વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : ભાસન વીર્ય એકતાકારી
ભાસન એટલે આત્મજ્ઞાન. વીર્ય એટલે આત્મોપયોગ. આત્મજ્ઞાન અને આત્મોપયોગ એક થઈ જાય ત્યારે જે અનુભૂતિ થાય, તે ધ્યાન.
સાક્ષીભાવ એ ધ્યાનનો base. સદગુરુ આપણને શક્તિપાત થકી સાક્ષીભાવનું એવું રક્ષાકવચ આપી શકે કે આપણે એક ક્ષણ પણ વિભાવોમાં જઈ શકીએ નહિ.
અતીતની યાત્રામાં ટોચની કક્ષાના કેટલાય સદગુરુઓ મળ્યાં છતાં માત્ર શ્રધ્ધા અને સમર્પણના અભાવે આપણે એમનો શક્તિપાત ઝીલી ન શક્યા અને આપણો સંસાર ચાલુ રહ્યો.
પરમ સ્પર્શની યાત્રા – વેસુ ચાતુર્માસ વાચના – ૪૬
સાક્ષીભાવ + સમર્પણ, એ પ્રભુની સાધના. સમર્પણ પ્રભુ આપણને આપશે. કહો કે આપવા તૈયાર જ બેઠા છે! સાક્ષીભાવ આપણી પાસે હોવો જોઈએ. એ સાક્ષીભાવ સદ્ગુરુ આપણને આપે. સદ્ગુરુ એક એવું રક્ષાચક્ર આપણને આપી શકે છે કે આપણે વિકલ્પોમાં ન જઈએ એમ નહિ, વિભાવોમાં એક ક્ષણ માટે જઈ શકીએ નહિ! આવું મજાનું સુરક્ષાચક્ર સદ્ગુરુ આપણને આપી શકે છે. સદ્ગુરુ તૈયાર છે… આપણે તૈયાર થવાનું છે…
સ્થુલભદ્રજી સદ્ગુરુદેવ સંભૂતિવિજય મહારાજ પાસે આવ્યા. સદ્ગુરુના ચરણોમાં એમણે વિનંતી કરી. ગુરુદેવ! મને દીક્ષા આપો. સામાન્યતયા સદ્ગુરુ એની બાયોડેટા જાણ્યા પછી દીક્ષા આપવાનું સાહસ ન કરે. એવી આ વ્યક્તિ છે, વેશ્યાના રંગમાં રંગાયેલી, જેનો સગો બાપ મૃત્યુની પથારીએ છે; સમાચાર મળે છે, અને એ કહે છે કે આમાં મારું શું કામ છે? વૈદ્યોને બોલાવી લો.. એ માણસ દીક્ષા લેવા માટે આવ્યો છે. સદ્ગુરુએ એટલું જ જોયું કે મારા શક્તિપાતને આ ઝીલી શકે એમ છે. સદ્ગુરુએ દીક્ષા આપી. ‘કરેમિ ભંતે’ સૂત્ર શક્તિપાતનું સૂત્ર છે.
સદ્ગુરુ ચાર રીતે શક્તિપાત કરે છે. આંખથી કરે, હાથથી કરે, શબ્દોથી કરે અને પોતાની ઊર્જાથી કરે. ગુરુદેવની ઊર્જા ત્યાં હાજર હતી. ગુરુદેવ હાથ દ્વારા વાસક્ષેપ કરતાં હતાં અને એ જ હાથ દ્વારા સ્થૂલભદ્રજીના બ્રહ્મરંદ્રને ખોલી રહ્યા હતા. એ લૂંચન એ સદ્ગુરુએ કર્યું; સ્થૂલભદ્રજીનું બ્રહ્મરંદ્ર ખૂલી ગયું.. અને એ પછી ‘કરેમિ ભંતે’ નો શબ્દ શક્તિપાત થયો. એવું સુરક્ષાચક્ર મળી ગયું કે સ્થૂલભદ્રજી એક સેકન્ડ માટે વિભાવમાં ન જઈ શક્યા. આપણે શું કરીએ? સ્થૂલભદ્રજી… ભાઈ એ તો બહુ મોટા થઈ ગયા… એમનાં પેગળામાં આપણો પગ ક્યાંથી ઘૂસે? જે-જે મહાપુરુષો થયા, એમને આપણે ઉચ્ચ આસને બેસાડી દીધા; અને કહી દીધું કે એ તો ભાઈ બહુ મોટા ગજાના માણસો હતા, આપણું કામ નહિ. કેમ નહિ? એ સિદ્ધિગતિને પામ્યાં. તમારે પણ એ જ સિદ્ધિગતિને પામવાની છે. એમનામાં જે શક્તિ હતી, એ જ શક્તિ તમારામાં છે. હા, એ શક્તિનો ઉઘાડ સદ્ગુરુ કરે છે. તો આવું સુરક્ષાચક્ર અત્યારે પણ તમને આપી શકાય, If you are ready.
સ્થૂલભદ્રજી પાસે શું હતું? સદ્ગુરુએ જોયું કે મારા શક્તિપાતને આ ઝીલી શકશે. તો સ્થૂલભદ્રની પાસે એવી કઈ સજ્જતા હતી કે ગુરુએ નક્કી કર્યું કે મારા શક્તિપાતને આ ઝીલી શકશે. એ જે બહુમાન… એ જે અહોભાવ… સ્થૂલભદ્રજીના મનમાં એક જ વિચાર એ વખતે હતો કે અનંત જન્મોથી વિષય અને કષાયના આ રણમાં હું રખડી રહ્યો છું. એક જ આ સદ્ગુરુ, મને આ રણની પેલે પાર લઇ જઈ શકે એમ છે. આ સદ્ગુરુનાં ચરણોને એવી રીતે પકડી લઉં કે મારો બેડો પાર થઈ જાય. એવી એક પ્રબળ શ્રદ્ધા સદ્ગુરુ પ્રત્યેની.. એવું એક પ્રબળ સમર્પણ સદ્ગુરુ પ્રત્યેનું… એક સેકન્ડમાં શક્તિપાત!
મેં પહેલા પણ કહેલું. શક્તિપાત કરતા કોઇ પણ ગુરુને એક સેકન્ડથી વધારે સમય લાગવાનો નથી. પણ એ શક્તિપાત તમે ઝીલી શકો એના માટે વર્ષોથી નહિ, જન્મોથી સદ્ગુરુ ચેતના તમારા ઉપર કામ કરી રહી છે. એક જ વાત કહી કે એવી શ્રદ્ધા, એવું સમર્પણ તારી પાસે આવી જાય તો એક સેકન્ડમાં શક્તિપાત કરી દઉં.
મારો પોતાનો સદ્ગુરુના શક્તિપાત પર બહુ જ વિશ્વાસ છે. વિષય અને કષાયમાં આથડી રહેલાં આપણે કઈ રીતે સાધનામાર્ગમાં ઉંચકાઇએ? સદ્ગુરુનો શક્તિપાત એ લીફ્ટ છે. લિફટમાં બેઠા, બટન દબાવ્યું, લીફ્ટ પંદરમાં માળે પહોંચી ગઈ. પણ ઈલેક્ટ્રીસીટી ફેલ હોય અને દાદરા ચડવા પડે તો? સદ્ગુરુનો શક્તિપાત એ લીફ્ટ છે. એક જ ક્ષણમાં શક્તિપાત થાય; રાગ-દ્વેષની તાકાત છે કે તમારામાં આવી શકે? એવું સુરક્ષાચક્ર આપી દીધુ કે તમારી ભીતર એક સેકંડ માટે પણ રાગ કે દ્વેષનો, અહંકારનો પ્રવેશ ન થાય. સ્થૂલભદ્રજી પર શક્તિપાત થયો.
એ પછીની ઘટના તમારા ખ્યાલમાં છે. ચોમાસાનો સમય નજીક આવ્યો. અને સ્થૂલભદ્રજીએ કહ્યું, ગુરુદેવ! વેશ્યાને ત્યાં ચોમાસા માટે જાવું? ગીતાર્થ ગુરુ એટલે શું? એ અહીંયા ખ્યાલ આવે.! ક્યારેય પણ ગીતાર્થ ગુરુના આચરણને બુદ્ધિની ફૂટપટ્ટીથી માપવાની કોશિશ નહિ કરવાની.
આજના યુગમાં જયઘોષસૂરી દાદા હતા. ગીતાર્થ મૂર્ધન્ય સદ્ગુરુ. મને કોઇ પણ પ્રશ્ન થાય તો હું એ ગુરુદેવને જ પૂછતો, અને એમનું જે સમાધાન આવતું, શાસ્ત્ર સાપેક્ષ, કાલ સાપેક્ષ; આપણને લાગે કે એકદમ પરફેક્ટ. ગીતાર્થ સદ્ગુરુ હતા. સાહેબે એકવાર કહેલું વાચનામાં. સાહેબજી વિહારમાં હતા. ડોળીમાં બિરાજમાન. સાહેબજીએ જોયું કે ઘણા મુનિવરો મોજા નથી પહેરતા. મોજા ન પહેરે. રોડ પર ચાલવાનું હોય. પગના તળિયા ઘસાઈ જતાં. એ પછી રોડનો વચલો જે ભાગ હોય એ થોડો સારો હોય. સાઈડના ભાગ થોડા રફ હોય. તો પગની ચામડી ઘસાઈ ગઈ છે. તો એ મુનિવરો રોડની વચ્ચે ચાલતા હતાં. ગુરુદેવે જોયું; એ જ દિવસે એમણે વાચનામાં કહ્યું કે મોજા ફરજીયાત બધાએ પહેરવાનાં. મોજા નહિ પહેરે એને હું પ્રાયશ્ચિત આપીશ. આ ગીતાર્થ ગુરુ..
સ્થૂલભદ્રજી પૂછે છે; ગુરુદેવ! વેશ્યાને ત્યાં ચોમાસું કરવા માટે જાઉં? ગીતાર્થ ગુરુ હા પાડે છે. આપણે બાજુમાં હોઈએ તો શું થાય ભાઈ? આ સ્થૂલભદ્ર અને એને વેશ્યાને ત્યાં ચોમાસું જવાની ગુરુ આજ્ઞા આપે? તમારી શ્રદ્ધા ગુરુ પ્રત્યેની કેટલી? એક શ્રદ્ધા ન હોવાના કારણે, એક સમર્પણ ન હોવાને કારણે, આપણો અનંતો સંસાર વધ્યો છે. ટોચના સદ્ગુરુઓ અતિતની યાત્રામાં આપણને મળ્યા. એવા સદ્ગુરુઓ એક ક્ષણમાં જે શક્તિપાત કરી શકતા હતા. એવા સદ્ગુરુઓની નિશ્રામાં એક જનમમાં નહિ, કેટલાય જન્મોમાં આપણે રહ્યા. પણ આપણો સંસાર એવો ને એવો રહ્યો. એક જ કારણ કે સદ્ગુરુ પ્રત્યે આપણે એટલી શ્રદ્ધા ન રાખી શક્યા. માથું ઝૂક્યું, મન ઝુકેલું? પુરા અસ્તિત્વને ઝુકાવવું છે.
જ્ઞાનદેવ મહારાષ્ટ્રના પ્રથમ ભક્તિના સંત ગણાય. એમણે એકવાર કહેલું કે નવ વર્ષની ઉંમરે મારા ગુરુ પાસે હું ગયેલો. જે પોતાની કુળ પરંપરામાં આવેલા ગુરુ હતા એ. નવ વરસની ઉંમર. ગુરુ પાસે હું ગયો. ઝૂક્યો. પૂરું અસ્તિત્વ ઝુકી ગયું. અને જ્ઞાનદેવ કહે છે, કે હું ઉભો થયો ત્યારે ગુરુનું બધું જ્ઞાન મારામાં આવી ગયેલું! ગુરુએ કહ્યું કે બેટા! બધું જ જ્ઞાન તને મળી ગયું છે, હવે મારે વધારે તને આપવાનું કાંઈ રહેતું નથી. ઝૂકો…. ઝુકી જાઓ…
વેશ્યાને ત્યાંથી સ્થૂલભદ્રજી પાછા આવ્યા, ચોમાસું કરીને. બીજા બધા મુનિઓને ગુરુએ શું કહેલું? દુષ્કરકારક તમે છો. સાપના રાફડા પાસેથી આવ્યા, દુષ્કરકારક તમે છો. પણ સ્થૂલભદ્રજી આવ્યાં; ગુરુ એ એમને બાહોમાં લઇ લીધા, અને કહ્યું, બેટા! તે દુષ્કર-દુષ્કર કામ કર્યું છે! પરંપરામાં એનો મોહક અર્થ છે. પેલા મુનિવરોએ પ્રતિકુળતાની વચ્ચે ધ્યાનસાધના ચાર મહિના કરેલી. સ્થૂલભદ્રજીએ અનુકુળ સંયોગોની અંદર સાધના કરેલી, અને એટલે જ એ બહુ દુષ્કર હતું. બીજો અર્થ એ છે કે સ્થૂલભદ્રજીએ બે દુષ્કર કામો કર્યા. સદ્ગુરુની ઊર્જાને ગ્રહણ કરી, સદ્ગુરુના શક્તિપાતને સ્વીકાર્યો, એ પહેલું દુષ્કર કાર્ય. અને સદ્ગુરુથી આટલા ભૌગોલિક રૂપે દુર ગયા પછી પણ એ જ ઊર્જામાં એ રહી શક્યા એ બીજું દુષ્કર કાર્ય. વેશ્યાને ત્યાં ગયેલા સ્થૂલભદ્રજી રોજ સવારે ઉઠે, રજોહરણને મસ્તકે લગાવે અને પછી સદ્ગુરુને યાદ કરે. આંખમાં આંસુ અને એ સદ્ગુરુને કહેતા હોય કે ગુરુદેવ! હું આપના ઓરાફિલ્ડમાં જ છું ને? આપના ઓરાફિલ્ડમાંથી સહેજપણ બહાર હું ન નીકળી જાઉં, એનો ખ્યાલ આપ રાખજો. તો એવું સુરક્ષાચક્ર સદ્ગુરુએ આપ્યું કે આવા નિમિત્તોની વચ્ચે પણ એક સેકન્ડ માટે રાગ ન થાય.! અને આવું સુરક્ષાચક્ર તમને પણ મળી શકે.!
સદ્ગુરુનું કામ શું છે? યોગ અને ક્ષેમ એ જ તો સદ્ગુરુનું કાર્ય છે. તમને પણ સુરક્ષાચક્ર આપી શકાય. જોઈએ છે? રાગ અને દ્વેષ છે તો છે. અહંકાર છે તો છે. પણ પ્રભુ અને સદ્ગુરુ પણ સામે છે ને, એ કેમ જોતા નથી? ગુંડો માણસ કોઈને પજવતો હોય, અને એ જ વ્યક્તિનો એકદમ ક્લોઝ ફ્રેન્ડ પોલીસ ઇન્સ્પેકટર હોય. એ વ્યક્તિ ફોન કરે ને કે ભાઈ આ વ્યક્તિથી મને ભય છે. તરત જ ૫-૭ પોલીસ એના ઘરે આવી જાય; સુરક્ષા ચક્ર એને મળી જાય. રાગ અને દ્વેષ છે.. અહંકાર છે.. એથી ગભરાવવું નથી.. પ્રભુની અને સદ્ગુરુની શક્તિ કેટલી છે?
ઉપાધ્યાયજી ભગવંતે સ્તવનામાં કહ્યું; “હારીએ નહિ પ્રભુ બળ થકી, પામીએ જગતમાં જિત રે” પ્રભુબળ કે સદ્ગુરુબળ એ જેની પાસે છે એને હારવાનો કોઈ સવાલ નથી.! સિમંધર પ્રભુના સ્તવનમાં પણ કહેવામાં આવ્યું; “તુમ આણા ખડગકર ગ્રહીયો છે, તો કાંઈક મુજથી ડરીયો છે” પ્રભુની આજ્ઞાની તલવાર આપણા હાથમાં આવી ગઈ; મોહનો પછી સહેજ પણ ભય આપણને નથી.
તો સાક્ષીભાવ.. તમે બધાથી નિર્લેપ બનવા લાગો.. રાગમાં લઇ જનારી ઘટના એની પણ તમને અસર ન થાય, દ્વેષમાં લઇ જનારી ઘટના એની અસર તમને ન થાય!
અમેરિકાનો સુરક્ષામંત્રી. આખું જ પોલીસ તંત્ર એના કબજામાં. એક સેનાપતિએ એ મંત્રીની વાત માની નહિ. મંત્રી ગુસ્સે થઈ ગયો. એ પ્રમુખ પાસે આવ્યો. પ્રમુખને કહ્યું, કે મારો સેનાધિપતિ મારી વાત ન માને કેમ ચાલી શકે? અમેરિકાનો પ્રમુખ એ વખતે આઈઝેન હોર હતા. બહુ જ શાંત પ્રકૃતિના માણસ. એમણે કહ્યું, ચાલે જ નહિ ને..! ચાલે આવું? એક પત્ર લખ સેનાપતિ ઉપર ધડધડાવીને. પછી આપણે એને મોકલી દઈએ. પેલાએ પત્ર લખ્યો, બહુ જ કડક શબ્દોમાં. પ્રમુખને વાંચવા આપ્યો. પ્રમુખ કહે છે હજુ બરોબર નથી. હજુ ધડધડાવીને લખ.! બીજો પત્ર લખ્યો. પ્રમુખ કહે છે, હજુ બરોબર નથી. જરાક થોડીક ગાળોનો વરસાદ વરસાવી દે.! તારુ કહ્યું ન માને ચાલે કેમ? પેલાએ ત્રીજો પત્ર લખ્યો. પણ એ રીતે ક્રોધનું વિલેચન થયું ને, એટલે શાંત થઈ ગયા. પછી પ્રમુખ હસ્યા કે બોલ? હવે આ પત્ર મોકલવાં છે કે કચરાટોપલામાં નાખી દઈએ? ક્રોધના વિરેચન માટે આજે તો ઘણીબધી પદ્ધત્તિઓ અજમાયશમાં આવે છે.
પ્રભુની આજ્ઞાની તલવાર તમારી પાસે પણ છે. છે ને? ભલે શ્રાવક રહ્યાં. શ્રાવિકા તરીકે રહ્યા. પણ પ્રભુની આજ્ઞાની તલવાર તો તમારી પાસે છે જ; એ તલવાર હોય તો મોહ દુર ભાગી જ જવાનો છે.! આજ્ઞારૂપી તલવાર તમારી પાસે છે, એનો સીધો અર્થ એ છે કે મારા પ્રભુને ગમે એવું મારે કરવું છે, અને મારા પ્રભુને ન ગમે એવું મારે કરવું નથી. હવે બોલો. ક્રોધ આવવાની તૈયારી હોય. તરત જ યાદ આવે. મારા પ્રભુને આ ગમશે? મારા પ્રભુને ન ગમે, એવું મારાથી કેમ થઈ શકે?!
મુંબઈ માટુંગામાં મારું ચોમાસું. એક બપોરે એક સાધિકાબેન સાધનાના પ્રશ્નો લઈને આવેલ. એમના પ્રશ્નોનું સોલ્યુસન થઈ ગયેલું. પછી વાતમાં ને વાતમાં એમણે કહ્યું કે સાહેબ! લગ્ન પહેલા ડ્રેસીસનો બહુ મોટો શોખ હતો, શ્રીમંત ઘરમાં જન્મેલી હતી, મોંઘામાં મોંઘા ડ્રેસ મારી પાસે હતા. લગ્ન કરીને પતિને ત્યાં ગઈ. લગ્ન સમયે સાડી પહેરેલી હતી. પતિએ મને એટલું જ કહ્યું, કે તું સાડી પહેરીશ તો મને ગમશે. કોઈ ફોર્સ નહિ. તું સાડી પહેરીશ તો મને ગમશે. એ બહેન કહે છે કે સાહેબ! એ પતિનું વચન. બધા જ ડ્રેસીસ પેટીમાં પુરાઈ ગયા અને માત્ર સાડી પહેરવાની શરૂ થઈ ગઈ. એક પતિ કહે છે કે સાડી પહેરીશ તો મને ગમશે, એ પતિના વચનને કારણે પત્ની બધો જ ડ્રેસીસનો શોખ મૂકી દેવા તૈયાર થઈ જાય. તમે પ્રભુ માટે કેટલા તૈયાર છો?
Actually તમારા માટે પ્રવચન એ શું છે? મારા પ્રભુને હું કેવી રીતે જીવું તો ગમે? એ વાત તમારે પ્રવચનમાંથી જાણવાની છે. તમે જે રીતે જીવી રહ્યા છો. એ જીવનશૈલી પ્રભુને ગમે છે કે કેમ એ તમારે સદ્ગુરુને પૂછવું છે. Am I right sir? સાહેબ હું ચાલુ છું, પણ આ પ્રભુની આજ્ઞાને સ્વીકાર્ય ખરું?
તો પ્રભુની આજ્ઞાની તલવાર આપણા હાથમાં છે. એનો મતલબ એ થયો કે પ્રભુને ગમે તે કરવું છે, પ્રભુને ન ગમે એ કરવું નથી. તમે પરભાવમાં જાવ પ્રભુને ગમે? પ્રભુને નથી ગમતું. તો પરભાવમાં મારે જવાનું નથી.! આ સાક્ષીભાવ એ ધ્યાનનો બેઝ છે. સાક્ષીભાવમાં શું થયું? પરની અંદર જે આપણો ઉપયોગ જતો હતો. પરમાં જે મન જતું હતું એ અટકયું; આ ફાઉન્ડેશન. ઉપયોગ તમારો સતત પરમાં જઈ રહ્યો છે, એ પરમાં જતો ઉપયોગ અટકે એ ફાઉન્ડેશન; અને એ ઉપયોગ, એ મન, સ્વની અંદર જાય એનું નામ ધ્યાન.
તો બહુ મજાની સુબાહુ જિન સ્તવનાની કડી આપી; “ધ્યેય સ્વરૂપે પ્રભુ અવધારી, દુર ધ્યાતા પરિણતી વારિ રે; ભાસન વીર્ય એકતાકારી, ધ્યાન સહજ સંભારી રે” એક ધ્યાન કરનારો છે. એક ધ્યેય છે. આપણે શું બનવું છે? આપણે આપણી ચેતનાને બિલકુલ નિર્મળ બનાવવી છે. પ્રભુની ચેતના જેવી નિર્મળ છે એવી જ નિર્મળ ચેતના આપણી સત્તા રૂપે છે, હકીકતમાં નથી, તો આપણે એને એવી જ નિર્મળ બનાવવી છે. તો પ્રભુની જે નિર્મળ ચેતના છે, તે આપણા માટે ધ્યેય બની જાય, આલંબન રૂપ બની જાય, કે મારો ultimate goal આ છે; પ્રભુ જેવી નિર્મળ ચેતના મારી પણ હોવી જોઈએ. “ધ્યેય સ્વરૂપે પ્રભુ અવધારી”.
પછી “દુર્ધ્યાતા પરિણતિ વારિ રે”. મનને રાગ દ્વેષ અહંકારમાં એક ક્ષણ માટે પણ જવા દેવું નથી. ધ્યાનમાં તમે બેસો, એ વખતે તમારું મન એકદમ પરમાત્મા સાથે જોડાઈ જાય; અને એથી રાગ દ્વેષ અહંકારનો સવાલ આવે જ નહિ.!
હવે ધ્યાનની વ્યાખ્યા આપે છે. અદ્ભુત્ત વ્યાખ્યા છે.. “ભાસન વીર્ય એકતાકારી ધ્યાન સહજ સંભારી રે”. ભાસન વીર્ય એકતાકારી – આ ધ્યાનનું સ્વરૂપ. ભાસન એટલે જ્ઞાન, આત્મજ્ઞાન. વીર્ય એટલે ઉપયોગ. આત્મજ્ઞાન એ ધ્યાન નથી, પણ આત્માની અનુભૂતિ એ ધ્યાન છે. શબ્દ કે વિચાર એ ધ્યાનની પૃષ્ઠભૂ બની શકે, ધ્યાન નહિ. ધ્યાન એટલે માત્ર ને માત્ર અનુભૂતિ. તો અહીંયા કહ્યું; ‘ભાસન વીર્ય એકતાકારી.” આત્મજ્ઞાન અને આત્મોપયોગ એ બંને ભેગા થઈ જાય, એનું નામ ધ્યાન. એટલે ધ્યાનની ક્ષણોમાં તમે માત્ર અને માત્ર તમારી નિર્મળ ચેતનાની અનુભૂતિ કરો છો.
એક વાત તમને કહું. અડધો કલાક ધ્યાન કર્યું. તમારા નિર્મળ સ્વરૂપનો અનુભવ તમને થયો, પછી રાગ કે દ્વેષની દુનિયામાં તમે જઈ શકશો નહિ. એ નિર્મળ ચેતનાનો અનુભવ એટલો તો મજાનો હશે કે તમે એને છોડીને રાગદ્વેષમાં જવાની ઈચ્છા પણ નહિ કરો. પણ એકવાર અનુભવ થવો જોઈએ. ધ્યાન એ આપણી પરંપરા છે. માત્ર ૪૦૦ વરસથી ધ્યાન જીવંતરૂપે ખોરવાઈ ગયું છે. એ પહેલા ધ્યાન આપણી જીવંત પરંપરા હતી. તો માત્ર આત્મજ્ઞાન એ ધ્યાન નથી. આત્મજ્ઞાન તો એટલા માટે કે આત્મજ્ઞાન થયા પછી અનુભૂતિની તલપ લાગે. કેરી આટલી મીઠી હોય એ જાણ્યા પછી કેરી ખાવાની ઈચ્છા થાય, ગોળ મીઠો છે એ જાણ્યા પછી ગોળ ખાવાની ઈચ્છા થાય; એમ આત્મજ્ઞાન મળ્યા પછી અનુભૂતિની ઈચ્છા થાય, માત્ર જ્ઞાનનો કોઈ અર્થ નહિ!
એક શિષ્ય હતો. બહુ વિદ્વાન. આત્મતત્વ ઉપર બોલે ને તો ભલભલા આશ્ચર્યચકિત થઈ જાય. એકવાર ગુરુએ એને કહ્યું કે તું આત્મતત્વ ઉપર સરસ બોલે છે, જરા બોલ તો. ગુરુની પાસે બોલવાનું. છક્કા છૂટી જાય! પણ એ શિષ્ય હિંમત કરીને દોઢ કલાક સુધી non-stop આત્મતત્વ ઉપર અલગ-અલગ references આપીને પ્રવચન કરે છે. એની અપેક્ષા હતી કે આટલું સરસ પ્રવચન કર્યું છે, ગુરુ મને બાહોમાં લેશે. પણ ગુરુને શબ્દો જોડે કોઈ સંબંધ નથી. ગુરુ એના ચહેરા સામે જોઈ રહ્યા હતા. એનું પ્રવચન પૂરું થયું. ત્યારે ગુરુએ કહ્યું કે ભાખરીના ચિત્રોથી પેટ ભરાઈ નહિ? You can’t fill your stomach with the picture of cakes. તારી પાસે શું છે? ભાખરીના ચિત્રો છે. ભાખરી ક્યાં છે? આત્મતત્વ વિશે શબ્દો તારી પાસે છે, આત્મતત્વની અનુભૂતિ તારી પાસે નથી; આ શબ્દોનો કોઈ અર્થ નથી!
“ભાસન વીર્ય એકતાકારી.” આત્મજ્ઞાન અને આત્મોપયોગ એ બંને જયારે એકમેક થઈ જાય છે ત્યારે આત્માનુભુતિ થાય છે, અને એ આત્માનુભુતિ એ જ ધ્યાન છે.
તો સાક્ષીભાવ દ્વારા આપણે પણ ધ્યાનની દુનિયામાં જઈએ.
