Anandghanji Ne Sathvare – Vachana 28

829 Views 21 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : સાધનામાર્ગના અવરોધો

બહારના કોઈ નાદના કારણે ભીતરનો નાદ પ્રજ્વલિત થઇ ઊઠે, એ નાદાનુસંધાન. આ નાદ એ પૌદ્ગલિક ઘટના છે એટલે એમાં અટકી જવાનું નથી. સાધનામાર્ગમાં એક અવરોધ એ છે કે પગથિયામાં તમે ઘર કરીને બેસી જાઓ. નાદ સંભળાવો કે જ્યોતિ દેખાવી – એ માત્ર પગથિયું છે; મંઝિલ નથી.

केवलं नैव तमस: प्रकाशात् अपि यत्परं પરમાત્મા પરમ જયોતિ છે. એ પરમ જ્યોતિ અંધકારથી તો પર છે જ; પ્રકાશથી પણ પર છે. એટલે લાલ કે પીળો પ્રકાશ (જ્યોતિ) દેખાતો હોય, એની પણ પેલે પાર આપણે જવું છે.

સાધનામાર્ગમાં બીજો અવરોધ એ છે કે તમે ગઈ કાલની સાધના સાથે આજની સાધનાને compare કરો છો. There should be no comparison. ગઈ કાલની સાધના ગઈ કાલની હતી; આજની સાધના આજની છે.

ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૨

“ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે”

આનંદઘનજી ભગવંતની અનુભૂતિ શબ્દોમાં ફેલાઈ છે. કોઈ પણ અનુભૂતિવાન મહાપુરુષના શબ્દો સપ્રાણ જ હોય છે. તમે એ શબ્દોને જો ખોલી શકો તો અનુભૂતિની ધારામાં તમે ચાલી શકો. બે કામ થઇ શકે. એક – અનુભૂતિની, બીજું – નાદાનુસંધાનનું. આપણી ભીતર અનાહત નાદ સતત ગુંજી રહ્યો છે. પણ આપણું મન માત્ર અને માત્ર બહાર સક્રિય હોવાને કારણે અંદરનો એ મધુર અવાજ આપણને સંભળાતો નથી.

રાજસ્થાન પાવાપુરીમાં પૂજ્યપાદ ગુરુદેવ અરવિંદસૂરિ દાદાની નિશ્રામાં અમારું ચાતુર્માસ. પર્યુષણ પછી નજીકમાં આવેલ મીરપુર તીર્થે હું ગયો. એકદમ જંગલમાં આવેલું તીર્થ. Highway થી ૩ કિ.મી. અંદર, શું મજાનું પ્રાકૃતિક પર્યાવરણ. અને એમાં અદ્ભુત જિનાલય. દિવસ આખો પ્રભુની ભક્તિમાં પસાર થયો. રાત્રે પ્રતિક્રમણ કરી, સંથારાપોરસી ભણાવી સુવાની હું તૈયારી કરું છું એ વખતે એક મધુર અવાજ બહારથી આવવા લાગ્યો. લયબદ્ધ નાદ. એ નાદને સાંભળતા સાંભળતા મારી ભીતરનો નાદ ચાલુ થઇ ગયો. આને નાદાનુસંધાન ની ક્રિયા કહેવામાં આવે છે.

બહારના કોઈ નાદ ને કારણે ભીતરનો નાદ પ્રજ્વલિત થઇ ઉઠે એ નાદાનુસંધાન. તો મારી ભીતર અનાહત નાદનું ઝરણું ચાલુ થઇ ગયું. આખી રાત પેલો બહારનો અવાજ પણ ચાલુ રહ્યો. અને મારી અંદરનો અવાજ પણ ચાલુ રહ્યો. સવારે ૫ વાગ્યા પેલો અવાજ બંધ થઇ ગયો. પણ અંદરનો અવાજ ચાલુ છે. સવારે ૭ વાગે એ તીર્થના મેનેજર ને મેં પૂછ્યું – કે આખી રાત અવાજ આવતો હતો એ શેનો અવાજ હતો? ત્યારે એમણે કહ્યું કે સાહેબ આ વખતે વરસાદ બહુ જ પડ્યો છે, એટલે પહાડની ચોટીઓ પર પાણી બહુ ભરાયેલું છે. એ પાણી નીચે ટપકે છે. લયબદ્ધ રીતે એનો એ અવાજ હતો. મેં પૂછ્યું તો ૫ વાગે એ અવાજ આવતો બંધ કેમ થયો. મને કહે સાહેબ જંગલ બોલતું થયું એટલે અવાજ સંભળાતો બંધ થઇ ગયો. રાત્રે જંગલ શાંત હતું. એટલે એ અવાજ સંભળાતો હતો. આપણે પણ એકદમ શાંત બની જઈએ. કોઈ પણ નાદને આધારે અથવા નાદના આધાર વિના.

તો તમે ભીતરના અનાહત નાદને સાંભળી શકો. સિદ્ધચક્ર પૂજનમાં પણ એ અનાહત ધ્વની નું પૂજન કરવામાં આવે છે. તો આનંદઘનજી ભગવંતના શબ્દો બે પ્રક્રિયામાં આપણને લઇ જઈ શકે. એક નાદાનુસંધાન ની પ્રક્રિયામાં, અને બીજું અનુભૂતિ ની પ્રક્રિયામાં. નાદાનુસંધાનમાં શરૂઆતમાં ભીતરનો નાદ સંભળાય. તમે એના પર ધ્યાન પણ આપો. પણ બહુવાર એ નાદ ઉપર રહેવાનું નથી. કારણ એ નાદ પણ પૌદ્ગલિક ઘટના છે.

અને ધ્યાન માત્ર આત્મિક ઘટના છે. એટલે એ નાદને પણ પેલે પાર આપણે જવું છે. લાલ કે પીળો પ્રકાશ દેખાતો હોય એની પણ પેલે પાર આપણે જવું છે.

મહોપાધ્યાયજી એ પંચવીંશતિકા માં કહ્યું, केवलं नैव तमस: प्रकाशात् अपि यत्परं. એ જે પરમ જયોતિ છે. એ અંધકાર થી પર છે એ તો બરોબર. પણ પ્રકાશથી પણ પર છે. પ્રકાશ કહીએ એટલે તમારા મનમાં એક ધારણા ઉભી થાય. કોઈ ધારણા માં ટકવાનું નથી. અનુભવ સુધી તમારે જવું છે. અનુભવ એ જ તમારી પોતિકી અવસ્થા છે.

સાધનામાર્ગમાં ૨ મોટા અવરોધો છે. એક અવરોધ તો એ છે કે પગથિયાં માં તમે ઘર કરીને બેસી જાઓ. નાદ સંભળાયો, જ્યોતિ દેખાઈ. પણ એ તો પગથિયું છે. તમે પગથિયાં માં બેસી જાઓ. આ સાધનાનો પહેલો અવરોધ.

બીજો અવરોધ એ છે કે તમે ગઈ કાલની સાધના સાથે આજની સાધનાને compare કરો છો. There should be no comparison. ગઈ કાલની સાધના ગઈ કાલની હતી. આજની સાધના આજની છે. તો આપણે અનુભૂતિની પ્રક્રિયામાં જવું છે.

મને પણ વર્ષો પહેલાં આ જ વિચાર આવ્યો કે આનંદઘનજી ભગવંત જે પરમ તત્વની, જે નિર્મલ ચૈતન્ય ની અનુભૂતિ કરી શકે છે. એની અનુભૂતિ હું કેમ ન કરી શકું. મારે એમના જ શબ્દોને ખોલીને આત્માનુભૂતિ, પરમાનુભૂતિ પ્રાપ્ત કરવી છે. અને એ મહાપુરુષના શબ્દોએ મને પરમ ચૈતન્ય સુધી પહોંચાડી દીધો. એક પગદંડી હતી. તે સીધી શિખર ઉપર જતી હતી. તમારે અનુભવ કરવો છે…? સવારે ચા પીધેલી કે જોયેલી ખાલી આમ? ચા નું દર્શન કરો એટલે પૂરું થઇ ગયું ને… ચા પીવી પડે.

એમ નિર્મલ આનંદઘન ચૈતન્ય ની વાત સાંભળવાની કે અનુભવવાની?

એક હિંદુ સંત હતા. આત્મતત્વ પર બહુ જ ઊંડાણથી બોલી શકતા હતા. કલાકો સુધી બોલે. એકવાર એમના ગુરુએ એ સંતને કહ્યું – કે મેં સાંભળ્યું છે કે તું આત્મતત્વ ઉપર બહુ સરસ બોલે છે. જરા અત્યારે બોલ તો… ગુરુની સામે બોલવું, છક્કા છૂટી જાય. પણ હિંમત કરીને દોઢ કલાક સુધી non – stop, અનેક references આપીને પોતાની વાતને એમણે સમૃદ્ધ કરી. એ વખતે ગુરુ શું કરતા હતા. તમે શું કરો…

પ્રવચનકાર મહાત્મા બોલે ત્યારે તમારા કાન ખુલ્લા હોય કે આંખ ખુલ્લી હોય? કાનથી એ શબ્દોને પીવા છે… આંખથી એ મહાપુરુષે જે અનુભૂતિને પ્રાપ્ત કરી છે એને જોવી છે. કોઈ પણ અનુભૂતિવાન મહાપુરુષ હોય, એમનો ચહેરો અલગ જ હશે. આનંદથી પરિપૂર્ણ. કશું જ મેળવવાનું રહ્યું નથી હવે. બધું જ મળી ગયું છે. આનંદ જ આનંદ હૃદયમાં છે. અને એ હૃદયનો આનંદ ચહેરા પર તરવરતો હોય છે.

એટલે પ્રવચન વખતે કાનથી એ શબ્દોને પીવા છે. આંખથી એ મહાપુરુષની અનુભૂતિને જોવી છે. જો તમે અમારી અનુભૂતિને જોઈ શકો. તો એ અનુભૂતિને મેળવવાની ઈચ્છા તમને થઇ જ જાય.

કલાપૂર્ણસૂરિ દાદાને આપણે જોયેલા. એ આત્મસ્થ મહાપુરુષ. મુક્તિદર્શન સૂરિ મ.સા. નો મુંબઈ ઉપર ખુબ જ ઉપકાર. એક સ્વાનુભૂતિ સંપન્ન મહાત્મા. ચહેરા પર માત્ર આનંદ છે. તમારા ચહેરા ઉપર વિષાદની રેખાઓ પણ અંકાયેલી હોય છે. આવતાં હતા અહીંયા, કોકે બે શબ્દો કડવા કીધાં ઘરમાં, ખલાસ, mood less થઇ ગયા તમે. અને અમને mood less બનાવનારી એક પણ ઘટના દુનિયામાં નથી. ઘટના, ઘટના છે; અમે, અમે છીએ. તમે ઘટના જોડે તમારો સંબંધ કેમ રચો છો. ઘટના એ તો ઘટના છે. અને એક સરસ વાત કહું, ઘટનાને ઘટવાની છૂટ. બરોબર ને….ગમે ત્યારે ઘટના ઘટી જાય. તો એ ઘટનાનું અર્થઘટન કરવાની તમને છૂટ નહિ…?

સુભાષચંદ્ર બોઝ એક જગ્યાએ ભાષણ આપવા ગયેલા. શ્રોતા વર્ગમાંથી એક જૂતું મંચ ઉપર ફેંકાયું. સુભાસ ના કપાળનું નિશાન લઈને પેલાએ જૂતું ફેકેલું. પણ નિશાન બરોબર લાગ્યું નહિ. સુભાષચંદ્રજીના પગ પાસે જૂતું પડ્યું. ઘટના ઘટી ગઈ. એ ઘટનાની અસરમાં તમારે આવવું કે નહિ એ તમે નક્કી કરી શકો. સુભાષબોઝ મજાથી પ્રવચન ચાલુ રાખે છે. પછી ધીરેથી નીચા વળ્યા, પેલું જૂતું હાથમાં લીધું… અને પછી કહે છે – હું પહેરું છું એના કરતા આ જૂતું વધારે સારું છે. તો જે મહાશયે એક જૂતું ફેંક્યું એમને બીજું જૂતું હવે નકામું જ છે. તો બીજુ જૂતું પણ મંચ ઉપર ફેંકી દો. તો જુના જોડો આવીને મૂકી, નવા જૂત્તા પહેરીને ચાલ્યો જા.

ઘટના શું કરી શકે! તમે જો પ્રભુ પ્રભાવિત છો, તો ઘટના તમને કાંઈ જ કરી શકે નહિ, તમે બધા પ્રભુ પ્રભાવિત. બરોબર ને… પ્રભુ પ્રભાવિત ને… કહી દો ને હવે આમ કે સાહેબ એક પણ ઘટનાની અસર ક્યારે પણ ન થાય.

દોઢ કલાક પેલા શિષ્ય એ પ્રવચન આપ્યું. ગુરુ કાનથી સાંભળતા નહોતા એને… ગુરુ આંખથી જોતા હતા. દોઢ કલાકે એનું પ્રવચન પૂરું થયું. શિષ્યના મનમાં અપેક્ષા હતી કે ગુરુ એટલે ખુશ થશે કે મને બાહોમાં સમાવી લેશે. એના બદલે ગુરુએ એક જ વાક્ય કહ્યું – ભાખરીના ચિત્રોથી પેટ ન ભરાય. ગુરુ કહે છે, તારી પાસે શું છે? આ તો આત્મતત્વની તે શબ્દોમાં વાત કરી. તારી પાસે અનુભૂતિ ક્યાં છે? તારા ચહેરા પર અનુભૂતિનો છાંટો ય દેખાતો નથી. You can’t feel your stomach with the picture of the cakes. તમારે શું કરવાનું છે બોલો… ભાખરી જોઈએ કે ભાખરીના ચિત્રો જોઈએ?

તો આત્મતત્વની અનુભૂતિ આજે થઇ શકે એમ છે. Now and hear. If u desire. તમને તમારો અનુભવ ન હોય, એ કેટલી મોટી વિડંબના છે. દુનિયા આખી ને ટી.વી. ના screen પર જોનારા તમે, તમારો અનુભવ તમને નથી! કેટલાની appointment લીધી…. તમારી લીધી ક્યારેય? તમારી appointment લીધી? કે તું શું કરે છે? અમારે છે ને રોજ રાત્રે introspection કરવાનું હોય છે. આંતરનિરીક્ષણ. દશવૈકાલિક સૂત્રમાં લખ્યું –“ કિં મે કડં કિં ચ મે કિચ્ચસેસં” આજે મેં શું કર્યું? સારું શું કર્યું, ખરાબ શું કર્યું? ક્રોધ કર્યો, શા માટે કર્યો… હું તો ઘણીવાર કહું છું કે લાલ આંખવાળાનો જમાનો સમાપ્ત થયો. હવે smiling face વાળાનો જ જમાનો છે.

૧૦૦ વર્ષ પહેલાનો એક જમાનો હતો. ૫૦ વર્ષનો દીકરો, જેના દીકરાના દીકરાઓ છે. એને એનો બાપ લડે, ત્યારે પરસેવો વળી જતો. ગભરાઈ જતો એ. લાલ આંખની એ વખતે કિંમત હતી. આજે તમારા દીકરાઓને લાલ આંખથી નહિ, smiling face થી બોલાવો. પ્રેમ આપો.

એક દીકરાએ પપ્પા ને પૂછેલું, – તમે કેટલું કમાઓ છો? પપ્પા કહે કે હું કેટલું કમાવું એની તારે શું પંચાયત, તારે શું જોઈએ એ કહે… નહિ કેટલું કમાઓ છો? નક્કી થયું દિવસના આટલા, તો એક કલાકના ૫૦૦૦ હજાર રૂપિયા પપ્પા કમાય છે. અને એ દીકરાએ કહ્યું – મારી personal મૂડી માંથી ૫૦૦૦ તમને આપું એક કલાક મારી જોડે બેસો. જે સંતાનો માટે તમે લાખો અને કરોડો રૂપિયા ભેગા કરો છો. એ સંતાનો માટે ૫ મિનિટ તમારી પાસે છે? વચ્ચે મેં કહેલું – રોજ રાત્રે આખા કુટુંબે ભેગા થવાનું. એક ટાઈમ નક્કી કરો, અને કહી દો, કે compulsory દરેક સભ્યને હાજર રહેવાનું. ઘર દેરાસર છે; પ્રભુનું ચૈત્યવંદન કરો. અને એ પછી બધા બેસો. કંઈક ધર્મની વાતો કરો.

એકવાત તમને કહું, દીકરાઓનો કે દીકરીઓનો વાંક ક્યારે પણ કાઢતા નહિ. વાંક તમારો છે. તમે એમના માટે શું કર્યું? એમના સંસ્કારો માટે તમે શું કર્યું? એ dress બરોબર નથી પહેરતો તો dress બનાવી તો તમે આપ્યો છે ને? તમે એ દીકરા કે દીકરીના મનમાં એક જૈનત્વ ની ખુમારી લાવો. આપણે જૈન છીએ. આપણા થી આ થાય, આપણા થી આ ન થાય. મારી દ્રષ્ટિએ એક જ વાત તમારી પાસે જરૂરી છે. જૈન હોવાની ખુમારી. હું જૈન છું. શું ખવાય? શું ન ખવાય? શું કરાય? શું ન કરાય? આ  બધું જ નક્કી છે. પણ આ ખુમારી જોઈએ, ‘હું જૈન છું’.

તો આ જૈનત્વ ની જ્યારે ધારામાં આપણે આગળ વહેશું ત્યારે જ આત્મ તત્વની વાતો આવશે. કે તમે કોણ છો? બોલો તમે શરીર છો? Who are you? ક્યારેય પૂછ્યું તમારી જાતને? Who am I? હું કોણ છું? શરીર તો માત – પિતાએ આપ્યું. રાખમાં મળી જવાનું છે. નામ સોસાયટી એ આપ્યું, વ્યવસ્થા માટે, તમે એ શરીર અને નામ પર હું નું label લગાડ્યું. હું એટલે ‘આ'(શરીર). નહિ… તમે આનંદઘન ચૈતન્ય છો. તમે કહેશો કે સાહેબ તમે કહો એટલે માની લઈએ. હું કહું છું ના, હું કહું છું માટે માનો એમ નહિ. તમારો અનુભવ તમારી પાસે હોવો જોઈએ.

અને મારે હવે શબ્દોને નથી આપવા. ૪૦ – ૪૫ વર્ષથી non – stop બોલતો આવ્યો છું. હવે હું શબ્દોને વહેંચનારો માણસ નથી. મારે મારા આનંદને વહેંચવો છે. જે આનંદ મને મળ્યો છે. એ આનંદ મારે તમારી જોડે share કરવો છે. એટલો બધો આનંદ પ્રભુએ આપ્યો છે. કે પ્રભુની air – condition હથેળીમાં હું છું. એક ક્ષણ પીડાની, વિષાદની જતી નથી. શરીરમાં રોગ આવે તો આવે. હું મજામાં છું. હું માત્ર આનંદઘન છું. તો પ્રભુએ આ અનુભૂતિ મને આપી છે. મારે એ અનુભૂતિ તમારી જોડે share કરવી છે. કે મને જે આનંદ મળ્યો છે એ આનંદ, હું માત્ર મારી પાસે રાખું તો હું એકલ પેટો ગણાવું. મારે મારો આનંદ તમારી જોડે વહેંચવો છે. જોઈએ? ભાઈ જોઈએ…? દીક્ષાની વાત નથી કરતો હમણાં…

મારી પાસે જે આનંદ છે, એ આનંદ તમારે જોઈએ? ઘણા લોકો મને પૂછવા આવે કે સાહેબ! તમે સતત હસતાં હોવ છો, સતત તમારો ચહેરો સ્મિત વરસાવતો હોય છે. સતત તમે આનંદમાં હોવ છો. શું કારણ? કારણ એ જ છે; ભીતરની અનુભૂતિ. હવે ‘આ’ની જોડે કંઈ સંબંધ રહ્યો નહિ. હું એટલે કોણ? આનંદઘન, ચૈતન્ય. અને તમે પણ આનંદઘન જ છો. ‘ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો’ એ સ્તવન બનાવ્યું એ આનંદઘનજી ભગવંત ૩૦૦ વર્ષ પહેલાં થયા. પણ તમે બધા પણ આનંદઘન છો. મારે તમારી અંદર રહેલા એ આનંદનું પ્રગટીકરણ કરવું છે. તૈયાર..? તૈયાર…

એક નાનકડી ઘટના, કોઈએ કંઈક કહ્યું, બરોબર છે… હું ઘણીવાર કહેતો હોઉં છું. કોઈ પીઠ ઉપર લાકડી મારે ને તો પીઠ સૂઝી જાય, ગાલ પર કોઈ જોશથી લાફો મારે ને તો ગાલ સૂઝી જાય. પણ કોઈ ૨ – ૪ ગાળો સંભળાવે તો કાનમાં સોઝો આવે આમ, શું થાય…? તકલીફ શું થાય તમને? પેલામાં પીઠ સૂઝતી હતી. પેલામાં ગાલ સૂઝતો હતો. અહિયાં શું થાય? કાન સૂઝે… કાનમાં સોઝો આવે? તો મને જવાબ શું મળે? સાહેબ કાનમાં નહિ, હું માં સોઝો આવે. હું…. મને કહ્યું… હવે આનો સીધો રસ્તો બતાવું….? સીધો રસ્તો એક જ છે; હું નું replacement. કોઈ પણ અંગ જે છે damage થાય તો આપણે શું કરીએ? Replacement કરાવીએ…

તો હું નું replacement. અહંકાર મય જે હું છે, એને બદલે આનંદઘન હું જે છે; તે હું છું. આ replacement કરો; તો પછી મને ક્યાં કહ્યું છે? ‘આ’ને કહ્યું છે.

વિનોબાજી અંતિમ સમયમાં પોતાના માટે હું શબ્દ નહિ વાપરતાં. આ શરીર માટે એ બાબા શબ્દ વાપરતાં. હિન્દી માં સંતને બાબા તરીકે આપણે સંબોધીએ. તો વિનોબાજી પ્રવચન આપે ત્યારે પણ કહે, આજ સુબહ બાબા ને એસા સોચા થા, મૈને સોચા થા નહિ… બાબાને સોચા. હું એટલે માત્ર આનંદઘન જ્યોતિ. બાકીનું બધું જે છે તે બીજા ખાનામાં નાંખી દો. તો એના માટે આપણે ગયા રવિવારે પણ ધ્યાનનો અભ્યાસ કરાવેલો.

આજે પણ થોડું practical કરીએ. શરીર ટટ્ટાર…. આંખો બંધ. ધીરે.. ધીરે.. શ્વાસ લો. ધીરે..  ધીરે.. શ્વાસ છોડો. અત્યાર સુધી પૂર્ણ શ્વાસ, તમે ક્યારે લીધા નથી. અધૂરા શ્વાસે જીવો છો. આ એક પૂર્ણ શ્વાસનું સાઇકલ ચલાવો. શ્વાસ ઊંડો લો… ફેફસાં પૂરા ભરાઈ જાય. શ્વાસ ખાલી એ રીતે કરો કે ફેફસાં પૂરા ખાલી થઇ જાય. આ દ્રવ્ય પ્રાણાયામ છે.

આપણી સાધનાનું પહેલું ચરણ છે; ભાવ પ્રાણાયામ. શ્વાસ લઈએ છીએ ત્યારે આ હોલમાં ઘણા બધા મહાત્માઓ એ છોડેલ સમભાવના આંદોલનો ઘુમરાઈ રહ્યા છે. તમે શ્વાસ લો છો ત્યારે એક મનને suggestion આપો કે આ હોલમાં રહેલા સમભાવના ના આંદોલનો ને મારે અંદર લઇ જવા છે. એક માત્ર suggestion આપવાથી આ કામ થઇ જશે. અને શ્વાસ છોડો ત્યારે, મારી અંદર રહેલ ખરાબ વિચારો ક્રોધ વિગેરેના દૂર થઇ રહ્યા છે એવી રીતે વિચારો. આ ભાવ પ્રાણાયામ. શરીર ટટ્ટાર. આંખો બંધ. વિચાર બંધ. એક પણ વિચાર કરવો નથી. વિચાર આવી જાય તો બે ઊંડા શ્વાસ લઇ ઝડપથી છોડો. જેથી વિચારની શ્રુંખલા તૂટી જશે. તમારું ધ્યાન માત્ર; શ્વાસ લેવાઈ રહ્યો છે, શ્વાસ છોડાઈ રહ્યો છે, એના ઉપર… એવી એક ક્ષણ અત્યારે આવે કે શરીર ને શ્વાસ લેતું અને શ્વાસ છોડતું તમે જોઈ રહ્યા છો. તમે શરીર નથી. શરીરથી પર છો. અને શ્વાસ લેતા અને શ્વાસ છોડતા શરીરને તમે જોઈ રહ્યા છો. માત્ર એક મિનિટ ભાવ પ્રાણાયામ.

Suggestion આપેલું છે; શ્વાસ અંદર લો છો, શુભ વિચારો અંદર આવે છે. શ્વાસ છોડો છો, ખરાબ વિચારો બહાર ફેંકાય છે.

બીજું ચરણ ભાષ્ય જાપ. “તિત્થયરા મે પસીયંતુ..” “તિત્થયરા મે પસીયંતુ..” “તિત્થયરા મે પસીયંતુ..” “તિત્થયરા મે પસીયંતુ..” “તિત્થયરા મે પસીયંતુ..” “તિત્થયરા મે પસીયંતુ..” “તિત્થયરા મે પસીયંતુ..” “તિત્થયરા મે પસીયંતુ..” “તિત્થયરા મે પસીયંતુ..” “તિત્થયરા મે પસીયંતુ..”………………………..

બીજું ચરણ પ્રાર્થના નું હતું; “તિત્થયરા મે પસીયંતુ.” અનંત તીર્થંકરો નો પ્રસાદ મારા ઉપર ઉતરે. સમભાવ રૂપે ઉતરે. આનંદ રૂપે ઉતરે, વિતરાગદશારૂપે ઉતરે. તો પ્રભુનો પ્રસાદ સતત વરસી રહ્યો છે. આપણું મન એકાગ્ર ન હોવાને કારણે આપણે એને ઝીલી શકતા નથી.

તો મનને એકાગ્ર કરવા માટે ત્રીજું ચરણ માનસ જાપ. આ જ પદનો મનની અંદર જાપ કરો.

શરીર ટટ્ટાર….. આંખો બંધ…. જાપ એવી રીતે કરો કે એક પણ વિચાર ન હોય. તમારું મન સંપૂર્ણતયા એ જાપના પદમાં લાગેલું હોય. તમારી સામે “તિત્થયરા મે પસીયંતુ” સિવાય કોઈ ઘટના અત્યારે નથી. એ ઘટનામાં ડૂબો… ન વિચાર… ન નિદ્રા… પૂર્ણ હોંશ… જાગૃતિ.. awareness…. મનને માત્ર એક પદમાં focus કર્યું છે. “તિત્થયરા મે પસીયંતુ.” આ એકાગ્રતા; સાધન એકાગ્રતા છે. ચોથા ચરણમાં આપણે આપણી ભીતર ડૂબવું છે. મનને પણ બાજુમાં મૂકી દેવું છે. પદને પણ બાજુમાં મૂકી દેવું છે. પણ ત્રીજું ચરણ બરોબર થશે તો ચોથું ચરણ બરોબર થશે. એક મિનિટ ત્રીજું ચરણ માનસ જાપ.. એક પણ વિચાર નહિ. વિચાર આવે તો ખાલી જોઈ લો. અથવા બે ઊંડા શ્વાસ લઇ ઝડપથી શ્વાસ છોડો.

ચોથું ચરણ ધ્યાનાભ્યાસ. પદને છોડી દો. હવે માત્ર તમે છો. અને તમારા સ્વરૂપની – તમારા ગુણોની અનુભૂતિ છે. તો સૌથી પહેલાં સમભાવને કારણે આવેલ શાંતિનો અનુભવ કરીએ.. જો વિચારો શાંત થયા છે તો મનમાં અથવા મનને પેલે પાર એકદમ શાંતિ લાગશે. તમે શાંત છો… પ્રશાંત છો… ઘોઘાટ માત્ર બહાર છે. વિચારોને કારણે, મનને કારણે. તમારી ભીતર માત્ર શાંતિ છે.. માત્ર આનંદ છે.. આ હોલમાં જેવી નિરવ શાંતિ છે, એથી પણ વધુ સરસ શાંતિ અત્યારે તમારી ભીતર છે. આ શાંતિનો, એ શાંતિને કારણે થતા આનંદનો અનુભવ જો તમને થઇ જાય, તો વારંવાર આ અનુભવને repeat કરવાની ઈચ્છા થશે. જ્યારે કોઈ ઘટના મન પર હાવી થઇ જાય, મન ક્ષુબ્ધ બની જાય, પીડિત થઇ જાય. એ વખતે તમે આ પ્રયોગ કરી મનને શાંત કરી અને અંદરની શાંતિનો અનુભવ કરી શકો. તમે શાંત છો… પ્રશાંત છો… તમારી ભીતરની શાંતિનો અનુભવ કરો.

આંખ ખોલી શકો છો…. “તિત્થયરા મે પસીયંતુ…” “તિત્થયરા મે પસીયંતુ..”“તિત્થયરા મે પસીયંતુ..”“તિત્થયરા મે પસીયંતુ..”“તિત્થયરા મે પસીયંતુ..”…..

આ ધ્યાનાભ્યાસ આપણે તો બહુ ઝડપથી કર્યો. ધીરે ધીરે એને કરીએ અને બરોબર આપણે અંદર ઉતરીએ તો અંદરની શાંતિનો અનુભવ થાય. એ શાંતિ વખતે આનંદનો અનુભવ થાય. અને ત્યારે તમને લાગે, તમે આનંદઘન છો. હું કહું છું માટે નહિ, પણ તમને પોતાને અનુભવ થાય કે તમે ખરેખર આનંદઘન છો.

તો આ અનુભૂતિ તમને સતત મળે એવો આશીર્વાદ.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *