Prabhu Veer Ni Sadhna – Vachana 09

31 Views
18 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : નિર્વિકલ્પતા – નિશ્ચય અહિંસા

કોમળભાવ એટલે વ્યવહાર અહિંસા. તમારો એક પણ ગુણ સહેજ પણ નિસ્તેજ બન્યો, શિથિલ બન્યો – તે નિશ્ચય હિંસા. આત્મગુણોનું રક્ષણ તે નિશ્ચય અહિંસા.

કોઈ નિમિત્ત મળતા અથવા (નિમિત્તના અભાવમાં) કોઈ સ્મૃતિથી વિભાવ ઉદ્દભવે. તે સમયે જો તમે વિકલ્પોમાં ગયા, તો એ વિકલ્પો મનને ક્યાંયનું ક્યાંય ખેંચી જાય. વિભાવથી વિકલ્પો થાય અને વિકલ્પો એ વિભાવને spread out કરે.

જો તમે નિર્વિકલ્પ બન્યા, તો ઉપયોગ પરમાં નહિ જાય. અને ઉપયોગ પરમાં નહિ જાય, તો સ્વ તરફ જ જવાનો. આજનું homework: જ્યારે જ્યારે ઉપયોગ પરમાં જાય, ત્યારે રોકવાની કોશિશ કરવી.

પ્રભુ વીર ની સાધનાવેસુ (સુરત) ચાતુર્માસ વાચના – ૦

દેવાધિદેવ પરમાત્મા મહાવીર પ્રભુની સાડા બાર વર્ષની સાધના કથા

પહેલું સૂત્ર આચારાંગજીમાં આવેલું. પ્રભુની અસંગયાત્રાનું છે. “अहुना पव्वईए रीयत्था”. હમણાં જ પ્રભુએ “કરેમિ – સામાઈયં”નું ઉચ્ચારણ કર્યું અને તરત જ પ્રભુએ વિહાર કર્યો. એ સામાયિકના સંદર્ભમાં યોગપ્રદીપકાર સામાયિકની એક મજાની વ્યાખ્યા આપે છે:

નિસંગમ્ યન્નિરાભાસમ્, નિરાકારમ્, નિરાશ્રયમ્,

પુણ્ય પાપ વિનિર્મુક્તમ્, મન: સામાયિકમ્ શ્રુતમ્

મન નિરાકાર… એટલે નિર્વિકલ્પ હોય. નિર્વિકલ્પદશા તમને ક્યાં સુધી લઈ જાય એની બહુ જ મજાની વાત સવાસો ગાથાના સ્તવનમાં ઉપાધ્યાયજી ભગવંતે કરી. ‘એકતા જ્ઞાન નિશ્ચય દયા, સુગુરુ તેહને ભાખે, જેહ અવિકલ્પ ઉપયોગમાં નીજ પ્રાણને રાખે’. નિશ્ચય અહિંસાની ત્યાં વ્યાખ્યા આપી છે. ‘એકતા જ્ઞાન નિશ્ચય દયા, સુગુરુ તેહને ભાખે’. હું કહું છું એમ નહીં સદગુરુએ આ પ્રમાણે કહ્યું છે. તો નિશ્ચય અહિંસા એટલે શું? આત્માનુભૂતિ. શબ્દો છે એકતાજ્ઞાન. જ્ઞાનનો અર્થ સંવેદન કરવાનો એવું કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રના ચોથા પ્રકાશની ટીકામાં કહ્યું છે. તો હું આત્મતત્વ જ છું. આવું ઐક્યની જે અનુભૂતિ સ્વ તત્વની, આત્મતત્વની જે અનુભૂતિ એ નિશ્ચય અહિંસા છે. સવાલ એ થાય કે એ નિશ્ચય દયા મળે શી રીતે? તો એનું સાધન એમણે બતાવ્યું. ઉત્તરાર્ધમાં. ‘જેહ અવિકલ્પ ઉપયોગમાં નિજ પ્રાણને રાખે’. બહુ જ મજાની આ સાધનાપદ્ધતિ છે. વિકલ્પો નથી. એટલે પરમા તમારે જવાનું નથી. તમે વિભાવોમાં જાવ છો. રાગ કે દ્વેષમાં જાવ છો કઈ રીતે જાવ છો? વિકલ્પો બંધ થઈ જાય તો વિભાવોમાં જવાનું થઈ શકે ખરું? દ્વેષ આવ્યો અહંકાર ઉછળ્યો. એ જ ક્ષણે મનને નિર્વિકલ્પ બનાવી દો. નિર્વિકલ્પ મનની અંદર વિભાવો spread out શી રીતે થાય? વિભાવ દ્વારા વિકલ્પો થાય અને વિકલ્પો દ્વારા વિભાવો ઉત્તેજિત થાય. વિભાવ જ ન હોય એનો ઉદય જ ન હોય તો વિકલ્પો આવવાના નથી. કોઈ નિમિત્તે અથવા નિમિત્ત વગર માત્ર સ્મૃતિથી કોઈના પ્રત્યે દ્વેષ છલકાયો એ વિભાવ ઉત્પન્ન થયો પછી વિકલ્પો શરૂ થાય. વિભાવોને જો તમે ત્યાં ને ત્યાં અટકાવવા માંગો તો તમારે નિર્વિકલ્પ બની જવું જોઈએ. પણ શું થાય છે વિભાવોનો અંગારો ઉઠ્યો વિકલ્પો થયા આ વ્યક્તિ એણે મારું કેટલું બધું ખરાબ કર્યું હરામખોર, નાલાયક. આ વિકલ્પો પેલા વિભાવને વિસ્તારશે. તો તમે જો વિભાવોને દૂર કરી શકતા નથી વિકલ્પોને પકડો. નિર્વિકલ્પદશાનો અનુભવ કે એનો અભ્યાસ એ કોઈ અઘરી ચીજ નથી. તમે પણ નિર્વિકલ્પદશાનો અભ્યાસ કરી શકો છો. હકીકતમાં તમે કોઈપણ ક્રિયા કરો નિર્વિકલ્પદશાનો અભ્યાસ ન હોય, તમે કોઈપણ ક્રિયા શી રીતે કરો? લોગસ્સ ઉજ્જોઅ-ગરે તમે બોલો છો તમારું મન ક્યાંક બહાર છે તો તમારી એ ક્રિયા સુવિશુદ્ધ શી રીતે બનશે? એકપણ ક્રિયાને પ્રભુએ કહેલી એકપણ ક્રિયાને વિશુદ્ધરૂપમાં કરવી હશે તો નિર્વિકલ્પદશાનો અભ્યાસ જોઈશે જ. પ્રભુ પાસે ગયા. અડધો કલાક બેઠા, એક કલાક બેઠા. હું તમને પૂછું કે એ સાઈઠે-સાઈઠ મિનિટમાં માત્ર અને માત્ર પ્રભુ રૂપનું દર્શન થયેલું અને એની જ અનુપ્રેક્ષા થયેલી આવું તમે કહી શકો. કેમ? વિકલ્પો આવી જાય છે. મનને ક્યાંનું ક્યાં લઈ જાય છે. જો તમે નક્કી કરો કે નિર્વિકલ્પ મારે બનવું છે તો it is so easy બહુ જ સરળ છે. ખાલી દસ-દસ મિનિટની સાધના કરો. આંખો બંધ કરીને દસ મિનિટ બેસો. માત્ર દસ. અગ્ગયારમી નહીં. એ દસ મિનિટમાં વિચારો આવે એને જુઓ, વિચારોમાં ભળો નહી, વિચારોમાં ભળવું એટલે એની અસરમાં આવવું. રાગના વિચારો હોય અને તમારી ચિત્તવૃતિમાં, તમારી લેશ્યામાં, તમારા અધ્યવસાયમાં રાગદશા આવે તો તમે વિચારોમાં ભળ્યા કહેવાવ અને એ રાગના વિચારો છે એટલું જ માત્ર તમે જોઈ લીધું એની અસર તમારી ભીતર થઈ નથી. તો તમે માત્ર વિચારોને જોયા છે. દસ મિનિટ આવું થઈ શકશે, દસ મિનિટ થઈ શકશે. પછી વધારે તમારો control નહીં હોય. દસ-દસ મિનિટના પાંચ સેશન-સાત સેશન રોજ કરો. બહુ જ સરળ ઉપાય. દસ મિનિટમાં પણ તમને લાગે છેલ્લી એક-બે મિનિટમાં હું વિચારોમાં ભળી જવ છું તો આઠ મિનિટનું કરો, છ મિનિટથી કરો કોઈ વાંધો નથી. પણ any how નિર્વિકલ્પદશાનો અભ્યાસ આપડે કરવો જ છે. તો અહીંયા એ કહે છે ‘જેહ અવિકલ્પ ઉપયોગમાં નિજ પ્રાણને રાખે’ તમારું અસ્તિત્વ નિર્વિકલ્પ બની ગયું હવે પરમા ઉપયોગ જવાનો નથી. તો પરમા ઉપયોગ નહીં જાય તો ક્યાં જશે? સ્વમાં. ઉપયોગને સ્વમા મૂકવો એ સ્વાનુભૂતિ. એ આત્માનુભૂતિ. ઉપયોગ પરમા જઈ રહ્યો છે એને અટકાવો. પરમા જતો ઉપયોગ અટક્યો ક્યાં જવાનો છે? પછી બે માં જાય, જાય સ્વ તરફ પણ સ્વમા જાય કે સ્વના કારણમાં જાય એટલે શુભમાં જાય અથવા શુદ્ધમાં જાય. પરમાથી ઉપયોગ અટકાવી દીધો શુભમાં પણ જાય, શુદ્ધમાં પણ જાય. અત્યારે તમારી પાસે એટલું નિયંત્રણ હોવું જોઈએ કે અશુભમાં, પરમા, રાગ દ્વેષમાં. જે વખતે તમારો ઉપયોગ જઈ રહ્યો છે તમે એને એ વખતે અટકાવી શકો છો. પ્રભુએ શુભના માધ્યમો કેટલા આપ્યા. તમે તો પરમા જાવને એ નવાઈ કહેવાય. 

ઘરે મમ્મી હલવો, પૂરી, નમકીન બધું જ બનાવી આપતી હોય, સારામાં સારું. તો એ દીકરો લારી ગલ્લે કેમ જશે? સડેલું ખાવા.

પ્રભુએ શુભની અંદર આટલા મજાના માધ્યમો આપ્યા, શુદ્ધ આપ્યું હવે તમે અશુભમાં, પરમા કેમ જઈ શકો. તો બે અહિંસા થઈ. વ્યવહાર અહિંસા અને નિશ્ચય અહિંસા. વ્યવહાર અહિંસા એટલે કોમળ ભાવ. તમારો કોમળ ભાવ એ વ્યવહાર અહિંસા. ઈરિયાપૂર્વક તમે જઈ રહ્યા છો પૂરો તમારો ઉપયોગ છે છતાં નજરે ન દેખાતું કોઈ નાનકડુ જંતુ પગ નીચે આવી ગયું એની કિલામણા થઈ. શાસ્ત્રોએ તમને વિરાધક નથી કહ્યા. પણ તમે ઈરિયા વગર ચાલો ઈરિયાના ઉપયોગ વગર ચાલો અને બની શકે કે ૨૦ ફૂટની અંદર કોઈ જંતુ તમારા પગ તળે ન પણ આવેલું હોય, હોય જ નહીં કે ન આવેલું હોય તમે વિરાધક બની ગયા. કોમળભાવ સતત તમારી ભીતર ઘૂંટાતો હોવો જોઈએ. એ કોમળભાવ જ્યારે બરોબર ઘૂંટાઈ જશે, બરોબર કોમળભાવ ઘૂંટાયો એની ખાતરી શું? કઠોરભાવને અગણિત જન્મોથી સાથે લઈને આપણે આવ્યા છીએ એ કઠોરભાવ બિલકુલ સમાપ્ત થઈ ગયેલો હોય ત્યારે આપડે માની શકીએ કે કોમળભાવ મને મળ્યો છે તો વ્યવહાર અહિંસા તમારા હૃદયને કોમળ-કોમળ બનાવી દે. બહુ જ જરૂરી છે આ પણ. અગણિત જન્મોથી આપડે માત્ર ને માત્ર કઠોર ભાવોમાં જ રહ્યા છે.  આ પ્રભુએ કહેલો ધર્મ આપણને કોમળ-કોમળ બનાવે છે અને એ પછી નિશ્ચય અહિંસા. અધ્યાત્મ ગીતામાં પણ દેવચંદ્રજી મહારાજે કહ્યું ‘આત્મ ગુણ રક્ષણા તે અહિંસા સ્વગુણ વિધ્વંસણા તેહી હિંસા, નિશ્ચય અહિંસા’. એક ગુણ તમારો સહેજ પણ નિસ્તેજ થયો, સહેજ પણ શિથિલ બન્યો તમે નિશ્ચય હિંસાની ધારામાં આવી જાવ. પ્રસન્નતા તમારો ગુણ છે. તમે જે ક્ષણે mood less બન્યા નિશ્ચય હિંસાની ધારામાં આવ્યા, સહેજ પણ રાગ ભીતર ઉદિત થયો નિશ્ચય હિંસા, સહેજ ગુસ્સો મનમાં આવ્યો નિશ્ચય હિંસા. આમાં માત્ર જાગૃતિની જરૂર છે. તમે બધા એક લક્ષ્યને લઈને નીકળ્યા છો. પ્રભુની આજ્ઞાને પરિપૂર્ણરીતે પાળવી અને એના માટે ગઈકાલે સમર્પણની વાત કરતો હતો. સમર્પણ શા માટે? ક્યારેક તમને ખ્યાલ નથી આવતો સદ્દગુરુને ખ્યાલ આવે છે, સદ્દગુરુ તમને પ્રભુની આજ્ઞાના વિરાધનમાથી તમને બચાવી લે છે.

હમણાંની એક ઘટના છે. ફાગણ મહિનો નજીક આવતો હતો. વર્ષીતપનું હવામાન શહેરોમાં હતું. એક શહેરના પ્રતિષ્ઠિત સંઘમાં એક આચાર્ય ભગવંતનું ચોમાસું હતું. સાહેબજી એ શહેરમાં જ હતા. એટલે વર્ષીતપનો પ્રારંભ પણ સાહેબજીની નિશ્રામાં થવાનો હતો. એ સદ્દગુરુના એક શિષ્યને વિચાર થયો કે ‘હું પણ વર્ષીતપ કરું’. ગુરુદેવ પાસે એ આવ્યો. વંદના કરી, પૂછ્યું, ‘ગુરુદેવ હું વર્ષીતપ કરી શકું? કેટલી મજાની આ પરંપરા છે. વર્ષીતપ કરવો છે ને ! આયંબિલની ઓળી કરવી છે ને ! એમાં પણ આજ્ઞા માંગવાની જરૂર ખરી? તમે લોકો પૌષધમાં હોવ, જમવા જાવ, (એકાસણું કરવા) ત્યારે તો સદ્દગુરુની આજ્ઞા માંગો પણ દેરાસરે જવું છે બાજુમાં જ દેરાસર છે પછી આજ્ઞા માંગવાની જરૂર ખરી? એકપણ કાર્ય સાધુપણામાં કે પૌષધ આદિમાં ગુરુની આજ્ઞા વગર ન થવું જોઈએ. ત્યાં સુધી કહ્યું કે “મૃતુલ આહાર પાનમ” હરિભદ્રસૂરિ મહારાજ સાહેબ કહે છે ‘ શ્વાસોશ્વાસને છોડીને બીજું બધુ જ કાર્ય સદ્દગુરુને પૂછીને કરવું’. આમાં છે ને આપણે ત્યાં એક સરસ પરંપરા હતી. હીરસૂરીદાદા સુધી આ પરંપરા હતી કે “સાર્વભૌમ આચાર્ય એક જ” એમની નિશ્રામાં સેંકડો આચાર્યો હોય, સેંકડો પંન્યાસો, હજારો સાધુ-સાધ્વીઓ પણ “સાર્વભૌમ આચાર્ય એક જ”. તો આખી પદ્ધતી શું હતી? જે ગીતાર્થ ગુરુ છે એ સાધના દાતા ગુરુ બને અને એ સાધનાને follow up કેમ કરાવવી એ વ્યવહારગુરુ નક્કી કરે છે. મારો શિષ્ય છે. એનો કોઈ શિષ્ય થઈ રહ્યો છે તો મારા શિષ્યને હું કહી દઉં કે વ્યવહારથી તું ગુરુ થાય છે નિશ્ચયથી નહીં. નિશ્ચયથી ગુરુ તો ગીતાર્થ ગુરુ જ રહેશે કારણ ગીતાર્થ ગુરુ પાસે face readingની art છે. ગીતાર્થ ગુરુ તમારા મનોભાવોને જોઈ શકે છે. ગીતાર્થ ગુરુ ગયા જન્મની તમારી સાધનાનું અનુમાન કરે છે અને એથી ગીતાર્થ ગુરુ તમને સાધના આપશે. તમારે વિનયમાં જવું, વૈયાવચ્ચની ધારામાં જવું, સ્વાધ્યાયની ધારામાં જવું કે પ્રભુભક્તિની ધારામાં જવું એ ગીતાર્થ ગુરુ નક્કી કરશે અને ગીતાર્થ ગુરુ વ્યવહાર ગુરુને કહેશે કે આ સાધનામાં એને મૂકેલો છે એટલે એ સાધનાને અનુરૂપ એનું schedule ગોઠવાય જાય છે. ભક્તિધારા જેને આપેલી છે એ દેરાસરમાં બે કલાક રહે કે ત્રણ કલાક રહે એના scheduleમાં વાંધો નથી. ત્યાં સુધી સૂક્ષ્મતા હતી કે જેને ભક્તિની ધારા આપી એ શિષ્યને ગીતાર્થ ગુરુ કહી દે કે ‘લલિત વિસ્તરાની મારી વાચનામાં તારે આવવાનું બીજા સૂત્રોની વાંચનામાં તારે આવવાનું નથી. એક જ ધારા જે એને પકડાવી છે એ ધારામાં જ એ રહે એના માટે કેટલી બધી મજાની વ્યવસ્થા હતી જ્યારે અમારા જેવા લોકો ભેગા થઈએ ત્યારે અમે લોકો આ વાતો કરીએ છીએ કે આપડી જે પરંપરા હતી એ પરંપરાનું પુનરઉજીવન આપડે શા માટે ન કરીએ? તો નિશ્ચયગુરુએ જે સાધના આપી એને વ્યવહારગુરુ ઘૂંટાવશે. વ્યવહારગુરુને કોઈપણ સાધના આપવાની છૂટ ન હોય જો આ પદ્ધતિ ચાલુ થાય ત્યારે. નિશ્ચયગુરુ સાધનાની પદ્ધતિ નક્કી કરતા હોય છે. વ્યવહારગુરુ એનું follow up કરાવે કારણકે વ્યવહારગુરુ પાસે એટલું ઊંડું જ્ઞાન નથી કે એ શિષ્યના મનોભાવોને સમજી શકે. કે શિષ્યની જન્માંતરીય ધારાને એ સમજી શકે. તો કેટલી મજાની પરંપરા હતી.

આયંબિલની ઓળી કરવી છે ગુરુદેવને પૂછો, કયો ગ્રંથ વાંચવો છે ગુરુદેવને પૂછો તો  વર્ષીતપનો વિચાર થયો અને એ મહાત્માએ ગુરુદેવને પૂછ્યું કે ગુરુદેવ ‘હું વર્ષીતપ કરું?’ સદ્દગુરુ face readingના master એનો bio-data પણ ખબર હતો કે આસક્તિ થોડી એની પાસે છે. ગુરુએ એણે પૂછ્યું કે વર્ષીતપની તારી વિભાવના શું છે? બે ઉપવાસ વચ્ચે બિયાસણું કે બે બિયાસણા વચ્ચે ઉપવાસ? તમે કહેશો કે વાત તો એકની એક જ થઈ. ના. એકની એક નથી બહુ ફરક છે. ગુરુ પૂછે છે તારી વર્ષીતપની વિભાવના શું છે? બે બિયાસણા વચ્ચે ઉપવાસ છે કે બે ઉપવાસ વચ્ચે બિયાસણું છે. બે ઉપવાસ વચ્ચે બિયાસણું એટલે… આહ… આજે ઉપવાસ. બસ, પ્રભુની જોડે રહેવાનું, સદ્દગુરુની જોડે રહેવાનું, મારા આત્માની જોડે રહેવાનું. ઉપવાસ નજીક રહેવાનું. કોની નજીક? મારા સ્વરૂપની નજીક રહેવાનું. અણહારી દશામાં હું આવીશ અને એને કારણે સ્વરૂપદશાનો આંશીક અનુભવ મને થશે. આજેપણ ઉપવાસ, પરમ દિવસે પણ ઉપવાસ ઠીક છે વચ્ચે શરીરને ટેકો આપવા માટે બિયાસણું અથવા એકાસણું મૂકી દીધું. આજે તો એકાસણાથી વર્ષીતપ કરનાર ઘણા બધા મળે છે એની સામે આજે બિયાસણું સંઘમાં વર્ષીતપ થવાનો છે તો એકદમ મજાના બિયાસણા આજે બિયાસણું, પરમ દિવસે પાછું બિયાસણું ઠીક છે વચ્ચે એક ઉપવાસ આવી ગયો. પેટને જરા સરખું કર્યું. ગુરુ પૂછે છે તારી વર્ષીતપની વિભાવના શું છે? શિષ્ય અત્યંત પ્રબુધ્ધ છે એને ખ્યાલ આવી ગયો એણે કહ્યું ગુરુદેવ આપે કૃપા કરી. બે બિયાસણાની વચ્ચે ઉપવાસ. આ જ મારા વર્ષીતપની વિભાવના હતી. એટલે આસક્તિ તોડવાની કોઈ વાતથી હું વર્ષીતપ કરવા માંગતો ન હતો. ગુરુદેવ આપે કૃપા કરી. હવે મારે કોઈ વિચાર કરવો નથી. આપ જ કહો હું શું કરું? ગુરુએ પૂછ્યું ‘આયંબિલની કેટલી ઓળી થઈ છે? તો કહે ૭૮, ૭૯મી ચાલુ કરી દે. સદ્દગુરુ તમને કેવી રીતે બચાવે. તમારી પાસે માત્ર સમર્પણ જોઈએ. એક સમર્પણ ન આપ્યું અગણિત જન્મો મારા અને તમારા નિષ્ફળ ગયા. એક સમર્પણ કરી દઈએ મોક્ષ આ રહ્યો. 

મારા ગુરુદેવ ઓમકારસૂરિ મહારાજા. દાદા ગુરુદેવ ભદ્રસૂરિ મહારાજા. ભદ્રસૂરિદાદાની બંને આંખોની રોશની ગઈ. દાદાનું ચાતુર્માસ ડીસામાં નક્કી થયું. એ વખતે ચાતુર્માસિક પ્રવચનો પણ પ્રતમાં જોઈને વંચાતા. પ્રતની પાંચ લીટી વાંચો એનો અર્થ કરવો અને પછી વિસ્તાર કરવો. આજે કલ્પસૂત્ર વંચાય છે એ રીતે એ વખતે ચાતુર્માસિક પ્રવચનો વંચાતા. તો પ્રવેશ થઈ ગયો ડીસામાં. દાદા ગુરુદેવ મોઢે પ્રવચનો આપતા. બધાને સવાલ થયો કે ચાતુર્માસિક પ્રવચનો કોણ આપે? ઓમકારસૂરિ મહારાજા બાલ મુનિ. ૧૬-૧૭ વર્ષની વય. હજુ વર્ધમાન દેશના વાંચતા હતા. બીજા બધા જ વૃદ્ધ મહારાજ સાહેબ. કોઈ વ્યાખ્યાન વાંચે એવા નહીં. કોણ વ્યાખ્યાન વાંચશે? લોકોને ચિંતા હતી પણ દાદા ગુરુદેવ નિશ્ચિંત હતાં, ભક્ત હતા ને! ભક્ત હંમેશા નિર્ભાર હોય જેના હૃદયમાં ભગવાન છે એની વળી ચિંતા કઈ હોય? પ્રભુ અને ગુરુ જેને મળી ગયા અને જેની પાસે સમર્પણ આવી ગયું એ નિશ્ચિંત હોય. મારી જિંદગીમાં એકક્ષણ એવી નથી આવી જ્યારે હું વિમાસણમાં પડેલો હોવ, કોઈ ઈચ્છા ન હતી. કોઈ ચિંતા ન હતી. પ્રભુ છે, સદ્દગુરુ છે એક-એક ક્ષણની એ care કરે છે હું શા માટે care કરું?

પેલા એક ભાઈ ખેતરેથી ગામમાં જવાના હતા. ઘરે પણ ગાય-ભેંસ હતી તો તેના માટે ઘાસચારો લઈ જવાનો હતો. લગભગ પાંચ મણ ઘાસનો ભારો બાંધ્યો. પોતાના માટે ઘોડો રાખેલો. ઘોડા ઉપર બેસી ગયા. પોતે અને પોતાના માથા ઉપર ઘાસનો ભારો મૂક્યો. જે મળે એ પૂછે ‘માથા ઉપર ઘાસનો ભારો કેમ લીધો છે?’ ત્યારે એ કહે બધો ભાર ઘોડો ઉચકે? પાંચ મણની મારી કાયા, મારો ભાર તો ઘોડો ઉચકે. આ ઘાસનો ભારો પણ ઘોડો ઉચકે? થોડો હું ના ઉંચકું. ભાઈ! તું ઘોડા ઉપર બેઠેલો છે. હવે તું ઉચકે તો પણ ભાર ક્યાં જવાનો છે. એમ પ્રભુ અને સદ્દગુરુ એક-એક ક્ષણની આપણી care કરે છે. આપડે શા માટે ચિંતા કરીએ.

તો દાદા ગુરુદેવ નિશ્ચિંત હતાં જે દિવસે ચાતુર્માસિક પ્રવચન ચાલુ થવાના એ દિવસે સવારે ઓમકારસૂરિ મહારાજને બોલાવ્યા. ઓમકારવિજય અહીં આવ. આજે હું તારી જોડે બેસીશ. વ્યાખ્યાન તારે વાંચવાનું. એવા સંસ્કાર પડેલા કે ‘ના’ તો ગુરુદેવને પડાય કેમ? ‘તહત્તિ’ ગુરુદેવ. ગુરુદેવ શી રીતે વાંચવાનું? કે તું મારી પાસે વર્ધમાન દેશના વાંચે છે ને! એ જ રીતે વર્ધમાન દેશના વાંચવાની. પાંચ લીટી સંસ્કૃતમાં એનું ગુજરાતી કરવાનું હું તને હાથથી ઈશારો કરું તારા પગ ઉપર ત્યારે તારે મૌનમાં આવી જવાનું હું મોઢે પછી સમજાવીશ. ઓમકારસૂરિ ગુરુદેવ કહેતા કે એકક્ષણ મને વિચાર નહોતો આવ્યો કે હું વ્યાખ્યાન કઈ રીતે આપીશ. કારણ સદ્દગુરુએ કહ્યું કે તારે કરવાનું છે ત્યારે સદ્દગુરુ માત્ર આજ્ઞા નથી આપતા એ આજ્ઞા પળાય એની શક્તિ પણ ભેગી આપે છે. કોઈપણ મહાપુરુષ ક્યારેય પણ તમને કંઈક કહે ને ત્યારે તહત્તી કરી દેવાનું. માત્ર એ આજ્ઞા નહીં આપે એ આજ્ઞા તમે પાળી શકો એના માટેની શક્તિ પણ આપશે. તો આપડે એ વાત જોતા હતા કે મનને નિર્વિકલ્પ બનાવીએ તો શું થાય? આત્માનુભૂતિ સરળતાથી મળી જાય. વ્યવહાર અહિંસા એટલે કોમળતા, નિશ્ચય અહિંસા એટલે આત્માનુભૂતિ. ઉપયોગ પરમા નથી તો સ્વમાં છે. હવે, શું કરવાના homeworkમાં? જ્યારે જ્યારે ઉપયોગ પરમા જાય ત્યારે રોકવાની કોશીષ કરજો.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *