Maun Dhyan Sadhana Shibir 01 – Vachana – 3

4 Views 28 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

સમર્પણની સાધના ત્રિપદી

શરણ સ્વીકાર. તમે એવા તો પ્રભુના ચરણોમાં, પ્રભુના સ્વરૂપમાં એકાકાર થઇ ગયા, કે તમે રહ્યા જ નહિ. તમારી અશુદ્ધ ચેતના એ જ ક્ષણોમાં ગેરહાજર થઇ ગઈ; માત્ર પરમચેતના ત્યાં હાજર છે. તમે છો જ નહિ; માત્ર પ્રભુ છે – આવો શરણ સ્વીકાર આવે, એટલે ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે.

मो सम कौन कुटिल खल कामी. ધ્રુસકે ધ્રુસકે પ્રભુની પાસે રડવું છે કે પ્રભુ! મારા જેવો અધમ માણસ… એને તેં તારા ચરણોમાં સ્થાન આપ્યું! પ્રભુ! તારા આ ઉપકારને હું ક્યારેય ભૂલી શકું એમ નથી. અત્યાર સુધી એક જ વાત હતી કે હું superior; હું સર્વશ્રેષ્ઠ. પણ દુષ્કૃતગર્હા નું આ ચરણ તમારા એ હું ને સમર્પણના લયમાં મૂકી દે.

સુકૃત અનુમોદના. બીજા વ્યક્તિમાં જે પણ ગુણો રહેલા છે, એ ગુણોની અનુમોદના. બીજાના ગુણો જોઈએ; એ ગમી જાય. મારામાં આ ગુણ નથી – એ બોધ આપણા હું ને શિથિલ કરે. પ્રભુની પાસે પ્રાર્થના કરીએ કે પ્રભુ! આ ગુણ મને આપો! અને પ્રભુ એ ગુણ આપણને આપી દે!

મૌન ધ્યાન સાધના શિબિર – ૦૧ (સવારે) – વાચના – ૩

એક બહુ સરસ પ્રાર્થના નું પુસ્તક થોડા સમય પહેલા બહાર આવેલું. Opening doors within બહુ જ સરસ પ્રાર્થનાઓ એમાં લેખિકા  Eileen Caddy એ લખેલી હતી. પણ અદ્ભુત તો એની પ્રસ્તાવના હતી. પ્રસ્તાવના માં  Eileen Caddy લખે છે કે આ પુસ્તક મેં લખ્યું નથી. પરમચેતના એ મારી પાસે લખાવરાવ્યું છે.  Eileen Caddy લેખિકા હતા, ઇઝરાયેલ ના પ્રવાસ માં ગયેલા. ઇઝરાયેલ માં એવી એક વસાહત છે, જેમાં હજારો લોકો પ્રાકૃતિક રૂપે જીવન જીવે છે. Electricity નહિ, કોઈ પણ યંત્રો નહિ, માત્ર પ્રાકૃતિક રૂપે ખેતી કરવાની અને ઝુંપડામાં રહેવાનું. એ વસાહતનો અભ્યાસ કરવા માટે  Eileen Caddy ગયેલા છે. રાતનો સમય સૂવાની તૈયારી કરે છે અને ત્યાં ઉપરથી ઈશ્વરીય સંદેશ ઉતરવા લાગ્યો. લાગ્યું… એટલા તો અદ્ભુત આ શબ્દો છે કે જેને તરત જ લખી લેવા જોઈએ નહિતર ભૂલાઈ જશે તો… પણ લખવું શી રીતે…!? ઝુંપડામાં અંધારું છે. ફાનસ પણ નથી. એ વખતે થોડે દૂર આવેલ public toilet પાસે એ જાય છે, અને public toilet ના પ્રકાશની અંદર એ ઈશ્વરીય સંદેશને લખે છે. આખું પુસ્તક એ રીતે લખાઈ ગયું. અને પ્રસ્તાવનામાં એ લખે છે મેં લખ્યું નથી. પરમચેતનાએ આ પુસ્તક લખાવરાવ્યું છે. એ વાંચીએ ત્યારે actually લાગે કે એમાં human touch છે જ નહિ. માણસ આ ભાષામાં લખી શકે એવું આપણી કલ્પનામાં પણ ન ઉગે. સ્પષ્ટ લાગે કે divine touch છે.

તો તમે બાજુમાં ખસી જાવ, પ્રભુ કેન્દ્રમાં આવી જાય મજા જ મજા. આવો જ એક સરસ પ્રયોગ પોંડીચેરી આશ્રમમાં માતાજીએ કરેલો. શ્રી અરવિંદના અનુગામીની માતાજી હતા. એકવાર માતાજીને સાવિત્રી ઉપર બોલવાનું હતું. શ્રી અરવિંદનું સાવિત્રી બહુ જ tough છે. એક જ divine touch વાળું, એનું ગુજરાતી અનુવાદ તમે સાંભળો ને તો પણ કદાચ તમને પલ્લે ન પડે. તો શ્રી અરવિંદનું સાવિત્રી બહુ જ tough ગણાય છે. એના ઉપર પ્રવચનો આપવાનું માતાજીએ નક્કી કર્યું. પણ એક સરસ આયામ વિચાર્યો; જે આપણે અત્યારે પ્રયોગમાં મૂકી રહ્યા છે. પહેલેથી તમે આવેલા હોવ, શાંત ચિત્તે બેઠેલા હોવ, અને પછી પ્રભુના પ્યારા પ્યારા શબ્દો તમારી ચિત્તની ભૂમિ ઉપર વરસે. એક વાત હું વારંવાર કહેતો હોઉં છું. I m not to speak a single word. યશોવિજયે કશું બોલવાનું છે જ નહિ… યશોવિજય નામની સંઘટના જ નથી. તો યશોવિજય બોલે ક્યાંથી..?! I have not to speak a single word; He has to speak.

તો માતાજીએ મજાનો અભિગમ શરૂ કર્યો. ૯ વાગે પ્રવચન શરૂ થવાનું છે. ૮.૩૦ વાગે માતાજી પોતે પણ આવી જાય, auditorium માં…. બધા જ શ્રોતાઓ આવી જાય. ૮.૩૦ મિનિટે auditorium ના દરવાજા બંધ થઇ જાય. એ પછી માતાજી અને પુરું શ્રોતા વૃંદ ધ્યાનમાં જતું રહે. માતાજી પણ અડધો કલાક ધ્યાનમાં હોય. બરોબર ૯ વાગે આંખ ખુલે માતાજીની, સાવિત્રીનું પુસ્તક ટેબલ પર પડેલું છે. એ પુસ્તકને એમને એમ ખોલવાનું. અને ડાબા હાથસર જે પહેલો પેરેગ્રાફ છે એને વાંચવાનો… અને એના ઉપર અડધો કલાક પ્રવચન આપવાનું. એ પછી ફરી અડધો કલાક બધાએ ધ્યાનમાં જવાનું. એ પ્રવચનો about સાવિત્રી નામના પુસ્તકમાં ગ્રંથસ્થ થયેલા છે. મેં એ પ્રવચનો વાંચ્યા છે. વાંચતા જ લાગે કે સીધો જ  divine touch માં છે.

આ ઘટના મેં વાંચી ને એ પછી પહેલી જ વાર રાણકપુર તીર્થમાં મેં એનો ઉપયોગ કર્યો. રાણકપુર તીર્થમાં વાચના સત્ર હતું. સાધના શિબિર નહિ… માત્ર વાચના સત્ર હતું. મેં એમાં આ પ્રયોગ કર્યો. રાણકપુર તીર્થમાં પ્રભુની ઉર્જા તો પુરા કેમ્પસમાં છવાયેલી છે. પણ એ સાથે આપણા યુગના બહુ જ મોટા સદ્દગુરુ પંન્યાસ પ્રવર ભદ્રંકરવિજય મ.સા ત્યાં ઘણો સમયે સાધના માટે રહેલા હતા. એટલે મેં સાહેબજીનું જ પુસ્તક સાધના માટે પસંદ કર્યું. અને આજ રીતે ૯ વાગે બધાએ auditorium માં આવી જવાનું. અડધો કલાક ધ્યાનમાં જવાનું, ૯.૩૦ એ હું આંખ ખોલું.. મારી સામે પુસ્તક પડેલું છે.. આત્મોત્થાનનો પાયો. હું એમજ પાનું ફેરવું છું અને ગ્રંથના ડાબા પાનાં ઉપર જે પહેલો પેરેગ્રાફ હોય છે એને હું વાંચું છું. અને એના ઉપર પોણો કલાક પ્રવચન આપું છું. એ પછી ફરી અડધો કલાક ધ્યાનમાં જવાનું. ધ્યાનમાં જઈને વાંચવું એમાં ૨ અભિગમ હતા. એક તો તમે ધ્યાનમાં જાવ છો ત્યારે, તમારી ચેતના પરમચેતના સાથે એકાકાર થઇ જાય છે. કહો કે પરમ ચેતનામાં તમારી ચેતના ઓગળી જાય છે. અત્યારે તો આપણી આ પ્રાથમિક શિબિર છે પણ તમે જેમ જેમ આ સાધનામાં આગળ વધો તેમ ધ્યાનનો એક અર્ક તમને સમજાય. કે પરમચેતનાની અંદર આપણી ચેતનાને આપણે ઓગાળી દઈએ છીએ.

આ જ વાત શ્રીપાળ રાસમાં ઉપાધ્યાયજી ભગવંતે કરી “અરિહંત પદ ધ્યાતો થકો,  દવ્વહ ગુણ પજઝાય રે, ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે” જે ક્ષણે તમારી ચેતના અરિહંત પ્રભુની ચેતના સાથે જોડાય છે, ત્યારે તમારી ચેતના અલગ રહેતી નથી. તમારી ચેતના અરિહંત પ્રભુની ચેતનામાં એકાકાર થઇ જાય છે. આ વખતે નવપદ ઓળીની વાચનામાં આ જ પદો લઈને સીધા જ ધ્યાનમાં ઉતારવાનું છે. શ્રીપાળરાસમાં ઉપાધ્યાયજી ભગવંતે આ અદ્ભુત theme આપી. મેં તો હજુ સુધી આ theme ધ્યાનમાં જવાની, એના પહેલા ક્યાંય જોઈ નહોતી. એક – એક પદને લો… ધ્યાનદશામાં જાવ, અને એ પદ સાથે એકાકાર થઇ જાઓ. તો ૨ અભિગમ મારા હતા… એક અભિગમ આ હતો – ધ્યાનમાં ગયેલો હોઉં, પરમચેતનામાં એકાકાર હું થયેલો હોઉં, યશોવિજય તો હોય જ નહિ. પછી પરમચેતના બોલે કેટલી તો મજા આવે. મને પણ સાંભળવાની મજા આવે.

અને ૨જો અભિગમ એ હતો કે પહેલાથી કશું જ નક્કી નહિ કરવાનું કે કયા સૂત્ર ઉપર બોલવું.. એમજ પાનું ખોલવાનું… જે પેરેગ્રાફ, જે સૂત્ર, આવ્યું પહેલું એને બોલવું.. એના પર સ્વાધ્યાય કરો. તો પરાવાણીનો બહુ જ મહત્વનો સંદર્ભ આ છે કે આપણે પરિઘમાં જતાં રહીએ, પરમચેતના કેન્દ્રમાં આવે.

પંચસૂત્રના પ્રથમ સૂત્રમાં પૂજ્યપાદ હરીભદ્રસૂરિ મ.સા એ સાધના ત્રિપદી આપી. પહેલી સાધના શરણ સ્વીકાર. એનો અર્થ જ આ થયો. તમે એટલા તો પ્રભુના ચરણોમાં, પ્રભુના સ્વરૂપમાં એકાકાર થઇ ગયા કે તમે રહ્યા જ નહિ. તમારી અશુદ્ધ ચેતના એ જ ક્ષણોમાં ગેરહાજર થઇ ગઈ. એ વખતે માત્ર પરમચેતના અહીંયા છે. અને એટલે જ કહ્યું, “ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે” – અરિહંત કે સિદ્ધ આપણે થઈશું ત્યારે આર્હન્ત્ય સાથે, સિદ્ધત્વ સાથે, સદા માટે આપણે એકાકાર થયેલા હોઈએ. પણ થોડો સમય માટે અરિહંત પ્રભુ સાથે અભેદ મિલન કરવું. સિદ્ધ ભગવંતો સાથે અભેદ મિલન કરવું એ અત્યારે થઇ શકે છે. તમે અત્યારે થોડી ક્ષણો માટે અરિહંત બની શકો છો. તમે થોડી ક્ષણો માટે સિદ્ધ ભગવંત બની શકો છો. શું કરવાનું? તમારી ચેતનાને તમારે અરિહંતમય બનાવી દેવાની… માત્ર અરિહંત તત્વનો વિચાર એમ નહિ…. આર્હન્ત્યની અનુભૂતિ. એક વાત યાદ રાખવાની: ધ્યાન એટલે માત્ર અનુભૂતિ… શબ્દ અને વિચાર એ પૌદ્ગલિક ઘટના છે. શબ્દ પૌદ્ગલિક કે જયોતિર્મય?- પૌદ્ગલિક. વિચારો પૌદ્ગલિક કે જ્યોતિર્મય?- પૌદ્ગલિક.. તો શબ્દ તમારું સ્વરૂપ નથી. વિચારો તમારું સ્વરૂપ નથી; માત્ર સ્વની અનુભૂતિ એ જ તમારું સ્વરૂપ છે.

સિદ્ધશિલા ઉપર હું અને તમે જઈશું ત્યારે આપણી પાસે ન શબ્દો હશે, ન વિચારો હશે, આપણે માત્ર આપણા સ્વરૂપની અંદર શુદ્ધ સ્વરૂપમાં ડૂબેલા હોઈશું.

તો પંચસૂત્રની આ સમર્પણની સાધના ત્રિપદી એનું પહેલું ચરણ શરણ સ્વીકાર. તમે છો નહિ, માત્ર પ્રભુ છે; શરણ સ્વીકાર થઇ ગયો. આપણે છીએ, આપણું અહંકારના લયનું હું છે, એ જ તો મોટામાં મોટી તકલીફ છે ને.. મારો ને તમારો સંસાર અનંતા જન્મોથી ચાલુ રહ્યો, કારણ શું…? કારણ એક જ મારા કેન્દ્રમાં પણ હું હતું, અહંકારમય. તમારા કેન્દ્રમાં પણ અહંકારમય હું હતું.

ગાંધીજી round table conference માટે London ગયેલા. એમની સાથે ઘણા બધા ગાંધી ભક્તો હતા. એ વખતે London માં જે ઘણા બધા વિદ્વાનો હતા.. એમાં આગળ પડતા Bertrand Russell હતા. Russell ને વાંચવા, એમને સમજવા એ જમાનામાં અઘરું ગણાતું. એક ગાંધી ભક્ત Bertrand Russell ને મળ્યો. એણે પૂછ્યું Russell ને કે ગાંધીજી ને તમે અત્યારે નજીકથી જોયા, તમને લાગતું હશે કે ગાંધીજી ખરેખર સંત છે. Bertrand Russell એ કહ્યું હા, ગાંધીજી ખરેખર સંત છે… મહાત્મા છે અને એમને નંબર ૨ ઉપર સ્થાન હું જરૂર આપી શકું. પેલો મનમાં સમજ્યો ગાંધી ભક્ત કે આ ક્રિશ્ચન માણસ. એના ભગવાન ઇસુ ખ્રિસ્ત છે તો ઇસુ ખ્રિસ્તને પહેલા નંબરે એ માણસ માને અને બીજા નંબરે મારા ગાંધીજીને માને, તો ખરેખર ગાંધીજીને એણે ખુબ સારું સન્માન આપ્યું કહેવાય. ક્રિશ્ચન પરંપરામાં પણ ઘણા બધા સંતો છે. પણ એ સીધો જ બીજો નંબર ગાંધીજીને આપે છે. પહેલા નંબરે એના ભગવાન, બીજા નંબરે મહાત્મા માં ગાંધીજી, ખરેખર ગાંધીજીને એને બહુ સારું બહુમાન આપ્યું. પણ એક જિજ્ઞાસા હતી… પૂછી લીધું પહેલા નંબર ઉપર કોણ? ત્યારે Bertrand Russell એ કહ્યું કે પહેલો નંબર હું મારા માટે જ રાખું છું. અને બીજા નંબરથી શરૂઆત કરું છું. હું પહેલો નંબર મારા માટે જ રાખું છું. હું શરૂઆત બીજા નંબરથી જ કરું છું.

આ જ ગોટાળો આપણે અનંતા જન્મોમાં કર્યો છે. સદ્દગુરુ ખરા… સદ્દગુરુ ઉપર પ્રેમ પણ છે… ભક્તિ પણ છે… પણ પહેલા નંબરે મારો હું… અને એટલે થશે શું… જે સદ્દગુરુ મારા હું ને પંપાળે… એ સારા… અત્યાર સુધીના જન્મોમાં તમે એ જ સદ્દગુરુને સારા કહેલા… જે સદ્દગુરુ તમારા હું ને પંપાળે. એક વાત તમને પૂછું… હું સદ્દગુરુ તરીકે બેઠેલો છું… મારે કરવાનું શું? હું નું ગુબડું તમારી પાસે છે. હું એ ગુંબડાને પંપાળીને મોટું કરું કે ચીરી નાંખું…. શું કરું….?

ડોક્ટર તમને કેવા ગમે…? તમારી ડોક્ટરની પસંદગીની પરિભાષા શું હોય… જે એકદમ handsome હોય, મીઠું મીઠું બોલનારો હોય, એ ડોક્ટર સારો. આવી કોઈ તમારી વાત ખરી….!? ના. એ એના વિષયમાં નિષ્ણાંત હોવો જોઈએ. ડોક્ટર પાસે તમે જાઓ છો ત્યારે તમારા મનમાં એક સ્પષ્ટતા છે કે રોગ મારે દૂર કરવો છે. એ રોગને જે દૂર કરી શકે એ ડોકટર પાસે હું જાઉં. બરોબર…? પછી ડોકટર કહે ઇન્જેક્શનો લેવાના. તૈયાર… ઓપરેશન કરવું પડશે… તૈયાર… સદ્દગુરુ કેવા ગમે…? જે મારા અનાદિના હું ને કાઢી આપે, એ મારા સદ્દગુરુ. તો પહેલું ચરણ શરણ સ્વીકાર.

કેટલાક ભક્તો પત્ર લખે, પત્રમાં નીચે લખે આપનો ચરણરજ ફલાણો ફલાણો… હવે હું એને ઓળખતો હોઉં… એનો અહંકાર કેટલો મોટો છે એ પણ મને ખબર હોય. અને એણે લખ્યો હોય, આપનો ચરણરજ… ત્યારે મને હસવું આવે કે સાલું ચરણરજ તો ખરી… પણ રજ કેવડી? આમ ચરણની ધૂળ હોય એ કેવી હોય… આટલી નાનકડી tiniest… પણ મને એક પેલાનું નામ વાંચતા થાય કે આ ચરણરજ ૬/૧.૩૦ ની છે. મારા પગ નીચે આવે હું ઉથલી પડું…. અત્યાર સુધી સદ્દગુરુ પાસે ગયા છો… પણ તમારા હું ને તમે નંબર ૧ પર રાખ્યું છે. હવે નક્કી કરો: પરિઘમાં તમે. કેન્દ્રમાં સદ્દગુરુ. પરિઘમાં ખૂણે – ખાંચણે તમે, કેન્દ્રમાં પ્રભુ. આ પહેલું ચરણ શરણ સ્વીકાર.

બીજું ચરણ છે દુષ્કૃત ગર્હા. કેટલા બધા દોષો આપણી ભીતર પડેલા છે. એ દોષોને આપણે જોઈએ… એ દોષો આપણને ડંખે… આપણે સદ્દગુરુ પાસે જઈએ… આંસુની સાથે ડૂસકાં ભરતાં ભરતા કહીએ… સદ્દગુરુદેવ આ રાગ, આ દ્વેષ, આ અહંકાર અનંતા જન્મોથી મને પજવી રહ્યા છે. મને નરક અને નિગોદમાં ધકેલનાર આ મારા દોષો છે. ગુરુદેવ મને દોષોમાંથી મુક્ત કરો. સદ્દગુરુ તૈયાર છે. તમારા દોષોમાંથી તમને મુક્ત કરવા માટે સદ્દગુરુ તૈયાર છે. પણ પહેલી વાત એ છે કે તમને તમારા દોષો ડંખ્યા છે ખરા?

એક સૂત્ર હું આપતો હોઉં છું… દોષો ડંખ્યા તો ગયા, ગુણો ગમ્યા તો મળ્યા. ગુસ્સો તમારો તમને ડંખે છે? તમે પ્રબુદ્ધ લોકો છો. કોઈ પણ વ્યક્તિની પાસે જવાનું હોય, તમે કહી દો હવે એની પાસે શું જાય… સાલો ક્રોધનું પુતળું છે… વાત – વાતમાં એનો મિજાજ ફટકતો હોય છે. બીજા કોઈની વાત નીકળે, તમે કહી દો એનું નામ મુકો…સાલો અહંકારનું પુતળું છે. એટલે તમે એટલા પ્રબુદ્ધ જરૂર છો…. કે તમે બીજાના દ્વેષને, બીજાના અહંકારને જોઈ શકો છો. માત્ર તમે તમારી અંદર રહેલા દોષોને જોઈ શકતા નથી.

જેમ આ આંખની એક તકલીફ છે, આંખ બીજાના ચહેરા પર રહેલા ડાઘને જોઈ શકશે. પણ એ જ મારી આંખ મારા ચહેરા પર રહેલા ડાઘને નહિ જોઈ શકે. તો તમારી પાસે એવું એક vision છે, જે vision બીજાઓના દોષોને જોઈ શકે છે. તમારા દોષોને જોઈ શકતું નથી. સદ્દગુરુ તમને એ આંખ આપી શકે છે. જે આંખ દ્વારા તમે તમારા દોષોને જોઈ શકો. ૨ વસ્તુ મારે કરવી છે. તમારા દોષો તમે જોઈ શકો… અને બીજાના દોષો તમને દેખાય જ નહિ. બીજાના દોષો દેખાય છે ને…

એક બહુ મજાની વાત કરું… તમારું મન તમારી જોડે એવું તો cheating કરે છે… એક તમારો સંબંધી છે. તમે સાંભળ્યું કે હમણાં જ રીપોર્ટ કરાવવામાં આવ્યો… અને 3rd  stage નું કેન્સર detect થયું. તમારા સંબંધી માટે આવું તમે સાંભળ્યું. એ વખતે તમારો response શું હોય… અરે એને… એને કેન્સર થયું… અને એ પણ 3rd stage માં… કેટલું સ્વસ્થ એનું શરીર છે અને એને 3rd stage નું કેન્સર લાગ્યું. એટલે તમારો response સંવેદનાત્મક હોય છે. ત્યાં તમારું દ્રષ્ટિબિંદુ એ છે, રોગ ખરાબ છે. રોગી ખરાબ નથી. બરોબર… કોરોના કાળમાં કોઈને કોરોના લાગુ પડી ગયો તો એ માણસ કઈ ધિક્કાર ને પાત્ર કહેવાય… હવામાન જ કોરોના નું છે, તમને ન લાગે તો જ નવાઈ હતી. કોરોના લાગુ પડી ગયો તો ખરાબ કોણ..? કોરોના કે કોરોનાગ્રસ્ત એ રોગી… કોણ ખરાબ… ત્યાં નક્કી છે રોગ ખરાબ … રોગી ખરાબ નહી. અહીંયા બીજાની વાત આવે ત્યારે દોષ તમને ખરાબ નથી લાગતો, એ દોષવાળી વ્યક્તિ ખરાબ લાગે. ખ્યાલ આવ્યો…? કેટલું misunderstanding… અને એ અનંતા જન્મોથી તમે ચાલુ રાખ્યું… આ જન્મમાં પણ એ જ છે. સાલો ક્રોધી છે, એ પેલો અહંકારી છે, પેલો આવો છે… તો તમારા મને તમારી સાથે આ જે cheating કર્યું, એનો ખ્યાલ તમને આવ્યો…? તમને દોષ ખરાબ લાગતો નથી. દોષી ખરાબ લાગે… આખી વાત બદલાઈ ગઈ ને… ત્યાં રોગ ખરાબ હતો… રોગી ખરાબ નહોતો. અહીંયા વાત ઉંધી થઇ ગઈ… દોષી ખરાબ છે, દોષ ખરાબ નથી. એ દોષ તમારામાં હોય તો વાંધો નહિ.

એક philosopher એ લખેલું કે આજના માણસ પાસે પારસમણી હોય એવું લાગે છે… પારસમણી હોય તો શું થાય… લોઢું સોનામાં ફેરવાઈ જાય. એમ જે રાગ, જે દ્વેષ, જે અહંકાર બીજાના માટે ખરાબ હતા… એ તમારા માટે સારા.. બરોબર… પણ ના. એ જ રાગ, એ જ દ્વેષ, અને એ જ અહંકારે તમને કેટલીયવાર નરક અને નિગોદ ની સફર કરાવી. તમને જે નરક અને નિગોદમાં લઇ જાય… એ રાગ, એ દ્વેષ, એ અહંકાર, એ ઈર્ષ્યા તમને ગમે…?

તો તમારા દોષોને જોવા માટે અને કાઢવા માટે એક મજાની ત્રિપદી આપું.

આંતરનિરીક્ષણ, સંકલ્પ અને જાગૃતિ.

પહેલા આંતરનિરીક્ષણ – તમારા ભીતરને ટટોળો, ક્યારેક તમારી સાથે એકલા બેસો. રાત્રે તમારી જોડે તમે એકલા બેસો. અને તમારી જાતને પૂછો… કે બપોરે હું આટલો બધો ગરમ થઇ ગયેલો એ બરોબર હતું ખરું…? હું ગરમ થઇ ગયો એકદમ પેલા ઉપર, એને બદલે એને પ્રેમથી વાત સમજાઈ હોત તો… એક વાત તમને કહું, ૫૦ વર્ષ પહેલાંનો જમાનો લાલ આંખવાળાનો કદાચ હતો. આજનો જમાનો smiling face વાળાનો છે. આ તમારા દીકરાને પણ તમે લાફો ઠોકો, એ સહન નહિ કરી શકે. આજનો યુગ smiling face વાળાનો છે. તમારા દીકરાને પણ પ્રેમથી તમે apply કરો. તો આંતરનિરીક્ષણ કરો… દોષ પકડાશે. પછી સંકલ્પ કરો… કે આ દોષ અઠવાડિયા સુધી તો repeat ન જ થવો જોઈએ. અને એની સાથે નિયમ લઇ લો. કે મનની અંદર પણ ક્રોધ આવી ગયો; ૫૦ ખમાસમણા આપી દઈશ. મનમાં પણ ક્રોધ આવી ગયો તો… સંકલ્પ. અને પછી જાગૃતિ. સહેજ પણ ગુસ્સો કરવાનું નિમિત્ત મળશે, અને તરત જ જાગૃતિ આવશે, મારે ગુસ્સો કરવાનો નથી.

એક ભાઈ એક પ્રવચનમાં ગયેલા, મ.સા. એ ક્રોધ ઉપર જ પ્રવચન આપ્યું… એ ભાઈને ડગલે ને પગલે ગુસ્સો થતો. પ્રવચન પછી એ ભાઈ સાહેબ પાસે આવ્યા. સાહેબને કહ્યું, સાહેબ હું શું કરું…? ડગલે ને પગલે ગુસ્સો આવે છે… ગમે એટલો સંકલ્પ લઉં પણ સંકલ્પ રહેતો નથી, તૂટી જાય છે. સાહેબ મનોવૈજ્ઞાનિક આયામના ગુરુ હતા. એમણે વિચાર કર્યો, કે ક્રોધ તો છે એની પાસે… પણ લોભિયો પણ છે. તો ક્રોધની સામે એના લોભ ને ટકરાવું… એટલે સાહેબે કહ્યું તારે ક્રોધને કાઢવો છે હું કાઢી આપું… એક નિયમ લઇ લે… જેના ઉપર ગુસ્સો કરે એને ૧૦૦ની નોટ આપી દેવાની. આ એકદમ મનોવૈજ્ઞાનિક આયામ હતો. તમે પણ કરી શકો. પહેલા ભાઈએ નિયમ લીધો.. બહાર ગયા ઉપાશ્રયની… market માં જવાનું છે. Taxi પકડી. Taxi વાળાને લાગ્યું driver ને કે આ ભાઈ અજાણ્યા લાગે છે… ફેરવીને taxi બીજા road ઉપર લીધી… આ તો મુંબઈનો ખા માણસ હતો… એ ય શું કરે છે… ક્યાં લઇ જાય છે. પેલો સમજી ગયો… શેઠ જાણકાર છે. સીધા રસ્તે ગાડી લીધી. ગાડી ઉભી રહી. ૫૭ રૂપિયાનું મીટર ચડેલું. સાહેબ ૫૭ rupees. પેલો નિયમ યાદ આવ્યો… ૧૫૭ રૂપિયા આપી દીધા. પેલો કહે sir ૫૭…no ૧૫૭. શેઠ કહે છે – ભાઈ મારે નિયમ છે.. આજે જ લીધો. હમણાં જ… કે જેના ઉપર ગુસ્સે થાઉં એને ૧૦૦ રૂપિયા આપવાના. હું તારા ઉપર ગુસ્સે થયો હતો ને… એટલે મેં ૧૦૦ રૂપિયા આપ્યા… પેલાને થયું આ શેઠ બહુ સારા. સાહેબ કાલે taxi લઈને ક્યાં આવું… એ તો મને કહો… આ એક સરસ મનોવૈજ્ઞાનિક આયામ નથી.?! પણ ક્રોધ તમને ખટકતો હોય તો તમે કરી શકો… બહુ જ ક્રોધ છે ૧૦૦૦ રૂપિયાનો નિયમ લો. જેના ઉપર ગુસ્સો કરું એને ૧૦૦૦ રૂપિયા છે તો આપી દેવાના. પૈસા જતા દેખાશે એટલે ક્રોધ ઠંડો પડી જશે.

તો બીજું ચરણ છે દુષ્કૃત ગર્હા. ભૂતકાળમાં આ દોષોને કારણે જે દુષ્કૃત્યો થયા…સદ્દગુરુ પાસે જઈ રડતી આંખે એનું પ્રાયશ્ચિત આપણે લઈએ, એ પાપોની આપણે નિંદા કરીએ… તો એ બીજું ચરણ થયું. અને એ જ ચરણ પણ શું કરે.. તમારા હું ને સમર્પણના લયમાં મૂકે. અત્યાર સુધી એક વાત હતી… હું superior.. હું એટલે શ્રેષ્ઠ, આ જે થાય છે કે મારા જેવો ખરાબ કોઈ નથી.

સુરદાસજી શું કહે છે, કબીરજી જેવા પણ શું કહે છે… “मो सम कौन कुटिल खल कामी। जेहिं तनु दियौ ताहिं बिसरायौ, ऐसौ नीमकहरामि॥” આવી ઉંચી કક્ષાના સંતો કહે છે… સુરદાસજી જેવા.. मो सम कौन कुटिल खल कामी– મારા જેવો વાંકો, લુચ્ચો, sexi માણસ કોણ? અને એથી પણ મોટો અપરાધ બતાવે છે: “जेहिं तनु दियौ ताहिं बिसरायौ, ऐसौ नीमकहरामि” જેને મને આ શરીર આપીને આ મનુષ્યલોકમાં મોકલ્યો… એ પરમાત્માને હું ભુલી ગયો! મારા જેવો નિમક હરામી કોણ હોય…?! પ્રભુની પાસે રોજ જાવ ત્યારે એક ચીજ કરવાની આપણે ત્યાં કહેલી છે. આત્મનિંદા, પ્રભુસ્તુતિ. પ્રભુના ગુણગાન ગાવાના, અને એની સાથે સાથે આપણા જે દોષો છે એની વાત કરવાની. ધ્રુસકે ધ્રુસકે પ્રભુની પાસે રડવું છે કે પ્રભુ મારા જેવો અધમ માણસ એને તે તારા ચરણોમાં સ્થાન આપ્યું. પ્રભુ તારા ઉપકારને હું ક્યારે પણ ભુલી શકું એમ નથી. તો દુષ્કૃતગર્હા એ પંચસૂત્રની સમર્પણની સાધના ત્રિપદીનું બીજું ચરણ.

અને ત્રીજું ચરણ છે સુકૃત અનુમોદના. કોઈના પણ ગુણો જોયા, કોઈના પણ સારા કાર્યો જોયા, તરત જ એની અનુમોદના કરવી જોઈએ.. વાહ કેટલું સરસ… આમ જુઓ તો દરેક વ્યક્તિ અનંત ગુણથી યુક્ત છે. આપણે આપણી જાતને કેવી રીતે જોવાની છે હવે.. હું નિર્મળ ચૈતન્ય છું. અને એ નિર્મળ ચૈતન્ય અનંત ગુણોથી યુક્ત છે. એ જ રીતે દુનિયાના બધા જ આત્માઓ સત્તા થી કેવા છે? નિર્મળ… નિર્મળ…

પ્રભુના શાસનમાં નિશ્ચયથી પ્રવેશ કરવો હોય તો એક સૂત્ર આજે યાદ રાખો… દુનિયાના બધા જ આત્માઓ સારા જ છે, ખરાબ હોય તો માત્ર એક હું છું. આ માન્યતા ભીતરના સ્તરે દ્રઢ થાય ત્યારે જ નિશ્ચયથી પ્રભુશાસનમાં તમારો પ્રવેશ થયો. ફરીથી .. . દુનિયાના બધા જ આત્માઓ સારા જ છે, ખરાબ હોય તો માત્ર એક હું છું. આ માન્યતા ભીતરના સ્તરે દ્રઢ થાય ત્યારે માનજો કે નિશ્ચયથી પ્રભુશાસનમાં તમારો પ્રવેશ થયો. તમારા દોષો તમને દેખાય. બીજાના ગુણો તમને દેખાય. અને આ જ તો પ્રાયશ્ચિત છે ને… અનંતા જન્મોમાં શું કર્યું… આ જન્મમાં પણ અત્યાર સુધી શું કર્યું.. આપણા દોષો મોંટા હતા…  એને પણ એકદમ નાના કરીને જોયા. બીજાના નાનકડા દોષો એને એકદમ highlights આપીને જોયા. માત્ર બીજાના દોષો જોયા છે, અને આપણામાં ગુણો છે નહિ.. છતાં ગુણો છે એમ માનીને આપણે જીવ્યા છે. એ મનોવૃત્તિનું પ્રાયશ્ચિત શું..? પ્રાયશ્ચિત આ… બધા જ સારા જ છે … ખરાબ હોય તો એક માત્ર હું છું. પછી આપણા દોષોનું લીસ્ટ બનાવવું…

એક કામ કરો આજે, કાલે ગમે ત્યારે બેસી જજો. કેટલા કેટલા દોષો અંદર છે, એનું એક લીસ્ટ બનાવજો. List બનાવ્યા પછી શું કરવું છે. પછી એ લીસ્ટ પરથી બીજું લીસ્ટ બનાવવાનું. બીજી યાદી એવી બનશે કે જે દોષો છે એમાં સહેલાઈથી નીકળે એવો દોષ કયો.. પછી એનાથી અઘરો કયો….. પછી એનાથી અઘરો કયો..પછી એનાથી અઘરો કયો… બીજાની નિંદા થઇ જાય છે. તો લાગે કે એ તો સહેલો અને સહેલાઈથી નીકળે એવો દોષ છે. નિંદા નહિ કરવાની આજથી.. તો દોષોનું list પહેલા બનાવો પહેલા. પછી સહેલાઈથી જાય એવો દોષ કયો… પહેલા નંબરે… એનાથી સહેજ અઘરો બીજા નંબરે, સહેજ અઘરો એનાથી ત્રીજા નંબરે.. એ રીતે આખું લીસ્ટ બનાવો. અને પછી કામ શરૂ કરો. એક – એક દોષને ઉડાડતાં જવું છે.

આ જન્મ મારી દ્રષ્ટિએ very first birth. કદાચ અનંતા જન્મોમાં સાધના વ્યવસ્થિત રૂપે થઇ નથી. અને એટલે જ આપણો સંસાર ચાલુ રહ્યો છે. આ જન્મમાં એક મજાનું કામ કરવું છે અને એ કામ આપણી દોષમુક્તિનું કરવું છે. તમને દોષમુક્ત પ્રભુ પણ બનાવે. દોષમુક્ત તમને સદ્દગુરુ પણ બનાવે… અને તમારા આંતર નિરીક્ષણ દ્વારા પણ તમે દોષમુક્ત બની શકો છો…

એક શરણ સ્વીકાર આવી ગયો પછી દોષો જવા અઘરી બાબત નથી કે ગુણો મળવા અઘરી બાબત નથી. કારણ તમે પ્રભુને શરણે ગયા. કેન્દ્રમાં પ્રભુ આવ્યા. પછી એક જ વાત છે.. મારા પ્રભુને ગમે છે તે કરવું છે… મારા સદ્દગુરુને ગમે તે કરાવું છે. અત્યાર સુધી શું હતું… મને ગમે તે કરવું… અને એટલે જ દોષોની દુનિયામાં ગયા. હવે એક કાનો વધારી દો. ‘મા’ને ગમે તે કરવું. પ્રભુમાંને, ગુરુમાંને ગમે તે કરવું છે. એક શરણ સ્વીકાર આવ્યો; સાધના ત્રિપદી નો પહેલું ચરણ આવ્યું… બીજા ૨ ચરણો તમને benefit માં મળી ગયા! એક ની ઉપર બે. free.. પ્રભુને હું દોષ યુક્ત હોવ ગમે..? હું ક્રોધ કરું, પ્રભુને ગમે..? ન ગમે.. ગુસ્સો આવતો હોય તો બંધ જાય. મારામાં ગુણ હોય એ જ મારા પ્રભુને ગમે; ગુણો આવી જાય. તો દુષ્કૃત ગર્હા એટલે આપણામાં રહેલા દોષોની નિંદના.

અને સુકૃત અનુમોદના એટલે બીજા વ્યક્તિમાં જે પણ ગુણો રહેલા છે એ ગુણોની અનુમોદના. અને એ અનુમોદના એવી રીતે કરો. કે તમને એમ થાય કે આ મને ક્યારે મળશે..  કોઈ મહાત્માને જોયા, વૈયાવચ્ચ ગુણ એમનો ઘણો છે. તમને થઇ જાય આવો ગુણ મને ક્યારે મળશે. કોઈ શ્રાવકની પ્રભુ ભક્તિ જોઈ… એ પ્રભુભક્તિમાં કલાકો સુધી પાગલ થઈને ઝૂમતો હોય. તમને થાય કે આવી પ્રભુ ભક્તિ મને ક્યારે મળશે….? એટલે બીજાના ગુણો જોઈએ.. એ ગમી જાય…અને પ્રભુની પાસે પ્રાર્થના કરીએ… કે પ્રભુ આ ગુણ મને આપી દો.. તો પ્રભુ એ ગુણ તમને આપી દે.

તો આ રીતે પંચસૂત્રની સાધના ત્રિપદી આપણા અહંકારના લયના હુંને, સમર્પણના લયના હું માં મૂકી દે. અને એ પછી સાક્ષીભાવ જ્યારે આવી જાય ત્યારે આપણે આનંદઘનતા ના લય સુધી પહોંચી જઈશું.

એટલે બપોરના શેસનમાં સાક્ષીભાવના સ્તરોમાં કઈ રીતે આપણે જવું… એની વાતો કરીશું.. અત્યારે આપણે પંચસૂત્રની સાધના ત્રિપદી જોઈ. શરણસ્વીકાર, દુષ્કૃત ગર્હા, સુકૃત અનુમોદના.

આપણો ultimate goal તમારા ખ્યાલમાં છે. અહંકાર ના લયવાળા હું ને, સમર્પણના લયવાળા હું માં અને એ પછી આનંદઘનતા ના લયવાળા હું માં બદલી કાઢવો…

પ્રભુને પ્રાર્થના કરીએ કે પ્રભુ! તારી કૃપાથી અહંકારના લયનો હું મારી પાસેથી જતો રહે. સમર્પણના લયનો હું અને આનંદઘનતાના લયનો હું મને મળી જાય.

તો ચાલો practical શરું કરીએ.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *