Param Sparsh Ni Yatra – Vachana 25

27 Views
25 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : નિરાધાર ભયે પાર

પ્રભુના પરમપ્રેમને ઝીલવા માટેની ત્રણ સજ્જતા: અસહાયતા, અહોભાવ, અહંશૂન્યતા

પંગું એવ લંઘયતે ગિરિમ્. સાધનાના માર્ગે એક ડગ પણ ભરી શકવાની અસહાયતા – એ જ આપણી સજ્જતા.

સંતોનું તો જીવન જ એવું નિર્મળ છે કે એમને જોઇને તમને અહોભાવ આવે. પરંતુ જો કહેવાતા દુર્જનમાં પણ ભવિષ્યના સિદ્ધ ભગવંતને તમે જોઈ શકો, તો જ તમારી પાસે reverence for life – ચેતના પ્રત્યેનો સમાદર છે.

પરમ સ્પર્શની યાત્રા – વેસુ ચાતુર્માસ વાચના – ૨૫

પરમાત્માનો પ્રેમ અગણિત સમયથી આપણા ઉપર વરસતો આવ્યો. ક્યારેક આપણે એને ઝીલી શક્યા. ક્યારેક આપણે એને ન પણ ઝીલી શક્યા. સવાલ એ થાય કે એના પ્રેમને ઝીલવા માટેની આપણી સજ્જતા કઈ? એક સજ્જતા આપણી પાસે આવી જાય, એનો પ્રેમ ઝીલાવા લાગે; અને પછી આપણે કશું જ કરવાનું રહે નહિ, પ્રભુનો પ્રેમ બધું જ કરી દે! THEN WE HAVE NOT TO DO ANYTHING ABSOLUTELY..! 

એ પ્રેમ અનંત-અનંત તીર્થંકરોનો અગણિત સમયથી આપણા ઉપર વહેતો આવ્યો. તો એ પ્રેમને ઝીલવા માટેની સજ્જતા આપણી કઈ? આજે આપણે એ સજ્જતાને નિખારી દઈએ. પછી આપણું કામ શરૂ; અને પૂરું. એક સજ્જતા મળી ગઈ; એનો પ્રેમ ઝીલાવો ચાલુ થઈ ગયો; એનો પ્રેમ તમારા પુરા વ્યક્તિત્વને બદલી નાંખશે.! ક્રોધ છે ચિંતા નહિ કરો.! આસક્તિ છે ચિંતા નહિ કરો.! બધું જ છે પણ એનો પ્રેમ જો મળી ગયો, તો એનો પ્રેમ બધા જ દોષોને સંપૂર્ણતયા નિર્મૂળ કરી દેશે. એક એનો પ્રેમ ઝીલવો એ જ તો આપણી સાધના છે. વારંવાર હું કહું છું. ૯૯% grace 1% effort. ૯૯ ટકા માત્ર એ કામ કરે છે, એક જ પ્રતિશત કામ આપણું છે, માત્ર એના પ્રેમને ઝીલવાનું. 

તો આજે એ વિચારીએ કે એના પ્રેમને ઝીલવા માટેની આપણી સજ્જતા કઈ? 

વિતરાગસ્તોત્ર માં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે બે પરસ્પર વિરોધી લાગતા નિવેદનો દ્વારા આ વાતને સ્પષ્ટ કરી છે. બે STATEMENT એમણે પ્રભુના પ્રેમ તરફે આપ્યા. પહેલું STATEMENT ‘भवत्प्रसादेनैवाहमियतीं प्रापितो भुवम्’. પ્રભુ માત્ર અને માત્ર તારી કૃપાથી જ, તારા પ્રેમથી જ, હું આ ભૂમિકા ઉપર આવ્યો છું. મનુષ્યજન્મ મને મળ્યો. તારું શાસન મને મળ્યું. તારી સાધના મને મળી. અને તારું શ્રામણ્ય મને મળ્યું. બધું જ તારા પ્રેમ દ્વારા મળ્યું છે. તું મને ચાહે છે માટે જ આ બધું મળી શકે. એક STATEMENT આ આવ્યું; કે તારો પ્રેમ અવિરત વહેતો આવ્યો અને એ પ્રેમે બધું જ મને આપ્યું. સામે બીજું STATEMENT આપ્યું, “त्वय्यपि त्रातारि त्रातर्युन्मोहादिमलिम्लुचै: , रत्नत्रयं मे ह्रियते हताशो हा हतोSस्मि तत् ∥” પ્રભુ તારા જેવો સમર્થ નાથ મને મળ્યો! તે મને તારું શાસન આપ્યું! તે મને તારું શ્રામણ્ય આપ્યું! થોડીક ક્ષણો એવી આવી, જયારે રાગ દ્વેષ અને મોહ દ્વારા મારી આ રત્નત્રયીની ધોળે દિવસે સરેઆમ લુંટ ચાલી.! 

તો કલિકાલ સર્વજ્ઞ પ્રભુને પૂછે છે કે; પ્રભુ! તારો એ પ્રેમાળ હાથ..! તારો એ વરદ હાથ..! ક્યાં અદ્રશ્ય થઈ ગયો?! જે હાથથી તું મને ઊંચકીને નરક અને નિગોદમાંથી મનુષ્ય યોનિમાં લઇ આવ્યો. જે હાથેથી મને ઊંચકીને તે તારું શાસન આપ્યું, જે હાથેથી ઊંચકીને તે તારું શ્રામણ્ય મને આપ્યું, એ તારો હાથ અદ્રશ્ય ક્યાં થઈ ગયો? એવી ક્ષણો મારા જીવનમાં કેમ આવી કે રાગ અને દ્વેષ મારી રત્નત્રયીનું અપહરણ કરી શકે? તારો એ જે પ્રેમ સતત વરસતો હતો, એ વરસી તો રહ્યો છે પણ એને ઝીલાવાનું બંધ થયું અને રત્નત્રયીની લુંટ ચાલી, 

તો પ્રભુ તારો એ પ્રેમ ઝીલાતો બંધ કેમ થયો? 

ત્રણ વાત અહિયાં મળે છે. તમે અસહાય હોવ તો પ્રભુના પ્રેમને ઝીલવા માટે તમે સજ્જ છો. તમે અહોભાવથી પૂર્ણ હૃદયવાળા છો તો પ્રભુના પ્રેમને ઝીલવા માટે તમે અધિકારી છો. પણ જે ક્ષણે અહંકાર તમારી ભીતર આવે, એ ક્ષણે પ્રભુના પ્રેમની ધારાને ઝીલવાનું તમે બંધ કરી દો છો. અસહાયદશા, નરક અને નિગોદમાં હતી. તમે જેટલા અસહાય, તમે જેટલા નિરાધાર એટલો જ પ્રભુનો પ્રેમ તમને વધુ મળે. બે બાળક છે. પણ એક બાળક થોડોક અશક્ત છે. તો મા નો પ્રેમ વધારે કોને મળશે? અશક્ત બાળકને મળશે. તમારી અસહાયતા, સાધનામાર્ગે એક પણ ડગ ભરવાની, તમારી અસહાયતા, એ જ તમારી સજ્જતા છે. 

કબીરજીએ કહ્યું; ‘નિરાધાર ભયેપાર’. ‘નિરાધાર ભયેપાર’. જે લોકોએ પોતાની જાત પરનો આધાર ગુમાવી દીધો. સાધના પ્રત્યેનો self confidence જેમનો ખતમ થઈ ગયો; એ બધા પેલે પાર પહોંચી ગયા. 

એક શુભાશિત છે આપણી પરંપરામાં. “पँगुम् लँघयते गिरिम्, यत्कृपा तमहं वंदे” પ્રભુની કૃપા પાંગળાને, અસહાયને, સાધનાનો ગિરિ કુદાવી આપે છે. હું એ શુભાષિતમાં એક શબ્દ ઉમેરું છું. “पँगुम् लँघयते गिरिम्” નહિ, “पँगुम् ‘एव’ लँघयते गिरिम्” તમે માત્ર અને માત્ર અસહાય છો, તો જ પ્રભુની સહાય તમને મળશે, પ્રભુનો પ્રેમ તમને મળશે. 

શેત્રુંજય તીર્થની યાત્રાએ માતા ગઈ છે. નાનકડું બાળક જોડે છે. એ બાળક કહે છે; મમ્મી મને ઊંચકવાનું નહિ, મારે ચડવું છે. મમ્મી એને ચડવા દે છે. જેટલું એ ચડી શકે એને ચડવા દે છે. જે ક્ષણે થાકે છે, મમ્મી નહિ ચાલી શકું, મમ્મી એને ઊંચકી લે છે.! આપણે તો પહેલેથી જ અસહાય બની જવાનું.! હું એક ડગલું પણ ચાલવાનો નથી.! તારે ચલાવવો હોય તો ચલાવ.! તારે તારવો હોય તો તાર; નહિતર બેઠો છું. તું નહિ તારે તો તારક તરીકેનું તારું વિશેષણ ભયમાં છે, મારે શું ચિંતા છે? મને તું નહિ તારે, તો તું તારક શેનો? અસહાય બની જાઓ.! એ અસહાયદશા અહંકારશૂન્ય દશા છે. હું કાંઈ જ કરી શકું એમ નથી.! પ્રભુ બધું જ તારે કરવાનું છે! 

સંત હરિદાસે વ્રજભાષામાં એક પદ લખ્યું છે. એની એક પંક્તિ છે. “તિનકા બુયારી કે બસ”. “તિનકા બુયારી કે બસ” એક તણખલું સાવરણીને અધિન હોય છે, એ રીતે પ્રભુ હું તને અધિન છું. ભક્ત ગૌરાંગ એથી પણ એક ડગ આગળ વધ્યા.! એમણે કહ્યું, તણખલું તો ક્યારેક હવામાં પણ ઉડી જાય છે, એ બીજાને પણ અધિન થઈ જાય છે. પ્રભુ મારે માત્ર ને માત્ર તને અધિન થઈને રહેવું છે અને એટલે ભક્ત ગૌરાંગે કહ્યું, “તૃણાદSપિ સુનિચેન ભવિતવ્યમ્” પ્રભુ હું તૃણથી પણ નીચો છું! તૃણથી પણ અધમ છું.! ભક્તની અસહાયતા એ જ ભક્તની સજ્જતા. અસહાય બની જાઓ. રડો એની પાસે જઈને કે પ્રભુ મારો મોક્ષ ન થયો, એના માટે મારે શરમાવાનું નથી, તારે શરમાવાનું છે. તારા જેવો નાથ અને તું મને મોક્ષમાં ન લઇ જઈ શક્યો.! કેમ શું થયું? 

ઉપમિતિમાં સિદ્ધર્ષી ગણિ કહે છે, “तवायत्तो भवो धीर भवत्तारोЅपि ते वश:” ઉપમિતિના આ શબ્દો છે. “तवायत्तो भवो धीर! भवत्तारोЅपि ते वश:, एवं व्यवस्थिते किं वा स्थीयते? परमेश्वर!” સંસાર તારા હાથમાં છે, મોક્ષ પણ તારા હાથમાં છે. તું મને મોક્ષ કેમ નહી આપે? અને રડો નહિ, તો લડો.! FIGHTING તો ફાવે છે ને.? મેં પહેલા જ કહેલું; FIGHTING ક્યાં કરવાની? બે જ જગ્યાએ… ઘરમાં નહિ હવે.! દેરાસરમાં અને ઉપાશ્રયમાં.! પ્રભુની સાથે લડો. સુલસાજીને તીર્થંકર પદ આપ્યું. રેવતીજીને આપ્યું. શ્રેણિક મહારાજાને આપ્યું. મને કેમ નહિ? તું પક્ષપાતી છે પ્રભુ. લડો. અમારી જોડે લડો. આટલા બધાને રજોહરણ આપ્યું અમને કેમ નહિ આપ્યું? પ્રભુ પાસે જઈને પોશ-પોશ આંસુએ રડો. 

આ આપણી અસહાયતા… પ્રભુ સાધનામાર્ગમાં એક ઇંચ, એક સેન્ટીમીટર, તારી કૃપા વિના, તારા પ્રેમ વિના હું ચાલી શકું એમ નથી.! તું મને ચલાવ.! 

ઉપાધ્યાય યશોવિજય મહારાજે પ્રભુ મહાવીર દેવની સ્તવનમાં કહ્યું, તું ગતિ. પ્રભુ સાધના માર્ગની અંદર મારી ગતિ તું છે. એક ઇંચ, એક સેન્ટીમીટર, એક ડગ તારા પ્રેમ વિના હું નહિ ભરી શકું.! તું મતિ. બુદ્ધિ પણ કોણ? ‘એ’ની બુદ્ધિએ ચાલવાનું છે. 

ઉપનીષદના ઋષિ કહે છે, ‘तस्य भासा सर्वमिदं विभाति’ ‘तस्य भासा सर्वमिदं विभाति’ આ બધું જે પ્રકાશિત છે, એ એના તેજથી પ્રકાશિત છે! પ્રભુના તેજથી.! 

સિદ્ધસેનદિવાકરસૂરિએ વર્ધમાનદ્વાત્રિંશિકામાં લખ્યું; “પૃથ્વી સ્થિર છે. સૂર્ય ફરે છે. સૂર્ય નિયમિત રૂપે રોજ આવે છે, એ પ્રભુની કૃપાને કારણે!”. સ્પષ્ટ શબ્દોમાં એમણે લખ્યું છે.! 

“તું ગતિ, તું મતિ” બહુ મજાની વાત આ સંદર્ભમાં મહોપાધ્યાય યશોવિજય મહારાજાએ સુવિધિનાથ પ્રભુના સ્તવનમાં કરી; ‘લઘુ પણ હું તુમ મન નવિ માઉં રે, જગ ગુરુ તુમને દિલમાં લાઉં રે; કુણને દીજે એહ શાબાશી રે, કહો શ્રી સુવિધિ જીણંદ વિમાસી રે’. લઘુ પણ હું તુમ ચિત્ત નવિ માઉં રે – હું બહુ નાનકડો. તમારો એકદમ નાનકડો ભક્ત હું. Tiniest person. પણ છતાં મારું સ્થાન તમારા હૃદયમાં છે કે નહિ મને ખબર નથી. હું આટલો નાનકડો… તમારા હૃદયમાં મારું સ્થાન નથી.. તમે આટલા મોટા.. અને હું તમને હૃદયમાં રાખું છું.! તો શાબાશી કોને ઘટે? 

પણ પછી તરત જ શરણાગતિ સ્વીકારી લીધી. “જેહને તેજે બુદ્ધિ પ્રકાશી રે, તેહને દીજે એહ શાબાશી રે” આ વિચાર પણ મને તારી કૃપાથી આવ્યો. તારા પ્રેમને કારણે આ વિચાર મને આવ્યો છે. એક વાત તમને કહું, એક પણ સારો વિચાર તમને આવ્યો, એક પણ સારો ભાવ તમને આવ્યો. શેના કારણે આવ્યો? પ્રભુએ તમને ચાહ્યા છે, માટે શુભ વિચાર આવ્યો, માટે શુભ ભાવ આવ્યો. એટલે એ શુભ વિચારની માલીકીયત, એ શુભભાવની માલીકીયત પ્રભુના પ્રેમની છે.. નહિ કે તમારી.! એક પણ વિચાર આવ્યો, તમે એના પર તમારી માલીકીયત ઠોકી બેસાડો છો.! એક સામાન્ય વિચાર આવ્યો હોય ને, સત્તર જણાને તમે કહેતા ફરો.! પણ વિચાર એ કરો કે આ વિચાર તમે produce કર્યો? Create કર્યો? કે તમે એને apply કર્યો? શું કર્યું? એ જે શુભ વિચાર આવ્યો એ કઈ રીતે આવ્યો? 

પ્રભુએ શાસન સ્થાપ્યું. દ્વાદશાંગી સ્થપાઈ. એ દ્વાદશાંગી બધા જ શુભ વિચારોનું મૂળ.! એ દ્વાદશાંગીના અધ્યેતા કોઇ પણ મહાપુરુષે એક સારો વિચાર કર્યો અને એ સારા વિચારને છોડ્યો. એ વિચાર જે છોડ્યો એના તરંગો તમારી પાસે આવ્યા. તમે એ તરંગોને પકડી લીધા અને હવે તમે એ વિચારો ઉપર તમારી માલીકીયત ઠોકી બેસાડો છો.! T.V નું IDIOT BOX PROGRAM CREATE કરે? નહિ.. એને એક પણ PROGRAM CREATE કરવાના નથી. T.V STATION માં જે પ્રોગ્રામ CREATE થયા, ત્યાંથી RELAY થયા, એને ઝીલવાના છે. એમ શુભ વિચાર તમને આવ્યો એ પ્રભુના પ્રેમને કારણે આવ્યો.! ઘણીવાર શુભ વિચારો આપણી આજુબાજુમાં રમતા હોય. આપણે અશુભમાં ખોવાયેલા હોઈએ તો શુભ વિચાર આપણી નજીક આવે છતાં પણ આપણે એને TOUCH કરી શકતા નથી હોતા. એક પ્રભુનો પ્રેમ મળે અને પ્રભુના પ્રેમમાં તમે જોડાયેલા હોવ ત્યારે જ શુભ વિચારને તમે પ્રાપ્ત કરી શકો છો. 

કલાપૂર્ણસૂરી દાદાએ એક વાચનામાં એક બહુ મજાની વાત કરેલી. એમણે કહ્યું; તમે મળવા નથી જતા, સિદ્ધભગવંતો તમને મળવા આવે છે. બોલો ખ્યાલ છે તમને? ખ્યાલ છે? કેવલી સમુદ્ઘાત જ્યારે કેવલી ભગવાન કરે, ત્યારે એક સમય કેવો આવે કે જયારે એમના આત્મપ્રદેશો પુરા લોકમાં ફેલાયેલા હોય અને એ વખતે એ કેવલી ભગવંતના શુદ્ધ, નિર્મળ આત્મપ્રદેશો મારી ચેતના જોડે સ્પર્શાયેલા હોય, તમારા બધાની ચેતના જોડે સ્પર્શાયેલા હોય. આટલી મોટી ઘટના.! એ કેવલી ભગવંતના નિર્મલ આત્મપ્રદેશોનો સ્પર્શ.! અને એ ઘટનાથી આપણે બેખબર હોય.! દર છ મહીને ઓછામાં ઓછો એક કેવલી સમુદ્ઘાત તો થાય જ.! 

તો દર છ મહીને કેવલી ભગવાન આપણને મળવા માટે આવે અને આપણે એનાથી બેખબર હોઈએ. એ વખતે આપણે પ્રભુના પ્રેમમાં હોઈએ તો આપણને કંઇક feeling થાય.. ભલે સ્પષ્ટ ખ્યાલ ન આવે પણ એ feeling થાય કે એકદમ નિર્મળ-નિર્મળ ભાવો મને અત્યારે મળી રહ્યા છે. 

તો ત્રણ વાત આજે આપણે જોવાની છે. કે પ્રભુના પ્રેમને ઝીલવા માટે ત્રણ વાત- પહેલી વાત અસહાયદશા. બીજી વાત છે અહોભાવ. તમે બધા અહોભાવથી પરિપૂર્ણ છો. એક ફિલોસોફરે બહુ સરસ કહેલું; કે સંતોને જોઇને તમને અહોભાવ થાય, બહુમાનભાવ થાય, એમાં તમારી પોતાની કોઈ મહત્તા નથી; એ તો સંતોની મહત્તા છે. સંતોનું જીવન એટલું સરસ, એટલું નિર્મળ છે કે તમને ભાવ થઈ જ જાય.! એ ફિલોસોફરે આગળ લખ્યું; “કહેવાતા દુર્જનને જોઇને તમને એના પ્રત્યે પણ એ સિદ્ધ આત્મા છે, એવો ભાવ આવે તો તમારી મહત્તા કહેવાય” 

શ્રીપાળકુમાર પાસે આ મહત્તા હતી. પોતાને દરિયામાં પાડનાર ધવલશેઠ ઉપર પણ બહુમાનભાવ હતો. REVRENCE FOR THE LIFE. ચૈતન્ય પ્રત્યેનું સમાદર. 

આપણા યુગના સાધનામનીષી પંન્યાસ પ્રવર ગુરુદેવ ભદ્રંકરવિજય મહારાજ સાહેબ કહેતા કે આપણે પ્રભુના બે મોટા અપરાધો કર્યા છે. કયા બે મોટા અપરાઘો? જડ પ્રત્યે રાગ કર્યો, ચેતના પ્રત્યે દ્વેષ કર્યો. આ બે આપણે, પ્રભુના બે મોટા અપરાધ કર્યા છે. પ્રભુનો પ્રેમ કેમ નથી મળતો? પ્રભુનો પ્રેમ કેમ નથી ઝીલાતો? કારણ આ છે. યા તો આપણી ચેતના જડ પ્રત્યેના રાગમાં છે, યા તો આપણી ચેતના જીવંત વ્યક્તિત્વ પ્રત્યે દ્વેષની ધારામાં છે. એ વખતે પંન્યાસજી ગુરુદેવે કહ્યું; અનંતકાળથી પ્રભુના બે અપરાધો આપણે કર્યા. હવે એનું પ્રાયશ્ચિત કરવું છે. આ જન્મમાં એનું પ્રાયશ્ચિત કરવું છે. પ્રાયશ્ચિત એક જ. જડ પ્રત્યે ઉદાસીનભાવ અને ચેતના પ્રત્યે મિત્રતા. 

જ્યાં ચૈતન્ય છે ત્યાં મૈત્રીભાવ..! અને હું તો થોડોક આગળ વધુ છું, કે દરેક ચૈતન્ય પ્રત્યે પ્રમોદભાવ કેમ ન આવે? એક કીડીને તમે જુઓ છો. મૈત્રીભાવ તમારી પાસે છે. પ્રમોદભાવ કેમ ન આવે? પ્રમોદભાવ ક્યાં આવે? આપણાથી ગુણી હોય એના પ્રત્યે આવે. એ કીડીનો આત્મા કદાચ મારા કરતા મોક્ષે વહેલો જવાનો હોય એવું ન બની શકે? 

ધર્મનાથ પ્રભુનું સમવસરણ મંડાયેલું. ૬૪ ઇન્દ્રો હાજર. બધી જ પર્ષદાઓ હાજર. એ વખતે એક ઉંદર કૂદતો-કૂદતો સમવસરણમાં આવ્યો અને પ્રભુના ચરણ પાસે આવી અને નૃત્ય કરવા લાગ્યો.! એ વખતે ઈન્દ્ર મહારાજાએ પ્રભુને પ્રશ્ન કર્યો; કે પ્રભુ આ પર્ષદામાં અનેક ભવ્ય આત્માઓ છે. એમાંથી સૌથી પહેલાં મોક્ષે જનાર કોણ? ત્યારે પ્રભુએ કહ્યું; આ ઉંદર જે છે ને એ સૌથી પહેલા મોક્ષે જવાનો. ઈન્દ્ર મહારાજાએ એ ઉંદરને હાથમાં લીધો અને કહ્યું વાહ! તું કેટલો બડભાગી કે અહિયાં રહેલા મહામુનિઓ કરતાં પણ તું પહેલા મોક્ષમાં જતો રહીશ. પછી ઈન્દ્ર મહારાજાએ પૂછ્યું પ્રભુને કે પ્રભુ આનો વૃત્તાંત શું છે? 

તો પ્રભુએ કહ્યું, ગયા જન્મમાં એ મુનિ હતો, નાની વયમાં દીક્ષા થયેલી પિતાની જોડે. પણ એનું મોહનીય કર્મ ક્ષીણ થયેલું નહતું. એકવાર એ વિહારમાં હતો. બીજા બધા આગળ ગયેલા. એ પાછળ પડી ગયેલો. એક ઝાડ નીચે બેઠેલો આરામ લેવા. ત્યાં વૃક્ષની બખોલમાંથી એક ઉંદર નીકળ્યો. બીજા બધા ઉંદર નીકળ્યા. નાચવા લાગ્યાં. એ ઉંદરને જોઇને આ મુનિરાજને થયું કે મારા કરતા આ લોકો સ્વતંત્ર છે. હું તો કેટલો પરાધીન? બધા મુનિઓ કહે; આમ કરો, આમ કરો, આમ કરો, આમ કરો. આ એક ચારિત્રમોહનીયનો ઉદય હતો. બાકી તો એ રક્ષા હતી. વડીલો આપણને કહે; કે આપણા ગુરુ બંધુઓ કે ગુરુ બહેનો આપણને કહે; કે આ આપનો એક પુણ્યોદય છે. પણ એ સમજી ન શક્યો અને એને નિયાણું કર્યું કે આ ઉંદરની જન્મ બહુ સારો. એ ત્યાંથી મૃત્યુ પામી ઉંદર થયો. મારું સમવસરણ જોયું એને જાતિસ્મરણ જ્ઞાન થયું. હવે એને પશ્ચાતાપ થાય છે કે મુનિપણુ મેળવેલું મેં ગુમાવી દીધું.! એ અત્યારે પશ્ચાતાપ કરે છે. થોડા સમયમાં એ મરી જશે અને એ મહાવિદેહમાં ઉત્પન્ન થઈ અને નાની વયમાં દીક્ષા લઇ અને મોક્ષે જતો રહેશે. 

તો કોઇ પણ સાધકને તમે જુઓ, તમને પ્રમોદભાવ થવો જ જોઈએ.! જીવમાત્ર પ્રત્યે ન થાય તો ઠીક છે. સાધકો પ્રત્યે તો થવો જ જોઈએ.! થાય છે ને? હું ઘણીવાર કહું છું. મેતાર્યમુનિની પ્રમોદ ભાવના કરવી બહુ સહેલી. બહુ ઊંચા હતા. બહુ શ્રેષ્ઠ હતા. અઘરું શું પડે? તમારા આજુબાજુવાળાની અનુમોદના કરવી એ.! તમારે પણ એ જ છે ને.? અમેરિકાવાળા છે તમે એને ઓળખતા નથી કોઈને. કોઈની જોડે શત્રુતા ખરી તમારી? નહિ. કોઈ ચેન્નાઇમાં રહે છે. કોઈ બેંગ્લુરુમાં રહે છે. તમે એને ઓળખતાએ નથી તો તમારી એની જોડે દુશ્મનાવટ ખરી? તમારી દુશ્મનાવટ કોની જોડે? આજુબાજુમાં જે રહે છે એમની જોડે. 

હવે એક વિચાર કરો કે પેલા લોકો જોડે દુશ્મનાવટ નથી. આમની જોડે છે. કારણ શું? WHAT’S THE REASON? કારણ શોધો. કારણ પકડાઈ જશે. કારણ સામી વ્યક્તિ નથી. કારણ તમે પોતે છો. તમારી એક અપેક્ષા છે; કે એણે આમ કરવું જોઈએ. એ મને સામે મળ્યો અને એણે પ્રણામ પણ ન કર્યા.! એણે મારી સામે જોયું પણ નહિ.! એણે મને neglect કર્યો.! એટલે તમારી જે સામા પ્રત્યેની અપેક્ષા છે એ અપેક્ષાને કારણે તમે જીવદ્વેષની ધારામાં જાઓ છો.! 

પંચસુત્રનું બહુ જ નાનકડું સૂત્ર. ‘अविक्खा अणाणंदे’. જ્યાં અપેક્ષા આવી; આનંદ ગયો.! પેલાએ આમ કરવું જોઈએ. પણ પેલો તારા હાથમાં છે? એણે શું કરવું એ નક્કી કરશે. તું કઈ રીતે નકી કરે? પણ તમે નક્કી કરો છો.! તમારા ઘરમાં એ શું થાય છે? મને એક ભાઈએ હમણાં પૂછેલું કે સાહેબ! પચાસ વરસ પહેલાનું કુટુંબજીવન અને હમણાંનું કુટુંબજીવન. What’s the difference? મેં કીધું મોટો બધો તફાવત છે. પચાસ વરસ પહેલા પતિ એમ માનતો કે પત્નીને ધર્મ કરવો છે તો એને હું સહાય કરી આપું, “તું તારે જા પ્રતિક્રમણ કરવા, અમે બધું પતાવી દઈશું. તું પૂજા કરવા માટે જા, અમે પાછળનું પતાવી દઈશું.” પતિ, પત્નીને સહાય કરતો. પતિ પોતાના બાળકોના કલ્યાણની ઈચ્છા કરતો પિતા રૂપે. પત્ની વિચારતી કે પતિ એટલે મારો પરમેશ્વર, અને એની મારે સેવા કરવી જોઈએ. મારા દીકરા એમને મારે સંસ્કાર આપવા જોઈએ. દીકરાઓ કહેતાં કે આ માત-પિતા છે, અમારે એમની પૂજા કરવી જોઈએ. એટલે દરેક વ્યક્તિ બીજાની care કરતી હતી. આજે શું થયું? પતિ કહે છે, પત્નીએ આમ કરવું જોઈએ, દીકરાએ આમ કરવું જોઈએ. પત્ની કહે છે, પતિએ આમ કરવું જોઈએ, ને દીકરાઓએ આમ કરવું જોઈએ. અને દીકરાઓ એમ કહે છે કે માત-પિતા એ આમ કરવું જોઈએ. તમારો અત્યારનો સંસાર નરકમાં ફેરવાયો હોય તો એનું કારણ માત્ર અને માત્ર તમારું vision છે. એક તમારું vision બદલી નાંખો.! તમે અત્યારે કઈ રીતે જીવો છો? 

એક વકતૃત્વકળાનો ક્લાસ ચાલતો હતો. એના શિક્ષકે કહેલું વિદ્યાર્થીઓને કે તમે જે વાતનું PRESENTATION કરો. એની અસર તમારા ચહેરા ઉપર દેખાવી જોઈએ. ૮૦ ટકા વાત તમારો ચહેરો કહી દે, ૨૦ ટકા વાત તમારા શબ્દો કહી દે. પછી એણે કહ્યું; કે નરકની વાત તમે કરો કે સ્વર્ગની વાત તમે કરો. સ્વર્ગની વાત તમે કરો ત્યારે તમારો ચહેરો ઉલ્લ્લાસથી ભરાયેલો હોવો જોઈએ. પણ પછી એણે જે કોમેન્ટ કરી ને, એ તમારા વાસ્તવિક જીવનને લાગુ પડે છે. એણે કહ્યું કે પણ હા, નરકની વાત કરવી હોય ને તો તમારો original face ચાલશે.! સમજી ગયા? 

અને ઝેન ગુરુઓ પણ આ જ વાત શિષ્યોને પૂછે; શિષ્ય આવે, સાધક આવે, ત્યારે ગુરુનો પહેલો પ્રશ્ન હોય; what’s your original face? what’s your original face.? તારો વાસ્તવિક ચહેરો કયો છે? અહીંયા તો તું mask પહેરીને આવ્યો છે. maskની પેલે પાર તારો મૂળ ચહેરો કયો છે? તમે તો કેટલા mask રાખો આમ? સાચું કહેજો.? 

પતિ-પત્ની ઘરમાં ઝગડતા હોય. કોલબેલ વાગે. કો’ક સમ્રાંત માણસ આવવાનો હોય, સીધું mask પહેરાઈ જાય.! બેઉ જણા હસતા થઈ જાય.! પેલાને આવકારીને. ચા-નાસ્તો આપીને. પણ રાહ જોતા હોય કે ક્યાં પેલો જાય અને પાછું fighting શરૂ થઈ જાય.! તમારું જીવન તમે જે જીવી રહ્યા છો. એ જોતા તમને લાગે છે કે પ્રભુશાસન નિશ્ચયથી તમને નથી મળ્યું. નિશ્ચયથી જે પ્રભુ શાસન મળેલું હોય તો તમે પણ ever fresh, evergreen હોવ. કારણ, જે પણ પરિસ્થિતિ હોય, એ પરિસ્થિતિનો સ્વીકાર તમે કરી શકો. બે શબ્દો છે. પરિસ્થિતિ અને મનો:સ્થિતિ. પરિસ્થિતિ ને તમે બદલી શકતા નથી; તમારી મનો:સ્થિતિ તમારા હાથમાં છે; તમે એને બદલી દો! પ્રતિકુળ ક્ષણો આવી ગઈ; સ્વીકારી લો. 

અમારી જોડે વિહારમાં આવો ને તો ખબર પડે. આવા ભવ્ય ઉપાશ્રયો વિહારમાં બધે નથી હોતા. ઉનાળાનો સમય હોય અને પતરાવાળો ઉપાશ્રય હોય અને મજાથી અમે રહેતા હોઈએ. શરીર શરીરનું કામ બજાવે. શરીરમાંથી પરસેવાનો ધોધ વહેતો હોય અને અમે મજામાં હોઈએ.! આ આનંદ અમને કોણે આપ્યો? પ્રભુએ આપ્યો.! આ આનંદ મળ્યો પ્રભુના પ્રેમને કારણે. એટલે દુનિયાની અંદર જે પણ સારપ તમને મળી શકે, એ માત્ર અને માત્ર, પ્રભુના પ્રેમ દ્વારા ‘જ’ મળી શકે.! 

પ્રભુ પ્રેમ આપવા તૈયાર છે… તમે તૈયાર..? હું ઘણીવાર કહું છું. He is ever ready. SAMBHAVNATH DADA is ever ready. NEMINATH DADA is ever ready. We are also ready. અમે પણ તૈયાર તમને આપવા. Are you ready? અરે દીક્ષાની વાત નથી કરતો પાછો. આનંદની વાત કરું છું. આનંદ જોઈએ? આ પૈસા કમાવો શેના માટે બોલો? સાચું કહેજો. જેમ-જેમ પૈસા વધ્યા. એમ સુખ વધ્યું? એમ આનંદ વધ્યો? શું લાગે આમ? કરોડ હતા. પાંચ કરોડ થયા. દસ કરોડ થયા. પચ્ચીસ કરોડ થયા. 

પેલો વિશ્વવિજેતા સિકંદર એક નાનકડા રાજ્યમાં ગયો. અને રાજાને કહ્યું; યા તો શરણે આવો, નહિ તો લડાઈ કરો. તો રાજા ડાહ્યો હતો, એ કહે ચાલને ભાઈ તારા શરણે. નકામી ક્યાં ખુવારી કરવી? તારું લશ્કર મોટું છે, મારું લશ્કર નાનું છે. પછી એનું સ્વાગત કર્યું. બાર-સાડા બાર થયા. પેલા વિશ્વ વિજેતાને ભૂખ લાગેલી. સાહેબ! ચાલો જમવા, તૈયાર છે બધું. જમવા માટે બેસી ગયા. વિશ્વવિજેતાની જોડે પેલો જજમાન રાજા. થાળી, ભાણું પીરસેલું. ઉપર નેપકીન. તો સમ્રાટ જે હતો વિશ્વવિજેતા એની થાળી ઉપરનો નેપકીન રાજાએ ઉઠાયો અને પેલાએ જોયું તો ચમક્યો. અંદર હિરા-મોતી. તો સમ્રાટ કહે; આ શું? રાજા એકદમ ભોળપણથી પૂછે છે. સાહેબ, તમે આ નથી ખાતા રોજ? મને એમ કે આટલું મોટું રાજ્ય તમારું છે તો ય તમારી ભૂખ ભાંગતી નથી. અને તમે દોડમ-દોડ કરો છો, બીજા રાજ્યોને લેવા માટે. એટલે રોજ તમે હિરા-મોતી ખાતા હશો એટલે પછી ભૂખ તમારી ભાંગે જ નહિ ને.! અચ્છા, સાહેબ તમે પણ મારી જેમ રોટલી-દાળ જ ખાઓ છો, એમ? પેલો વિશ્વવિજેતા શરમાઈ ગયો.! સાલું, ખાઉં છું રોટલી અને દાળ. એક મજુર દસ રોટલી ઠોકી જાય. મારું પેટ એવું છે કે બે રોટલીથી ભરાઈ જાય છે. અને બે રોટલી માટે મેં લાખો લોકોનો સંહાર કરાવી નાંખ્યો.! એ જ દિવસથી એ રાજા પોતાના રાજ્યમાં પાછો ફર્યો. 

તો એક પ્રશ્ન તમારા મનમાં આજે મૂકું કે ભેગા કરી જ રહ્યા છો… ભેગા કરી જ રહ્યા છો… ભેગા કરી જ રહ્યા છો… But Why? But why? શા માટે? સરસ મજાના APARTMENT માં તમે રહો છો. એક નહિ પણ બે-ત્રણ ગાડીઓ તમારી પાસે છે. ધંધો સારો ચાલે છે. છતાં પણ નવા-નવા ધંધાઓને ડેવલોપ કરવાની ઈચ્છા થાય. તો તમારા મનને એક સવાલ કરજો but why? શા માટે? ઉત્તર જે આવે એ મને કહેજો પછી બરોબર…?

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *