Prabhu Veerni Sadabar Varshni Sadhana – Vachana 59

251 Views 24 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : विसोगे अदक्खो

પ્રભુએ પોતાની જીવનકથા દ્વારા બતાવ્યું કે જેને પણ ધ્યાન કરવું છે, એને કોઈ અવરોધ નડતો નથી. આજુબાજુ શાંતિ હોય, તો જ ધ્યાન થાય – એવું નહિ; ઘોંઘાટ વચ્ચે પણ ધ્યાન થઇ શકે.

ધ્યાન પૂરું થયું હોય, ત્યારે પ્રભુ શું કરતા? આંખો ખુલ્લી છે; જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે, પ્રભુ એ દ્રશ્યોને માત્ર જોવે છે. દ્રષ્ટાભાવનો મતલબ જ આ છે કે તમે જુઓ છો; પણ ક્યાંય તમારો opinion નથી. દ્રશ્ય દ્રશ્ય છે. જોઈ લીધું. એની અસર તમારા ઉપર થતી નથી.

પ્રભુ ઘટનાઓને જોઈ રહ્યા છે; પણ એ ઘટનાઓ સાથે કોઈ જોડાણ થતું નથી. દ્રશ્યો સાથે, ઘટનાઓ સાથે તમારું મન જોડાય નહિ, તમારા મનનો સંબંધ રચાય નહિ, તો ઘટના તમારા મનમાં ક્યાંથી આવે? અને ઘટનાની પીડા પણ ક્યાંથી આવે?

ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૫૯

દેવાધિદેવ પરમાત્મા મહાવીર પ્રભુની સાડા બાર વર્ષની સાધનાની અંતરંગ કથા.

એક વખત પ્રભુ વિહાર કરી રહ્યા છે, ત્યાં જ હળવો વરસાદ ચાલુ થયો. બાજુમાં જ એક મુસાફરખાનું હતું. ચોરા જેવું… ત્યાં પ્રભુ પધાર્યા. વરસાદ બંધ થાય પછી આગળ જવાનું હતું. એ વખતે એ ચોરામાં ઘણા બધા માણસો બેઠેલા. કોઈ ગામમાંથી નીકળેલા, કોઈને ગામમાં જવાનું હતું. બધા ત્યાં બેસી ગયેલા. એ વખતે પ્રભુ શું કરે છે? બહુ મજાનું સૂત્ર આવ્યું – घड़िए विभव कहाए समयम्मि णायपुत्ते विसोगे अधः  એ વખતે પ્રભુ ૨ વસ્તુ કરે છે. ધ્યાનમાં પણ જાય છે, દ્રષ્ટાભાવમાં પણ રહે છે. એ ઘોંઘાટની વચ્ચે પણ પ્રભુ ધ્યાનમાં જાય છે. અને ધ્યાનમાં ગયા ભીતર ઉતરી ગયા પછી બહારનો કોઈ પણ અવરોધ નડતો જ નથી. પ્રભુએ પોતાની જીવન કથા દ્વારા બતાવ્યું કે જેને પણ ધ્યાન કરવું છે એને કોઈ અવરોધ નડતો નથી. અને ધ્યાન ન કરવું હોય એના માટે બધા જ અવરોધો છે.

આ સૂત્ર મારા માટે બહુ જ ઉપયોગી રહ્યું છે. મને ધ્યાન માટે શાંત વાતાવરણ જોઈતું હતું. એટલે શાંતિના પાયા ઉપર હું ધ્યાન કરી શકતો. શિયાળામાં વાંધો ન આવે. રૂમ બંધ કરી દઈએ. ધ્યાનમાં જતાં રહીએ. પણ આપણા દેશમાં ૧૦ મહિના ગરમી પડે. રૂમ બધી જગ્યાએ સારી ન હોય. ક્યાંક રૂમ એવી હોય જેમાં બારી – બારણાં વ્યવસ્થિત ન હોય. બંધ કરો એટલે ડબ્બો થઇ જાય. એવી વખતે હોલમાં આવવું પડે. અને હોલમાં disturbances હોય એટલે ધ્યાન થઇ શકે નહિ.

પણ આચારાંગજીનું સ્વાધ્યાય કરતાં જાણે કે પ્રભુએ જ મને કહ્યું, કે શાંતિનો પાયો બનાવીને તું ધ્યાન કરે છે. તો ઘોંઘાટનો પણ પાયો બનાવ. કેમ આજુબાજુ શાંતિ હોય તો જ ધ્યાન થાય? એવું કેમ? ઘોંઘાટ વચ્ચે પણ ધ્યાન કેમ ન થઇ શકે? એ જ દિવસથી મેં શરૂઆત કરી… અને પ્રભુની કૃપા હતી success ગયો. એ અરસામાં મારું ચાતુર્માસ વાલકેશ્વર બાબુ અમીચંદ પનાલાલમાં હતું. ત્યાં ઉપાશ્રયની situation એવી છે કે એક બાજુ દરિયો, બીજી બાજુ રોડ. દરિયા બાજુ અવાજ ન આવે, પણ હવા ન આવે. રોડ બાજુ અવાજ સતત ચાલુ રહે, રાત્રે ૨ થી ૪ કલાક બંધ રહે. બાકી ૨૨ કલાક ચાલુ રહે. પણ ત્યાં હવા આવતી હતી. હું એ બાજુ બેઠો. જે પણ સાધકો વંદન કરવા આવે એ પૂછે સાહેબ આટલો બધો ઘોંઘાટ કઈ રીતે તમે રહી શકો…. ત્યારે હું હસતો કે હવે ઘોંઘાટમાં પણ આરામથી ધ્યાન થઇ શકે છે.

તો પ્રભુ એવા ઘોંઘાટની વચ્ચે પણ ધ્યાનમાં જતાં. પ્રભુની તો વાત જ અલગ હતી. પણ ધ્યાન પૂરું થયું હોય ત્યારે પ્રભુ શું કરતા? આંખો ખુલ્લી છે દ્રશ્યો દેખાઈ રહ્યા છે… કોઈ ઝગડે છે, કોઈ હસે છે, કોઈ રડે છે. દ્રશ્યો દેખાઈ રહ્યા છે, શબ્દો કાન પર અથડાઈ રહ્યા છે. પ્રભુ એ વખતે શું કરે છે? विसोगे अद्दकखो પ્રભુ માત્ર એ દ્રશ્યોને જોવે છે. માત્ર જુએ છે. તમે શું કરો? કોઈ પણ વસ્તુને જોવાની હોય, ત્યારે માત્ર ન જોવો… એમાં તમારો અભિપ્રાય ભળી જ જાય. આ ચા સારી અને આ ચા બરોબર નહિ.

દ્રષ્ટાભાવ નો મતલબ એ છે.. કે તમે જુઓ છો પણ ક્યાંય તમારો opinion નથી. દ્રશ્ય દ્રશ્ય છે. જોઈ લીધું, એની અસર તમારા ઉપર ન થાય. ઘટનાઓની અસર તમારા ઉપર પડે છે. એના માટે વિનોબાજીએ એક સરસ રસ્તો બતાવ્યો. એમણે કહ્યું એક દિવસમાં ધારો કે તમને ૧૦ – ૧૫ – ૨૦ નિમિત્તો મળે છે. તમે એટલું નક્કી કરો કે પહેલું જે નિમિત્ત મળે એમાં મનને જવા દેવું નહિ. તમે ઉઠ્યા હોવ, સવારે fresh હોવ, મન પણ fresh છે. એવી વખતે કોઈ ઘટના ઘટી. તો એ વખતે તમે એ ઘટનામાં તમારા મનને જવા ન દો. આ કરી શકાય? એક જ નિમિત્તની, એક જ ઘટનાની વાત છે. પછી એવું બને કે, પહેલી જ ઘટના જોરદાર હોય… કોઈએ સીધો બોમ્બમારો તમારા ઉપર કરેલો હોય, પણ તમે જો અભ્યાસની ધારામાં આવી ગયા. તો એ  આંચકાને તમે પચાવી શકો. પછી એક self confidence તમારી ભીતર આવે. કે આટલું મોટું નિમિત્ત હતું… અને છતાં મેં મારા મનને એમાં જવા ન દીધું. તો નાનકડા નિમિત્તોમા તો કેમ જવા દઉં. નિમિત્તો થી પર તમે બની શકો. પ્રભુનું શાસન મળ્યું. પ્રભુની સાધના મળી. એવી મજાની આ સાધના છે કે તમને એ ૨૪ કલાક આનંદમાં રાખે. તમે પીડા કોના કારણે અનુભવો છો? પેલાએ કંઈક કહ્યું… એણે કહ્યું તો એની પાસે રહે… તમારે શું છે…. તમે શા માટે હેરાન – પરેશાન થાવ છો… તમે બિલકુલ સ્વસ્થ રહો.

તો પહેલું જે નિમિત્ત મળે એ નિમિત્તમાં મનને જવા દેવાનું નહિ. બરોબર લાગે? માતાઓને પૂછું છું…. બરોબર લાગે? બીજી એક વાત છે, કોઈ પણ ઘટના ઘટે… બીજી, ત્રીજી, ચોથી ઘટના છે. એમાં તમારું મન જઈ પણ શકે… ચલો, ઘટનામાં તમારું મન જાય, કેટલી સેકંડ? કેટલી મિનિટ? ઘટના ૫ સેકંડની હોય… અને એ ઘટનામાં તમે મન કેટલી મિનિટ, કેટલા કલાક સુધી મુકો? તો એવું નક્કી કરી શકાય કે સામાન્ય ઘટના હોય તો ૫ – ૭ મિનિટ સુધી મન એમાં જતું રહ્યું. તમે એને recall કરી દો. એકદમ bomb – barding થઇ ગયું છે. તો પણ એની અસર ૧૫ મિનિટથી વધારે રહેવી ન જોઈએ.

વાત એ છે કે મનના માલિક તમે ખરા ને? આ પદ્ધતિ શું કરે? તમને તમારા મનના માલિક બનાવે. આજે તો મનની ઈચ્છા હોય એમ તમારે ચાલવું પડે છે. તમે એને કહી દો પહેલા નિમિત્તમાં તારે જવાનું નથી. પછી મનને કહી દો… કોઈ પણ ઘટના પછી પણ ઘટે, તો પ – ૭ મિનિટ કે ૧૫ મિનિટથી વધારે તારે એમાં જવાનું નથી. મનને કહી દો… અમારું મન બહુ મજાનું છે. એ અમારું મન અમને સાધનામાં સહાયક કરે. એ મન દ્વારા જ, એ મનોયોગ દ્વારા જ, શાસ્ત્રોની પંક્તિઓનું અનુપ્રેક્ષણ અમે કરીએ છીએ. પણ મન અમારા નિયંત્રણમાં એ રીતે છે કે શુભ વિચાર ચાલતો હોય ચાલવા દઈએ. જે ક્ષણે કોઈ પણ નિમિત્ત મળ્યું અને મન રાગ – દ્વેષમાં જાય એવું હોય, એ જ ક્ષણે મનને stop કરી દેવું. Switch off કરી દેવું.

તમને આ અઘરું લાગે? કઈ રીતે અઘરું કહેવાય? તમારો નોકર એ તમારું કહ્યું ન માને, અને તમારી સામે થાય તો શું કરવાનું? છુટો કરી દેવાનો. તમે એને ધોલ પણ ઠોકી શકો, કેમ મારું કહ્યું તું માનતો નથી? મનને ક્યારેય કહ્યું કે કેમ તું મારું કહ્યું માનતો નથી? તારે માનવું જ પડશે. મન તમારા નિયંત્રણમાં ચોક્કસ આવી જશે.

એક સાધકનું મન કેવું હોય? એની મજાની વાત ૨૫૦૦ વર્ષ પહેલાંની છે. બુદ્ધ ભગવાન વિહારમાં હતા. પટ્ટ શિષ્ય આનંદ પણ એમની જોડે. જેની સદ્ગુરુ પ્રત્યે અપાર ભક્તિ હોય છે એને ગુરુ પોતાની જોડે ને જોડે રાખે છે. બુદ્ધના હજારો શિષ્યો, પણ કોઈ કામ પ્રસંગે, કોઈ ધ્યાન માટે જવાનું હોય, બુદ્ધ માત્ર આનંદને જ લઇ જાય. ગુરુના મનમાં વસી જવું એ કેટલી મજાની વાત છે. ગુરુ તો તમારા મનમાં વસેલા હોય, પણ તમારી ભક્તિ, તમારું સમર્પણ એવું હોય કે ગુરુના મનમાં તમે વસી જાઓ. જે ગુરુના મનમાં પ્રભુ સિવાય કોઈ રહી ન શકે… એ મનમાં, એ હૃદયમાં તમે રહી શકો.. ના તમારું સમર્પણ રહે છે. તમે નહિ. વ્યક્તિ રૂપે તમે નહિ. પણ તમારો જે સમર્પણ ગુણ છે એ ગુરુને ગમે છે. મને શું ભાવે? મને શું ફાવે? એની વિચારણા અનંત જન્મોથી કરી છે. પણ પ્રભુને શું ગમે? સદ્ગુરુને શું ગમે? એનો વિચાર ક્યારેય કર્યો છે? દીક્ષા લીધી, જીવન સદ્ગુરુના ચરણોમાં સમર્પિત કર્યું. પછી તમારી એક – એક પ્રવૃત્તિમાં સમર્પણ છલકાતું હોય.

મારા પ્રભુએ કહ્યું છે…  મારા સદ્ગુરુએ કહ્યું છે…  ૫ મિનિટ ચાલવાનું હોય, અને ઈર્યાસમિતિ પૂર્વક ચાલ્યા, આંખોમાંથી આંસુની ધાર વહે. મારા સદ્ગુરુને ગમે એવું કંઈક થયું. અને ગુસ્સો આવી ગયો હોય તો? આવે જ નહિ તમને… અને બહુ, બહુ તો મનમાં આવે. અહીંથી તો નીકળે જ નહિ. કેમ? પણ કદાચ ગુસ્સો આવી ગયો તો એમ થાય કે મારા ગુરુને જે નથી ગમતું એ મેં કર્યું. એવા ઘણા સાધકોને મેં જોયા છે, કે જેમનું લક્ષ્ય એક જ છે. કે સદ્ગુરુને સંતોષ થાય એ રીતે જીવવું. ઘણા પત્રોમાં પણ લખે કે આપને સંતોષ થાય એવું જીવન અત્યારે નથી. પણ એવી કૃપા વરસાવો કે આપને સંતોષ થાય એવું જીવન હું જીવી શકું. તો હવે મને ગમે છે, મને ફાવે છે, એને બદલે ‘માં’ ને આ ગમે છે. એક કાનો લગાવી દેવાનો… પ્રભુમાં ને, ગુરુમાં ને આ ગમે.

તો બુદ્ધ અને આનંદ બેઉ જઈ રહ્યા છે. રસ્તામાં એક વહોળો આવ્યો. પુલ તો હતો નહિ. વહોળાને ઉતરીને જવાનું હતું. થોડી મિનિટો પહેલા એક ગાડું ત્યાંથી પસાર થયું. ખુબ માલ એમાં ભરેલો હતો. એના પૈડા નીચે સુધી દબાયા. એટલે નીચે જે કાદવ હતો… એ બધો ઉપર આવી ગયો. એટલે વહોળાનું પાણી મટ ભેરુ થઇ ગયું. બુદ્ધ અને આનંદ એ વહોળાને ઉતર્યા. ત્યારે એકદમ ગંદકીવાળું પાણી હતું. અડધો કિલોમીટર, પોણો કિલોમીટર ગયા, બુદ્ધ એક વૃક્ષ નીચે બેઠા. બુદ્ધ બેઠા એટલે આનંદ પણ બેઠા. શિષ્યનું કામ શું? ગુરુ કહે તેમ કરવાનું. ક્યારેક ગુરુ કરે તેમ કરવાનું. ગુરુની ઈચ્છા શિષ્ય જાણી શકે છે. સમર્પિત શિષ્ય ગુરુની ઈચ્છાને જાણી શકે છે. અને એટલે ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું – “ઈંગીયા ગાર સંપન્ને, સે વીણીયત્તે ઉચ્ચ” ગુરુ ખાલી ચહેરાના આકારને બદલે… શિષ્યને ખ્યાલ આવી જાય… કે ગુરુદેવ શું ઈચ્છે છે. પણ એનું કારણ શિષ્યની લાયકાત કે શિષ્યની બૌદ્ધિકતા નથી. શિષ્યનું સમર્પણ છે.

એક વાત યાદ રાખો માત્ર બુદ્ધિથી સંસારમાં આગળ વધી શકો તમે… અહીંયા તો માત્ર સમર્પણથી જ આગળ વધવાનું છે. સમર્પણ વિના સાધનાનો પ્રારંભ નથી. અને સમર્પણ એ જ સાધનાની શિખરાનુભૂતિ છે. છેલ્લું સમર્પણ કયું આવશે? પ્રભુની નિશ્ચયઆજ્ઞા – “તું તારા સ્વરૂપમાં સ્થિર થા” આપણે આપણા સ્વરૂપમાં સ્થિર થઈએ એ આપણું પ્રભુના ચરણોની અંદરનું છેલ્લું સમર્પણ. વ્યવહાર આજ્ઞાના પાલનથી, એ સમર્પણથી આપણે સાધનાનો પ્રારંભ કરીએ. તમે ૧૨ વ્રતો સ્વીકારો. અમે પાંચ મહાવ્રતો સ્વીકારીએ. આ બધું વ્યવહાર આજ્ઞા. અને એ છેલ્લે નિશ્ચય આજ્ઞાની અંદર પર્યવસિત થાય.

બુદ્ધ બેઠા, આનંદ પણ બેઠા. આનંદ એટલા મોટા વિદ્વાન છે પણ એમણે કોઈ ગ્રંથ લખ્યો નથી. મારા ભગવાન બોલી રહ્યા છે. મારા ભગવાનના શબ્દો જે છે એને લોકો સુધી પહોંચાડો. પણ મારે તો કંઈ કહેવાનું છે જ નહિ. કેવું એક સમર્પણ… પ્રભુ  મહાવીર અને ગૌતમની જેવી જોડી હતી એવી જ આ જોડી છે. બુદ્ધ અને આનંદની. બેઠા પછી બુદ્ધે કહ્યું – આનંદ, તરસ લાગી છે… બસ આટલું જ કહેવાનું હતું. હવે પાણીની શોધમાં આનંદે જવાનું છે. આનંદ કમંડળ લઈને ઉપડે છે. પણ દુષ્કાળનો સમય, તળાવો સુકાઈ ગયેલા. વાવમાં પાણી નહિ, કૂવામાં પણ પાણી નહિ. ૨ – ૩ કિલોમીટર આનંદ ફરે છે, ક્યાંય પાણીનું ટીપું પણ (મળતું નથી). એ ગરમીમાં ચાલવાનો થાક એને નથી. પણ એક જ વાત, મારા ભગવાનની આજ્ઞા એને હું પુરી શકતો નથી. એ ૩ કિલોમીટર ફર્યા પછી આંખમાં આંસુ આવે છે… મારા ભગવાન મને કહે, મને તરસ લાગી છે અને હું એમને પાણી ન આપી શકું. આનંદ પાછા આવ્યા… આંખમાં આંસુની ધાર છે. ગળે ડુસકા છે. પ્રભુ પાણી ક્યાંય નથી. ગુરુની એક આજ્ઞા ન પળાય કેટલો દર્દ… પ્રભુની આજ્ઞા તમને ખ્યાલ જ છે… મૈત્રીભાવમાં રહેવાનું. તમે કોઈના ઉપર ગુસ્સો કરો એવું બને? એ ગુસ્સાની શરૂઆત થાય અને આંખમાંથી આંસુ ચાલુ રહે. સામેવાળો નવાઈમાં પડે… કે આ ગુસ્સો કરે છે અને એની આંખમાંથી આંસુ આવે છે. આંસુ ક્યારે આવે? એક તો આનંદનો અવસર હોય તો હર્ષના આંસુ આવે. પીડાનો  અવસર હોય તો પીડાના આંસુ આવે. પણ ક્રોધ કરતી વખતે આંસુ આવે? તમારે આવે છે આવું? ક્રોધ કરતાં હોવ અને આંસુ આંખમાં આંસુ આવે. મારા પ્રભુની આજ્ઞા ને હું પાળી શકતો નથી. એ વખતે બુદ્ધ હસતાં હસતાં કહે છે આપણે જે વહોળો પસાર કરીને હમણાં આવ્યા, એમાં શું પાણી નહોતું? દૂધ હતું એમાં… બસ આટલું જ. પાણી નહોતું એમાં? આનંદને ખ્યાલ છે પાણી તો હતું પણ કેવું ગંદુ હતું. અને આવું ગંદુ પાણી મારા ભગવાનને હું પીવડાવું? ભગવાનનું અંગલુંછણું કેવું હોય તમારા ત્યાં? ક્યારેક  કોઈ જગ્યાએ જોવું ને એકદમ મેલા થયેલા હોય, તો હું કહું… તો મને કહે સાહેબ એ તો કેસરનો રંગ લાગ્યો છે મને સમજાવે. તમારે રોજ નવા કપડાં પહેરવા છે. એકદમ Dry clean. પ્રભુને કેમ રોજ નવા અંગલુંછણા નહિ? અને તમે ચડાવો પણ મોટો મોટો બોલ્યા છો.

એક જ વાત મારા ભગવાન માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોવું જોઈએ. દુનિયાની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સામગ્રી મારા ભગવાનના ચરણોમાં હું ધરું. મારા પ્રભુએ મને જે આપ્યું છે એમના ઋણમાંથી હું ક્યારેય મુક્ત થઇ શકું એમ નથી. પણ પ્રભુના ચરણોમાં આવું  કંઈક ધરીને હું ઋણમુક્ત બનું. તો બુદ્ધ જ્યારે કહે છે કે વહોળામાં પાણી નહોતું દૂધ હતું? તરત જ આનંદ કમંડળ લઈને વહોળા તરફ જાય છે. પણ એ વખતે મનમાં એક દ્વન્દ્વ જામેલું હોય છે. એટલે સમર્પણ તમારી ભાવધારાને કેવી રીતે twist કરે એની વાત છે. ૨ વાત એ વખતે એમના હૃદયમાં છે. મારા ભગવાનની આજ્ઞા છે.. એટલે મારે એ વહોળામાંથી  કમંડળ ભરી અને ભગવાન પાસે જવાનું છે. પણ આવું પાણી, મારા ભગવાન પીશે?

કેવી મારી અવદશા… કે હું ભગવાન માટે ચોખ્ખું પાણી પણ લાવી શકતો નથી. દ્વન્દ્વ થયું. એક બાજુ સીધી વાત છે મારા પ્રભુની આજ્ઞા, મારા ગુરુની આજ્ઞા … મારે કરવાનું જ છે. એમાં કોઈ વિકલ્પ નથી. એમાં કોઈ જ વિકલ્પ નથી. આજ્ઞા મારે પાળવાની જ છે. પણ મારા પ્રભુ કહે છે કે વહોળાનું પાણી તું લઇ આવ. તો આવું ગંદુ પાણી મારા ભગવાનને કેમ પીવડાવાય? પણ છતાં પ્રભુની આજ્ઞા છે. જવાનું તો હતું જ. એ વહોળાના કાંઠે ગયા. અને એમની નવાઈ વચ્ચે પાણી એકદમ શુદ્ધ થઇ ગયું. ટાઇમ મળ્યો ને એટલે કચરો ધીરે ધીરે ધીરે નીચે બેસવા લાગ્યો. અને નિર્મળ પાણી જે છે એ ઉપર વહેવા લાગ્યું. હવે આનંદને જીવમાં જીવ આવ્યો કે બસ હવે વાંધો નહિ. હવે મારા પ્રભુને આ પાણી અપાશે. થોડું પાણી ચાખી પણ લીધું… મીઠું પાણી, ઠંડું પાણી, સરસ…

કમંડળ લઈને ભગવાન પાસે ગયો. આપ્યું…. બુદ્ધે પીધું… પછી આટલી એક નાનકડી ઘટના ઉપરથી બુદ્ધ ભગવાને કહ્યું આનંદને કે તું કંઈ સમજ્યો? સાધકનું હૃદય કેવું હોય એ મારે તને બતાવવાનું હતું. કારણ કે તું સાધક છે. સાધકનું હૃદય કેવું હોય? આ વહોળા જેવું. વહોળામાંથી ગાડું પસાર થયું ગંદકી ઉપર આવી.

૧૦ – ૧૫ મિનિટ મળી એટલે ગંદકી નીચે જતી રહી. એમ નિમિત્ત મળતાંની સાથે કદાચ સાધકના મનમાં રાગ – દ્વેષ અને અહંકારનો કચરો ઉપર તરે પણ ૧૦ – ૧૫ મિનિટ થાય એટલે કચરો નીચે જતો રહે. તમે જુઓ પાણીના ગ્લાસમાં કચરો નીચે જામશે. સ્વચ્છ પાણી ઉપર. તો આ તો કુદરતનો નિયમ છે બધો જ કચરો નીચે બેસી જવો જોઈએ. અને નિર્મળ પાણી ઉપર રહેવું જોઈએ.

આપણા હૃદયનું પાત્ર, આપણા હૃદયનો ગ્લાસ એવો નથી કે જેમાં કચરો હોય જ નહિ. કારણ કે કર્મો લઈને આપણે બેઠા છીએ. મોહનીય કર્મ આપણી પાસે છે. બીજા બધા કર્મો આપણી પાસે છે. કચરો તો છે. પણ નિર્મળ પાણી પીવું છે. કચરાવાળો ગ્લાસ છે કોઈએ હલાયો… હલાયો એટલે શું થયું? કચરો ઉપર આવ્યો. તમે શું કરશો? એને મૂકી દેશો. ૧૦ મિનિટ મૂકી દો… કચરો નીચે જતો રહ્યો પાણી પી લો. એક સાધકનું હૃદય, એક સાધકનું ચિત્ત આવું હોય. કચરો ઉપર આવ્યો નીચે ગયો. એમાં પણ કચરાને નીચે રહેવાનો સમય ઘણો. નીચે જ રહે કચરો. ભાર છે ને એનામાં… જે ભારે વસ્તુ હોય એ નીચે જાય. પાણી નિર્ભાર છે એટલે ઉપર તરે છે.

તો એ કચરો ૨૪ કલાક લગભગ નીચે રહેતો હોય છે. કોક ગ્લાસને હલાવે… કોક ગ્લાસમાં કાંકરી વિગેરે નાંખે ત્યારે કચરો ઉપર આવે. ૧૦ મિનિટ માં પાછો નીચે જતો રહે. આવું કરી શકાય? બોલો.  ભગવાનને તો કચરો આવતો જ નહોતો… विसोगे अद्दकखोએ અનેક માણસો ચોરામાં બેઠેલા. કોઈ ગપ્પા મારતું હતું. કોઈ આમ કરતું હતું.. કોઈ આમ કરતું…

આપણે ત્યાં છે ને પ્રણિધાન એટલે કે કોઈ પણ સાધનાનું જોડાણ. એના માટે  એક શરત આપી, કે તમને દ્વેષ કોઈના ઉપર ન જોઈએ. ગુણવાન ઉપર તો ન જોઈએ. ગુણવાન ઉપર તો દ્વેષ હોય જ નહિ. પણ તમને એવું લાગે છે કે આ માણસ ગુણવાન નથી. એનામાં પણ તમને બિલકુલ તિરસ્કાર પેદા ન થાય. ઘણીવાર આપણે ત્યાં શું થાય… કોઈ સામાયિકમાં બેઠેલો હોય, કોઈ બીજો સામાયિક લે… એને સૂત્રો બરોબર આવડતું ન હોય… શું કરે છે? કેટલા વખતથી સામાયિક કરે છે? લોગસ્સ પૂરો આવડતો નથી.

અનાદિની એક ધારા એવી છે કે બીજાનો દોષ તરત દેખાઈ જાય. પણ એ ઘટના સંસારમાં ઘટે. ધર્મસ્થાનમાં ઘટે? અહીંયા ન ઘટવી જોઈએ. અહીંયા તો કોઈના પણ ઉપર તમને દ્વેષ થાય છે? કોઈ ગપ્પા મારે છે સામાયિક લઈને… કોઈ આવી ને વાતચીત કરે છે. તમને કશું જ થવું ન જોઈએ. પહેલો ગુનો તમારો તો એ કે તમે બીજાને જોયો કેમ? સામાયિકમાં તમારે પોતાની અંદર ઉતરી જવાનું હતું, તમે બીજાને જોયો એ મોટામાં મોટો ગુનો. બીજાને કેટલી વાર જુઓ? અને પોતાને કેટલી વાર જુઓ?

બીજાનો દોષ કેટલી વાર દેખાય? બીજાને જુઓ એનો ય વાંધો નહિ, બીજાના ગુણ જુઓ. બીજાના દોષ દેખાય જ કેમ? હકીકતમાં કોઈ વ્યક્તિ ગુણહીન છે જ નહિ. ગુણહીન હોવ તો માત્ર હું એક છું. આવો જ વિચાર આપણે કરવાનો. બધા જ આત્માઓ ગુણોથી યુક્ત છે. ઘણીવાર તો વિહારમાં હોઈએ… વિહાર સેવા ગ્રુપો તો હમણાં ચાલુ થયા. પહેલા માર્ગ બતાવવા માટે કોઈ પણ હિંદુ ભાઈને ગામવાળા મોકલે. ગામમાં ઘર જ ઓછા હોય. જા ભાઈ મ.સા. ને રસ્તો બતાવી આવ. એ અમને રસ્તો બતાવવા આવે, પણ એની વાતો સાંભળીએ ત્યારે થાય કે એ અભણ માણસ પણ કેટલો ઉંચે ગયેલો છે.

એકવાર અમે અંબાજી થી આબુ જતાં હતા. હવે બધે રોડો થઇ ગયા. એ વખતે કાચા રસ્તા હતા… તો એક માર્ગદર્શક – ત્યાંના આદિવાસી ભાઈને જોડે રાખેલ. થોડીવારમાં એ આદિવાસી ભાઈ જોડે વાત ચાલુ કરી. કે તમે જંગલમાં રહો.. તો વાઘ – સિંહનો ભય ન લાગે? તો એ કહે મહારાજ કુતરાથી બીયાતું હશે.. અમે જંગલમાં રહીએ અને કુતરાથી બીયાઈએ… પછી એણે બહુ મજાની વાત કરી… કે મહારાજ વાઘ કે સિંહ સામેથી આવતાં હોય, તો અમે તો બધા હનુમાનજી ના અવતાર, સીધા ઝાડ ઉપર ચડી જઈએ. અને વાઘ સિંહ નીચેથી ચાલ્યા જાય. વાઘ શિકાર કરીને સુતો હોય તો પણ એની બાજુથી જતા રહીએ એ  આંખ ઊંચી ન  કરે . કારણ કે ધરાઈ ગયો છે. ધરાઈને સુતો છે. એટલે એ વખતે કોઈના ઉપર નજર ન રાખે. અને પછી એણે કહ્યું મ.સા. અમારા કરતાં ય વાધ સારા… તમે તો સંત છો. પણ અમારા કરતા, માણસ કરતા એ વાઘ અને સિંહ ચડિયાતા છે. થોડું ખાધું પેટ ભરાઈ ગયું, ઊંઘી જાય. પછી તમે બાજુમાંથી પસાર થાવ તો પણ તમારા તરફ આંખ ઉંચી ન કરે. અને અમારા જેવા માણસો ધરાતા જ નથી. કહે છે… વાઘ – સિંહને થોડુક મળી ગયું ખાવાનું… એ ધરાઈ ગયો. પણ અમે તો ધરાતા જ નથી કહે છે. એક ડગલું ખાવાનું મળે ને ધરાય એમ નહિ, આખી જિંદગી સુધીનું ખાવાનું મળી ગયું.

અને દીકરા અને પોતરા સુધી ખાવાનું મળે એટલું થઇ ગયું. તો યે ધરાઈએ નહિ. આવી વાત સાંભળીએ ત્યારે થાય કે, એ અભણ માણસ પણ કેટલું ચિંતન કરી શકે છે. એ વાઘ અને સિંહ કરતા પોતાની જાતને નીચી માની શકે છે. તો બહુ મજાનું પ્રભુનું સાધના સૂત્ર विसोगे अद्दकखोધ્યાનમાં ગયા ત્યારે તો પ્રભુ બિલકુલ ભીતર ઉતરી ગયા. આંખ ખુલ્લી છે બધું જ જોવાઈ રહ્યું છે. પણ એક પણ દ્રશ્ય જોવામાં મન જતું નથી. દ્રશ્યો સાથે, ઘટનાઓ સાથે, તમારું મન જોડાય નહિ, તમારા મનનો સંબંધ રચાય નહિ, તો ઘટના તમારા મનમાં ક્યાંથી આવે? અને ઘટનાની પીડા પણ ક્યાંથી? તો विसोगे अद्दकखोપ્રભુ ઘટનાઓ ને જોઈ રહ્યા છે, પણ એ ઘટના છે એ રીતે. એ ઘટનાઓનું પોતાની સાથે જોડાણ થતું નથી.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *