Maun Dhyan Sadhana Shibir 01 – Vachana – 1

245 Views 30 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

Surrender ની સામે care

તમારું જીવન સાર્થક ક્યારે બને? પરમ ચેતનાનું અવતરણ તમારી ભીતર થાય ત્યારે. સદ્ગુરુ ચેતનાએ અગણિત જન્મોથી એ માટે કામ શરુ કરેલું છે – આપણા હૃદયને શુદ્ધ કરવાનું… હૃદયનું પાત્ર શુદ્ધ થાય, એટલે પ્રભુ તેમાં અવતરિત થાય.

આપણે સદ્ગુરુના aura field માં હોઈએ, ત્યાં સુધી એમની વાત સ્વીકારી પણ લઈએ. પણ જેવા બહાર ગયા – નિમિત્તોની દુનિયામાં – ફરી પાછા રાગ-દ્વેષની લપેટમાં આવી જઈએ. અગણિત જન્મોથી આ વાર્તા ચાલી રહી છે.

માત્ર receptivity એ જ આપણી સાધના. receptivity એટલે સમર્પણ. હવે અહંકારના લયના હું ને સમર્પણના લયના હું માં બદલવો છે. પ્રભુ પ્રત્યેનું સમર્પણ. સદ્ગુરુ ચેતના પ્રત્યેનું સમર્પણ. સમર્પણ જેટલું ઘેરું બને, પ્રભુની કૃપા એટલી જ વધુ ઝીલાય.

મૌન ધ્યાન સાધના શિબિર – ૦૧ (સવારે) – વાચના – ૧

નમો અરિહંતાણં
નમો સિદ્ધાણં
નમો આયરિઆણં
નમો ઉવજઝાયાણં
નમો લોએ સવ્વ સાહૂણં
એસો પંચ નમુક્કારો
સવ્વ પાવપ્પણાસણો
મંગલાણં ચ સવ્વેસિં
પઢમં હવઈ મંગલં

मंगलं श्रीमदर्हन्तो, मंगलं जिनशासनम् ।
मंगलं सकलः संघो, मंगलं पूजका अमी ॥

कमठे धरणेन्द्रे च स्वोचिते कर्म कुर्वति |
प्रभुस्तुल्य मनोवृत्ति: पार्श्वनाथ: श्रियेस्तु वः ||

જ્ઞાનધ્યાનક્રિયાધિકાર્ય કુશલ:, પ્રધુમ્ન દેતાં ગુરુ, 
આંતરલોચનમેકમસ્તું સુતરાં, પ્રુદભાષિતંયસ્યવૈ,
ૐકારેણ સુસેવિતોsપિસતતં, ૐકાર સેવા પરઃ
સોયં સૌમ્ય મના: સદા વિજયતે, શ્રી સિદ્ધિસૂરીશ્વર:
સોયં સૌમ્ય મના: સદા વિજયતે, શ્રી ભદ્રસૂરીશ્વર:
સોયં સૌમ્ય મના: સદા વિજયતે, શ્રી ૐકારસૂરીશ્વર:
સોયં સૌમ્ય મના: સદા વિજયતે, અરવિંદસૂરીશ્વર:

સેંકડો જન્મો પહેલાં  આપણા જીવનમાં ઘટેલી એક ઘટનાની વાત કરું… કદાચ અત્યારે આપણા ખ્યાલમાં એ નથી. પણ મારા અને તમારા જીવનમાં સેંકડો જન્મો પહેલા આ ઘટના ઘટેલી  છે. એવા એક જન્મમાં આપણું સદ્ભાગ્ય રહ્યું કે આપણે એક સદ્ગુરુના ચરણોમાં જઈને બેઠેલા. સદ્ગુરુએ પરમાત્માના એશ્વર્યની મોહક વાતો કરી. જેમણે પરમાત્માને અનુભવેલા એ સદ્ગુરુદેવ ના મુખેથી પરમાત્માના પરમ એશ્વર્યની વાતો આપણને સાંભળવા મળી. પહેલી જ વાર પરમાત્માની આ વાતો સાંભળી… મનમાં એક વિચાર આવ્યો. આવા પરમાત્મા શું મને ન મળે…?! સહેજ આંખો ભીની થઇ.. પ્રભુને પ્રાર્થના કરી કે પ્રભુ તું મારા હૃદયમાં શું અવતરિત ન થાય…? એક ક્ષણની આપણી પ્રાર્થના ઉપર પ્રભુએ આપણને પસંદ કર્યા. પ્રભુએ નક્કી કર્યું કે આના હૃદયમાં મારે અવતરિત થવું છે. પણ એ initial સ્ટેજનું કામ સદ્ગુરુ ચેતનાનું હતું.

સદ્ગુરુચેતના તમારા હૃદયના પાત્રને સ્વચ્છ બનાવી દે. નિર્મળ બનાવી દે. રાગ – દ્વેષ અને અહંકારની ધૂળથી ખાલી કરીને એ પછી એ નિર્મળ હૃદયમાં પરમ ચેતનાનું અવતરણ થાય. તો પરમ ચેતનાએ સદ્ગુરુ ચેતનાને સંદેશ આપ્યો. I have selected him. I have selected her. અને સદ્ગુરુ ચેતનાનું કાર્ય શરૂ થઇ ગયું. સદ્ગુરુ ચેતનાએ બીજું કાંઈ જ કરવાનું નહોતું. આપણા હૃદયના પાત્રને એમણે સ્વચ્છ કરવાનું હતું. વિચાર તો કરો… ટોચ સુધી ગ્લાસ ધૂળથી – કચરાથી ભરાયેલ હોય, એમાં પાણી જાય તો પણ શું થાય… સિવાય કે કીચડ. તો વિષય – કષાય અને અહંકારની ધૂળથી ભરેલ આપણા હૃદયના પાત્રમાં પ્રભુની કરુણા અવતરિત થાય તો પણ શું થઇ શકે! એટલે સદ્ગુરુ ચેતનાએ આપણા હૃદયના પાત્રને નિર્મળ બનાવવાનું કામ શરૂ કર્યું. કેટલાય જન્મોથી સદ્ગુરુ ચેતના તમને નિર્મળ બનાવવા માટે કોશિશ કરી રહી છે. કેટલા પ્યારથી એ સદ્ગુરુ ચેતના તમારા ઉપર કામ કરે છે.

પ્રેમથી સદ્ગુરુ ચેતના આપણને સમજાવે… બેટા! તું નિમિત્ત નિમિત્ત નિમિત્ત શું કરે છે…. તું કહે છે પેલી વ્યક્તિએ મને રફલી કહ્યું માટે મને ગુસ્સો આવ્યો. નિમિત્ત જેવો શબ્દ સાધકની dictionary માં છે જ નહિ. બે વાત આજે કરું. ભક્તની dictionary માં ભક્તની vocabulary માં પાને પાને નિમિત્ત શબ્દ છે. પ્રભુએ મને નિમિત્ત બનાવ્યો. આ પ્રવચન આપીને હું સુધર્મા પીઠ ઉપરથી હું ઉભો થઈશ, એ વખતે મારી આંખો ભીની હશે. અને મારા આંખની ભીનાશ પ્રભુને કહેતી હશે કે પ્રભુ તારી પાસે તો અગણિત sound systems છે. અને છતાં તે મારા જેવા નાચીજ માણસની sound system પસંદ કરી! તું મારા કંઠેથી પ્રગટ્યો. પ્રભુ કેવું તો મારું આ પરમ સૌભાગ્ય. એક પણ સારું કાર્ય તમારા દ્વારા થાય આંખમાંથી આંસુ ટપકે. અને એ તમારી આંખના આંસુ પ્રભુને કહેતાં હોય કે પ્રભુ તે મને નિમિત્ત બનાવ્યો આ શુભ કાર્યમાં… આ શુભ કાર્યમાં મારું કર્તૃત્વ બિલકુલ નથી. તે મને નિમિત્ત બનાવ્યો. તો ભક્તની dictionary માં પાને પાને નિમિત્ત શબ્દ છે. સાધકની dictionary માં નિમિત્ત શબ્દ છે જ નહિ.

તો ગુરુદેવ આપણને પ્રેમથી સમજાવે છે કે બેટા! તને જે ગુસ્સો આવ્યો… તું કહે છે કે પેલી વ્યક્તિએ મને રફ્લી કહ્યું માટે મને ગુસ્સો આવ્યો એ વાત તારી ખોટી છે. તારું ઉપાદાન અશુદ્ધ હતું. તારા હૃદયની નિર્મળતા ઓછી હતી. માટે એ નિમિત્તની અસરમાં તું આવી ગયો. હું ઘણીવાર કહું કે પેટ્રોલપંપમાં એક માણસ ગયો. ત્યાં બોર્ડ લગાડેલું હતું…. no smoking please… પણ પેલા માણસને સિગરેટ પીવાની તલપ લાગી… એને દીવાસળી સળગાવી. સિગરેટ પેટાવી. ત્યાં સુધી ઠીક હતું, આદતને વશ દીવાસળી સીધી જ ફેંકી દીધી, પેટ્રોલ ઉપર… આખો જ પેટ્રોલપંપ ભડકે બળ્યો. તમને આમાં શું દેખાય..? દીવાસળી ફેંકાઈ; પેટ્રોલપંપ સળગી ઉઠ્યો. પણ આ પૂર્વાર્ધ છે. હવે તમને એ ઘટનાનું ઉત્તરાર્ધ કહું… એ જ માણસ દીવાસળીનું બાકસ લઈને પાણી ભરેલા હોજ પાસે ગયો. દીવાસળી સળગાવી – સળગાવીને પાણી ભરેલા હોજમાં એ નાંખતો ગયો. શું થાય… એક દીવાસળી નહિ, સળગતી સેંકડો દીવાસળી એ હોજમાં ફેંકે. હોજમાં શું થાય… તમને ગુસ્સો આવે ત્યારે સામાની દીવાસળી દેખાય છે… તમારો પેટ્રોલપંપ દેખાતો નથી. તમે તમારા પેટ્રોલપંપને પાણીના હોજમાં ફેરવી નાંખો. દીવાસળીની તાકાત ક્યાં છે…!

સદ્ગુરુએ પ્રેમથી આપણને સમજાવ્યું. આપણે સદ્ગુરુના aura field માં હતા. ત્યાં સુધી એમની વાત આપણે સ્વીકારી પણ લીધી. બહાર ગયા નિમિત્તોની દુનિયામાં અને ફરી પાછા રાગ – દ્વેષની લપેટમાં આપણે આવી ગયા. અગણિત જન્મોથી આ વાર્તા ચાલી રહી છે. સદ્ગુરુ આપણા હૃદયના પાત્રને સ્વચ્છ કરવાની કોશિશ કરે… આપણે એ પાત્રને પાછું ગંદુ કરીએ. મને હમણાં એક સંગોષ્ઠીમાં સરસ સવાલ પૂછવામાં આવેલો – એક ભાવકે મને પૂછ્યું કે ગુરુદેવ! ગુરુચેતના થાકે કે ન થાકે? એ ગુરુ ચેતના જન્મોથી અમારા ઉપર કામ કરતી હોય, અમે એમને સહેજ પણ result ન આપીએ, એ ગુરુ ચેતના થાકે કે ન થાકે… એ ગુરુ વ્યક્તિ જેણે સેંકડો વાર અમને શુદ્ધ કરવાની કોશિશ કરી અને અમે અશુદ્ધ ના અશુદ્ધ રહ્યા, તો એ ગુરુ વ્યક્તિ થાકે કે ન થાકે…

મેં કહ્યું ગુરુ વ્યક્તિ કે ગુરુ ચેતના ક્યારેય પણ થાકે નહિ. થાક ક્યાં લાગે- જ્યાં કર્તૃત્વ છે; ત્યાં થાક લાગે… જ્યાં સાક્ષીભાવ છે; ત્યાં થાક છે જ નહિ.. અને એટલે આનંદઘનજી ભગવંતે એક બહુ સરસ વાત કરી… “ગુરુ નિરંતર ખેલા, તરૂવર એક પંખી દો બેઠે; એક ગુરુ એક ચેલા, ચેલે ને જુગ ચુન ચુન ખાયા, ગુરુ નિરંતર ખેલા.” સાધક પ્રારંભિક કક્ષાનો સાધક થાકી શકે… સદ્ગુરુ ક્યારે પણ થાકે નહિ. ગુરુ નિરંતર ખેલા.. અમે લોકો ever fresh, ever green, કારણ પ્રભુએ અમારા કર્તૃત્વને છીનવી લીધું છે. જૈન શાસનની એક મજાની પરંપરા, આપણી પાસે છે, કાર્યો હોય, પણ એ કર્તૃત્વ મુક્ત હોય. હિન્દીમાં એક કહેવત છે… “नेकी कर ओर कुए में डाल” સારું કામ કર પછી કુવામાં નાંખી દેજે… પછી યાદ નહિ કરતો…

તો પ્રભુએ અમારા કર્તૃત્વને છીનવી લીધું છે કાર્ય છે, કર્તૃત્વ નથી; માટે થાક નથી. યાદ રાખો- કાર્યોનો થાક ક્યારેય લાગતો નથી…. જે થાક લાગે છે… એ કર્તૃત્વનો, એ વિકલ્પોનો, એ અહંકારનો છે. ૮ દિવસ તમને ઊંઘ ન આવે ને તો અડધા વિક્ષિપ્ત જેવા તમે થઇ જાવ. શું કારણ… ઊંઘ એક મજાનું કામ કરતી હતી… કે તમારા વિકલ્પોને cut off કરતી હતી. ગાઢ ઊંઘની અંદર તમારા વિકલ્પો ન હોય. એટલે દિવસે કદાચ વિકલ્પો કર્યા… વિચારો કર્યા… રાત્રે વિકલ્પો cut off થયા. સવારે તમે fresh થઈને ઉઠો છો. એનું કારણ ઊંઘ નથી. વિકલ્પોનો અભાવ છે. ઊંઘ જો બરોબર નથી આવી. અને વિચારો – વિચારો ચાલેલા છે; તો સવારે તમે fresh થઈને નહિ ઉઠો. પ્રભુએ કર્તૃત્વ છીનવી લીધું. અમારા વિકલ્પો છીનવી લીધા. We have not to do anything absolutely and we have not to think anything absolutely. અમારે કંઈ કરવાનું પણ નથી. કંઈ વિચારવાનું પણ નથી. એક શિષ્ય કયો વિચારે એ કરે, એક શિષ્યની પાસે, એક સાધ્વીજી ભગવતીની પાસે વિકલ્પો નથી. કારણ આગળની ક્ષણે શું કરવાનું સદ્ગુરુ જાણે.

તો ગુરુ નિરંતર ખેલા. કાર્ય છે; પણ કર્તૃત્વ નથી. કાર્ય છે; પણ વિકલ્પો નથી. એક કાર્ય થયું; પ્રભુના ચરણોમાં એ સમર્પિત કરી દીધું. પ્રભુ તારા ચરણોની અંદર સાધનાના આ પુષ્પોને સમર્પિત કરું છું. પછી કોઈ વિકલ્પ નથી આવતો. એ કાર્ય કેવું થયેલું, કેવું ન થયેલું. પ્રભુએ કરાવ્યું, પ્રભુના ચરણોમાં એને સમર્પિત કર્યું. તમે જેટલા ન હો કેન્દ્રમાં, તમારા અહંકારના લયનો હું કેન્દ્રમાં જેટલો ન હોય એટલી મજા. અમારો જે આનંદ છે ને એ તમને આપી દઉં આજે… જોઈએ ને…

તો આટલું જ કરવાનું છે. અહંકારના લયવાળા હું ને કેન્દ્રમાં રાખવું નથી. આપણા હું ના ત્રણ રૂપો છે. એક તો અહંકારના લયનો હું, જેનો પરિચય તમને બહુ છે. બીજો હું છે; સમર્પણ લયનો હું… પ્રભુની આજ્ઞા તમે સ્વીકારી એક સામાયિક કર્યું… એ સામાયિક કર્યા પછી તમારા મનમાં એક કેફ છે. એક આનંદ છે. પ્રભુના ચરણોની અંદર ૪૮ મિનિટ મેં સમર્પિત કરી. તો એક હું અહંકારના લયનો, બીજો હું સમર્પણના લયનો… અને ત્રીજો હું શુદ્ધ લયનો હું. આનંદઘન હું. તમને એટલા માટે બોલાવ્યા છે અહીંયા કે તમને બધાને આનંદઘન કરી દેવાના છે. ૩૦૦ વર્ષ પહેલાં આનંદઘનજી ભગવંત થયા, પણ તમે કોણ છો… તમે બધા જ આનંદઘન છો. એ તમારી આનંદઘનતા ને પ્રગટ કરવી.

ત્રણ દિવસમાં આપણે આજ કામ કરવું છે. ૨ ત્રિપદીઓ સાધનાની આપણે લેવાના છીએ. એક ત્રિપદી સમર્પણ ની છે. બીજી ત્રિપદી સાક્ષીભાવની છે. આ બે જ ત્રિપદીઓને લઈને આપણે આપણા હું ને replace કરવું છે. એક તમારો હું replace થઇ જાય. બદલાઈ જાય. તમે આનંદઘન બની ગયા. હું છું ને આમેય ઉધારીનો ધંધો નથી કરતો. મને ફાવતો પણ નથી. હું તો now and here નો માણસ છું. સાહેબ આનંદઘન બનાવી દો… બનાવી દઉં બેસી જા. Now and here. કારણ મારે શું કરવાનું છે. તમારી ભીતર એ આનંદ પડેલો છે. ઉપર થોડી રખિયા જે છે એ આવી ગયેલી છે નીચે અંગારો તો ઘબકી રહ્યો. મારે ખાલી રખિયા થોડી દૂર કરવાની છે.

તમારું જે સ્વરૂપ છે એ સ્વરૂપ ૨૪ કલાક તમારી ભીતર છે.. છે.. ને છે. માત્ર મોહની, અજ્ઞાનની રખિયા એના ઉપર ફરી વળે છે; ત્યારે તમે તમારા સ્વરૂપનું ભાન ભુલી જાવ છો. તમે આનંદઘન છો જ. અત્યાર સુધી તમે વિષાદઘન રહ્યા ને એ પ્રભુનો તમે કરેલો મોટો અપરાધ છે. પ્રભુ કહે છે તું તારા સ્વરૂપમાં સ્થિર થા. પ્રભુની આજ્ઞા ૨ – એક વ્યવહાર આજ્ઞા. એક નિશ્ચય આજ્ઞા.

વ્યવહાર આજ્ઞા શ્રાવકો માટેની ૧૨ વ્રત વગેરે છે. અમારા માટે પાંચ મહાવ્રત, પંચાચારનું પાલન, દશવિધ સામાચારી નું પાલન એ છે. પણ એ પ્રભુની વ્યવહાર આજ્ઞા. નિશ્ચય આજ્ઞા પ્રભુની શું છે…. તું તારા સ્વરૂપમાં સ્થિર થા. તમે તમારા સ્વરૂપમાં સ્થિર ન થાઓ; એ તમે કરેલી પ્રભુની આશાતના છે. તમે તમારા મનને રાગમાં, દ્વેષમાં કે અહંકારમાં લઇ જાવ; એ તમે કરેલી પ્રભુની આશાતના છે. અનંતા જન્મોમાં એ આશાતના થઇ. આ જન્મમાં હવે પ્રભુની ભક્તિ કરવી છે. તો આનંદઘન તમારે બનવું છે.

એટલે અહંકારના લયના હું ને પહેલા સમર્પણના લયના હું માં આપણે બદલીએ… અને એ પછી શુદ્ધ લયના હું માં એને બદલી દઈએ. તો સમર્પણના લયમાં હું ને બદલવા માટે પંચસૂત્રે સાધના ત્રિપદી આપણને આપી. શરણ સ્વીકાર, દુષ્કૃત ગર્હા, સુકૃત અનુમોદના.

શુદ્ધના લયમાં હું ને લઇ જવા માટે સાક્ષીભાવની ત્રિપદી પ્રભુએ પોતે ઉત્તરાધ્યયન સૂત્રની અંદર આપણને આપી છે. તો આપણે બે જ ત્રિપદી ના માધ્યમે આપણા હું ને બદલવું છે. પણ બે હાથે તાળી વાગશે હો… મારી મહેનત પુરી રહેવાની. જો કે હું તો આયાસનો માણસ હવે રહ્યો જ નથી. હું શબ્દનો પ્રયોગ પણ આના માટે કદાચ થઇ જાય, શરીરમાં… બાકી યશોવિજય નામની ઘટના જ ખતમ થઇ ગઈ છે. મારે કંઈ કરવાનું છે પણ નહિ. માત્ર પ્રભુ કરે છે. હું totally કર્તૃત્વની ધારામાંથી મુક્ત થયો છું. અને એ પણ પ્રભુની કૃપાથી. પ્રભુએ મારા કર્તૃત્વને છીનવી લીધું. એવી અનહદ કૃપા પ્રભુએ કરી, મારા હું ને પ્રભુએ પડાવી લીધું. અને મને શુદ્ધ હું ની ભેટ આપી. પણ પ્રભુ મને જ આપે એવું નહિ, તમને પણ આપે. તો આપણે એક સહિયારો પ્રયત્ન કરીએ…

ઉપનિષદનો એક બહુ પ્યારો મંત્ર છે – “सहनाववतु सहनौ भुनक्तु। सहवीर्यं करवावहै।” ઉપનિષદના ગુરુ કર્તૃત્વ શૂન્ય બનેલા છે. એમને કાંઈ જ કરવું નથી. એ કે છે પ્રભુ કરી રહ્યા છે બધું… તો મારા જેવા માણસને ચમચો હલાવાની જરૂરિયાત ખરી…? પ્રભુ બધું કરે છે. તો એટલી અદ્ભુત પ્રાર્થના એમને કરી… પહેલી પ્રાર્થના કરી… सहनाववतु – પ્રભુ મારી અને મારા શિષ્યની વિભાવોમાંથી રક્ષા તમે કરો. વાસ્તવિક ગુરુત્વ કેવું હોય, એની એક પહેચાન એની એક identity આ સૂત્ર આપણને કરાવે છે.

ગુરુ ક્યારેય કહેતાં નથી હું આમ કરી દઉં, હું આમ કરી દઉં… પ્રભુની કૃપા; થઇ જશે. ગુરુ કહેતાં નથી કે મારા શિષ્યની વિભાવોમાંથી હું સુરક્ષા કરું. ગુરુ પ્રભુને કહે છે કે પ્રભુ! તું મારી અને મારા શિષ્યની વિભાવોમાંથી રક્ષા કર. અને આ સંદર્ભમાં હું એક સૂત્ર આપું છું- surrender ની સામે care. પ્રભુની કૃપા સતત વરસી રહી છે. એવી એક ક્ષણ નથી, એવું ક્ષણાર્ધ નથી કે પ્રભુની કૃપા ન વરસતી હોય. તો આપણે એને ઝીલી કેમ ન શકીએ! આપણા અગણિત જન્મો પહેલા જે જન્મ હતો, એમાં તીર્થંકર પ્રભુની કરૂણા આપણા ઉપર વરસેલી કે નહિ. વરસેલી? અને એ પછીના અગણિત જન્મોમાં એક – એક તીર્થંકર પ્રભુની કૃપા આપણા ઉપર વરસતી આવી.

હું પણ એને ઝીલી નહોતો શક્યો. આ જન્મમાં એની કૃપાથી ઝીલાય એની કૃપા. બાકી હું પણ એની કૃપાને ઝીલી શક્યો નહોતો. અને એટલે જ એક વાતને હું વારંવાર દોહરાવતો હોઉં છું. There should be the receptivity. તમારી સાધના બીજી કોઈ જ સાધના નથી. એક માત્ર receptivity ની સાધના છે. આ હોલમાં કેટલાયે ટી.વી સ્ટેશનોએ છોડેલા. દ્રિશ્ય અને શ્રાવ્ય આંદોલનો તરી રહ્યા છે. ન મને એની ખબર પડે, ન તમને પડે. ટી.વી. on થાય તો એ આંદોલનો પકડાય. તો ટી.વી. ના એ યંત્ર પાસે એ આંદોલનોને પકડવાની ક્ષમતા છે. તો પ્રભુની કૃપા વરસ્યા જ કરે છે. આપણે બીજું કાંઈ જ કરવાનું નથી. માત્ર એક receptivity પ્રભુની કૃપાને ઝીલી લઈએ, પછી નું બધું જ કામ પ્રભુ અને સદ્ગુરુ કરી આપશે. આપણે કાંઈ જ કરવાનું રહેતું નથી.

તો એ receptivity શું છે: એ receptivity એટલે સમર્પણ. પ્રભુ પ્રત્યેનું સમર્પણ. સદ્ગુરુ ચેતના પ્રત્યેનું સમર્પણ. તો surrender ની સામે care. તમારું સમર્પણ જેટલું ઘેરું બન્યું; પ્રભુની કૃપા વધુ ઝીલાય. અમારી care પ્રભુ એક – એક સેકંડે રાખે. બે જાતની care કરે છે અમારી… અમારા શરીરના સ્તરની, બાહ્ય સ્તરની care પણ પ્રભુ કરે છે. અને વિભાવોની અંદર અમે એક સેકંડ માટે લપેટાઈએ નહિ એની care પણ પ્રભુ કરે છે. એક મજાનું સુરક્ષા તંત્ર પ્રભુએ અમને આપ્યું છે. અમે શું કર્યું? કાંઈ જ નહિ. માત્ર એમના ચરણોમાં જીવન સમર્પિત કરી દીધું.

લોકો ઘણીવાર મને કહે હો… સાહેબ! જીવન સમર્પિત કરી દેવાનું… બહુ અઘરું પડે… જીવન એટલે શું? તમારો હું… તમને અઘરું શું પડે…? તમારા હું ને છોડવું પડે. હવે હું તમને પૂછું કે એ હું નું રાસાયણિક પૃથક્કરણ શું કરશો. હું શેનાથી બનેલું છે… તમારો હું એક ગંદુ શરીર, society એ ચોડેલું એક નામનું સ્ટીકર, તમારી થોડી વિચાર શક્તિ. આ બધાના કચરા ઉપર તમે લેબલ માર્યું હું નું… ખરેખર સમર્પણ અઘરું ક્યાં છે… ગંદુ શરીર લકસ અને લીરીલ થી નવડાવી – નવડાવીને થાકી જાવ તો પણ પરસેવાની બદબૂ વહાવે એવું શરીર. રાગ અને દ્વેષથી છલકાતું મન, અને નામ તો તમને society એ આપ્યું તમારું છે નહિ. તો આમાં પ્રભુને સમર્પણ કરવામાં અઘરું શું પડે…?! પ્રભુની grand exchange offer… તારું ગંદુ હું મને આપી દે, શુદ્ધ હું તને આપું. બોલો પીડામય હું આપી દેવાનું. આનંદમય હું લેવાનું.. કોણ ના પાડે છે… ના કોણ પાડે… અત્યારે ઘરે આમ બેઠા હોય… શી રીતે બેઠા હોય… લમણે હાથ દઈને…

તમારા જીવનમાં રતિ બહુ ઓછી છે. અરતિ જ વધુ છે. વારંવાર mood less થાવ છો. ઈચ્છાથી વિરુદ્ધ થયું mood less બની ગયા. અમે લોકો ક્યારેય mood less ન બનીએ. કેમ… we are choiceless persons. ઈચ્છાઓ જ નથી; તો ઇચ્છાઓની પીડા ક્યાંથી આવે! તો તમારા પીડામય હું ને પ્રભુને આપવાનું… આનંદમય હું પ્રભુની પાસેથી લેવાનું. બોલો તૈયાર બધા… તૈયાર… અમારું કામ સરળ થઇ જાય. તો सहनाववतु

પછી ગુરુ કહે છે – सहनौ भुनक्तु અમે સાથે સ્વાધ્યાય કરીએ. હું મારા શિષ્યને ભણાવું; એ વાત ગુરુ પાસે નથી. હું પણ ભણું છું, અને એ પણ ભણે છે. તું મને ભણાવ પ્રભુ… સદ્ગુરુ એટલે અહં શૂન્ય ચેતના. હું સદ્ગુરુને બારી જેવા કહું છું. એક બારીની identity શું હોય… એને લોખંડની ગ્રીલ છે કે સ્ટીલની ગ્રીલ છે એ કાંઈ બારીની identity નથી. એને લાકડાના કબાડીયા છે કે સ્ટીલના ક્બાડીયા છે એ કાંઈ બારીની identity નથી. બારીની identity એક જ છે, તમે છતની નીચે છો. ભીંતોની વચ્ચે છો. ત્યારે અસીમ અવકાશ જોડે તમને જે જોડી આપે એ બારી. ક્યારેક છે ને કબાટ અને બારી બહારથી સરખા લાગતા હોય… તમે ખોલો ને ભીંત તો કબાટ. ખોલો અને કાંઈ નહિ તો બારી. બારી એટલે પરમ રીતાપન, પરમ ખાલીપો, પરમ શૂન્યતા. સદ્ગુરુ એટલે પણ શું.. પરમ રીતાપન, પરમ ખાલીપન, પરમ વિભાવશૂન્યતા. અને એ વિભાવશૂન્યતાના અવકાશની અંદર પરમ ચેતનાનો અવકાશ દેખાય. सहनौ भुनक्तु– હું અને મારો શિષ્ય સાથે સ્વાધ્યાય કરીએ છીએ.

અને ત્રીજી પ્રાર્થના આવી. सहवीर्यं करवावहै – હું અને મારો શિષ્ય સાધનામાર્ગમાં સાથે ચાલીએ. હું આગળ ચાલુ, મારો શિષ્ય પાછળ ચાલે; એ વાત પાસે નથી. કારણ હું ગુરુનો શિષ્ય છું. હું પ્રભુનો છું. એવું સદ્ગુરુ માને છે. તો सहवीर्यं करवावहै અમે બે સાથે ચાલીએ તારા સાધના માર્ગમાં… તો આ અહં શૂન્યતા ગુરુને પ્રભુએ આપેલી છે. તો જ આ ઉદ્ગારો નીકળે. નહીતર ગુરુને થોડું પણ અંદર હોય કે હું મારા શિષ્યને ભણાવું, હું મારા શિષ્યને સાધના આપું…

અમારા ત્યાં યોગોદ્વહનની ક્રિયા થાય ત્યારે ગુરુ શિષ્યને સૂત્ર આપે. ઉત્તરાધ્યયન સૂત્ર, આચારાંગ સૂત્ર… હું તને આપું છું. પણ એ વખતે ગુરુ જે બોલે છે, અદ્ભુત… “खमासमणाण हथ्थेणं” આ સૂત્ર હું તને નથી આપતો. સદ્ગુરુઓની પરંપરા તને આપે. ગુરુનું હું ક્યાંય હોતું નથી. અને તમારો હું ક્યારે ન હોય એવો સમય ખરો આમ… આજે રાત્રે છે ને દિવસ દરમ્યાનના વિચારોની ટેપ ખોલીને બેસી જાવ. કદાચ આજે સાધક થઈને આવ્યા છો… આજે ટેપ જુદી પણ વાગે કદાચ… બાકી કોઈ પણ સાદા દિવસમાં રાત્રે તમે બેસો… અને દિવસ દરમ્યાન કરેલા વિચારોને તમે વાગોળો તો દર અડધો કલાકે – કલાકે તમારો હું બહાર આવશે. મેં પેલાને આમ કહ્યું ને પેલો impress થઇ ગયો. અલા એ તો થયો કે ન થયો… તું impress થયો, એમ બોલ ને…

તો આપણી વાત એ હતી કે સદ્ગુરુ ચેતનાએ અગણિત જન્મોથી આપણા ઉપર કામ શરું કરેલું છે. આપણા હૃદયને શુદ્ધ કરવાનું… અને હૃદયનું પાત્ર શુદ્ધ થાય એટલે પ્રભુ એમાં અવતરિત થાય. અત્યાર સુધી આપણે સદ્ગુરુને મોકો આપ્યો નથી. હું ઘણીવાર કહું કે તમે સદ્ગુરુને રાહ જોવડાવો… કેટલી… કેટલી… ગોરેગાંવ ચોમાસું કરવા માટે મેં બે વર્ષ રાહ તમને જોવડાવી… બરોબર….. પણ એ તો કોરોના ના કારણે… પણ તમે ગુરુ ચેતનાને કેટલી રાહ જોવડાવી… એ તો કહો… અગણિત જન્મોથી એ ગુરુ ચેતના તમારા ઉપર કામ કરવા ઉત્સુક હોય. તમારા હૃદયના પાત્રને નિર્મળ બનાવવા ઉત્સુક હોય. અને તમે એ ગુરુના કાર્યને સામે જોવા પણ તૈયાર ન હોવ… ગુરુએ સાફ કર્યા તો કર્યા. મારું કામ બહાર જઈને ગંદા થવાનું… આ જનમમાં શું ચાલો… ગયા જન્મોની બધી વાત ગઈ… આપણે ત્યાં કહે ને  “ગઈ તિથી તો જ્યોષી પણ ન વાંચે” કાંઈ નહિ આપણે નહિ વાંચીએ.

આ જનમમાં હવે ગુરુને રાહ જોવડાવાની છે? કે ગુરુ તમારા હૃદયને નિર્મળ કરે, નિર્મળ થઇ જાય. અને એ ક્ષણે પરમ ચેતનાનું અવતરણ તમારી ચેતનામાં થાય. યાદ રાખો તમારું જીવન સાર્થક ક્યારે બને… પરમ ચેતનાનું અવતરણ તમારી ભીતર થાય ત્યારે.. અને ભક્તિ સૂત્રનું એક નિગુણ તત્વ છે કે પ્રભુ તમારી ભીતર પ્રવેશવા માટે રાહ જોઈ રહ્યા છે. He is waiting for you. Dharmanath dada is waiting for you. ક્યાં જગ્યા આપે ને અંદર આવી જાઉં. અને એટલે જ પરમ ચેતનાએ ગુરુ ચેતનાને કહ્યું, મારે આ લોકોના હૃદયમાં અવતરિત થવું છે પણ હૃદય નિર્મળ ન હોય, ત્યાં સુધી અવતરણ થઇ શકે નહિ. માટે એ લોકોના હૃદયને નિર્મળ તમે બનાવો.

એટલે સદ્ગુરુ ચેતનાનું કામ માત્ર initial સ્ટેજનું કામ છે. અમે માત્ર તમને નિર્મળ બનાવીશું. પ્રભુ આવે… રવીન્દ્રનાથ ટાગોરે ગીતાંજલિમાં કહ્યું કે પ્રભુ હું તો બાંસુરી છું. મારી ભીતરથી હવા થઈને તું વહે છે. અને એટલે જે સંગીત સર્જાય છે; એની માલીકીયત પ્રભુ તારી છે. હું તો બાંસુરી છું. ચુપ ચુપ થઈને પડી રહેનારી, સંગીત સર્જાયું મારી ભીતરથી; એનું કારણ માત્ર તું છે. ટાગોરે છેલ્લે conclusion આપ્યું બહુ મજાનું, બહુ પ્યારું… કે જીવનમાં બીજું કાંઈ જ કરવાનું નથી. જીવનની બાંસુરી એના હોઠને touch થઇ જાય, આપણું અવતારકૃત્ય પૂરું થઇ જાય. તમારા જીવનની બાંસુરીને એના હોઠને touch કરી દો. બીજું કાંઈ જ કરવું નથી. પછી એ બાંસુરીમાંથી મજાનું મજાનું સંગીત નીકળ્યા જ કરશે. પ્રભુ તમારી ભીતર અવતરે. હું ઘણીવાર કહેતો હોઉં છું કોઈની અનુમોદનાના લયની વાત જાણી તમારી આંખો ભીની બની… અનુમોદનાના લયમાં બે આંસુ આવ્યા, તમારી આંખોમાં… હું કહીશ કે તમારી આંખોમાંથી પ્રભુ પ્રગટ્યા.

કોઈની સરસ વાત સાંભળી, બે શબ્દો અનુમોદનાના લયમાં તમે બોલ્યા, હું કહીશ કે પ્રભુ તમારા કંઠેથી પ્રગટ્યા. ઘણીવાર હસતાં હસતાં હું કહેતો હોઉં છું કે આપણે તો બહુ પ્રગટી નાંખ્યું. પ્રગટવામાં બાકી નથી રાખ્યું, હવે પ્રભુને પ્રગટવા દો. તમે બાજુમાં જતા રહો. તમે કેન્દ્રમાં ન રહો. તમે પરિઘમાં જતાં રહો. પ્રભુને કેન્દ્રમાં લાવી દો. અમારું સાધુપણું એટલે શું… જીવનના કેન્દ્રમાં પ્રભુ છે. અને અમારો હું પરિઘમાં કેમ છે… આ અમારું સાધુપણું. કઈ રીતે ખાવું? કઈ રીતે બોલવું? કઈ રીતે જીવવું? મારા પ્રભુએ કહ્યું છે એમ. કારણ કે હું પરિઘમાં છું; પ્રભુ કેન્દ્રમાં છે.

તો ત્રણ દિવસમાં આપણું આ જે મજાનું work shop છે એમાં આપણે એક જ કામ કરવું છે. કે હું ને replace કરવો છે. અહંકારના લયના હું ને સમર્પણના લયવાળા હું માં લઇ જઈને શુદ્ધ હું સુધી પહોંચવાનું છે. એના માટે આપણે theorical વાતો પણ કરીશું. અને practical સાધના પણ ઘૂંટીશું. આપણે જે સાધના કરીશું એ અહં મુક્તિ માટેની જ સાધના છે. આ સાધના હું વર્ષોથી કરાવું છું. અને આ સાધના સંપૂર્ણતયા આપણા જૈન ગ્રંથો ઉપરથી આધારિત છે.

દુનિયાની આજની લગભગ સાધના પદ્ધતિઓ મેં જોઈ. Theorical લગભગ બધી જોઈ. વિપશ્યના જેવી કેટલી બધી સાધનાઓ ને practically પણ મેં ઘૂંટી છે. પણ આ જે ધ્યાન સાધના હું પ્રસ્તુત કરું છું; એમાં કોઈ પણ સાધનાની અસર મેં લીધી નથી. માત્ર આપણા ગ્રંથોની જ અસર. એટલે એને હું ભાગવતી સાધના કહું છું. પ્રભુએ આપેલી સાધના. મારા પ્રભુએ અદ્ભુત સાધના આપી છે તો હું બીજે શા માટે જાઉં! એ સાધના મુંબઈમાં પણ ઘણી જગ્યાએ મેં કરાવી પહેલાં માટુંગા વિગેરેમાં… તો જે સાધકો વિપશ્યના અને સમર્પણયોગને કેટલીય સાધનામાં જઈને આવેલા, એમના ઉદ્ગારો હતા કે સાહેબ આપણી પાસે આવી સાધના છે એ તો પહેલી વાર ખ્યાલ આવ્યો. આટલી સરસ સાધના આપણી પાસે છે તમે બહાર શા માટે જાવ.

તો આ જે સાધના છે એના ૪ ચરણો છે. પહેલું ચરણ છે ભાવ પ્રાણાયામ. પ્રાણાયામ એટલે તમને ખ્યાલ છે. શ્વાસને ધીરે ધીરે ધીરે લેવો. ધીરે ધીરે છોડવો.. અને એ રીતે શ્વાસની એક રીધમ શ્વાસની એક લય સ્થાપિત કરવી એ દ્રવ્ય પ્રાણાયામ.

આપણે ત્યાં યોગદ્રષ્ટિ સમુચ્ચયમાં હરીભદ્રસૂરિ મહારાજે ભાવપ્રાણાયામ બતાવ્યું છે. ભાવ પ્રાણાયામ એટલે શું… શ્વાસની સાથે વિચારને, શુભ વિચારને, શુભ ભાવને સાંકળી દેવા. એટલે એક – એક શ્વાસ લો ત્યારે એક suggestion કરવું છે કે આ ઉપાશ્રયમાં ૩૦ – ૩૫ મહાત્માઓ છે. આજે તો ૫૦થી પણ વધારે સાધુ ભગવંતો, ૧૦૦થી વધારે સાધ્વીજી ભગવતીઓ આવેલ છે. એ બધાએ જે સમભાવના આંદોલનો છોડેલા છે. એ આંદોલનોને મારે પકડવા છે. એટલે શ્વાસ લો છો. Suggestion તમારી પાસે છે કે મારે સમભાવના આંદોલનો લેવા છે. તો એ માત્ર તમારા Suggestion ને કારણે એ સમભાવના આંદોલનો તમારી ભીતર જશે. અને તમે શ્વાસ બહાર કાઢો છો ત્યારે તમારી અંદર રહેલા ક્રોધનું વિસર્જન કરવું છે એવું Suggestion મનને આપો. અને એને કારણે અંદર રહેલો ક્રોધ જે છે એ બહાર નીકળે.

આ વસ્તુ આજનો મનોવૈજ્ઞાનિક કહે છે. મનોવૈજ્ઞાનિક એક સરસ વાત કરે છે કે આપણી આજુબાજુમાં positive energy અને negative energy બેઉના પ્રવાહો છે. બેઉના સમુદ્રો છે. અમારા જેવા લોકોએ છોડેલી positive energy પણ વાતાવરણમાં છે. અને લાખો – કરોડો લોકોએ છોડેલી negative energy એના આંદોલનો પણ વાતાવરણમાં છે. તમારે ક્યાં આંદોલનો પકડવા… you can decide it . તમે suggestion તમારા મનને આપો. અને ૨ મિનિટ માત્ર શુભ ભાવમાં આવી જાવ. તો એ શુભભાવમાં તમે આવો.. એના કારણે તમારું મન જે છે, એ એવી position બનાવશે. કે માત્ર positive energy જ ખેંચાશે. ૫ મિનિટ નિરાશ થઇ ગયા. આખો દિવસ તમે નિરાશાની energy ને ખેંચી. તો આપણું પહેલું ચરણ છે ભાવ પ્રાણાયામ.

પછીનું ચરણ છે ભાષ્ય જાપ. “તિત્થયરા મે પસીયંતુ” ગણધર ભગવંતે લોગસ્સ સૂત્રમાં આપેલ આ નાનકડા ચરણને આપણે ભાષ્ય જાપમાં લઇ લીધું. ભાષ્ય જાપ એટલે શું…. સહેજ loudly બોલાતો જાપ. એટલો loudly … કે તમે જે શબ્દો બોલો એ તમારા કાન ઉપર જાય. ભાષ્ય જાપ શું કરે છે…. ભાષ્ય જાપને વિચારો માટે speed breaker કહેવામાં આવે છે. તમારા વિચારોની સ્પીડને ૫ મિનિટ – ૧૦ મિનિટ તમે ભાષ્ય જાપ કરો તો તોડી નાંખે. એટલે વિચારોની speed નું breaker એ ભાષ્યજાપ છે. એટલે આપણે થોડો ભાષ્ય જાપ કરીશું.

એ પછી થોડો ત્રીજું ચરણ માનસ જાપ. કે એ “તિત્થયરા મે પસીયંતુ” પદનો મનમાં જાપ કરો. પણ એ જાપ કેવો… There should be the total concentration. સંપૂર્ણ એકાગ્રતા હોવી જોઈએ. અને એ સંપૂર્ણ એકાગ્રતા જપના માધ્યમે તમને મળી જાય. એ જ એકાગ્રતાનો ઉપયોગ આપણે ચોથા ચરણમાં કરશું. કે આપણે આપણી ભીતર જઈને આપણો કોઈ ગુણની અંદર, આપણા મનને, આપણી ચેતનાને, આપણા ઉપયોગને સ્થાપિત કરીશું.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *