વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : સંશય નવિ ભાંજે શ્રુતજ્ઞાને
વાંચન, ચિંતન એ તો surface પરની વાત છે; દરિયાકિનારે છબછબિયાં મારવાની વાત છે. હવે અનુભૂતિમાં ડૂબકી લગાવવી છે.
જેમ જેમ રાગ, દ્વેષ, અહંકાર શિથિલ થાય અને સ્વની અનુભૂતિ આંશિક રીતે જાગૃત થાય, તેમ તેમ જીવન્મુક્ત દશા તમને મળવા લાગે.
નિર્વિકલ્પ દશાનો અભ્યાસ ધ્યાન માટે તો જરૂરી છે જ; બીજી કોઈ પણ સાધના માટે પણ જરૂરી છે.
પરમ સ્પર્શની યાત્રા – વેસુ ચાતુર્માસ વાચના – ૨૯
પરમાત્માનો પ્રેમ આપણા ઉપર વરસતો જ આવ્યો… વરસતો જ આવ્યો…. જ્યારે આપણે ભક્તની અસહાયદશામાં હતાં, ત્યારે આપણે એ પ્રેમને ઝીલ્યો, માણ્યો. ભક્તની અસહાયદશા એ જ ચતુ:શરણ સ્વીકાર. પરમાત્માના શરણનો સ્વીકાર, સદ્ગુરુના શરણનો સ્વીકાર. Surrender ની સામે care; એ સૂત્ર તમારા મનમાં ઉતરી ગયું. પણ, એમાં surrender આપણું માત્ર ૧% છે! સદ્ગુરુની care, સદ્ગુરુનો grace ૯૯% છે…
હમણાંની એક ઘટના કહું. એક અમેરિકન પ્રોફેસર, એને ક્રિયાયોગમાં બહુ રૂચિ. યોગી વિશુદ્ધાનંદજીએ અને પાછળથી યોગાનંદજીએ આ ક્રિયાયોગને બહુ જ વિસ્તૃત કર્યો. એ ક્રિયાયોગમાં આ અમેરિકન પ્રોફેસરની બહુ જ રૂચિ. એકવાર પ્રોફેસર internet પર સર્ફિંગ કરી રહ્યા છે અને એમાં ક્રિયાયોગના એક વિખ્યાત master તરીકેનું એક નામ ઉપસ્યું. એક યોગી, બાંગ્લાદેશમાં રહેનારા, એ ક્રિયાયોગના સૌથી શ્રેષ્ઠ master છે, એવું internet દ્વારા એમને જાણ્યું. બાંગ્લાદેશની પાટનગરી ઢાકા, ઢાકા થી ૧૫૦ કિલોમીટર દૂર એક ગામ, અને એનાથી ૩ કિલોમીટર દૂર જંગલમાં આશ્રમ, અને એમાં આ યોગી રહે છે. પ્રોફેસરે એ ગામનું નામ લખી લીધું; યુનીવર્સીટીમાં રજા મૂકી દીધી એક મહિનાની, અને મુસાફરી શરૂ કરી, ઢાકા એરપોર્ટ પર આવ્યાં.
ઢાકા એરપોર્ટ પર આવ્યા પછી ટેક્ષી સ્ટેન્ડ પાસે ગયા; અને પેલા ગામનું નામ લખેલું હતું, એ ચિટ્ઠી ડ્રાઈવરોને બતાવી. એક-એક ડ્રાઈવરે કહ્યું; I don’t know. એકદમ interior આવેલું એ ગામ હતું. આ બધા જ ટેક્ષીવાળા હાઈવે ઉપર દોડનારા. પ્રોફેસર મૂંઝાયા. હવે શું કરવું? આ ગામ કયા જીલ્લામાં? કયા તાલુકામાં? એ બધું લખ્યું હોત તો બરોબર હતું. હવે ફરી ફોન કરું અમેરિકા, મારા કોઈ કલીગને એ ફરી internet સર્ફિંગ કરે, એ વિચાર કરે છે, ત્યાં જ એક જીપ આવીને ઉભી રહી ગઈ. જીપના ડ્રાઈવરે પૂછ્યું; તમારે આશ્રમમાં જવું છે? તો (પ્રોફેસરે) કહે કે હા. (ડ્રાઇવરે કહ્યું,) બેસી જાવ. પ્રોફેસર બેસી ગયા. ૨૦ કિલોમીટર જીપ હાઈવે પર ચાલી અને પછી interior road, ભાંગેલો, તૂટેલો, ૧૪૦ કિલોમીટર પછી તો એટલો ખરાબ રોડ, ધૂળિયા રસ્તા જેવું જ લાગે.. પણ, ડ્રાઈવર પરિચિત હશે, બરોબર એ ગામ પણ આવ્યું અને એ ગામ પછી આશ્રમ સુધી એ જીપને લઇ ગયો. જીપ આશ્રમમાં આવી. ડ્રાઈવરે કહ્યું; હું અહીંયા જ છું, ૨-૩ દિવસ. હું અહીંયા જ છું એટલે પેમેન્ટ ચુકવવાની કોઈ ઉતાવળ નથી. તમે આરામથી રહો અહીંયા.
પ્રોફેસરે રૂમ book કરાવ્યો. સ્નાન કર્યું. નાસ્તો કર્યો. પછી પૂછ્યું; ઓફિસમાં, ઓફીસ બેરરને, કે ગુરુ ક્યારે મળશે? પેલાએ appointment ડાયરી કાઢી, જોઈ, અને કહ્યું; બપોરે ૪ વાગે ગુરુ તમને મળશે. ૪ વાગે પ્રોફેસર ગુરુની ચેમ્બરમાં ગયાં. એમની નવાઈ વચ્ચે જે વ્યક્તિ કાર drive કરીને લાવી હતી, એ જ વ્યક્તિ ત્યાં ગુરુપદે બેઠેલી હતી! પ્રોફેસર હસી ગયા, અચ્છા આપ? એ વખતે ગુરુએ કહ્યું કે તમે અમેરિકાથી ઢાકા સુધી આવી ગયા. તો મારે થોડેક તો તમને લેવા માટે આવવું પડે ને…!. એક મહિનો પ્રોફેસર ત્યાં રહ્યા.. ક્રિયાયોગના ઊંડાણમાં ગુરુ એમને લઇ ગયા. પ્રોફેસરને લાગ્યું કે પોતાનું જીવન સાર્થક બની ગયું.!
જે ક્રિયાયોગ પર, નહી – નહી તો ડઝનએક પુસ્તકો એમણે અંગ્રેજીમાં વાંચેલા; પણ Experience એ અલગ વસ્તુ છે. વાંચન, ચિંતન surface પરની વાત છે, સપાટી પરની વાત છે; Experience-અનુભૂતિ એ જ ઊંડાણની ઘટના છે.
મારે આ જ કામ કરવું છે… કહો કે અમારા બંને એ… તમને પ્રભુની સાધનાની અનુભૂતિ કરાવવી છે. ક્યારે પણ કોઈ સદ્ગુરુ એકલપેટા હોઈ શકે.? અમને મળી ગયું.! અમે મજામાં આવી ગયા.! એટલે કામ પૂરું થયું એમ નહિ.! પ્રભુની આજ્ઞા એ વખતે અમારી પાસે આવે છે; પ્રભુ કહે છે, તને સિદ્ધિ મેં આપી છે, તારે વિનિયોગ કરવાનો છે. હવે હું તમને માત્ર શબ્દો આપવા ઈચ્છતો નથી; મારી અનુભૂતિને શબ્દોમાં pack કરીને આપવી છે. આમ તો છે ને, શબ્દ કરતાં અનુભૂતિને આપવા માટે અશબ્દ વધુ સારો પડે; પણ અત્યારે હું તમને કહી દઉં, કે ૭ થી ૮, સવા સાત થી આઠ હું મૌનમાં બેઠો રહીશ, તમે આવજો, તમે એકેય નહિ આવો.! હજુ તમે શબ્દોની દુનિયામાં છો. તો પ્રભુની આજ્ઞા છે કે ભલે તું અનુભૂતિના શિખર ઉપર પહોંચ્યો; આ લોકો માટે તારે શબ્દોની તળેટીએ આવવાનું છે. તો તમને લેવા માટે શબ્દોની તળેટી ઉપર અમે આવી ગયા.! પણ અમારે આપવી છે, અનુભૂતિ! There should be the Experience!
સાધનાની અનુભૂતિ ન થાય તો કેમ ચાલે.?! અહીંથી જશો, ચા ને ખાલી જોઈ લેશો કપમાં, એટલે ચાલી જશે? કે ચા પીવી પડશે? ચા ને સાંભળવાથી કામ ન થાય..! ચા ને જોવાથી કામ ન થાય.! ચા નો અનુભવ જોઈએ..! અત્યાર સુધી માત્ર સાધનાની વાતો સાંભળી છે. પછી શું થયું? જે પ્રવચનકાર મહાત્મા સરસ રીતે બોલતાં હોય, ત્યાં પહોંચી જઈએ.
અમદાવાદમાં પાલડી વિસ્તારમાં પાંચ-પાંચ મિનિટના walking distance પર ઉપાશ્રય. મોટા મોટા સંઘો. અને દરેક સંઘમાં પ્રતિષ્ઠિત મહાત્માઓ પધારેલા હોય. એક ભાઈ મને મળેલા. પાલડી વિસ્તારમાં રહેતા હતા. મને કહે મ.સા. – ચાતુર્માસ પ્રવેશ થઇ જાય, અને પ્રવચનો શરૂ થઇ જાય એટલે હું રોજ બે પ્રવચનનો taste કરું, શરૂઆતમાં. એક પ્રવચનમાં નવ થી સાડા નવ બેસી જાઉં. બીજામાં સાડા નવથી દસ. એક દિવસમાં બે પ્રવચનનો taste કરી લઉં. પછી જ્યાં એકદમ સરસ લાગે, ત્યાં પૂરું ચોમાસું વિતાવી દઉં. એ વખતે મેં એને પૂછેલું; કે તારી સારા પ્રવચનની વ્યાખ્યા શું? તમારી વ્યાખ્યા કઈ? મેં હમણાં એક પ્રતિષ્ઠિત સંઘના અગ્રણીઓને કહેલું કે crowd puller orators જે છે- સમુહને ખેંચનારા વક્તાઓ, એને નવા સંઘો માટે ફાજેદ રાખો; તમારા જેવા પ્રતિષ્ઠિત સંઘોમાં કોઈ પણ મહાત્મા ચાલશે. કારણ, શ્રોતાવૃંદ એટલો બધો અહોભાવમાં ઝુમનારો છે, કોઈ પણ મહાત્મા કહેશે, મારા પ્રભુએ આમ કહ્યું છે, એટલે તમે બધા સમવસરણમાં પહોંચી જાવ.! તમારે માત્ર પ્રભુના શબ્દોની જરૂર કે sophisticated શબ્દની જરૂર? બોલો…
જો તમારે કાનને જ ખુશ કરવા હશે, તો sophisticated words જોઇશે. મનને ખુશ કરવું હશે, તો નવા પદાર્થો જે મહાત્મા આપતાં હશે, ત્યાં તમે પહોંચી જશો. પણ, મારી ઈચ્છા એવી છે કે તમે બધા હવે અનુભૂતિના ઈચ્છુક હોવ. Personally પણ મને મળી શકો.! અને તમારી આંખમાં આંસુ હોય; ગુરુદેવ! શ્રવણ બહુ કર્યું, અનુભૂતિ મારી પાસે નથી.! અનુભૂતિ મને કરાવો.! અમે તૈયાર છીએ… તમને માત્ર ચા દેખાડીને લલચાવનારા અમે નથી.! અમારે તમને ચા પીવડાવવી છે.! તમારે પીવી છે?
એ પ્રોફેસરને લાગ્યું; કે મારું જીવન સાર્થક બની ગયું. અત્યાર સુધી ક્રિયાયોગ પર મેં વાંચ્યું, પણ, અનુભવની સામે એ વાંચનનો કોઈ અર્થ નહતો. શ્રીપાળરાસમાં છેલ્લે મહોપાધ્યાયજીએ કહ્યું; “સંશય નવિ ભાંજે શ્રુતજ્ઞાનથી” શ્રુતજ્ઞાનથી વાંચવાથી કે સાંભળવાથી ભીતરી સંદેહો તૂટતા નથી. સુરત કોઈ ન આવેલો હોય; એ વિડિયો પર સુરતને જોઈ લે, પણ, એથી કંઈ બરોબર ખ્યાલ આવતો નથી. એ સુરતમાં આવે, અઠવાડિયું ફરે, દરેક પ્રદેશોથી માહિતગાર થાય; ત્યારે એને ખ્યાલ આવે કે ખરેખર સુરત શું છે. તો તમારે બધાએ હવે અનુભૂતિમાં જવું છે.
પ્રભુએ એવી તો અનુભૂતિ અમને આપી છે કે પરભાવ અમારે છોડવો નથી પડ્યો, છૂટી ગયો છે.! એટલો આનંદ પ્રભુએ આપ્યો કે હવે રોજ પ્રભુની પાસે thanks કહેવા માટે જાઉં છું, કે પ્રભુ! આટલો બધો આનંદ.! કે જેની કોઈ કલ્પના ન હોય, એવો આનંદ તે મને આપી દીધો.! એક-એક ક્ષણ આનંદથી સભર હોય… પ્રભુ કહે છે, કે તને તો મેં આપી આનંદની ક્ષણો, મારે બધાને આપવી છે.. એટલે અત્યારે હું કામ પ્રભુ વતી કરી રહ્યો છું. પ્રભુની ઈચ્છા છે કે તમે બધા જ આનંદની ક્ષણોમાં જીવનારા બની જાવ.!
એક મહિનો પૂરો થયો. હવે પ્રોફેસરને ઢાકા એરપોર્ટ અને અમેરિકા જવું છે. હવે કોઈ ચિંતા નહતી. ગુરુ જ સોફર હતા. એ ગુરુને ખ્યાલ કઈ રીતે આવ્યો, કે આજે ઢાકા એરપોર્ટ પર એક સાધક આવવાનો છે. આ આપણી ટેલીપથી હતી. તમારી પાસે ટેલિફોન છે. અમારી પાસે ટેલીપથી છે. એક શિષ્ય ગુરુથી દૂર ગયેલો હોય; પણ ગુરુના સંદેશને ૨૦૦ કીલોમીટર દૂર રહેલો શિષ્ય ઝીલી શકે છે.
By the way એક વાત કરું; કે જેમ-જેમ સાધનો વધ્યા, તેમ આપણી કુદરતી શક્તિઓ ઘટી. હમણાં એક વિદ્વાન આદિવાસી સંસ્કૃતિઓનું અધ્યયન કરવા માટે આદિવાસી પ્રદેશમાં ગયેલ. ત્યાં રહ્યા એક મહિનો. એ લોકોની સંસ્કૃતિને એકદમ નજીકથી જોવા માટે અને એના ઉપર પુસ્તક લખવાનું હતું. એક વખત એવું બન્યું. એક આદિવાસીના ઝોપડામાં આગ લાગી. ઘણી જગ્યાએ આદિવાસીઓના ગામ નથી હોતાં. એક ઝુપડું અહીં, બીજું ઝુંપડું 50 મીટર દૂર, ત્રીજું વળી 70 મીટર દૂર, એ લોકો જોડે રહે તો ઝઘડી પડે. થોડે થોડે દૂર રહે. એ પ્રોફેસરે જોયું; એક ઝોપડામાં આગ લાગી. 500 માણસ પાણીની બાલટી સાથે હાજર થયું, પાંચ જ મિનિટમાં..! પ્રોફેસર વિચારમાં પડી ગયા.. અહીંયા ટેલિફોન નથી. સંદેશ પ્રસારણની કોઈ વ્યવસ્થા અહીંયા નથી. તો આ 500 લોકોને ખ્યાલ ક્યાંથી આવ્યો કે આ ઝોપડામાં આગ લાગી છે. બધા પાણી લઈને આવી ગયા.. આગ બુઝાવી નાંખી.. પછી ખબર પડી કે જેના ઝોપડામાં આગ લાગેલી, એને સંદેશો મોકલ્યો અને આજુબાજુના એક કિલોમીટરમાં રહેનારા દરેકે એ મનના સંદેશને સાંભળ્યો; અને એ લોકો પાણી લઈને હાજર થઇ ગયા. વિચાર સંપૃષ્ણની આ કળા હતી. આવી ઘણી બધી શક્તિઓ હતી.
એકવાર હું સૌરાષ્ટ્રમાં ગયેલો. એક વૈદ્ય બહુ સારા હતા. મને એ વખતે શરદીની તકલીફ ઘણી હતી. તો વૈદ્યને બતાવવાનો વિચાર કર્યો. સામાન્યતયા આપણને ખ્યાલ હોય કે વૈદ્ય પાસે ખાધા-પીધા વગર જવું જોઈએ. હું એ રીતે નવકારશી પાર્યા વિના નવ એક વાગે એમનો સમય હતો ત્યારે પહોંચ્યો. વૈદ્ય બેઠેલા ખુરશીમાં. બાજુમાં એક ખુરશી હતી. હું ત્યાં બેસવા જતો હતો. મને કહે; નહિ મ.સા. તમારે આ ખુરશી ઉપર બેસવાનું નથી, સામી ભીંત પાસે ખુરશી છે ત્યાં તમે બેસો. એ કહે; હું નાડી વૈદ્ય નથી, હું મુખ વૈદ્ય છું. માત્ર મારે તમારો ચહેરો જોવાનો છે અને તમારા દર્દોનું ડાયગ્નોસીસ મારે કરવાનું છે. ૩૦ વર્ષની એ વખતે મારી ઉંમર. હું ખુરશી ઉપર એમનાથી 10 ફૂટ દૂર બેઠો. એમણે મારા ચહેરાને જોયો. અને ચહેરાને જોઇને કહ્યું; કે સાત વર્ષની ઉંમરે તમને ટાઈફોઇડ થયેલો. એ ટાઈફોઈડમાં તમને ગરમ દવાઓ બહુ આપેલી. એ ગરમીની આડ અસર શરદી રૂપે તમે અનુભવો છો. ૨૩ વર્ષ પહેલાં મને ટાઈફોઈડ થયેલો, એ એણે ચહેરો જોઇને મને કહી દીધું.! અને પછી કહ્યું, કોઈ દવા તમારા માટે આપતો નથી. ઠંડું પાણી લોટાની ધારે નાંખીએ, એ રીતે, માથા ઉપર સવાર-સાંજ નાંખજો. એ ઠંડક દ્વારા તમારી શરદી મટી જશે. કારણ કે ગરમી દ્વારા ઉભી થયેલી શરદી છે. નાડી પણ એને જોવાની નહતી. ખાલી ચેહરો જોયો અને પડ ઉખાડતો ગયો, ઉખાડતો ગયો, ઉખાડતો ગયો, અને ઠેઠ સાત વર્ષની ઉંમર સુધી પહોંચી ગયો.
ઘણી બધી શક્તિઓ તમારી પાસે હતી. એક બાયોલોજીકલ વોચ આપણી પાસે હતી. જૈવિક ઘડિયાળ બહારની ઘડિયાળની કોઈ જરૂરિયાત નહતી. સીરોઈના એક પ્રોફેસરે હમણાં એક પ્રયોગ કર્યો. પ્રયોગ એ કર્યો કે પંખીઓને સૂર્યોદય અને સુર્યાસ્તનો ખ્યાલ આવી જાય છે. ગમે એટલો વાદળાંથી ઢંકાયેલો દિવસ હોય, સૂર્યોદય થાય પંખીઓને ખબર પડી જાય એ ફરવા માટે નીકળી પડે. સુર્યાસ્ત વખતે માળામાં આવી જાય. એને એ જોવું હતું; કે જ્યાં મહિનો-બે મહિના પ્રકાશ ચાલુ રહે છે સૂર્યનો, એવા દેશોમાં આ પંખીઓની જૈવિક ઘડિયાળ કેવું કામ કરે છે. પાંજરામાં પંખીઓ લઇ એ એવા દેશોમાં ગયો; જ્યાં મહિના મહિના સુધી સૂર્યનો પ્રકાશ સતત ચાલ્યા કરે છે. ત્યાં એમણે note કર્યો. ભારતીય સમય પ્રમાણે જ્યાં સૂર્યોદયનો સમય થયો, પંખીઓ પાંજરામાં ઉઠી ગયા. અને ભારતીય સમય પ્રમાણે સુર્યાસ્ત થયો એ વખતે બધા પંખીઓ સૂઈ ગયા. આજે પણ તમે રાત્રે ઉઠો, ઘડિયાળ પહેલા ન જુઓ. બાથરૂમ જવા માટે તમે ઉઠ્યા. ઘડિયાળ જોવી નથી. અનુમાન કરો કેટલા વાગ્યા હશે? જે અનુમાન કરો ને, એની બહુ જ નજીકનો સમય હશે, એ પણ અત્યારે; તમે habituated થઇ જાવ, પછી તમે જે સમય વિચારો, એ જ સમય હોય. એનું કારણ એ છે, તમે નવ વાગે, દસ વાગે સુતેલા છો, એક વાગે જાગેલા છો તો freshness કેટલી હોય એ તમને ખ્યાલ આવી જશે કે ત્રણ કલાકની ઊંઘ થઇ, તો freshness કેવી હોય, છ કલાકની ઊંઘ થઇ તો freshness કેવી હોય; એ freshness ના આધારે તમે નક્કી કરી શકો કે આટલા જ વાગ્યા હશે. આવી ઘણી શક્તિઓ આપણી પાસે હતી. એ પરંપરાઓ લુપ્ત થઇ રહી છે.
ગઈ કાલે મેં ધ્વનીની વાત કરેલી. સુત્રો બે પ્રતિક્રમણના, પાંચ પ્રતિક્રમણના ગણધર ભગવંતોએ આપેલા, પૂર્વાચાર્યોએ આપેલા, મંત્ર સ્વરૂપ છે. પણ, એ મંત્રને તમે કેવી રીતે ઉચ્ચારશો? એનું result તમને કેવી રીતે મળે? હમણાંનો એક પ્રયોગ છે- કે મંત્રોનું ચેન્ટિંગ-ઉચ્ચારણ ક્યાં કરવું? તો છેલ્લી શોધ એવી છે, કે ૪*૪ ની એક નાનકડી રૂમ જોઈએ. ૪*૪ ની જ. તમે આરામથી બેસી શકો એટલી જ. એના ઉપર પીરામીડ ટાઈપનું છાપરું જોઈએ. હવે તમે મંત્રોનું ઘોષ કરો છો. ભાષ્યજાપ. તો એ વખતે શું થાય… કે તમે ઉચ્ચારેલા મંત્રો છાપરે અડે, ભીંતે અડે, Touch થઈને તમને પાછા મળે; એટલે ધ્વનીનું એક વર્તુળ પેદા થાય, અને એ ધ્વનીનું વર્તુળ electricity ઉત્પન્ન કરે ભીતર. પછી તમારે માનસ જાપ કરવો છે. તો હવે તમે ગમે ત્યાં બેસો.. આ જ છત બની જશે – ખોપરી; આ ભીંતો બની જશે; માનસ જાપ કરો, એ શબ્દો અહીંયા અથડાઈ ફરી તમને મળશે અને એક વર્તુળ ફરી પાછું ચાલુ થશે.
ધ્વની બે કામ કરે છે – તમને નિર્વિકલ્પ બનાવે, નિર્વિચાર બનાવે; અને તમારી સાધનાને base આપે. નિર્વિકલ્પ દશા કોઈ પણ સાધનાના ઊંડાણમાં જવા માટે જરૂરી છે. ધ્યાન માટે તો બિલકુલ જરૂરી છે. પણ, કોઈ પણ ક્રિયા સમ્યક્ રીતે કરવી હોય તો નિર્વિકલ્પદશાનો અભ્યાસ જરૂરી છે. પ્રતિક્રમણ કરો છો, મન ક્યાં હોય છે? મન ક્યાં હોય છે? બે લોગસ્સનો કાઉસ્સગ આવ્યો કે એક લોગસ્સનો, બાજુવાળાને પૂછવું પડે છે. કેમ? તમે એ ક્રિયામાં તમારા મનને પૂરેપૂરું મૂકી શકતાં નથી. બિલકુલ ફાલતું વિચારો, એ, એ વખતે તમારા મનનો કબજો લઇ લે છે. તો નિર્વિકલ્પદશાનો અભ્યાસ જોઈએ.
હું ઘણીવાર કહું; કે વિચારો ક્યાં છે? વિચારો ક્યાં છે? ચિત્તાકાશમાં. તમે ક્યાં છો? ચિદાકાશમાં. તમે ક્યાં છો? ચિદાકાશમાં છો. “સચ્ચિદાનંદ પૂર્ણેન” તમે ચિત્તાકાશમાં નથી. તમે ચિદાકાશમાં છો. માત્ર ધ્યાન અને આનંદથી તમે ભરપુર છો. તો તમે ચિદાકાશમાં છો; વિચારો ચિત્તાકાશમાં છે, એ વિચારો તમને disturb કઈ રીતે કરી શકે?! વાદળાં આકાશમાં છે, પાણી ભરેલા પણ હોય, વરસે પણ ખરા. પણ, હું છત્રી નીચે બેઠેલો છું, તો મને શું ફરક પડે? તમે ચિત્તાકાશમાં નથી, ચિદાકાશમાં છો; અને એકવાર ચિત્તાકાશમાંથી ચિદાકાશમાં તમે જઈ શકો તો ભરપુર આનંદનો અનુભવ તમે કરી શકો.
એક સવાલ તમને પૂછું; વિચારો તમને શું આપી શકે? વિચારો યા તો તમને રતિભાવમાં લઇ જાય, યા તો અરતિભાવમાં લઇ જાય. સારી ઘટના ઘટી રતિભાવના આંદોલનો પેદા થાય, પ્રતિકુળ ઘટના ઘટી તો અરતિભાવના આંદોલનો પેદા થાય. રતિ અને અરતિ એ શું છે? દરિયામાં આવેલ ભરતી અને ઓટ છે. ચિદાકાશમાં તમે આવો ત્યારે નિશ્ચલ સમુદ્ર જેવી તમારા મનની સ્થિતિ થઇ જાય.
યોગી પુરુષો વિચારતાં જ નથી.. લોકો મને ઘણીવાર પૂછે કે તમે બેઠેલા હોય ત્યારે શું વિચારો? ત્યારે હું કહું, વિચારો ગયા.! જે ક્ષણે અનુભૂતિ ચાલુ થઇ, વિચારો ગયા.! શબ્દો પણ તમારા માટે વાપરું છું. એક વખતનો book worm હું, પુસ્તકીયો કીડો. એક વિહાર હોય, ૧૫-૨૦ દિવસનો, તો ૧૫-૨૦ પુસ્તકોની beg ભરાયેલી હોય, અને ૧૫ દિવસમાં ૧૫ પુસ્તકો વંચાઈ ગયેલા હોય. આજે હું એટલું વાંચી શકતો નથી. શબ્દો છૂટ્યા.,, વિચારો છૂટ્યા… માત્ર અનુભૂતિ આવી… એ અનુભૂતિ તમને આપવી છે. શબ્દો અને વિચારો શું છે? દરિયાના કાંઠે જઈને છબછબિયા મારવાની વાત છે. છબછબીયા બહુ માર્યા. ડૂબકી લગાવવી છે હવે? તો કોઈ વિચાર હોતો નથી. વિચાર શું કરે? યા તો તમને ભૂતકાળમાં લઇ જાય, યા તો ભવિષ્યકાળમાં જાય. જેની પાસે વર્તમાનયોગ હોય એની પાસે વિચારો કયા? અને વિચારો જ જાય તો કેવી મજા આવી જાય.! મેં પહેલાં પણ કહેલું; કોઈ ઘટના તમને ક્યારેય પણ પીડા ન આપી શકે.! એ ઘટનાના વિચારો તમને પીડા આપે છે. તો વિચારો જ જતા રહે, ઘટનાની અસર ન થાય; તમે કેટલા મજામાં હોવ.! એ મજા પ્રભુ તમને આપવા માંગે છે. જોઈએ છે? જોઈએ? પ્રભુ પાસે શું માંગો?
એક દેરાસરમાં હું ગયેલો. એક ભક્ત સ્તવન ગાય. ‘શિવગામી ભવથી ઉગારજો’ અને એ પંક્તિ એવી repeat કરી-કરીને ગાય, મારું તો માયનો હલી ગયો. મેં કીધું મારા કરતાં મોક્ષે વહેલો હાલ્યો આ તો કીધું. મેં એને રજોહરણ દેખાડ્યું; કે ભઈલા મોક્ષે જવું છે તો આના વગર નહિ જવાય. ઉપાશ્રયમાં આવી જા, ફટાફટ આપણે કામ કરી લઈએ. પછી તો એણે ફટાફટ સ્તવન પૂરું કર્યું.! જય વીયરાય અડધું-પડધું બોલ્યો, ન બોલ્યો અને ભાગ્યો.! હું બહાર નીકળ્યો. મેં કીધું કેમ; તું પ્રભુને કહેતો હતો; ‘શિવગામી ભવથી ઉગારજો’ મેં રજોહરણ બતાવ્યું; તું ભાગ્યો કેમ? મને કહે, હું હોલસેલનો વેપારી છું. મારે તો એવું છે, કે આવતાં જન્મમાં મહાવિદેહમાં આવતાં નાની વયમાં દીક્ષા, કેવલજ્ઞાન ને મોક્ષ. મને કહે; તમે દીક્ષા આપો, અત્યારે મોક્ષની ખાતરી આપો છો તમે? મેં કહ્યું; મારો આ ગુરુ મળ્યો આ.! તમારે શું જોઈએ, પ્રભુ પાસેથી.?
બોલો મોક્ષ એટલે શું? મોક્ષના બે અર્થ થાય. વિધેયાત્મક રૂપે અને નિષેધાત્મક રૂપે. નિષેધાત્મક રૂપે જોઈએ તો રાગ, દ્વેષ, અહંકાર આદિ ક્લેશોનું સંપૂર્ણ ક્ષય એનું નામ મોક્ષ. મહોપાધ્યાય યશોવિજય મહારાજે આ જ વ્યાખ્યા પરમતારક વાસુપૂજ્ય ભગવાનના સ્તવનમાં આપી; “ક્લેશે વાસિત મન સંસાર, કલેશ રહિત મન તે ભવપાર” રાગ, દ્વેષ વિગેરે મનમાં હોય, એનું નામ સંસાર… આપણે ક્યાં છીએ? ક્લેશે વાસિત મન સંસાર. તમે ક્યાં છો? ક્યાં છો? કલેશ રહિત મન તે ભવપાર. એ રાગ, દ્વેષ, અહંકાર સંપૂર્ણતયા ગયા, એનું નામ મોક્ષ. આ નિષેધાત્મક અર્થ થયો મોક્ષનો. અને વિધેયાત્મક અર્થ શું છે? તમારું તમારા સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થવું એનું નામ મોક્ષ.
સિદ્ધશિલા ઉપર જવું એનું નામ મોક્ષ નહિ સમજતાં. સિદ્ધશિલા જે છે ને, એમાં પૃથ્વીકાયના જીવ રૂપે આપણે કેટલીવાર જઈ આવ્યા? મોક્ષ એટલે આ… અને એટલે જ જીવન મુક્તિ શબ્દ આવેલો કે શરીર ભલે હોય, તમે મુક્તિનો આંશિક અનુભવ કરી રહેલા હોય. જેમ-જેમ રાગ, દ્વેષ, અહંકાર શિથિલ બન્યા, અને સ્વની અનુભૂતિ આંશિક રૂપે જાગૃત થઇ, તેમ-તેમ જીવનમુક્તદશા તમને મળવા લાગી.
તો નિર્વિકલ્પદશાનો અભ્યાસ ધ્યાન માટે જરૂરી, કોઈ પણ સાધના માટે પણ જરૂરી. પ્રભુની પૂજા કરવા ગયા, ગભારામાં ગયા, પૂજા કોણ કરે? પ્રભુની પૂજા કોણ કરે? તમારી આંગળી.! કોણ કરે? તમે નહિ. બરોબર ને? કોણ પૂજા કરે? તમારી આંગળી કે તમે પોતે? તમે પોતે પ્રભુના અંગોનો સ્પર્શ કરો, અને રણઝણાટી-ખલબલાટી ન મચે, એવું બની શકે ખરું? મન ક્યાંય હોય છે. આંગળી પ્રભુનો સ્પર્શ કરે છે. આંગળીને ક્યાંથી અનુભવ થાય, અનુભવ તો તમને થાય ને? તમે તો ગેરહાજર છો. અનુભવ કોણ કરે? પ્રભુનો સ્પર્શ એટલે કેટલી મોટી ઘટના.! એ ઘટના આપણી ભીતર એક ખલબલાટી મચાવી દે. એક ક્રાંતિ ઉત્પન્ન થઇ જાય. પણ કંઈ થતું નથી.! કારણ શું? મન એ વખતે બીજે હોય છે.
એક નાનકડો practically approach આપું- કે આ સંભવનાથ દાદા કે નેમિનાથ દાદા એ જયપુરથી આવેલા નથી. એમની પ્રાણ પ્રતિષ્ઠા થઇ, એટલે પ્રભુ સિદ્ધશિલા પરથી આવેલા છે. ઓહો! આ પ્રભુ સિદ્ધશિલા પરથી સાત રાજલોકનો વિહાર કરીને મારા માટે આવ્યા?! હવે કેટલો ભાવ આવે બોલો? ગભારા પાસે ઉભા હોય અને વિચાર કરો. Personally for me.! Personally for us.! આ પ્રભુ આવેલા છે.!
તમારા ગુરુદેવ છે. તમારે સુરતમાં ઓળી કરાવવાની છે. ગુરુદેવ ઉત્તર ગુજરાતમાં છે. તમે એમને વિનંતી કરી; કે સાહેબ મારી ચૈત્રી ઓળી નક્કી થઇ ગઈ છે. આપની નિશ્રામાં મારે કરાવવી છે. ગુરુદેવ કહે; ઉત્તર ગુજરાતમાં મારું આ ચોમાસું, આવતું ચોમાસું પણ આ બાજુ જ છે. તો ખાલી ચૈત્રી ઓળી માટે ૪૦૦ કિલોમીટર આવવું અને ૪૦૦ કિલોમીટર પાછા જવું ૭૦૦-૮૦૦ કિલોમીટરનો વિહાર, પણ તમારી બહુ જ ભાવના હોય, તો ગુરુદેવ આવે પણ ખરા.! પણ, એ વખતે તમને શું થાય? માત્ર મારા માટે, મારા ભાવોને સાચવવા માટે ગુરુદેવે ૭૦૦ કિલોમીટરનો વિહાર કર્યો.! પણ ગુરુદેવે તો ૭૦૦ કિલોમીટરનો કર્યો. પ્રભુએ સાત રાજલોકનો વિહાર કર્યો અને આપણા માટે અહીંયા આવ્યા.! એ પ્રભુનું દર્શન કરો, એ પ્રભુની પૂજા કરો તો શું થાય? એટલે નિસીહી જ્યારે કહો, ત્યારે બધા જ વિચારોને cut off કરી નાંખો અને માત્ર અને માત્ર તમારા ચિત્તને પ્રભુમય બનાવી નાંખો. તો ધ્વની શું કરે, બહુ મજાની વાતો છે, એ જ લયમાં મંત્રચૈતન્યની વાતો બહુ મજાની છે એ આપણે જોઈશું.
