વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : સકળ જીવરાશિ પર સ્નેહ
- પ્રભુ પરનો પરમપ્રેમ પ્રભુની આજ્ઞા પરના પ્રેમમાં પલટાય અને પ્રભુની આજ્ઞા પરનો પ્રેમ સકળ જીવરાશિ પરના સ્નેહમાં પલટાય.
- પ્રભુનું શાસન મળ્યું. નાનપણથી મૈત્રીભાવની વાતો સાંભળવા મળી. છતાં આપણે બધા જ આત્માઓ પ્રત્યે પ્રેમ કેમ રાખી શકતા નથી? આપણા મનની cheating ના કારણે.
- મનની cheating એ કે બધા જ મનુષ્યોને – સારા અને ખરાબ – બે વિભાગમાં વિભાજીત કરી દીધા. ખરાબ વ્યક્તિઓ માટે દ્વેષ થાય; પછી પ્રેમ કેવી રીતે વિસ્તરી શકે!
પરમ સ્પર્શની યાત્રા – વેસુ ચાતુર્માસ વાચના – ૧૯
પરમાત્મા પરનો પરમપ્રેમ, પરમાત્માની આજ્ઞાના પ્રેમમાં બદલાયો છે. અને પરમાત્માની આજ્ઞા પરનો પ્રેમ સકલ જીવરાશી પ્રત્યેના સ્નેહમાં પલટાયો છે. પૂજ્યપાદ ગીતાર્થ મૂર્ધન્ય જયઘોષસૂરી દાદા સવારમાં પટ ગણવા માટે તૈયાર થયેલા. સૂરી મંત્રનો પટ સામે ગોઠવાઈ ગયો છે. શુદ્ધ વસ્ત્રો પહેરાઈ ગયા છે. માળા હાથમાં આવી ગઈ છે. એ ક્ષણે એક મુનિરાજ ગુરુદેવની રૂમમાં આવે છે. એમણે વંદન કર્યું. ગુરુદેવ Face Reading ના માસ્ટર હતા. સદગુરુ માત્ર Face Reading ના માસ્ટર નહિ, Forehead Reading નાં પણ માસ્ટર, Eyebrow Reading ના પણ માસ્ટર અને તમારી Third Eye જે છે, એને પણ સદગુરુ જોઈ શકે છે. આ બંને આંખની વચ્ચે ત્રીજી આંખ છે, The Third Eye! જેને આપણી પરંપરા આજ્ઞાચક્ર કહે છે. તમારું આજ્ઞાચક્ર જન્માંતરીય સાધના દ્વારા કેટલું ઉચકાયું છે, એ પણ સદગુરુ તમને જોઈને નક્કી કરી શકે છે અને એ રીતે સાધના ધારામાં તમને આગળ વધારે છે.
ગુરુદેવે મુનિરાજના ચહેરાને જોયો. કંઈક પૂછવા માટે આવેલા છે. ગુરુદેવે કહ્યું, બોલ બેટા! તારે શું પૂછવું છે? મુનિરાજે કહ્યું, સાહેબ આપ પટ ગણવા માટે તૈયાર થયા છો, પટ ગણી લો. પછી હું અનુકૂળતાએ આવીશ અને પૂછીશ. એ વખતે આપણા યુગની આ શ્રેષ્ઠ વિભૂતિનો કેવો મઝાનો જવાબ હતો! એમણે કહ્યું, તું જીવંત પરમેષ્ઠી છે. જીવંત પરમેષ્ઠીની હું અવગણના કરું, તો મારા પટમાં બેસેલા પરમેષ્ઠી રહે ખરાં? તું જીવંત પરમેષ્ઠી છે. જે પ્રશ્ન હોય તે પૂછી લે આરામથી. તને જવાબ આપું. એટલું મજાનું વિશેષણ આપણા માટે સાહેબે મૂક્યું: જીવંત પરમેષ્ઠી!
પરમેષ્ઠી એટલે શું? પરમે તિષ્ઠતિ ઇતિ પરમેષ્ઠી! જે સદાને માટે પરમમાં જ રહે, એ પરમેષ્ઠી! તમારું મન, તમારું ચિત્ત, તમારું હૃદય સદાકાળ માટે પ્રભુમય હોય, પ્રભુ આજ્ઞામય હોય. એ પછીની એક અદભુત વાત સાહેબના જીવનની કરું. અમને તો એ જીવંત પરમેષ્ઠીરૂપે દેખતા હતા. તમને કઈ રીતે ઓળખતા હતા? આચાર્ય મહાબોધિસૂરીજીએ એકવાર ગુરુદેવને પૂછ્યું, કે સાહેબજી! આપ શ્રાવકોને, શ્રાવિકાઓને વાસક્ષેપ આપો, ત્યારે આપના મનમાં કયો વિચાર હોય? મેં જ્યારે મહાબોધિસૂરીના પુસ્તકમાં આ વાત વાંચી, હું પણ છક થઈ ગયો! એ ગુરુદેવ કહે છે, કે શ્રાવક અને શ્રાવિકાને વ્યવહારથી આપણે સમ્યકદ્રષ્ટિ ગણીએ. નિશ્ચય સમ્યગદર્શન તો બહુ અઘરું છે, પણ વ્યવહારથી આપણે એમને સમ્યકદ્રષ્ટિ ગણીએ છીએ. તો હું જ્યારે વાસક્ષેપ કરું છું, ત્યારે મારા મનમાં એક મજાનો ભાવ હોય છે. નવપદ પૂજનની અંદર સમ્યગદર્શન પદનું પૂજન આવે છે. એ પદનું પૂજન કરતી વખતે વાસક્ષેપ મુકતા જે ભાવ આવે કે સમ્યગદર્શન પદની હું પૂજા કરું છું, આ ભાવ મને શ્રાવકોને અને શ્રાવિકાઓને વાસક્ષેપ આપતી વખતે આવે છે.
પ્રભુ પરનો પરમપ્રેમ, પ્રભુની આજ્ઞા નાં પ્રેમમાં પલટાય છે. અને પ્રભુની આજ્ઞાનો પ્રેમ સર્વ જીવરાશી પ્રત્યે સ્નેહની અંદર પલટાય છે. આજે આપણે વિચારીએ કે સર્વ આત્માઓ પ્રત્યે આપણે પ્રેમ અભિવ્યક્ત કરવો છે, અનુભવવો છે, તો એમાં આપણને અવરોધ ક્યાં આવે છે? તમે નક્કી કરો કે એક નવકાર મંત્ર મારો સમ્યક બની જવો જોઈએ. નમો સિધ્ધાણં હું બોલું ત્યારે ભૂતકાળના સિદ્ધ ભગવંતોને મારો નમસ્કાર હોય. વર્તમાનકાળની અંદર મહાવિદેહ ક્ષેત્રમાંથી સિદ્ધિપદને પામી રહેલા પરમાત્માઓને મારો નમસ્કાર હોય અને ભવિષ્યના આ બધા જ સિદ્ધ પરમાત્માઓને પણ મારો નમસ્કાર હોય.
ભીલડીયાજી તીર્થમાં ઉપધાન તપ હતા. ધાર્યા કરતા સંખ્યા વધી ગઈ. એ વખતે ત્યાં જૂની ધર્મશાળા હતી. અત્યારે તો નવી થઈ ગઈ છે. ધર્મશાળાની રૂમ નાની-નાની. ભાઈઓને અમારા ઉપાશ્રયમાં રાખેલા. બહેનોને ધર્મશાળાની રૂમોમાં રાખેલા. સંખ્યા વધી ગઈ ને! એક-એક રૂમમાં 10-10 બહેનોને રાખવામાં આવ્યા. હવે 10 બહેનો સંથારો કરી શકે એટલી તો જગ્યા હતી જ નહિ. બહેનો Management વાળા પાસે ગઈ કે તમે લોકોએ એક રૂમમાં 10-10 બહેનોને આપી છે, અમે લોકો સંથારો શી રીતે કરીએ? Management વાળાએ કહ્યું કે સંખ્યા વધી ગઈ છે અને આયોજક પરિવારે કહ્યું, મારા પ્રદેશના જેટલા આરાધકો હશે એને તો લેવા જ પડશે. હવે તમે કહેતા હો તો Five Star તંબુઓ તરત જ નંખાવી દઉં. આજ સાંજ સુધીમાં તૈયાર થઈ જશે. તમે લિસ્ટ બનાવીને આપો કે તંબુમાં કોને-કોને જવું છે, અમે એટલા તંબુ બનાવી દઈએ. અને એકદમ નીચે લાકડાનું સરસ મજાનું ફરસ અને ઠંડી ન આવે એવી સરસ મજાની રૂમો બનાવી દીધી. પણ એક પણ બહેન ટેન્ટમાં જવા તૈયાર નથી. બહેનો મારી પાસે આવી કે સાહેબજી જુઓ તો ખરાં! આ રૂમ કેટલી નાનકડી. અમે 10 જણા સંથારો શી રીતે કરીએ?
એ જ દિવસે સવારે મેં પ્રવચનમાં નમો સિધ્ધાણં પદની આ વાત કરેલી. મેં કહ્યું, તમારે તો Management વાળાનો ઉપકાર માનવો જોઈએ. વ્યાખ્યાનમાં તમે આજે સાંભળેલું કે આ બધા જ ભવિષ્યના સિદ્ધ ભગવંતો છે. નમો સિધ્ધાણં બોલીને એ ભવિષ્યના સિદ્ધ ભગવંતોને પણ આપણે પ્રણામ કરવાનું છે. હું તો સિદ્ધ ભગવંતોના દર્શનની વાત કરું છું. Management વાળાએ કેટલો ઉપકાર કર્યો કે સંથારા તમારા લગોલગ થશે, તો સિદ્ધ ભગવંતોનો સ્પર્શ તમને મળશે. તમારા સિવાયના નવ આરાધકો જે રૂમમાં છે, એ ભવિષ્યના સિદ્ધ ભગવંતો છે. એ સિદ્ધ ભગવંતોનો સ્પર્શ તમને મળશે. તમે કેટલા ભાગ્યશાળી! બહેનો ખુશ થઈ ગઈ.
આપણે આજે આ વસ્તુ પર વિચારીએ કે પ્રભુ શાસન મળ્યું છે, નાનપણથી મૈત્રીભાવની વાતો સાંભળવા મળી છે. આપણે બધા જ આત્માઓ પ્રત્યે પ્રેમ કેમ ન રાખી શકીએ? એમાં બીજો કોઈ અવરોધ નથી. અવરોધ એક જ છે કે તમારું મન, તમારી જોડે Cheating કરે છે.
એક Example આપું. તમને ખ્યાલ આવી જશે. એક ભાઈ યાત્રાએ ગયેલા. એક તીર્થમાં ગયા. નાસ્તો કર્યો, પ્રભુની પૂજા કરી. દસેક વાગે એનો એક મિત્ર પણ આવ્યો. આ ભાઈ ધર્મશાળામાં નીચેની એક રૂમમાં હતા. નીચેની રૂમો ભરાઈ ગયેલી. પેલો એનો મિત્ર આવ્યો, એ ઉપરની રૂમમાં ઊંઘેલો. લગભગ 11:00 વાગે ઉપરના મિત્રનો ફોન આવ્યો, નીચેવાળા મિત્ર ઉપર, કે તું જરા ઉપર આવ. એક અગત્યની મીટીંગ આપણે કરવી છે. પહેલા એ પોતાના રૂમને Lock કરી અને ઉપર જવા માટે તૈયાર થયો. Corridor માં બે બાજુ રૂમો. વચ્ચે દાદર. દાદર થોડો અંદર ખૂણામાં. આ ભાઈ જોરથી દોડે છે ઉપર જવા માટે એ જ વખતે એક વ્યક્તિ ઉપરથી નીચે આવી રહી છે. ખૂણા ઉપર બે જણા ભટકાયા. પેલાને આ ન દેખાય, આને પેલો ન દેખાય. બે જણા ભટકાયા. થોડું બેઉને વાગ્યું. આ ભાઈ ગરમ થઇ ગયા. જોતા નથી, ખ્યાલ નથી આવતો. પણ ખ્યાલ આવે શી રીતે? આવે? દાદર હતો ખૂણામાં, દેખાય એવું તો હતું નહિ. ન આને દેખાય, ના પેલાને દેખાય! એકેનો વાંક હતો નહિ. ગુસ્સો આવ્યો, તમે દેખતા નથી, મારી જોડે ભટકાઈ ગયા! પેલો સજ્જન માણસ હતો. એણે કહ્યું Sorry! મિચ્છામિ દુક્કડમ! પેલો ઉપર ગયો. મિત્ર જોડે વાતચીત થઈ.
રાત પડી. રાત્રે Electricity Fail થઈ. બિલકુલ અંધારું. અને રૂમમાં Toilet નહિ, Washroom નહિ. કોમન Washroom બહાર હતા. દિવસે ગયેલા એટલે ખબર હતી આ બાજુ છે. રાત્રે 10:00 વાગે અંધારામાં Washroom જવા માટે જાય છે. અંધારું ગાઢ છે. ચંદ્રમા પણ નથી. વાદળાઓથી તારાઓ પણ ઢંકાઈ ગયા છે. ઘોર અંધારું અને એમાં વચ્ચે એક થાંભલો હતો. એ થાંભલા સાથે ભટકાયો. સવારે પેલા જોડે ભટકાયો અને વાગેલું એના કરતાં વધારે થાંભલા સાથે અથડાતા વાગ્યું. અત્યારે એ થાંભલા ઉપર કેટલો ગુસ્સો આવે? તમારા મનની આ ચીટીંગનો ખ્યાલ આવ્યો? તમારા મને તમારી જોડે દલીલ શું કરી? પેલો ભટકાયો, મને વાગ્યું, માટે મને ગુસ્સો આવ્યો. એમ તો હું સમતાનો સાગર છું, પણ પેલો ભટકાયો, મને વાગ્યું માટે હું ગુસ્સે થયો. પણ અત્યારે તને આના કરતાં વધારે વાગ્યું છે! અત્યારે થાંભલા ઉપર ગુસ્સે થા! મનનું તમારી જોડેનું ચીટીંગ એ છે કે તમને વાગ્યું, માટે ગુસ્સો નહોતો આવ્યો. તમારી ભીતર જીવ દ્વેષ અનાદિ સમયથી પડેલો છે. તમે પણ તમારા હૃદયને ટટોળો.
સેંકડો આલોચનાઓ હું વાંચું છું. સૌથી મોટી આલોચના જીવદ્વેષની હોય છે. કેમ જીવ દ્વેષ? કેમ થાય છે? એક મુનિ છે, એક સાધ્વીજી છે. એને વેશ પરમાત્મા ઉપર દ્વેષ ક્યારે પણ થઈ શકે ખરો? તમને સામે વેશ પરમાત્મા દેખાય છે કે વ્યક્તિ દેખાય છે? મોટી ગડબડ તમારા મનની આ છે. આ તમારા મનનું ચીટીંગ! એ વખતે તમને જો વેશ પરમાત્મા દેખાય તો નમો લોએ સવ્વસાહૂણં! પણ એ વખતે તમને એ વ્યક્તિ દેખાય છે. એણે મારું કામ નહિ કર્યું, એણે બીજાનું કામ કર્યું. એણે મારું કહ્યું માન્યું નહિ. એ વખતે તમને ત્યાં વ્યક્તિ દેખાય છે, વેશ પરમાત્મા દેખાતા નથી. તમને પણ એક શ્રાવક કેવો દેખાય? એક શ્રાવક, એક શ્રાવિકા એટલે અનુષ્ઠાન પરમાત્મા! દેરાસરમાં ગયા. રૂપ પરમાત્માના સાનિધ્યમાં તમે છો. પ્રવચનમાં આવ્યા. શબ્દ પરમાત્માના સાનિધ્યમાં તમે છો. તમારે ત્યાં વહોરવા માટે મુનિરાજ પધાર્યા, વેશ પરમાત્માનું દર્શન તમને થયું અને એક પણ શ્રાવક-શ્રાવિકાને જુઓ, ત્યારે અનુષ્ઠાન પરમાત્માને જુઓ છો, એવો ભાવ આવવો જોઈએ.
માત્ર દ્રષ્ટિ બદલવાની છે! પ્રભુ શાસન એટલા માટે જ મળ્યું છે કે આપણી દ્રષ્ટિ બદલાય. પ્રભુએ મારા ઉપર જે કૃપા કરી એ કૃપા આ જ છે: મારું Totally Vision બદલાઈ ગયું. જે ક્ષણથી પ્રભુની કૃપાને મેં અનુભવી, એ ક્ષણથી વેશ પરમાત્મા પ્રત્યે તિરસ્કાર ક્યારેય નથી આવ્યો. એક શ્રાવક કે શ્રાવિકા પ્રત્યે તિરસ્કાર ક્યારેય નથી આવ્યો. સામાન્ય કર્મચારીઓ ઉપર પણ ક્યારે પણ તિરસ્કાર નથી આવ્યો. એ દરેકની અંદર રહેલા સિદ્ધ પરમાત્માને હું જોઈ શકું છું. હું બધામાં સિદ્ધ પરમાત્માને જોઈ શકું! તમે કેમ ના જોઈ શકો? આજે પ્રભુની આગળ પ્રાર્થના કરવાના? કે પ્રભુ! મારી દ્રષ્ટિ બદલી આપ! દરેક વ્યક્તિ મને સિદ્ધનો આત્મા લાગવો જોઈએ. મને પ્રભુએ આ દ્રષ્ટિ આપી, આખું Vision ફરી ગયું. નાનામાં-નાનો માણસ હોય,એનામાં રહેલા ગુણો દેખાય.
ઉત્તર ગુજરાતમાં ઉનાળામાં સાંજે વિહારયાત્રા ચાલુ કરી. હું Wheel Chair માં બેઠેલો. Wheel Chair એક કર્મચારી હાંકતો હતો. રસ્તાથી થોડે દૂર એક પરબ હતી. પેલા કર્મચારીને પાણી પીવાની ઈચ્છા થઈ, એણે Wheel Chair પરબ તરફ લીધી. પરબ પાસે એક માણસ. જ્યાં એણે જોયું કે સંત આવી રહ્યા છે. શું એનો ભાવ! હું જોઈ રહ્યો છું, એણે થાળી સાફ કરી, લોટો સાફ કર્યો. લોટાની અંદર ગ્લાસ દ્વારા પાણી નાખ્યું. લોટો ભર્યો. ગ્લાસ ભર્યો. થાળીમાં બધું મૂક્યું અને એ થાળી લઈને ભગવાનની સામે ભક્ત જાય, એ ભાવથી મારી સામે આવ્યો. અને એણે કહ્યું, લ્યો બાપુ! પાણી પીવો. કર્મચારીએ કહ્યું કે સાહેબને તો આ પાણી કામ નથી આવતું, એમને તો ગરમ કરેલું પાણી હોય એ જ કામ આવે છે. પણ મારે પાણી પીવું છે. એ વખતે એ કર્મચારી કહે છે, પરબવાળો. અરે, તમે પણ ભગવાન જ છો ને! આવો ને પીવો. તમે પણ ભગવાન જ છો! આ ભગવાનની સેવા તમે કરો છો, તમે પણ ભગવાન જ છો! એ પરબવાળો માણસ- એની દ્રષ્ટિની અંદર કેટલી વિશાળતા!
મને એક ઘટના યાદ આવે. અમે લોકો સૌરાષ્ટ્રમાં યાત્રાએ નીકળેલા. ઉના અજાહરા બાજુ. એક જગ્યાએ અમે પહોંચ્યા, ત્યાંથી આગળનું Stop દેરાસરવાળું, જૈનોના ઘરવાળું 20 કિલોમીટરે આવતું હતું. તો વિચાર કર્યો કે સાંજે 7-8 કિલોમીટર જઈએ, તો સવારે ત્યાં પહોંચી જઈએ અને સાંજે જ્યાં જવું છે, ત્યાં ભલે દેરાસર નથી, ઉપાશ્રય નથી, સ્કૂલમાં કે ગમે ત્યાં સૂઈ જઈશું. સાંજે ચાલ્યા. બરાબર 8 કિલોમીટરે ગામ આવ્યું. ગામની બહાર હાઇવે ઉપર જ હાઈસ્કૂલ હતી. હાઈસ્કૂલના વોચમેનને પૂછ્યું કે ભાઈ રાતવાસો રહેવું છે, અહીંયા રહીએ? સૌરાષ્ટ્ર આતિથ્ય માટે બહુ જ પ્રસિદ્ધ છે. એ વોચમેન કહે છે, મહારાજ સાહેબ તમારે મને પૂછવાનું હોય! આ તો બધું સંતોની કૃપાથી જ થયેલું છે. આ તો તમારું જ છે. અમે લોકો અંદર ગયા. સહેજ ગરમી હતી. વિચાર્યું, Corridor માં સુઈ જઈશું. એ તો રૂમ ખોલવા માંડ્યા. મેં કહ્યું, રૂમની જરૂરિયાત નથી. Corridor માં સુઈ જઇશું. અરે મહારાજ સાહેબ તમે અમારા મહેમાન છો. મહેમાનને તો સારામાં સારી વ્યવસ્થા આપવી પડે. ના ના કહેતા ત્રણ રૂમ એણે ખોલી લીધી. અમે લોકોએ કાજો લીધો.
વોચમેન ગામમાં ગયો. ગામમાં જઈને એણે અગ્રણીઓને કહ્યું કે જૈન સંતો 10-12 આપણા હાઈસ્કૂલમાં આવ્યા છે. 5 અગ્રણીઓ દોડતા આવ્યા. હિન્દુ અગ્રણીઓ! પગે લાગ્યા. પછી કહે, મહારાજ સાહેબ જૈન સંતો પહેલીવાર અમારા ગામમાં પધાર્યા છે. તમે અમારું ગામ પવિત્ર કર્યું. હવે મહારાજ સાહેબ સાંજનો ટાઈમ છે. વાળું કરવાનો ટાઈમ છે. તમે શી રીતે વાળું કરો અમને ખબર નથી. તમે કહો તો બ્રાહ્મણ મહારાજને બોલાવીને રસોઈ કરાવી લઈએ. તમે અમારા ત્યાં જમવા આવો તો અમારા ત્યાં જમવા માટે પધારો. શું એમનો ભાવ! મેં કહ્યું, સૂર્યાસ્ત થઈ ગયો છે અને પાણીનું ટીપું પણ અમે લોકો લઈ શકીએ નહિ. આવતીકાલે સવારે સામે ગામ જઈશું. અમારા ભગવાનના દર્શન કરીશું. પછી જ અમે પાણીનું ટીપું પણ લઈ શકીશું. મહારાજ સાહેબ તમારો જે ધર્મ હોય એ તો તમારે પાળવો જ પડે. એટલે તમે જમવાના નહિ, પાણી પણ અમારું નહિ પીવો, ચાલો કંઈ નહિ તમારો ધર્મ! પણ બિસ્તર તો લઈ આવીએ. સુવા માટે જોઈશે ને! મેં કહ્યું, બિસ્તર નહિ. અમે લોકો ઊંચકીને લાવ્યા છે, એ પાથરીને સૂઈ જઈશું. તો કહે મહારાજ ફાનસ-બાનસ તો લઈ આવું? રાત્રે લાઈટ જતી રહે. તો મેં કહ્યું, અમારે રાત્રે ક્યાં ચોપડા ચીતરવાના છે! અમારી વિધિ કરશું, સુઈ જઈશું. ભગવાનનું નામ લઈને વહેલી સવારે ઉઠી, અમારી બધી વિધિ કરી અને ચાલતા થઈશું. અમારે રાત્રે ફાનસની ક્યાં જરૂર છે. એ લોકોની આંખમાં આંસુ આવ્યા. મહારાજ સાહેબ તમે અમારા ગામમાં આવ્યા, અમારું ભોજન તમને નહિ કલ્પે, અમારું પાણી તમને નહિ કલ્પે, અમારું બિસ્તર તમે નહિ વાપરો, અમારું ફાનસ તમે નહિ વાપરો. તો અમને લાભ શું મળવાનો? મેં કહ્યું, આટલી સરસ મજાની હાઇસ્કુલ ઉતારા માટે તમે આપી, એ સૌથી મોટો લાભ તમને મળી ગયો અને એથી વધારે લાભ જોઈતો હોય તો અમે પોણો કલાકની અમારી ક્રિયા કરી લઈએ એ પછી તમે ભેગા થાવ. પ્રભુની કથા કરીશું. તો કહે, મહારાજ બહુ સરસ! કથા સાંભળીએ. અમે લોકોએ પ્રતિક્રમણ કર્યું, સ્કૂલનો આખો કેમ્પસ ભરાઈ ગયો. આખું ગામ આવી ગયું અને એક કલાક પ્રવચન ચાલ્યું. આ દેશ સંતોનો પૂજક છે. અને એમાં પણ તમને જે અહોભાવ મળ્યો છે, એ અદભુત મળ્યો છે. મારે એટલે જ કહેવું છે કે પ્રભુ પ્રત્યે ભક્તિભાવ તમને મળ્યો, સદગુરુઓ પ્રત્યે અહોભાવ તમને પૂરી માત્રામાં મળ્યો છે.
સુરત, પાલમાં મારી વાંચના હતી. વર્ષ પહેલા, એકવાર મેં વાચનામાં મુનિવરોને પૂછેલું કે તમે લોકો વહોરવા માટે જાઓ, ત્યારે તમારી Feeling શું હોય છે? એ વખતે એક મુનિરાજે કહ્યું કે, ગુરુદેવ વહોરવા માટે જઈએ છીએ. અમે પ્રભુના આજ્ઞાપથ ઉપર કેટલા ચાલીએ છીએ એ અમને ખબર છે. એ શ્રાવકોનો, એ શ્રાવિકા માતાઓનો જે ભાવ હોય છે, એ ભાવ જોઈને અમારી આંખો ભીની ભીની બની જાય છે. તમારી પાસે એ અહોભાવ છે, જે અહોભાવ અમારી આંખોને ભીની બનાવે છે.
તો, આટલો પ્રભુ પ્રત્યેનો ભક્તિભાવ, સદગુરુઓ પ્રત્યેનો આટલો બધો અહોભાવ! હવે એનું વિસ્તરણ કરો કે એ અહોભાવ, એ સ્નેહ દુનિયાના દરેક પ્રાણીઓ સુધી પહોંચે. એક આત્મા એવો ના હોય, જેને તમારો પ્રેમ ના મળે. પણ અહીંયા તમારા મનનું ચીટીંગ થાય છે. પ્રભુ પ્રત્યે ભક્તિભાવ જોયો, સંતો પ્રત્યે અહોભાવ તમારો જબરદસ્ત, પણ બીજા જે મનુષ્ય છે, એમાં તમે Division પાડી દો છો. અમુક સારા, અમુક ખરાબ! જે મને સારો કહે, જે મારા અહંકારને પંપાળે, એ સારો. જે મારા અહંકારને ખોતરે, જે મારી નિંદા કરે, એ ખરાબ. આ જે Division પડેલું છે ને, એ તમારા મનની ચીટીંગ છે. અને આ ચીટીંગ અનંત જન્મોથી ચાલતી રહી છે. અને એક વાત તમને કહું, આ ચીટીંગ દ્વારા, આ છેતરપિંડી દ્વારા, ખરેખર છેતરાણું કોણ? બીજા કે તમે? કર્મબંધ તમને થયો. બીજા પ્રત્યે દ્વેષ થયો, કર્મબંધ તમને થયો. છેતરપિંડી કોની થઈ? તમારી થઈ.
એક પટેલ હતા. દાંત દુખવા આવ્યો. દાંત પડે એમ હતો નહિ. Dentist ને ત્યાં ગયા. થોડા વર્ષો પહેલાની ઘટના છે. Dentist એ જોયું અને કહ્યું દાંત પાડવો પડશે. પટેલે પૂછ્યું કેટલા રૂપિયા? તો કહે 100 રૂપિયા. પટેલ કહે, એક દાંત આમથી આમ પાડવાનો, એના 100 રૂપિયા? આટલો બધો ભાવ હોય? 50 રૂપિયા રાખો. હવે ડોક્ટર થઈ ગયા ગરમ! આ કંઈ શાકભાજીવાળાની દુકાન છે? ભાવ કરવા બેઠા છીએ? ₹100 રોકડા મૂકી દો, પછી જ દાંત પાડીશ. બીજો ડેન્ટિસ્ટ ગામમાં હતો નહિ. 100 રૂપિયાની નોટ મૂકવી પડી. ડોક્ટર બધા ઓજારો તૈયાર કરે છે, પછી આવ્યા. કયો દાંત દુખે છે? જે દાંત દુખતો હતો, એની બાજુનો દાંત દેખાડ્યો. ડોક્ટરે એ દાંત તોડી નાખ્યો, કાઢી નાખ્યો. પુંગળું-પુંગળું ભરાઈ ગયું. થોડીવાર થઈ. પટેલ કહે, અરે સાહેબ, અરે સાહેબ, આ દુખતો દાંત તો અંદર રહી ગયો. તમે બીજો દાંત કાઢ્યો. ડોક્ટરે જોયું, હા-હા આ દાંત થોડો હલે છે. એ દાંત પણ કાઢી નાખ્યો. પટેલ બહાર નીકળ્યા. ડોક્ટરને કેવો છેતર્યો! સો રૂપિયામાં બે દાંત પડાયા. કોણ છેતરાયું? આ ચીટીંગ તમારા મનની, એનાથી છેતરાયું કોણ?
તો, પ્રભુ શાસન આપણને મળ્યું છે, આ મનની જે ચીટીંગ છે એને બાજુમાં મૂકી દો. કોઈ સારું નહિ, કોઈ ખરાબ નહિ. બધા જ સારા છે, કોઈ ખરાબ છે જ નહિ. મેં પહેલા જ એક સૂત્ર તમને આપેલું. દુનિયાની અંદર જેટલા પણ આત્માઓ છે, એ બધા જ સારા જ છે. ખરાબ હોય તો માત્ર એક હું છું. મને મારા દોષો આજે પણ દેખાય છે. હું આ પોસ્ટ ઉપર છું, છતાં સતત આંતર નિરીક્ષણ કરતો આવું છું. તમારા બધાના ગુણો મને દેખાય છે અને મારા દોષો મને દેખાય છે.
એક મજાની ત્રિપદી આજે તમને આપું. દોષોને કાઢવા છે. આ તમારા મનનું ચીટીંગ છે એને પણ કાઢવું છે, તો એના માટે શું કરવાનું? આંતર નિરીક્ષણ, સંકલ્પો અને જાગૃતિ! આ એક ત્રિપદી છે. આંતર નિરીક્ષણ દ્વારા તમે જુઓ કે તમારી ભીતર કયા-કયા દોષ છે. રાત્રે 10 મિનિટ તમે તમારી જોડે બેસો અને તમારી જાતને પૂછો કે પેલી વ્યક્તિ આવી ત્યારે હું બહુ ગુસ્સે થઈને બોલેલો. એને બદલે હું પ્રેમથી બોલ્યો હોત તો મારું કામ પણ થઈ જાત. આંતર નિરીક્ષણ તમે કરશો તો તમારો દોષ પકડાશે કે એ વખતે મેં ક્રોધ કર્યો, બરાબર નહોતો. હવે સંકલ્પ કરો. અઠવાડિયા સુધી આ દોષ રિપીટ થવો જોઈએ નહિ અને પછી જાગૃતિ આવશે. કદાચ એ દોષ ઉદ્ભવે એવી અવસ્થા થઈ, જાગૃતિ આવશે કે ભાઈ તારે આ દોષમાં જવાનું નથી.
તો, આંતરનિરીક્ષણ, સંકલ્પ અને જાગૃતિ! આ ત્રણે-ત્રણ તમને મળે તો તમારા મનનું આ જે ચીટીંગ છે, એ ચીટીંગમાંથી તમે બહાર નીકળી જાઓ.
તો, જયઘોષસૂરી દાદાનો કેવો પ્રેમ તમારા ઉપર! કે એક શ્રાવકને વાસક્ષેપ આપું છું, ત્યારે સમ્યગદર્શન પદનું પૂજન કરતો હોઉં, એવો ભાવ મારી પાસે છે.
તો પ્રભુ પરનો પરમપ્રેમ, પ્રભુની આજ્ઞા પરના પ્રેમમાં પલટાય અને પ્રભુની આજ્ઞા પરનો પ્રેમ સકલ જીવરાશી પરના સ્નેહમાં પલટાય. આ એક બહુ જ મજાનો Point છે. આવતીકાલે પણ આ જ પોઇન્ટને ઊંડાણથી જોવો છે. મારે છે ને Workshop ના રૂપમાં કામ કરવું છે. તમે અહીથી નીકળો, કંઈક બદલાયેલા હોવા જ જોઈએ. માણસ બેડરૂમમાંથી નીકળે સીધો આંખો ચોળતો, એનો ચહેરો અલગ હોય અને બાથરૂમમાં જઈ Fresh થઈને નીકળે ત્યારે એનો ચહેરો અલગ હોય. એમ સવારે તમે અહીંયા આવ્યા ત્યારે તમારો ચહેરો અલગ હતો. પ્રભુને પીધા, પ્રભુને પીધા, હવે ચહેરો અલગ થઈ જાય, બદલાઈ જાઓ. અને વધુ નહિ, તો થોડા કલાક સુધી તો આ બદલાહટ તમારી ભીતર રહે.
આ જ વાતને આવતીકાલે આપણે ઊંડાણથી જોઈશું.
