Pravachan Anjan Jo Sadguru Kare – Vachana 46

81 Views
31 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject: કાયગુપ્તિ

પ્રભુએ બીજી સાધના કરી કાયગુપ્તિ ની. બે વર્ષ body ને treat કરી. કાયગુપ્તિમાં ગયા. પ્રભુ મનોગુપ્તિમાં ન ગયા કારણ કે મનને treat કરવાની જરૂર હતી જ નહિ. જન્મથી જે ઉદાસીનદશા હતી એના કારણે તીવ્ર રાગ, તીવ્ર દ્વેષ – કશું જ નહતું. અને એના કારણે પરમાં જવાનું પણ ન થતું.

ઉદાસીનદશા ગહન હોય, ત્યાં નિર્વિકલ્પદશા તો આપોઆપ સધાઈ જાય. ઉદાસીનદશા જ્યાં આવી, ભૂતકાળનો છેડો ફાટી ગયો. ભવિષ્યકાળ જોડે પણ કોઈ સંબંધ નથી. માત્ર વર્તમાનકાળમાં તમે છો. વર્તમાનયોગ તમને નિશ્ચિંત, નિર્ભાર બનાવે. આજના આ stress-age ની અંદર પણ તમે stress-free હોવ!

વ્યવહાર સાધના પણ સમ્યગ્ કયારે થાય? તમને મનને એકાગ્ર બનાવતા આવડે તો. જે વખતે જે ક્રિયા ચાલે છે, તમારું મન totally એમાં રહેવું જોઈએ. એના માટે પણ નિર્વિકલ્પદશાનો અભ્યાસ જરૂરી છે.

ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૪૬

દેવાધિદેવ ત્રિલોકેશ્વર, અખિલ બ્રહ્માંડેશ્વર, પરમાત્મા મહાવીરદેવની સાધનાની આંતરકથા. ભાઈના આગ્રહથી પ્રભુ બે વર્ષ ગ્રહસ્થપણામાં રહ્યા ત્યારે પ્રભુએ એક સાધના ત્રિપદી ઘૂંટી. “एगत्तिगते पिहितच्चे से अभिण्णाय दंसणे संते” આત્માનુભૂતિ, કાયગુપ્તિ, અને જ્ઞાતા-દ્રષ્ટાભાવનું ઊંડાણ.

પ્રભુ માટે આત્માનુભૂતિ બહુ જ સરળ હતી. તીર્થંકર ભગવંતો જન્મથી જ પરમ ઉદાસીનદશામાં હોય છે. પ્રભુ ગ્રહસ્થપણામાં ચોથું ગુણઠાણું પામે છે. કોઈ તીર્થંકર ભગવંત પાંચમે ગુણઠાણે આવતાં નથી. સીધા જ દીક્ષામાં આવે છે. હવે ચોથું ગુણઠાણું – સમ્યગ્દર્શન – સ્વાનુભૂતિ એ પાંચમી દ્રષ્ટિ. આપણને કોઈને સમ્યગ્દર્શન મળેલું હોય, સ્પર્શેલું હોય તો આપણે પાંચમી દ્રષ્ટિમાં કહેવાઈએ. પણ તીર્થંકર પ્રભુનો આત્મા સીધો જ છટ્ઠી દ્રષ્ટિમાં હોય છે. છટ્ઠી દ્રષ્ટિમાં સઘન ઉદાસીનદશા હોય.

અંજનશલાકાના પ્રવચનોમાં એક વાત હું ખાસ કહેતો હોઉં છું. કે જ્યારે પ્રભુનો લગ્નોત્સવ થાય અને પ્રભુનો રાજ્યાભિષેક ઉત્સવ થાય ત્યારે પ્રભુના મુખને ધારી – ધારીને જોવો. લગ્ન કરવા પડે છે. There is no other way. મોહનીય કર્મને આ જનમમાં બિલકુલ ક્ષીણ કરવું છે. એના માટે બીજો કોઈ માર્ગ નથી. માટે પ્રભુને લગ્ન કરવું પડે છે. પણ એ વખતે તમે પ્રભુના મુખ ઉપર જોવો પરમ ઉદાસીનદશા છવાયેલી છે. દીક્ષાની વિનંતી કરી, માત-પિતાને અને ભાઈને તરત જ સામેથી વાત આવી. રજા તો મળશે. પણ એક દિવસ તારે રાજા બનવું પડશે. ઘણા તીર્થંકરોનો અભિષેક માત-પિતાએ કર્યો.

તો એ રાજ્યાભિષેક ઉત્સવની ક્ષણ છે. એ વખતે પ્રભુના મુખને જોવો. પરમ ઉદાસીન દશા છે. કશુંક બહાર ચાલી રહ્યું છે. એની જોડે પોતાને કોઈ સંબંધ નથી. એટલે તીર્થંકર ભગવંતો શ્રાવકપણામાં નથી, ગ્રહસ્થપણામાં… પાંચમાં ગુણઠાણે નથી. પણ છટ્ઠી દ્રષ્ટિમાં છે. ગુણઠાણાને સંબંધ વિરતિ જોડે છે. કે દેશવિરતિ તમે થયા તો પાંચમું ગુણઠાણું. સર્વવિરતિ થયા તો છટ્ઠું. પણ એમાં પ્રમાદ થોડો છે તમે અપ્રમત્ત બનો તો સાતમા ગુણઠાણે. દ્રષ્ટિમાં વાત એ છે કે પાંચમી દ્રષ્ટિએ સમ્યગ્દર્શન અને છટ્ઠીમાં એક ગહન ઉદાસીનદશા. એટલે ઉદાસીનદશામાં બિરાજમાન સાધુ ભગવંત પણ છટ્ઠી દ્રષ્ટિમાં, અને પ્રભુ ગ્રહસ્થપણામાં હતા ત્યારે પણ છટ્ઠી દ્રષ્ટિમાં.

તો એ ઉદાસીનદશા ગહન હોવાને કારણે નિર્વિકલ્પદશા તો આપોઆપ સધાય જાય. ઉદાસીનદશા જ્યાં આવી જાય- ભૂતકાળનો છેડો ફાટી ગયો, ભવિષ્યકાળ જોડે કોઈ સંબંધ નથી; વર્તમાનકાળમાં તમે છો. અમે બધા આનંદમાં કેમ ખબર છે? શું કારણ? આ વર્તમાનયોગ. અમારા કોઈ પણ શિષ્યોને પૂછો કે સાહેબ મુંબઈ ક્યારે છોડવાનું છે…? બધાનો જવાબ એક જ હશે, એ ગુરુદેવ જાણે, અમે કંઈ જાણતા નથી. એ લોકો બધા જ મજામાં… કારણ આવતી ક્ષણનો વિચાર એમની પાસે નથી. વિહારમાં હોઈએ તમે કોઈ પણ મુનિરાજને પૂછો, સાહેબ કાલે વિહાર છે કે રોકાવાનું છે અહીં…? જવાબ એક જ હશે, ગુરુદેવને પૂછો. આ વર્તમાનયોગને કારણે કેટલી નિશ્ચિંતતા! કેટલી નિર્ભારતા! Stress age ની અંદર પરમાત્માનો સાધક stress free હોઈ શકે છે.

મુંબઈમાં તમે છો, stress age માં છે. મુંબઈના બધા જ લોકો સવારે દોડો, ભાગો, ભાગો, ભાગો. રાત્રે પાછા આવો ઘરે. વિરારવાળા અમુક લોકો મળેલા મને… મને કહે સાહેબ ૧૧ – ૧૧.૩૦ વાગે આવીએ ઘરે… અને સવારે ૮ વાગે પાછા ભાગીએ. માત્ર રાત્રે સુવા માટે ઘરે અમે આવીએ છીએ. સવારે પૂજા કરી, ન કરી, નાસ્તો કર્યો ન કર્યો… અને ૮ ની ગાડી પકડી સીધી જ અમારી કર્તવ્ય સ્થાને અમે પહોંચી જઈએ. આટલા stress માં બીજા બધા હોઈ શકે, તમે નહિ. કારણ? તમે પ્રભુના સાધક છો. જે પણ પ્રભુનો સાધક બની ગયો, એ stress free બની ગયો. આવતી ક્ષણ કેવી ઉગવાની છે? અનંત જ્ઞાની ભગવંતો જાણે છે, પ્રભુ જાણે છે. મારે જાણવાનું શું કામ…?!

પ્રખ્યાત જ્યોતિષીઓ મને મળેલા, મને કહે તમારો હાથ આપો, જોઈ લઈએ. મેં કહ્યું હું વર્તમાનયોગનો માણસ છું. ભવિષ્યમાં શું થવાનું અને શું નહિ થવાનું… એનો વિકલ્પ જ મારી પાસે નથી. તારા જ્ઞાનનું પ્રયોજન મારે કોઈ જ નથી. તારું જ્ઞાન બીજા માટે હોઈ શકે. મારા માટે નહિ. ઈચ્છા જ નથી, જિજ્ઞાસા જ નથી. જ્યાં સુધી અહીંયા રહીએ, આ શરીરમાં. પ્રભુની આજ્ઞાનું પાલન થાય, અને અસ્તિત્વના સ્તરે સાધના પ્રવેશી ગયેલી હોય, આવતાં જન્મે જ્યાં પણ જઈએ ત્યાં પ્રભુની સાધનાનો દૌર અણછૂટ્યો, વણછૂટ્યો મળી જાય, કામ પૂરું થઇ ગયું. બીજું જોઈએ છે શું? કેટલું જીવવું એ સાધકની પરિભાષામાં નથી આવતું. કેવું જીવવું એ સાધકની પરિભાષા છે.

તમે ક્યાં છો બોલો? કેટલું જીવવાના છો? ૮૦ વર્ષ, ૯૦, ૧૦૦, ૧૧૦? શું મતલબ?! તમે કેવું જીવો છો, તમારે એક- એક ક્ષણ આનંદમય જાય તો તમે કહી શકો કે એક સમૃદ્ધ જીવનનો હું માલિક છું. ૧૦૦ વર્ષ થયા હોય, કાયા કકડી ગયેલી હોય, સેવા કરનાર કોઈ હોય નહિ, અને કહે હું ૧૦૦ વર્ષનો, પણ તારું achievements શું? તો stress age માં પણ તમે stress free age માં છો. મજામાં છો… કોઈ તમને પૂછે ને શાતામાં? શું કહો…? દેવ-ગુરુ પસાય. મજા જ મજા છે અહીં તો…! પ્રભુ અને ગુરુની કૃપા એક-એક ક્ષણે વરસી રહી છે. હવે અહીંયા આશાતાનો સંભવ જ ક્યાં છે?!

મારા દાદા ગુરુદેવ ૧૦૩ વર્ષની વયે કાળધર્મ પામ્યા. છેલ્લા લગભગ ૧૭ વર્ષ ચત્તા ને ચત્તા સાહેબજીને સુઈ રહેવું પડ્યું. થાપાનું ફેક્ચર થયેલું, પડખે સુવા જાય અત્યંત વેદના થાય, ૧૭ વર્ષ એ ગુરુદેવ ચત્તા ને ચત્તા સુઈ રહેલા. વાપરવાનું હોય ત્યારે બેઠા કરીએ પલંગમાં, એવી અવસ્થામાં કોઈ પણ વ્યક્તિ આવીને પૂછે? સાહેબ! શાતામાં? એ હસીને કહેતાં, દેવ-ગુરુ પસાય. અને પછી કહેતાં ભાઈ! પ્રભુનો માર્ગ જ શાતાનો માર્ગ છે, અહીંયા અશાતા ક્યાંથી આવે?!

તો પ્રભુ માટે આત્માનુભૂતિ બહુ જ સરળ હતી. કારણ જન્મથી જ ઉદાસીનદશામાં છે. દેવો ક્ષીરસમુદ્રનું પાણી લઈને આવે. દેવો કલ્પવૃક્ષના ફળ લઈને આવે. એ ખાવાનું છે… એક ક્ષણ મનમાં એ ભાવ નથી આવતો. કે હું કેવો મનુષ્ય! કે દેવો પણ મારી સેવા કરે…! મેરુ અભિષેકની ક્ષણો.. વિચાર તો કરો…! ઇન્દ્રો બધા હાજર! પ્રભુનો અભિષેક ચાલે છે. પણ પેલી બાજુ ભક્તિ છે, આ બાજુ પરમ ઉદાસીનદશા છે. તો એ ઉદાસીનદશાને કારણે આત્માનુભૂતિ બહુ જ સરળ હતી. આપણે ત્યાં આપણા સદ્ગુરુઓએ અને બીજી પરંપરામાં પણ ગુરુઓએ તમારા માટે ખુબ ખુબ ખુબ મહેનત કરી છે. એક સાધક જિજ્ઞાસુ લાગે તો એને તળેટીથી ઉચકી, શિખર સુધી કેમ લઇ જવો, એ આપણા સદ્ગુરુઓ વિચારતાં, એ પ્રમાણે કામ કરતાં.

ગુર્જિએફ પાસે સાંજના સમયે એક સાધક આવ્યો. એ સાધકે કહ્યું, ગુરુદેવ! મને સાધના આપો. અને આખરે બધી સાધના આત્માનુભૂતિ તરફ જ જવાની. પ્રભુની બે જાતની આજ્ઞા. વ્યવહાર આજ્ઞા, અને નિશ્ચય આજ્ઞા. બધી જ વ્યવહાર આજ્ઞા- સમિતિ, ગુપ્તિ, પંચાચાર પાલન. આ બધું જ નિશ્ચય આજ્ઞાના પાલન તરફ જાય છે.

પ્રભુની નિશ્ચય આજ્ઞા શું? તું તારામાં સ્થિર થા. પ્રભુની નિશ્ચય આજ્ઞા એક જ છે, તું તારામાં સ્થિર થા. એટલે આપણી બધી જ વ્યવહાર સાધના આના માટે છે. અને એટલે સૌથી પહેલા નિર્વિકલ્પ બનવું જરૂરી છે. કારણ નહિતર તમારી વ્યવહાર સાધના પણ સમ્યગ્ નહિ થાય. દેરાસરમાં ગયા, ગભારામાં છો, પ્રભુનો સ્પર્શ થઇ રહ્યો છે, પણ તમે તો ક્યાં હાજર છો ત્યાં…?! આંગળી તમારી પ્રભુનો સ્પર્શ કરે છે. તમે તો બહાર ફરો છો. પ્રતિક્રમણ પૂરું થઇ ગયું, પૂછીએ સ્તવન કોને ગાયેલું, કયું સ્તવન હતું? જવાબ શું આપે ખબર છે? હા, હા સ્તવન ગવાયેલું હતું ને… કહે છે. પણ સ્તવન તો ગવાય જ ને…! એના વગર પ્રતિક્રમણ પૂરું કેવી રીતે થાય! પણ કોણે સ્તવન ગાયેલું? કયું સ્તવન હતું…? એટલે પેલા ભાઈ માથું ખંજવાળે. ક્યાંય બહાર ફરવા નીકળી ગ્યા હતા.

તો આપણી વ્યવહાર સાધના પણ સમ્યગ્ કયારે થાય? તમને મનને એકાગ્ર બનાવતાં આવડે તો… જે વખતે જે ક્રિયા કરો છો એ જ વખતે તમારે મનને રાખવાનું છે. આપણી ક્રિયામાં એક દોષ છે. અન્યમુદ્. કેટલું ઊંડાણ શાસ્ત્રકાર ભગવંતોએ આપ્યું છે. અન્યમુદ્ એટલે શું? તમે સાંજે સંધ્યાભક્તિ માટે દેરાસરે ગયા, સરસ મજાના ભક્તિગીતો ગવાયા. ગાનારનો કંઠ પણ સરસ હતો, તમે એમાં ઝૂમી ગયા. એ સંધ્યાભક્તિ પુરી થઇ. તરત પ્રતિક્રમણનો સમય આવ્યો. તમે પ્રતિક્રમણમાં બેઠા. અને એ વખતે તમને જો થાય, કે સંધ્યાભક્તિમાં કેટલી મજા આવતી હતી…! આ પ્રતિક્રમણની ક્રિયા તો કોરી કોરી લાગે છે. તો તમને દોષ લાગી ગયો. તમે પ્રતિક્રમણની ક્રિયાની આશાતના કરી. જે વખતે જે ક્રિયા ચાલે છે, તમારું મન totally એમાં રહેવું જોઈએ. તો એના માટે પણ નિર્વિકલ્પદશાનો અભ્યાસ જરૂરી છે.

પેલા સાધકે કહ્યું, મને સાધના દીક્ષા આપો. ગુરુ તૈયાર હતા. પણ પેલો તૈયાર નહોતો એનું શું? એટલે ગુરુએ dual action કરવું પડ્યું. અમારી પરેશાનીની વાત કરું, તમને તૈયાર કરતાં કરતાં જનમ પૂરો થઇ જાય. અને અમે શક્તિપાત કરી ન શકીએ…! dual action અમારું… પહેલા તમને તૈયાર કરવાના, જે ક્ષણે તૈયાર થાવ, એ ક્ષણે શક્તિપાત કરી દેવાનો. પણ, તમને તૈયાર કરતાં કરતાં આખો જનમ વીતી જાય. પણ છતાં કોઈ પણ ગુરુ ક્યારેય પણ થાકતા નથી. તમે એક જનમથી નહિ, કેટલાય જન્મોથી ગુરુ ચેતનાને રાહ જોવડાવી રહ્યા છો. ગુરુ તૈયાર કરે, થોડા તૈયાર થયા, વિશુદ્ધ હૃદયવાળા બન્યા, જ્યાં તમારી દુનિયામાં ગયા, રાગ અને દ્વેષથી ખરડાઈને પાછા આવ્યા. માં પણ છે ને, દીકરો એક દિવસમાં પાંચવાર ગંદગીમાં આળોટીને આવે ને તો થોડીક ગુસ્સે થઇ જાય. પણ આ સદ્ગુરુ ચેતના અગણિત જન્મોથી વિષય અને કષાયની અશુચિમાં તમે ખરડાઈ ખરડાઈને આવો, તો પણ તમને શુદ્ધ કરે.

એક બહુ મજાની સ્તવના છે: શત્રુંજયાધિપતિ ઋષભદેવ પ્રભુના ચરણોમાં પેશ થયેલ છે. સત્તાવન કડીની સ્તવના છે. વિનયવિજય મ.સા. એ બનાવેલી છે. એમાં પ્રભુ જોડે સીધો સંવાદ છે. એક જગ્યાએ વિનયવિજય મ.સા. કહે છે કે પ્રભુ! તું એમ કહીશ કદાચ કે હું તને મારા ખોળામાં શી રીતે લઉં? જો તો ખરો, તારું અસ્તિત્વ રાગ અને દ્વેષથી, અહંકારથી કેટલું ખરડાયેલું છે! એ વખતે વિનયવિજય મહારાજ કહે છે, પ્રભુ તમે આમ કહો ને તો હું તમને સામે કહીશ કે તમે આવું કહી શકતા નથી. એક માં બાળકને ક્યારેય કહી શકતી નથી કે તું ગંદો છે, બાથરૂમ જઈ આવ, નાહીને આવ… પછી તને ખોળામાં લઉં… અને એવી રીતે જો માં કહે તો એના માતૃત્વની કોઈ ગરિમા રહેતી નથી. પ્રભુ તૈયાર, સદ્ગુરુ તૈયાર.

ગુર્જિયેફ તૈયાર છે, પેલો માણસ તૈયાર નથી. ગુર્જિયેફ એક નવી જ યુક્તિ એના માટે પસંદ કરે છે. ગુર્જિયેફે કહ્યું, આવો હોલ હતો, હોલમાં લાકડાના બિંબ ફીટ થઇ રહેલા હતા, ગુર્જિયેફે કહ્યું, આ એક લાકડાનું બિંબ છે ને એને ગોઠવતાં ગોઠવતાં સુથારો ટાઈમ થયો અને નીકળી ગયા, તું જરા ઉપર ચડી જા. એને સેન્ટર માં લાવી દઈએ. પેલો તો ઉપર ચડ્યો. ગુરુએ કીધું, right; જમણો લીધો એણે. ગુરુએ કહે નહિ, નહિ, નહિ…  બહુ જમણો આવી ગયો આ તો… ડાબો કર… થોડો ડાબો ખેચ્યો, હજુ થોડો left લે. થોડો left લીધો, અરે, અરે વધારે આવી ગયો. આપણે તો સેન્ટરમાં લાવવાનો છે. એમ ગુરુ right- left, right-left કરાવતાં જ રહ્યા. હવે આ કંટાળાજનક ક્રિયા હતી. એટલે સહેજ એને ઝપકી આવી ગઈ. ઊંઘ આવી ગઈ. ગુરુએ જોયું બેઠો છે બરોબર… ભલે ઊંઘે… અને ગુરુની ઈચ્છા એને ઊંઘાડવાની જ હતી. પેલો દશેક મિનિટ સુઈ ગયો. અગિયારમી મિનિટે ગુરુએ નીચેથી બુમ મારી એય શું કરે છે? પેલાએ આંખ ખોલી…

આ ક્ષણો બહુ જ મહત્વની હોય છે. ક્યારેક અનુભવ કરજો. કોક અજાણી જગ્યાએ ગયા છો, રાત્રે પલંગમાં બેઠા પણ થયા, લાઈટ નથી, તમે ઉઠી ગયા છો, પણ તમારું conscious mind જાગ્રત બન્યું નથી અને એટલે તમે ક્યાં છો, અંધારું છે તો switch કઈ બાજુએ છે. બાથરૂમ કઈ બાજુ છે એ ખ્યાલ નથી આવતો. પંદર – વીસ સેકંડ બહુ જ મહત્વની હોય છે, જ્યારે તમે છો અને તમારું મન નથી. અમારે તો ઘણીવાર આવું થાય. વિહારમાં ગયા હોઈએ સાંજે, પારિષ્ઠાપનિકાની જગ્યા પણ અમારે જોવાની હોય, એ જોઈ લીધેલી હોય, રાત્રે ઉઠીએ, ઉપાશ્રયમાં લગભગ અંધારું જ હોય, ઉઠીએ તરત જ દંડાસન હાથમાં આવી જાય. અમે લોકો ઉઠી ગયા છીએ પણ અમારું મન જાગૃત નથી બન્યું. એટલે ખ્યાલ નથી આવતો કે મેડા ઉપર ઉતરેલા છીએ, કે નીચે ઉતરેલા છીએ, દેહ ચિંતા માટે કઈ બાજુ જવાનું છે, પારિષ્ઠાપનિકાની જગ્યા કઈ છે. કોઈ જ ખ્યાલ નથી આવતો. ૨૦ – ૨૫ સેકંડ તરત ખ્યાલ આવે ઓહોહો ઉપાશ્રયમાં ઉપર ઉતરેલા છીએ, આ બાજુ જવાનું છે. તો એ ૨૦ સેકંડ બહુ જ મહત્વની થઇ. જ્યારે તમારું મન નથી ને તમે છો. મન આવે એટલે બધી જ ગરબડ. કારણ કે તમારા મનમાં તમે રાગ-દ્વેષ, અહંકાર એ જ તો ભર્યું છે. એટલે મન જાગૃત થાય એટલે રાગ દ્વેષ અહંકાર બધું જ જાગૃત બની જાય. અમારે એ બધાને સુવાડવા છે ને તમને ઉઠાડવા છે.

તો અગિયારમી મિનિટે ગુર્જિયેફે બુમ મારી, એય શું કરે છે? પેલાએ ગુરુની સામે જોયું, હવે મન ગેરહાજર છે, ગુરુ સામે એણે જોયું, ગુરુએ એની સામે જોયું, શક્તિપાત થઇ ગયો. બિંબ પર બેઠા બેઠા ગુરુએ એના ઉપર શક્તિપાત કરી દીધો. કારણ ગુરુ તો તૈયાર જ હતા શક્તિપાત કરવા. પેલો તૈયાર નહોતો. એ એની બુદ્ધિ, એ એનો અહંકાર એ બધું ઠાંસી- ઠાંસીને ભરીને લઈને આવ્યો હતો. અને કહે શક્તિપાત કરો, હવે ક્યાંથી કરવો આમાં…?! તમને ખાલી કરવામાં નાકે દમ આવી જાય છે. કોણ જાણે તમે તમારા રાગ-દ્વેષને એટલા અમુલ્ય હીરા માનીને બેસી ગયા છો, કે એ કોઈને આપવા તૈયાર જ નથી થતાં તમે…!

એક ફિલોસોફરે કહેલું, કે આજનો માણસ છે પ્રબુદ્ધ, તમે બધા પ્રબુદ્ધ છો. કોઈ અહંકારી હશે તમને ખ્યાલ આવશે, હવે એની જોડે શું વાત કરે?! અહંકારનું પુતળું છે. ખ્યાલ આવે છે… માત્ર તમારી ભીતર એ અહંકાર હોય, એ જીવદ્વેષ હોય તમને ખબર ન પડે! તો એ ફિલોસોફરે લખ્યું, કે આજના માણસ પાસે ચિંતામણી હોય એવું લાગે છે. ચિંતામણી હોય તો શું થાય…? પત્થર નો હીરો… જે માંગો તે થઇ જાય. અને પારસમણી હોય તો લોઢાનું સોનું થઇ જાય. તો આજના માણસ પાસે પારસમણી છે. જેથી કરીને એની પાસે જે રાગ-દ્વેષનું લોઢું છે, એ સોનું થઇ જાય છે બરોબર…? તમારે આવવું છે? બીજાનું લોઢું એ લોઢું… તમારું લોઢું એ સોનું, બરોબર…? આપણે ત્યાં એક કહેવત છે – માણસ પોતાનામાં અને બીજાનામાં કેટલો ફરક પાડે… કહેવત એવી છે, કે મારો છગન સોનાનો, પાડોશીનો દીકરો પિત્તળનો…  મારો છગન સોનાનો, પાડોશીનો પિત્તળનો અને ગામના બધા ગારાના. મારો છે માટે વિશિષ્ટ બની ગયો. કારણ કે તમે એકદમ વિશિષ્ટ માણસ!

એટલે કોઈ પણ ગુરુની ઈચ્છા હોય છે કે કોઈ પણ રીતે તમને અમૃતતત્વનો આસ્વાદ કરાવે. એકવાર એ અમૃતતત્વનો આસ્વાદ કરો, એવા કેફમાં રહેશો તમે, બીજું કાંઈ તમને ગમશે નહિ.

ઉપાધ્યાય યશોવિજય મહારાજે કહ્યું, “જાણ્યો રે જેણે તુજ ગુણ લેશ, બીજા રે રસ તેહને મન નવિ ગમેજી” એક પ્રભુ તારા ગુણનો આસ્વાદ મળી ગયો, પછી દુનિયામાં કાંઈ જ ગમશે નહિ.

તો ગુર્જિયેફે પહેલાં પેલાને તૈયાર કર્યો, દસ મિનિટમાં તૈયાર થઇ ગયો! હું તો કેટલા મહિનાથી કામ કરું છું. તૈયાર થવું તો છે ને આમ…?  વાચના સાંભળીએ, કેમ…? મજા આવે છે… ના, કાનને મજા આવે, મનને મજા આવે; માટે પ્રભુના શબ્દો નથી. આ પ્રભુના શબ્દો અમે એવી રીતે વાપરવા ઈચ્છીએ છીએ કે તમારું મન તૂટી જાય, તમારી બુદ્ધિ તૂટી જાય, તમારો અહંકાર તૂટી જાય. અને એટલે જ ઉપનિષદોએ કહ્યું, આચાર્યો હિ મૃત્યુ. કોઈ પણ સદ્ગુરુ એટલે મૃત્યુ. તમારા વિભાવો એને સમાપ્ત કરવાનું કામ પણ ગુરુનું. અને તમને સ્વભાવદશામાં લઇ જવાનું કામ પણ ગુરુનું.

પ્રભુએ બીજી જે સાધના કરી, એ કાયગુપ્તિની કરી. અવધિજ્ઞાનથી પ્રભુને ખ્યાલ હતો, કે સાડા બાર સુધી માત્ર કાયોત્સર્ગ ધ્યાનમાં જ રહેવાનું છે. પદ્મવિજય મ.સા. એ પૂજામાં કહ્યું, “સાડા બાર વર્ષ જિન ઉત્તમ, વીરજી ભૂમિ ન ઠાયા હો” પ્રભુ પલોઠી વાળીને એક મિનિટ માટે બેઠા નથી. વિહાર, પારણું અને કાયોત્સર્ગ ધ્યાન. આ સૂત્ર પૂરું થાય એટલે સીધા જ સાધનાના સુત્રો શરૂ થશે કે કેવા કેવા સંયોગોમાં પ્રભુએ કેવી કેવી રીતે સાધના કરી… તો પ્રભુને આ ખ્યાલ હતો, કે સાડા બાર વર્ષ કાયોત્સર્ગ ધ્યાનમાં મારે રહેવાનું છે એટલે પ્રભુએ બે વર્ષ body ને treat કરી. શરીર અને મન એને તમે જેવા treat કરો એવા treat એ થઇ શકે છે. તમે exercise કરો, પહેલા દિવસ આમ કરો હાથ આમ, આમ, આમ… દુઃખવા આવશે ખભા, પણ દસ દિવસ કર્યું બિલકુલ દુઃખવા નહિ આવે… એટલે સ્નાયુઓ એકદમ હરતાં – ફરતા થઇ જશે. તો body ને treat કરવાની હોય છે. મનને પણ treat કરવાની હોય છે. પણ એક વાત મને લાગે છે કે તમે તમારા મનને ક્યારેય પણ treat કરી શકવાના નથી. અમને આપી દો તો અમે treat કરી દઈએ.

હું તો mind transplantation ના ઓપરેશનો કરું છું. ડોક્ટર બેનર્જીએ heart transplantation નું ઓપરેશન કરેલું. અમે લોકો mind transplantation ના ઓપરેશનો કરીએ છીએ. જુનું મન આપી દો. નવું મજાનું મન આપી દઈએ. છો તૈયાર..? આજે સીધી offer… જેટલા જેટલાને મન બદલવું હોય, જુનું મન આપી દો, નવું મન આપી દઈએ. આવી grand exchange offer કોઈ આપે…?! સોની ટી.વી નું જુનું ડોઘરું આપી જાવ, અને નવું ટી.વી લઇ જાવ એવું કોઈ કહે…?! વચ્ચે થોડી રકમ તો આપવી જ પડે. તમારું જુનું મન આપી જાવ. નવું fresh mind તમને આપી દઈએ. અને એવું fresh mind ગેરંટી સાથેનું જે second to second તમને આનંદમાં જ રાખે. એક ક્ષણ પણ તમારી વિષાદમાં ન જાય. આમ તો તમને ઈચ્છા પણ થઇ જાય. ન થાય…? કોઈનો luxurious flat જોવા જાવ, તો તમને ગમી જાય, એમ અમારી પ્રસન્નતા તમને ગમી જાય. તો અમારી પ્રસન્નતા તમને ગમી જાય. તો અમારી એ પ્રસન્નતાની પાછળનું કારણ શું? અમારું મન પ્રભુએ બદલી આપેલું છે. સંજ્ઞાવાસિત મન અગણિત જન્મોથી અમારી પાસે હતું. પ્રભુએ અમને, સદ્ગુરુએ અમને આજ્ઞાવાસિત મન આપી દીધું. તો અમને જ મળે એવું નહિ, તમને પણ મળે. તમારે જોઈતું હોય તો…

તો પ્રભુએ body ને treat બે વર્ષ સુધી કરી. કાયગુપ્તિમાં ગયા, મનોગુપ્તિમાં ન ગયા, કારણ મનને treat કરવાની જરૂર હતી જ નહિ. મેં પહેલા કહ્યું તેમ, જન્મથી ઉદાસીનદશા છે. પરમાં જવાનું કોઈ કામ નથી. એવો કોઈ તીવ્ર રાગ નથી, કે એવો કોઈ તીવ્ર દ્વેષ નથી. કશું જ નથી. અને એના કારણે પરમાં જવાનું થતું નથી. અને એથી કરીને વિચારો પણ નિષ્પ્રયોજન બનેલા હોય છે. એથી મનોગુપ્તિ સાધવાની જરૂર નહોતી. પણ body ને treat કરવાની જરૂર હતી.

હમણાંના એક સાધકની વાત કરું, એ સાધક રૂમમાં બેઠેલા, એકલા હતા. એ બેઠેલા હતા અને એક બીજો જિજ્ઞાસુ આવ્યો. જિજ્ઞાસુ આવ્યો ત્યારે એ સાધક મુહપત્તિ લઈને ખભાને પુંજતા હતા. તો પેલાને જિજ્ઞાસા થઇ કે મુહપત્તિનું પડીલેહણ હોય ત્યારે ખભાને ખભાને પૂજવાનું આવે. પણ એમને એમ ખાલી ખભાને કેમ પુંજી રહ્યા છે? એટલે જિજ્ઞાસુએ પૂછ્યું, કે આપ શું કરો છો? તો એ સાધકે કહ્યું હું મારી body ને treat કરું છું. તું તો હમણાં આવ્યો, તું આવ્યો એ પહેલા એક માખી ખભા પર બેઠેલી, મારો હાથ સહસા ઉચકાયો, અને સીધો જ ખભા ઉપર પડ્યો. માખી તો ઉડી ગઈ. પણ અહીંયા હાથ પ્રતિલેખન કર્યા વગરનો હતો ને… ખભાનો ભાગ પડીલેહણ કર્યા વગરનો હતો. તો આ રીતે મારો હાથ આમ touch થઇ શકે નહિ. કારણ કે અહીંયા પણ સૂક્ષ્મ જંતુ હોઈ શકે. અહીં પણ હોઈ શકે. એટલે હાથને આમથી આમ મુકવો હોય તો મારે હથેળીને પણ મુહપત્તિ થી પલેવી જોઈએ. ખભાને પણ પલેવો જોઈએ. પણ એ હું ચુકી ગયેલો, તો અત્યારે મારા body ને હું treat કરું છું. કે ભાઈ! હાથને આમથી આમ કરવો હોય, તો પહેલા આમ કરવાનું. એક કાયગુપ્તિ અને મનોગુપ્તિ તમને મળી જાય, વચનગુપ્તિ તો benefit માં મળી જાય. તો તમે ઘટનાઓથી અપ્રભાવિત બની જાવ.

હમણાની એક ઘટના કહું. New York માં એક બહુ મોટા બૌદ્ધ ગુરુ તિબેટથી આવવાના હતા. દલાઈલામા જેવી ખ્યાતીવાળા, એ વિશ્વ પ્રસિદ્ધ ગુરુ હતા. અને એ new York માં આવવાના હતા. એક સંસ્થાએ બધું આયોજન કરેલું, તો એમના પ્રવચનો આ તે બધું જ રાખેલું. મીડિયામાં એની જાહેરાત પુષ્કળ થયેલી. પહેલું પ્રવચન એમનું શરૂ થયું. બહુ મોટી બિલ્ડીંગ એમાં ૮૦માં માળે બહુ મોટો હોલ હતો. એમાં એમનું પ્રવચન. પ્રવચન અડધે પહોંચ્યું અને ધરતીકંપના સહેજ આંચકા અનુભવાયા. ધરતીકંપના આંચકા અનુભવાયા. એ હોલને ૧૫ થી ૨૦ લીફ્ટો હતી. ૨૦ લીફ્ટો બહુ મોટી-મોટી એકસાથે ચાલુ થઇ ગઈ. ૫ મિનિટમાં હોલ ખાલી.

પણ પ્રવચનમાં એટલો બધો રસ પડેલો કે પ-૧૦ ટકા લોકો ઘરે ગયા ૯૦ ટકા લોકો નીચે ઉભા રહીને ટી.વી. ઉપર news જોઈ રહયા છે. અને ટી.વી. માં ઉદ્ઘોષકે કહ્યું કે new York માં કે આજુબાજુમાં એકદમ હળવા આંચકા લાગ્યા છે. એક પણ મકાન ક્યાંય તૂટ્યું નથી. અને હવે વૈજ્ઞાનિકો કહે છે after-shocks આવવાની કોઈ જ શક્યતા નથી. એટલે તમે બધા જ પોતાના કામમાં આરામથી લાગી જાવ, હવે કશું જ અઘટિત બનવાનું નથી. આટલું સાંભળતા એ ૯૦ ટકા શ્રોતાઓ જે નીચે રહેલા હતા, ઉપર પહોંચી ગયા પાછા. એમની બધાની નવાઈ વચ્ચે ગુરુ ત્યાં ને ત્યાં બેઠેલા હતા. ધરતીકંપનો આંચકો અનુભવાયો, આખું auditorium ખાલી થઇ ગયું. ગુરુ ત્યાં ને ત્યાં મજાથી બેઠેલા. ધ્યાનમાં… જ્યાં આખું auditorium ભરાઈ ગયું, આંખ ખોલી, જ્યાંથી પ્રવચન અધૂરું છોડેલું, ત્યાંથી શરૂ કર્યું. નિયત સમયે પ્રવચન પૂરું પણ થયું. એ પ્રવચન પછી પત્રકારો બધા ગુરુને ઘેરી વળ્યા. પત્રકારોએ પૂછ્યું, ભૂકંપનો આંચકો અમે બધાએ અનુભવ્યો, ક્યારેક એકદમ સામાન્ય હોય ને તો ખબર પડે, ન પણ પડે એવું બને. આ તો બધાને અનુભવાયો. એટલે ૪ થી ૫ સ્કેલનો હતો. આવો ભૂકંપનો આંચકો અનુભવાયો. આખું auditorium ખાલી થઇ ગયું. અને આપ અહીંયા જ બેઠેલા રહ્યા! ગુરુ હસ્યા. એ માત્ર orator નહોતા, સાધક હતા.

એક વાત ખાસ યાદ રાખવાની, અનુભૂતિવાન કોઈ પણ વ્યક્તિ હોય, એ અનુભૂતિવાનના શબ્દો તમારા હૃદયમાં પહોંચી જ જશે. થોડા સાવધાન તમે હોવ, થોડી જગ્યા રાખો ને તો અમે લોકો ઘુંસી જઈએ. અનુભૂતિવાન કોઈ પણ સદ્ગુરુ તમારા unconscious mind નો કબજો લઇ લેશે. સામાન્ય પ્રવચનમાં શું થશે, conscious mind ને મજા આવશે. વક્તા અસ્ખલિત ગતિએ બોલતાં હોય, નવી નવી વાતો જાણવાને મળતી હોય, તો conscious mind ને મજા આવશે. પણ અનુભૂતિવાન ગુરુ જે છે ને એ તમારા unconscious mind ને ભરે. એટલે એ બહુ જરૂરી છે. જે unconscious mind માં અનંતા જન્મના કુસંસ્કારો ભરાયેલા છે, ત્યાં આ સદ્ગુરુની વાણી જાય, ત્યાં સદ્ગુરુએ આપેલી સાધના જાય. તો જેમ જેમ એ સાધના પ્રસરતી જાય, ફેલાતી જાય, એમ અનાદિ જન્મના કુસંસકારો નીકળતા જાય. મનની જગ્યા તો એટલી જ છે. એમાં તમે કુસંસ્કારોને રાખેલા હતા. હવે એ જ મનમાં એ જ જગ્યામાં તમે સરસ મજાની સાધનાને મૂકી દો, તો કુસંસ્કારોને રહેવાની જગ્યા નહિ મળે. Actually એટલું બધું સરળ કામ છે કે દરેક ગુરુને નવાઈ લગતી હોય છે, કે તમે આ કરતાં કેમ નથી?!

એક છોકરો હતો, પિતાજી નાની વયમાં ગુજરી ગયા, ૧૨ – ૧૩ વર્ષનો દીકરો અને પિતાજી ગુજરી ગયા. માતાજી પહેલાં expired થયા. કોઈ ભાઈ-ભાંડું નહિ. હવે કરોડો રૂપિયા આનો બાપ મુકીને ગયેલો. ૧૬-૧૭ ની ઉંમર થઇ, કુમિત્રો એની સોબતે લાગી ગયા. કે આ ઠીક છે. છોકરામાં કંઈ સમજણ વધારે છે નહિ. એટલે કરોડો રૂપિયા એની પાસે છે. જુગારમાં લઇ જાય, આ લઇ જાય, તે લઇ જાય. બે વર્ષમાં એ છોકરાના કરોડો રૂપિયા ઉપડી ગયા. હવામાં… તિજોરી ખાલીખમ. માત્ર એની હવેલી એની પાસે રહી. હવે એ વિચાર કરે છે કે મારે કરવું શું? ખાવું શી રીતે? પેલા મિત્રો બધા અદ્રશ્ય થઇ ગયા. એ કોઈ મિત્ર એક ટાઈમ એને ખાવા માટે લઇ જાય એવા નહોતા. એ વખતે એના પિતાના એક close friend હતા એ બધું જોતા હતા, એમણે એકવાર એ દીકરાને બોલાવ્યો. કે કેમ બેટા! તારા કપડાં આવા છે? ત્યારે એની આંખમાં આંસુ આવ્યા. Uncle શું કરું? આ ખરાબ મિત્રોની સોબતે હું ચડ્યો, આજે મને પૂરું જ્ઞાન આવ્યું છે કે સાલા હરામખોરો હતા. એમને મારી જોડે કોઈ સંબંધ નહોતો, મારા પૈસા જોડે સંબંધ હતો. તિજોરી ખાલીખમ છે આજે, એક પૈસો મારી પાસે આજે નથી. માત્ર હવેલી જ છે. હવેલી વેચી નાંખું તો ભલે… એ વખતે એના એ uncle એ કહ્યું તારો બાપ બહુ હોશિયાર હતો. એણે તિજોરીમાં રાખ્યું હતું ને એના કરતાં ધરતીમાં ઘણું રાખ્યું છે. જો હવે હું તને કહું, આજે પણ બધું તો તને નહિ બતાવું, એક જગ્યા તને બતાવું, તું એનો બરોબર વહીવટ કરીશ પછી બીજી ક્યાં ક્યાં છે એ પણ તને કહીશ. આજે બપોરે ૧૨ વાગે તારી સાત માળની હવેલી ઉપર જે ઘુમ્મટ છે એનું શિખરનો પડછાયો જ્યાં આગળ પડે ત્યાં તારે ખોદવાનું. અને એ જગ્યાએ તું ખોદીશ, એટલે તને સોનામહોર ના ચરૂ ના ચરૂ નીકળશે. હવે બોલો આ વાત સાંભળ્યા પછી છોકરો શું કરે? બોલો… તમે હોવ તો શું કરો…? મજુરોને બોલાવી લાવો…? કે ડહેલીનું બારણું અંદરથી બંધ કરી કોદાળી ને ત્રિકમ ને બધું લઇ હાથે મંડી પડો? અને સોનામહોરના ચરૂ મળી જાય. એટલી સરળ વાત અને તમે ન કરો અમને નવાઈ લાગે કે ન લાગે…?!

તમારી ભીતર અનંત ખજાનો પડેલો છે. તમારી ભીતર….! ભગવાન પણ એમ જ કહે છે કે હું તને કંઈ આપવાનો નથી. તારી પાસે છે એની ઓળખાણ હું તને કરાવું. આટલું સરળ અને તમે ન કરો, નવાઈ નથી લાગતી…?!

એક માણસ ઘરેથી ટ્રેનમાં નીકળે છે, નાસ્તો કરીને, સાંજે ૫ વાગે એનું ગામ આવવાનું છે. બપોરે જમવા માટે ભાખરી શાક એને લઇ લીધા. એ ૧૨-૧૨.૧૫ વાગે જમી લઈશું એટલે સાંજે ૫ વાગે પાછું વાળું પણ – ચોવિહાર પણ થઈ જાય. એમાં કોઈ પુસ્તક હાથમાં આવ્યું અને વાંચવામાં રસ પડી ગયો. સાડા બાર – પોણો થઇ ગયો, એને ખબર જ ન પડી. બાજુવાળાએ ટીફીન ખોલ્યું એનું ભાખરી અને શાકની સોડમ નાકમાં ગઈ, તરત એને ઘડિયાળ સામે જોયું કેટલા વાગ્યા? અરે પોણો વાગી ગયો. હવે એને પેલા પાસે ભાખરી શાક માંગવાના નથી. પોતાના ટીફીનમાં ભાખરી શાક છે. એ ખોલે છે ટીફીન અને ખાવા માંડે છે. પેલા માણસે શું કર્યું…? એને યાદ દેવડાવી કે તારા ટીફીનમાં ભાખરી શાક છે અને ખાવાનો ટાઈમ થઇ ગયો છે. મારે તમને યાદ અપાવાનું ને… કે તમારી પાસે અનંત ખજાનો ભરેલો છે અને હવે એને બહાર કાઢવાનો સમય આવી ગયો છે.

પત્રકારોએ ગુરુને પૂછ્યું, કે આખું auditorium ખાલી થઇ ગયેલું અને આપ અહીં બેઠેલા હતા…! ગુરુ હસ્યા… ગુરુએ હાથ કર્યો એમ અહીંયા… અને કહે છે કે અહીંયા તો કંઈ કંપ થયો નહોતો. ભૂકંપ ભલે થયેલો, હૃદયકંપ ક્યાં થયેલો? મારા મનમાં, મારા હૃદયમાં કોઈ ઘટનાની, કોઈ અસર થતી નથી. જે વખતે જે ઘટના ઘટવાની હોય, એ ઘટના ઘટ્યા કરે. આ કાયગુપ્તિ પ્રભુએ બીજા ચરણમાં ઘૂંટી હતી.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *