Param Sparsh Ni Yatra – Vachana 06

19 Views
10 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : સર્વસ્વીકાર

સાધનાના પ્રત્યેક પડાવે સદગુરુ આપણી સાથે હોય છે. સદગુરુ આપણા માટેની યોગ્ય સાધના આપણને આપે. આજની સાધના સર્વસ્વીકાર.

જે ઘટના ઘટી ગઈ, તેના માટે તમે કરી શું શકો? પ્રસન્ન રહેવા માટે ઘટી ગયેલી ઘટનાના સ્વીકાર સિવાય બીજો કોઈ માર્ગ ખરો?

અનંત કેવળજ્ઞાની મહાપુરુષોએ – આ ઘટના તમારા જીવનમાં, આ દિવસે, આ સમયે ઘટિત થવાની છે – એમ જોયેલું હતું. હવે જો ઘટનાનો તમે અસ્વીકાર કરો, તો એ અનંત કેવળજ્ઞાનીઓના જ્ઞાનનો અસ્વીકાર થયો કે નહિ ?!

પરમ સ્પર્શની યાત્રા – વેસુ ચાતુર્માસ વાચના –

આપણી સાધના આપણને નાનકડી લાગે. કારણ? સાધના પ્રભુ કર્તૃત છે, ગુરુ કર્તૃત છે. સાધનાના એક એક પડાવે સદગુરુ આપણી સાથે હોય છે. સદગુરુ આપણા માટેની યોગ્ય સાધના આપણને આપે. એ પછી એ સાધનાને કેવી રીતે ઘૂંટવી એ પણ સદગુરુ બતાવે. એ સાધના માટેનું Appropriate Atmosphere (યોગ્ય વાતાવરણ) પણ સદગુરુ આપે. અને એ સાધનામાં કોઈ અવરોધ આવે તો એ અવરોધને સદગુરુ હટાવે. અને એની સાથે-સાથે અસ્તિત્વના સ્તરનો એક ગ્રંથ પણ સદગુરુ આપે.

પહેલું કામ આપણા માટેની Appropriate સાધના આપવાનું. સદગુરુ ફેસ રીડિંગના માસ્ટર છે. તમારા ચહેરાને જોઈને પોતાના શ્રુતબળથી, અનુભૂતિના બળથી તમારી જન્માંતરીય સાધનાને જોઈ શકે છે. અને એ જ જન્માંતરીય સાધનાના પ્રવાહમાં તમને Push કરે છે. એટલે જ તમારી સાધના શું હોવી જોઈએ એ સદગુરુ નક્કી કરી શકે. ધારો કે કોઈની જન્માંતરીય ધારા ભક્તિની છે. એ સાધકને દિવસના ૪-૫ કલાક સાધના માટે મળી શકે એમ છે. તો સદગુરુ એવી રીતે એની સાધનાનું Schedule ગોઠવી આપશે કે જેમાં ભક્તિનો પ્રવાહ સતત ચાલતો રહે. તો તમારા માટેની યોગ્ય સાધના સદગુરુ આપે.

તો, સાધના તો આપી, હવે એને ઘૂંટવી કેવી રીતે? ધન્ના મુનિ અને શાલિભદ્ર મુનિને વૈભારગિરિમાં જવાની સૂચના પ્રભુએ ગુરુએ આપી. એકાંતની અંદર એ બંને મુનિઓ પોતાની સાધનાને ઘૂંટી રહ્યા હતા. ક્યારેક ગોચરી માટે નગરમાં આવે બાકી ૨૪ કલાક એક જ કામ – સદગુરુએ, પ્રભુએ જે સાધના આપી છે એને ઘૂંટવાની.રાજગૃહીમાં પ્રભુનું સમોવસરણ મંડાય ત્યારે બંને મુનિઓ અચૂક સમોવસરણમાં આવે. ઇરયાવહિયા કરી, પ્રભુને વંદના કરી બેસી જાય અને પ્રભુને પીવા લાગે. તમે પ્રવચન સાંભળો, બરાબર ને? કે પીવો? પીવો એટલે શું થાય? પુરું અસ્તિત્વ બદલાઈ જાય. તમે અહીંથી નીકળો, તમારા ચહેરાને કોઈક જુએ, એને ખ્યાલ આવી જાય કે કંઇક અદ્ભૂત વસ્તુ મેળવીને આ માણસ બહાર આવ્યો છે. બાથરૂમમાંથી બહાર નીકળો ફ્રેશ થઈને અને એમનેમ રૂમ બહાર નીકળો – ફરક પડે? ક્યાંક તીર્થમાં ભોજનશાળાના છેલ્લા પગથિયે તમે ઊભા છો. તમારો મિત્ર આવે છે, એને ખબર નથી તમે જમીને આવ્યા છો કે તમારે જમવા જવાનું છે પણ તમારા ચહેરા ઉપરથી ખ્યાલ આવી જાય કે જમીને આવ્યા છો? એ જ વાતને આગળ લંબાવીએ. ઉનાળાનો સમય, સવારના ૮ વાગ્યા છે.તમે દેરાસરના છેલ્લા પગથિયે ઊભા છો. પૂજા કરીને તમે આવ્યા છો પણ ગરમી બહુ હતી પરસેવો વળેલો,નેપકીનથી કપાળ અને મોઢું લૂછ્યું એમાં તિલક પણ ભૂંસાઈ ગયું. તમે દેરાસરના છેલ્લા પગથિયે ઊભા છો, ત્યાં તમારો મિત્ર આવે, એને તમારો ચહેરો જોઈને ખ્યાલ આવી જાય ને કે તમે પૂજા કરીને આવ્યા છો અથવા તમારે કરવા જવાની છે? આવે છે કે નહી? ધારો કે અષ્ટપ્રકારી પૂજા થઇ ગઈ. તમે ચૈત્યવંદન કરવા માટે બેઠા છો. એ વખતે તમારી પૂજાની પેટી ખુલ્લી છે. એક વ્યક્તિ આવે છે. એને ખ્યાલ નથી રહેતો અને તમારી પૂજાની પેટી જે હતી ખુલ્લી, એને એના પગથી પાટું વાગે છે. કેસરની ડબ્બી આમ, સુખડનો મુઠ્ઠો આમ, ધૂપસ્ટિક બધી વેરાઈ ગઈ. એ વખતે તમારો પ્રતિભાવ શું હોય? શું હોય? અત્યારનો તમારો પ્રતિભાવ મારા ખ્યાલમાં છે, ગુસ્સો આવી જાય. વાસ્તવિક પ્રતિભાવ એમ હોય,તમે મનોમન એ ભાઈને ધન્યવાદ આપો કે ખરેખર પ્રભુના દર્શનની તડપ તમને કેવી લાગી હશે કે મારી પૂજાની પેટી પણ તમને દેખાઈ નહી, ધન્યવાદ છે તમને. આ દ્રષ્ટિકોણ આવી શકે કે નહી?

પ્રભુ પાસે જઈને, સદગુરુ પાસે જઈને મનને બદલવું છે. પૂરેપૂરું મન બદલાઈ જાય.હું બે મનની વાત કરતો હોઉં છું: એક સંજ્ઞાવાસિત મન અને એક આજ્ઞાવાસિત મન.અમે લોકો એકદમ મજામાં.Ever Fresh, Ever Green. કારણ શું? અમારી પાસે આજ્ઞાવાસિત મન છે. કોઈ પણ ઘટના ઘટે, અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, પ્રભુની આજ્ઞા અમારી સામે છે – સર્વ સ્વીકાર! તમારે આ એક દૃષ્ટિબિંદુમાં જવાની જરૂર છે. અત્યારે શું થાય? મનગમતી ઘટનાનો સ્વીકાર, અણગમતી ઘટનાનો અસ્વીકાર. હવે મનગમતું એટલે શું? એમાંય લોચો છે પાછો. તમારા મનને ગમતું કે સોસાયટીના મનને ગમતું? આપણે ભારતીય છીએ તો આપણને કડક મીઠી ચા ભાવે. ચીન અને તિબેટમાં, જાપાનમાં મીઠું નાખીને ચા પીવે. એમને એ ટેસ્ટી લાગે. ટેસ્ટ એટલે શું? ટેસ્ટની વ્યાખ્યા સમાજ આપણને આપે છે.

તો, સર્વસ્વીકાર એવો એક મંત્ર છે કે તમે પણ Ever Fresh, Ever Green બની શકો. ઘટના ઘટી, ઘટવાની જ હતી, ઘટી ગઈ. બોલો એક સવાલ કરું તમને. આજે બપોરે ૪ વાગે એક ઘટના તમારા જીવનમાં ઘટે એ સારી પણ હોય, નરસી પણ હોય. કદાચ નરસી ઘટના ઘટી ગઈ એ વખતે એક વિચાર આવે કે આ જે ઘટના આ સમયે ઘટી એને અનંત કેવળજ્ઞાનીઓએ પોતાના જ્ઞાનમાં જોયેલી? ભાઈ જોયેલી? અનંત કેવળજ્ઞાની મહાપુરુષોએ આ ઘટના તમારા જીવનમાં આ જ દિવસે, આ જ સમયે ઘટિત થવાની હતી એમ જોયેલું હતું. હવે એ ઘટનાનો તમે અસ્વીકાર કરો તો અનંત કેવળજ્ઞાનીઓના જ્ઞાનનો અસ્વીકાર થયો કે નહિ? શ્રીપાલરાસમાં શરૂઆતમાં જ પ્રસંગ આવે, મયણાસુંદરીના લગ્ન શ્રીપાલ જોડે થઈ રહ્યા છે.એ વખતે શ્રીપાળજીની કાયા કોઢથી દૂષિત હતી, લોહી અને પરું નીકળી રહેલા હતા. જે વ્યક્તિ જોડે ૫ મિનિટ બેસી ના શકાય એવી દુર્ગંધ એના શરીરમાંથી નીકળતી હતી એની સાથે આખું જીવન વીતાવવાનું. પણ, મયણાસુંદરીના મનમાં એ વખતે કયો ભાવ હતો? રાસકાર મહાત્મા મયણાસુંદરીનો એ વખતનો મજાનો Snap આપણને આપે છે.

મયણા મુખ નવિ પાલટે રે, અંશ આણે ખેદ, જ્ઞાની દીઠું હોવે.

ન તો મયણાના મુખની રેખા બદલાતી, ન મયણાના ચહેરાના ભાવ સહેજ પણ બદલાયા. કારણ?જ્ઞાની પુરુષોએ જ્ઞાનમાં જોયું હતું એ બની રહ્યું છે. મારે તો માત્ર એનો સ્વીકાર કરવો છે.

ધન્ના મુનિ અને શાલિભદ્ર મુનિ પ્રભુને પીએ છે. દેશના પૂરી થઈ, પ્રભુને વંદના કરી, બંને મુનિઓ નીકળે છે. એ વખતે સેંકડો આંગળીઓ એ બંને મુનિઓ તરફ તકાતી હોય છે. કેટલાક ના ઓળખતા હોય એ પૂછે,આમાં ધન્ના મુનિ કયાં અને શાલિભદ્ર મુનિ કયાં? ઓળખતા હોય એ કહે આગળ જાય એ ધન્ના મુનિ, પાછળ જાય એ શાલિભદ્ર મુનિ.હજારો આંખો એમને જોઈ રહી છે. સેંકડો આંગળીઓ એમની તરફ તકાઈ રહી છે. પણ એ બધાથી બેપરવાહ બંને મુનિવરો ઇરિયાસમિતિનું પાલન કરતાં-કરતાં વૈભારગિરિની ગુફામાં પહોંચે છે. ગુફામાં પહોંચીને શું કામ કરે છે? ઇરિયાવહિયા કરી, પોતાના આસન ઉપર બેસી, પ્રભુએ Theoretical ફોર્મમાં જે સમજાવ્યું એને Practical ફોર્મમાં કંઈ રીતે અપનાવવું એનું  અનુપ્રેક્ષણ કરે છે.

હું ઘણી વાર કહું છું, પ્રવચન સાંભળો છો, મજાથી સાંભળો છો.વહેલી સવારે આવી પણ જાવ છો. પછી જો ૧૦-૧૫ મિનિટ તમે ફાળવી શકો કે આજે પ્રવચનમાં Theoretically જે આવ્યું એનું Practically અનુવાદ મારા જીવનમાં હું કેટલો કરી શકું? આજે વાત કરી સર્વસ્વીકારની. એક ઘટના ઘટી ગઈ, તમે બીજું શું કરી શકો? પગથિયાં ઉતરતા હતા, પગ સ્લીપ થઈ ગયો, પડી ગયા. ઘટના ઘટી ગઈ. હવે તમે કરો શું? એ ઘટનાના સ્વીકાર વિના બીજો કોઈ માર્ગ ખરો? કોઈએ કંઇક કહ્યું, કોઈએ ઝઘડો કર્યો તમારી સાથે, વાત પૂરી થઈ ગઈ. જે ઘટના ઘટી ગઈ એના માટે તમે કરી શું શકો? આમ પણ કોઈ માર્ગ નથી, સર્વસ્વીકાર એ જ એક માર્ગ છે. એક માણસને પગમાં સહેજ વાગ્યું. ચાલતો હતો, સ્લીપ થઈ ગયો, થોડું વાગ્યું, ક્રેક થયેલી. ડોક્ટર એ Bandage મારી આપ્યો અને કહ્યું ૧૫ દિવસ પૂરો આરામ કરવાનો છે.દસેક દિવસ થયા હશે, બેડરેસ્ટમાં હતો. અગિયારમાં દિવસે એના એક મિત્રને ખ્યાલ આવ્યો. મારા મિત્રને આ રીતે પડી જવાથી બેડરેસ્ટમાં જવું પડ્યું છે. એ મિત્ર એની ખબર લેવા માટે આવ્યો. મિત્રે પૂછ્યું અરે શું થયું તમને? કેમ કરતાં પડી ગયા? પેલો ઊભો થયો પથારીમાંથી અને Rehearsal કરીને બતાડ્યું. આમ પડી ગયો. શું થાય બોલો? પાટો બીજા ૧૫ દિવસનો અને એમાં વળી કોઈ ત્રીજું આવી જાય તો? ફરી પાટો. તમારે આવું નથી થતું? ઘટના ઘટી, કોઈએ તમને ખરાબમાં ખરાબ ગાળો આપી, તમે એને ભૂલી પણ ગયા ૨-૪ દિવસમાં. સમય એની દવા છે, ભૂલી ગયા. ત્યાં તમારો કોઈ મિત્ર આવ્યો, ૭મા દિવસે. અરે! મેં તો સાંભળ્યું ને હું સળગી ગયો. તમારા માટે આવો શબ્દ બોલ્યા, તમારા જેવા સજ્જન માટે?! હું તો સળગી ગયો. અલા તું સળગ્યો ત્યાં સુધી ઠીક છે આને શું કામ સળગાવવા આવ્યો છે? એ ૭મા દિવસે એ ઘટનાને યાદ તમને અપાવે તો શું થાય? ફરી તમારા મનમાં પીડાની લહેરો શરૂ થઈ જાય. એને બદલે સર્વસ્વીકાર આવી જાય તો? એટલે આજનું Homework સર્વસ્વીકારનું છે. જે પણ ઘટના ઘટે એનો સ્વીકાર કરીએ.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *