Param Sparsh Ni Yatra – Vachana 08

9 Views
23 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : પુદ્દગલ-અનુભવ-ત્યાગ

પરમચેતનાનો સાક્ષાત્કાર એ જ આત્મ-સાક્ષાત્કાર. જિનગુણ અનુભૂતિ દ્વારા નિજગુણ અનુભૂતિ. પુદ્દગલ-અનુભવ-ત્યાગથી કરવી જસુ પરતીત (પ્રતીતિ / અનુભૂતિ).

પુદ્દગલ-અનુભવ-ત્યાગ. પુદ્દગલનો ત્યાગ નહીં. પુદ્દગલ સારું હોય તો રાગ કરવાનું અને ખરાબ હોય તો દ્વેષ કરવાનું બંધ કરવું – એ પુદ્દગલ-અનુભવ-ત્યાગ. એના માટે જોઈશે દ્રષ્ટાભાવ.

દ્રષ્ટાભાવ. તમે માત્ર દ્રશ્યને જુઓ છો. એની અંદર તમારી ચેતના જતી નથી; સારા કે નરસાનો કોઈ વિચાર તમારા મનમાં આવતો નથી.

પરમ સ્પર્શની યાત્રા – વેસુ ચાતુર્માસ વાચના –

રામકૃષ્ણ પરમહંસ – પરમાત્માના પરમભક્ત! એક વાર એમના આશ્રમમાં કેશવ મિશ્રા આવે છે. કેશવ મિશ્રા એ પ્રદેશના ધુરંધર તાર્કિક, ધુરંધર નાસ્તિક. કેશવ મિશ્રા આવ્યા. રામકૃષ્ણ પરમહંસની પાસે બેઠા. વંદન કર્યું અને પછી એમણે કહ્યું, ઈશ્વર જેવી ઘટના છે જ નહિ. ઈશ્વર જો હોય તો ઊંચ-નીચના ભેદો કેમ પડી શકે? ગરીબ અને તવંગરના ભેદો કેમ પડી શકે? દલીલ ઉપર દલીલ કેશવ મિશ્રા આપે છે. પણ એ વખતે રામકૃષ્ણ પરમહંસ સ્મિત વરસાવે છે. કહે છે, વાહ ખુબ સરસ બોલે છે તું! Fine! અડધો કલાક દલીલો ચાલી. રામકૃષ્ણ પરમહંસના મુખ પર એ જ પ્રસન્નતા, એ જ સ્મિત! કેશવ મિશ્રા વિચારમાં પડ્યા, આ માણસ પરમ આસ્તિક છે. હું કહું છું કે ઈશ્વર છે નહીં ત્યારે એ માણસ હસે છે. વાત શી છે? કેશવ મિશ્રાએ કહ્યું, હું ઈશ્વરનું ખંડન કરું છું. ખ્યાલ આવે છે ને, તમને? એ વખતે જે પરમહંસે કહ્યું છે, કેશવ મિશ્રાના તર્કનો પૂરો મહેલ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયો. રામકૃષ્ણ કહે છે, તું ક્યાં બોલે છે, તારામાંથી પેલો બોલે છે. એ એમ કહે છે કે હું નથી પણ મેં એને હમણાં જ કહ્યું મનોમન કે તું સાક્ષાત આવીને કહે ને કે હું નથી, ઈશ્વર નથી તોય હું ક્યાં માનું એમ છું! આ તો તું બીજાના મોઢા દ્વારા દલીલ કરે છે. પણ તું સાક્ષાત આવીને કહે ને કે, હું નથી તો પણ હું ક્યાં માનું એમ છું! કારણ? મેં તારો અનુભવ કર્યો છે. I Have Realised You! ઈશ્વરનો સાક્ષાત્કાર!

બે શબ્દો આપણી પરંપરામાં છે. પરમચેતનાનો સાક્ષાત્કાર અને આત્મસાક્ષાત્કાર! ભક્તોની એક મજાની પરંપરા છે. એ પહેલા પરમાત્મા તરફ જશે. પરમાત્માના ગુણોથી પોતાના અસ્તિત્વને અનુરંજિત કરવાની કોશિશ કરશે. પરમાત્માને પૂરેપૂરું Realise કર્યા પછી એ કહેશે, સોહમ! એ પરમાત્મા જે છે એ જ હું છું! એટલે આપણે ત્યાં બે-ત્રણ-ચાર શબ્દો આવ્યા. જિનગુણ અનુભૂતિ દ્વારા નિજગુણ અનુભૂતિ. જિનગુણ સ્પર્શ દ્વારા નિજગુણ સ્પર્શ. જિન-સ્વરૂપ પ્રાપ્તિ પછી નિજસ્વરૂપની પ્રાપ્તિ. સ્વાનુભૂતી, આત્મસાક્ષાત્કાર!

આપણે ખરેખર બડભાગી છીએ કે ભક્તિની બહુ જ મજાની પરંપરા આપણને મળી છે. રોજ પરમાત્માની પાસે જાઓ અને તમે કહો શું? પ્રભુનું દર્શન કરીને આવ્યો, બરોબર? તમને પૂછું, તમે પ્રભુની મૂર્તિમાં જે સંગેમરમર વપરાયો હતો એનું દર્શન કર્યું? નેમિનાથ દાદા સામે જ છે મહાવિદેહધામમાં, કેટલા ભવ્ય! જાણે કે ગિરનારથી જ અહીંયા આવી ગયા હોય! પણ તમે એમને કઈ રીતે જોયા? શ્યામ, બહુ સરસ લાગે છે. મૂર્તિને જોઈ, આંગીને જોઈ કે પ્રભુને જોયા?

એકવાર મેં એક શિબિરમાં પૂછેલું. શંખેશ્વરમાં શિબિર હતી. મેં પૂછ્યું પ્રવચનમાં કે આજે આપણે દાદાની પાસે ગયેલા, સવારે. દાદાએ તમને કંઈક કહેલું ખરું? એક ભાઈ કહે, સાહેબ! દાદાએ કંઈક કહ્યું તો હશે, પણ દાદાની ભાષા અમને પલ્લે પડે નહિ. એ તો આપને જ ખ્યાલ આવે. ત્યારે મેં કહેલું કે દાદા પોતાની મુખમુદ્રા દ્વારા, પોતાની શરીરમુદ્રા દ્વારા કહી રહ્યા હતા કે હું સ્વમાં ડૂબેલો છું તું પણ સ્વમાં ડૂબ. ક્યારેય તમને લાગ્યું? પ્રભુના ચહેરા પર પરમ-પરમ-પરમ શાંતિ છે. એનું કારણ શું? સ્વરૂપ દશામાં થયેલું નિમજ્જન! સ્વમાં તમે ડૂબી ગયા, આનંદ જ આનંદ છે. ચલો, એક વાત આગળ પૂછું, સંતોને તો ઘણા બધા જોયા, આચાર્ય ભગવંતોને જોયા, મુનિ ભગવંતોને જોયા, સાધ્વીજી ભગવંતોના દર્શન કર્યા. એમના ચહેરા ઉપર આનંદ ઝલકી રહ્યો છે એ દેખાયો? અને દેખાયા પછી એ આનંદની ઈર્ષ્યા થઈ? તમારા માટે એક વાત બિલકુલ નક્કી કે આ સફેદ ચાદર પ્રભુની જ્યાં તમે જોશો, અહોભાવથી તમારી આંખો છલકાઈ જશે. પણ આજે મારે એક ડગલું તમને આગળ વધારવું છે. અમને જોઈને ઈર્ષ્યા આવે ખરી? કોઈ નાના બાળમુનિને જુઓ, માતાઓને પૂછું, ઈર્ષ્યા આવે કે મારો પણ એક દીકરો પ્રભુ શાસનને સમર્પિત થાય.

તો, પ્રભુના દર્શને જઈએ, સ્વાનુભૂતિથી યાત્રા ચાલુ થઈ જાય. એક મજાની વાત કરું. જે-જે લોકોએ સ્વાનભૂતિનો આસ્વાદ કર્યો એ બધાનું Statement એક સરખું આવ્યું. “Was It So Easy? આ આટલું બધું સરળ હતું?” હું વારંવાર કહું છું, It Is So Easy. It Is Easy નહિ It Is So Easy. બહુ જ નાનકડી પ્રક્રિયા અને તમારો અનુભવ તમને થઈ જાય! હીરાભગતે કહ્યું “તરણા ઓથે ડુંગર, ડુંગર કોઈ દેખે નહિ.” બની શકે, Sky Scraper બિલ્ડીંગોની પાછળ ડુંગર હોય, આપણને ખ્યાલ ન પણ આવે. ઊંચા-ઊંચા વૃક્ષોની પાછળ ડુંગર હોય, ન દેખાય, બની શકે. પણ સપાટ મેદાન હોય, એક તણખલું હાથમાં હોય અથવા આમ પડેલું હોય અને એ તણખલું ડુંગરને જોવામાં અવરોધ બને, આવું બની શકે ખરું? પરનો રસ – એ માત્ર પરના રસે પરમરસથી આપણને વંચિત કર્યા.

ચોથા સ્તવનના પ્રારંભમાં દેવચંદ્રજી મહારાજ કહે છે, “ક્યુ જાણું ક્યું બની આવશે અભિનંદન રસ રીત!” મને પરમનો રસ શી રીતે મળશે? અને પછી એમણે કહ્યું “પુદગલ અનુભવ ત્યાગથી કરવી જસુ પરતીત!” દેવચંદ્રજી ભગવંત પ્રતીતિના, અનુભૂતિના મહાપુરુષ છે. એમણે કહ્યું, પરમરસ જોઈએ? બેસી જા. આપી દઉં, પીવડાવી દઉં. એક નાનકડી શરત છે, પુદગલ અનુભવ ત્યાગ. એક જ શબ્દ મૂકે છે, પુદગલ અનુભવ ત્યાગ. કોઈ ઉપવાસ કરવાનો નહિ. આયંબિલ કરવાનું નહિ, એકાસણું કરવાનું નહિ, બિયાસણું નહિ. સવારે ચા-નાસ્તો લે, બપોરે ભોજન કર. બપોરે બે-ત્રણ વાર ચા પી. સાંજે વાળું કર. પૂદગલોનો ત્યાગ કરવાનો નથી પણ એ તું ખાવાના પદાર્થો ખાય, એ વખતે એ પદાર્થો સારા છે, એમાં રાગ કરવાનું અને ખરાબ છે તો દ્વેષ કરવાનું આ તું બંધ કરી દે. આટલું તું જો બંધ કરી દેશે તો પરમરસ તને હમણાં જ પીવડાવી દઉં, પીવો છે?

આનંદઘનજી ભગવંતે તો કહ્યું કે, “સગરા હોય સો ભરભર પીવે, નગરા જાય પ્યાસા !” બહુ મજાની પંક્તિ આવી. સગરા હોય સો ભરભર પીવે! જે સગરો છે, એને પરમરસના પ્યાલા ભરી ભરીને પીવા મળશે. નગરા જાય પ્યાસા! જે નગરો છે એ તરસ્યો જ રહેવાનો. મજાની વાત એ છે કે નગરો શબ્દનો અર્થ સમજવો સહેલો છે. ગુરુ માથે નથી એ નગરો. પણ સગરો એટલે શું? તમે કોઈ સદગુરુને સદગુરુ તરીકે ધારી લીધા, એથી તમે સગરા બન્યા એવું નહીં માનવાનું. ત્યાં સુધી કહું એક મુનિએ, એક સાધ્વીએ દીક્ષા લીધી. દીક્ષા વખતે આચાર્ય ગુરુદેવે એના ગુરુ કે ગુરુણીનું જો નામ પણ આપ્યું અને છતા એ સગરો છે જ એવું ખાતરીથી કહી શકાય નહિ.

સગરા શબ્દની મારી એક વ્યાખ્યા છે. 1+1=1 આ સગરા હોવાની વ્યાખ્યા. એક વત્તા એક બરોબર એક. શિષ્ય + ગુરુ પણ રહે કોણ? ગુરુ કે શિષ્ય? કોણ રહે? 1+1=1. સંપૂર્ણ સમર્પણ – Totally Choiceless થઈને અહીંયા આવવાનું છે. તમે પણ શ્રાવકપણામાં સદગુરુ તરીકે કોઈને સ્વીકાર્યા તો તમારે પણ Choiceless બનવાનું છે. માત્ર સાધનાના માર્ગમાં જ નહિ. તમારા સંસારના માર્ગમાં પણ. સાધનાના માર્ગમાં તો સંપૂર્ણ સ્વીકાર હોય જ, સદગુરુના વચનનો કે સાહેબ પાંચ કલાક મળે છે, શું સાધના કરવાની? ગુરુ Schedule બનાવે. તમે એ પ્રમાણે ચાલો. પણ સંસારની અંદર Business ને Develop કરવો, ન કરવો, શું કરવું, શું નહિ. એ બધી વાતો પણ સદગુરુને કરે અને સદગુરુની સલાહ પ્રમાણે શ્રાવક ચાલે.

એક બહુ મજાની વાત કરું. સાધના હું કે તમે આ જન્મમાં પહેલીવાર કરી રહ્યા છીએ? કેટલાય જન્મોમાં મેં પણ સાધના કરી, તમે પણ કરી. આપણો સંસાર ચાલુ કેમ રહ્યો? આપણે ખામી શોધવી પડશે. નહિતર એવું ન બને કે એ જ ખામી આ જન્મમાં પણ હોય અને આ જન્મની કરેલી સાધના પણ આપણી નિષ્ફળ જાય. શું ચૂક થઈ ગઈ? સાધના કરી, ઈચ્છાપૂર્વક કરી. અહીંયા સ્પષ્ટ વાત છે ‘ આણાએ ધમ્મો ‘ આજ્ઞામાં ધર્મ. એની સામેનું સૂત્ર છે, ‘ ઈચ્છાએ અધમ્મો!’ ઈચ્છામાં અધર્મ છે. અને એટલે જ મેં પહેલા કહેલું કે તમારી શુભ ઇચ્છાને પણ ગુરુ તોડશે.

ઘણીવાર મને પૂછવામાં આવે કે સાહેબ શુભ ઇચ્છા રાખી શકાય કે નહિ? મેં કહ્યું રાખી શકાય. પણ ગુરુના ચરણ સુધી મુકવાની, માથા ઉપર મુકવાની નહિ. ઈચ્છા રાખવાની સારી. ગુરુદેવ 77મી ઓળી મારી આવે છે. અત્યારે વાતાવરણ બધું સારું છે. સ્વાસ્થ્ય સારું છે. આપની આજ્ઞા હોય ત્યારે હું શરૂ કરું. ગુરુ હા પણ પાડે, ના પણ પાડે. તમે ગુરુની હા નો જેટલો પ્રેમથી સ્વીકાર કરી શકો, એટલા જ પ્રેમથી ગુરુની ના નો સ્વીકાર કરી શકો તો તમે સગરા!

એકલવ્યની ઈર્ષ્યા આવે. ભીમનો દીકરો ગુરુ દ્રોણ પાસે ગયો અને કહ્યું, ગુરુદેવ મને ભણાવો. ધનુર વિદ્યા ભણાવો. દ્રોણ ગુરુ જંગલમાં આવેલા. રાજકુમારોને ભણાવતા હતા. 105 ને ભણાવતા હતા તો 106 ને ભણાવે. કોઈ ફરક પડતો નહોતો. ગુરુ દ્રોણે એકલવ્યને ના પાડી. એકલવ્યની સજ્જતા કેવી! આપણે હોઈએ તો શું થાય? ભીલ નો દીકરો ગુરુ શા માટે મને ભણાવે! ગુરુ મને ભણાવે તો ગુરુને મળે શું? આ તો રાજકુમારો છે, એમને ભણાવે. પૈસા મળવાના. એકલવ્યએ ગુરુની ના નો સ્વીકાર એટલા જ પ્રેમથી કર્યો. Guru Is The Supreme Boss. ગુરુ હા કહે તો હા, ના કહે તો ના! હું છે ને એક સરસ શબ્દ વાપરું છું. ગુરુએ ના કેમ પાડી આવો વિચાર કરે ને એને હું પરમગુરુ કહું! ગુરુનો પણ ગુરુ!

અરવિંદસુરી દાદા હતા. તો મને જાણી શકતા. કેમ યશોવિજય કેમ આમ કર્યું તે? એમ તમારા મનમાં ક્યારેક પ્રશ્ન આવે કે ગુરુએ આમ કેમ કર્યું ત્યારે તમને પરમગુરુની પદવી મળી. એકલવ્યને ગુરુ દ્રોણ પર કેટલી ભક્તિ! માટીની ગુરુ દ્રોણની મૂર્તિ બનાવી. રોજ ફૂલ વિગેરેથી પૂજા કરે અને ગુરુદેવ આપની કૃપાથી ધનુર વિદ્યા શીખવા જાઉં છું. એમ કરીને જંગલમાં જાય. બે મહિના પછી એક નિશાન એવું વિંધાયેલું, અર્જુને જોયું. અર્જુન વિચારમાં પડી ગયો! 105 રાજકુમારોમાં શ્રેષ્ઠ ધનુરધર અર્જુન! અર્જુન કહે છે, આ નિશાન મેં તાક્યું નથી. આ નિશાન તાક્યું કોણે? મારા ભાઈઓમાંથી કોઈ તાકી શકે એમ નથી. આ નિશાન ગુરુ દ્રોણને પૂછ્યું. ત્યારે ગુરુ દ્રોણે કહ્યું કે એકલવ્યએ નિશાન તાકેલું છે. ચિન્મય દ્રોણ પાસેથી, જીવંત ગુરુ પાસેથી અર્જુન જે ના મેળવી શક્યો એ મ્રિંમય દ્રોણ પાસેથી, માટીની મૂર્તિ પાસેથી એકલવ્યને મળ્યું. સામાન્યતઃ આપણને અત્યાર સુધી એવું લાગે છે કે ગુરુ દ્રોણે આવું કેમ કર્યું? પણ ગુરુ દ્રોણ ખરેખર ગુરુ હતા. એ એક સિદ્ધાંત પ્રસ્થાપિત કરવા માંગતા હતા. કે જીવંત ગુરુ હોય યા ન હોય કોઈ ફરક પડતો નથી  તમારી ગુરુ ભક્તિ જે છે એ તમને બધું જ ફળ આપી શકે છે. અર્જુન પાસે જીવંત સદગુરુ હતા. પણ એટલી ભક્તિ નહોતી અર્જુન પાસે.એકલવ્ય પાસે જીવંત સદગુરુ નથી, મૂર્તિ છે પણ ભક્તિ છે. એ ભક્તિને કારણે એકલવ્ય મેદાન મારી ગયા.

ગઈકાલની આપણી કડીમાં આપણે જઈએ. આતમભાવે સ્થિર હોજો, પરભાવે મતે રાચો રે! પરભાવમાં ન જવાય એના માટે દ્રષ્ટાભાવની વાત આપણે કરતા હતા. મહામહોપાધ્યાય યશોવિજય મહારાજાએ અધ્યાત્મ ઉપનિષદમાં એક સરસ શ્લોકાર્ધ આપ્યો છે. બહુ મજાનો! હૃદયંગમ! “द्रष्टु: दृगात्मका: मुक्ति:,दृश्येकात्म्यम् भवभम्र:।” દ્રષ્ટા માત્ર જોવાની પળમાં રહે એ એના મોક્ષનો માર્ગ અને દ્રષ્ટા પોતાની ચેતનાને દ્રશ્યોમાં લઈ જઈને, ગમા અને અણગમા વડે લેપે તો એ સંસારનો માર્ગ.

ઘડિયાળ સામે જ છે. સમય જોવા માટે ઘડિયાળ સામે જોઈ લીધું, સમય જોઈ લીધો પણ ઘડિયાળ બહુ સારી છે, એના આંકડા સરસ છે, એનું બહારનું આવરણ સરસ છે. આવી રીતે ઘડિયાળને તમે જુઓ તો એ સંસારનો માર્ગ. મોક્ષનો માર્ગ આમ. સંસારનો માર્ગ આમ. તમે માત્ર જુઓ કોઈ દ્રશ્યને. માત્ર એની અંદર તમારી ચેતના ન જાય. જોઈ લીધું. સારું કે નરસાનું કોઈ વિચાર તમારા મનમાં આવતો નથી.

હું ઘણીવાર કહું છું; પદાર્થ, પદાર્થ છે. એ સારો પણ નથી, ખરાબ પણ નથી. આજે જે સરસ લાગતો હોય, કાલે ખરાબ લાગી શકે. પણ તમે લોકો સ્ટીકરોનો મોટો જથ્થો રાખો છો અને બધે સ્ટીકર લગાવતા ફરો છો. આ સારું, આ ખરાબ. આ સારું, આ ખરાબ. પદાર્થો ઉપર લગાવો ત્યાં સુધી તો સમજ્યા. માણસો ઉપર પણ તમે તો સ્ટીકર લગાવવા માંડ્યા. તમે લોકો મનુષ્યને પણ બે ભાગમાં વહેંચી નાખશો. અમુક સારા, અમુક ખરાબ. સારા માણસો કયા? જે તમારા અહંકારને પંપાળે એ સારા! ખરાબ માણસો કયા? જે તમારી નિંદા કરે, જે તમારા અહંકારને ખોતરે એ ખરાબ!

મેં હમણાં એક પ્રવચનમાં હસતા-હસતા કહેલું કે, તમે લોકો દુનિયાનું કેન્દ્રબિંદુ છો કે તમારા આધારે આખી મનુષ્ય જાતિનું પૃથક્કરણ થાય? બધા જ મનુષ્યો જ નહિ, પ્રાણીઓ પણ બધા જ સારા જ છે. ખરાબ હોય તો માત્ર એક હું જ છું. આ ભાવ હૃદયને સ્પર્શે ત્યારે માનજો નિશ્ચયથી પ્રભુશાસન તમને મળ્યું. ફરી બધા જ સારા જ છે, ખરાબ હોય તો માત્ર એક હું જ છું. આ ભાવ તમને સ્પર્શ્યો તો તમે નિશ્ચયથી પ્રભુશાસનમાં પ્રવેશ્યા. મારી દ્રષ્ટિએ આ પ્રાયશ્ચિત છે.

આપણા યુગના સાધનામનિષી, પંન્યાસ ગુરુદેવ ભદ્રંકરવિજય મહારાજ સાહેબ જિંદગીભર મૈત્રીભાવની વાતો કરતા. રાજસ્થાનમાં જવાનું થયું. ગુરુદેવના ચરણોમાં બેઠેલો. મેં ગુરુદેવને પૂછેલું કે ગુરુદેવ જિનશાસનમાં અસંખ્ય યોગો છે. યોગ અસંખ્ય જિનવર કહ્યા… તો પછી આપ માત્ર મૈત્રીભાવ ઉપર કેમ આટલો ભાર મૂકો? એ વખતે ગુરુદેવ એ હસતા-હસતા કહેલું કે ભાઈ, બેટા! સદગુરુ ડોક્ટરની ભૂમિકા પર હોય છે. ડોક્ટર દર્દીને તપાસે છે. ખ્યાલ આવે છે. Vitamin C ની ઉણપ છે. Minerals ની ઉણપ છે. જેની પણ ઉણપ લાગે એની પૂરતી દવા દ્વારા ડોક્ટર કરી આપે. મેં પણ એક ગુરુ તરીકે શ્રી સંઘને જોયો. શ્રી સંઘમાં દાન-ધર્મ અત્યંત રીતે વ્યાપક બન્યો છે. શીલધર્મ એટલો વ્યાપક. સુરત તો દીક્ષાનું Hub થઈ ગયું છે. તપ પણ એટલો વધ્યો. પણ મૈત્રીભાવ જે છે એ નથી વધ્યો! અને એટલે શ્રી સંઘમાં જેની ઉણપ છે એની વાત હું કરું છું.

“द्रष्टु: दृगात्मका: मुक्ति:,दृश्येकात्म्यम् भवभम्र:”।. રમણ મહર્ષિના જીવનની ઘટના આવે છે. એક વ્યક્તિએ એક વખત મહર્ષિને પૂછ્યું કે, ગુરુદેવ જ્યાં પણ પધારો છો ભક્તો ફૂલોના હારથી આપને લાદી દે છે. એ વખતે આપની Feeling શું હોય? રમણ મહર્ષિ ઉદાસીન ભાવમાં ગયેલ મહાપુરુષ, એમણે હસતા-હસતા કહ્યું કે ભગવાનની રથયાત્રા નીકળવાની હોય ત્યારે રથને તો તમે શણગારો, બળદને પણ શણગારો. બળદને ઝુલ મુકો, ફૂલોના હાર પહેરાવો. બળદ માટે વજન વધ્યું એથી વધારે કોઈ અર્થ હોતો નથી. આ તો રમણ મહર્ષિની વાત છે. આપણા કવિ સુરેશ દલાલની વાત કરું. પ્રખર કવિ, ચિંતક સુરેશ દલાલને જ્યા મહેતાએ એક ઇન્ટરવ્યૂમાં પૂછેલું કે, તમે બહુ મોટા કવિ છો. જ્યાં પણ તમે જાઓ પ્રવચન કરવા, પ્રશંસકો તમને ઘેરી વળે છે. તમારા ઓટોગ્રાફ માટે પડાપડી થાય છે, એ વખતે તમારી Feeling શું હોય? સુરેશભાઈ કહે છે હું સંત નથી કે મને અંહકાર નથી આવતો એવો દાવો હું કરું. પણ આ બધું કોઠે પડી ગયું છે એટલે એની અસર થતી નથી. બાથરૂમમાં ગયા, વિચારોમાં ખોવાયેલા છીએ, પાણી શરીર પર દદડ્યા કરે છે. આપણને એનો ખ્યાલ પણ ન હોય, એ રીતે આ વરઘોડો ચાલ્યા કરે છે. હું વરઘોડાથી ન્યારો હોઉં છું.

દ્રશ્ય જગતને કઈ રીતે જોઈશું? તમે વધારે ફ્લેટ જોયા, બંગલા જોયા કે અમારા મુનિરાજે જોયા? સાચું કહેજો. કેટલાક તો અમને વંદન કરવા આવે. કોક ભાવિક એમના ફ્લેટમાં લઈ જાય તો પેલો વંદનાર્થી આવીને કહે સાહેબ શું એનો ફ્લેટ હતો! શું એનું Interior Decoration! હું પણ બનાવું તો આવું જ Interior Decoration! બનાવું! અમારો મુનિ સેંકડો નહીં હજારો ફ્લેટોમાં ફરે, શું થાય? તમારી દયા આવી શકે પણ ક્યારેય પણ ઈચ્છા ના થાય કે આ સારું છે. અવધિજ્ઞાની મુનિ શું ન જુવે એ કહો. બધું જ જોઈ શકે. Bedroom ના દ્રશ્યો પણ જોઈ શકે. પણ એ પોતે પોતાનામાં સ્થિર હોય.

બુદ્ધના જીવનની એક સરસ ઘટના છે. માત્ર જોવું એટલે શું? આજે તો છે ને, આજના મનોવૈજ્ઞાનિક કહે છે કે આજનો માણસ કોઈ પણ ક્રિયા માત્ર કરતો નથી. તમારી એક પણ ક્રિયા સાધનાની નહિ, સંસારની પણ Only હોતી નથી. 10-10:30 એ ભોજન લેતો હોય માણસ. અને ઓફિસની ફાઈલ ખોલીને બેઠેલો હોય છે. ઘરમાં ફાઈલ ઓફિસની ખોલીને બેસી ગયો છે. ઓફિસમાં ગયો અને ઘરની ફાઈલ ખોલીને બેસી ગયો. પત્નીએ આમ કર્યું અને દીકરાએ આમ કર્યું. ફરી રાત્રે ઘરે આવ્યો. એ ઘરે આવીને ન દીકરા જોડે પ્રેમથી વાત કરી શકે છે ન એની પત્ની જોડે વાત કરી શકે છે. કારણ, ઓફિસની ફાઈલ ખુલ્લી થઈ ગઈ છે. આ એકાગ્રતા જે નથી ને એના કારણે સાધના જગતમાં આપણને મોટો ફટકો પડ્યો છે. આજે Business Management માં અને સૈન્યમાં યોગનો પ્રવેશ થઈ ગયો છે. એ યોગનો પ્રવેશ એટલા માટે જ થયો કે તમે એકાગ્ર બની શકો.

ગુરુદેવ અરવિંદસુરી દાદા સાહેબજીની જન્મભૂમિ મનફરા, કચ્છ! ત્યાં અમારું ચોમાસું હતું. બહુ મોટું અમારું વૃંદ, 100-150 નું કચ્છ તરફ જતું હતું.  કટારિયાજી આવ્યા. ત્યાંથી જવાનું હતું ગામથી નજીકમાં જ એક ફેક્ટરી હતી. એમને ખ્યાલ આવ્યો કે સાહેબજી આ રસ્તે પધારવાના છે, એટલે કટારિયાજી આવ્યા કે સાહેબ મારે ત્યાં પધારો અને નવકારશીનો લાભ મને આપો. 800 કર્મચારીઓ મારી ફેક્ટરીમાં છે અને એમનો ચા-નાસ્તો ભોજન બધું જ ફેક્ટરીમાં જ હોય છે. એટલે આપના માટે મારે કંઈ બનાવવાનું નથી. નિર્દોષ ગોચરી છે. મને લાભ આપો. હા પાડી. અમે ત્યાં ગયા, મંગલાચરણ કર્યું. નવકારશી કરી, બીજા બધા મુનિવરો વાપરતા હતા. તૈયાર થતા હતા. હું બહાર બેઠેલો ખુરશી ઉપર. એ ભાઈ મારી જોડે બેઠેલા. મેં કીધું કેમ કોઈ કર્મચારી દેખાતો નથી ક્યાંય? મને કહે સાહેબ દર વર્ષે યોગના પ્રશિક્ષકને હું બોલાવું છું. 15 દિવસ યોગના પ્રશિક્ષક અહિયાં રહે છે અને રોજ સવારે ત્રણેક કલાક યોગ શીખવાડે છે. મને પણ લાભ અને એમને પણ લાભ. એ લોકો એકાગ્ર બને તો મારા Business ને સમર્પિત થશે. અને એકાગ્રતા એમના જીવનમાં પણ કામ આવશે. તમારા મનની શક્તિ અગાધ છે.

હમણાં રશિયામાં એક પ્રોફેસરે મનની અગાધ શક્તિનો પરિચય કરાવેલો. આટલો મોટો Hall, એમાં ટીવી પત્રકારો, પત્રકારો, નાગરિકો ખીચો-ખીચ ભરાયેલા. એ પ્રોફેસર ખુરશી ઉપર બેઠેલા. 10 ફૂટ દૂર એક ટેબલ. ટેબલ ઉપર કપડું-બપડું કશું જ નહીં. ખાલી ટેબલ એના ઉપર એક ચમચી. પ્રયોગ એ હતો કે ધ્યાન દ્વારા ચમચીને હલાવવી. પ્રોફેસર એ આંખો બંધ કરી, ધ્યાનમાં ગયા. થોડીવાર પછી સેંકડો લોકોએ જોયું કે ચમચી ઊંચી-નીચી થાય છે, આમ તેમ થાય છે. બરોબર જોઈ લીધું, કોઈ હાથ ચાલાકીનો ખેલ નથી, કશું જ નથી. પ્રયોગ પૂરો થયો. પત્રકારો, ટીવી પત્રકારો બધા જ Media Persons પ્રોફેસરને ઘેરી વળ્યા કે આમાં શું હતું? અમને બતાવો. ત્યારે પ્રોફેસરે  કહ્યું કે તમારા બધાના મનની પણ અગાધ શક્તિ છે. માત્ર તમે એ મનની શક્તિને એકાગ્ર બનાવતા નથી. મેં મારા મનને એક જ વિષય પર સ્થિર કર્યું કે ચમચી હલવી જોઈએ, હલવી જોઈએ, હલવી જોઈએ. તો વિચારોના તરંગો સીધા એક જ દિશામાં ગયા અને વિચારોના તરંગો દ્વારા આ કામ થઈ શક્યું.

અત્યારે એક નાનકડું ઉપકરણ લેસર કિરણોનું શોધાયું છે. પેન જેટલું હોય. એને On કરવામાં આવે. લેસર કિરણોનો શેરડો સીધો જ છૂટે. એ સ્ટીલની આરપાર જતો રહે, સ્ટીલની પણ આરપાર. છે કિરણો જ બીજું કાંઈ નથી. કારણ શું? એનું કારણ એક જ છે આ જે પ્રકાશ છે એ વિકેન્દ્રિત થઈ જાય છે. ઘડામાં હોય તો ઘડામાં, રૂમમાં હોય તો રૂમમાં, હોલમાં હોય તો હોલમાં વિકેન્દ્રિત થાય છે, વિખેરાઈ જાય છે. લેસર કિરણો એક જ દિશામાં તમે મોકલો ત્યાં સીધા જાય છે. એટલે એનું બળ એકદમ વધી ગયું. આપણી સાધના, આપણી ભક્તિ એકાગ્રતા સાથે આપણે કરીએ એ ભક્તિનું મૂલ્ય કેટલું વધી જાય? એટલે તો એક સૂત્ર હું વારંવાર આપું છું, There Should Be The Totality. હું બહુ Flexible માણસ છું હો! સતત હસનારો માણસ છું. તમે 7:15 એ આવો, 7:30 એ આવો, 7:45 એ આવો. Welcome! મારા માટે સ્વીકાર્ય છે. આઠમાં પાંચે આવો તોય મને વાંધો નથી. પણ એ પાંચ મિનિટ છેલ્લી કેવી હોવી જોઈએ? There Should Be The Totality. સંપૂર્ણતાથી એ ક્ષણોમાં તમે તમારું મન પ્રભુના શબ્દોને સમર્પિત કરી દો. પછી એ શબ્દો એક, બે કે ચાર હશે Hammering થયા કરશે, આખો દિવસ. એ શબ્દો અંદર ઘુમરાશે અને એ બે કે ચાર શબ્દોમાં પણ એટલી તાકાત છે કે એ તમારા હૃદયને પરિવર્તિત કરી શકે છે. જેમ ચિંતન વધારે, અનુપ્રેક્ષા વધારે; એમ શબ્દની શક્તિ વધારે પ્રગટે. દીવાસળી છે, બાકસમાંથી કાઢી, સળગે. એમનેમ હાથમાં રાખો તો? આમ કરો, એટલે સળગે? એમ શબ્દ જે છે, પ્રભુનો પ્યારો શબ્દ. એની તાકાત ઘણી છે. પણ એ તાકાત અનુભવી છે? હું તો પ્રભુના શબ્દોમાં આકંઠ, આ સહસ્ત્રાર ડૂબેલો માણસ છું. એ પણ વાતો કરીશ કે પ્રભુના શબ્દોમાં હું કેવી રીતે ડૂબ્યો,તમે કેવી રીતે ડૂબી શકો; મજાની વાતો કાલે કરીશું. મહાત્મા બુદ્ધની વાત પણ આવતી કાલે કરીશું.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *