વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : દોષમુક્તિ
જે આત્મશક્તિને અનંતા જન્મોમાં તમે સંજ્ઞાઓની અંદર વાપરી એને જ તમારાં ઉચ્ચ કક્ષાના ગુણોને ખીલવવા માટે તમે વાપરી શકો છો. જેણે પોતાની શક્તિને ઉપર ચડાવી એનું આખું વ્યક્તિત્વ બદલાઈ જાય છે. સદ્ગુરુ કુંડલિની શક્તિનું ઉત્થાન કરે અને એ શકિતને નીચેથી ઉપર સુધી મોકલે.
અનંતા જન્મો સુધી એક જ કામ કર્યું છે – બીજાના દોષોને જોવાનું. આ એક જ જન્મ એવો મળ્યો છે પ્રભુની કૃપાથી કે જ્યાં બીજાના ગુણો જોવાનું મન થાય છે. ગુણાનુરાગ અને બીજાના ગુણોની પ્રશંસા એ જ અનંત જન્મોમાં કરેલી ભૂલનું પ્રાયશ્ચિત છે.
તમારે તમારો અહંકાર છોડવો છે ખરો? જે ક્ષણે તમને લાગે કે આ તમારો અહંકાર તમારા માટે ભારરૂપ જ છે, એ ક્ષણે તમે પોતે જ એને છોડી દેશો.
ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૨૪
પૂજ્યપાદ આનંદઘનજી ભગવંતની પરાવાણી – ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે
પ્રભુના પરમપ્રેમમાં ડૂબવાનું એક મજાનું આમંત્રણ. સદ્ગુરુ ચેતના એક જનમથી નહિ અનંત જન્મોથી તમને આમંત્રણ આપતી રહી છે કે માત્ર અને માત્ર એકવાર પરમ પ્રેમમાં ડૂબો, બીજું બધુ જ છૂટી જશે અને આમ કહેવાય journey લાંબી પણ એક જ ડગલું આપણે ચાલવાનું. એક ડગલું આપણે ચાલ્યા પ્રભુ ઊંચકીને બાહોમાં લઇ લે. અને એક ડગલું પણ આપણે ન ભરી શકીએ તો સદ્ગુરુ એક ડગ આપણને ભરાવે. અને એટલે જ ભક્ત ક્યારેય પણ સદ્ગુરુને ભૂલી શકતો નથી.
બહુ જ પ્યારી ઘટના યાદ આવે. જંબુવિજય મહારાજ સાહેબ શંખેશ્વર તીર્થમાં બિરાજમાન. આચાર્ય હેમરત્નસૂરિ મહારાજ શંખેશ્વર પધારેલા. સવારે આવ્યા વિહાર કરીને. પ્રભુની ભક્તિ કરી. અભિષેકમાં બેઠા. પણ એમનો બપોરનો કાર્યક્રમ નિશ્ચિત હતો. જંબુવિજય મહારાજના ચરણોમાં જઈને બેસવું. બપોરે અઢી વાગે હેમરત્નસૂરિ મહારાજ જંબુવિજયજી મહારાજ જ્યાં ઉતરેલા તે ઉપાશ્રયમાં ગયા. સાહેબજી એ વખતે પડીલેહણ કરી રહ્યા હતા. અને એમાં સ્થાપનાજીનું પડીલેહણ ચાલતું હતું. આ ગુરુ છે. સદ્ગુરુ છે. ક્યારેક એ ખુલ્લુ હોય – ગુરુતત્વ, ત્યારે એને તમે જોયું છે? ખાસ જોજો. દરિયાકિનારે જે છીપલાં મળે છે એમાંથી વિશિષ્ટ છીપલાં જેને અક્ષ કહેવામાં આવે છે. એ અહીંયા ગુરુ તત્વ રૂપે પ્રતિષ્ઠિત થાય છે. વિચાર આવે ક્યાં ગુરુતત્વ! અને ક્યાં સમુદ્ર કિનારે રહેલું છીપલું?! બે ને મેળ શી રીતે પડે?!
તપાગચ્છ સિવાયના કેટલાક ગચ્છોની પરંપરામાં અહીંયા સુધર્મા સ્વામી ભગવાનની મૂર્તિ રાખવામાં આવે છે. ગુરુતત્વ તરીકે સુધર્મા સ્વામી ભગવાનની મૂર્તિ. આપણા તપાગચ્છની અંદર આ અક્ષ આપણે રાખીએ છીએ. ક્યારેક જોજો ખ્યાલ આવશે. એમાં આટા આટા આટા હોય છે. ગુરુ શું કામ કરે? યોગીક પરંપરા પ્રમાણે કુંડલીની શક્તિ નાભિની નીચે ગૂંચળું વાળીને રહેલી છે. સાપ જેમ ગૂંચળું વાળીને રહે ને એમ કુંડલીની શક્તિ નાભિની નીચે ગૂંચળું વાળીને રહેલી છે. એ કુંડલીની શક્તિને ઉપર ઉઠાવવાની છે. અને ઉપર ઠેક સહસ્ત્રાર સુધી લઇ જવાની છે. એ કામ કોણ કરે? સદ્ગુરુ કરે. સદ્ગુરુ તમારી કુંડલીની શક્તિનું ઉત્થાન કરે અને એ કુંડલીની શકિતને નીચેથી ઉપર સુધી મોકલે. તમારી પાસે શક્તિ છે. પણ એ શક્તિને નીચે લઇ જવી યા ઉપર લઇ જવી એ તમારાં હાથમાં છે. જે આત્મશક્તિ તમને મળી અત્યાર સુધીના અનંતા જન્મોમાં આપણે એ શક્તિને નીચે જ લઇ ગયા છીએ. આહારસંજ્ઞાની અંદર એ શક્તિને વાપરી, કામસંજ્ઞાની અંદર એ શક્તિને વાપરી. હવે શું કરવાનું છે. એ શક્તિનું ઉર્ધ્વીકરણ કરવાનું છે.
આપણી ભારતીય પરંપરામાં એક શબ્દ આવે છે. ઉર્ધ્વરેતસ. રેતસ એટલે શક્તિ. જેણે પોતાની શક્તિને ઉપર ચડાવી એનું આખું વ્યક્તિત્વ બદલાઈ જાય છે. આપણા ઘણા બધા મહાપુરુષો ના ચિત્રો આપણી પાસે નથી. પણ એ ચિત્રોને જોઈએ તો લાગે કે એ ગુરુએ પોતાની શક્તિનું કેટલું તો ઉર્ધ્વીકરણ કરેલું હતું. તમારો ચહેરો જોતાની સાથે જ સદ્ગુરુ નક્કી કરી શકે છે. કે એણે પોતાની શક્તિને નીચે લઇ ગયો છે કે ઉપર લઇ ગયો છે. તો કુંડલીની શક્તિનું ઉત્થાન થાય ત્યારે શક્તિનું ઊર્ધ્વારોહણ થાય. જે આત્મશક્તિને તમે સંજ્ઞાઓની અંદર વાપરી એને જ તમારાં ઉચ્ચ કક્ષાના ગુણોને ખીલવવા માટે તમે વાપરી શકો છો. સદ્ગુરુ એ કુંડલીની શક્તિનું ઉત્થાન કરે છે, એના માટે અહીંયા આ અક્ષ પસંદ કરવામાં આવ્યા છે. ખ્યાલ આવે કે આપણી કુંડલીનું ઉત્થાન કરનાર આ સદ્ગુરુ છે.
તો જંબુવિજય મ.સા. પડીલેહણ કરી રહેલા હતા. એમાં ગુરુ છે ને એટલે એમની નીચે પણ એક સરસ મજાનું કાપડ હોય – મુહપત્તિ, ઉપર પણ સરસ મજાના કાપડ હોય પણ જંબુવિજય મ.સા. જયારે પડીલેહણ કરી રહ્યા હતા ત્યારે એ વસ્ત્રો બધા જુના થઈ ગયેલા હતા. હેમરત્નસૂરિ મહારાજે જોયું. એમણે વિનંતી કરી કે સાહેબ થોડી વાર માટે આ વસ્ત્રો આપો તો મારો શિષ્ય કાપ કાઢીને લઇ આવે. પડીલેહણમાં બોલાય નહિ. જંબુવિજયજી મહારાજે ઇશારાથી ના પાડી. પોતાનું કામ ચાલુ રાખ્યું. પડીલેહણ પૂરું થયું પછી આસન પર બેઠાં.
હેમરત્નસૂરિએ પૂછ્યું સાહેબ કેમ ના પાડી આપે? ત્યારે એમણે કહ્યું, હેમરત્નસૂરિ આ સ્થાપનાચાર્યજી મારા ગુરુદેવના છે. મારા ગુરુદેવ પોતાના વસ્ત્રોનું પડીલેહણ બીજાને કરવા આપતા પણ આ ગુરુ એનું પડીલેહણ તો પોતે જાતે જ કરતા. કોઈ પણ મહાત્મા આવે, સાહેબ સ્થાપનાજી નું પડીલેહણ? નહિ. એ હું જ કરીશ. મારા ગુરુ છે. મારા ગુરુની ભક્તિ મારે કરવાની છે. જંબુવિજયજી મ.સા. કહે છે, એ મારા ગુરુદેવ વર્ષો સુધી આ જ વસ્ત્રો દ્વારા, આ મુહપત્તિ દ્વારા સ્થાપનાચાર્યજી નું પડીલેહણ કરતા હતા. જ્યાં સુધી મારા ગુરુદેવ હતા ત્યાં સુધી એમના ચરણોમાં પડીને એમની ઉર્જાને હું પ્રાપ્ત કરતો હતો. આજે મારા ગુરુદેવ નથી ત્યારે એમણે જેનો સ્પર્શ કરેલો છે એવા વસ્ત્રોનો સ્પર્શ કરીને હું એમની ઉર્જાને મેળવું છું. તમે કહો છો એનો કાપ કાઢી નાંખીએ. એને ધોઈ નાંખીએ. તમે એને ધોઈ નાંખો તો મારા ગુરુની ઉર્જા ક્યાં રહે પછી? કેટલો પોતાના સદ્ગુરુ પ્રત્યેનો ભાવ… કારણ એ જ સદ્ગુરુ મને પ્રભુના ચરણ સુધી લઇ ગયેલા હતા. એ સદ્ગુરુ ના મળ્યા હોત તો પ્રભુના ચરણોમાં હું જઈ શક્યો ન હોત. એક ડગલું સદ્ગુરુ ચલાવી દે.
તમારે જલસો જ છે ને. એક બાજુ સદ્ગુરુ, બીજી બાજુ પ્રભુ. તમારે તો સેન્ડવીચ જ થવાનું રહ્યું. કેટલા ભાગ્યશાળી તમે બોલો, કેટલા નસીબદાર? સદ્ગુરુ તમારી personal care કરે! પ્રભુ તમારી personal care કરે! પ્રભુ રૂપી માં ના અગણિત બાળકો આપણે અને છતાં એ પ્રભુરૂપી માં એ એક – એક બાળકની personal care લીધી છે. અને એ personal care એણે ન લીધી હોત તો આપણે અહીંયા હોત નહિ. આપણું અહીંનું અસ્તિત્વ એ એની કૃપાને આભારી છે. કેવી એની કૃપા!
એટલે જ વારંવાર એક વાત કહું છું. અમારી અને તમારી બધી જ સાધના માત્ર અને માત્ર ઋણમુક્તિનું એક નાનકડું આયામ છે. પ્રભુએ personal care મારી લીધી. નરક અને નિગોદમાં હું પીડાતો હતો, ત્યાંથી એના કરુણામય હાથે મને ઉચક્યો. જે પ્રભુએ આટલું બધું મારા માટે કર્યું એ પ્રભુના ઋણમાંથી હું મુક્ત શી રીતે થાઉં? લાગે જેટલું પણ આપણે કરીએ ઓછુ છે.
એક મજાની ઘટના કહું, ૧૦૦ એક વર્ષ પહેલાંની જ છે, એક ગામમાં એક હિંદુ સદ્ગુરુ આવ્યા. મેં વચ્ચે તમને કહેલું, યોગદ્રષ્ટિ સમુચ્ચય ગ્રંથ ખાસ ભણવા જેવો છે, એના ગુજરાતી અનુવાદો, ગુજરાતી versions ઘણા બધા આવી ગયા છે. પંડિત મહારાજનું ગુજરાતી version બહુ જ સારું છે. તમે એને ઘરે બેઠા વાંચી શકો એમ છો. એ યોગદ્રષ્ટિ સમુચ્ચય ગ્રંથ એકવાર વાંચો ને તો દૃષ્ટિ વિશાળ બની જાય. મારી દ્રષ્ટિને વિશાળ બનાવનાર મારા ગ્રંથ ગુરુ હરિભદ્રસૂરિ મહારાજ છે. આપણે ત્યાં અતિચારમાં એક પંક્તિ આવે છે, અન્ય: દ્રષ્ટિ સંસ્તવ:” અને એ દર્શનાચારનો અતિચાર છે. આ બહુ જ ઊંડાણથી આ વાતને સમજીએ, અન્ય: દ્રષ્ટિ સંસ્તવ: એટલે કે પ્રભુ દર્શન સિવાયના – જૈન દર્શન સિવાયના, અન્ય દર્શનોમાં જે પણ મહાત્માઓ રહેલા છે એના ગુણોની તમે સ્તુતિ કરો તો તમને અતિચાર લાગે. પણ આ કઈ રીતે… એક – એક બાબતને અશબ્દમાં ખોલવામાં આવી છે.
ધારો કે અત્યારે એક હિંદુ ગુરુ છે, અત્યંત નિઃસ્પૃહી છે. બીજા બધા ગુણોથી યુક્ત છે. હું એમને નજીકથી ઓળખતો પણ હોઉ. પણ અત્યારે એ ગુરુ વિદ્યમાન છે, અને એમનો બાહ્ય આચાર જે છે, એ કદાચ બરોબર ન પણ હોય, એથી મારે જાહેરની અંદર એમની સ્તવના ન કરવી જોઈએ. કારણ? એમની પ્રશંસા હું કરું, કોઈ લોકો એમના દર્શને જાય, એ ઘાસની લોન પર બેઠેલા હોય, જાત – જાતની વાતો કરી રહેલા હોય. તમે એમને જોવો અને તમને થાય કે આવા મહાત્મા! અને સાહેબે એમની પ્રશંસા કરી એટલા માટે અન્ય દ્રષ્ટિ સંસ્તવની ના પાડી. પણ જે પહેલી, બીજી, ત્રીજી કે ચોથી દ્રષ્ટિમાં આવેલા સંતો હતા. જે વિદેહ થઇ ગયા છે. અત્યારે નથી. એમના ગુણોને ગાવામાં કોઈ વાંધો નથી. એ રમણ મહર્ષિની વાતો પણ હું કરું છું. રામકૃષ્ણ પરમહંસની વાતો પણ હું કરું છું. કોઈ વાંધો નથી, શાસ્ત્ર મને છૂટ આપે છે. કારણ? કોઈ પણ ગુણી હોય, આપણે ગુણાનુંરાગી છીએ તો એમના ગુણોને આપણે જોઈ શકીએ છીએ. ત્યાં માત્ર તકલીફ પેલી હતી, કે વર્તમાનમાં રહેલા યોગી હોય અને તમે એમને મળવા જાવ અને તકલીફ થાય. પણ વિદેહ થયેલા યોગી છે, તો એમના ગુણોની વાત હું કરું એમાં ક્યાંય વાંધો આવતો નથી.
એટલે પહેલેથી ચોથી દ્રષ્ટિ સુધી મિથ્યાત્વ જ છે પણ અનાદિ મિથ્યાત્વ અલગ, આ મિથ્યાત્વ અલગ. અનાદિ મિથ્યાત્વી જે છે, એ તો ભીતર ડૂબેલો છે. વિષય – કષાયના કરણમાં. આ મિથ્યાદ્રષ્ટિ એવો છે કે જેને હજી સંપૂર્ણ સરસ vision મળ્યું નથી. પણ એ દિશામાં એ ચાલી રહ્યો છે. એટલે ક્યાંય પણ તમે ગુણ જોવો બેધડક ગુણાનુરાગી બની જજો. અને એ ગુણોની પ્રશંસા કરજો. મારી દ્રષ્ટિએ છે ને ગુણાનુરાગ અને બીજાના ગુણોની પ્રશંસા એ જ પ્રાયશ્ચિત છે. અનંતા જન્મો સુધી એક જ કામ કર્યું છે, બીજાના દોષોને જોવાનું. આ એક જ જન્મ એવો મળ્યો છે પ્રભુની કૃપાથી કે બીજાના ગુણ જોવાનું મન થાય છે. પણ અનાદિની જે દ્રષ્ટિ છે એને કાઢવી કપરી છે, મારા ૧૦૦ પ્રવચનો પણ કદાચ અનાદિની તમારી દ્રષ્ટિને કાઢી નહિ શકે. પણ તમારો જો થોડો પુરુષાર્થ હશે, તમારી થોડી અનુપ્રેક્ષા એમાં ભળશે તો જરૂર result મળશે.
બીજાના દોષો તમે જોયા, શું મળ્યું એ બોલો, અને શું મળી શકે એ મને કહો… તમારો અનુભવ છે…. મારો અનુભવ નથી. મને તો પ્રભુએ નાનપણથી જ positive attitude માં મૂકી દીધો. એટલે મને તો દરેક વ્યક્તિના ગુણો જ દેખાય છે. કોઈનો દોષ ક્યારે પણ દેખાતો જ નથી. એટલે મારી પાસે આ અનુભવ નથી, એટલે તમને પૂછું છું, કે દોષો તમે જુઓ છો. એથી તમને શું મળે આમ… શું મળે… કર્મબંધની વાત બાજુમાં રાખીએ આપણે… આ જીવનમાં તમને શું મળે…?
ઘણીવાર વાચનામાં હું કહેતો હોઉં, બાજુ – બાજુમાં બે flat છે, એક ફ્લેટવાળા બહેને પોતાના ઘરને સાફ કર્યું, કચરો કાઢ્યો, સુપડીમાં ભેગો કર્યો, પછી એ બાજુના ફ્લેટમાં નાંખવા આવે તો બાજુના ફ્લેટવાળો શું કહે…? શું કરો…? નાંખવા દો…? ના પડાય કંઈ…? પડોશણને ના પડાય…! એમ કોઈ વ્યક્તિ તમારી પાસે આવે, પેલો છે ને ખબર પડી તમને, કેટલા કટાસણા ઘસી નાંખ્યા, એની અંદરની વાત તો હું જાણું છું. તમે એ વખતે શું કરો? કાન બંધ કરો? કે આમ પેલાને ઉત્તેજિત કરો, ઓહો! શું છે, વાત તો કર. એટલે પેલાના ઘરનો ઘરનો કચરો કોઈ તમારા ઘરમાં નાંખવા આવે તમે તૈયાર છો એમ ને…! કચરો કોકના ઘરનો, નાંખવા આવનાર બીજો છે, અને તમારા ઘરમાં નાંખવા માંગે છે, તમે એને welcome કરો છો, બરોબર… તમે આમ પ્રબુદ્ધ ગણાવો છો, પ્રબુદ્ધ માણસ આવું કરી શકે ક્યારેય…? બીજાના દોષોને સાંભળવા તમને એમ લાગે છે કે કચરા જેવી વાત છે…? આથી મને શું મળવાનું…? કોઈના પણ ગુણોને સાંભળીશ તો ઈચ્છા થશે કે મારે પણ એવા થવું… પણ કોઈના દોષોને સાંભળીને શું ઈચ્છા થવાની…? સાલો આવો છે ને… સાલો આવો છે… તું કેવો છે એ જો ને પણ…
તો હિંદુ સદ્ગુરુ આવ્યા ગામમાં, ગામના એક આગેવાન ભાઈ પૂરા સમાજમાં, પૂરી એમની જ્ઞાતિના ગામોમાં, એમની પ્રતિષ્ઠા…. કોઈ પણ કાર્ય સમાજના લેવલે, જ્ઞાતિના લેવલે કરવાનું હોય આ ભાઈની હાજરી હોય, હોય ને હોય… અને એના કારણે એનો રસ માત્ર આ કાર્યોમાં જ ફંટાય ગયો. કારણ? એ સેવાના દેખીતા કાર્યો કરે, લોકો એની પ્રશંસા કરે, આનો અહંકાર વધે. આવો માણસ ગુરુ પાસે આવે ખરો! ગુરુ તમારા અહંકારના ફુગ્ગાને ફોડવા તૈયાર હોય, તમારે તમારા અહંકારના ફુગ્ગાને ફૂલાવવો છે, તમે ક્યાં જાવ બોલો…? તમે જાવ ક્યાં…?
ઉપબૃંહણા એ અમારો આચાર છે. ઉપબૃંહણા એટલે શું? તમે તપશ્ચર્યા કરી છે, તમે કોઈ સારું કાર્ય કર્યું છે, તો અમે તમને કહી શકીએ, કે બહુ સારું તમે કર્યું, પણ તમારી અપેક્ષા શું જોઈએ ગુરુ પાસેથી… મારી પાસે ઘણા બધા સાધકો આવે છે, એક જ અપેક્ષાને લઈને કે ગુરુદેવ! બાહ્ય રીતે મારી સાધના બહુ સારી છે, રોજના ૪ – ૫ સામાયિક, બે પ્રતિક્રમણ, અષ્ટપ્રકારી પૂજા, રોજનું એકાસણું, આયંબિલ આ બધું ચાલુ હોય છે, બાહ્ય રીતે મારી સાધના સારી છે, માત્ર શ્રાવકો જ નહિ, મહાત્માઓ પણ મારી ઉપબૃંહણા કરે છે, પણ આપની પાસે હું એટલા માટે આવ્યો છું, કે મારી સાધનામાં જ્યાં પણ ભૂલ છે એ મને બતાવો. એટલે મારી પાસે છે ને તમારા અહંકારનો ફુગ્ગો ફુલાવવા ક્યારેય આવતાં નહિ, મને એમાં રસ નથી. મારે કોઈ કાર્ય કરાવવું નથી, ન ઉપધાન, ન સંઘ, ન કાંઈ જ.. મારે માત્ર મારી ભીતર જ જવાનું છે, અને એક કલાક પ્રભુએ કહ્યું છે માટે તમારી જોડે બેસી જાઉં છું. તમારી જોડે વાતો કરી લઉં છું.
તો સદ્ગુરુ પાસે જાવ, એક જ આશયથી કે મારી સાધનામાં જ્યાં ભૂલ છે એને સદ્ગુરુ બતાવે… ડોક્ટર પાસે કેમ જાવ? સાહેબ બહુ સરસ છે હો…! ડોક્ટરનો કોઈ મિત્ર હોય ને તો ડોક્ટરને મળવા જાય કે કેમ છો ડોક્ટર સાહેબ મજામાં છો…? રાજી – ખુશીથી વાત કરીને પાછો ફરે…પેશન્ટ ડોક્ટર પાસે જાય તો..? તમે અમારી પાસે કઈ રીતે આવો છો? મારે પૂછવું છે… આ તો અમારી શાતા પૂછવા આવે…! ભાઈ તારી શાતા પુછાવા આવ…. Am I right sir? સાહેબ હું બરોબર છું કે નહિ? એ જોઈ આપો… એટલે માત્ર અમારી શાતા પૂછીને તમે રવાના થઇ જાવ છો… ભાઈ! અમે તો શાતામાં જ છીએ. અને તમે ન આવો તો ઓર શાતામાં હોઈએ….
તો સદ્ગુરુ પાસે એટલા માટે જવું છે કે તમારા જીવનની અંદર જ્યાં જ્યાં ક્ષતિ થઇ ગઈ છે, એ ક્ષતિને સદ્ગુરુ pin point કરીને બતાવે, અને એને કાઢી નાંખે. વર્ષોથી પ્રભુના પ્યારા શબ્દો સાંભળી રહ્યા છો, છતાં મનમાં stress છે, તણાવ છે, તો એકવાર સદ્ગુરુ પાસે બેસીને સમજો, કે તણાવ શેના કારણે છે… સાધના આટલી થઇ… તણાવ કેમ ન ગયો..! અને એક સાધના પ્રભુની કરીએ આનંદથી પૂરું અસ્તિત્વ ઉભરાઈ જાય. અમારી પાસે જે આનંદ છે એ પ્રભુએ આપેલા અનુષ્ઠાનોનો આનંદ છે. અમારી પાસે જે આનંદ છે એ પ્રભુએ આપેલા ભાવોનો – વિચારોનો આનંદ છે. આજે છે ને positive thinking પર બોલનારા જે motivators હોય છે એમનો રાફડો ફાટ્યો છે.
હું સુરતમાં હતો, અને એક બહુ મોટા motivator આવવાના હતા, બહુ પ્રસિદ્ધ નામ હતું – ખેર. તો આટલા મોટા પ્રસિદ્ધ motivator આવવાના હોય એટલે મીડિયામાં ચર્ચા ચાલતી હોય, ૧૦૦૦ – ૧૦૦૦ રૂપિયાની ફી હતી એને સાંભળવાની… એ આવી પણ ગયા, બીજા દિવસે એક ભાઈ મને મળ્યા, મને કહે સાહેબ! આ motivator આવી ગયા આપને ખ્યાલ છે? મેં કીધું કે હા, ખ્યાલ છે. મેં એને પછી પૂછ્યું તું ગયો હતો એમની સભામાં? તો કહે કે હા ગયો હતો. એ ભાઈએ વાત કરી, ૧૦ લાખ રૂપિયાની એની ફી હતી, દોઢ કલાક માટે એ બોલ્યા, ૧૦ લાખ રૂપિયાની ફી હતી, એ દિલ્લીથી પ્લેનમાં આવ્યા, અહીંયા ફાઈવ સ્ટાર હોટલમાં ઉતર્યા, ત્યાં fresh થઇ, અને આયોજકે આપેલી કારમાં હોલ સુધી આવ્યા, ભાષણ કર્યું, પાછા હોટલ ઉપર ગયા, જમી કરી એરપોર્ટ ઉપર જઈ ફ્લાઈટ પકડી અને દિલ્લી પહોંચી ગયા. બધો જ ખર્ચ આયોજકો નો… રોકડા દસ લાખ રૂપિયા એને લઇ લીધા. મેં કહ્યું ભાષણ કેવું હતું…? મને કહે આટલું મોટું પ્રસિદ્ધ નામ છે, એટલે ભાષણ તો સારું હોય જ સાહેબ… પણ આપને લોકોને જે માણસ સાંભળતો હોય એને કશું જ નવાઈ ભર્યું લાગે નહિ. આપ લોકોએ તો મફત આપો છો… પેલો તો દસ લાખ રૂપિયા લઈને આપે.
કેવું આ જિનશાસન છે! સદ્ગુરુઓ સેકંડો અને હજારો ગ્રંથો વાંચીને એનો નિચોડ તમારી પાસે મુકવા માટે તૈયાર છે, તમારા માટે પ્રભુના આગમો અને પાછળના શાસ્ત્રો ત્યાં સુધી જવાનો કોઈ માર્ગ હોય તો માત્ર પ્રવચનો છે. એક સદ્ગુરુ સેકંડો અને હજારો ગ્રંથો વાંચ્યા પછી એનું અનુપ્રેક્ષણ કર્યા પછી એનો જે નિચોડ છે એ તમને આપી દેશે.
પેલા ભાઈને રસ હતો કાર્યોમાં અને એમાં જ હોય ને! કારણ કે પ્રશંસા એમાં મળે. શ્રીમંત હતો, પૈસાની જરૂર નહોતી, પણ તમે બહુ સારું કર્યું હો… હવે તમે ન હોય તો આ કામ થાય જ નહિ.
બુદ્ધના જીવનની એક ઘટના આવે છે. બુદ્ધ પાસે એક સાધક આવ્યો, જ્ઞાની હતો, અહંકાર થોડો હતો… હું દીક્ષા લઇ લઉં પછી પેલા લોકોનું શું થાય! ગામમાં પણ હું અગ્રણી છું, ગામનું શું થાય? બુધ્ધ તો મહાવિચક્ષણ ગુરુ હતા… બુદ્ધે કહ્યું હમણાં દીક્ષા – બીક્ષા તને ન અપાય… તારે એક કામ કરવાનું છે… બોલો સાહેબ! તો કહે કે જો અહીંયા રહેવાનું આશ્રમમાં મારી જોડે, રાત્રે, સવારે મને વંદન કરી અને આ નગરના મોટા સ્મશાનમાં તારે પહોંચી જવાનું, સવારથી સાંજ સુધી સ્મશાનમાં રહેવાનું, જમવાની વ્યવસ્થા ત્યાં આગળ ટીફીન દ્વારા તારે ગોઠવી દેવાની. અને સાંજે પાછો મારા આશ્રમમાં આવી જવાનું. પેલો કહે કે ok સર. પહેલા જ દિવસે સ્મશાનમાં ગયો, અને એક અંતિમ યાત્રા આવી, આને પૂછ્યું કે આ કોણ મરી ગયું? તો પેલા નગરશેઠ મરી ગયા. હવે નગરશેઠને કેટલાય ભાષણોમાં સાંભળેલા, હું છું તો નગર ચાલે છે, હું જઈશ તો આ નગરનું શું થશે…! એ મરી ગયો. અને નગર ચાલતું નહિ, દોડતું રહ્યું. બીજો દિવસ, ત્રીજો દિવસ, મોટામાં મોટી હસ્તીઓ આવવા મંડી. જે એમજ માનતી કે પોતે છે તો જ નગર ચાલે છે, જ્યારે પોતે નહિ હોય ત્યારે નગરનું શું થશે.. અને આ જોયું પેલાનો અહંકાર જે છે ને એ ધ્રુજ્યો, હલ્યો, કંપ્યો.
તમારો થોડોક આમ ધ્રુજે ને તો ય હું જોશથી આંચકો મારીને કાઢી નાંખું. સજ્જડ કરી નાંખ્યો છે અહંકાર… હું…! પેલાનો અહંકાર ઢીલો થઇ ગયો, સાલું આ માણસો! હું તો એની જગ્યાએ કાંઈ નથી. હું તો ખાલી મારી શેરીમાં પ્રસિદ્ધ છું, નગરમાં મને કોઈ ઓળખતું નથી. આ માણસો આખું નગર નહિ, આખું રાજ્ય જેને ઓળખતું હતું, અને રાજ્યના ઘણા લોકોના મનમાં પણ હતું, કે આ માણસ છે તો સરસ શાસન ચલાવે છે, અને આ માણસ તો એમ જ માનતો હતો, કે હું છું જ આ બધું ચાલે, હું ન હોય ત્યારે ધબળકો… સાલું એ તો ગયો અને નગર તો આરામથી ચાલતું રહ્યું. એનો અહંકાર ઢીલો પડ્યો, એ બુદ્ધના ચરણોમાં આવ્યો, બુદ્ધે કહ્યું વાહ! ઢીલો પડી ગયો છે હવે… સ્વીકારી લીધો, દીક્ષા આપી દીધી. We have so much technics. તમારા અહંકારને કાઢવા માટે ઘણી બધી technics.
પણ એક જ પ્રશ્ન પૂછું કે તમારે તમારો અહંકાર છોડવો છે ખરો? જે ક્ષણે તમને લાગે કે આ તમારો અહંકાર તમારા માટે ભારરૂપ જ છે, એ ક્ષણે તમે પોતે છોડી દેશો. બહુ ઠંડી હોય, સ્વેટર પહેરો, બહુ ઠંડી હોય ને તમે કાશ્મીર ગયેલા હોવ તો… ૨ – ૩ blanket પહેરો, પણ ગરમી થાય એટલે પછી.. blanket છોડવાનો ઉપદેશ આપવો પડે ખરો? ઉનાળો આવ્યો અને પરસેવો વળે છે… ભાઈ blanket છોડ.. ઉપદેશ આપવો પડે? જે ક્ષણે તમને આ તમારો અહંકાર ભારરૂપ લાગશે એ ક્ષણે તમે એને છોડી દેશો. આ ‘હું’ નું વજન લાગે છે કાંઈ એવું…?
તો એ માણસને માત્ર કાર્યોમાં રસ.. એમાં એક સદ્ગુરુ પધાર્યા, હવે ગુરુ આવે એટલે એને ઉદ્ઘોષણા કરવા માટે હાજર રહેવું પડે, પણ એવો હોંશિયાર માણસ કે કોઈ કામકાજ કાઢીને બહાર જતો રહે, કે પ્રભાવનાનું શું થયું, કેટલી પ્રભાવના છે, વ્યાખ્યાન હરામ સાંભળે તો…! કારણ કે એમાં એને રસ જ નહિ. ગુરુ તો શું કહેવાના તારા ‘હું’ ને કાઢ… મારે ક્યાં કાઢવું છે…! મારે તો પંપાળવું છે. પણ આ સદ્ગુરુ એવા આવ્યા વ્યાખ્યાન તો સાંભળ્યું નહિ, પણ પછી મીટીંગ જેવું હતું, અને એમાં એને આગળ પડતા રહેવાનું હતું. અને ગુરુ જોડે મીટીંગ કરવાની હતી, કોઈક ધાર્મિક કાર્યની… તો બે – એક કલાક એને ગુરુની નજીક બેસવાનું થયું, ગુરુ એટલા બધા નિર્મળ હૃદયના હતા, ઓરા એટલી બધી નિર્મળ કે જેની કોઈ વાત નહિ, બે કલાક નજીક રહેવાના કારણે એને સદ્ગુરુની ઓરાનો સ્પર્શ થયો. ખરેખર ભાગ્યશાળી. થોડો અહંકાર ઓછો થયેલો, એવા સદ્ગુરુની ઉર્જા મળી એટલો બધો સરસ અનુભવ થયો એને લાગ્યું કે આખા જન્મની અંદર એવી કોઈ ક્ષણ નથી આવી કે જેમાં આવો આનંદ મેં માણેલો હોય.
પછી તો ગુરુને મહિનો રોકાવાનું થયું, આ માણસ રોજ ગુરુ પાસે જાય હવે, ક્યારેય ન જનારો રોજ જવા માંડ્યો. ગુરુ ધ્યાનમાં બેઠા હોય ને કલાક કલાક બેસે. એક મહિનો ગુરુ રહ્યા, એક મહિનામાં આ માણસ ધરમૂળથી બદલાઈ ગયો! એને ગુરુને વિનંતી કરી, કે સાહેબ! તમે જો મને શિષ્ય તરીકે સ્વીકારતાં હોવ તો આપના ચરણોમાં જીવન સમર્પિત કરવા હું તૈયાર. ગુરુએ જોયું, ભીનો થયેલો માણસ છે, અને શક્તિપાત બરોબર કરી શકાય એમ છે એના ઉપર… ગુરુએ એને સ્વીકારી લીધો અને એને નક્કી કર્યું, હું સંન્યાસ લઇ રહ્યો છું. આખી એની જ્ઞાતિમાં સોંપો પડી ગયો, આ માણસ! એ સંન્યાસ લેશે! કેટલા લોકો આવી ગયા અરે તમે! તમે દીક્ષા લેશો, પછી અમારું શું? અમારું શું…?! આ માણસ હસે છે, કે ભાઈ! કામ કરનાર હું કયા હતો, એ તો મારો અહંકાર હતો, એટલે હું માનતો હતો હું કરું છું, બાકી તો પ્રભુની અને આવા સંતોની કૃપા જ કામ કરે છે. વિચારો ધડમૂળથી બદલાઈ ગયા. એક ઘટના આવી ઘટે ને તમે પણ બદલાઈ જાવ. મારે તમને બદલવા છે.
હું એક વાત કહેતો હોઉં છું કે પ્રોફેસરનું status પણ શેના ઉપર? Students એકદમ હોશિયાર હોય એના ઉપર… એ કહે કે કયા પ્રોફેસરના classes માં જાવ છો..? એમ મને અહંકાર નથી, પણ મને પણ થાય કે અહીંયા આવીને પ્રભુની વાણી જે સાંભળે એ બદલાઈ જ જાય. કારણ? યશોવિજય નામની ઘટના તો પણ નહિ, યશોવિજયને સાંભળવાનો પણ નથી. પણ પ્રભુને આપણે સાંભળીએ અને આપણે ન બદલાઈએ તો કેમ ચાલે!
પરિવર્તન આવે અને અનાયાસ આવે. પ્રભુની કૃપા થઇ ગઈ, સદ્ગુરુનો આશીર્વાદ મળી ગયો, બદલાઈ ગયા, કોઈ મહેનત નથી, કોઈ પ્રયત્ન નથી. અનાયાસ.. વહેણ આખું બદલાઈ જાય નદીનું. બહુ મજાની આ કથા છે: આવો માણસ! ગુરુ એને સ્વીકારે ગુરુ એના ઉપર શક્તિપાત કઈ રીતે કરે, અને એ માણસ ક્યાં સુધી અંદર ઉતરી શકે એની વાત આવતી કાલે જોઈશું.