વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : રીઝવવો એક સાંઈ
પ્રભુનો પરમપ્રેમ મળે એના માટે જ આ આપણું જીવન છે. એ માટેના ત્રણ ચરણો: મિલન. ગુણકલન. એકાકારીભવન.
મિલન – પ્રભુને રીઝવવા માટે શું કરવાનું? સદગુરુ પાસે આવીને પૂછવાનું કે “સાહેબ! હું શું કરું તો મારા પ્રભુ ખુશ થાય?” સદગુરુ પ્રભુના આજ્ઞાધર્મ સાથે મિલન કરાવી આપે.
ગુણકલન – પ્રભુની આજ્ઞાનું પાલન વર્ષો સુધી જ્યારે થાય, ત્યારે ખ્યાલ આવે કે એ આજ્ઞાપાલન દ્વારા તમારી ભીતર કયા કયા ગુણો ઉત્પન્ન થયા.
પરમ સ્પર્શની યાત્રા – વેસુ ચાતુર્માસ વાચના – ૧૩
સાધકને પોતાની સાધના નાનકડી લાગે, સાધકની સાધના ૨૪ કલાક પ્રભુ દ્વારા certified થયેલી હોય, અને સાધકની સાધના બીજાઓ દ્વારા અદ્રશ્ય હોય.
પહેલી વાત આપણે જોઈ રહ્યા છીએ, સાધકને પોતાની સાધના નાનકડી લાગે છે, કારણ સાધના પ્રભુ કર્તૃત્ છે, સદ્ગુરુ કર્તૃત્ છે. આ પ્રભુએ મને શાસન આપ્યું! આ પ્રભુએ કૃપા કરી, અને મને સાધના દીક્ષા આપી. આ પ્રભુએ કૃપા કરી અને મને શ્રામણ્ય આપ્યું. એ પ્રભુના પરમ પ્રેમમાં આપણે હોઈએ જ! જે પ્રભુએ આપણને આટલું બધું આપ્યું, એ પ્રભુના ઋણમાંથી આપણે મુક્ત શી રીતે થઇ શકીએ? પ્રભુનો પરમ પ્રેમ! નારદ ઋષિ ભક્તિસૂત્રમાં કહે છે, “तसि्मन्ननन्यता तद्विरोधिषूदासीनता च।” પરમપ્રેમ જ્યારે આવે છે ત્યારે તમે તમારી પુરી ચેતનાને પ્રભુમય બનાવી દો છો, અને પર સાથે માત્ર ઉદાસીનદશા તમારી પાસે હોય છે.
પૂજ્યપાદ દેવચંદ્રજી મહારાજના જીવનની એક ઘટના યાદ આવે. સૌધર્મેન્દ્રે પરમ તારક સીમંધર પ્રભુને પૂછ્યું કે પ્રભુ અત્યારે ભરતક્ષેત્રમાં શ્રેષ્ઠ જ્ઞાની પુરુષ કોણ? એ વખતે પ્રભુએ દેવચંદ્રજી ભગવંતનું નામ આપ્યું, સૌધર્મેન્દ્રને થયું કે એ મહાપુરુષના દર્શન માટે, વંદન માટે હું જાઉં. બ્રાહ્મણનું રૂપ ધરીને સૌધર્મેન્દ્ર, દેવચંદ્રજી ભગવંત જ્યાં બિરાજમાન હતા ત્યાં આવે છે. પ્રવચન ચાલી રહ્યું છે. સેંકડો લોકો દેવચંદ્રજી ભગવંતને કહો કે પ્રભુને પી રહ્યા છે. એ વખતે સૌધર્મેન્દ્ર બ્રાહ્મણના રૂપમાં આવીને પાછળ બેસી જાય છે. કદાચ આગળ આવ્યા હોત અને મૂળ રૂપમાં આવેલા હોત તો પણ એ શ્રોતાવૃંદની નજર દેવચંદ્ર મહારાજથી સહેજ પણ હટી શકત નહિ. એક સંમોહન હતું, પ્રભુનું સંમોહન, સદ્ગુરુનું સંમોહન. સંસારના સંમોહનમાંથી દૂર થવું હોય તો જોઈએ માત્ર પ્રભુનું સંમોહન, માત્ર સદ્ગુરુનું સંમોહન. સદ્ગુરુ ગમે છે, પ્રભુ ગમે છે પણ કેવા ગમે છે… એવું એક સંમોહન કે એક ક્ષણોમાં સાક્ષાત્ ઇન્દ્ર આવી જાય, તમારી નજર એ બાજુ જાય નહિ, માત્ર સદ્ગુરુને તમે જોતા હોવ, પીતા હોવ. પુરી સભા પ્રભુમય બની ગયેલી. એક પ્રવચન આવું હોય ને ભીતર ઉતરી જવાય.
અમે લોકો એટલા વેગથી પ્રભુના શબ્દો તમને આપવા ચાહીએ છીએ કે તમારા unconscious mind સુધી એ પહોંચી જાય.આમ છે ને અમારું કામ અઘરું, અર્જુને રાધાવેધ કરેલો, એ સહેલો હતો, અમારું કામ અઘરું છે. રાધાવેધમાં શું હોય, રાધા નામની પૂતળી હોય, થાંભલા ઉપર એ ગોળ ગોળ ફરતી હોય, એની નીચે બે – ચાર ચક્રો હોય, એક ચક્ર આમ ચાલે, બીજું આમ ચાલે, એક ધીમેથી ચાલે, એક ઝડપથી ચાલે. અર્જુને નજર નીચે પાણી ભરેલા હોજમાં રાખવાની છે અને રાધા નામની એ જે લાકડાની પૂતળી છે, એની જમણી આંખને વીંધવાની છે. એવી એક appropriate ક્ષણ આવે, કે જ્યારે બધા ચક્રોને સમાંતર એની આંખ આવેલી હોય, એ જ ક્ષણે બાણ છૂટે અને એની આંખને touch કરે. પણ અર્જુનનું કામ સહેલું હતું. બે – ચાર ચક્રો જ હતા, અને એ ચક્રોને આરપાર થઈને બાણને મુકવાનું હતું.
અમારે તમારા અસ્તિત્વના સ્તર સુધી પ્રભુના શબ્દોને મુકવા છે. વચ્ચે કેટલા ચક્રો ચાલે છે? conscious mind, subconscious mind, unconscious mind, કેટલા ચક્રો ચાલે છે?! તમે અત્યારે શરીરથી અહીં બેઠા છો, મનથી ક્યાં છો?
ચીનના બે શ્રેષ્ઠ દાર્શનિકો- लाओत्सेतुम्, અને લાસા. બંને ૮૦ ને પાર ગયેલા. પુરા ચીનની અંદર એ બંને આદરણીય. એ બંનેને ક્યારેય મળવાનું થાય નહિ, એકવાર લાસા लाओत्सेतुमના ઘર પાસેથી નીકળી રહ્યા છે, અને એમને થયું કે ચાલો મિત્રને મળી લઉં, ઘરમાં આવ્યા, આ વિદ્વાન ખુરશી પર બેઠેલા છે, ઝુંપડી જેવું ઘર છે, બીજી કોઈ ખુરશી નથી, ટેબલ નથી. આમ વિદ્યાર્થીઓ ભણવા માટે આવતાં હોય, અત્યારે એક પણ વિદ્યાર્થી નથી. જોયું, અને લાસા. આટલા મોટા વિદ્વાન મારે ત્યાં? આવો પધારો! પણ પોતાને પગની એવી તકલીફ છે, ઉભા થઇ શકતા નથી. પ્રેમથી હાથ જોડીને કહ્યું, ઘરમાં બીજું આસન નથી, કોઈ વિદ્યાર્થી હોત તો બાજુના ઘરમાંથી, ખુરશી મંગાવી લેત, આપણે ૫ મિનિટ વાત કરીએ. લાસા બેઠા, પણ બેસવાનું એમને પણ Unconvenient લાગતું હતું. એ પણ ૮૦ ને પાર ગયેલા હતા, અને જ્યાં પણ જાય ત્યાં આસન ઉપર જ બેસવાનું હોય, નીચે બેસવાનું તો હોય જ નહિ. પહેલીવાર નીચે બેસવાનું આવ્યું. મનમાં પણ થોડીક ગુંચવણ છે નીચે બેસવું પડ્યું. એ વખતે આ પંડિતજીએ કહ્યું કે આપે કૃપા કરી, મારા ઘરને પાવન કર્યું, આપનું શરીર બેસી પણ ગયું છે, હવે આપના મનને પણ બેસાડી દો, આપણે થોડી વાતો કરીએ. તમારું શરીર બેસી ગયું છે, મન બેસી ગયું છે?
તો, અમારું કામ કેટલું અઘરું છે… આ પ્રભુના શબ્દોને અસ્તિત્વના સ્તર સુધી મુકવા છે. દેવચંદ્રજી ભગવંત હતા ઉદાસીનદશામાં આરૂઢ. એક – એક શબ્દ નીકળતો અને શ્રોતાઓના અસ્તિત્વ સુધી એ પહોંચી જતો. ઇન્દ્ર મહારાજા આવ્યા, બ્રાહ્મણના રૂપમાં પાછળ બેઠા. દેવચંદ્રજી ભગવંતને પોતાના જ્ઞાનબળથી ખ્યાલ આવી ગયો કે સૌધર્મેન્દ્ર આવેલા છે. કેવી ઉદાસીન દશા હશે, સૌધર્મેન્દ્ર આવ્યા છે. આવે, આ તો પ્રભુની દેશના છે, બધા આવી શકે. પણ સૌધર્મેન્દ્ર આવ્યા છે એ ખ્યાલ આવ્યા પછી પ્રવચનની લઢણમાં કોઈ ફરક નથી પડતો. સૌધર્મેન્દ્રને પ્રભાવિત કરું આવો ખ્યાલ પણ આવતો નથી.
પ્રભુના પરમ પ્રેમમાં જે વ્યક્તિ ડૂબેલી છે એના માટે બે ઘટના ઘટે છે:
- એ બીજાને ક્યારે પણ પ્રભાવિત કરવા માટે મથતી નથી.
- અને એ કોઈનાથી પ્રભાવિત થતી નથી.
પ્રભુના પરમ પ્રેમમાં તમે ડૂબેલા છો. અગણિત જન્મો પછી એક પરમ ઘટના તમારા ઉપર ઘટિત થઇ- પ્રભુએ તમને ચાહ્યા! અને એ ચાહતને કારણે પરમ પ્રેમ પ્રભુ પરનો તમારા મનમાં છલકાયો. અગણિત જન્મોમાં ન ઘટે એવી ઘટના ઘટિત થઇ ગઈ. હવે, બીજી કોઈ ઘટના તમારા માટે ઘટના છે જ નહિ. સૌધર્મેન્દ્ર આવ્યા- કોઈ ઘટના નથી.
એ પછીના દિવસે પ્રવચન એ જ સમયે ચાલતું હતું દેવચંદ્રજી ભગવંતનું. ઉપાશ્રયની પાછળ હતું જંગલ. જંગલમાંથી એક સાપ નીકળ્યો, સીધો જ પાટ પાસે આવ્યો. ભાઈ સાપને પણ કોણ ગમે? ગુરુ જ ગમે ને! સદ્ગુરુનું સંમોહન તમને હોય, મને હોય તો સાપને કેમ ન હોય? સાપ બીજે ક્યાંય જતો નથી. પાટ પાસે આવ્યો, પાયા ઉપર ચડ્યો, સીધો આવ્યો, ગુરુના ખોળામાં. એને પણ સદ્ગુરુ ગમી ગયા! અને દેવચંદ્રજી મ.સા. એ જ રીતે પ્રવચન આપ્યા કરે છે. એ પ્રવચન એ રીતે આપે, એ તો બરોબર હતું, કારણ કે સાહેબ પરમ ઉદાસીનદશામાં હતા. શ્રોતાવૃંદની વાત કરો, કે ગુરુદેવના ચહેરા ઉપર એ સેંકડો હજારો આંખો કેવી રીતે focus બની હશે, કે પાટ પર સાપ ચડ્યો, ગુરુના ખોળામાં સાપ આવ્યો, કોઈને ખબર પડી નથી! તમારે શું થાય આમ? શું થાય? આમાં જ ઠેકાણું ન પડ્યું હોય ને!
દેરાસરમાં ગયા, પ્રભુ સિવાય કંઈ દેખાય ખરું? ઉપાશ્રયમાં આવ્યા, સદ્ગુરુ સિવાય બીજું કંઈ દેખાય ખરું? એક વાત પહેલા પૂછી હતી, આજે પણ પૂછું… કેટલા સદ્ગૂરુઓને જોયા? કેટલા સદ્ગુરુઓના દર્શન થયા? દરેક સદ્ગુરુના ચહેરા ઉપર એક પરમ આનંદ દેખાતો હોય છે. પરમાત્મા મળ્યા, પરમ આનંદ મળ્યો, પરમ પ્રેમ મળ્યો, દરેક સદ્ગુરુના ચહેરા ઉપર પરમ આનંદ દેખાતો હોય છે. એ આનંદને જોયા પછી શું થયું? ક્યારે પૂછ્યું ખરું? બની શકે તમારા classmate કે bench mate એ દીક્ષા લીધી. એકદમ close friend છે તમારા. તમે એમની નજીક જઈને બેસો, અને પૂછો કે સાહેબ છે શું? આપણે બંને એક bench ઉપર ભણનારા, તમે દીક્ષા લીધી, હજુ ખાલી એક વર્ષ થયું તમને દીક્ષાને. તમારા ચહેરા ઉપર આટલો બધો આનંદ શેનો છે? પૂછ્યું ક્યારેય? એ પૂછો…!તો ક્યારેક ખ્યાલ આવે, એ કહી દે તમને કે ભઈલા મને તો પ્રભુ મળી ગયા છે.
કબીરજીને પૂછવામાં આવેલું, પ્રભુ તમને મળ્યા? શું મજાની એમની કેફિયત હતી, ‘કહે કબીર મેં પૂરો પાયો!’ પ્રભુ મળ્યા એમ નહિ, પૂરેપૂરા મળી ગયા. દીક્ષા શાના માટે લીધેલી? હવે દીક્ષા કોઈને આપો ને તો સ્પષ્ટ કહેજો કે માત્ર અને માત્ર પ્રભુની પ્રાપ્તિ માટે આ સંયમી જીવન છે. પ્રભુ પૂરેપૂરા હૃદયમાં વસી જાય, એની આજ્ઞા પૂરેપૂરી હૃદયમાં વસી જાય એના માટે દીક્ષા છે. ઘણીવાર દીક્ષાર્થીનો સન્માન સમારોહ હોય, તમારે એમાં કહેવું જોઈએ, કે આ ભાઈ, આ બહેન પ્રભુને મેળવવા માટે જઈ રહ્યા છે, અને એક વર્ષ પછી, છ મહિના પછી, તમે શાતા પૂછવા આવો, ત્યારે પૂછો, સાહેબ પ્રભુ કેટલા મળ્યા તમને?
એક માત્ર યાત્રા અમારી છે, પ્રભુ મિલનની… અને એ પરમાત્મા મળે, આનંદ જ આનંદ. તમે કદાચ પૂછી લો, સાહેબ કેવી મજા તમારી પાસે છે? મારે કહેવું પડે, beyond the words. Beyond the imagination. શબ્દોને પેલે પારની આ ઘટના છે. શબ્દોમાં તને કઈ રીતે કહી શકું? Beyond the imagination. કલ્પના પણ નહોતી, કે પ્રભુ મળે અને આવો આનંદ મળી શકે. એ આનંદ અમને મળ્યો છે, એ આનંદની ઈર્ષ્યા આવે છે?
સાપ ખોળામાં, એકેય શ્રોતાને ખ્યાલ નથી આવતો કે સાપ ત્યાં આવ્યો છે. માત્ર ગુરુદેવના મુખને બધા જોઈ રહ્યા છે. કબીરજીએ કહ્યું છે, પ્રભુના શબ્દો ક્યારે સાંભળી શકાય, સબતન ભયે શ્રવણ. સબ તન ભયે શ્રવણ. પૂરું શરીર, પુરી તમારી ચેતના, તાનમાં આવીને સ્થિર થઇ જાય, ત્યારે જ તમે પ્રભુના શબ્દોને સાંભળી શકો, એને ઝીલી શકો. એ સાપ થોડીવાર ખોળામાં રહ્યો, પછી ધીરે ધીરે ગુરુને વંદન કરીને ચાલ્યો. એક સાપની પાસે સદ્ગુરુનું સંમોહન છે. અને સદ્ગુરુ બધી જ ઘટનાઓથી અપ્રભાવિત છે. બે બાજુ છે, તમારી નજર સદ્ગુરુની તરફ હોય તો એ બરોબર છે. તમારી પાસે સદ્ગુરુનું પરમ સંમોહન હોય એ બરોબર છે, કારણ એ સંમોહન દ્વારા તમે તરી શકો. પણ સદ્ગુરુની નજર તમારા તરફ નથી જ. સદ્ગુરુની નજર માત્ર ને માત્ર પ્રભુ સામે છે. અમારી દ્રષ્ટિમાં તમે નથી, અમારી દ્રષ્ટિમાં પ્રભુ છે. તમને રાજી રાખવા માટે એક પણ ડગલું અમે નીચે ક્યારે પણ ઉતરી શકીએ નહિ. કારણ અમારી દ્રષ્ટિ ૨૪ કલાક પ્રભુની સામે છે.
મહોપાધ્યાય યશોવિજય મહારાજાએ એક બહુ મજાનું live mission આપ્યું, “રીઝવવો એક સાંઈ”! “રીઝવવો એક સાંઈ”… ઉપાધ્યાયજી ભગવંતનું live mission હતું, એક માત્ર મારે મારા પ્રભુને રીઝવવા છે. બોલો સહેલું શું? પ્રભુને રીઝવવા એ સહેલું? સદ્ગુરુને રીઝવવા એ સહેલું? કે સમાજને રીઝવવો એ સહેલો? સાચું બોલો. society ને રીઝવી રીઝવીને થાકી ગયા. Society છે ને એની નજર ગીધની હોય છે, એવું વિનોબાજીએ કહેલું. તમે સંપત્તિમાં બહુ ઉંચે ગયા, તો society તમારી નોંધ લે છે, પણ મનમાં ઈર્ષ્યા હોય છે એ તો બહુ ઉપર ચડ્યો કહે છે. અને એ જે ઉપર ચડેલો છે, એનો દીકરો કે દીકરી રાત્રે ક્યાંક ભાગી જાય અને પત્તો લાગે નહિ, આખા સમાજના મોબાઈલ ધણધણવા માંડે. સાંભળ્યું? પેલાનો દીકરો, પેલાની દીકરી ભાગી ગયા, society ને રસ ક્યાં છે? તમે ચડો એમાં કે પડો એમાં? societyને રીઝવી રીઝવીને થાકી ગયા. એ રીઝાવાની છે નહિ.
૧૦૦ એક વર્ષ પહેલાંની એક ઘટના યાદ આવે, નાનું ગામ, શ્રેષ્ઠી, એ જમાનામાં લાખો રૂપિયા એમની પાસે હતા. રૂના સટ્ટાનો ધંધો કરતા, એમાં એકવાર અવળી બાજી પડી, બધું ખલાસ. ખાનદાન માણસ હતો, હવેલી પણ વેચી નાંખી. દુકાન વેચી નાંખી, ઘરેણાં બધા આપી દીધા, ઝુંપડી બાંધી અને ગામની બહાર રહેવા લાગ્યો. મરચા – મીઠાંની દુકાન શરૂ કરી. અને એમાં વળી પાછો પુણ્યનો સહકાર, તેજીમાં ઝંપલાયું, હતા એના કરતાં ડબલ થઇ ગયા. ફરી એ જ હવેલી પોતાની લઇ લીધી, એ જ દુકાન પાછી લઇ લીધી, અને ધંધો ધમધોકાર ચલાવ્યો. અને એમાં નાની દીકરીના લગ્નનો પ્રસંગ આવે છે. હવે આને થયું કે પૈસા તો આટલા કમાયા, પણ લોકો ન જુએ તો કામનાં શું? તમારા પૈસા કોના માટે આમ? તમારી સંપત્તિ કોના માટે? તમારા માટે કે બીજાના માટે? 2BHK ફ્લેટ તમારા માટે તો 5BHK હોય એ? society માટે, બોલો… એણે નક્કી કર્યું, આખી નાતને તેડાવવી, અઠવાડિયા સુધી રોકવી, અને એટલી આગતા – સ્વાગતા કરવી; કે આખી નાતમાં મારો ડંકો વાગી જાય. ખરેખર એણે એવી તૈયારી કરી, જ્ઞાતિના ૧૫ ગામ, ૧૫ ગામના ૧૫ ઉતારા. દરેક ઉતારા ઉપર નવકારશીથી સાંજે સૂર્યાસ્ત સુધી બદામ, કેસરવાળું દૂધ, ઉકાળો, ચા. ઉકળતું જ હોય, નાસ્તાના પેકેટો પડેલા હોય, dry fruit ના પેકેટો પડેલા હોય, ખાવ… રસોડામાં પણ ૫ – ૫, ૧૦ – ૧૦ મીઠાઈઓ. પૂરી સુવિધા. છેલ્લે જાનને વિદાય આપે, ત્યારે એ લોકોમાં રિવાજ હતો કે બહુ શ્રીમંત માણસ હોય તો દરેક જાનૈયાને એક – એક સોનામહોર આપે. આને તો શું કર્યું, પીપ સોનામહોરના મૂકી દીધા. તમારે જોઈએ એટલી સોનામહોર લઇ – લઈને જાવ. હવે એના મનમાં થયું, કે કોઈ ભૂલ કાઢી શકે એમ નથી, બધા જ પ્રશંસા કરતાં હશે, પણ હું જાતે પ્રશંસા સાંભળું નહિ ત્યાં સુધી મને સંતોષ કેમ થાય? એ વખતે ગાડાઓમાં જાન જતી. ૫૦ થી ૧૦૦ ગાડાઓ હતા. ગાડાઓ વિદાય થયા. પછી આ શ્રેષ્ઠી ઘોડા ઉપર બેસી આઠ વાટે થઇ અને આગળ નીકળી ગયો. આગળ એક નળિયું આવતું હતું. તો બાવળિયાના ઝુંડમાં પોતે છુપાઈ ગયા, અને ધીરે ધીરે એક પછી એક ગાડા નીકળવા માંડ્યા.
તો પહેલા ગાડામાં વાતચીત ચાલુ હતી, કે ભાઈ શું એણે મહેમાનગતિ કરી એમ કહે, એટલે એક જણો કહે મીઠાઈઓ તો ઘણી હતી, બધું સારું હતું. પણ એને ફરસાણ એટલા બધા સારા રાખેલા કે મીઠાઈ ઉપર આપણો હાથ જ ના જાય. એણે મીઠાઈ ખવડાવવી હતી તો આટલા ફરસાણ શું કરવા કર્યા? બીજું ગાડું આવ્યું, કે ફરસાણ મજાના, ગરમાગરમ. પણ પાણી ઠંડું રાખ્યું. ચા ગરમ, ઉકાળો ગરમ, દૂધ ગરમ, અને પાણી જે છે એ પણ ગરમ. એ પણ ઠંડું નહિ, બરફવાળું પાણી જોઈએ. ત્રીજું ગાડું આવ્યું, કે એણે દેખાવ કર્યો. કે સોનામહોર લેવી હોય એટલી લઇ જાવ. હવે આપણે કંઈ હાલી – મવાલી માણસો છીએ? જાહેરમાં રાખેલું પીપ- આપણે લેતાં શરમાઈએ નહિ? ખરેખર એની દાનત સાચી હતી, તો રૂમમાં રાખવું હતું પીપ. એક પછી એક રૂમમાંથી નીકળો. તમારે જોઈએ એટલું લઈને જાવ. ૫૦ ગાડા નીકળ્યા, એકેયમાં એ શેઠ માટે સારી વાત નહોતી. Society ક્યારે પણ રીઝવાની છે નહિ.
તો ‘રીઝવવો એક સાંઈ’! મારે માત્ર મારા ભગવાનને રીઝવવા છે. અને એક વાત મેં કહેલી, કે પ્રભુને રીઝવવા હોય તો શું કરવાનું? સદ્ગુરુ પાસે આવવાનું, સદ્ગુરુને પૂછવાનું કે સાહેબ હું કેવી રીતે જીવન જીવું કે મારા પ્રભુ ખુશ થાય? એક પ્રભુનો પરમ પ્રેમ મળે, એના માટે જ આપણું આ જીવન છે. એ પ્રભુનો પરમ પ્રેમ મળે, એ પ્રભુના આજ્ઞા દેહ પર પરમ પ્રેમ મળે એના માટે ત્રણ ચરણો માનવિજય મ.સા. એ બતાવ્યા. યાદ રહી ગયા? ભણાવવાનું મારે, home work પણ મારે કરવાનું? Home work પણ મારે જ કરવાનું ને? કે તમારે? એક કલાક પ્રવચન સાંભળો, પછી home work કેટલી મિનિટ ચાલે, ૧૦ મિનિટ, ૧૫ મિનિટ? home work કરો, કે આમાંથી practical form માં હું કેટલું કરી શકું એમ છું. પ્રવચનની અંદર theorical form માં તમને જે પણ કહેવામાં આવે એનું practical form માં તમારે અનુવાદ કરવો છે.
અમદાવાદ કાળુશીની પોળમાં એક શ્રાવક રહેતાં, આવા શ્રાવક જેમણે પ્રભુની વાતોને practical formમાં મુકેલી. ઠામ ચોવિહારો, રોજનું એકાસણું. ત્રણ દ્રવ્ય એમાં વાપરવાના. પાણી સિવાય. રોટલી, મગની દાળ, અને મમરા. ભુવનભાનુસૂરિ મ.સા. અમદાવાદ કાળુસીની પોળના કહેવાય. સાહેબ અમદાવાદ પધારેલા, કાળુસીની પોળના સંઘે વિનંતી કરી, સાહેબ કાળુસીની પોળે પધાર્યા. પેલા શ્રાવકે વિનંતી કરી, ગુરુદેવ! મારે ત્યાં પગલાં કરો, તમે પણ વિનંતી તો કરો ને, સાહેબ પગલાં કરો. મ.સા. વહોરવા આવે એ તો બરોબર, આચાર્ય ભગવંત પણ પગલાં કરે એવી તમારી ઈચ્છા હોય ને? પગલાંની ફી શું? છે ખબર?
દેવચંદ્રસૂરિ ધંધુકામાં પધારેલા, પાહીની માતા પોતાના દીકરા ચાંગદેવ સાથે ગુરુદેવને વંદન માટે આવી, ગુરુદેવ એ વખતે ધ્યાનની રૂમમાં. નાનકડો ચાંગદેવ ગુરુની પાટ પર જઈને બેસી ગયો. મા એ કહ્યું બેટા! એ તો ગુરુદેવની પાટ, બેસાય નહિ. એ જ ક્ષણે ધ્યાન રૂમનું બારણું ખુલ્યું, ગુરુદેવની નજર પોતાની પાટ પર પડી, એ દીકરાને જોયો. એ જ ક્ષણે ગુરુદેવે નક્કી કર્યું. આ બાળક જો દીક્ષા લેશે તો જિનશાસનનો ધુરંધર આચાર્ય બનશે. દીકરો નીચે ઉતર્યો, મા એ વંદન કર્યું, દીકરાએ વંદન કર્યું. પછી મા એ કહ્યું ગુરુદેવ! આટલા બધા મુનિવરો સાથે આપ પધાર્યા છો, બે મુનિવરોને મારે ત્યાં ગોચરીના લાભ માટે મોકલજો ને… એ વખતે ગુરુદેવે કહ્યું; મુનિવરો નહિ, હું આચાર્ય તારે દ્વારે આવીશ. પણ રોટલી – દાળ વહોરવા માટે નહિ, તારા દીકરાને વહોરવા માટે આવીશ. સમજી ગયા? એ વખતે પાહિની મા ની આંખમાં આંસુ આવ્યા. કે ગુરુદેવ! જો મારો દીકરો પ્રભુ શાસનને સમર્પિત થાય તો, નવ મહિના કૂખમાં ભાર ઉપાડ્યો એ પણ મારો સાર્થક થશે. ગુરુદેવના પગલાં- ફી શું? સમર્પણ! તમારે તો કામળીમાં પતાવી દેવાનું હોયને ?
આટલા મોટા ગુરુદેવ ભુવનભાનુસૂરિ મ.સા. જેમણે રત્નસુંદરસૂરિ મહારાજ જેવા સેંકડો મુનિવરોને તૈયાર કર્યા. એ ગુરુદેવને વિનંતી કરી, મારે ત્યાં પધારો. ગુરુદેવને ખ્યાલ હતો કે આ શ્રેષ્ઠ શ્રાવક છે, એમના ત્યાં ગયા, મંગલાચરણ ગુરુદેવે સંભળાવ્યું, વાસક્ષેપ આપ્યો. એ ભાઈની શ્રાવિકા ગુરુદેવથી એકદમ પરિચિત. એ શ્રાવિકાએ ગુરુદેવને કહ્યું કે સાહેબ! આમને કંઈક સમજાવો. ઠામ ચોવિહારો એકાસણું- ત્રણ દ્રવ્ય, રોટલી, મગની દાળ, અને મમરા. ક્યારેય મીઠાઈ ખાવાની નહિ, આ શરીર ચાલશે શી રીતે? અને શરીરનું પોષણ કરવાનું હું પણ નથી કહેતી. પણ સાધના માટે શરીર તો જોઈએ ને? એ વખતે એ શ્રાવક શ્રાવિકાને કહે છે, તને એટલી ખબર નથી? ગુરુદેવના પગલાં થયા. આવા ત્યાગી, વૈરાગી ગુરુદેવના પગલાં થયા. તું ખાવાની વાત માંડે છે. ત્યાગની વાત કર. સાહેબજી! મને પચ્ચક્ખાણ આપો, મમરાનો ત્યાગ આજથી… મમરા શાના માટે? ખાલી સ્વાદ માટે ખાતો હતો. રોટલી અને મગની દાળ- એકાસણું આરામથી થઇ જાય. સાહેબ બે દ્રવ્યથી એકાસણું હવે કરવાનું. આ home work બરોબર થયેલું હતું.
એક જ કડી હતી નાનકડી:
“મિલિઆ ગુણ કલિઆ પછી રે લાલ; બિછુરત જાયે પ્રાણ.”
પહેલું ચરણ– પ્રભુના આજ્ઞા ધર્મનું મિલન, બીજું ચરણ– ગુણકલન અને ત્રીજું ચરણ– એકાકારીભવન. તમે એ આજ્ઞા ધર્મ વિના, પ્રભુ વિના એક ક્ષણ પણ રહી ન શકો. માછલી પાણી વિના ન રહી શકે; એમ સંયમી અથવા શ્રાવક પ્રભુની આજ્ઞાના જળ વિના ન રહી શકે. ગુણકલન: એક આજ્ઞાનું પાલન વર્ષો સુધી જ્યારે થાય ત્યારે તમને ખ્યાલ આવે કે એ આજ્ઞાના પાલન દ્વારા તમારી ભીતર કયા કયા ગુણો ઉત્પન્ન થયા.
અત્યારના દિગ્ગજ સંગીતકારો જે છે, એ દરેકે કહેલું, કે અમારા ગુરુઓએ એક ‘સા’ દસ વર્ષ સુધી અમને ઘુંટાવરાવેલો છે. સંગીતના સાત સૂર સા, રે, ગ, મ, પ, ધ, ની, સા. એક ‘સા’ ને દસ – દસ વર્ષ સુધી ઘૂંટનારા દિગ્ગજ સંગીતકારો થયા. એમના લોહી, માંસ, અને અસ્તિત્વ સુધી એ સૂરો જે છે એ ઉતરી ગયા. સૂરોની દુનિયા પર એમનું પ્રભુત્વ આવ્યું. આપણે ત્યાં ઈર્યાસમિતિનું જેણે પાલન કરેલું હોય, દસ – દસ વર્ષથી, ૨૦ – ૨૦ વર્ષથી એવા કેટલા મહાત્મા મળે? મારે એમનું દર્શન કરવું છે. એવા કેટલા વૃંદો મળે જેમાં સૂત્રપોરસી અને અર્થપોરસી વર્ષોથી ચાલતી જાય? ઠીક છે, આવો સમય આવે કે જ્યારે આવા પ્રવચનો – વાચનાઓનો લાભ છે ત્યારે તમે ઉલટ – સુલટ થોડી કરી શકો. સામાન્ય સંયોગોમાં સૂત્રપોરસી અને અર્થપોરસી એનું બરોબર પાલન થતું હોય એવા વૃંદો કેટલા મળે? વર્ષો સુધી તમે પ્રભુની એ આજ્ઞાનું પાલન કરો તમને ખ્યાલ આવે કે કયા કયા ગુણો તમને મળ્યા, પ્રભુ તરફથી એક અદ્ભુત સુરક્ષાચક્ર તમને મળે, તમે એક સેકંડ માટે વિભાવમાં જઈ ન શકો.
મુંબઈ ગોવાલિયા ટેંકમાં સવારની મારી વાચનાઓ ચાલે, એક વાચનામાં મેં ઈર્યાસમિતિની વાત કરી, કે ઈર્યાસમિતિનું પાલન થાય તો પ્રભુની આજ્ઞાનું પાલન તો થાય જ. એની સાથે સાથે દ્રષ્ટિ સંયમ મળે, કારણ કે નીચી નજરે ચાલવાનું છે જોઇને… દ્રષ્ટિ સંયમ મળે, આંખ નીચી ને નીચી જ રહે. અને ત્રીજી વાત નિર્વિકલ્પદશાનો અભ્યાસ મળે.
આપણે વિહાર કરીએ, આઠ મહિના, ચોમાસામાં પણ ગમનાગમન તો ચાલુ જ હોય છે. જ્યારે તમે ઈર્યાસમિતિપૂર્વક ચાલો ત્યારે એક પણ વિચાર ન જોઈએ. ‘मुतुण पंचविह सजझाय’ શુભ વિચાર પણ તમે એ વખતે કરી શકો નહિ. નવ્વાણું યાત્રા તમે કરો, ગિરિરાજને ચડો અને ઉતરો. નવકારવાળીની છૂટ અમારે ન છૂટકે આપવી પડે છે. વાસ્તવિક રૂપે તમે ઈર્યાપૂર્વક ચાલો તો પગથિયાંને જોતાં જોતાં જ ચડવાનું, જોતાં જોતાં જ ઉતરવાનું છે. પણ તમે ગપ્પા મારતાં હોવ તો તમને ગપ્પામાંથી તમને બચાવવા માટે નવકારવાળી ન છૂટકે અમારે તમને આપવી પડે છે. તો એક અભ્યાસ ઈર્યાસમિતિનો કરો.
એક સવારની વાચનામાં મેં કહ્યું, પંદર દિવસ પછી એક ભાઈ મને મળવા માટે આવ્યાં, બપોરે. મને કહે સાહેબ! ઈર્યાનો અનુભવ એક્સીલેન્ટ, લાજવાબ… એ કહે ઓફિસે તો કારમાં જ જઉં છું. પણ નક્કી કર્યું કે ઘર નજીકમાં છે તો સવારે દર્શન કરવા, વાચના સાંભળવા આવું ત્યારે ચાલીને આવવું, ચાલીને જવું. ફૂટપાથ ઉપર ચાલુ છું, ઈર્યાસમિતિપૂર્વક. પણ સાહેબ ૧૫ દિવસમાં જે અનુભવ થયો, એક્સીલેન્ટ. એ કહે છે સાધના નાનપણથી ગમે છે મને… મને એ ખ્યાલ હતો કે નિર્વિકલ્પ દશાનો અભ્યાસ ન થાય ત્યાં સુધી સાધનાની શરૂઆત થઇ શકે નહિ. તમારો ઉપયોગ રાગ અને દ્વેષના વિચારોમાં જતો હોય, ત્યારે તમે એ ઉપયોગને, એ મનને તમારી ભીતર કેમ મૂકી શકો? તમારા ગુણોમાં કેમ મૂકી શકો? એટલે વિચારોનું દ્વાર બંધ કરવું એ સાધનાનું foundation છે. એ કહે સાહેબ મને ખ્યાલ હતો એના માટે ઘણા પ્રયોગો કર્યા પણ હું success નહિ ગયો. પણ આ ૧૫ દિવસનો ઈર્યાસમિતિનો પ્રયોગ success. વિચારો નાબુદ થઇ ગયા, વિચારો પરનું નિયંત્રણ મારી પાસે આવી ગયું. અત્યારે શું છે મન તમારા ઉપર નિયંત્રણ ભોગવે છે. હકીકતમાં તમારું તમારા મન પર નિયંત્રણ જોઈએ. શુભ વિચારો આવે છે, આવવા દો. જે ક્ષણે અશુભ વિચારો શરૂ થયા તમે એને બંધ કરી દો.
તો બીજું ચરણ ગુણકલનનું છે. એક સાધનાને ઘૂંટો… ઘૂંટો…ઘૂંટો.કોઈ પણ સાધના લો, ઘૂંટો એને… ઈર્યાસમિતિ અને ભાષાસમિતિ પાલન જરાય અઘરું ખરી? શરૂઆતમાં તો એવો નિયમ હું આપું છું કે તમને જે ક્ષણે ખ્યાલ આવે એ ક્ષણે ઈર્યાપૂર્વક ચાલવું. અહીંથી નીકળ્યા આટલે સુધી પહોંચી ગયા, ખ્યાલ ન પણ આવ્યો. જે ક્ષણે ખ્યાલ આવ્યો એ ક્ષણથી ઈર્યાપૂર્વક ડગ ભરાવા જોઈએ. જે ક્ષણે ખ્યાલ આવ્યો એ ક્ષણે મુહપત્તિ આવી જવી જોઈએ. મુહપત્તિ વગર બોલવાનું ચાલુ કર્યું, જે ક્ષણે ખ્યાલ આવ્યો એ ક્ષણે મુહપત્તિ કાઢી મોઢે રાખી, અને પછી બોલવાનું શરૂ કર્યું.
એકવાર હું ગુરુદેવ પાસે ગયેલો, મુહપત્તિની ટેવ નહિ, સાહેબે કંઈ પૂછ્યું મેં જવાબ આપ્યો, મને કહે તારી મુહપત્તિ કેડે લટકાવા માટે આપી છે કે મોઢે રાખવા માટે આપી છે? કેડે લટકાવા નથી આપી, મોઢે રાખવા માટે આપી છે. એ ઘૂંટામાં કોઈ પણ સાધનાને તમે ઘૂંટશો નહિ, ત્યાં સુધી તો result કઈ રીતે મળશે? એક ખાડો દોર્યો ૪ * ૪ ફૂટનો, પણ ૪ ફૂટ ઊંડો, પાણી મળશે? માટી અને કાંકરા જ મળવાના. બીજો ખાડો, ત્રીજો ખાડો, શું મળે? એક જ ખાડાને ૧૦૦ ફૂટ ઊંડો લઇ ગયા એટલે પાણી જ પાણી. There should be the death. આપણી સાધનાના ત્રણ આયામો, લંબાઈ, પહોળાઈ, અને ઊંડાઈ. સ્વાધ્યાય એ લંબાઈ, અનુષ્ઠાન એ પહોળાઈ, આ બે તમારી પાસે છે. સામાયિક તમે લો, એ સૂત્રોનો અર્થ તમારા ખ્યાલમાં છે, તો સ્વાધ્યાયની લંબાઈ તમને મળી, મુહપત્તિ કેમ પલવવી, કાયોત્સર્ગ કેમ કરવો, એ અનુષ્ઠાનનો પુરેપુરો ખ્યાલ છે તો અનુષ્ઠાનની પહોળાઈ તમને મળી. But where is the death? ઊંડાણ ક્યાં છે? એ સામાયિક કરો અને સમભાવની અનુભૂતિ થાય એ ઊંડાણ થયું. આપણી સાધનાને લંબાઈનો આયામ છે, પહોળાઈનો આયામ છે, ઊંડાણનો આયામ નહિ?
વિતરાગ પરમાત્માની રોજ પૂજા કરો છો, રાગ કેટલો ઓછો થયો, કેટલો? ટી.વી. હતું, પણ કોઈના ત્યાં સ્લિમ ટી.વી. જોયું, એકદમ પાતળું, મારે આ લાવવું છે. પ્રભુની પૂજા કરી, વીતરાગની પૂજા કરી, રાગ વધ્યો કે ઘટ્યો? જ્યારે ઊંડાણ આવે છે ત્યારે શું થાય છે? ભીમસેન જોશી મહારાષ્ટ્રના દિગ્ગજ સંગીતકાર હતા, એકવાર અનુરાધા પોંડવાલે ભીમસેન જોશીને પૂછ્યું, કે આપ કે જૈસે કોઈ ભી દિગ્ગજ સંગીતકાર હોતે હૈ, તો વે અપને નામ સે નયે રાગ કા સર્જન કરતે હૈ. આપને કૌન સે રાગ કા સર્જન કિયા? એ વખતે ઊંડાણમાં ગયેલ સંગીતના સૂરો ઉપર જેમનું સંપૂર્ણ પ્રભુત્વ હતું, એ ભીમસેન જોશી કહે છે બેટી! નયે રાગ કે સર્જન કી બાત ક્યાં કરતી હો, હમ તો સા સે રે તક ભી નહિ પહુંચે. જ્યારે ઊંડાણ આવે છે ત્યારે તમને લાગે છે કે મારી સાધના બહુ છીછરી છે, બહુ છીછરી છે, મારે ઊંડાણમાં જવું છે, ઊંડાણમાં જવું છે.
એક જ વાત છેલ્લે કહી દઉં. ભલે મહિનામાં એક આયંબિલ કરો, ધન્ના અણગારને યાદ કરીને આયંબિલ કરશો? એ દિવસે બપોરે બે – અઢી વાગે આયંબિલશાળામાં જવાનું. ભલે તમે આયંબિલશાળામાં ટ્રસ્ટી હોવ. હવે ટ્રસ્ટીને જુવે, અઢી વાગે, સાહેબ કેમ આવ્યા? ચેકિંગ માટે આવ્યા? ના, ના, મારે આયંબિલ છે, અરે સાહેબ તમારે આયંબિલ હતું તો પહેલાથી કહેવું તો જોઈએ. હવે તો કંઈ રહ્યું નથી. નવું બનાવી આપું, ટ્રસ્ટી હતા, અને તમે કહી દો, નવું કંઈ જ બનાવવાનું નથી. શું પડ્યું છે? સાહેબ આ પાંચ ઠંડી રોટલી છે, નથી દાળ, નથી શાક, કાંઈ નથી, કઠોળ નથી. પણ પેલું શું છે, એ તો સાહેબ કરિયાતાનું પાણી છે. બસ ત્યારે બે જ વસ્તુ બરોબર છે, પાંચ ઠંડી રોટલી મૂકી દે, મારી થાળીમાં, અને વાટકીમાં કરિયાતાનું પાણી મૂકી દે. એ રોટલીના ટુકડાને કરિયાતામાં ડબોળીને તમે ખાઈ લો, ધન્ના અણગાર ને યાદ કરીને, તમે છે ને સ્વાદમાં extreme point ઉપર જાવ ને? અત્યારે તો ચોમાસું છે, ઉનાળો હોય ત્યારે? કેરીનો રસ ઠંડો જોઈએ…ઠંડો જોઈએ ને? પછી પાતળા પેલા પડિયા ઘીમાં ઝબોળેલા, પછી વાલની દાળ, કારેલાનું શાક, બધું extreme point ઉપર સ્વાદ જોઈએ. પણ તમારી એક વાત તો ખરી હો… કેરીનો ટોપલો લાવો એટલે પહેલો ટોપલો દેરાસર. બરોબર? પહેલો કરંડીયો દેરાસર, પહેલી કેરી… પછી રસ કાઢેલો છે, ફ્રીજમાં મુકેલો ન હોય, ગુરુદેવ પધારે અને કૃપા કરીને લાભ દે, તો વહોરાવી દેવું. ત્રીજા નંબરે તમારા એપાર્ટમેન્ટમાં રહેતા બધા સાધર્મિકો, બધાને ત્યાં કેરી પહોંચાડી દો, અને ચોથા નંબરે તમે. બરોબર?
એકવાર મેં પ્રવચનમાં પૂછ્યું, મેં કહ્યું પહેલો નંબર બરોબર? મને કહે બરોબર. બીજો નંબર બરોબર? બરોબર. ત્રીજા નંબરમાં? તો કહે કે ત્યાં લોચો. પણ એક જણ મારી સામે બેઠેલો, મને કહે કે સાહેબ ok. મારે ત્રીજો નંબર સાચો. મોઢું હસતું હતું એનું મેં કીધું શું છે વાત? મને કહે આપ કહો છો ને સાધર્મિકોને આપવા, તો મારે ઘરે બધા સાધર્મિકો જ છે ને? મેં કહ્યું તે તો શાસ્ત્રની ઊંડી વાત કરી દીધી. પંચસૂત્રમાં કહ્યું છે કે શ્રાવકને પોતાના કુટુંબીજનો પણ કલ્યાણમિત્ર જેવા, સાધર્મિક જેવા લાગવા જોઈએ. તો સ્વાદમાં extreme point પર જનારા તમે, અસ્વાદમાં જાવ કે નહિ…?
તો ગુણકલન બીજું ચરણ એ ક્યારે આવે? સાધના માત્ર લંબાઈમાં ન રહે, માત્ર પહોળાઈમાં ન રહે, સાધનાનું ઊંડાણ તમને મળે ત્યારે જ આ બીજું ચરણ મળે.