપણે શું કહીએ? ગુરુદેવ દેહ સ્વરૂપે વિદ્યમાન તો છે જ નહી, સદેહે વિદ્યમાન નથી. તો શિષ્ય છે અને ગુરુ નથી. તો પૂછ્યું કે બેમાંથી એક પરિસ્થિતિની ચોઈસ કરવાની હોય તો શેની પસંદગી કરવી? તો કહ્યું, શિષ્ય તો હોવો જ જોઈએ. ગુરુ પોતાનું કામ ગમે તે રીતે કરી દેશે! એટલે તમારું હોવું જરૂરી છે! શિષ્ય જ ન હોય તો ગુરુ શું કરશે?! પછી ગુરુ માટે એક મજાની વાત છે. સ્વમાં ડૂબેલા જ હોય છે એ. પ્રભુની આજ્ઞા હોય છે કે વિનિયોગ કરવાનો છે તારે. સિદ્ધિ જેણે થઈ છે, એ વિનિયોગ ન કરે તો પણ પ્રભુની આજ્ઞાનો વિરાધક ગણાય. જેટલા-જેટલા પાત્ર હોય એમને ગુરુએ વિદ્યા આપવી જ પડે. પણ ગુરુ એથી પણ નીચે ઉતરે છે! dual action હોય, તમને તૈયાર કરવા માંગે છે! તમે એના માટે પાત્ર નથી, તો વાંધો નહિ! તૈયાર કરવાના! વર્ષો ગુરુ તમારી પાછળ બગાડશે, વર્ષો! એટલાં માટે કે માત્ર કરુણા અને પ્રેમથી કે આ જીવદળ પરિપક્વ થઈ જાય તો પ્રભુશાસનનો હાર્દ એને પકડાય જાય! પંન્યાસજી ભગવંતે સમર્પિત સાધકો તરફ આ એક કામ કર્યું છે! કામ થઈ શક્યું કેમ? સાધકની તીવ્ર ઝંખના હતી અને સાધકનું તીવ્ર સમર્પણ હતું. તમારી પાસે પણ બે જ ચીજ જોઈએ છે: તીવ્રઝંખના અને તીવ્ર સમર્પણ. અને બધા જ સદ્ગુરુઓની એક કોરી ઓફર હોય છે. હું પણ આપતો હોઉં છું કે તમારી સાધનાની તીવ્ર ઝંખના છે; ઘણા મારા ભક્તો અમેરિકામાં રહે છે, યુરોપમાં રહે છે, હું બધાને કહું છું, ક્યારે પણ તમે મૂંઝવણમાં મુકાવો, તરત તમે વોટ્સઅપ દ્વારા સંદેશો મોકલો; જવાબ તમને તરત મળી જશે! હું તૈયાર જ છું! તમારી સાધનાની ખરેખરી તલપ હોય; જ્યાં તમને ગુંચ પડે મને કહી દો, તમારી ગુંચ ઉકેલવા માટે હું તૈયાર છું! તો આ બે વસ્તુ તમારી પાસે જોઇશે જ: તીવ્ર ઝંખના અને સમર્પિતતા. આના વિના ગાડી શરૂ નહિ થાય! આ બે હશે તો કામ શરૂ પણ થઈ ગયું અને પૂરું પણ થઈ ગયું! તો સ્વાનુભૂતિ દૂરની ઘટના નથી; સાધનાને અસ્તિત્વના સ્તરે ઉતારવી દૂરની વાત નથી; તમારી થોડીક સજ્જતા જોઈએ છે.
આમ જુઓ તો સમર્પણ તમારાં માટે અઘરું છે? ભારત સરકારની રેલ્વે ચાલી રહી છે. મુંબઈવાળા આબુરોડ સ્ટેશને ઉતર્યા હશે ને? તમે મુંબઈમાં બેઠા, મુંબઈ સેન્ટ્રલથી, તો તમે એન્જીનના ડબ્બામાં ગયેલા ખરા? જોવા? ડ્રાઈવર કેવો છે? Drunkard તો નથી કોઈ? ગાડીને બરાબર લઇ જશે? તમે આરામથી તમારાં સ્લીપિંગ કોચમાં સુઈ ગયા! એ કેટલો વિશ્વાસ તમારો! ભારત સરકારની રેલ્વે તંત્ર ઉપર! કે ભારત સરકારનું રેલ્વે તંત્ર છે, બરોબર જ ચાલે. અને કહે કે હોનારત બહુ થાય છે. રોજ પેપરમાં વાંચીએ છીએ, અહીંયા ગાડી ખડી પડી, અહીંયા આમ થયું અને અહીંયા આમ થયું. છતાં તમારો વિશ્વાસ ત્યાં છે! હિમાલયમાં તમે યાત્રા કરતાં હોવ, કારમાં, સહેજ જો ડ્રાઈવરને ઝપકી આવે ને, ખીણમાં આખી કાર પડે! ત્યાં તમે back seat driving નહિ, sleeping કરતાં હોવ છો. વિશ્વાસ છે driver ઉપર, સાલું સામાન્ય driver ઉપર વિશ્વાસ, એન્જીનના ડ્રાઈવર ઉપર વિશ્વાસ, ગુરુ ઉપર જ નહિ! કેવી વાત છે આ? આ કેવી વાત છે આ? સમર્પણ ગુરુ પ્રત્યે જ નથી! અઘરું છે આ? તમે સમર્પણ કરો જ છો બધે! સંસારમાં તમારી ગાડી વિશ્વાસથી જ ચાલે છે! બધે વિશ્વાસ! અને અહીં વિશ્વાસ નથી! સમર્પણ અને એ પણ સંપૂર્ણ સમર્પણ.
અમારે ત્યાં કહ્યું – કોઈ શિષ્ય એવો હોય કે પ્રભુ તમારી આજ્ઞા ૯૯% તો હું માનીશ, એક ટકો મારી ઈચ્છાપૂર્વક હું કરીશ. ભગવાન કહે ગેટ આઉટ; મારે ત્યાં તારે રહેવાની જરૂર નથી, ભાગી જા તું! ઉપદેશમાળામાં આવા સાધક પ્રત્યે, શિષ્ય પ્રત્યે, ધર્મદાસ ગણિએ લાકડી ઉગામી છે! ૯૯% તમારી આજ્ઞા પ્રમાણે કરું! એક ટકો મારી ઈચ્છા પ્રમાણે કરૂ! ત્યાં એમને શબ્દો વાપર્યા છે! શબ્દોની લાકડી! ‘कस्साएसा कुणइ सेसं’ (‘કસ્સા એસા કૂણે સવ્વં’) ‘તું એક ટકો તારી ઈચ્છાથી કરે છે, તો ૯૯% તારી ઈચ્છાથી જ થઈ ગયું! આજ્ઞા ક્યાં રહી તારી પાસે?!’ ‘कस्साएसा कुणइ सेसं’ (‘કસ્સા એસા કૂણે સવ્વં’)
તો ૯૯% પ્રભુની આજ્ઞાનું પાલન છે, એક ટકો નહિ હોય, પ્રભુ રીજેક્ટ કરી નાંખશે અમને પણ! તમે ચાલ્યા જાઓ, મારી પાસે તમારું કામ નથી! ૯૯% વાળાનું કામ નથી! ૧૦૦% વાળાનું કામ છે. Total surrender જોઈએ! સાધુત્વ પણ સફળ ક્યારે? પ્રભુની આજ્ઞા પ્રત્યેનું ૧૦૦% સમર્પણ હોય તો, નહીતર નહિ! મારી ઈચ્છા આ છે ને, હું આમ કરું. પ્રભુની આજ્ઞા વાયા ગુરુ તમારી પાસે આવશે. ગુરુ આમ કહે અને મારી ઈચ્છા આમ છે. પ્રભુની આજ્ઞાને ૧૦૦% આપણે સ્વીકારવા તૈયાર ન હોઈએ તો સાધુપણું આપણું શોભે નહિ; એમ તમારે પણ સાધનામાર્ગમાં આગળ જવું હોય તો, સંપૂર્ણ સદ્ગુરુ સમર્પણ કરવું જ પડે; કોઈ વિકલ્પ નથી આવતો, નો ઓપ્શન! આ પેપરમાં કોઇ ઓપ્શન અપાતો નથી! બે વસ્તુ જોઇએ.. એટલે જોઈએ જ..! તીવ્ર ઝંખના સાધનાની અને સદ્ગુરુના ચરણોમાં સંપૂર્ણ સમર્પણ!
તો સદ્ગુરુ તમને ખ્યાલ આવી જ જાય છે. હું ઘણીવાર કહું છું- There is the same fragrance and same taste in all the respected gurus. દરેક જે પહોંચેલા સદ્ગુરુઓ છે ને; ચરણોમાં બેસો; તમે એક જ જાતની સુગંધ! એક જ જાતનો આસ્વાદ તમને મળશે! અને એ સુગંધ પ્રભુની હશે! એ આસ્વાદ પ્રભુનો હશે! નામ ભલે અલગ અલગ હોય ગુરુના. પણ દરેક ગુરુએ, અનુભુતિવાન ગુરુએ, હૃદયને ખાલી કરી નાંખ્યું છે! Totally vacant કરી નાંખ્યું છે; તો પરમચેતના આવીને બેસી ગઈ છે, પછી તમે સદ્ગુરુના ચરણોમાં બેસો છો ત્યારે સદ્ગુરુ તો છે જ નહિ, એ વખતે પછી! તમને જે મળે છે, એ પરમાત્માનો પ્રસાદ હોય છે! એટલે કોઇ પણ અનુભૂતિવાન સદ્ગુરુ હોય; બેઝિજક એમના ચરણોમાં પડી જજો! પણ અનુભૂતિવાન છે, એ તમને ખ્યાલ આવી જ જવાનો છે. અંદર ડૂબેલો માણસ છે, એ ખ્યાલ આવ્યા વિના રહે જ નહિ તમને! તો અંદર ડૂબેલ જેટલા પણ સાધકો છે. આપણા યુગમાં તો કેટલા સરસ થયા! મુક્તિદર્શનસૂરિ મહારાજ અચાનક જતા રહ્યા! પણ એમને હજારો સાધકો સુધી પ્રભુની સાધના પહોંચાડી! મુંબઈ વાસીઓ ઉપર તો મુક્તિદર્શનસૂરિ મહારાજ ખુબ વરસ્યા! ખુબ એમને આપ્યું! એ સાહેબના ગયા પછી તો કેટલા સાધકો મારી પાસે આવેલા, રડતી આંખે, ગુરુદેવ! ગુરુદેવ! ગયા શું કરીશું? એટલું એમણે આપ્યું! આજના યુગમાં પણ આવા સંતો છે!
તો સંતોના ચરણોમાં બેસી જાઓ! સંપૂર્ણ સમર્પિત થઈ જાઓ! અસ્તિત્વના સ્તરની સાધના આ રહી..! ધ્યાનાભ્યાસ.