Param Sparsh Ni Yatra – Vachana 43

22 Views
19 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : પંથ એનો ઝીણો

પ્રભુએ કહેલી એક પણ વ્યવહાર સાધના એવી નથી કે જે તમને નિશ્ચય સાધના સાથે ન જોડી આપે. નિશ્ચય સાધના શું? રાગ, દ્વેષ, અહંકારની શિથિલતા અને એ રીતે સ્વના અનુભવ તરફ જવાની યાત્રાનો પ્રારંભ.

તમારી વ્યવહાર સાધના નિશ્ચય સાધના તરફ જાય છે કે નહિ એ તમારે જોવું જોઈએ. તપશ્ચર્યા કરી; બહુ સરસ. પણ આસક્તિ થોડી પણ તૂટી ખરી? પ્રતિક્રમણ કરો અને પાપો પ્રત્યે ડંખ પ્રગટે છે? સામાયિક કરો અને સમભાવ તમારો પ્રગાઢ બને છે?

પ્રભુની સાધના: સાક્ષીભાવ + સમર્પણ. જો સાક્ષીભાવની સાથે સમર્પણ આવે, તો એ સમર્પણ સાચું. સાક્ષીભાવમાં તમારો હું એકદમ શિથિલ બને; તમારો અહંકાર ઓગળે. એ પછી જે સમર્પણ મળે, તે વાસ્તવિક હશે.

પરમ સ્પર્શની યાત્રા – વેસુ ચાતુર્માસ વાચના – ૪૩

એક ભક્ત પ્રભુના પ્રેમથી જેનું હૃદય છલોછલ છલકાયેલું એવો ભક્ત, એ ભક્તની પાસે એક જિજ્ઞાસુ આવ્યો, ભક્તે એને પરમ પ્રેમની વાતો કરી. ભક્તે કહ્યું; કે જે ક્ષણે પરમાત્માનો પ્રેમ મને મળ્યો, ન્યાલ થઇ ગયો હું. એવો તો આનંદ એક-એક ક્ષણે મળે છે, જેને હું શબ્દોમાં કહી પણ ન શકું! પેલા જિજ્ઞાસુને થયું કે મારે પણ આવો આનંદ જોઈએ. શી રીતે મળે? ભક્તે કહ્યું; પ્રભુની પ્રાર્થનાની પ્રગાઢ ક્ષણોમાં તું પહોંચી જા, તને પ્રભુના પ્રેમનો અવશ્ય અનુભવ થશે. એ જિજ્ઞાસુ પ્રાર્થનાની પ્રગાઢ ક્ષણોમાં ગયો; પ્રભુના પ્રેમને એણે અનુભવ્યો. પણ જ્યાં એની ચેતના પરમાં ગઈ, પરમનો પ્રેમ ઝીલાવવો બંધ થઇ ગયો. 

આપણી ચેતના પરમાં જાય, ત્યારે કેટલું મોટું નુકશાન આપણને થાય છે.. જે ક્ષણો માત્ર પરમ પ્રેમથી ભરાવવાની હતી, એ ક્ષણો પરમય બની ગઈ. ચાલો અનંતા જન્મો પરમાં ગયા. આ એક જન્મ પરમને આપવો છે? પેલા જિજ્ઞાસુની ચેતના પરમાં ગઈ, પરમનો પ્રેમ ઝીલાતો બંધ થયો. હવે મુશ્કેલી પડી. એ પ્રેમ મળતો નથી, અને એના સિવાયનું બીજું કશું જ ગમતું નથી! જોઈએ તો એ જ.. માત્ર પરમ.. માત્ર પરમનો પ્રેમ.. પણ એ મળતો નથી.. એ ક્ષણોમાં કેવી વેદના હોય છે. એનું વર્ણન મીરાંએ કર્યું. 

મીરાં કહે છે; “ઊંચા ઊંચા મહલ પિયા કા, મ્હાશું ચડા ન જાય, પિયા દૂર પંથ મારો ઝીણો, સુરત ઝકોરા ખાય” પરમાત્મા કેમ ન મળે? પરમાત્માના મિલનની દુર્ગમતાની ત્રણ વાતોની ચર્ચા મીરાંએ કરી. પહેલી વાત ‘પિયા દૂર’ – પ્રભુ દૂર છે. સાત રાજલોક દૂર. કેવી રીતે પ્રભુને મળવું? એ જ જોઈએ. એની અવેજીમાં બીજું કશું જ ચાલે એમ નથી. પણ એ મળે શી રીતે? ‘પિયા દૂર’ ચાલો દૂર છે મંઝિલ, માર્ગ પર ચાલીએ. માર્ગ પર ચાલીશું, મંઝિલ મળવાની જ છે. બીજી દુર્ગમતાની વાત આવી. ‘પંથ મારો ઝીણો’ – પ્રભુ મિલનનો માર્ગ બહુ જ અઘરો છે. 

અને એ માર્ગની દુર્ગમતાની વાત પૂજ્યપાદ આનંદઘનજી ભગવંતે ચૌદમાં સ્તવનના પ્રારંભમાં કરી; “ધાર તલવારની સોહીલી દોહિલી, ચૌદમાં જિનતણી ચરણસેવા” તલવારની ધાર ઉપર ચાલવું સહેલું છે, પણ પ્રભુના માર્ગ ઉપર ચાલવું અઘરું છે. કેમ અઘરું છે? તલવારની ધાર ઉપર તમે ચાલો, પગમાંથી લોહીના ફુવારા ઉડે, આંગળીઓ કદાચ તૂટી પણ જાય; પણ પ્રભુના માર્ગ ઉપર ચાલવું હોય તો તમારા ‘હું’ ના ફુરચેફુરચા ઉડાડવા પડે છે. એ ચૌદમું સ્તવન છે ને, આનંદઘનજી ભગવંતનું બહુ જ પ્યારું છે. સાધનાના માર્ગમાં જે ભયસ્થાનો આવે છે, એની વાત એમાં એમણે કરી છે. 

પ્રભુએ વ્યવહાર અને નિશ્ચયનું બહુ જ મજાનું બેલેન્સિંગ આપણને આપ્યું. દુનિયાની લગભગ સાધના પદ્ધતિઓને થીયરીકલી જોયા પછી એક ડંકાની ચોટ પર અધિકારી વિદ્વાનના રૂપે કહી શકું, કે પ્રભુની સાધના પદ્ધતિમાં વ્યવહાર અને નિશ્ચયનું જેવું બેલેન્સિંગ છે, એવું બેલેન્સિંગ દુનિયાની કોઈ સાધના પદ્ધતિમાં નથી. વ્યવહાર ધર્મ પણ કેટલો મજાનો… અને એ વ્યવહાર સાધના નિશ્ચય સાધના સાથે આપણને જોડી આપે. પ્રભુએ કહેલું વ્યવહાર, શું વ્યાખ્યા એની? નિશ્ચયથી યુક્ત જે છે એ વ્યવહાર, પ્રભુનો વ્યવહાર છે. અને જે વ્યવહારમાં નિશ્ચય સમાયેલો હોય, એ વ્યવહાર પ્રભુનો છે. તો આપણી સાધના વ્યવહારાભાસ, કે નિશ્ચયાભાસ તરફ ન જાય, એના માટે એ સ્તવનમાં એમણે બહુ મજાની ટીપ્સ આપી છે. તમે પણ નક્કી કરો, એક પણ વ્યવહાર સાધના પ્રભુએ આપેલી એવી નથી, જે નિશ્ચય સાધના સાથે તમને ન જોડે. નિશ્ચય સાધના શું? રાગ-દ્વેષ અહંકારની શિથિલતા. અને એ રીતે એ સ્વના અનુભવ તરફ જવાની યાત્રાનો પ્રારંભ. તમારી સાધના, વ્યવહાર સાધના નિશ્ચય સાધના તરફ જાય છે કે નહિ, એ તમારે જોવું પડશે; અથવા તો સદ્ગુરુ પાસે આવો. 

એક સાધક મારી પાસે આવેલો. એણે વંદન કર્યું. એની આંખમાં આંસુ. મેં પૂછ્યું, શેના આંસુ? થોડીવાર એ બોલી શકતો નથી. ગળામાં ડૂસકાં છે. ડૂમો ભરાયો છે. થોડીવાર પછી એણે કહ્યું; ગુરુદેવ! રોજના બે સામાયિક દસ વર્ષથી કરું છું અને છતાં મારો સમભાવ સહેજ પણ વધ્યો નથી! દસ વર્ષ પહેલાં જેટલો ગુસ્સો મારી પાસે હતો, એટલો જ ગુસ્સો આજે મારી પાસે છે. દાળમાં સહેજ મીઠું ઓછું હોય, તો હું શ્રાવિકાને ધમકાવી નાંખું છું. એની આંખમાં આંસુ, કે ગુરુદેવ! Where is my fault? હું ક્યાં ચૂકું છું? તમે ક્યારેય આવ્યા? 

મેં વચ્ચે વાત કરેલી; સાધના ગુરુની. પંચ મહાવ્રતધારી બધા જ સદ્ગુરુઓ આપણા માટે વંદનીય છે, પૂજનીય છે; પણ એક સાધના ગુરુ તમારા હોવા જોઈએ. એમણે તમને સાધના આપી. ધારો કે તમને રોજના ત્રણ કલાક મળે છે, રવિવારે છ કલાક મળે છે. તો એ ત્રણ કલાકમાં કે છ કલાકમાં સાધના શું કરવી એ તમે સદ્ગુરુને પૂછો. સદ્ગુરુ કહે એ રીતે સાધનાને કરો; બે મહિને, ત્રણ મહિને ફરીથી સદ્ગુરુ પાસે જાવ, અને સદ્ગુરુના ચરણોમાં નિવેદન કરો કે ત્રણ મહિનાની સાધના પછી તમારામાં કેટલું પરીવર્તન આવ્યું ! 

સાધના શા માટે કરીએ છીએ? મારો આત્મા સત્તા રૂપે તો નિર્મલ છે જ. પણ અત્યારે રાગ-દ્વેષ અહંકારથી એ ખરડાયેલો છે. એ રાગ-દ્વેષ, એ અહંકાર ઓછા થાય એના માટેની આપણી સાધના છે. વિતરાગ પ્રભુની ભક્તિ કરનારો, પદાર્થોના રાગમાં કે વ્યક્તિઓના રાગમાં હોઈ શકે ખરો? એક પ્રભુનો પ્રેમ, એનો સ્પર્શ થાય, મેઘકુમારનો સંસાર છૂટી જાય. ધન્નાજી અને શાલીભદ્રજી એ જમાનાના ધનકુબેર. જે ક્ષણે પ્રભુનો પ્રેમ સ્પર્શ્યો; બધું જ છૂટી ગયું. તમને પણ પરમનો સ્પર્શ થયો છે, આવું તમે ક્યારે માની શકો? પર સંપૂર્ણતયા છૂટી જાય ત્યારે. પરમાં તમારો રસ હોય જ નહિ. દુનિયા છે ચાલ્યા કરશે બધું. મારે માત્ર અને માત્ર મારામાં જવાનું છે. પરમના રાગને સ્પર્શીને, પરમના પ્રેમને મેળવીને મારે મારી ભીતર જવાનું છે. તો તમારી સાધના વ્યવહારાભાસ તો નથી ને? વર્ષોથી પ્રતિક્રમણ કરો છો. કેટલા પાપો ડંખ્યા? બોલો? નિંદા ખટકી? કોઈ કોઈની નિંદા કરતું હોય, તમે કાન બંધ કરી દો એવું બન્યું? પ્રતિક્રમણ કરો, પાપો પ્રત્યે ડંખ પ્રગટે. સામાયિક કરો, સમભાવ તમારો પ્રગાઢ બને. આટલી અદ્ભુત સાધના મળ્યા પછી એ સાધના જો વ્યવહારાભાસ કે નિશ્ચયાભાસમાં જતી રહે તો આપણે પ્રભુના બહુ મોટા અપરાધી છીએ. 

આપણે પ્રવચનકારોએ પણ આ વાત લોકોને સમજાવવી પડશે. વ્યવહાર ધર્મ સારો, જરૂર સારો. કારણ એ પ્રભુએ આપેલો છે. પણ પ્રભુએ આપેલી વ્યવહાર સાધના નિશ્ચય સાધનાને touch થાય છે કે નહિ? તપશ્ચર્યા કરી, બહુ સરસ; પણ આસક્તિ થોડી પણ છૂટી ખરી? 

તો બીજી વાત આ આવી, ‘પંથ મારો ઝીણો’ 

આજે તો એવા એવા વિદ્વાનો નીકળ્યા છે, પ્રવચનકારો, અને online દુનિયા છે આજે, એટલા બધા પંડિતોના પ્રવચનો ચાલ્યા જ કરતાં હોય છે, અને એમાંથી ઘણા બધા નિશ્ચયાભાસવાળા હોય. એકવાર તમે એને સાંભળો, તમે પણ એનામાં મુગ્ધ થઇ જાવ. પછી એ ધીરે-ધીરે-ધીરે કહે કે આ વ્યવહાર સાધના નકામી છે. આટલા સામાયિક કર્યા તમે, આટલા પ્રતિક્રમણ કર્યા, તમને શું મળ્યું? બધું છોડો. આત્મ-ધ્યાનમાં આવી જાઓ. ઘણા આપણા સાધકો નિશ્ચયાભાસમાં જતા રહ્યા, જે અહીંયા છે એ વ્યવહારાભાસમાં છે; આ ન ચાલે. આપણે પ્રભુની સાધના પદ્ધતિને બરોબર સમજવી પડશે, અને એ પ્રમાણે જ આપણા જીવનની અંદર એ આત્મસાત્ થાય એવું કરવું પડશે. એક – એક વ્યવહાર સાધના કરો. નિશ્ચય સાધના શું મળે? What’s your achievement? 

૨૦ વર્ષનો દીક્ષા પર્યાય થયો. ૨૫ વર્ષનો થયો. ૫૦ વર્ષનો થયો. શિષ્યાઓ ઉજવણી કરશે. તમે શું કહેવાના? શેની ઉજવણી પણ? નિશ્ચય સંયમ તો મારી પાસે છે નહિ. આ તો વ્યવહાર સંયમ છે. ઉજવણી શેની વળી? આપણે ત્યાં છે ને, કોઈ પણ સાધના તમે કરો. એનું ઉદ્યાપન કઈ રીતે થાય, સાધુ -સાધ્વીજીઓ માટે? કોઈ પૂજા ભણાવવાની નથી. કોઈ ઉજમણું કરવાનું નથી. ૧૦૦મી ઓળી છે. ૧૦૨માં દિવસે પ્રભુના ચરણોમાં જઈને કહેવાનું; “ગૃહાણાસ્મત્ કૃતં તપ:” પ્રભુ આ સાધના થઇ તારી કૃપાથી, તું એને સ્વીકારી લે; વાત પુરી થઇ ગઈ. પ્રભુના ચરણોમાં એ સાધનાનું પુષ્પ સમર્પિત કરી દો. 

અને ત્રીજી વાત કરે છે મીરાં; “સૂરત ઝકોરા ખાય” રાતનો સમય છે. અંધારું છે અજ્ઞાનનું, ચાલવું છે, જ્ઞાનનો દીપક જોઈએ. પણ કહ્યું? ‘સૂરત ઝકોરા ખાય’ પ્રભુના સમરણનો દીપ લબૂક-ઝબૂક થાય છે. તો આવી પરિસ્થિતિમાં, પ્રભુ! મારે તને શી રીતે મળવું? પ્રભુની કોર્ટમાં મીરાંએ બોલ ફેંકી દીધો. ભક્ત તરીકે આપણે એક જ કામ કરવાનું છે. કોઈ પણ સમસ્યા હોય, સાધના જગતની કે ભૌતિક જગતની એ સમસ્યાનો બોલ પ્રભુની કોર્ટમાં ફેંકી દેવાનો. પછી પ્રભુ જ્યારે પણ ઉતર આપે, અથવા ન પણ આપે, પણ તમને સમાધાન મળી જશે. 

મીરાંએ કહ્યું; પ્રભુ! તું દૂર છે, તારો માર્ગ સમજવો પણ કપરો છે, અને તારું સ્મરણ પણ સતત મારી પાસે નથી. આવા સંયોગોમાં મારે તને શી રીતે મળવું? પ્રભુએ બહુ મજાનું કહ્યું; “મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, સદ્ગુરુ દિયો બતાય; જુગન જુગન સે બીછૂરી મીરાં કો, લીની ઘર મેં આય” પ્રભુએ કહ્યું; જો પેલા તારા સદ્ગુરુ છે, એની પાસે જા. તારા બધા પ્રશ્નોનો ઉત્તર ત્યાંથી તને મળી જશે. 

પ્રભુ સદ્ગુરુ આપે. ખ્યાલ છે તમને? રોજ જયવીયરાય સૂત્રમાં પ્રભુની પાસે આપણે માંગીએ છીએ, ‘સુહગુરુજોગો’. બહુ મજાની મનોવૈજ્ઞાનિક લયની એ પાર્થના છે. પ્રભુ તું મને સદ્ગુરુયોગ આપ! સદ્ગુરુનું એવું તો જોડાણ થઇ જાય કે હું ન રહું, સદ્ગુરુ માત્ર રહે. 1 + 1 = 1 

દીક્ષા લીધી ને, શું થયું? જુનું નામ ગયું, અને નવા નામનો ધજાગરો પાછો રાખવાનો? ગયા.. સદ્ગુરૂમાં તમે ડૂબી ગયા.. પતાસું પાણીમાં ડૂબ્યું. કલાક પછી શોધવા જાઓ, પતાસું ક્યાં? પતાસું પાણીમાં ઓગળી ગયું. 1 + 1 = 1. શિષ્ય + ગુરુ = ગુરુ. કે સમીકરણ બદલવું પડશે. શિષ્ય + ગુરુ = શિષ્ય કેમ? 

તો મીરાં સદ્ગુરુના ચરણોમાં ગઈ. સદ્ગુરુએ કહ્યું; તું કહે છે; પ્રભુ દૂર. પ્રભુ દૂર ક્યાં છે? પ્રભુ આ રહ્યા.! 

ઉપનિષદોએ કહ્યું; “तद्दूरे तद्वन्तिके” પ્રભુ દૂરથી પણ દૂર છે, અને નજીકથી પણ નજીક છે. જે ક્ષણે તમારી તડપન ગહેરી બની; પ્રભુ મિલન થઇ જાય. પ્રભુની પ્યાસનું જે આખિરી બિંદુ છે, એ જ પ્રભુ મિલનનું પ્રારંભ બિંદુ છે. કેટલું રડ્યા પ્રભુ માટે? કેટલું રડ્યા? શાસ્ત્રોએ કહ્યું; કે આ આત્મા અતિતની યાત્રામાં સ્વજનો માટે, પ્રિયજનો માટે એટલું રડ્યો છે કે સ્વયંભૂરમણ સમુદ્રની જલરાશિ પણ એની પાસે વામણી લાગે. એટલા આંસુ એને વહાવ્યા છે! પણ એની સામે પ્રશ્ન કર્યો, કે ભાઈ! તે પ્રભુ માટે કેટલા આંસુ વહાવ્યા? ગુરુએ કહ્યું; પ્રભુ આ રહ્યા.! અને પ્રભુ જો આવી ગયા તો માર્ગની દુર્ગમતાની વાત ક્યાં રહી?! એ જ ક્ષણે સદ્ગુરુએ મીરાંને પ્રભુ આપ્યા.! 

હું ઘણીવાર કહું છું; સદ્ગુરુ પાસે કેમ જવાનું? વ્યાખ્યાન સાંભળવા તો જાવ છો. તપ કરવો છે તો પચ્ચક્ખાણ લેવા જાવ છો. વાસક્ષેપ લેવા જાવ છો. હવે એક કારણ ઉમેરવું છે? સદ્ગુરુ પાસે જવું છે. કેમ? પ્રભુ લેવા માટે. સદ્ગુરુ પોતાની પાસે જે શ્રેષ્ઠતમ છે એ તમને આપવા માંગે છે. 

એક વાત by the way પૂછું; અમને જે તમારા માટે ગમે, એ અમે તમને આપી દઈએ કે તમને ગમતું હોય એ અમારે તમને આપવાનું? બોલો? તમને જે ગમે છે, એ અમારે આપવાનું? કે અમને તમારા માટે જે શ્રેષ્ઠ લાગે છે એ તમને આપી દઈએ? કંઈક મેળવવું છે. સદ્ગુરુના ચરણોમાં બેઠા છીએ, કંઈક લઈને જવું છે. કદાચ પરમાત્મા દૂરની ઘટના તમને લાગતી હોય, સદ્ગુરુ પાસે જે આનંદ છે, એ આનંદને લઈને જાવ. 

તો પ્રભુની બહુ મજાની સાધના આપણને મળી છે. અને એ સાધનાનું composition પ્રભુએ પોતે ઉત્તરાધ્યયન સુત્રના પ્રારંભમાં આપ્યું; “संजोगा विप्पमुक्कस्स” સાક્ષીભાવ + સમર્પણ એ પ્રભુની સાધના છે. અત્યારનું આપણું સમર્પણ કાચું કેમ છે? વિચાર કરો, એક સાધુ, એક સાધ્વી સંસાર છોડીને આવ્યા છે. માત્ર સદ્ગુરુના ચરણે, પ્રભુના ચરણે જીવન વિતાવવા માટે. એનું સમર્પણ ૧૦૦% નું ન હોય તો નવાઈ ન લાગે? પણ નથી.! તો કારણ શું? કારણ એ જ છે, કે સાક્ષીભાવ આવે અને સમર્પણ આવે તો એ સમર્પણ સાચું બનશે. સાક્ષીભાવમાં તમારો હું એકદમ શિથિલ બની જશે. તમે કર્તા નથી. માત્ર સાક્ષી છો. એટલે તમારો અહંકાર ઓગળ્યો છે. હવે જે સમર્પણ મળશે એ વાસ્તવિક હશે. નહિતર શું થાય? ગુરુ પ્રત્યે પણ સમર્પણ છે, અને જાત પ્રત્યે પણ સમર્પણ છે; બેય બાજુ છે! હવે percentage વધે કઈ બાજુ? જાત બાજુ! ૬૦% સમર્પણ પોતાનું, પોતાની તરફ. ૪૦% ગુરુ તરફ. બરોબર આવું જ છે ને? ગુરુની આજ્ઞા આપણી ઈચ્છા મુજબની હોય તો મજા આવી જાય. 

પૂર્વની વાતો સાંભળીએ ને આપણા રૂંવાળા ખડા થઇ જાય. ૧૦૦ વર્ષ પહેલાંની એક ઘટના. મુક્તિવિજય મહારાજ છાણીમાં ચોમાસું. છાણી ધર્મની પીઠ કહેવાતી. એમના શિષ્ય વિનોદવિજયજી વડોદરા જાની શેરીમાં ચોમાસું. પર્યુષણા મહાપર્વ પછી ભાદરવા મહિનામાં એક દિવસ છાણીમાં વ્યાખ્યાન પૂરું થયું. દસ- સાડા દસ લગભગ. એક ભાઈ વ્યાખ્યાન પછી ગુરુદેવને મળ્યાં કે સાહેબજી વડોદરા જાઉં છું. કંઈ કામકાજ? એ વખતે ગુરુદેવે કહ્યું; વડોદરામાં મારો શિષ્ય છે, વિનોદવિજય, એને કહેજો ગુરુ મહારાજ યાદ કરે છે. પેલા ભાઈ ૧૧-૧૧.૧૫ એ ત્યાં પહોંચ્યા. મ.સા. ને કહ્યું; ગુરુદેવ આપને યાદ કરે છે. સાઢપોરસી પચ્ચક્ખાણ પારવાનું બાકી છે. થોડી તરસ પણ લાગી છે. પણ ગુરુદેવની આજ્ઞા આવી. તરત ઉભા થઇ ગયા. એક શિષ્યને સાથે લઇ ભાદરવા મહિને સવા અગિયાર વાગે વડોદરાથી છાણી આવ્યાં. લગભગ એક વાગે આવ્યાં. દર્શન કર્યા. ગુરુદેવને દ્વાદશાવર્ત વંદન કર્યું. પચ્ચક્ખાણ લીધું. પુરિમુટ્ઢ-એકાસણાનું. પચ્ચ્ક્કખાણ પાર્યું. પાણી વાપર્યું, ગોચરી વાપરી. પડીલેહણ થયું. ગુરુદેવની વાચના હતી ત્રણ વાગે. ત્રણથી ચાર વાચનામાં બેઠા. ચાર વાગ્યા એટલે ગુરુદેવે કહ્યું; વિનોદવિજયજીને કે હવે તું જા. ખરી બપોરે, ભર તડકકામાં બોલાવ્યા છે; હવે કહે છે જા. શા માટે બોલાવ્યા? કોઈ કારણની વાત નહિ! અને એ શિષ્ય હાથ જોડીને વંદના કરીને રવાના થાય. અઠવાડિયા પછી બીજી વાર ફરી પાછો એ જ રીતે સંદેશો જાય. અગિયાર વાગે પહોંચે સંદેશો. સવા અગિયારે નીકળે. એક વાગે આવે. દર્શન કરે, વંદન કરે, પચ્ચક્ખાણ લે, પારે. એ જ રીતે બીજી વાર પણ વાચના પુરી થઇ. ગુરુદેવે કહ્યું; હવે તું જા. કોઈ કામની વાત નહિ. 

અઠવાડિયા પછી ત્રીજી વાર બોલાવ્યા.! હાજર સેવામાં.! બે વખત શું હતું? આવ્યા અને ગયા. ત્રીજી વખત આવી રહ્યા છે. પણ મનમાં એક અપેક્ષા આવી કે બે વખત ગુરુદેવે બોલાવ્યો. કારણ ન કહ્યું, આજે તો કારણ જરૂર કહેશે. અપેક્ષા સાથે આવ્યાં. એ જ રીતે બધું થયું. વાચના પુરી થઇ. ગુરુદેવે કહ્યું; હવે તું જા. એ વખતે એમણે કહ્યું; ગુરુદેવ! આપ ત્રણવાર નહિ, તેત્રીસ વાર બોલાવજો, આપની સેવામાં હાજર છું. પણ મને લાગે છે, કે આપ કોઈ કારણ વિના તો ન જ બોલાવો. જે પણ સેવાનું કાર્ય હોય સેવકને ફરમાવો. ગુરુએ કહ્યું; આજે તું મારી પરિક્ષામાં નાપાસ થયો છે. ચોમાસા પછી અમદાવાદ જાઉં, ભગવતી સુત્રના યોગ તને કરાવવા, આવું મનમાં નક્કી કરેલું. એ જ વખતે નક્કી કર્યું કે ત્રણ વખત એને બોલાવું. ત્રણ વખત પાછો મોકલું. અને એકદમ કોરી સ્લેટ જેવો રહે તો એને ભગવતીના યોગ કરાવું. ત્રીજી વખતે આજે તું નાપાસ થયો. 

વડોદરા ગયા. થોડા દિવસ પછી અમદાવાદ ડહેલાના ટ્રસ્ટીઓ આવ્યાં. ગુરુદેવને વિનંતી કરી; સાહેબ અમદાવાદ પધારો. ગુરુદેવે કહ્યું; આ રીતે ભગવતીના યોગ કરાવવાની વાત હતી પણ હવે નથી. એ ટ્રસ્ટીઓ વડોદરા ગયાં, અને કહે અમારો તો લાભ છીનવાઈ ગયો. એ વખતે પણ એ ટ્રસ્ટીઓની સામે એ શિષ્ય એક શબ્દ કહેતો નથી કે ગુરુદેવથી આવી પરીક્ષા કરાય ખરી? શું સમર્પિતતા હશે? એમના મનમાં પણ એક જ વાત છે; કે મેં શા માટે પૂછ્યું? ગુરુદેવ કહેત; પૂછવું એ પણ જરૂરી નહતું. શા માટે મેં પૂછ્યું? ભગવતીના યોગ જોડે એમને કોઈ સંબંધ નથી. એમને સંબંધ માત્ર ને માત્ર ગુરુ સાથે જ છે. એક સદ્ગુરુ ત્રણ વખત મને બોલાવે અરે! તેત્રીસ વખત ભલે બોલાવે! મારો ધર્મ છે, એ કહે કે આવ; તો આવવાનું. એ કહે જા, તો જવાનું. ફૂટબોલના દડાની જેમ શિષ્યને રહેવાનું હોય. પેલો આમ કિક મારે તો આમ. આમ કિક મારે તો આમ. મારી ઈચ્છા ક્યાંથી પ્રગટ થઇ કે ગુરુદેવ તમે શા માટે બોલાવો છો? આ સમર્પણ સાચું કેમ બન્યું? સાક્ષીભાવ પાછળ હતો માટે. એટલે આવતીકાલથી આપણે એ ચર્ચા કરવી છે કે સાક્ષીભાવના ત્રણ ચરણો આપણને કઈ રીતે મળે? અને એના દ્વારા આપણું સમર્પણ કઈ રીતે powerful બને. 

આજે મુનિ કૃપાયશરત્નવિજયજીએ છત્રીસ ઉપવાસ કરેલા છે. એનું અત્યારે પારણું છે. સદ્ગુરુના ચરણોની અંદર ગુરુદેવ પૂજ્યપાદ ગુણરત્નસૂરિ મ.સા.નો પ્રતિષ્ઠા મહોત્સવ આવી રહ્યો છે. એના સંદર્ભમાં ગુરુના ચરણોની અંદર છત્રીસ ઉપવાસનો સાધના પુષ્પ આજે એમને સમર્પિત કર્યો.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *