વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : જાગૃતિના પ્રકારો
ક્ષયોપશમભાવની તીવ્રતા અને મંદતાના આધારે જાગૃતિના ત્રણ પ્રકાર પડે. એક થોડી ઝાંખી પડેલી જાગૃતિ; જે અત્યારે આપણી પાસે છે. બીજી એ જાગૃતિ જે આપણી પાસે અત્યારે હોવી જોઈએ. અને ત્રીજી એ જાગૃતિ જે આપણું આ જીવનનું અંતિમ લક્ષ્ય હોય.
અત્યારની જાગૃતિ એવી છે કે જેમાં રાગ, દ્વેષ, અહંકારની ધારા મનમાં ચાલુ થાય અને તરત ખ્યાલ આવી જાય કે આ ધારા ચાલુ થઇ છે. દર્શનમોહનીયના ક્ષયોપશમને કારણે ખ્યાલ આવી જાય છે પણ ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ એવો તીવ્ર નથી એટલે એમાં વહેવું ગમે છે.
બીજી ભૂમિકા એ છે કે તમે અજાગૃત હતા અને રાગ-દ્વેષ સ્પર્શી ગયો. પણ વિભાવની ધારામાં તમે માત્ર એકાદ ક્ષણ વહ્યા; વધુ નહિ. જ્યાં તમને ખ્યાલ આવ્યો કે મારે આમાં જવાય નહિ, એ ક્ષણે તમે તરત જ પાછા ફરી જાવ. આ જાગૃતિ અત્યારે તમારી પાસે હોવી જોઈએ.
આત્મ તત્વનું અનુસંધાન વાચના – ૫
પ્રભુની આપણા પરની શ્રદ્ધા. મારો મુનિ, મારી સાધ્વી સતત જાગૃત હોય. જાગૃતિના ૩ પ્રકાર આપણે પાડી શકીએ. એક થોડી ઝાંખી પડેલી જાગૃતિ. જે અત્યારે આપણી પાસે છે. બીજી એ જાગૃતિ જે આપણી પાસે અત્યારે હોવી જોઈએ. અને ત્રીજી એ જાગૃતિ જે આપણું આ જીવનનું અંતિમ લક્ષ્ય હોય. જાગૃતિમાં તારતમ્ય કેમ આવ્યું? મોહનીયના ક્ષયોપશમને કારણે જાગૃતિ આવે છે. એ ક્ષયોપશમભાવમાં તીવ્રતા અને મંદતા આવવાની જ છે. તો અત્યારે આપણી પાસે જે જાગૃતિ છે, એ કેવી છે? ઘણાની આવી ન પણ હોય. ઘણાની બીજા પ્રકારની જાગૃતિ હશે. પણ આપણે તળિયે જઈએ તો પણ આનાથી વધારે અજાગૃતિમાં જઈ ન શકીએ.
રાગ, દ્વેષ, અહંકારની ધારા મનમાં ચાલુ થઇ, ખ્યાલ આવી ગયો કે આ ચાલુ થઇ છે. પણ ગમે છે. દર્શનમોહનીયના ક્ષયોપશમને કારણે ખ્યાલ આવ્યો, પણ ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ એવો તીવ્ર નથી. એના કારણે રાગ છે એ ખ્યાલ છે. દ્વેષ છે એ ખ્યાલ છે. અહંકાર છે એ ખ્યાલ છે છતાં એમાં વહેવું ગમે છે. ગઈ કાલે કહ્યું તેમ પ્રભુએ આપેલું રજોહરણ અસ્તિત્વના સ્તરે પહોંચી જાય, તો આ અજાગૃતિ ન હોય. તમને સતત ખ્યાલ હોય, “સમણોSહં સંજય વિરય પડિહય પચ્ચક્ખાય પાવકમ્મ” હું આવો શ્રમણ છું. હું આવી શ્રમણી છું. આ ખ્યાલ સતત જો રહે, તો જાગૃતિમાં પણ બહુ જ મજાનું વિભાવન આપણને મળે. પણ એ વાત ભુલાઈ જાય છે. અને એને કારણે રાગની કે દ્વેષની ધારામાં વહી જવાય છે. એકાદ મિનિટ તમે અસાવધ હોવ અને રાગ કે દ્વેષનો ઉદય થાય અને તમે ઊંઘતા ઝડપાઈ જાવ, એ એક અલગ વાત છે. પણ ખ્યાલ આવ્યા પછી પણ એ રાગ ગમે છે. એ જીવદ્વેષ ગમે છે. એ અહંકાર ગમે છે. અને એની ધારામાં તમે ચાલો છો. તો આ તમારી મોટી અજાગૃતિ છે.
એમાંથી અત્યારે આપણે બીજા પ્રકારમાં જવાનું છે. તો અત્યારની અજાગૃતિ કેવી છે? કે ધારામાં વહીએ, ખબર પડે તો પણ ચાલ્યા કરીએ. કોઈનો કોઈ દોષ જોયો, તરત જ બીજાને કહેવાની ઈચ્છા થઇ જાય છે. જોયું, આમનામાં આ છે. ક્યારેક તો જોયું પણ ન હોય, સાંભળ્યું હોય અને બીજાને આપણે supply કર્યા કરીએ.
એક શિષ્ય ગુરુ પાસે આવ્યો. ગુરુ બહુ જ જ્ઞાની હતા, face reading ના master. શિષ્ય આવ્યો, એણે વંદન કર્યું. હાવ-ભાવ પરથી લાગ્યું કે એ કંઈક કહેવા ઈચ્છે છે. અને એની મનોવૃત્તિ જોતાં એ શું કહેવા માંગે છે એનો ખ્યાલ પણ સદ્ગુરુને આવી ગયો. બીજા એક ગચ્છમાં કે બીજા એક વૃંદમાં કોઈ મુનિએ કે કોઈ સાધ્વીએ અનુચિત કામ કરેલું. આ એના સાંભળવામાં આવ્યું. એટલે એને થયું કે હું ગુરુને વાત કરું. કે આપણે કેટલા સારા છીએ… જુઓ પેલા ગચ્છમાં તો આવું ચાલે છે. ગુરુને ખ્યાલ આવી ગયો કે આ વાત કહેવા માટે આવ્યો છે. એટલે ગુરુના કાન પર તો પેલી વાત આવી જ ગયેલી હતી… ત્યારે ગુરુએ કહ્યું કે તારે મને શું કહેવાનું છે એ મને ખ્યાલ આવી ગયો છે. હવે મારા તને ત્રણ પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન એ કે તે એ વાતને સાંભળેલી છે? જોઈ નથી નજરે, તો સાંભળેલી વાત ૧૦૦% સાચી હોઈ શકે ખરી? એ માણસે એ વ્યક્તિના વિદ્વેષને કારણે વાતને વધારી-ચડાવીને કીધેલી હોય. તો શિષ્યે કહ્યું: બની શકે. કે એ વાત ૧૦૦% સાચી ન પણ હોય. બીજો પ્રશ્ન ગુરુએ કર્યો, કે એ વાતને સાંભળી એનાથી તને આત્મિક લાભ થયો કંઈ? થાય ભાઈ? કોઈની નિંદા સાંભળવાથી આત્મિક લાભ તમને થાય? ન થાય. તો ય સાંભળો ખરા. સાંભળો પણ ખરા, બીજાને supply પણ કરો. મરચું-મીઠું તમારું નાંખો પાછા, તો ગુરુ પૂછે છે કે તે એ વાત સાંભળી, એનાથી તને આત્મિક લાભ કોઈ થયો? પેલો કહે, સાહેબ આત્મિક લાભ તો આનાથી શું થાય. અચ્છા, તું મને સંભળાવા માંગે છે, બીજાને પણ તે આ વાત સંભળાવી હશે, તો બીજાને તું આ વાત સંભળાવે એનાથી બીજાને કોઈ લાભ થાય ખરો? તો કહે કે ના સાહેબ ના થાય. તો ગુરુ કહે છે, જે વાત ૧૦૦% સાચી છે એવું નક્કી નથી. જે સાંભળવાથી તને લાભ નથી, બીજાને સંભળાવાથી તને લાભ નથી, એ વાતમાં તું સમય બગાડે? તારી એક-એક ક્ષણની કિંમત છે. અને તું આવી કોઈની નિંદાત્મક વાતો સાંભળવામાં સમય પસાર કરે છે. તને તારી એક-એક ક્ષણની કિંમત નથી?
તો અત્યારની આપણે જો બરોબર જાગૃત ન હોઇએ તો આપણી મન:પરિસ્થિતિ આ છે. કે રાગ છે એ ખ્યાલ આવી ગયો, દ્વેષ છે એ ખ્યાલ આવી ગયો, એ ખોટું છે એ પણ ખ્યાલ આવી ગયો. અને છતાં અનાદિની સંજ્ઞાને વશ એમાં લસરવાનું તમને ગમે છે. કદાચ આ ભૂમિકા ઉપર તમે ન હોવ, તો તમને અભિનંદન આપું. અને આ ભૂમિકા ઉપર હોવ તો તરત જ તમારે બીજી ભૂમિકા ઉપર આવી જવું છે.
બીજી ભૂમિકા એ છે કે તમે અજાગૃત હતા, રાગ-દ્વેષ સ્પર્શી ગયો. પણ જે ક્ષણે તમને ખ્યાલ આવ્યો, એ ક્ષણે તમે એમાંથી છુટા પડી જાવ. રાગ, દ્વેષ, અહંકાર ખરાબ છે એ તો ખ્યાલ જ છે. પણ તમે અજાગૃત હતા. અને દ્વેષની ધારામાં કે રાગની ધારામાં વહી ગયા. વાપરવામાં કોઈ સ્વાદિષ્ટ વસ્તુ આવી, તો રાગની ધારામાં તમે એક મિનિટ વહ્યા. વધારે નહિ, એક મિનિટ. પણ જ્યાં તમને ખ્યાલ આવ્યો કે આ રાગની ધારા, મારે આમાં જવાય નહિ. એ ક્ષણે તમે પાછા ફરી જાવ. આ જાગૃતિ અત્યારે તમારી પાસે હોવી જોઈએ.
એક ઝેન ઉપાસિકા હતી. વર્ષો પહેલાંની ઘટના છે. એ પોતાના આશ્રમમાં ગંગા નદીનું પાણી લઈને આવતી હતી. કાવડ તો તમે જોઈ છે, બે બાજુ માટીના ઘડા લટકાવાય. અને વચ્ચે લાકડી જે હોય, એને ખભા ઉપર ટેકવી દેવાય. તો એ ઝેન ઉપાસિકા એ રીતે ચાલી રહી છે. એમનો નિયમ હોય છે કે કાવડ નીચે ન મુકાય. બીજો કોઈ ઉપાડી લે તરત તો બરોબર… નહીતર થાક ખાવા પણ બેસાય નહિ. અને અત્યારે એવા કાવડીયાઓ લાખોની સંખ્યામાં નીકળે છે, એકસાથે.. પર્વો હોય ત્યારે… અને એ વખતે સરકાર એ રોડ બધા block કરી નાંખે. માત્ર ચાલવાવાળા માટે જ. તો રાત પડી. પૂનમની રાત. આગળનો જે ઘડો હતો, એમાં ચંદ્રનું પ્રતિબિંબ પડતું હતું. એ ચંદ્રનું પ્રતિબિંબ એને ગમી ગયું. રાગ થયો. પણ કયારેક પ્રભુની કૃપા કેવી વરસે ખબર છે?
કોઈના માટે આપણે ખરાબ બોલતાં હોઈએ અને આપણી જીભ દુઃખવા આવે કે જીભમાં કોઈ તકલીફ થાય તો એ કૃપા જ છે ને, કૃપા જ છે ને… તો પ્રભુની કૃપા ત્યાં ઉતરી. એને ઠેસ લાગી. ઠેસ લાગી એટલે પડી. પડી એટલે માટીના ઘડા ફૂટી ગયા. ચંદ્ર ગયો. આગળના ઘડામાં જે ચંદ્ર દેખાતો હતો એ ગયો. અને એ ઉપાસિકા તરત જ સાવધ થઇ ગઈ. જાગૃત થઇ ગઈ. કે જે ક્ષણ જ અસ્થાયી છે, એના ઉપર રાગ કેવો? રાગ કોના પ્રત્યે હોય? પરમાત્મા પ્રત્યે. માત્ર પરમાત્મા પ્રત્યે.
મીરાંએ તો કહેલું, “જો પહનાવે સો હી પહનું, જો દે સો હી ખાઉં” એ જે પહેરાવશે એ પહેરીશ. એ જે ખાવાનું આપશે એ ખાવાનું આપીશ. અને છેલ્લે કહ્યું, ‘બેચે તો બિક જાઉં.’ એ વહેંચી દે મને તો વહેંચાઇ જવા પણ તૈયાર છું. હું છું જ નહિ. એ જ છે. ૧+૧=૧. દીક્ષાનો મતલબ તમે શું સમજ્યા બોલો… ૧+૧=૧. તમે + ભગવાન = ભગવાન. તમે ગયા. તમે + સદ્ગુરુ = સદ્ગુરુ. તમે ગયા. પ્રભુના પ્રેમમાં ડૂબવા માટે કેટલું સરસ વાતાવરણ મળ્યું છે. નીરવ શાંતિ. પ્રકૃતિનું સામ્રાજ્ય ચારે બાજુ. અને આમ જોતાં જ આપણી આંખોને ખેંચી લે એવા પરમાત્મા. ભક્તિ, જાપ, ધ્યાન એ બધામાં તમે ડૂબેલા છો. પણ આપણે result એનું આ જોઈએ છે કે એકમાત્ર પરમાત્માનો પ્રેમ અને એની આજ્ઞાનો પ્રેમ.
પરમાત્મા એવા ગમી જાય, કે બીજું કંઈ ગમી શકે નહિ… આપણા જે બધા જ ભક્તો થયા, એ ભક્તોની પાસે આ જ વસ્તુ હતી. નંદીષેણ મુનિએ પ્રભુની પાસે શું માંગ્યું? તે જે રત્નત્રયી આપી છે, એનો આનંદ દિન-પ્રતિદિન મારો વધતો જાય. ગઈ કાલે તમને જે આનંદ હતો, એના કરતાં આજનો આનંદ વધવો જોઈએ. અને આજે જે રત્નત્રયી પાલનનો આનંદ છે એ આવતી કાલે આનાથી પણ વધવો જોઈએ. દિક્ષાના સમયને યાદ કરો, કેવો થનગનાટ હતો. માત્ર તમારા પગ જ નહિ, તમારું હૃદય, તમારા સાડા ત્રણ કરોડ રૂવાળા થનગનતાં હતા. પ્રભુના માર્ગ ઉપર જવું છે. પ્રભુના માર્ગ ઉપર જવું છે. એ પ્રભુનો માર્ગ મળી ગયો. હવે તો થનગનાટ ઓર વધવો જોઈએ. કારણ ગૃહસ્થપણામાં આપણે સાંભળતા કે પ્રભુની આજ્ઞાનું સંપૂર્ણ પાલન દીક્ષાની અંદર જ મળે. એટલે એક લાલસા હતી કે શ્રાવકપણામાં સામાન્ય આજ્ઞા પાળીએ, ખાલી એની દ્રવ્ય ભક્તિ કરીએ, એનું પ્રક્ષાલ કરીએ, એની પૂજા કરીએ, આટલો બધો આનંદ આવે છે, તો ૨૪ કલાક એની ભાવ ભક્તિ કરવાનો તો કેટલો બધો આનંદ આવશે.
તો હવે એ ૨૪ કલાકની પૂજા તમને મળી ગઈ. હવે થનગનાટ કેટલો વધે? નથી તો જોઈ લો. આંતર-નિરીક્ષણ કરો. અત્યારે પણ એવા મહાત્માઓ છે જે કહે છે કે બસ અદ્ભુત તત્વ મળી ગયું. અનુપમ તત્વ મળી ગયું. મેં દીક્ષા લીધી ત્યારે મને ખબર નહોતી કે દીક્ષા એટલે શું? માં ની ઈચ્છા, ગુરુદેવ કાકા મહારાજ થાય. આવી ગયો. કોઈ સમજણ નહિ. તમે લોકો જેટલા વૈરાગ્યથી આવો છો, એટલો વૈરાગ્ય પણ મારી પાસે હતો નહિ. કારણ કે એવી કોઈ સમજણ નહોતી. બસ દીક્ષા લેવી જોઈએ. પણ આજે મને લાગે છે કે એવો આનંદ પ્રભુએ આપ્યો છે, કે કદાચ કોઈને પણ આવો આનંદ મળે કે કેમ… ૨૪ કલાક આનંદ જ આનંદ. એક ક્ષણમાં વિષાદ નથી. શરીરમાં રોગો આવ્યા તો આવ્યા, મજા. હું શરીરને Thanks કહું છું કે આ વયે પણ મને સ્વાધ્યાય વિગેરે સરસ કરવા દે છે. તો અનુપમ આનંદ જેની કોઈ કલ્પના આપણે કરી ન હોય, એવો આનંદ પ્રભુ આપે છે. તમારી પાસે અત્યારે એ કલ્પના પણ નથી. કારણ કે તમે રતિ-અરતિ ના દ્વન્દ્વમાં છો. મનગમતું મળતું ત્યાં રતિ. અણગમતું મળ્યું ત્યાં અરતિ. આનંદ અલગ જ વસ્તુ છે. હું પણ પહેલા છે ને ભ્રમણામાં હતો. રતિભાવનું extreme point હોય, એને હું આનંદ માનતો હતો. પછી ખબર પડી, કે રતિ ને અને આનંદને કોઈ લેવા-દેવા નહિ. સંયોગજન્ય છે તે રતિ છે. આનંદ અસંયોગ જન્ય છે. પ્રભુની ભક્તિ અસંયોગ. સંયોગમાં શું આવશે? પદાર્થો, વ્યક્તિઓ, તમારું શરીર. પણ પ્રભુનો સંગ, સદ્ગુરુનો સંગ એ જે છે એ અસંગમાં આવે છે.
પ્રશ્ન : અહીંયા આવવાથી તો, આવીએ ત્યારે ભગવાનની ભક્તિનો આનંદ વધારે આવે. અને કોઈ નાના ગામડામાં નાના ભગવાન હોય તો એનો આનંદ ના આવતો હોય તો રતિ-અરતિ સમજવાની?
ઉત્તર : આમાં એવું છે ફરક પડે, ફરક ન પણ પડે. ભીલડીયાજી દાદા નાના જ છે. છતાં આપણી આસ્થાનું કેન્દ્ર એ જ છે. આદિનાથ ભગવાન મોટા છે ત્યાં, નેમિનાથ ભગવાન મોટા છે, પ્રાચીન છે, પણ આપણી આસ્થાનું કેન્દ્ર એ વખતે ભીલડીયાજી દાદા બની ગયા. પણ અહીં તો જલસો જ છે. જલસો છે ને.. ઘણા બધાને પૂછો ને સવારથી સાંજ સુધી લગભગ…. ભગવાન પાસે જ બેસતાં જ હોય છે. અને પાછા ખજાનો લાવો તો પાછા કહેજો મને. તો એવો આનંદ હું અનુભવું છું. જેની કલ્પના મને પણ નહોતી. ૨૪ કલાક આનંદ.
એક ક્ષણ પણ કોઈ વિષાદ નહિ. એવો આનંદ પ્રભુ તમને આપી શકે એમ છે. જોઈએ? કેટલાને જોઈએ… જોઈએ તો ખરો પણ તકલીફ ક્યાં છે? તમારે ઇંગ્લેન્ડ તો જવું છે, તો ભાઈ વિમાનની ટિકિટ કઢાવી દઈએ, હા, એ બધું ખરું. એરપોર્ટ સુધી તો હું જઈશ પણ ભારતને તો હું નહિ જ છોડું. પણ મારે ઇંગ્લેન્ડ જવું છે… કેમ આવું જ ને… તમારી અત્યારની ભૂમિકા જે છે એને છોડવા તૈયાર કેટલા? કે સાહેબ એવી જાગૃતિ આવી ગઈ છે કે તમે તો મિનિટ કહો છો. અમને તો પાંચ સેકંડમાં ખ્યાલ આવી જાય અને અમે છુટા પડી જઈએ. પણ ગમે છે જો વિભાવ, તો સ્વભાવની દુનિયામાં કઈ રીતે જવાય? ભારત છોડવું જ પડે ને… અમેરિકા જવું છે તો ભારત છોડવું પડે. એમ સ્વમાં જવું છે તો પરને છોડવું જ પડે. તો આજે બે ભૂમિકાની વાત કરી, આપણે અજાગૃત હોય તો કઈ ભૂમિકા આવે? તો ખ્યાલ આવ્યો કે રાગની ધારામાં જાઉં છું. દ્વેષની ધારામાં જાઉં છું. અને છતાં આપણે એ ધારાને ચાલુ રાખીએ. કારણ અનાદિની સંજ્ઞાને કારણે એ ધારામાં વહેવું ગમે છે. આ આપણી અત્યારની અજાગૃત દશા છે.
અત્યારની જાગૃતિ તમારી કેવી હોય કે એક ક્ષણ, એક મિનિટ, અડધી મિનિટ, રાગ-દ્વેષ આવી ગયો, ખ્યાલ આવ્યો, તરત ગયો. Touch and go. ચા પીતો હોય ને કોઈ માણસ એને ખબર છે કે ચા નો છાંટો પડે અને ડાઘ પડી જાય તો ચા નો ડાઘ પાણીથી નીકળી તરત નીકળી જાય. પછી મુશ્કેલીથી નીકળે. તો અડધો કપ ચા ટેબલ ઉપર મૂકી, wash basin પાસે જાય, અને શર્ટ ધોઈ નાંખે. એમ એવી તમારી જાગૃતિ અત્યારે જોઈએ. કે રાગ -દ્વેષ આવ્યા, ખ્યાલ આવ્યો અને ગયા. આ તમારી અત્યારની ભૂમિકા હોવી જોઈએ… છે? ભગવાન પાસે માંગવાના…? ત્રીજી ભૂમિકા જે છે એ અંતિમ લક્ષ્ય છે કે આ જીવનના અંત સુધીમાં હું ક્યાં સુધી પહોંચી શકું? એની વાત આવતી કાલે.
પણ આ બે ઘૂંટશો તો ખરા ને? પહેલીને કાઢવાની, બીજીને લાવવાની.