Shree Navpad Shashvati Oli 2025 – Arihant Pad

144 Views
16 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : ઇતની ભૂમિ પ્રભુ તુમ હિ આણ્યો

ભક્તની બે સજ્જતા: બુદ્ધિરહિત અને શક્તિવિકલ. પોતાની બુદ્ધિ અને પોતાનો પ્રયાસ એના પરની જેની શ્રદ્ધા – આસ્થા ઊડી ગઈ છે, તે ભક્ત. ભક્ત પાસે બુદ્ધિ નથી, શ્રદ્ધા છે; પ્રયાસ નથી, પ્રસાદ છે. તમે બધા શ્રદ્ધાજીવી છો પણ બીજી વાત તમારા માટે મહત્ત્વની છે: કર્તૃત્વમુક્ત પણ તમે હોવા જોઈએ.

ધારણ, પોષણ, તારણો રે, નવસર મુક્તાહાર. આપણી સાધના પધ્ધતિના આ ત્રણ પડાવો: ધારણ, પોષણ અને તારણ. શુભ, શુભનો વેગ અને શુદ્ધ.

Surrender ની સામે care. સાધનામાં આવતી બાહ્ય અસુવિધાઓને દૂર કરવાનું કાર્ય પણ પ્રભુ કરે છે અને વિભાવથી આપણને સુરક્ષિત રાખવાનું કાર્ય પણ પ્રભુ કરે છે. એનું સુરક્ષાચક્ર મળી જાય, એની care મળી જાય, તો એક ક્ષણ માટે પણ તમને વિભાવ સ્પર્શી ન શકે.

આબુ ઓળી વાચના – ૧

મુનિજીવનમાં સૌથી પહેલાં આબુ આવવાનું થયું. ત્યારની એક ઘટના અત્યારે પણ યાદ આવે એવી છે. આરણાથી અમે ચડ્યા, આજ ઉપાશ્રયમાં ઉતારો કર્યો. ખ્યાલ હતો કે ૧૨ વાગ્યા સુધી ભક્તિ આરામથી થઇ શકે છે. મારે દવા લેવાની હતી, બીજા બધા એકાસણાવાળા હતા. મેં કહ્યું મારી ગોચરી ફટાફટ લઇ આવો, હું દર્શન કરી, ચૈત્યવંદન કરીને આવી જાઉં, વાપરી પાત્રા પોરસી ભણાવી આપણે બધા સાથે દેરાસરે જઈએ અને ભક્તિ કરીએ. પહેલો જ વિમલવસહીમાં ગયો. પ્રદક્ષિણા પથમાં પહેલા ફરવાનું હોય આપણે, પ્રદક્ષિણા પથમાં ફરવા માંડ્યો. એક-એક પરમાત્મા એટલા અદ્ભુત કે એક દેરીથી બીજી દેરી સુધી જવામાં મને પાંચ-સાત મિનિટ લાગી જાય. આ બાજુ ગોચરી આવી ગઈ. પેલા લોકો વિચાર કરે, સાહેબ ક્યાં ગયા? ખોવાઈ ગયા. એક કલાકે હું આવ્યો. મને કહે શું થયેલું? આટલી બધી વાર કેમ લાગી? મેં કહ્યું: ભગવાન છોડે ત્યારે આવું ને. તમારે આવું બને ક્યાંય?

અદ્ભુત રૂપ પરમાત્માનું. ‘કોટિ દેવ મિલકર ન કર સકે, એક અંગુષ્ઠ રૂપ પ્રતિછંદ, એસો અદ્ભુત રૂપ તિહારો’ કરોડો દેવો ભેગા થાય અને પોતાના રૂપના જથ્થાને એકટ્ઠો કરે, તો પણ પ્રભુના ચરણના અંગુઠા જેટલું રૂપ એ થઈ શકતું નથી. પ્રભુનું રૂપ અપાર, પ્રભુના ગુણો અનંત.

પદ્મવિજય મહારાજ નવપદ પૂજાનો પ્રારંભ કરે છે. પહેલાં જ અરિહંત પ્રભુના ગુણોની વાત એમને કરવી છે. પણ એ મૂંઝવણમાં મુકાય છે, કે પ્રભુના અનંત અનંત ગુણોને કઈ રીતે હું કહી શકું? બહુ જ પ્યારી અભિવ્યક્તિ આવી. ‘જિનગુણ અનંત અનંત છે, વાચક ક્રમ મિત દિહ, બુદ્ધિ રહિત શક્તિ વિકલ, કિમ કહું એકણ જિહ’ પ્રભુના ગુણો અનંત નહિ, અનંતાનંત. હવે એ ગુણોનું વર્ણન કરવું છે. કઈ રીતે કરવું… પહેલાં બે મુશ્કેલીઓની વાત કરે છે. વાચક ક્રમ મિત દિહ, શબ્દો એકસાથે હજારોની સંખ્યામાં બહાર નીકળી શકતા નથી. એક પછી એક શબ્દ જ નીકળે છે. શબ્દોને ક્રમ છે. આયુષ્યના દિવસો માપેલા છે. અને એમાં પણ હું કેવો? બુદ્ધિ રહિત શક્તિ વિકલ, કિમ કહું એકણ જિહ – આ કડીમાં પદ્મવિજય મ.સા. એ ભક્તની બે સજ્જતાઓને ઉભારી. ભક્ત કોણ? બુદ્ધિ રહિત શક્તિ વિકલ – પોતાની બુદ્ધિ પરની આસ્થા, શ્રદ્ધા, જેની ઉડી ગઈ તે ભક્ત. અને પોતાનો પ્રયાસ એના પરની જેની શ્રદ્ધા ઉડી ગઈ તે ભક્ત. પહેલી વાત, ભક્ત પાસે બુદ્ધિ નથી, શ્રદ્ધા છે. ભક્ત પાસે પ્રયાસ નથી, પ્રસાદ છે. બુદ્ધિ…  બુદ્ધિ શું કરી શકે?

સિકંદરના ગુરુ Diogenes, સિકંદરનો એક નિયમ રોજ સવારે ગુરુના ચરણોમાં મસ્તક ઝુકાવાનું. એકવાર એ આશ્રમમાં ગયો. ગુરુ નહોતા, પૂછ્યું: ગુરુ ક્યાં છે? તો સમાચાર મળ્યા, ગુરુ દરિયાને કિનારે ગયા છે. સાધના કરવા, ધ્યાન કરવા. સિકંદર ઘોડા ઉપર બેસી દરિયાકાંઠા તરફ જાય છે. જ્યાં ગુરુ દેખાણા દૂરથી ઘોડા પરથી નીચે ઉતરી ગયો. સદ્ગુરુ દેખાય છે સામે, હું ઘોડા ઉપર હવે રહી શકું નહિ. પગે ચાલતો સિકંદર ગુરુ પાસે ગયો. ત્યારે ગુરુ શું કરતાં હતા? હાથમાં એક ચમચી દરિયાના પાણીમાં ચમચીને ડબોળે, ચમચી ભરાઈ જાય, રેતમાં પાણી ખાલી કરે. સિકંદરે ગુરુના ચરણોમાં વંદન કર્યું. પછી પૂછ્યું કે ગુરુદેવ આપ શું કરો છો? શું આ ચમચીમાં દરિયો ભરાઈ શકે? આ ચમચીમાં દરિયો ભરાઈ શકે? એ વખતે ગુરુએ કહ્યું: કે તારી બુદ્ધિમાં પરમાત્મા આવી શકતા હોય તો મારી ચમચીમાં જરૂર દરિયો આવી શકે. તમે તો બધા શ્રદ્ધાજીવી છો.

પણ, બીજી વાત તમારા માટે મહત્વની છે. કર્તૃત્વ મુક્ત તમે હોવ, you have not to do anything absolutely. તમારે કશું જ કરવાનું નથી. જે પણ કરવાનું છે, એ પ્રભુએ કરવાનું છે. બ્રાહ્મણવાડા તીર્થમાં પંન્યાસપ્રવર – આપણા યુગના સાધના મહિષી ગુરુદેવ ભદ્રંકરવિજય મ.સા.ની નિશ્રામાં ચૈત્રી ઓળી હતી. એ વખતે કલાપૂર્ણસૂરિ દાદા પણ સાહેબ પાસે અધ્યયન માટે આવેલા. જંબુવિજય મહારાજ પણ સાહેબ પાસે અધ્યયન માટે આવેલા. એક પાટ પર એ ત્રિપુટી બિરાજમાન થાય. આપણા યુગની ભક્તિ અને સાધનાના ક્ષેત્રની શ્રેષ્ઠ વિભૂતિઓ. પણ કલાપૂર્ણસૂરિ દાદા બોલવાના નહોતા. એ સાંભળવા જ આવેલા છે. જંબુવિજય મહારાજે કહી દીધું, હું પણ સાંભળવા જ આવ્યો છું. મારે એક પણ શબ્દ બોલવાનો નથી. ઓળીનો પહેલો દિવસ, અરિહંત પદની વાતો કરવાની હતી. ત્યારે પંન્યાસજી ભગવંતે કહ્યું: કે સાધનાના માર્ગમાં તમે એક ઇંચ, એક સેન્ટિમીટર કે એક ડગ ચાલો છો, એ માત્ર અને માત્ર પ્રભુની કૃપા ને કારણે. એક ઇંચ, એક સેન્ટીમીટર, એની કૃપા ન હોય તો તમે સાધના માર્ગે જઈ શકતા નથી.

મહોપાધ્યાયજીએ કહ્યું: ‘તું ગતિ, તું મતિ, તું આશરો’ પ્રભુ સાધના જગતમાં મારી ગતિ તું છે. એ વખતે એક ભાવક સામે બેઠેલો એણે પૂછ્યું; કે ગુરુદેવ! આપ જે ફરમાવો છો, એમાં અમને પુરી શ્રદ્ધા છે. પણ પ્રભુ જ બધું કરે, એના માટે કોઈ શાસ્ત્ર આધાર ખરો? વિતરાગ સ્તોત્રમાં સૌથી મોટો આધાર છે; ‘भवत्प्रसादेनैवाह – मियतीं  प्रापितो भुवम्’ અને એનો જ આપણી ભાષામાં અનુવાદ મહોપાધ્યાયજીએ કર્યો, ‘ઇતની ભૂમિ પ્રભુ તુમ હિ આણ્યો’ પ્રભુ તમે જ મને અહીં સુધી લઈને આવ્યા છો.

એકવાર હું પ્રવચનમાં આ વાત છેડતો હતો, ‘ઇતની ભૂમિ પ્રભુ તુમ હિ આણ્યો’ એક ભક્તે મને પૂછ્યું, કે સાહેબ! સાધના પ્રભુએ આપી, સદ્ગુરુ દ્વારા અમને એ મળી. પણ સાધના કરી તો અમે ને… તો ‘ઇતની ભૂમિ પ્રભુ તુમ હિ આણ્યો’ એ જ કેમ આવ્યો? પ્રભુએ જ બધું કર્યું… સાધના તો અમે કરી ને? ત્યારે મેં કહ્યું: કે એ જ એટલા માટે છે, કે પાછળના બારણેથી તમારો હું દાખલ ન થઇ જાય. નહિતર આપણે તો partnership માં કરી નાંખીએ. થોડું પ્રભુ કરે, થોડું ગુરુ કરે અને ઘણું હું કરું. તો મેં કહ્યું, ‘જ’ એટલા માટે મુક્યો છે, કે માત્ર અને માત્ર પ્રભુનું કર્તૃત્વ છે. બીજા કોઈનું નથી.

એ વખતે મેં એક રૂપક કથા કહેલી, એક હાથી હતો, રોડ ઉપર ચાલતો હતો, વચ્ચે નદી આવી, નદી પર પુલ હતો, પણ જુનો થઇ ગયેલો, હાથીભાઈના પગલાં ધમ ધમ પડે, એટલે પુલ ધ્રુજવા લાગ્યો. સદ્ભાગ્યે પુલ તુટ્યો નહિ. અને હાથીભાઈની સવારી આગળ ચાલી. એ વખતે હાથીના કાન પર એક કીડી હતી, એ કીડીએ કહ્યું, કે હાથીભાઈ હાથીભાઈ આપણે બેઉએ ભેગા થઈને પુલને કેવો ધ્રુજાવ્યો? તમારા કરતાં માખી વધુ ઈમાનદાર ન કહેવાય? એણે કમસેકમ થોડી credit હાથીને તો આપી કે આપણે બેઉએ ભેગા થઈને પુલને ધ્રુજાવ્યો. તમે શું કહો? મેં માસક્ષમણ કર્યું. હું વર્ષીતપ કરું છું. ભગવાન આવે કંઈ એમાં? તો પેલા ભાવકે પંન્યાસજી ભગવંતને પૂછ્યું, કે ગુરુદેવ! બધું જ પ્રભુ કરે છે, એના માટે શાસ્ત્ર આધાર આપ આપશો? સંસ્કૃતમાં ઘણા બધા આધારો છે, ઉપમિતિમાં, બીજી ઘણી જગ્યાએ પર સાંભળનાર વર્ગ ગુજરાતી હતો. શું સદ્ગુરુઓની કરુણા હોય છે. એમણે વિચાર્યું કે ગુજરાતી ભાષાની એક કડી એમને એવી આપું, કે આખો દિવસ ઘૂંટ્યા કરે, તો પ્રભુ જ બધું કરે છે, એના સંદર્ભમાં એમણે નેમિનાથ ભગવાનની આનંદઘનજી ભગવાને કરેલી સ્તવનાની એક કડી કહી. માત્ર એક કડી… શુદ્ધ ગુજરાતીમાં છે, ‘ત્રિવિધ યોગ ધરી આદર્યો, નેમિનાથ ભરથાર, ધારણ પોષણ તારણો રે, નવસર મુકતાહાર’ એક બહુ સરસ વાત ગુરુદેવે એ કડીમાંથી ખોલી. એક સૂત્ર એ કડીમાંથી એમણે ખોલ્યું. સૂત્ર એ હતું, surrender ની સામે care. પ્રભુની કૃપા, એનો પ્રસાદ સતત વરસી રહ્યો છે. એક ક્ષણ એવી નથી, એક સેકંડ એવી નથી, કે એનો પ્રસાદ, એનો પ્રેમ ન વરસતો હોય. But we had no receptivity. અગણિત કાળથી આ પ્રસાદ, આ પ્રેમ વહ્યા કર્યો. પણ આપણી પાસે એને ઝીલવાની સજ્જતા નથી. એ સજ્જતા કોણ આપે? પ્રભુ જ આપે. પ્રભુ સદ્ગુરુને મોકલે. અને સદ્ગુરુ તમારી સજ્જતાને ખોલી નાંખે. તમે સદ્ગુરુને દ્વારે જાવ છો. એમાં તમારું પોતાનું કોઈ કર્તૃત્વ નથી. કર્તૃત્વ પ્રભુનું છે. રત્નસુંદરસૂરિ મહારાજે કલાપૂર્ણસૂરિ દાદાને પૂછેલું કે આપ તો કૃપાની, પ્રસાદની સતત વાત કર્યા કરો છો. પણ મારા જીવનમાં મેં પ્રભુની કૃપાનો અનુભવ કર્યો નથી. દાદાએ ધીરેથી પૂછ્યું: તમારી દીક્ષા કેમ થઇ? તો એમણે કહ્યું, આબુ શિબિરમાં ગયેલો. ગુરુદેવ ભુવનભાનુસૂરિ મહારાજની નજર મારા ઉપર પડી. એમણે ખેંચ્યો ને હું આવી ગયો. એટલે ગુરુ દેખાય છે, પ્રભુ નથી દેખાતા. પણ આ તો દાદા હતા. દાદા કહે અચ્છા, એ શિબિરમાં કેટલા વિદ્યાર્થીઓ હતા? તો કહે ૨૦૦ લગભગ. ૨૦૦ માંથી તમારા ગુરુએ તમને જ ખેંચ્યા અને બીજાને ન ખેંચ્યા એનું કારણ શું? પ્રભુએ તમને select કર્યા, પ્રભુનો પ્રસાદ તમારા ઉપર ઉતર્યો. ગુરુને એ ખ્યાલ આવ્યો કે આને પ્રભુએ select કર્યો છે. પછી ગુરુએ તમને ઓઘો આપેલો. એટલે તમે દીક્ષા લીધી એમાં માત્ર તમારા ગુરુનું કર્તૃત્વ છે એવું માનતા નહિ. પહેલા પ્રભુનું કર્તૃત્વ હતું, પછી ગુરુનું કર્તૃત્વ શરૂ થયું. હું ઘણીવાર કહું છું કે પરમ ચેતના, પરમ સક્રિય, પણ ગુરુ ચેતના પરમ નિષ્ક્રિય. પરમચેતના પરમ સક્રિય છે. બધું જ કરી રહી છે.

વર્ધમાન દ્વાત્રિંશિકામાં સિદ્ધસેન દિવાકરજીએ કહ્યું, કે પૃથ્વી નીચે નથી પડતી. અને સૂર્ય ચંદ્ર બરોબર પ્રકાશ આપે છે એનું કારણ પ્રભુની કૃપા છે. તો પ્રભુ ચેતના પરમ સક્રિય, પણ ગુરુ ચેતના પરમ નિષ્ક્રિય. અમારે કંઈ કરવું જ નથી. પ્રભુનો આદેશ આવે કે આ કર તો કરી લેવાનું. અમે totally choiceless માણસો છીએ. એક નાની પણ ઈચ્છા નથી. ઈચ્છા એક જ હતી પ્રભુ મળે. પ્રભુ મળી ગયા બસ. હવે કોઈ ઈચ્છા નથી. કશું કરવું પણ નથી. મેં મારું બધું કર્તૃત્વ પહેલાનું હતું ને એ શિષ્યોને ભળાવી દીધું છે. કે ભાગ્યેશસૂરિ તમે આ કરો, ધર્મરૂચિ તું કર, પરમયશ તું કર. એ રીતે અલગ અલગ બધાને સોંપી દીધું છે. હું એકદમ free થયેલો માણસ છું. અને એટલે મારું કામ હવે એક જ છે. પ્રભુના પ્રેમને ઝીલવાનો અને એ પ્રેમને લોકો સુધી પહોંચાડવાનો. તો એ કડીમાં એક સૂત્ર આપ્યું, surrender ની સામે care. પ્રભુની કૃપા વરસી જ રહી છે. પણ તમે એને ઝીલી ક્યારે શકો? જ્યારે તમારું મન પ્રભુ તરફ અહોભાવથી છલક છલક છલકાતુ હોય. જ્યારે, તમારા મનની અંદર પ્રભુ અને પ્રભુની આજ્ઞા પ્રત્યેનું સંપૂર્ણ સમર્પણ આવેલું હોય, પછી જુઓ એની care, એક-એક સેકંડે મળ્યા કરશે.

એનું સુરક્ષાચક્ર બે જાતનું છે; બાહ્ય સાધનામાં આવતી અસુવિધાઓને પણ એ દૂર કરે છે. અને વિભાવોમાંથી આપણને સુરક્ષિત રાખવાનું કામ પણ એ કરે છે. એની care મળી ગઈ, એનું સુરક્ષાચક્ર મળી ગયું, પછી એક સેકંડ માટે, એક વિભાવ સ્પર્શી ન શકે. ન રાગ, ન દ્વેષ, ન અહંકાર, ન ઈર્ષ્યા. તો કડી બહુ મજાની છે, ‘ત્રિવિધ યોગ ધરી આદર્યો, નેમિનાથ ભરથાર, ધારણ પોષણ તારણો રે, નવસર મુકતાહાર’ રાજીમતીજીએ શું કર્યું? મન વચન અને કાયા ના સ્તર પર પોતાની જાતનું પ્રભુને સંપૂર્ણતયા સમર્પણ કર્યું. એ વખતે પ્રભુએ શું આપ્યું? ધારણ, પોષણ, તારણ… આપણી સાધના પદ્ધતિના આ ત્રણ પડાવો છે. શુભ, શુભનો વેગ અને શુદ્ધ. બધું જ પ્રભુ આપે.

મયણાસુંદરીને શ્રદ્ધા કોણે આપેલી? પ્રભુએ આપેલી. મયણાસુંદરી લગ્નની ચોરીમાં બેઠેલા હોય, શ્રીપાળ રાજાના હાથમાં હાથ પકડીને, એ વખતે શ્રીપાળજીની કાયા કેવી હતી? દુર્ગંધથી છલકાતી… જેની જોડે તમે પાંચ મિનિટ બેસી ન શકો. એની સાથે આખી જિંદગી વિતાવવાની. વિચાર તો કરો, બીજી કોઈ દીકરી હોય, તો શું વિચારે? મારા પિતા આવા… મારી બેનને સરસ રાજકુમાર જોડે પરણાવી. અને મને આ કોઢિયા જોડે… પણ લગ્નની ચોરીમાં બેઠેલી મયણાસુંદરીના ચહેરા પર વિનયવિજય મહારાજે કેમેરા ફેરવ્યો. અને snap આપણને આપ્યો. ‘મયણા મુખ નવિ પાલટે રે, અંશ ન આણે ખેદ, જ્ઞાનીએ દીઠું હુએ એ.’ મુખની એક રેખા ફરતી નથી. સહેજ વિષાદ હૃદયમાં છલકાતો નથી. કેમ? ‘જ્ઞાનીએ દીઠું હુએ રે’ જ્ઞાની ભગવંતોએ જ્ઞાનમાં જે જોયું હોય એ બન્યા કરે છે. આ શ્રદ્ધા એટલી મજબુત બની ગયેલી, કે આવી વિપરીત પરિસ્થિતિમાં પણ એ સહેજ પણ ચલાયમાન થતાં નથી. આજે તમારા જીવનમાં બપોરે ૪ વાગે કોઈ ઘટના ઘટવાની હોય, કદાચ ખરાબ પણ હોઈ શકે, કદાચ સારી પણ હોય. તમને ખ્યાલ નથી. પણ એ ઘટના ઘટી ગઈ, અપ્રિય ઘટના હતી, ઘટી ગઈ. એ વખતે આ વિચાર આવે કે અનંત કેવલજ્ઞાનીઓએ પોતાના જ્ઞાનમાં આ ઘટનાને જોયેલી હતી. તમે ઘટનાનો અસ્વીકાર કરો એટલે અનંત કેવલજ્ઞાનીઓના જ્ઞાનનો અસ્વીકાર કર્યો.

તો મયણાસુંદરીને આટલી સરસ શ્રદ્ધા કોણે આપેલી? પ્રભુએ આપેલી. આબુ માટે તો હું ખાસ કહું છું કે પ્રભુ આપણને લઈને આવ્યા છે, બરોબર? પ્રભુ આપવા તૈયાર છે. તમે લેવા તૈયાર થાવ એટલા માટે હું આ વાચના આપું છું. પ્રભુ જે આપે એ ગમે ને? બોલો ભાઈ? અમે જે આપીએ એ ગમે તમને… કોરો ચેક થઈને આવેલા હોય, સાહેબ જે આપવું હોય તે આપી દો. તમને જોઈએ એ અમે આપીએ, કે અમને ઠીક લાગે એ તમને આપીએ? ડોક્ટર શું પૂછે? ભાઈ કેવી ટીકડી આપું? ટીકડીને બદલે કેડબરીસ આપી દઉં તો… એ ડોક્ટર બહુ ગમે ને… કેમ? ડોક્ટર પાસે એટલા માટે ગયેલા કે એ રોગને કાઢે. પણ જેને રોગને કાઢવાની વિધિઓનો ખ્યાલ નથી, એ અલહલ ટપ્પું માણસ પાસે જવાય નહિ. નિષ્ણાંત ડોક્ટર પાસે ગયા, એ કહે છે, ઓપરેશન કરવું પડશે. જી સાહેબ તહત્તિ. મારા રોગને કાઢી આપો બસ એક જ વાત છે. અહીંયા તમારી એ વાત હોવી જોઈએ, સાહેબ આપને ઠીક લાગે એ આપો. મારી પસંદગી ઉપર આધાર નહિ રાખતાં. કારણ કે મને તો સંસાર જ ગમવાનો છે. છે એના કરતાં વધારે પૈસા ભેગા થાય. સાહેબ એવો માર્ગ બતાવો કે બધું છૂટી જાય.

તો રાજીમતીજીને પ્રભુ ત્રણ ભેટ આપે છે. આપણને કેટલી આપવાના છે? શુભ, શુભનો વેગ અને શુદ્ધ. તો આવતી કાલે આપણે જોઈએ કે શુભ પ્રભુ શી રીતે આપે, શુભનો વેગ પ્રભુ શી રીતે આપે. અને શુદ્ધ પ્રભુ શી રીતે આપે.. એટલે આખી જ જે આપણી ધારણા છે, કે મેં આ વસ્તુ પ્રાપ્ત કરી એનો છેદ ઉડી જાય. શુભ પણ પ્રભુએ આપ્યું, શુભમાં વેગ પણ પ્રભુએ લાવ્યો, અને શુદ્ધ પણ પ્રભુએ આપ્યું. તમારા જીવનમાં આ ત્રણેય છે. પણ એ ત્રણેય પ્રભુ દ્વારા શી રીતે મળ્યું એની વાત આપણે આવતી કાલે જોઈશું.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *