Shree Navpad Shashvati Oli 2024 – Darshan Pad

16 Views 17 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : પ્રભુ નિર્મળ દરિસન કીજીએ

તમારું અવતારકૃત્ય શું? તમારા જીવનની એક-એક ક્ષણને પ્રભુ સાથે જોડી દેવી, તે. બીજું બધું તમે કરો – એ માત્ર ઔપચારિકતા છે; formality છે.

ભક્તના સ્તરનું નિર્મળ દર્શન એટલે આંસુ ભરેલી આંખોથી થતું દર્શન. ભક્તના સ્તરનું નિર્મળ દર્શન મળે, એ પછી સાધકના સ્તરનું નિર્મળ દર્શન મળે. સાધકના સ્તરનું નિર્મળ દર્શન એટલે નિર્વિકલ્પતાની પૃષ્ઠભૂ પર થતું પ્રભુનું દર્શન. આવું નિર્મળ દર્શન એ જ સમ્યગ્દર્શનનું કારણ છે.

આતમજ્ઞાન કો અનુભવ દર્શન. આત્માનું તમે જે જ્ઞાન કર્યું – કે મારો આત્મા વીતરાગ છે, આનંદઘન છે – એ વીતરાગદશાનો, એ આનંદઘનતાનો નિર્વિકલ્પતાની પૃષ્ઠભૂ પર અનુભવ તમે કરો. પ્રભુનું નિર્મળ દર્શન તમને આત્મજ્ઞાનનું અનુભવાત્મક દર્શન આપે. આત્માનો અનુભવ – એ જ સમ્યગ્દર્શન.

ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૬૬

પૂજ્યપાદ પદ્મવિજય મ.સા. એ નવપદ પૂજામાં સમ્યગ્દર્શન પદની પૂજામાં ૩ ચરણો આપ્યા છે. પહેલું ચરણ સમ્યગ્દર્શનની પૂર્વાવસ્થા, બીજું ચરણ સમ્યગ્દર્શનની વ્યાખ્યા અને ત્રીજું ચરણ સમ્યગ્દર્શન મળ્યા પછીની ભાવાનુભૂતિ.

પહેલું ચરણ “પ્રભુ નિર્મલ દરિશન કીજીયે” પહેલી વાર એ પૂજા વાંચી ત્યારે મનમાં થયું કે પ્રભુનુ દર્શન કરો, આવી વાત તો ઘણા બધા મહાપુરુષોએ કરી. પદ્મવિજય મ.સા. કહે છે પ્રભુનું નિર્મલ દર્શન કરો. “પ્રભુ નિર્મલ દરિશન કીજીયે” આ નિર્મલ દર્શન એ જ સમ્યગ્દર્શન નું કારણ છે. નિર્મલ દર્શન બે જાતના છે. એક તો ભક્તના સ્તરનું, બીજું સાધકના સ્તરનું… ભક્તના સ્તરનું નિર્મલ દર્શન એટલે આંસુ ભરેલી આંખોથી થતું દર્શન.

એક બહુ મજાની ઘટના હોય છે… ક્યારેક પ્રભુનું દર્શન કરીએ આંખોમાંથી આંસુની ધારા વહેતી હોય, પ્રભુ સ્પષ્ટ રૂપે દેખાય નહિ બહાર, પણ એ વખતે પ્રભુનું જે ભીતર પ્રતિબિંબ પડે છે એ અદ્ભુત હોય છે. તો ભક્તના સ્તર પર નિર્મલ દર્શન એટલે આંસુ ભરેલી આંખો દ્વારા થતું દર્શન.

શ્રીપાળ રાસની એક નાનકડી ઘટના. રાજકુમારી મદનમંજુ. પરમાત્માની અત્યંત ભક્ત. પ્રભુને જુએ ને પાગલ થઇ જાય. એકવાર એ રાજકુમારી પૂજા માટે ગઈ છે. પ્રભુનો સ્પર્શ કરતાં ભાવવિભોર બની. દ્રવ્ય પૂજા કર્યા પછી ભાવ પૂજા માટે ગભારાની બહાર આવવાનું છે. એ રાજકુમારી ગભારામાંથી મંડપમાં શી રીતે આવે છે… એનું વર્ણન શ્રીપાળ રાસમાં આપ્યું. “ઓસરતી પાછે પગેજી, જોતી જિન મુખ સાર” એક – એક પગલું પાછળ ફરતી જાય… મુખ પ્રભુ તરફ છે. અને એક – એક પગલું એ પાછળ ફરતી જાય છે. અને પ્રભુને જોતી જાય છે. પ્રભુને જોતા તૃપ્તિ થતી જ નથી.

ક્યાંથી તૃપ્તિ થાય…? અનંતા જન્મોની અંદર જે દર્શન નહિ મળ્યું, એ દર્શન આ જન્મમાં મળ્યું… તૃપ્તિ થાય શી રીતે…?! “ઓસરતી પાછે પગેજી, જોતી જિન મુખ સાર” એ રાજકુમારી મંડપમાં આવી અને ગભારાના દ્વાર automatically બંધ થઇ ગયા. કોઈ તાળું નહિ, કોઈ કુંચી નહિ. બે દરવાજા બંધ થઇ ગયા. ખોલવાની મથામણ ઘણી થઇ પણ દ્વાર ન ખુલ્યા. એ વખતે એ રાજકુમારીની આંખોમાં આંસુની ધાર છે, ગળે ડુસકા છે. રાજકુમારીના શબ્દો શું હતા.. શ્રીપાળ રાસમાં એ શબ્દ quote કરવામાં આવ્યા. “દાદા દરિશન દીજીયેજી એ દુઃખ મેં ન ખમાય” પ્રભુ દરવાજા ખોલો, દર્શન આપો. બહુ મજાની વાત એ કહે છે – પ્રભુ! બધા જ દુઃખોને હું સહન કરી શકું પણ તારા અદર્શનના દુઃખને હું સહન કરી શકું એમ નથી. દર્શન આપ… બીજું કાંઈ જ જોઈતું નથી. ત્યારે આકાશવાણી થઇ કે એક પુણ્યશાળી આત્મા અહીંયા આવશે અને એની દ્રષ્ટિ પડતા જ ગભારાના દરવાજા ખુલી જશે.

એ રાજકુમારીને ભાવાનુભૂતિ કેવી છે.. માત્ર જોઈએ દર્શન. આ જીવનની એક – એક ક્ષણ પરમાત્મા સાથેના અનુસંધાન માટે છે.  જીવનની એક – એક ક્ષણ પરમાત્મા સાથેના અનુસંધાન માટે છે. બીજું બધું તમે કરો એ ઔપચારિક ઘટના છે. એક  formality…. પણ તમારું અવતારકૃત્ય શું? તમારા જીવનની એક – એક ક્ષણને પ્રભુ સાથે જોડી દેવાનું. દીક્ષાનો મતલબ આજ છે… દીક્ષા એટલે શું… ? અમારા જીવનની એક – એક ક્ષણ પ્રભુ સાથે જોડાયેલી હોવી જોઈએ. જે ક્ષણ પ્રભુ સાથે જોડાઈ નથી, જે ક્ષણ પ્રભુની આજ્ઞા સાથે જોડાઈ નથી. એ ક્ષણોને આપણા જીવનમાંથી આપણે બાદ કરી દેવાના. વાસ્તવિક આયુષ્ય તમારું કેટલું? જેટલી સેકંડો જેટલી મિનિટો પ્રભુ સાથે તમે જોડાયા… એટલું જ તમારું વાસ્તવિક આયુષ્ય. જીવનની પરિભાષા જ આ.

 યાદ રાખો, માત્ર શ્વાસોશ્વાસ લેવા એ કોઈ જીવન નથી. કોમા માં માણસ પડેલો હોય, શ્વાસ ચાલુ હોય છે, પણ એનું brain dead થઇ ગયું છે. એટલે કશો જ ખ્યાલ આવતો નથી. તો માત્ર શ્વાસ લેવા અને છોડવા; એ જીવન નથી. નકામી ચીજોથી હૃદયને ભરી દેવું એ પણ જીવન નથી. એક – એક ક્ષણને પ્રભુ સાથે જોડી દેવી એ જીવન છે. રાજકુમારી પાસે આ જીવન હતું. “દાદા દરિશન દીજીયેજી એ દુઃખ મેં ન ખમાય” બીજું કોઈ પણ શારીરિક દુઃખ તું મને આપી દે… વાંધો નથી. પણ આ દુઃખ તું મને નહિ આપ. તારું દર્શન એ જ મારો પ્રાણ. તારું દર્શન ન હોય મારો પ્રાણ શી રીતે હોય?!

આનંદધનજી ભગવંતે કહ્યું “આનંદઘન બિન પ્રાણ ન રહે છીન, કોટિ જતન કરીએજી” કરોડો ઉપાયો કરું, પણ એના વિના એક ક્ષણ હું રહી શકું એમ નથી. તો ભક્તના સ્તરનું નિર્મલ દર્શન આ છે. આંસુ ભીની આંખોથી થતું દર્શન. પ્રભુનું દર્શન અને કોરી કોરી આંખોએ કરું…? આજે દર્શન કરેલું ,કોરી કોરી આંખે કે ભીની આંખે…? કોરી આંખે કરાયેલું દર્શન પ્રભુને સ્વીકાર્ય નથી.

નારદ મહર્ષિએ ભક્તિ સૂત્રમાં કહ્યું કે ભક્તની ૩ જ ભાષા છે. कण्ठावरोधरोमाञ्चाश्रुभि: परस्परं लपमानाः पावयन्ति कुलानि पृर्थवीं च ॥

ભક્તની ૩ ભાષા… આંખોથી વહેતા આંસુની ભાષા, ગળેથી પ્રગટતાં ડૂસકાંની ભાષા અને શરીરેથી પ્રગટતા રોમાંચની ભાષા. આ ૩ જ ભાષા ભક્તની છે. માત્ર શબ્દો નહિ, ડૂસકાંમાંથી ચડાઈ આવતાં શબ્દો… આ ભક્તનું નિર્મળ દર્શન મળે… એ પછી સાધકનું નિર્મળ દર્શન મળે. ત્યાં નિર્મળ દર્શનનો અર્થ છે, નિર્વિકલ્પતા ના સ્તર પર થયેલું પ્રભુનું દર્શન. એક પણ વિચાર મનમાં નથી.

વિચારો નીચે મુકીને જાવ ને આમ દેરાસરમાં…? જૂત્તા ઉતરવા માટે રાખો ને તમે જગ્યા, એટલે એક box રાખવાનું કે તમારા વિચારો અહીંયા મુકીને જાવ… વળતા લઇ જવાની છૂટ કેમ બરોબર ને…. no shoes please એટલું લખેલું જ હોય છે હવે વધારામાં લખવાનું શું છે… no mind please. તમારા મનને, તમારા વિચારોને લઈને ન જાવ…

તો પ્રભુનું દર્શન નિર્વિકલ્પતાની પૃષ્ઠભૂ ઉપર થવું જોઈએ… મનની અંદર વિચારો છે તો શું થયું… સપાટી ડહોળાયેલી છે. તળાવને કાંઠે તમે જાવ હવા બહુ હોય. સપાટીનું પાણી આમ થી તેમ થતું હોય, એ વખતે તમને તમારું મોઢું તળાવના પાણીમાં નહિ દેખાય. પણ હવા નહિ હોય, પાણી એકદમ સ્થિર હશે….. તમને તમારું પ્રતિબિંબ ત્યાં દેખાશે. વિચારોને કારણે મનનું તળાવ તરંગીત થાય છે. અને એટલે એ મનમાં ન તો તમારી છબી ઉપસે છે, ન પ્રભુની ઉપસે છે. દેરાસરમાં જવું છે હૃદયની અંદર, મનની અંદર પ્રભુની છબી ઉપસાવવાની છે. પભુને માત્ર દેરાસરમાં જ રાખવા છે? ભગવાન તમે ત્યાં બેસી રહો… તમે ત્યાં બરોબર છો. અમે અહીં બરોબર છીએ કેમ… ભગવાનને હૃદયમાં રાખવા છે… પણ હૃદયમાં પ્રભુ આવે ક્યારે…? તમારા મનનું સરોવર ડહોળાયેલું હોય, તરંગોથી આવૃત્ત હોય તો કઈ રીતે દેખાય?

એટલે વિચારો બિલકુલ ન હોય…મન એકદમ શાંત હોય, અને પ્રભુની વિતરાગદશાનું પ્રતિબિંબ અંદર પડશે. પ્રભુની એ આંખો કેવી આકર્ષિત…” તારા તે નયના પ્યાલા પ્રેમના ભર્યા છે…” એ આંખો એટલે પ્રેમથી ભરેલો પ્યાલો… સતત જેમાંથી પ્રેમ નીકળી રહ્યો છે… એ આંખોને જોઈ છે…? એ આંખો જોવાઈ નથી… પછી પ્રતિબિંબની વાત તો કરવી જ ક્યાં…! કેમ જોવાઈ નથી…? કે દેરાસરમાં ગયા, મન સ્થિર નહોતું. નિર્વિકલ્પ મનને બનાવવું, એ સાધનાનું પહેલું પગથિયું છે.

તમે પ્રતિક્રમણ કરશો.. ને મન ક્યાંય ગયેલું હશે. તો પ્રતિક્રમણના સૂત્રોમાં તમારો ઉપયોગ ક્યાંથી રહેવાનો…? મન જ બહાર છે તો પ્રતિક્રમણ પછી કોઈ એમ પૂછે સ્તવન કોણ બોલેલું? અરે સ્તવન બોલાયેલું ને…. અરે સ્તવન તો બોલાય… એના વગર પ્રતિક્રમણ પૂરું ક્યાંથી થાય… પણ કોણ સ્તવન બોલેલું… કયું સ્તવન હતું… હરામ ખબર હોય તો… ક્યાંય બહાર ફરવા નીકળી ગયું. પ્રતિક્રમણ માં તમે થોડાક હાજર રહો… થોડાક… totally તો નહિ… થોડા હાજર રહો તો ક્યાં…? કાઉસ્સગમાં, મુહપત્તિ પલ્લવવામાં અને વાંદણામાં… પણ એ એકેય વસ્તુ તમારી perfect નથી. મુહપત્તિ પલેવો છો, ૫૦ બોલ આવડે..? વંદન તમે કઈ રીતે કરો છો…? અમે ઓઘાની અંદર ગુરુ ચરણોની કલ્પના કરીએ છીએ, એટલે મુહપતી અહીં મૂકી દઈએ એટલે ગુરુના ચરણે હાથ અડાડ્યો. કારણ કે મોટી સભા હોય ત્યારે બધા ગુરુ ચરણે પહોંચી ન શકે. તો રજોહરણમાં અમે ગુરુના ચરણની કલ્પના કરીએ. અને એ હાથ મસ્તકે ઝુકે… ગુરુના ચરણે અડેલો હાથ મસ્તકે ઝુકે… ઘણા લોકો તો હવામાંજ બેટિંગ કરતા હોય… આમ. છોકરાઓ આવેલા હોય ને સંવચ્છરી પ્રતિક્રમણમાં એ તમને પૂછે કે પપ્પા આ શું કરો ચરવળા દાંડી… છે તમને ખબર શું કરો છો..?

કાર્યોત્સર્ગ તો આખી અલગ વસ્તુ છે. ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપ્પાણં વોસિરામિ. બહિરાત્મભાવનો ત્યાગ કરવાનો… અંતરાત્મ ભાવમાં પ્રવેશ કરવાનો. એ કાયોત્સર્ગ છે. એની વાત ક્યારેક કરીશ. તો મન નિર્વિકલ્પ ન બને.. તો એક પણ સાધના આપણી સમ્યક્ ન બને. મનને નિર્વિકલ્પ બનાવ્યું. હવે શું થશે.. પ્રભુના તે તે ગુણો દેખાશે… એ શાંત પ્રભુની પ્રતિકૃતિ દેખાશે.

સમવસરણમાં આપણે ગયેલા, પ્રભુને જોવા ગયેલા, પણ પ્રભુને આપણે જોઈ ન શક્યા, ૬૪ ઇન્દ્રોને જોઇને પાછા ફર્યા. આ વખતે માત્ર પ્રભુને જોવા છે. એમના મુખ પર જે પરમ ઉદાસીનદશા છે એને જોવી છે. કેવી પરમ ઉદાસીનદશા. તમે હીરાનો હાર પહેરાવ્યો તો પણ શું… તમે કશું જ નથી પહેરાવ્યું, આંગી કરી જ નથી તો પણ શું… પોતે પ્રભુ સ્વમાં ઉતરેલા છે, તમે તમારી ભક્તિ માટે આ કરો છો… પ્રભુને એની જોડે કોઈ સંબંધ નથી. તો એ પ્રભુની પરમ ઉદાસીનતા તમને દેખાય… પછી તમને થાય… પ્રવચનમાં સાંભળેલું યાદ આવે.. કે મારી ભીતર પણ એ જ ઉદાસીનદશા છે. પ્રગટ થયેલી નથી. તો પ્રભુની કૃપાથી એ કેમ પ્રગટ ના થાય..?!

અને તમે દેરાસર માંથી નીકળતા પહેલા નક્કી કરો કે આજે નાસ્તા માટે જાઉં છું… પણ એક પણ આઈટમમાં મને રાગ ન થાય… એવું મારે કરવું છે. બહુ જ ભાવતી આઈટમ આવી જાય તો એનો ત્યાગ કરી દેવો. ખાખરા અને દૂધથી ચલાવી લેવું. સવારે ખાખરો અને દૂધ… બપોરના રોટલી શાક અને સાંજે ખીચડી કઢી કે ભાખરી શાક  આ બે – બે દ્રવ્યો જે માણસ લેતો હોય… એની આસક્તિને spread out થવાની જગ્યા ન રહે. આસક્તિ spread out થઇ થઇ ને કેટલી થાય.. તો ભાણામાં 25 દ્રવ્યોને લઈને બેસતો હોય તો… આ સારું આ બરોબર નહિ… આ એકદમ બરોબર નહિ… આ બહુ સારું… શું પણ…! ૫ મિનિટ મોઢામાં રહેવાનું, પછી કચરામાં ફેરવાઈ જવાનું એના માટે આટલો બધો રાગ…!

તો સાધકના સ્તર પરનું નિર્મળ દર્શન આવે તો એ સમ્યગ્દર્શનને પામવા માટેની master key બની જાય. એક – એક ગુણને જોતા રહો એ ગુણની આંશિક અનુભૂતિ કરતાં રહો. તો પ્રભુમાં જે ગુણો છે, અનંત ગુણો, એ બધા તમારામાં છે. એ પૈકીના એક – બે – ચાર – પાંચ – દસ… જેટલા પણ ગુણોને તમે ખુલ્લા કરી શકો એટલા ખુલ્લા કરો. આ રીતે તમારા આત્માનો અનુભવ એ સમ્યગ્દર્શન. એટલે સમ્યગ્દર્શનની વ્યાખ્યા બીજા ચરણમાં આપી.

“આતમ જ્ઞાન કો અનુભવ દરિશન સરસ સુધારસ પીજીએ” ગુજરાતી ભાષામાં સમ્યગ્દર્શનની વ્યાખ્યા. આતમ જ્ઞાન કો અનુભવ દરિશન – આત્મજ્ઞાન જે છે એ શબ્દોમાં કે વિચારોમાં રહે તો ન ચાલે. આતમ જ્ઞાન કો અનુભવ દરિશન – એ તમે જે આત્માનુ જ્ઞાન કર્યું કે મારો આત્મા વિતરાગ છે. મારો આત્મા આનંદઘન છે. તો એ આનંદઘનતાનો અનુભવ તમને થવો જોઈએ.

આતમ ગુણ કો અનુભવ દરિશન – પ્રભુનું નિર્મળ દર્શન શું કરે… આત્મજ્ઞાનનું અનુભવાત્મક દર્શન. અત્યાર સુધી શબ્દોમાં બોલતાં હતા… પ્રભુની વિતરાગ દશા. પ્રભુનો પરમ આનંદ. પણ એ જ આનંદ તમારી ભીતર છે. આનંદઘનજી ૩૦૦ વર્ષ પહેલા થયા પણ તમે બધા કોણ છો. તમે આનંદઘન જ છો… તો “આતમ જ્ઞાન કો અનુભવ દરિશન સરસ સુધારસ પીજીએ” અમૃતનો રસ એ સમ્યગ્દર્શન માણીએ એટલે, એ આત્માનો અનુભવ થાય એટલે, અમૃતના ઘૂંટડે ઘૂંટડા પીવાય. એકવાર એ અમૃત તમને પીવા માટે મળી જાય; કચરો બધો છૂટી જશે. વિભાવ બધો જ છૂટી જશે. વિભાવને છોડવો નહિ પડે. છૂટી જશે.

અને ત્રીજું ચરણ આપ્યું.. કે એ આત્માનુભૂતિ થયા પછી સમ્યગ્દર્શન થયા પછી શું થાય… “જેહથી હોવે દેવ ગુરુ ફૂનિ, ધર્મ રંગ અઠ્ઠીમિજિયે” એ આત્માનુભૂતિ થયા પછી પરમાત્મા પ્રત્યેનો સદ્ગુરુ પ્રત્યેનો, પ્રભુની સાધના પ્રત્યેનો  રાગ અસ્થિ મજ્જા સુધી પહોચે. હાડકાં સુધી, ચરબી સુધી… પદ્મપ્રભુ ભગવાનના સ્તવનમાં રામવિજય મહારાજે કહ્યું “સુણતાં જન મુખ પ્રભુની વાત, હરખે મારા સાતે ઘાત” પ્રભુનું દર્શન કરતા આંખોમાંથી આંસુ છલકાય. ગળે ડૂસકાં પ્રગટે, એ તો તમારી પણ ભૂમિકામાં હોઈ શકે. એક મજાની એના ઉપરની ભૂમિકાની વાત કરે છે. “સુણતાં જન મુખ પ્રભુની વાત, હરખે મારા સાતે ઘાત” જન મુખ – કોઈ પ્રવચનકારના મોઢેથી નહિ, સામાન્ય વ્યક્તિ હોય પણ ભગવાનની વાત કરે, તમે ઉછળવા માંડો. હરખે મારા સાતે ઘાત – લોહી, માંસ, ચરબી અને હાડકાં સુધી સુખની અનુભૂતિ હોય છે.

એક પ્રવચન સાંભળતા આવી ભૂમિકા મળે ને તમારો જન્મ સફળ થઇ જાય… પ્રવચન સાંભળતા આંખો ભીની પણ ક્યારેક બને.. પરંતુ એવી એક ભૂમિકા થાય કે પૂરું અસ્તિત્વ આનંદમાં ડૂબી જાય. લોહી, માંસ, ચરબી અને હાડકાં સુધી સુખની અનુભૂતિ એટલે શું… તમારું પૂરું અસ્તિત્વ. તમારું પૂરું હું, તમારું પૂરું વ્યક્તિત્વ આનંદમાં ડૂબી જાય.

તો ૩ ચરણો આપ્યા… પહેલું ચરણ સમ્યગ્દર્શનની પૂર્વાનુભુતિનું … “પ્રભુ નિર્મળ દરિશન કીજીયે” આજથી શરૂ નિર્મળ દર્શન…? ભલે પહેલા ભક્તના સ્તરનું થાય… આંખો ભીની બને મુનિસુવ્રત દાદાને જોતા… સ્તવન ગાતા ડૂસકાં આવે… એ પછી સાધકના સ્તરનું… નિર્મળ દર્શન મળે… પણ એ એકદમ નિર્વિચારદશા. નિર્વિકલ્પદશા.

સુરેશદલાલને કોકે પૂછેલું કે તમે ધ્યાનમાં હોવ ત્યારે કેવી અનુભૂતિ થાય…? ત્યારે આપણી ગુજરાતી ભાષાના એ મૂર્ધન્ય કવિએ કહ્યું કે કર્ફ્યું લાગેલો હોય શહેરમાં પોલીસ ક્યાંક ક્યાંક ફરતી હોય, કર્ફ્યું માં પણ જેને જવાની છૂટ હોય, એવા પાસવાળા બે – ચાર માણસ ફરતાં હોય.. બાકી શહેરમાં પૂરો સોપો પડેલો હોય…  એવું મન અંદર થઇ ગયેલું હોય છે. બિલકુલ શૂન્ય. ક્યાંક કોઈ એકાદ વિચાર આવી જાય પણ એને ignore કરી શકો.

તો પ્રભુનું દર્શન કરતા નિર્વિકલ્પતા આવે, નિર્વિચારતા આવે. અને સમ્યગ્દર્શન અઘરી વસ્તુ નથી. અને સમ્યગ્દર્શનનો અર્થ આ જ કે તમારું જે સ્વરૂપ છે, અને તમારા જે ગુણો છે એની અનુભૂતિ… અનુભૂતિથી ઓછું કાંઈ જ નહિ… વિચાર નહિ, શબ્દ નહિ. શબ્દ અને વિચાર તો તળેટી છે. અનુભૂતિ એ જ શિખર છે, જ્યાં આપણે જવાનું છે.

ઘણા લોકો મને પૂછે કે ધ્યાનમાં શું વિચારવાનું.. અલા ભાઈ ધ્યાન… નિર્વિકલ્પ દશાને ગાઢ બનાવે પછી તો તું ધ્યાનમાં જઈ શકીશ. નિર્વિકલ્પ દશા તારી પાસે છે વિચાર કયો કરવાનો…? no thoughts, no words.

માત્ર તમે હોવ, મન ન હોય, શબ્દો ન હોય, શરીર ન હોય, એનું નામ ધ્યાન. એનું નામ અનુભૂતિ.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *