Param Sparsh Ni Yatra – Vachana 42

23 Views
20 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : પ્રભુની સાધનાનું composition: સાક્ષીભાવ + સમર્પણ

સાક્ષીભાવ મળે એટલે તમે ભીતર ઊતરી જાઓ છો. પણ એ ભીતર ઊતરવાની સાથે તમારી અહોભાવની ધારા સતત ચાલુ રહેવી જોઈએ કે મારા પ્રભુએ મને આ આપ્યું; પ્રભુ ન હોત, તો હું ક્યાં હોત!

સમર્પણનો આ લય જો તમારી પાસે નથી; તમે ઝૂકી શક્યા નથી અને સીધા જ સાક્ષીભાવમાં તમે ગયા છો, તો એક શક્યતા રહે છે કે મને સાક્ષીભાવ મળ્યો છે; સાક્ષીભાવની ટોચ પર હું છું – એનો પણ અહંકાર આવી શકે છે. એકલો સાક્ષીભાવ કોરો પડી જાય છે.

તો સામી બાજુ એકલું સમર્પણ લચીલું બની જાય છે. તમારી અપેક્ષાની પૂર્તિ સદગુરુ દ્વારા થાય અને તમે માની લો કે મને સદગુરુ પ્રત્યે પૂર્ણ સમર્પણ છે. પણ, આ સદગુરુ પ્રત્યેનું સમર્પણ નથી; પોતાના હું પ્રત્યેનું સમર્પણ છે.

પરમ સ્પર્શની યાત્રા – વેસુ ચાતુર્માસ વાચના – ૪૨

પરમાત્માનો પરમપ્રેમ અગણિત સમયથી આપણા ઉપર વહેતો આવ્યો, વરસતો આવ્યો. કો’ક સોભાગી પળે એ પરમપ્રેમ ઝીલાઈ પણ ગયો. એ પરમપ્રેમથી જ્યારે અસ્તિત્વ પૂરું ભરાઈ જાય છે, ત્યારે હોય છે માત્ર આનંદ.. માત્ર આનંદ.. 

પરમપ્રેમનો અનુવાદ ભક્ત પરમ આનંદમાં કરે છે. અમારી પાસે જે આનંદ છે, એ આનંદ આવ્યો ક્યાંથી? પ્રભુએ જે પ્રેમ અમારા ઉપર વરસાવ્યો, એ પ્રેમ સીધો જ આનંદમાં convert થઇ ગયો. એ આનંદની ક્ષણોમાં માત્ર હોય છે કૃતજ્ઞતા. પ્રભુ તે મને કેટલું બધું આપ્યું! હું તારા ઋણમાંથી મુક્ત કઈ રીતે બની શકીશ? 

અને એ વખતે ભક્તના કંઠેથી પરાવાણી પ્રગટે છે.. ભક્ત બોલતો નથી! ભક્તનો આનંદ, પ્રભુનો પ્રેમ બોલે છે. શક્રસ્તવમાં એ જ પરમ આનંદની અભિવ્યક્તિ થઇ છે. “त्वं मे माता” પછી શું કહ્યું; ‘गुरु: पर:’ પ્રભુ તું શ્રેષ્ઠ ગુરુ છે! પ્રભુને સદ્ગુરુ રૂપે કલ્પવા એ એક બહુ મજાની વિભાવના છે. પ્રભુ, પ્રભુ તરીકે દૂર લાગે. સાત રાજલોક દૂર પણ લાગે, ગભારામાં બેઠેલા છે એટલે પણ દૂર લાગે. પણ સદ્ગુરુ બહુ જ નજીકની ઘટના. પાટ પર બેઠેલા છે, ખુરશી પર બેઠેલા છે, તમે એમના ચરણને પંપાળતા નજીક બેસી શકો છો. પ્રભુને પૂછીએ, પ્રભુ જવાબ પણ આપે; પણ એ જવાબ બધાને પલ્લે ન પડી શકે. સદ્ગુરુને તમે પૂછો; સદ્ગુરુ બહુ જ પ્યારથી તમને ઉત્તર આપશે. સદ્ગુરુની તમાચમાં પણ મીઠાશ હોય છે. 

સિદ્ધસેનદિવાકરસૂરીજી રાજાની સભામાં રોજ જાય. રાજાએ કહ્યું, તમે મારા સદ્ગુરુ, તમે હાથીના હોદ્દે ન આવો, તમારી એક મર્યાદા છે. ઘોડાની બગીમાં તમે ન બેસો તમારી પરંપરા છે. પણ પાલખીમાં બેસીને તમે આવી શકો છો. આચાર્ય ભગવંતની ઈચ્છા નહતી, પણ રાજાને કેમ ના પાડવી, એ માત્ર દાક્ષિણ્યને ખાતર એમને પાલખીમાં બેસવાનું સ્વીકાર્યું. રોજ પાલખીમાં બેસી રાજસભામાં જાય છે. એ સમાચાર ગુરુદેવ વૃદ્ધવાદીસૂરીજીને મળ્યાં. સદ્ગુરુના હૃદયને ક્યારેક જોજો. પહેલી વાર સમાચાર મળ્યાં કે મારો શિષ્ય રોજ પાલખીની અંદર રાજસભામાં જાય છે. સૌથી પહેલાં ગુરુએ પોતાના હૃદયને ટટોળ્યું છે. શિષ્યનું કોઈ પણ સ્ખલન હોય, શિષ્યે કોઈ પણ દોષ લગાડ્યો છે, સદ્ગુરુ સૌથી પહેલાં પોતાના ભીતરને ટટોળે છે. મારી અંદર આવો કોઈ દોષ સૂક્ષ્મ રૂપે તો રહી ગયો નથી ને… કે જેનું પ્રતિફલન મારા શિષ્યમાં થયું. જોયું; એવી કોઈ વાત નહતી. પણ મારો શિષ્ય છે, મારે એનું યોગક્ષેમ કરવાનું છે. 

બે જાતની ગુરુ પરંપરા આપણે ત્યાં થઇ. એક ગુરુ પરંપરા એવી થઇ, કે જેમણે માત્ર ભીતર ઉતરવું હતું, અને એટલે કોઈ પણ યોગ્ય સાધક એમની પાસે આવ્યો; અને એ સાધકે કહ્યું, ગુરુદેવ ! મારે તમારા શિષ્ય બનવું છે, એ સદ્ગુરુ ના પાડે છે. કારણ પોતાને એકદમ ભીતર ઉતરી જવું છે. હવે બીજા ઉપર યોગક્ષેમ કરી શકાય એવી પણ ભૂમિકા રહી નથી, જીવન બહુ થોડું છે અને પ્રાપ્તિ પુરેપુરી કરી લેવી છે. તો એવા સદ્ગુરુઓ સીધા જ ભીતર ઉતરી જાય છે. એ જ સદ્ગુરુઓ શિષ્યને સ્વીકારી શકે છે, જે એના ઉપર યોગક્ષેમ કરી શકે એમ હોય. 

વૃદ્ધવાદીસૂરિ મહારાજ યોગક્ષેમ કરવા માટે આવી ગયા. કથા જાણીતી છે. પાલખી ગુરુએ ઉપાડી, શિષ્યની; હલાવી, ખ્યાલ આવી ગયો કે સદ્ગુરુ મારી પાલખીને ઉચકી રહ્યા છે. સિદ્ધસેનજી સીધા નીચે કુદી પડ્યા. સદ્ગુરુના ચરણોમાં પડીને ધ્રુસકે ધ્રુસકે રડે છે. ગુરુદેવ આપ ! અને એ વખતે સદ્ગુરુ શબ્દોની એક તમાચ લગાવે છે. એક તમાચ… 

દેશ્ય ગુજરાતી ભાષામાં એક જ વાક્ય એમને કહ્યું છે; “હીંડઈ કાંઈ વણાવું વણું” એક જંગલમાંથી તને બહાર કાઢ્યો, સંસારના જંગલમાંથી; હવે તારે પ્રશંસાના, અહંકારના જંગલમાં જવું છે? રાજાની સભામાં તારે ૧૦ મિનીટ બોલવાનું હોય, ત્રણ કલાક ત્યાં બેસી રહેવાનું. તું જાય, તારા શિષ્યો જોડે જાય, સ્વાધ્યાયની જે હાનિ થાય એની પૂર્તિ કોણ કરશે? શાસ્ત્રીય શબ્દ છે “પલિમંથ” પલિમંથ એટલે સ્વાધ્યાય હાનિ. આવશ્યક કાર્યો કર્યા પછી, ભક્તિ અને જાપ કર્યા પછી તમે બિનજરૂરી એવું કોઈ કાર્ય નથી કરી શકતાં, જેનાથી સ્વાધ્યાયને હાનિ થાય. એક જ તમાચો – “હીંડઈ કાંઈ વણાવું વણું” એક જંગલમાંથી તને બહાર કાઢ્યો, સંસારના જંગલમાંથી; તારે પ્રશંસાના, અહંકારના જંગલમાં જવું છે? અરે! રાજાને જરૂર હશે, તારા ઉપાશ્રયમાં આવશે. ચાલ, ઉપાશ્રય ભેગો થઇ જા! 

આ જ લયમાં આચારાંગ સૂત્રમાં, ઉત્તરાધ્યયન સૂત્રમાં પ્રભુ આવ્યા છે; ગુરુના લયમાં, સદ્ગુરુના લયમાં. આચારાંગ સૂત્રમાં પ્રભુએ એક તમાચ ઠોકી છે. એક નાનકડું સૂત્ર, ત્રણ શબ્દોનું, પણ એવી તમાચ કે આપણે પ્રમાદની ધૂળને ખંખેરીને અપ્રમાદના માર્ગ ઉપર ચાલી નીકળીએ. પ્રભુ કહે છે; “एत्थ अगुत्ते अणाणाए” જો તું ગુપ્તિ બાહ્ય છે, તો મારી આજ્ઞાની બહાર છે. મન, વચન, કાયાની ગુપ્તિ જો તારી પાસે નથી તો તું મારી આજ્ઞાની બહાર છે. એક સદ્ગુરુ આજ્ઞાની બહાર આપણને કરે, આપણે ધ્રુજી જઈએ. પ્રભુ કહે છે; તું મારી આજ્ઞાની બહાર. પણ પ્રભુએ પ્રેમ પણ એટલો આપ્યો છે. 

ઉત્તરાધ્યયન સુત્રના પહેલા અધ્યયનના, પહેલા ગાથા સૂત્રમાં પ્રભુએ પોતાની સાધનાનું composition આપ્યું. ઉત્તરાધ્યયન સૂત્ર પ્રભુએ અંતિમ દેશનામાં ફરમાવ્યું. પ્રભુએ પોતે આ શબ્દો આપ્યા છે. પહેલા ગાથા સૂત્રમાં પ્રભુએ પોતાની સાધનાનું composition આપ્યું. અને એ composition છે; સાક્ષીભાવ + સમર્પણ. એકલો સાક્ષીભાવ ક્યારેક કોરો પડી જાય છે. સાક્ષીભાવ મળ્યો, એનો પણ અહંકાર આવી શકે. સમર્પણનો લય તમારી પાસે નથી, તમે ઝુકી શક્યા નથી, અને સીધા જ સાક્ષીભાવમાં તમે ગયા છો. તો એક શક્યતા રહે છે કે સાક્ષીભાવ મળ્યો છે, સાક્ષીભાવની ટોચ ઉપર હું છું, એનો પણ અહંકાર આવી શકે. એકલો સાક્ષીભાવ કોરો પડી જાય છે. એકલું સમર્પણ લચીલું બને છે. 

તમારી બધાની પાસે સમર્પણ છે. પણ એ સમર્પણમાં સાક્ષીભાવ નથી ભળ્યો એટલે સમર્પણ લચીલું બની ગયું છે. Misunderstanding ક્યાં થાય? તમારી અપેક્ષાની પૂર્તિ સદ્ગુરુ દ્વારા થાય અને એ વખતે તમે એમ માની લો, કે મને સદ્ગુરુ પ્રત્યે પૂરું સમર્પણ છે. ભાઈ સદ્ગુરુ પ્રત્યે તારું સમર્પણ? કે તારા ‘હું’ પ્રત્યે તારું સમર્પણ? સમર્પણ ક્યાં છે? ગુરુએ મને પ્રેમથી બોલાવ્યો, ગુરુએ મારી વાત પ્રેમથી સાંભળી, ગુરુએ મારી પીઠ પસરાવી; અને એટલે ગુરુ તમને સારા લાગ્યાં. એ જ ગુરુ તમાચ ઠોકશે ત્યારે કેવા લાગશે? સમર્પણમાં સાક્ષીભાવ નહિ ભળેલો હોય, તો સમર્પણ લચીલું બની જશે. 

એટલે જ પંચસુત્રમાં પૂજ્યપાદ હરીભદ્રસૂરિ મહારાજે કહ્યું કે સદ્ગુરુની અસંગ પ્રતીપત્તી કરવાની છે; સસંગ પ્રતિપત્તી નહિ. હું સેવા કરું, અને સદ્ગુરુ મને પ્રેમ આપે. હું ભક્તિ કરું અને સદ્ગુરુ મને ભણાવે. હું એમનું કામ કરું, એ મારું કામ કરે. આ તો સોદાબાજી કે સમર્પણ? આ સોદાબાજી કે સમર્પણ? તો સદ્ગુરુની અસંગ પ્રતિપત્તી જોઈએ છે. 

ચંડરુદ્રાચાર્ય ભગવંતના શિષ્યની, નવદીક્ષિત શિષ્યની ઈર્ષ્યા આવે? ગુરુને લઈને, ઊંચકીને રાત્રે ચાલી રહ્યા છે; અંધારું છે, દેખાતું નથી, પગ આડો-અવળો પડે, તાજા લોચ કરાયેલા માથા ઉપર ગુરુ દંડો ઠોકે છે. કેમ, બરોબર ચાલતો નથી? એ વખતે પણ સદ્ગુરુ પ્રત્યે એટલું બધું બહુમાન છે. એ બહુમાને રસ્તામાં ચાલતાં ચાલતાં કેવલજ્ઞાન આપી દીધું! કેવલજ્ઞાની થઇ ગયા! હવે બધું દેખાય છે. બરોબર ચાલી રહ્યા છે. ગુરુએ કહ્યું; કેમ હવે બરોબર દેખાય છે? જી ગુરુદેવ ! આપની કૃપા! કેમ કૃપા એટલે શું? કેમ કૃપા એટલે શું? મને જ્ઞાન થયું છે. પ્રતિપાતિ કે અપ્રતિપાતિ? અપ્રતિપાતિ જ્ઞાન થયું છે. આ શિષ્યની ઈર્ષ્યા આવે તમને? કેવલજ્ઞાન આટલું ફટાફટ મળતું હોય તો તમે તૈયાર ન થાવ? 

તો પ્રભુની સાધનાનું composition શું? સાક્ષીભાવ + સમર્પણ. કોઈ પણ કહે ને, કે તમારી સાધના શું છે? તરત જ કહેજો, સાક્ષીભાવ અને સમર્પણની અમારી સાધના છે. શું એ મજાનું ગાથા સૂત્ર છે;

 “संजोगा विप्पमुक्कस्स, अणगारस्स भिक्खुणो I

विणयं पाउकरिस्सामि , आणुपुव्विं सुणेह मे ॥”

છેલ્લા બે શબ્દો આવ્યાં; ‘सुणेह मे’ તું મને સાંભળ ! પહેલી વાર વાંચ્યું, ત્યારે વિચારમાં પડ્યો; પ્રભુ ત્રિલોકેશ્વર, અખિલ બ્રહ્માંડેશ્વર, એ કોઈને કહે; તું મને સાંભળ ! હું પણ કોઈને કહેવા ન જાઉં કે મને સાંભળવા આવજો. અને ત્રિલોકેશ્વર, અખિલ બ્રહ્માંડેશ્વર પરમાત્મા શું કહે છે! ‘सुणेह मे’ તું મને સાંભળ ! પછી ખ્યાલ આવ્યો કે આ તો સદ્ગુરુ તરીકે પ્રભુ આવ્યા છે. એટલે પ્રભુ એ કહે છે; કે તું મને સાંભળજે હો, બીજાને સાંભળતો નહિ! તમે કોને સાંભળો? સાચું કહો? 

લગભગ શ્રોતા પોતાની જાતને જ સાંભળતો હોય છે. પોતાની માન્યતાને જ પુષ્ટ કરતો હોય છે. પ્રવચનકાર મહાત્માએ તમારી ધારાની વાત કરી; તમે સત્તર જગ્યાએ કહેવાના. જોયું; મ.સા. એ પણ આજે આ જ કીધું. હું તો વર્ષોથી કહેતો હતો. તમે અહીંયા સદ્ગુરુને સાંભળો છો કે તમને સાંભળો છે? એની પહેલાં પાછો એક શબ્દ આપ્યો; ‘आणुपुव्विं’ તું મને ક્રમસર સાંભળજે. વચલા સ્ટેશનો છોડી ન દેતો પાછો. એ પ્રભુ પોતે કહે છે; “विणयं पाउकरिस्सामि” સમર્પિત દશાના પાઠ હું તને શીખવીશ! પ્રભુ પોતે શીખવાડે! આખું એ અધ્યયન સમર્પિતતા ના પાઠોથી ભરેલું છે. પ્રભુ પોતે ગુરુ તરીકે આવીને આપણને ભણાવી રહ્યા છે. “विणयं पाउकरिस्सामि” 

પણ પ્રભુ સમર્પિતતાના પાઠ કોને શીખવાડશે? 

ત્રણ સજ્જતા સાધકની આપી. એ ત્રણે સજ્જતા સાક્ષીભાવના ત્રણ સ્તરોની છે. “संजोगा विप्पमुक्कस्स, अणगारस्स भिक्खुणो I” પહેલી સાધકની સાક્ષીભાવની સજ્જતા કઈ છે? એકવાર સાક્ષીભાવનો આનંદ મેળવવો; doing છૂટી જશે. Beingની ધારામાં જે ક્ષણે તમે આવ્યા, doing છૂટી જશે; Doing ને છોડવો નહિ પડે. અમારી પાસે જે આનંદ છે, એ આનંદ શેનો છે? પ્રભુએ પરમ પ્રેમ આપ્યો; એ પરમપ્રેમ being માં ફેરવાઈ ગયો; Doing છૂ થઇ ગયું! મજા જ મજા.! 

તમે અમને શાતા પૂછવા આવો. પૂછો ને…? સ્વામી શાતા છે જી? ક્યારેય લાગ્યું; અમે અશાતામાં હોઈએ એમ? ક્યારેય? અમે શાતામાં નહિ, પરમ શાતામાં છીએ. પણ એનું કારણ શું? પ્રભુએ આપેલો સાક્ષીભાવ. પ્રભુએ આપેલું સમર્પણ. સાધનાના એક-એક તબક્કે અહોભાવ છલકાતો હોય છે. એટલે જ મેં કહ્યું; કે સાક્ષીભાવ અને સમર્પણની જુગલબંધી આપણે કરવાની છે. સાક્ષીભાવ મળ્યો, તમે અંદર ઉતરી ગયા. અંદર ઉતરવાની છૂટ છે; પણ અહોભાવની ધારા તમારી સતત ચાલુ રહેવાની છે. આ પ્રભુએ મને આ આપ્યું.! આ પ્રભુ ન મળ્યાં હોત તો હું ક્યાં હોત.? 

એક વિચાર કરો, પ્રભુશાસન મને કે તમને ન મળ્યું હોત તો આપણે શું હોત? એક માત્ર પૈસાની પાછળ દોડનાર વ્યક્તિત્વ તમે હોત. પ્રભુનું શાસન મળ્યું, કેટલી બધી સુરક્ષા તમને મળી.! પ્રભુએ તમને કેટલા બચાવ્યા! કેટલા બધા પાપોથી પ્રભુએ તમને બચાવ્યા? રાગ અને દ્વેષમાં જતાં તમને પ્રભુએ બચાવ્યા! એક-એક સાધનાના પડાવે, જેમ-જેમ આગળ વધીએ, તેમ સમર્પણ ઘેરું થતું જાય. આ બાજુ સાક્ષીભાવ ગહેરો બને, આ બાજુ સમર્પણ પણ ગહેરો બને. સાક્ષીભાવ અને સમર્પણને કોઈ વિરોધ નથી. એકબીજાના એ પૂરક છે. 

જ્ઞાનસારમાં સાક્ષીભાવની વાત મહોપાધ્યાય યશોવિજય મહારાજે કરી. એક જ શ્લોક બહુ પ્યારો; 

“स्वभावसुखमग्नस्य, जगत्तत्त्वावलोकिन: ।

कर्तुत्त्वं नान्यभावानां साक्षित्वमवशिष्यते ॥” 

એક બહુ સરસ વિશેષણ સાધકને આપ્યું; जगत्तत्त्वावलोकिन: – આત્મદ્રવ્ય નિત્ય છે. પર્યાયો જે છે એ સતત બદલાઈ રહ્યા છે. તમે ઈચ્છો, ન ઈચ્છો પર્યાયો બદલાયે જ જવાના છે. તમે ઈચ્છો, ન ઈચ્છો ઘટનાઓ ઘટિત થવાની જ છે. એક ઘટના ઘટિત થઇ ગઈ, સહેજ કોઈનો ધક્કો વાગ્યો, તમે પડી ગયા. ઘટના ઘટી ગઈ. હવે તમે શું કરો? તમે પેલા ભાઈને કદાચ ગુસ્સાથી કહી પણ દો. પણ આખરે જે ઘટના ઘટી ગઈ છે, એના માટે સ્વીકાર સિવાય કોઈ માર્ગ ખરો? હોય તો બતાવો મને… તમે પડી ગયા, તમને વાગ્યું. પડ્યા નથી, પેટમાં દુઃખાવો ઉપડ્યો; ડોકટર પાસે ગયા, એપેન્ડીક્સ છે એ નક્કી થયું, ઓપરેશન કરાવવાનું છે. એક ઓપરેશન ફેલ પણ ગયું. ડોક્ટર નામાંકિત અને ઓપરેશન ફેલ જાય. 

મારા દાદા ગુરુદેવ ભદ્રસૂરિદાદા. એમની એક આંખે ઝામરો ગયેલો. એક આંખ નકામી થયેલી. બીજી આંખે મોતિયો આવતો હતો. એ વખતે સાહેબજી પાટણમાં. પાટણમાં બહુ સારો આઈ સ્પેશ્યાલીસ્ટ ડોક્ટર હતો. પણ ભક્તોને થયું; કે ગુરુદેવની એક જ આંખ છે અને એ આંખ બચી રહે એના માટે મુંબઈથી આપણે આઈ સ્પેશ્યાલીસ્ટને લાવીએ. મુંબઈથી બહુ મોટા ડોકટર આવ્યાં; એમણે ઓપરેશન કર્યું, ફેલ ગયું. પણ એ સદ્ગુરુ હતાં. એમણે ઘટનાનો સ્વીકાર કર્યો. 

તમને પૂછું; કોઈ પણ ઘટના ઘટી ગઈ, શું કરો? ૨૫ લાખ ક્યાંક મુકેલા અને ગયા. પાર્ટી ફેલ ગઈ. શું કરો તમે? એ વખતે ઘટનાના સ્વીકાર સિવાય કોઈ માર્ગ ખરો? ન તો ભક્તની પાસે કર્તૃત્વ છે, ન સાધકની પાસે કર્તૃત્વ છે. સાધક કહેશે; કે ક્રમબદ્ધ પર્યાય હતો, એ વખતે એ પર્યાય ખુલ્યો, એ ઘટના ઘટી ગઈ; સ્વીકારી લો. તમે જો સાધક છો, તો પણ તમારે ઘટનાનો સ્વીકાર કરવો પડશે. ભક્ત હોવ તો પણ શું કહેશો; અનંત કેવલજ્ઞાની ભગવંતોએ જ્ઞાનમાં જે ઘટનાને જોયેલી હતી, એ ઘટના સાકાર બની છે. હવે એ ઘટના જોડે face કેમ કરી શકાય? એ ઘટનાને face કરો એટલે અનંત કેવળજ્ઞાનીઓની જ્ઞાનની આશાતના થાય. 

તો પર્યાયોનો સ્વીકાર… ઘટનાઓ ઘટી ગઈ, એનો સ્વીકાર જેને પણ કરતાં આવડે, એ સાક્ષીભાવમાં આવી જાય. “कर्तुत्त्वं नान्यभावानां साक्षित्वमवशिष्यते॥” ઘટનાઓને લાઈટલી જોતા શીખો… હળવાશથી… ઘટના ઘટી ગઈ; સ્વીકારી લો. 

આપણી ગુજરાતી પહેલી નવલકથા, સરસ્વતીચંદ્ર. એના લેખક છે; ગોવર્ધન રામત્રિપાઠી. એ મૂળતયા સોલીસીટર હતા અને લેખક પણ હતા. એક બહુ મજાનો કેસ આવ્યો, પ્રતિષ્ઠાના સીમા ચિહ્ન જેવો કે એ કેસ જો સફળતાપૂર્વક પોતે જીતી બતાવે તો એમની યશકલગીમાં એક છોગુ ઉમેરાય. બહુ શ્રીમંત હતાં, પૈસા માટે એ કેસ લેવાની જરૂર નહતી. પણ પ્રતિષ્ઠા માટે આ કેસ જરૂરી હતો. લઇ લીધો. કેસ ચાલવાને એક મહિનાની વાર હતી. ૨૫ દિવસની અંદર પુરી બ્રીફ કેસ બનાવી નાંખ્યો અને એ બ્રીફ કેસના આધારે કેસ લડવાનો છે. બ્રીફ એટલી સજ્જડ છે, કે કોઈ પણ મજીસ્ટેડ હોય, એને આમની તરફેણમાં જ ચુકાદો આપવો પડે. બ્રીફ તૈયાર થઇ ગઈ. નિશ્ચિંત થઇ ગયા. હવે માત્ર કોર્ટમાં કેસ લડવાનો જ છે, અને જીતી જવાનું છે. 

એમાં ઉતરાયણના દિવસો નજીક આવતાં હતા. ઘરમાં નાનકડી પાંચ વર્ષની દીકરી. એણે જોયું, કે બાજુવાળા છોકરાઓ પતંગ બનાવી રહ્યા છે. કાગળ હોય, ખપાટી હોય અને ગુંદર હોય; પતંગ બની જાય. એણે ગુંદરનો શીશો લાવ્યો. કાગળ માટે છાપાઓનો થપ્પો રોજ આવતો હતો. એ છાપાઓ જ્યાં પડ્યા હોય ત્યાં ગઈ કે  કાગળ લઇ આવું; પણ એ જ દિવસે ફેરિયો આવેલો, બધા જ છાપાં પસ્તીમાં ગયો. એક પણ છાપું નહિ, ન્યુઝ પેપર નહી. હવે કાગળ ક્યાં હોય? ત્રિપાઠીની ઓફીસ ઘરમાં જ હતી. એક રૂમમાં એમનું કબાટ. બહાર ગયેલા પણ કબાટને બંધ કર્યા વગર ગયેલા. કબાટ ખુલ્લો, દીકરીએ ખોલ્યો. પેલી બ્રીફ કેસ નજરમાં પડી. કાગળિયાં જ છે ને આમાં. પાંચ દસ કાગળિયાં ફાડ્યા. પણ એમ કેવા આર્ટીસ્ટ હતા કે પતંગ તરત બની જાય. નહિ બની, ફાડીને ડસ્ટબીનમાં. બીજા દસ કાગળિયાં, બીજા દસ કાગળિયાં. આખી બ્રીફ ના કાગળિયાં ફાડી નાંખ્યા અને એક પતંગ બની. ત્યાં પપ્પાની કારનો હોર્ન સંભળાયો. દોડતી નીચે ગઈ. પપ્પા, પપ્પા મેં પતંગ બનાવી.. જ્યાં બ્રીફકેસના પાનાં જોયા, વિચારમાં પડી ગયા. વિચાર્યું; બે-ચાર પાનાં કદાચ ગયા હશે, તો સ્મૃતિના આધારે લખી દઈશું. ઉપર આવ્યાં પછી જોયું, આખી જ બ્રીફ ના તમામ કાગળિયાંઓ ડુચ્ચો કરીને, ફાડીને ખતમ કરી નાંખ્યા. 

એ વખતે એમણે શું કર્યું એ પછી કહું. તમે હોવ તો શું કરો? શું કરો? દીકરીને તમાચ ઠોકી દો. ચાલો તમારી છે, તમાચ થોક્વાની તમને છૂટ. એક તમાચ, બે તમાચ, દસ તમાચ; પણ દસ તમાચ ઠોકવાથી બ્રીફ તૈયાર થઇ જાય ખરી? તો તમને છૂટ આપી દઈએ. ત્રિપાઠીજી ગીતા પાઠી હતાં. રોજ ભગવદ્ગીતાનો પાઠ કરનારા; “कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।” ચાલો મારા ભગવાન કહે છે; તારે કામ જ કરવાનું છે, ફળની આશંસા રાખવાની નથી. દીકરીને કહ્યું; બેટા ચાલ આપણે નવા પતંગો લઇ આવીએ. કારમાં દીકરી જોડે ગયા. ૫૦-૧૦૦ પતંગ એને અપાવી દીધા. દોરા અપાવી દીધા. જા, ધાબા ઉપર જઈને પતંગ ચગાવ. એ વિચારે છે કે ભૂલ મારી છે. આવી બ્રીફ કબાટમાં હતી, છોકરી નાની ઘરમાં છે મને ખબર હતી; મારે કબાટને લોક કરીને જવાનું હતું, ભૂલ મારી છે. તમને આવું દેખાય ક્યારેય? સીધી જ નજર બીજાના ઉપર જાય છે. એ પ્રભુનું નામ લઈને બ્રીફ લખવા બેસી ગયા. ચાર જ દિવસની અંદર પહેલાં કરતાં પણ વધુ સારી બ્રીફ લખાઈ. ઘટનાઓનો સ્વીકાર; તમે stress free થઇ જાઓ. 

આજનો મનોવૈજ્ઞાનિક કહે છે; કે આજનો માણસ stress age માં જીવે છે. તણાવ યુગમાં. તમારે stress age માંથી, stress free age માં આવવું હોય તો શું કરવાનું? ઘટનાઓનો સ્વીકાર કરવાનો. 

મયણાસુંદરીએ શું કર્યું? ક્યાં રૂપ-રૂપના અંબાર મયણાસુંદરી. ક્યાં જેની કાયા કોઢના રોગથી છલકાઈ રહી છે, એવા શ્રીપાળ.. એ શ્રીપાળ સાથે એક ક્ષણ બેસી ન શકાય, એટલી દુર્ગંધ એના શરીરમાંથી નીકળી રહી છે. એની જોડે લગ્ન ગ્રંથીથી જોડાવાનું. પૂરું જીવન એની સાથે કાઢવાનું. કઈ રીતે બની શકે? પણ,એ વખતે મયણાસુંદરીના મોઢાની એક પણ રેખા બદલાતી નથી. હૃદયમાં સહેજ પણ પીડા નથી. કેમ? “જ્ઞાનીએ દીઠું હોવે રે ” જ્ઞાની ભગવંતોએ જ્ઞાનમાં જે જોયું છે, એ જ બન્યા કરે છે. 

તો પ્રભુને સદ્ગુરુ તરીકે સિદ્ધસેન દિવાકરસૂરીજીએ કલ્પ્યા છે; અને એ પ્રભુ, એ સદ્ગુરુ સાધનાના પાઠો શીખવાડે છે. પહેલું composition આ: સાક્ષીભાવ + સમર્પણ = પ્રભુની સાધના. સાક્ષીભાવના ત્રણ ચરણો તમને મળે, પછી જ પ્રભુ તમને સમર્પિતતા પાઠો શીખવાડશે. પ્રભુ પોતે શીખવાડશે! અને એ સાક્ષીભાવ, એ સમર્પણ તમારી પાસે આવી જાય, એટલે તમે પ્રભુના સાધક બની જાવ; અને પ્રભુના સાધક બનો, એટલે હૃદય અહોભાવથી છલકાઈ જાય કે પ્રભુ તે કેવો પ્રેમ વરસાવ્યો કે આવી અદ્ભુત સાધના તે મને આપી! એ જ પ્રભુના પ્રેમમાં સતત ડૂબેલા રહેવું.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *