વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : ઉપેક્ષા, તિતિક્ષા, પ્રેક્ષા
બહિર્ભાવની તમામ ઘટનાઓથી તમે અપ્રભાવિત હોવ, એ ઉપેક્ષા. પરિષહોને સહન કરવા (કે માણવા?!) એ તિતિક્ષા. જોનારને જોવો – એ પ્રેક્ષા.
જોનારને જોવો, જાણનારને જાણવો એ જ મોટામાં મોટી સાધના. તમારે જોનારને જોવો છે; એની અનુભૂતિ કરવી છે. એ અનુભૂતિ કરતા તમને રોકે છે કોણ? તમારા વિચારો.
જે ક્ષણે વિચાર દ્રશ્ય બને, તે ક્ષણે તમે એનાથી અલગ થઇ ગયા. કોઈ પણ વિચાર આવે, એને જોઈ લો; એમાં ભળો નહિ. વિચાર દ્રશ્ય. તમે દ્રષ્ટા.
પરમ સ્પર્શની યાત્રા – વેસુ ચાતુર્માસ વાચના – ૩૫
ક્યારેક સદ્ગુરુ એક શબ્દ આપણને આપી દે; પરમાત્માની ધારા સાથે, પરમાત્માની પ્રીતિની ધારા સાથે આપણને જોડી આપે છે.
પૂજ્યપાદ દેવચંદ્રજી મ.સા.નું પરમતારક પ્રભુ મહાવીરદેવના ચરણોમાં સમર્પિત થયેલું સ્તવન. પહેલી કડી; “તાર હો તાર પ્રભુ, મુજ સેવક ભણી, જગતમાં એટલું સુજશ લીજે” પહેલી કડીનો પહેલો શબ્દ ‘તાર…’. એક જ તાર શબ્દ દ્વારા પૂજ્યપાદ શ્રી આપણને પરમાત્માની પ્રીતિની ધારા સાથે જોડી રહ્યા છે. તાર…. પ્રભુ તું મને તારી દે! હું મારા બળ ઉપર તરી શકું એમ નથી. એક ઇંચ, એક સેન્ટીમીટર સાધનામાર્ગે મારી શક્તિથી હું જઈ શકું એમ નથી. તું મને તારી દે, પ્રભુ.! એક તાર શબ્દ દ્વારા અસહાયતાની દીક્ષા. એ અસહાય દશા તમારી પાસે આવી ગઈ; પરમાત્માના પરમપ્રેમને તમે ઝીલવા લાગ્યા, અને એ જ પરમપ્રેમથી તમારું હૃદય છલોછલ છલકાઈ જાય. એક શબ્દ અને પરમાત્માની પ્રીતિની ધારામાં આપણે જોડાઈ જઈએ.
હૃદયપ્રદીપ ષડત્રિંશિકાકારે અનુભૂતિ ની વ્યાખ્યા આપી,એટલા માટે કે તમે સાધનામાર્ગે જશો તો તમને શું મળશે. આપણી સાધના લક્ષ્યાનુસંધાન સાથેની હોવી જોઈએ. કોઈ પણ સાધના આપણે કરીએ, એ સાધનાનું ધ્યેય શું? લક્ષ્ય શું? અનુભૂતિ. આત્માનુભૂતિ. પ્રભુએ આપેલી એક પણ વ્યવહાર સાધના એવી નથી જે તમને આત્માનુભૂતિ સાથે ન જોડી શકે. નાનામાં નાની ક્રિયા લો. એક ઈરિયાવહિયં પડિક્કમવાની. એ ઈરિયાવહિયા સૂત્ર તમે પડિક્કમતા હોવ, અહોભાવની ધારાથી યાત્રા તમારી શરૂ થાય, અને શુદ્ધની અંદર એ યાત્રા જઈને વિરામ પામે. પ્રભુનું દર્શન કર્યું, પ્રભુનો અનુભવ થવો જ જોઈએ. પ્રભુનું દર્શન કર્યું, પ્રભુની વિતરાગદશાનું દર્શન કર્યું, એ વિતરાગદશાની આંશિક અનુભૂતિ તમને થાય જ; જો દર્શન આપણે properly અને perfectly કરીએ તો.
દેવચંદ્રજી ભગવંતે પ્રભુનું દર્શન કેવી રીતે કર્યું? “દીઠો સુવિધિ જીણંદ સમાધિ રસે ભર્યો હો લાલ” આપણે પ્રભુનું દર્શન કરીએ અને દેવચંદ્રજી ભગવંત કરે, ઘણો બધો ફરક. પણ એ સદ્ગુરુની આંગળી પકડીને આપણે દર્શન કરીએ તો? તો આપણને પણ પ્રભુના મુખ પર રહેલ સમાધિરસનું દર્શન થઇ જાય. તો પ્રભુની અનુભૂતિ કહો, પ્રભુના ગુણોની અનુભુતિ કહો કે તમારા ગુણોની અનુભૂતિ કહો, વાત એકની એક જ છે. આપણે ત્યાં ક્રમ એવો છે- જિનગુણદર્શનથી નિજગુણદર્શન, જિનગુણસ્પર્શનથી નિજગુણસ્પર્શન, અને જિનગુણ અનુભૂતિથી નિજગુણ અનુભૂતિ.
તો એ અનુભૂતિ છે શું? બહુ મજાની વ્યાખ્યા આપી; शब्दादिपञ्चविषयेषु विचेतनेषु, योऽन्तर्गतो हृदि विवेककलां व्यनक्ति” બીજું કાંઈ જ કરવાનું નથી. નાસ્તો ચાલી રહ્યો છે. ચા પીવાઈ રહી છે. ચા પીનાર જુદો; એને જોનાર જુદો. નાસ્તો કરનાર જુદો; એને જોનાર જુદો આ જે જોવાની પ્રક્રિયા છે, પ્રેક્ષા.
એ પ્રેક્ષા સુધી પહોંચવા માટે પરમપાવન ઉત્તરાધ્યયન સુત્રે આગળના બે ચરણો આપ્યા. ઉપેક્ષા, તિતિક્ષા અને પછી પ્રેક્ષા. પહેલા ઉપેક્ષા આવે, પછી તિતિક્ષા આવે, એ પછી પ્રેક્ષા આવશે. ઉપેક્ષા – ઘટના અપ્રભાવિતતા કોઈએ ગાળો આપી, કોઈએ તમારી નિંદા કર, એ ઘટનાથી તમે અપ્રભાવિત હોવ, તો ઉપેક્ષાનું ચરણ તમને મળેલું કહેવાય.
મીરાંએ કહેલું; “કોઈ નિંદે, કોઈ બંદે, મેં અપની ચાલ ચલુંગી” કોઈ નિંદા કરે, કોઈ વંદન કરે, શું ફરક પડે? એક સાધક માટે નિંદાના શબ્દો એ પૌદ્ગલિક ઘટના છે, અને કોઈ પણ સાધકે પૌદ્ગલિક ઘટનાઓથી અપ્રભાવિત હોવું જ જોઈએ. “કોઈ નિંદે, કોઈ બંદે, મેં અપની ચાલ ચલુંગી” મીરાંની ચાલ કઈ હતી? પ્રભુની તરફ જવાની. “પગ બાંધ ઘૂંઘરું મીરાં નાચી” તમારી ચાલ કેવી હોય?
પરમપાવન ઉત્તરાધ્યયન સૂત્રમાં એક મુનિની, એક સાધકની ચાલ કેવી હોય? ગતિ કેવી હોય એની વાત કરી. બહુ પ્યારા શબ્દો આવ્યા. “चरे पयाइं परिसंकमाणो, जंकिंचि पासं इह मन्नमाणो” કેવી રીતે તમે ચાલો? એક-એક ક્ષણ તમારી પાસે જાગૃતિ હોય. આ માત્ર બહારી ચાલની વાત નથી, ભીતરી ચાલની વાત છે. એક સાધક એક-એક ક્ષણે કેવી જાગૃતિ રાખે? “चरे पयाइं परिसंकमाणो, जंकिंचि पासं इह मन्नमाणो” એને લાગે કે હું આ રીતે કરીશ, મને રાગ તો સ્પર્શી નહિ જાય ને? હું આ રીતે કરીશ મને દ્વેષ તો સ્પર્શી નહિ જાય ને? એક-એક ક્ષણ એની પાસે જાગૃતિ છે. જેની પાસે ક્ષણ-ક્ષણનું પ્રભુનું સ્મરણ છે, એ ભક્ત છે; અને જેની પાસે ક્ષણ-ક્ષણની જાગૃતિ છે, એ સાધક છે.
ગુર્જિએફ હમણાંના યોગાચાર્ય થયાં. એકવાર એક શિષ્યે ગુર્જિએફને કહ્યું; મિસ્ટર એક્સ આપની બહુ નિંદા કરતાં હતાં. એવી રીતે ગાળો આપતાં હતાં આપને કે અમે તો એને સાંભળી ન શકીએ! ગુર્જિએફ એ સાંભળ્યા પછી હસે છે. એ કહે છે કે મિસ્ટર એક્સ કેવી રીતે મારી ટીકા કરે છે મને ખબર નથી; પણ મારી ટીકા, મારી નિંદા, લીજ્જતથી સાંભળવી હોય ને તો મિસ્ટર વાય પાસે જવાનું. શું છોલે છે મારી! પણ એટલી સરસ રીતે, એટલી નજાકતથી, મજા આવી જાય! ગુર્જિએફ કહે છે; એકવાર હું કોફી હાઉસમાં ગયેલો, અંધારામાં બેઠેલો, વિચાર કરતો; ત્યાં મિસ્ટર વાય આવ્યા, જોડે ૪-૫ એમના મિત્રો હતા, એ લોકો કોફી પીતા ગયા અને મારી છોલતાં ગયા. દોઢ કલાક સુધી મિસ્ટર વાય એ મારી નિંદા કરી; પણ, શું એની અભિવ્યક્તિ! શું એની presentation ની કળા! હું ખુશ થઇ ગયો! તમારા માટે આવું બને ક્યારેય? અને એ પછી ગુર્જિએફે કહ્યું; કે ક્યારેય પણ ઈચ્છા થાય ને તો મિસ્ટર વાય પાસે પહોંચી જજો. એટલી સરસ રીતે મારી નિંદા સાંભળવા મળશે કે તમે પણ ખુશ થઇ જશો. શબ્દો પૌદ્ગલિક ઘટના.
મુનિની આખી જ સાધના ચર્યાનું નિષ્કર્ષ જ્ઞાનસારે અડધા શ્લોકમાં આપી દીધુ,. “पुद्गलेष्व प्रवृत्तिस्तु, योगानां मौनमुत्तमम्“ “પુદ્ગલેષુ અપ્રવૃત્તિસ્તુ, યોગાનાં મૌનમુત્તમં” પ્રભુનો મુનિ કોણ? પ્રભુની સાધ્વી કોણ? જે બહિર્ભાવમાં ન જાય એ પ્રભુનો મુનિ. જે બહિર્ભાવમાં ન જાય એ પ્રભુની સાધ્વી.
પ્રભંજના રાજકુમારીની આપણે ત્યાં પરંપરામાં કથા આવે છે. રાજકુમારી છે. ૨૦ એક વર્ષની એની વય થઇ છે. એ અરસામાં સાધ્વીજી ભગવંતનું ચોમાસુ એ નગરમાં થાય છે. એકવાર પ્રભંજના સાધ્વીજી ભગવંત પાસે આવે છે. અભ્યાસ શરૂ કરે છે. એટલો બધો એને આનંદ આવી ગયો, કે રોજ સાધ્વીજી ભગવતી પાસે એ જવા લાગી. આસો મહિનો, કાર્તિક મહિનો લગભગ આવ્યો. રાજકુમારીનો પિતા, રાજા ચિંતામાં છે. રાજકુમારીને યોગ્ય મૂરતિયો મળતો નથી. તો રાજાએ નક્કી કર્યું; એ વખતની પરંપરા પ્રમાણે સ્વયંવર મહોત્સવ યોજવાનું. એ કાર્તિક મહિને સ્વયંવર યોજાવાનો છે. સેંકડો રાજાઓના રાજકુમારોના રથો ગામમાં ફરી રહ્યા છે. ગામની બહાર મોટા મોટા મંડપો તૈયાર થઇ રહ્યા છે. એક પણ સાધ્વીજીના મનમાં એ જાણવાની ઈચ્છા નથી થતી કે આ શું છે? બહારની દુનિયામાં જે પણ થતું હોય એ થયા કરે, એની જોડે અમારે કોઈ સંબંધ છે જ નહિ. સાધનાનો પુરેપુરો આનંદ તમારે માણવો હોય, તો બહિર્ભાવથી તમારે totally cut off થવું પડે. જે મજા માણી છે, જે આનંદ માણ્યો છે, એ જ તમને આપવો છે. એક-એક પ્રભુની આજ્ઞાનું પાલન થયું; અને જે આનંદ ઉભરાયો છે, એ કેફ આજ્ઞાપાલનનો… એક નાનકડી આજ્ઞાના પાલન પછી અડધો- અડધો કલાક સુધી આંખો ભીંજાયેલી રહે. મારા પ્રભુએ કેટલી સરસ આજ્ઞા આપી; અરે! આજ્ઞા આપી એમ નહિ! એ આજ્ઞાનું પાલન પણ એણે કરાવરાવ્યું!
હું ઘણીવાર કહું; તમે પૌષધમાં હોવ, બહાર તમે ગયા, ક્યાંક દર્શન માટે. ઈરિયાસમિતિનો ઉપયોગ નહતો, પણ અચાનક બગલમાં ચરવળો દબાયો ખ્યાલ આવ્યો હું પૌષધમાં છું. તરત જ નીચે તમે જોયું, તમને ખ્યાલ છે કે પૌષધમાં ચાલીએ ત્યારે ઈરિયાસમિતિ પૂર્વક નીચે જોતા જોતા ચાલવું જોઈએ. એ જ તમે નીચે જોયું, જ્યાં તમારો પગ મુકાવાનો હતો. ત્યાં જ એક કીડી હતી. તમે જોયું, પગને બીજી રીતે મુક્યો. કીડીની રક્ષા થઇ ગઈ. પણ એ વખતે મેં કીડીને બચાવી એ વિચાર તમને ન આવે. વિચાર એ આવે કે મારા પ્રભુએ મને બચાવી. એમ કોઈ પણ આજ્ઞાનું પાલન થાય, પ્રભુએ એ આજ્ઞાનું પાલન મારી પાસે કરાવરાવ્યું. તો એ જે કેફ મેં માણ્યો છે, એ જ તમને આપવો છે. શું પ્રભુએ કૃપા કરી. આઠ વર્ષની ઉંમરથી માત્ર વાંચવાનો શોક. અને એ સાહિત્યના રસે કોઈ પણ વ્યક્તિની કંપનીમાંથી મને બાકાત રાખ્યો. એક પણ મિત્ર મારી પાસે નહતો. એટલે માત્ર એકલા હોવાની યાત્રા આઠ વર્ષની ઉંમરે ચાલુ થઇ ગઈ. આજે તમારી વચ્ચે છું, છતાં મારું એકાંત અકબંધ છે.
એક પણ સાધ્વીજીને એ જાણવાની ઈચ્છા નથી થતી કે આ શું થઇ રહ્યું છે ! બહારની દુનિયામાં બધું થયા કરે. એક વાત તમને પૂછું; આહારક લબ્ધિવાળા મુનિ પ્રભુનું સમવસરણ જોવાની ઈચ્છા થાય. પ્રભુના અતિશયો જોવાની ઈચ્છા થાય, અને આહારક શરીર વિકુર્વે તો સાતમેથી છટ્ઠે એમને આવવું પડે. કઈ ઈચ્છા થઇ? એને પણ બહિર્ભાવની ઈચ્છા કહી. સમવસરણમાં હું અને તમે કેટલીવાર જઈને આવ્યાં, માત્ર ચામરોને વિંઝાતા જોયાં, માત્ર ઇન્દ્રોને ઝુકતા જોયા. પ્રભુના મુખ પર જે પરમ વિતરાગદશા હતી, એનું દર્શન થયું. એ પરમ ઉદાસીનદશા આપણને સ્પર્શી જાય, આનંદ જ આનંદ.
જે દિવસે સ્વયંવર મહોત્સવમાં જવાનું છે. એ દિવસે રાજકુમારી તૈયાર થઇ. પ્રભુના દેરાસરે ગઈ. દર્શન કર્યું. એ પછી સાધ્વીજી ભગવતી પાસે આવી. અને વંદન કર્યું. રાજકુમારીની બહેનપણીએ કહ્યું; કે આજે બહેન બા નો સ્વયંવર મહોત્સવ યોજાવાનો છે. અને એના માટે એ જઈ રહ્યા છે. મુખ્ય સાધ્વીજીએ ખાલી એટલું જ કહ્યું; કે સંસારમાં જવાનું, બહિર્ભાવમાં જવાનું, રાગની ધારામાં જવાનું, અને એનો આનંદ હોઈ શકે ખરો? શબ્દોમાં બળ ક્યારે પ્રગટે છે? તમારી પાસે અનુભૂતિ હોય છે ત્યારે.
યુવા પ્રવચનકાર મુનિઓ ઘણા મારી પાસે આવતાં હોય છે. હું એમને એક જ વાત કહું; કે તમારી પાસે અનુભૂતિ જોઈએ. એક અનુભૂતિ તમારી પાસે હશે, પછી તમારા શબ્દોમાં એક બળ પ્રગટશે. એ સાધ્વીજી ભગવતી પાસે અનુભૂતિ હતી. અને ખાલી ૨-૪ વાક્યો. રાગદશામાં જવાનું છે. બહિર્ભાવમાં જવાનું છે, એનો આનંદ હોઈ શકે ખરો? એ રાજકુમારી ત્યાં જ બેસી ગઈ. ઉદાસીનતાની ધારા એને સ્પર્શી ગઈ. છટ્ઠું ગુણઠાણું સ્પર્શ્યું. ઉદાસીનદશા ગહેરી બની. સાતમું ગુણઠાણું સ્પર્શ્યું. ક્ષપકશ્રેણી મંડાઈ. ત્યાં ને ત્યાં કેવલજ્ઞાન થઇ ગયું. એ સાધ્વીજી ભગવતીઓની ઈર્ષ્યા તમને આવે? કે કેવી એ સાધ્વીજી ભગવતીઓ. એક નાનકડા નગરમાં સેંકડો રથો ફરી રહ્યા છે. જાણવાની ઈચ્છા નથી કે શું થઇ રહ્યું છે. બહારની દુનિયામાં જે પણ થતું હોય એ થયા કરે. મારે એની જોડે કોઈ સંબંધ નથી. આ પહેલું ચરણ ઉપેક્ષા. તમામ ઘટનાઓથી બહિર્ભાવની ઘટનાઓથી તમે અપ્રભાવિત બન્યા.
એક સુફી સંત હતા. બિલકુલ અલગારી માણસ. એકવાર એ ચાલી રહ્યા છે. એ જ રસ્તામાં આગળ બે જણા ઉભેલા છે, બે જણાને ઝઘડો થયો છે. ઝઘડાનો ચેમ્પિયન હોય ને એને નિમિત્ત – મીમિત જોઈએ નહિ. નિમિત્ત તો તમારે જોઈએ ગુસ્સો કરવા માટે. જે ચેમ્પિયન હોય ને, એ તો વગર નિમિત્તે દોઢ કલાક સુધી ગુસ્સો કરી શકે. આ પ્યાલો આમથી આમ કેમ મુક્યો? એટલે આમાં દોઢ કલાક ભાગળ કરી શકે. તો બેઉ ઝઘડાના ચેમ્પિયન હતાં. વાતમાં કોઈ સાર નહતો. અને મારામારી સુધી પહોંચી ગયેલા. ત્યાં એમણે આ સંતને આવતાં જોયા. બંને એ વિચાર કર્યો કે ચાલો, આપણામાં ઓપીનીયન ડીફરન્સ છે. પણ આપણે એક વાતમાં નક્કી થઈએ, કે આ સંત જે ચુકાદો આપે, એને આપણે સ્વીકારી લેવાની. બેઉ તૈયાર થઇ ગયા. ત્યાં સંત આવ્યાં. એ લોકોએ કહ્યું; સાહેબ આ બાકડા ઉપર પાંચ મિનિટ બેસો. અમારી બંનેની વાત સાંભળો. અને પછી તમે જે ચુકાદો આપશો એને અમે સ્વીકારી લઈશું. સંત ઊંડે પહોંચેલા હતા. મર્મી સાધક હતાં. ચહેરા પરથી ખ્યાલ આવી ગયો કે માત્ર બહિર્ભાવની છીછરી વાતો એમની પાસે છે. અને એમાં હું શા માટે જાઉં. તો સંતે કહ્યું; કે તમારી વાત પછી સાંભળીશ, પહેલાં મારી વાત સાંભળો. અને મારા એક પ્રશ્નનો જવાબ આપો. બોલો સાહેબ. સંતે કહ્યું; એક કુતરું ક્યાંક જતું હોય છે. અને એમાં એને એક સુકું હાડકું દેખાણું. હાડકું દેખાણું એટલે એને મોઢામાં પકડ્યું. ત્યાં બીજું કુતરું આવ્યું. એણે પણ આના મોઢાની અંદર હાડકાના ટુકડાને જોયો. એને પણ ઈચ્છા થઇ ગઈ કે મારે આ જોઈએ. તો એ બીજા કુતરાએ પેલા કુતરાના મોઢામાંથી હાડકું છીનવવાની કોશિશ કરી. પણ પેલો પણ મચક આપે તેવો નહતો. એટલે બરોબર બધા ભરાવી રાખ્યાં કે હાડકું છુટું ન પડે. સંત કહે છે. કુતરા બે છે. કુતરા બે છે. હાડકાનો ટુકડો એક છે. બંને કુતરા ખેચમખેચ કરી રહ્યા છે. એ વખતે હાડકાની ભૂમિકા શું? તો પેલા બેઉએ કહ્યું; કે હાડકાની વળી શું ભૂમિકા હોય. હાડકું તો મરેલું છે. મૃત છે. ડેડ છે. એને વળી વિચાર કયો હોય? વિચાર ન હોય તો ભૂમિકા કઈ હોય? તો સંતે કહ્યું; એ હાડકું જેમ મરેલું છે એમ હું પણ સંસાર માટે મરેલો છું. માટે હું જાઉં છું.
પહેલી ઉપેક્ષા – કોઈ પણ ઘટનાથી તમે અપ્રભાવિત હોવ, જે ઘટના તમને તમારી ભીતર ડુબાડી શકે એમ હોય એ ઘટનાને સ્વીકારો. પણ જે ઘટના દ્વારા રાગ-દ્વેષ થાય છે. જે ઘટના દ્વરા માત્ર પીડા તમને થાય છે. એ ઘટનામાં તમારે ન જવું, આટલું નક્કી શકો એમ છો? મેં પહેલા પણ કહેલું; કે ઘટનાને કારણે પીડા થતી નથી. ઘટનાનો વિચાર આવે છે, એના કારણે પીડા થાય છે. તો તમે જે ક્ષણે ઘટનાથી અપ્રભાવિત બન્યા, એ ક્ષણે તમે આનંદની દુનિયામાં આવી ગયા. આનંદ ની દુનિયાનો વિઝા – પાસપોર્ટ માત્ર ઘટના અપ્રભાવિતતા છે. અમે લોકો એકદમ આનંદમાં કેમ? એકદમ મજામાં. કોઈ ઘટનાથી ક્યારે પણ પ્રભાવિત બનવાનું નહિ.
એક બૌદ્ધ ભિક્ષુ વહોરવા માટે ગયા. એક ઉપાસિકાના ત્યાં ગયા. એ ઉપાસિકાએ કહ્યું; આ ટાઈમે મારા ત્યાં આવવાનું નહિ. અમારા ત્યાં રસોઈ દોઢ-બે વાગે થાય છે. આ ટાઈમે આવવાનું નહિ. ના પાડી, પ્રેમથી પાછા ફર્યા. આચારાંગ સૂત્રમાં પ્રભુએ કહ્યું; ખોવં લદ્ધું ન કિંસઈ, પડી સેહિતો પરીણમ ઈચ્છા, એતં મૌણં સમણો વાસી જાસી તિબેમિ” થોડું મળ્યું તો પણ એટલી મજા. ન મળ્યું તો પણ એટલી મજા. મુનિના આનંદને કોઈ પણ ઘટના ક્યારે પણ છીનવી ન શકે. બહારની ઘટના ગમે તે હોય, એની જોડે પ્રભુના સાધકને કોઈ સંબંધ નથી. ઉપાસિકાએ ના પાડી. પ્રેમથી ભિક્ષુ પાછા ફરે છે. બીજા દિવસે ફરીથી આવ્યાં. પેલી બાઈ ગુસ્સે થઇ, પણ મેં તમને કાલે ના પાડેલી, કે આ ટાઈમે નહિ આવવાનું, કેમ આવ્યા? હસતાં ને હસતાં બૌદ્ધ ભિક્ષુ પાછા ગયા. ત્રીજે દિવસે ફરીને આવ્યાં. બેન એકદમ ગુસ્સે થઇ ગઈ. જો તમારે કંઈક જોઈએ છે ને, ઘર સાફ કરેલું, સુપડીમાં કચરો હતો બધો. લો, કચરો ભિક્ષુના પાત્રમાં નાંખ્યો. અને એ વખતે ભિક્ષુ કહે છે; thanks ધન્યવાદ. સહેજ પેલી બાઈને strike થઇ કે હું બોલી ત્યાં સુધી ઠીક હતું. આજે તો મેં કચરો નાંખ્યો એમના પાત્રમાં. કચરો નાંખ્યો અને એ ધન્યવાદ આપે છે. એને જાણવાની ઈચ્છા થઇ. એણે પૂછ્યું; કે મેં તમને કચરો આપ્યો, તમે ધન્યવાદ કેમ આપો? તો એ ભિક્ષુ કહે છે; કે તમે કંઈક તો આપ્યું ને, આજે કચરો આપ્યો. કાલે રોટલી આપશો? ઉપેક્ષા એટલે ઘટના અપ્રભાવિત.
ઉપેક્ષા પછીનું ચરણ છે તિતિક્ષા. કોઈએ પથ્થર માર્યો. કોઈએ લાકડી મારી. એને પણ પ્રભુનો મુનિ enjoy કરે છે. ૨૦૦૦ વર્ષ પહેલાનો સમય તમે કલ્પો. જ્યારે અપરિચિત પ્રદેશમાં મુનિવરો વિચરતાં હોય, અજ્ઞાની લોકો હોય, આ વળી કોણ આવ્યું? કોઈ બાવા આવ્યા લાગે છે. છોકરાને ઉપાડી જશે. મારો પથરા. ભગાડો. એ પથ્થર મારવાની ઘટનાને મુનિ enjoy કરી શકે છે. હું ઘણીવાર કહું છું કે પરિષહોને માત્ર સહન કરવાના નહિ. Enjoy કરવાના. માણવાના. એક સામાન્ય માણસને તાવ આવે તો શું કહે? મને તાવ આવ્યો, આમ થયું, તેમ થયું. મુનિને તાવ આવે તો શું કહે? હું તો મજામાં છું. તાવ આને આવ્યો છે. હું મજામાં છું. 4 ડીગ્રી તાવમાં શરીર સેકાતું હોય, મુનિરાજ ને પૂછો; સાહેબ શાતામાં? શું કહેશે? દેવ-ગુરુ પસાય. પ્રભુની કૃપા, સદ્ગુરુની કૃપા હું મજામાં જ છું. તો પથ્થર મારવાની ઘટનાને પણ enjoy કરી શકે. કોઈ લાકડી મારે તો એ ઘટનાને પણ enjoy કરી શકે. આ તિતિક્ષા.
અને એ તિતિક્ષા પછી પ્રેક્ષા. ઉત્તરાધ્યયન સૂત્રમાં તો પ્રેક્ષાનો અંતિમ સ્તર બતાવ્યો છે. ત્યાં એવી વાત લખી છે કે મુનિ સાધના કરી રહ્યા છે. કોઈ અજ્ઞાની માણસ આવ્યો. અને એણે કહ્યું; તમને ખતમ કરી નાંખીશ. એ પોતાની તલવારને મ્યાનમાંથી બહાર કાઢે. તલવારને મુનિના ગળા પાસે અડાડે. લાગે કે એક જ ઝાટકે ધડ અને માથું અલગ થઇ જશે. એ ઘટનાને પણ મુનિ જોવે છે.
ઉત્તરાધ્યયન સૂત્રમાં શબ્દો આવ્યા; ણત્થિ દેહસ્સણા સુત્તી એવં વિહિજ્જ સંજએ, આ પ્રેક્ષા. એ મુનિ એ વખતે વિચાર કરે છે કે શરીર તો નાશવંત છે. આજે નહિ તો કાલે નષ્ટ થવાનું છે. મારો આત્મા તો અજર અને અમર છે. नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः । તો તલવાર ગળાને અડેલી છે. એ ક્ષણે પણ એ માત્ર જોવે છે. એ ઘટનાની અસર એમના ઉપર થતી નથી. આપણે તો પ્રેક્ષાનું એકદમ ઉપરનું સ્તર જોવાનું છે. કોઈ મારવા આવે અને તમે કદાચ એ વખતે ઘટના પ્રભાવિત થઇ જાવ એ અલગ બાબત છે. પણ આપણે વાત તો શું છે; ખાવાની ક્રિયા ચાલે છે અને એ વખતે જોનાર હાજર છે. ખાનાર અલગ છે, જોનાર અલગ છે. શરીર ખાય છે. તમે એને જુઓ છો. તો આ જોનાર જે છે એ આત્મા છે. એ જોનારને જુઓ. એ જાણનાર ને જાણવો. એ જ મોટામાં મોટી સાધના.
ગુર્જિએફ પોતાની પાસે આવતાં સાધકોને સૌથી પહેલાં સેકંડ કાંટાવાળી એક ઘડિયાળ આપતાં. અને પહેલું લેશન આપતાં; કે પાંચ મિનિટ સુધી સેકંડ કાંટાનો, second to second પીછો કર. કરી શકાય. કાંટો એક-એક સેકંડે આમ વધતો જાય તમે એને બરોબર જોતા જાવ. બરોબર એનો પીછો પકડી શકો. પહેલા લેશનમાં દરેક student pass થઇ ગયા. પછી બીજું લેશન આપે. કે હવે સેકંડ કાંટાના જોનારને તું જો. અને લગભગ સાધકો કહેતાં કે જોનારને સતત જોઈ શકાતો નથી. એ વખતે ગુર્જિએફ કહેતાં આ કેટલી મોટી વિડંબના છે કે તમે તમને જોઈ શકતા નથી. હકીકતમાં સેકંડ કાંટાને જોનાર તમે છો. તમારે એ આત્માને જોવો છે. એટલે કે એ આત્માની અનુભૂતિ કરવી છે. તો એ આત્માનુભૂતિ કરતાં તમને રોકે છે કોણ? રોકનાર બીજું કોઈ જ નથી, તમારા વિચારો છે. એક ઘટના ઘટી, વિચારો ઘટના તરફ ગયા, તમે dealing થઇ ગયા. એક પણ તમારી આવશ્યક ક્રિયા એવી થાય કે જે અડધો કલાકની, પોણો કલાકની હોય એમાં એ ક્રિયા સિવાયનો કોઈ પણ વિચાર તમને ન આવેલો હોય. પ્રભુના દર્શન માટે ગયાં, સામે પરમાત્મા બિરાજમાન છે. અને મન ક્યાંય ભટકતું હોય, બની શકે. તો પ્રભુનું પણ દર્શન બરોબર નહિ થાય. કારણ મન હાજર નથી.
રત્નસુંદરસૂરિજી મુંબઈમાં હતાં. એક ભક્તે કહ્યું; પાલીતાણા જાઉં છું. કઈ કામકાજ હોય તો કહો. એમણે કહ્યું; કામ તો શું હોય? પ્રભુનું દર્શન કરે ત્યારે યાદ કરજે. બીજા દિવસે વ્યાખ્યાનમાં એ ભાઈ હાજર. વ્યાખ્યાન પછી પૂછ્યું; કેમ તમે પાલીતાણા જવાના હતા ને? તો કહે સાહેબ જઈને આવ્યો કહે છે. મારે ક્યાં વિહાર કરવાનો હતો. વ્યાખ્યાનમાંથી ગઈકાલે ઉઠ્યો, સીધી ટેક્ષી પકડી, અને એરપોર્ટ પર ગયો. સીધું જ ભાવનગર. ભાવનગરથી ટેક્ષી કરી પાલીતાણા. ૧૨ – ૧૨.30 એ પહોંચી ગયેલો. થોડુક જમ્યો ભોજનશાળામાં, અને સીધો જ તળેટીએ રિક્ષામાં. ડોળીમાં ઉપર. અને પ્રભુની પૂજા પણ થઇ ગઈ. મજાથી, સાંજે ઉતરી ગયો. રાત્રે પાછો ફ્લાઈટમાં મુંબઈ આવતો રહ્યો. એ વખતે રત્નસુંદરસૂરિજીએ પૂછ્યું; કે તમે જ્યારે પૂજા કરી; ત્યારે ભગવાનનો મુગટ કેવો હતો? એટલે એ કહે સાહેબ પ્રશ્ન એટલો અઘરો છે કે ફરી મારે પાલીતાણા જવું પડે.
પ્રભુદર્શન કે આત્મદર્શન. બંનેમાં અવરોધરૂપ તમારા વિચારો છે. એટલે જો આત્માનુભૂતિ એ આપણું લક્ષ્ય હોય, તો નિર્વિકલ્પદશાને તમારે સિદ્ધ કરવી જ જોઈએ. એના માટે એક practical approach આપું. દસ મિનિટ બેસો શાંત ચિત્તે. એક-બે મિનિટ જાપ કરી લો. પણ જાપ બહુ નાનકડો. અર્હં, અર્હં, અર્હં એ જાપમાં મનને સ્થિર કરો. પછી આઠ મિનિટ માત્ર બેસો. શાંત ચિત્તે. કોઈ પણ વિચાર આવી જાય તો વિચારને જોઈ લો. વિચાર,માં ભળો નહી. અહીંથી કેટલાય વાહન પસાર થાય, તમે એકેય વાહનમાં બેસવાના બોલો? એમ વિચારોની ટેક્ષીઓ દોડતી હોય તો દોડવા દો. તમે એમાં સવાર શા માટે થાવ છો? વિચારોને માત્ર જોવાના, ભળવાનું નહિ. ભળ્યા એટલે શું થયું? એની અસર રહી. રાગાત્મક વિચાર છે. પણ તમે એને જોયો તો શું થયું? વિચાર દ્રશ્ય છે. તમે દ્રષ્ટા છો. દ્રશ્ય અલગ છે ને દ્રષ્ટા અલગ છે. આ ટેબલ દ્રશ્ય છે. હું દ્રષ્ટા છું. તો ટેબલ અલગ છે. ને હું અલગ છું. એમ વિચાર જે ક્ષણે દ્રશ્ય બને, એ ક્ષણ તમારાથી અલગ છે. પણ, એ વિચારોની અસર થાય ત્યારે વિચાર અને તમે એક થઇ જાવ છો. એટલે દસ મિનિટની આ ખાલી practice. વિચારોને જોવાના એમાં ભળવાનું નહિ. આ દસ-દસ મિનિટ સાધના દિવસમાં ૩-૪ વાર કરો. પણ, માત્ર દસ મિનિટ, અગિયારમી મિનિટ નહિ. કેમ? તમારું મન wavering છે. અગિયારમી મિનિટે પાછું ભળી જ જવાનું છે. સેંકડો સાધકો ઉપર મેં આ પ્રયોગ કર્યો. પછી એ લોકોએ કહ્યું; કે સાહેબ! કોઈ પણ નિમિત્ત આવવાનું હોય, અમે માત્ર આમ આંખો બંધ કરીને બેસી જઈએ, એ નિમિત્તથી, એ ઘટનાથી અમે બિલકુલ અસ્પૃષ્ટ રહી શકીએ છીએ.
તો આત્મદર્શન કરવું છે. આત્માનુભૂતિ કરવી છે. તો એના માટે પહેલું step નિર્વિકલ્પદશાનો અભ્યાસ. એ નિર્વિકલ્પદશાનો અભ્યાસ હશે તો આપણી બધી ક્રિયાઓ પણ સમ્યક્ થશે. પ્રતિક્રમણ વખતે મન માત્ર એ ક્રિયામાં. દર્શન વખતે મન માત્ર એ ક્રિયામાં. તો હૃદયપ્રદીપ ષડત્રિંશિકાકારે અનુભૂતિની બે વ્યાખ્યા આપી; પહેલી વ્યાખ્યા આપણે જોઈ રહ્યા છીએ; કે જોનારને છૂટો પાડવો.
