વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત
Subject: અસ્તિ સ્વભાવ જે આપણો રે
સ્વાનુભૂતિ એ આપણું આ જીવનનું લક્ષ્યાંક છે. પરની અનુભૂતિ તો અનંતા જન્મોમાં કરી. આ એક જન્મ મળ્યો છે; જે માત્ર અને માત્ર સ્વાનુભૂતિ માટેનો છે. સ્વાનુભૂતિ – being – ને પામવા માટેનો માર્ગ કયો? સાક્ષીભાવ અને સમર્પણ.
સાક્ષીભાવ સાધકને નિર્લેપ દશા આપે છે. પર પદાર્થોનો ઉપયોગ થાય, પણ એમાં રાગ-દ્વેષાત્મક અનુભવ ન થાય; લેપાવાનું ન થાય. કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ પદાર્થો સાથે attachment ક્યાંય થાય નહિ.
સમર્પણ સાધકને નિર્ભાર દશા આપે છે. તમે સમર્પિત થઇ ગયા પછી you have not to do anything absolutely. તમારે કશું જ કરવું નથી. જે કરવું છે એ પ્રભુ અને સદ્ગુરુ કરશે. તમારે માત્ર તવ્વયણ સેવણા.
શ્રી શત્રુંજય મૌન સાધના શિબિર – ૮ [વાચના – ૧] [૩૦.૧૨.૨૦૧૮]
દેવાધિદેવ પરમતારક શત્રુંજય તિર્થાધિપતિ શ્રી ઋષભદેવ પ્રભુના ચરણોમાં વંદના.
પૂજ્યપાદ સદ્ગુરુદેવ અરવિંદસૂરિ દાદાના ચરણોમાં વંદના.
સ્વાનુભૂતિ એ આપણું લક્ષ્યાંક છે. આ જીવનની અંદર શું પ્રાપ્ત કરવું છે આપણે? માત્ર અને માત્ર સ્વાનુભૂતિ. પરની અનુભૂતિ અનંતા જન્મોમાં કરી છે; આ એક જ જન્મ આપણને મળ્યો છે, જે માત્ર અને માત્ર સ્વાનુભૂતિ માટેનો છે. મહાપુરુષોએ કેવી કરુણા કરી; આપણને આપણું લક્ષ્યાંક તો પકડાવી દીધું, એ માટેનો માર્ગ પણ એમણે આપી દીધો.
દેવચંદ્રજી મ.સા. જ્યારે કહ્યું: “અસ્તિ સ્વભાવ જે આપણો રે” ત્યારે પૂછ્યું સાહેબને કે સાહેબ! સ્વાનુભૂતિ- Being, એ અમારું લક્ષ્યાંક છે, તો એને પામવા માટેનો માર્ગ કયો? નવમાં સ્તવનમાં પૂજ્યશ્રીએ સાક્ષીભાવ અને સમર્પિતતા ની વાત કરી. સાક્ષીભાવ અને સમર્પિતતા બેય આપણને મળી જાય તો સ્વાનુભૂતિ આ રહી! ક્યાં દૂર છે? સાક્ષીભાવ આપણને નિર્લેપ બનાવે. કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ પદાર્થો સાથે, આપણો કંઈ મેળાપ જ ન થાય, attechament આપણું ક્યાંય થાય જ નહિ, આપણે બિલકુલ નિર્લેપ રહીએ ! એટલે સાક્ષીભાવ સાધકને નિર્લેપ દશા આપે છે; સમર્પણ સાધકને નિર્ભાર દશા આપે છે. તમે સમર્પિત થઇ ગયા પછી; You have not to do anything absolutely. તમારે કશું જ કરવું નથી ! જે કરવું છે એ પ્રભુ અને સદ્ગુરુ કરશે. એક શિષ્ય સદ્ગુરુને સમર્પિત થયો, પછી એ શિષ્ય શું કરવાનો છે? કશું જ કરવાનો નથી. જે પણ કરવાનું છે એ સદ્ગુરુએ જ કરવાનું છે.
અને એ સંદર્ભમાં તમારી સાધનાને હું back seat journey કહું છું. ઓફિસર હોય એને ક્યાંક બહાર જવું છે, સોફરને મોબાઈલ પર કહી દીધું, ગાડી તૈયાર કર ! એને ગાડીની વ્યવસ્થા પણ કરી નાંખી, ઓફિસર જશે પાછળની સીટ પર બેસી જશે, એ એનું કામ કર્યા કરશે, ગાડી દોડ્યા કરશે. આ back seat journey તમારી પાસે છે. આટલી સરળ સાધના તમારી પાસે છે! ક્યારેક? સમર્પણ આવી જાય ત્યાંરે! અને હું ઘણીવાર પૂછું છું, કે સમર્પણમાં તમને અઘરું શું પડે છે? શું સોંપવાનું છે? તમારો બધાનો તો અનુભવ છે ને સમર્પણમાં કેટલી મજા આવે છે બોલો? સમર્પણમાં કેટલી મજા આવે બોલો? નિર્ભાર !
ગુરુદેવ હમણાં જ ગયા મારા! પણ, એમના ચરણોમાં હતો, બિલકુલ નિર્ભાર હતો. શું કરવું, શું નહિ કરવું ગુરુ જાણે! એટલે હું ઘણીવાર કહું છું કે શિષ્યને જલસો જ જલસો. આ તમારા માટે પણ કહું છું હો ! Temporary શિષ્યો છો ને તમે બધા તમે! આ શિષ્યો, અને આ શિષ્યાઓ બધી નવી આવી ગઈ આજે. તો શિષ્યોને જલસો જ જલસો છે. અને ગુરુને કદાચ ક્યારેક તકલીફ હોય, કદાચ; મારા જેવો ગુરુ હોય તો ન હોય. કારણ કે બધું ઉપરવાળાને સોંપી દઉં. હું નિર્ભાર! આવતી ક્ષણ માટે હું અપ્રતિબદ્ધ છું. વર્તમાન યોગ એટલો ગમી ગયો છે અને સ્પર્શી ગયો છે, કે આવતી ક્ષણ માટે પણ હું અપ્રતિબદ્ધ છું. જે પર્યાય ખુલશે એને જોવાનો છે. કોઈ પણ પર્યાયમાં involve થવાનું છે જ નહિ. માત્ર પર્યાયોને જોવાના છે. એકવાર સમર્પણ તમારી પાસે આવી ગયું, તમે નિર્ભાર છો.!
ગુરુ અને શિષ્ય ચેતનાના આ કાર્ય માટે ભગવદ્દગીતાને આપણે ખાસ યાદ કરીએ છીએ. અર્જુન શિષ્ય ચેતનાનું પ્રતિક છે. કૃષ્ણ ગુરુ ચેતનાનું પ્રતિક છે. અર્જુન જે ઋજુ ઋજુ છે, એકદમ સરળ છે; એ શિષ્ય. શિષ્યની બીજી કોઈ સજ્જતા જોઈતી જ નથી આપણે ! એકદમ સરળ હોય, crystal clean hearted! સ્ફટિક જેવું પારદર્શી હૃદય એનું છે. કશું એને ગુરુથી છુપાવવાનું નહિ. આ અર્જુન ! આ શિષ્ય ચેતના. ગુરુ ચેતના શું કરે? મારે તમારા પર શું કરવાનું કહી દઉં…?અમે લોકો ત્રણેય મંડી પાડવાના છીએ. અમે લોકો શું કામ કરવાના છે એ કહી દઉં? કૃષ્ણ – કૃશ ધાતુ ખેંચવાના અર્થમાં છે, જે તમારા હું ને ખેંચી નાંખે એ કૃષ્ણ, એ ગુરુ. મારે એક જ કામ કરવાનું છે, તમારા હું ને પડાવી લેવાનું છે, બોલો આપશો ને…? પણ તમે ગંદુ હું આપો ને, તો મસ્ત ‘હું’ આપવા તૈયાર છું. હું ઘણીવાર કહું છું, કે તમારી પાસે ગંદુ મન છે, આપી દો પ્રભુને ! આપી દો સદ્ગુરુ ને ! હું તો પોતે mind transplantation અનુભવી ડોકટર છું. તમારે કોઈને પણ transplantation કરાવવું હોય – મગજનું, હું કરી આપું. તમારું ગંદુ મન આપી દો, સ્વચ્છ મન તમને મળી જાય. જોઈએ છે? તો કૃષ્ણ એટલે ગુરુ, જે તમારા ‘હું’ ને ખેંચી લે તે ગુરુ.
હવે વાત એ આવી, કે ગુરુનું કામ શું છે? તમારા તરફની… અને શિષ્યની પ્રતિબદ્ધતા કેવી? ગુરુનું એક મજાનું કૉલ છે; ગુરુનું વચન; ‘योगक्षेमं वहाम्यहम्’ ‘योगक्षेमं वहाम्यहम्’ કોઈ પણ સાધનાની પ્રાપ્તિ હું તને કરાવી આપીશ! તારા માટે જે પણ જરૂરી સાધના હશે, એ સાધના હું તને આપી દઈશ, અને એ સાધનામાંથી તું ક્યારે ચ્યુત ન થાય, એની કાળજી પણ હું રાખીશ. ગુરુ સંપૂર્ણતયા તમારી કાળજી લેવા માટે તૈયાર છે. સંપૂર્ણતયા.! થોડી ઘણી નહિ.! અમે લોકો સંપૂર્ણતયા તમારી કાળજી લેવા તૈયાર છીએ. ‘योगक्षेमं वहाम्यहम्’ ગુરુ કહે છે, પણ સામે શિષ્ય શું કહે છે? હું ઘણીવાર કહું છું કે ગુરુનું કામ તો ચાલુ જ હોય છે. ગુરુ તો તમને એક-એક પ્રવચનમાં સાધના આપ્યા પણ કરશે. તમારી જૂની સાધનાને સમાર્જિત પણ કર્યા કરશે. પણ, તમે શિષ્ય ન હોવ તો કંઈ મળવાનું નહિ.! તો શિષ્યની પ્રતિબદ્ધતા શું છે? “करिष्ये वचनं तव” આ બે વચનોનો સેટ ભગવદ્ ગીતાએ આપણને આપ્યો છે. ‘योगक्षेमं वहाम्यहम्’ ગુરુના તરફથી વાત! “करिष्ये वचनं तव” શિષ્યના તરફથી ખુલતી વાત. “करिष्ये वचनं तव” પ્રભુ! સદ્ગુરુદેવ! તમે જે પણ મને આજ્ઞા આપશો, એ આજ્ઞાને સ્વીકારવા હું તૈયાર છું.
હું ઘણીવાર પૂછું; સુહગુરુજોગો તમને મળી ગયું, જયવીયરાય સૂત્રમાં તમે માંગ્યું છે એ પ્રમાણે તો પછી તમારી સાધના કઈ? એક સાધના માત્ર તમારી પાસે છે અને એ છે ‘તવ્વયણ સેવણા’ ગુરુ જે વખતે જે આજ્ઞા તમને આપે, એ આજ્ઞાને સ્વીકારવી એ જ તમારી સાધના, બીજી કોઈ સાધના તમારી પાસે છે નહિ. તો ભૂતકાળ જોઈએ તો મારી તો આંખમાં આંસુ આવી જાય, કેવો ભવ્ય ભૂતકાળ હતો. ગુરુ એક-એક શિષ્ય ઉપર personally કામ કરતાં. અમે તમને બોલાવીએ, ખાલી શબ્દો આપવા માટે બોલાવતાં નથી. તમારો પણ એક મોટો ભ્રમ હોય છે, પ્રવચનમાં ગયા શું કરવા? શબ્દ લેવા માટે, અને એટલે જ કયા પ્રવચનકાર બહુ સરસ બોલે છે ત્યાં જઈએ… એટલે પ્રવચન શબ્દ લેવાનું માધ્યમ છે? કે સાધના લેવા માટેનું માધ્યમ છે? પ્રવચન માત્ર અને માત્ર સાધના લેવાનું માધ્યમ છે. અને કદાચ સાધના personally તમારે લેવી છે, તો સાધના માટેની ભૂખ, ઉત્તેજિત કરવા માટેનું માધ્યમ પ્રવચન છે. સાધના બે રીતે આપી શકાય છે ! માસમાંથી ગુરુ આપે, personally પણ આપે. અમુક સાધના માસમાં આપી શકાય, નવકાર મંત્ર તમને આપવો છે, માસમાં આપી દઈએ. સમુહમાં મંત્ર દીક્ષા કરી દઈએ. અને તમારા માટેની સાધના જે personally અમે આપીએ, તમે જ્યાં અટક્યા ત્યાંથી આગળ વધારીએ. દરેકનો સાધનાનો માર્ગ અલગ રહેવાનો.
વડોદરા થી એક જણાએ પાલીતાણા આવવું છે, એક જણાએ ડીસા બાજુથી આવવું છે, બીજાએ ભુજ બાજુથી આવવું છે, મંઝિલ એક જ છે પાલીતાણા. માર્ગ બધાના અલગ રહેશે. કારણ કે જે બિંદુ ઉપર પોતે ઉભો છે, એ બિંદુથી મંઝિલના બિંદુને સાંકળી આપે તે માર્ગ. માર્ગની વ્યાખ્યા શું? જે બિંદુ ઉપર પોતે ઉભો છે, એ બિંદુથી મંઝિલનું જે બિંદુ છે, એને સાંકળી આપે છે, એ માર્ગ. સાધનામાર્ગ દરેકનો અલગ રહેશે. સાધ્ય દરેકનું એક જ છે. અને માસમાં કહું તો સાક્ષીભાવ અને સમર્પણ એ સમૂહ માટેની સાધના આપું છું. દરેક માટે… પછી personally સાક્ષીભાવમાં તમારે કયા એંગલમાં જવું, કે સમર્પણમાં તમારે કયા એંગલમાં જવું એ personally આપી શકાય. પણ, આ તો સાધના તમને માસમાં આપું છું. સાક્ષીભાવ અને સમર્પણ. તો સમર્પણ આવી ગયું તો તમે નિર્ભાર થઇ ગયા.
પછી ગુરુએ કેસ સંભાળી લીધો; સારામાં સારી હોસ્પિટલમાં, એકદમ નિષ્ણાંત ડોક્ટરના સુપર વિઝનમાં તમે ગયા, ત્યાં આરામથી બેડ ઉપર તમે સુઈ જશો, કેમ? પછી જે કરવાનું છે એ ડોક્ટરને કરવાનું છે, મારે કંઈ કરવાનું નથી. મારે સુઈ જ જવાનું છે. મારું મુંબઈમાં ઓપરેશન થયું હાર્ટનું, તો ભટ્ટાચાર્યના હાથે ઓપરેશન હતું. તો લોકો કહેતાં કે ભટ્ટાચાર્ય બહુ જ નિષ્ણાંત છે આ વિષયમાં, ચાલો બધું સોંપી દીધું એને, આપણે સુઈ ગયા બેડ ઉપર. પછી જે કરવાનું હતું ભટ્ટાચાર્યને કરવાનું હતું. મારે શું કરવાનું હતું? અને તમારે શું કરવાનું બોલો… તમારે શું કરવાનું છે? જે કરવાનું છે સદ્ગુરુએ કરવાનું છે. તમારે માત્ર “करिष्ये वचनं तव” ‘તવ્વયણ સેવણા’ એ કરવાનું છે.
તો શિષ્ય એટલો નિર્ભાર બની જાય, સમર્પણની ધારામાં, કે મારે કઈ સાધના કરવાની છે એનો વિકલ્પ એને ન આવે ! સાધના સંબંધી કોઈ પ્રશ્ન ઉદ્ભવે નહિ. આમ પણ સાધકને સાધના સિવાય કોઈ પ્રશ્ન ઉદ્ભવે નહિ. અઠવાડિયા સુધી તો બીજો કોઈ પ્રશ્ન તો થવાનો જ નહિ. પણ હવે તમને કહી દઉં આજે… કે સાધના વિશેનો પ્રશ્ન પણ નહિ, એ પણ ગુરુને સોંપી દો.
બહુ પ્યારી એક ઝેન કથા છે, શિષ્ય ગુરુ પાસે આવે છે, અને ગુરુને એક સવાલ કરે છે. સવાલ એક પૃષ્ઠ ભૂમિકામાં છે. બહુ મોટા બૌદ્ધ ગુરુ બોધિધર્મ ચીન ગયેલા, ચીનમાં એમને ધર્મ પ્રચાર કર્યો. હજારો-લાખો લોકો બૌદ્ધ ધર્મમાં જોડ્યા. પછી અંતિમ સમયે એ ગુરુ ભારતમાં આવ્યા, અને ભારત આવીને એમને દેહ છોડ્યો. આ વાત પેલા શિષ્યએ વાંચેલી, સાંભળેલી, અને એના મનમાં સવાલ થયો એટલે એ ગુરુ પાસે આવ્યો. અને ગુરુદેવને પૂછ્યું કે સાહેબ! આપણા બહુ મોટા ગુરુ બોધિધર્મ એમણે ચીનમાં આટલો બધો ધર્મ પ્રચાર કર્યો, હવે ચીનમાં જ એમને સમાધિ લીધી હોત તો એક સમાધિ તીર્થ બની જાત. હજારો-લાખો લોકો સમાધિ તીર્થ ઉપર આવત, અને ધર્મનો પ્રચાર થાત, તો એ ગુરુ શા માટે ભારતમાં આવીને દેહ છોડે છે? ગુરુ મનમાં હસે છે, ગુરુ કહે: હરામખોર ! ડફોળ ! એ ગુરુએ ચીનમાં દેહ છોડ્યો હોત તો તારી સાધના કઈ વધવાની હતી? અને ભારતમાં એમને દેહ છોડ્યો, તારી સાધના કઈ ઘટી? સાધક તરીકે તારે નિસ્બત એની સાથે જ હોય, તારી સાધના સાથે… બોધિધર્મ ગુરુએ શું કર્યું, એ બોધિ ધર્મ ગુરુ જાણે, અલ્યા ! તારે જાણવાની ક્યાં જરૂર છે? અને એમાં પણ તારી સાધના જોડે કોઈ સંબંધ ખરો? એ ગુરુએ ચીનમાં દેહ છોડ્યો હોત તારી સાધના વધુ એકદમ ઉભરવાની હતી? અને એમને ભારતમાં જઈને છોડ્યો તો તારી સાધના ઓછી થવાની હતી..? પણ ગુરુ મજાના માણસ ! આમેય ગુરુ મજાના જ હોય હંમેશા… તો ગુરુ કહે છે: એક કામ કર ! હું એકલો હોઉં ત્યારે મને આ સવાલ પૂછજે. હવે બહુ મોટા ગુરુ, ચેમ્બર આખી એમની ભરાયેલી હોય હંમેશા, એટલે એકાંત તો મળે નહિ, એટલે શિષ્યના મનમાં પ્રશ્ન છે ને એવો એકદમ છે ને સળવળી રહ્યો છે, બોધિધર્મ ગુરુએ ભારતમાં આવીને દેહ કેમ છોડ્યો? આમાં છે ને પ્રશ્નનું મહત્વ નથી, મમત્વનું મહત્વ છે, યાદ રાખો.! મમત્વ તમારી પાસે, મમત્વનું – મારું નું છે; પ્રશ્નનું મહત્વ ત્યાં નથી.
ઘણીવાર જોજો સભાની અંદર, કોઈ માણસ પ્રશ્ન પૂછે ને પછી એ આજુબાજુવાળાને જોવે છે, પ્રશ્ન પૂછ્યા પછી આજુબાજુવાળાને જોવે છે, એટલા માટે કે મેં પ્રશ્ન પૂછ્યો એનાથી મારા પ્રત્યે લોકોને અહોભાવ કેટલો વધે છે? એટલે એ પ્રશ્ન અહંકારના સ્તરનો છે. એકવાત યાદ રાખજો, અહંકારના સ્તરનો, કુતુહલના સ્તરનો, જિજ્ઞાસાના સ્તરનો તમારો સવાલ હોય તો ગુરુ એનો જવાબ આપવા માટે તૈયાર પણ નથી. તમારો સવાલ માત્ર મુમુક્ષાના સ્તરનો હોય, ગુરુદેવ ! ગુરુદેવ ! મને બતાવો પ્રભુ કેમ મળે? આ જીવન પ્રભુ માટે છે, આ જીવન સ્વાનુભૂતિ માટે છે, ગુરુદેવ મને બતાવો ! મારે સ્વાનુભૂતિ કેવી રીતે મેળવવી? આવો મુમુક્ષાના સ્તરનો સવાલ હોય ને તો ગુરુ જવાબ આપે.
તો પેલાના મનમાં પ્રશ્ન સળવળે છે, હવે એને થયું ગુરુ તો એકલા મળતા નથી શું કરવું? પછી એને વિચાર આવ્યો, કે સવારે ૫ વાગે ગુરુ morning walk માટે જાય છે. એ વખતે એકલા હોય છે, તો ગુરુને પૂછી લઉં, જો morning walk માં સાથે આવવાની રજા આપે ને, તો morning walk માં મારો સવાલ પૂછી લઉં. એટલે સાંજે એણે પૂછ્યું; સાહેબ! તમે સવારે morning walk માટે જશો ત્યારે હું સાથે આવી શકું? ગુરુ કહે; આવજે ! Morning walk માં ગુરુ આગળ ચાલે, શિષ્ય પાછળ ચાલે. આશ્રમની પાછળ મોટું વાંસનું વન હતું, એ વનમાં ગુરુ ફરી રહ્યા હતા. શિષ્ય પાછળ ફરે છે. અને ૨ -૩ મિનિટ થઇ અને શિષ્યનો સવાલ આવ્યો બહાર, સાહેબજી ! મેં તમને પૂછ્યું હતું ને કે બોધિધર્મ ગુરુએ ચીનમાં દેહ કેમ ન છોડ્યો? ત્યારે ગુરુ એને સામો સવાલ કરે છે, ગુરુ કહે છે, બેટા! આ સવારના ૫ વાગે આપણે બે જણા ફરવા માટે નીકળી પડ્યા છીએ, આ હજારો વાંસને આજુબાજુમાં છે એમને સવાલ નહિ થતો હોય કે આ બે જણા કેમ નીકળી પડ્યા છે સવારના પહોરમાં! શિષ્ય કહે સાહેબ ! એ વાંસના ઝાડને ક્યાંથી વિચાર આવે ! ગુરુએ જવાબ એટલે જ આપ્યો, તું પણ વાંસ જેવો થઇ જા ! મતલબ કે નિર્વિકલ્પ થઇ જા.! એટલે શિષ્ય માત્ર નિર્વિકલ્પ જ હોય છે. શું કરવું શું નહિ ગુરુ જાણે.
ગુરુ નાનકના જીવનની એક ઘટના તમને કહું કે ગુરુ નાનક બેઠેલા પોતાના આસન ઉપર, એક શિષ્ય આવે છે, સવારના ૧૦.૩૦ – ૧૧ થયા છે, શિષ્ય પૂછે છે કંઈ કામ-સેવા? અને એ વખતે ગુરુએ કહ્યું; કે સામે પેલી જગ્યા દેખાય ને ત્યાં એક ઝુંપડી બનાવવી છે. ધ્યાન માટેની કુટીર બનાવવી છે. ગુરુની આજ્ઞામાં જ, યાદ રાખો માર્ગાનુસારીતાની ભૂમિકા ઉપરનો શિષ્ય છે. પહેલી, બીજી, ત્રીજી કે ચોથી દ્રષ્ટિવાળો શિષ્ય છે. તમે ક્યાં છો? તમે ક્યાં છો? કઈ દ્રષ્ટિમાં? યોગદ્રષ્ટિ સમુચ્ચય જો ઊંડાણથી વાંચો ને તમે ધ્રુજી જશો, તમને પણ લાગશે કે પહેલી દ્રષ્ટિમાં અમારું સ્થાન ક્યાં છે? વ્યવહારથી ભલે છટ્ઠુ ગુણઠાણુ કહીએ, છટ્ઠી દ્રષ્ટિ પણ કહી દઈએ, ઉદાસીનભાવના ના સંદર્ભમાં, પહેલી દ્રષ્ટિ ક્યાં છે આપણી પાસે? પહેલી દ્રષ્ટિ કંઈ સહેલી નથી! અને એથી પણ આગળ કહું તો ચરમ પુદ્ગલ પરાવર્તમાં આવવું એ પણ અઘરું છે. ચરમાવર્તમાં તમે આવ્યા એ ખબર શું પડે? મુક્તિ અદ્વેષ તમારી હોય એ બરોબર? મુક્તિ અદ્વેષ એટલે શું? એવું નહિ સમજવાનું કે મુક્તિ નામનું જે સ્થાન છે એ સિદ્ધશિલા એના પ્રત્યે અદ્વેષ હોય; એના પ્રત્યે દ્વેષ હોવાનો સવાલ નથી.
મહોપાધ્યાય યશોવિજય મહારાજે દ્વાત્રીંશત્ – દ્વાત્રીંશીકામાં સ્પષ્ટ કર્યું કે મુક્તિમાર્ગમાં પ્રસિદ્ધ કોઈ પણ સાધક પ્રત્યે દ્વેષ હોય તો એ મુક્તિ દ્વેષ છે. હવે બોલો મુક્તિમાર્ગમાં પ્રસિદ્ધ એક પણ સાધક પ્રત્યે તમને દ્વેષ નથી? મુક્તિ અદ્વેષ છે તમારી પાસે? એટલે યોગદ્રષ્ટિ સમુચ્ચય જેવા ગ્રંથો દર્પણ છે. તમે જુઓ તો તમને ખ્યાલ આવે તમારી ક્યાં ત્રુટીઓ છે. સદ્ગુરુ પાસે શેના માટે જાઓ ભાઈ? સદ્ગુરુ પાસે શું કરવા જાઓ? સદ્ગુરુ તમારી સાધનાની પ્રશંસા કરે એના માટે? કે તમારા દોષો જોઈ આપે એના માટે? શેના માટે જાવ! મારી પાસે ઘણા સાધકો આવે છે, અને પહેલેથી કહી દઉં; ગુરુદેવ ! હું સામાયિક, પ્રતિક્રમણ, પૂજા કરું છું, લોકોને ખબર છે, લોકો મારી સાધનાની પ્રશંસા કરે છે, આપની પાસે એટલા માટે નથી આવ્યો. હું એટલા માટે આપની પાસે આવ્યો છું, કે મારી સાધનામાં જ્યાં-જ્યાં ત્રુટીઓ છે, એ મને બતાવી આપો. Where is my fault?
તો સદ્ગુરુ પાસે તમે શેના માટે જાવ? શેના માટે? સદ્ગુરુ તમારા દોષોને પકડી આપે. જે દોષો તમારા ખ્યાલમાં નથી, એ દોષો સદ્ગુરુના ખ્યાલમાં છે અને સદ્ગુરુ દોષોને પકડી આપે. અને સદ્ગુરુ પાસે સાધનાની પ્રશંસા માટે ક્યારે પણ જતાં નહિ! તમારી સાધનાના દોષો ક્યાં-ક્યાં છે, એ જાણવા માટે સદ્ગુરુ પાસે જજો. આંખમાં આંસુ સાથે, ગળાના ડૂસકાં સાથે ગુરુદેવને કહેજો ગુરુદેવ ! મારી સાધનામાં ક્યાં ત્રુટી છે મને બતાવો? સાહેબજી ! રોજના બે સામયિક કરું છું, અને સમભાવ સહેજ પણ નહિ કેમ ચાલી શકે ! સાહેબજી રોજ પ્રભુની ચંદન પૂજા કરું, હું ઠંડો ન પડું, કેમ ચાલી શકે? રોજ પ્રભુની પુષ્પ પૂજા કરું, હું કોમળ ન બનું કેમ ચાલે?!
તો, શિષ્ય પૂછે છે કામ-સેવા… ગુરુએ કહ્યું; ત્યાં ધ્યાન માટે કુટીર બનાવવાની છે. શિષ્ય ઉપડે છે માટી લઇ આવે, પલાળે, પથ્થર લઇ આવે, અને ધોમધખતા તડકાની અંદર કામ કરે છે, કેમ? “તવ્વયણ સેવણા” મારા ગુરુએ કહ્યું છે! યાદ રાખો, કામનું મહત્વ નથી હોતું, ગુરુની આજ્ઞાનું મહત્વ હોય છે! એક શિષ્યને ગુરુ એક પાણીનો પ્યાલો લાવવાનું કહે ને, તો પાણીનો પ્યાલો લાવવો એ મહત્વની ઘટના નથી, ગુરુની આજ્ઞા થઇ એ મહત્વની ઘટના છે. કદાચ શિષ્યોની પણ ગરબડ ઘણીવાર એવી થાય કે કામ ઉપર જે છે ને એ પોતાનું મહત્વ આપે. કામ પર નહિ, ગુરુની આજ્ઞા તમને મળી, નાચો! એક ઘડો પાણીનો લાવવાનું ગુરુએ કહ્યું; નાચો ! મારા ગુરુએ મને કહ્યું! “તવ્વયણ સેવણા” મને મળી ગઈ! યાદ રાખો, સાધના કરો છો, સાધનાની આગળ અહોભાવ, સાધનાની પાછળ આનંદ, આ બધું નહિ હોય ને તો આપણી કરેલી સાધના ઠેઠ આગામી જન્મમાં ફળ આપે એવું નહિ બની શકે. આ જન્મમાં પણ જો એ સાધના ફળ નથી આપતી ! તમારા વિષય-કષાયને દૂર નથી કરી શકતી, તો એ સાધના આવતાં જન્મમાં શી રીતે કામ કરશે, તમારા ઉપર !
પેલાએ ધોમધખતાં તડકામાં કામ કર્યું કેમ? ગુરુની આજ્ઞા છે ! કુટીર બનાવવી એ મહત્વની ઘટના નથી, ગુરુની આજ્ઞા મહત્વની ઘટના છે. સાંજના છ વાગે લગભગ માથા જેટલી ભીંત ચણાઈ ગઈ, ગુરુ પાસે આવ્યો, અને ગુરુદેવના ચરણોમાં વંદન કર્યું, ગુરુદેવ ! આટલી ભીંત ચણાઈ ગઈ છે, ગુરુ કહે; સારું.
આપણે ત્યાં વાત આવે છે, કલ્પસૂત્રમાં પણ, કે ગર્ભ પરાવર્તન કરીને આવ્યા પછી હરિણીગમેષી સીધા પોતાના આસન ઉપર જતાં નથી. એ દેવેન્દ્ર પાસે આવે છે, કહે છે ભગવંત ! આપે કહેલું કાર્ય આપની આજ્ઞા પ્રમાણે પૂર્ણ થયું છે. આપને નિવેદન કરવા આવ્યો છું. કાર્યનું નિવેદન એટલે શું? એ કાર્યને એ સ્વામીના ચરણોમાં મૂકી દીધું એણે.
તો આ શિષ્યએ લીટરલી જે પોતે કામ કરેલું, ૮-૧૦ કલાક તડકામાં ઉભા રહીને એ ગુરુના ચરણોમાં મૂકી દીધું! અને એની પરીક્ષા ત્યાં થાય છે? કે થોડીવારમાં જ બીજો શિષ્ય આવે છે, આ શિષ્ય એ નહિ, બીજો આવે છે, સાહેબજી ! કંઈ કામ સેવા? તો કહે કે હા, પેલી ઝુંપડી દેખાય ને સામે ભીંત, એ તોડી નાંખો.! તમે હોય તો શું થાય? તમે હોય તો શું થાય? આટલી બધી મજુરી કરાવી અને આખરે ભીંત તોડાવવાની જ હતી તો મજુરી કેમ કરાવરાવી?! પેલો ભીંત તોડવા જાય છે. આ શિષ્યના મનમાં સહેજ પણ વિચાર નહિ. પીડા તો નહિ, વિચાર પણ નહિ.! કેમ? મેં કાર્ય કર્યું સદ્ગુરુની આજ્ઞા પ્રમાણે અને સદ્ગુરુના ચરણોમાં મૂકી દીધું. હવે સદ્ગુરુના ચરણોમાં મુક્યું, પછી એ કામનું શું કરવું એ ગુરુ જાણે. તમે કોઈને લાખ રૂપિયા આપો, પછી એ લાખનું એને શું કરવાનું એનો હિસાબ તમે રાખો છો? તમે સોંપ્યા એટલે સોંપી દીધા. એ લાખનું શું કરવું એ જાણે. એમ કાર્ય કર્યું; ગુરુના ચરણોમાં મૂકી દીધું, હવે ગુરુ જાણે ! પણ આ પહેલી કે બીજી દ્રષ્ટિવાળા સાધકમાં જે ભાવધારા છે એ ભાવધારા આપણી પાસે છે?
હું ઘણીવાર મારા શિષ્યોને પૂછું, કે ભાઈ હું કહું, કે ભાઈ! લાઈબ્રેરીમાંથી અમુક પુસ્તક મારે જોઈએ છે. શિષ્યને ખ્યાલ આવે કે સાહેબને reference માટે પુસ્તક જોઈતું હશે ! એ ઉપર જાય લાઈબ્રેરીમાં, પુસ્તકો આડા-અવળા છે, ક્રમ પ્રમાણે નથી. અડધો-પોણો કલાક મહેનત કરીને પુસ્તક લઈને આવે અને એને એમ હોય કે હું પુસ્તક લઇ જઈશ સાહેબ પાસે, સાહેબ એને જોશે, reference સાહેબને મળી જશે; અને મને લાભ મળશે. અને એ પુસ્તક મુકે મારા ટેબલ ઉપર, સાહેબજી ! આ પુસ્તક. મેં કીધું સારું. એ બેઠેલો હોય અને બીજાને કહું કે આ પુસ્તક મૂકી આવ ઉપર, તો શું થાય..? અહીંયા જ આપણે ભુલી જઈએ છીએ; ગુરુએ કામ સોંપ્યું, તમે ગુરુના ચરણોમાં કામ ફરી સોંપી દીધું, વાત પુરી થઇ ગઈ.
બીજો દિવસ. એ જ શિષ્ય ભીંત ચણનારો, ફરી ગુરુ પાસે આવે છે. સાહેબજી! કામ સેવા? અને ગુરુ કહે છે; હા, પેલી ભીંત ચણવાની છે પાછી ! બહુ મજાની વાત તો એ છે, કે ગુરુ કારણ પણ આપવા તૈયાર નથી. એમ નથી કહેતાં કે બેટા! સાંજે તું આવ્યો ને ત્યારે મને એમ લાગ્યું કે આ ઝુંપડી વચ્ચે નડશે ચોકમાં, એટલે તોડાઈ નાંખી. તો પછી રાત્રે મને લાગ્યું કે આ બીજી કોઈ appropriate જગ્યા નથી, એટલે હવે ત્યાં જ બનાવી નાંખ. આવું કારણ આપવા માટે પણ ગુરુ તૈયાર નથી. સીધી જ આજ્ઞા. ગુરુએ જો કારણ આપવું પડે ને, કે બેટા! આના માટે તારે જવાનું છે, બીજા કોઈ જઈ શકે એમ નથી. તું વૈયાવચ્ચ માટે જા. તારા ઉપર મારી નજર છે. ત્યારે તમારી આંખમાં આંસુ આવે! કે ગુરુદેવ! આપે કારણ શા માટે આપવું પડે?! તમે તો આજ્ઞા કરો ખાલી, તારે જવાનું છે ! આ ગુરુ ભૂમિકાને આપણે કેમ જરૂર પડે! એ સજ્જતા જોઈએ શિષ્યની, ગુરુ તો બધી રીતે વરસવા તૈયાર છે. શિષ્યની સજ્જતા ક્યાં?
હું ઘણીવાર કહું ને, ગુરુ શક્તિપાત કરવા તૈયાર, પણ શક્તિપાત ઝીલનારો તો જોઈએ કે નહિ પાછો સામે? એમ ગુરુ તો તૈયાર છે, શિષ્ય ક્યાં છે? એટલે જ મેં પહેલા કહેલું કે બુદ્ધ જેવો શિષ્ય મળવો એ ગુરુ માટે પણ એક સૌભાગ્યની ઘટના મનાય છે આપણા ભારતીય સંસ્કૃતિમાં, એ એવો એક શિષ્ય હતો કે જે ગુરુની આજ્ઞા પ્રમાણે બધું જ કરવા માટે તૈયાર હતો. ગુરુ કહે મહિનાના ઉપવાસ તો ઉપવાસ! ગુરુ કહે તડકે બેસવાનું, તો તડકે બેસે. તમે કહો એમ કરી દઉં. મને સ્વાનુભૂતિ મળવી જોઈએ. તો શિષ્યત્વ પ્રગટ કરો, સમર્પણ નો મતલબ શું? તમારા શિષ્યત્વને પ્રગટ કરવાનું. તમે સાધક તરીકે તો છો જ. પણ જો સાધના લેવા માટે આવ્યા છો તો શિષ્ય છો. હંમેશા સાધના ગુરુ જ આપે. અને શિષ્ય જ લઇ શકે. યાદ રાખો. કોઈ સાધક-બાધક, સાધના લઇ શકે નહિ! માત્ર શિષ્યને જ અધિકાર છે, કે સાધના લઇ શકે. અને ગુરુ શિષ્યને જ સાધના આપે. તો શિષ્યત્વ પ્રગટ કરો તમારું! અને શિષ્યત્વ એટલે સમર્પણ. You have not to think absolutely. વિચાર પણ કંઈ કરવાનો નથી.
ગુરુએ કહી દીધું, ભીંત ચણવાની છે! ફરી ચણાઈ ગઈ, સાંજે આવ્યો, સાહેબ! આટલી ભીંત ચણાઈ છે! ગુરુએ બીજાને કહ્યું; ભીંત તોડી નાંખ! ગુરુએ ભીંત નહિ તોડી, શિષ્યનો રહ્યો સહ્યો પણ અહંકાર હતો ને એને તોડી નાંખ્યો. ગુરુ આ રીતે તમારા ઉપર કામ કરવા માંગે છે. એટલે સદ્ગુરુ કઈ રીતે આપણા ઉપર કામ કરે છે, એને પણ આપણે સમજવું પડશે. અને સમજીશું અને એ સદ્ગુરુની જે સાધના છે એને અંદર ઉતારીશું, જીવન પરિવર્તન થઇ જાય, હું તો કહું છું. આ અઠવાડિયાની સાધના તમારા પુરા જીવનને બદલી નાંખે ! તમારી પુરી life style બદલાઈ જાય. કોઈને ખબર ન હોય કે તમે પાલીતાણા શિબિરમાં જઈ આવેલા છો, તમે મુંબઈ જાવ તમારી life style એ રીતે બદલાયેલી હોય, પેલો પૂછે કે ભાઈ શું થયું આમ? આટલા બદલાઈને આવેલા છો? થયું શું? ત્યારે તમે કહો, શત્રુંજય ગિરિરાજની છાયામાં ગયેલો, ત્યાંના vibrations મળ્યા, અને ગુરુદેવની સાધના લીધી અને એના કારણે હું બદલાઈ ગયો! Totally બદલાઈ જવું છે? સેંકડો પ્રવચનો સાંભળ્યા, જેવા આવ્યા હતા, એવા જ ગયા છો અત્યાર સુધી! આ વખતે નક્કી કરીને આવ્યા છો બધા, નવા શિબીરાર્થીઓ? કે totally બદલાઈને જવું છે? Totally? કે થોડા થોડા? અને તમારે બધાને? તમારે શું કરવાનું છે? છીએ ત્યાં મજામાં છીએ! છો એમ મજામાં છો કે બદલાવવું છે? Totally બદલાવવું છે, યાદ રાખો!
આ શ્રામણ્ય પ્રભુનું મળ્યું છે, મહાપુણ્યના ઉદયે, આપણને ખ્યાલ પણ નથી આવતો કે કઈ રીતે શ્રામણ્ય મળ્યું છે. હું તો ઘણીવાર કહું છું કે પ્રભુની કૃપા કે સદ્ગુરુએ આપણને જે પાછળથી ધક્કો માર્યો અને આપણે શ્રામણ્યની પગથારે આવી ગયા. આપણી કોઈ શક્તિ નથી કે આપણે શ્રામણ્યમાં આવી શકીએ. પ્રભુની કૃપા. માત્ર પ્રભુની કૃપાથી આપણે આવી ગયા છીએ. દીક્ષા પ્રભુએ જ અમને આપી છે. તમે લીધી એવું નહિ માનતા હો…! ક્યારેય કહેતાં નહિ કે છ વિગઈનો ત્યાગ કર્યો, મારા સગાં-વ્હાલા ના પાડતા હતાં, પણ હું અડગમ રહી અને મને દીક્ષા મળી ગઈ આવું કહેતાં નહિ કોઈ દિવસ. તમે દીક્ષા નથી લીધી, પ્રભુએ તમને દીક્ષા આપી. તો પ્રભુએ શા માટે દીક્ષા આપી છે? હવે બોલો! તમારા જીવનને પૂરેપૂરું રૂપાંતરિત કરવા માટે, એટલે તમારે પણ પૂરેપૂરું જીવન રૂપાંતરિત કરીને જવું છે અહીંયાથી. રાગ, દ્વેષ, અહંકાર બધું મુકીને જવું છે, મારી પાસે bag બહુ મોટી છે. તમારો જેટલો કચરો હોય એટલો નાંખી દેજો! મારે છે ને ગુરુ પૂજનમાં તમારા કચરા સિવાય કાંઈ ન જોઈએ. આમેય તમારી નોટોનું અમારે કંઈ મહત્વ હોતું નથી. તમારી સોનામહોરોનું અમારે કંઈ મહત્વ હોતું નથી. અમારે જોઈએ માત્ર તમારો કચરો! ગુરુ દક્ષિણામાં તમારો કચરો માત્ર અમારે જોઈએ. તમારો રાગ, દ્વેષ, અહંકાર બધું જ ગુરુના ચરણે છોડી દો. અને એકદમ નિર્મલ નિર્મલ થઈને જાવ.
અને એક વાત યાદ રાખો, સદ્ગુરુને રીઝવવા બહુ મુશ્કેલ છે. દુનિયાના કોઈ પણ માણસને તમે રીઝવી શક્શો! સદ્ગુરુને નહિ રીઝવી શકો. દુનિયાના માણસોને રીઝવવા માટે તમારી પાસે બે જ તાકાત છે, એક પૈસાની અને બીજી પ્રશંસાની. કાં તો કોઈએ પૈસા આપ્યા ને ખુશ ખુશ થઇ જાય. બહુ મોટો માણસ હોય, બહુ મોટો પ્રભાવક પ્રવચનકાર હોય, તમારી દુનિયામાં, તો ય કદાચ પૈસાથી રીઝે, એને પૈસાની જરૂરિયાત નથી. એક-એક લેક્ચરના દસ-દસ લાખ રૂપિયા લે છે. એને તમારા ૨૫-૫૦ હજારની કિંમત નથી, પણ એની પ્રશંસા કરો! સાહેબ! શું તમે સરસ બોલ્યા! પાણી-પાણી થઇ જાય. એટલે પૈસા અને પ્રશંસા દુનિયાના તમામ વ્યક્તિઓને તમે રીઝવી શકો; સદ્ગુરુને નહિ! સદ્ગુરુને રીઝવવા બહુ મુશ્કેલ છે. સદ્ગુરુ રીઝે કઈ રીતે? એક જ રીતે, તમારા જીવનમાં પરિવર્તન આવે! સદ્ગુરુ રાજી-રાજી! બાકી તમે સોનામહોરોનો ઢગલો કરો, ગુરુ કહેશે નાંખી દે. પેલા ડબ્બામાં નાંખી દે, તારે નાંખવું હોય એ… મારે કંઈ જોઈએ નહિ. સદ્ગુરુને રીઝવવા માટેની એક જ ચીજ આપણી જોડે છે, આપણા જીવનનું સંપૂર્ણતયા પરિવર્તન. છો તૈયાર? છો તૈયાર? તમારા મનનું totally પરિવર્તન કરવું છે! હૃદય આખે આખું બદલાઈ જવું જોઈએ. નહિતર શું થયું? સાધના પહેલી વાર તમને મળી છે પ્રભુની? હું તમને પૂછું સાધના પહેલી વાર પ્રભુની તમને મળી છે આ જન્મમાં? કેટલાય જન્મોમાં મળી. પણ આ જ હૃદય રહ્યું, આ જ મન રહ્યું, શું થશે સાધનાનું?
એક મસ્જિદના હોજમાં કુતરું મરી ગયું. મુસ્લિમ ભક્તોને શું હોય નમાજ પઢતા પહેલાં વજુ કરવી પડે. એટલે હાથ-પગ, મોઢું ધોવું પડે. તો હવે કુતરું મરી ગયેલું અંદર હોજમાં, હવે હોજનું પાણી તો અપવિત્ર થઇ ગયેલું. શું કરવું? એટલે મુસ્લિમ ભક્તો મૌલવી પાસે ગયા. મૌલવીએ વિચાર કર્યો, સાલો હોજ આમ તો મોટો છે. પણ કુતરું અંદર મરી ગયેલું હોય, ભલે એને કાઢી નાંખીએ તો પણ દુષિત પરમાણુ અંદર રહી જાય. એટલે મૌલવીએ વિચાર કરીને કહ્યું; એમ કરો! ૧૦૦ બાલટી હોજમાંથી બહાર કાઢી નાંખો. મૌલવીનો વિચાર બરોબર હતો. કે ૧૦૦ બાલટી પાણી તમે બહાર ફેંકો એટલે શું થાય? હોજનું પાણી આમ-તેમ, આમ-તેમ થઇ જાય; એટલે બધા દુર્ગંધી પરમાણુ છે એ નીકળી જાય; પાણી સ્વચ્છ થઇ જાય. પેલા ભક્તો તો મંડી પડ્યા, ૧૦૦ જગ્યાએ ૨૦૦ બાલટી પાણી કાઢી નાંખ્યું. મૌલવીજી આવ્યા નમાજ કરવા, અરે ગંધ કેમ આવે છે હોજમાંથી? શું કર્યું તમે? અરે તમે કહ્યું સાહેબ! તમે કીધું ૧૦૦ બાલટી કાઢવાનું, અમે ૨૦૦ બાલટી પાણી કાઢ્યું. અરે પણ કુતરું તો અંદર છે. અરે પણ સાહેબ! તમે કુતરું કાઢવાનું ક્યાં કીધું હતું?! હું તો કહી દઉં હો કુતરું કાઢવાનું હો….
આ અનંતા જન્મોમાં ભૂલ આ થયી ! રાગ, દ્વેષ અને અહંકારનું કુતરું અંદર રહ્યું; અને ક્રિયાની થોડી બાલટી પાણી બહાર કાઢી નાંખ્યું. આટલી ક્રિયા મેં કરી લીધી. કુતરું ક્યાં છે એ તો કહો? તો રાગ, દ્વેષ અહંકારને દૂર કરવા છે. ગુરુએ પેલાના અહંકારને તોડી નાંખ્યો. આખો દિવસ મહેનત કરેલી! ભીંતો ચણેલી! ગુરુ તોડાવી નાંખે છે. તો ગુરુ ભીંત તોડાવતા નથી; એના અહંકાર ને તોડી દે છે. બોલો આવી રીતે ગુરુને ક્યારેય માણ્યા છે તમે? ગુરુ ક્યારેક કહે નાલાયક બહાર નીકળી જા; અને તમને લાગે કે ગુરુ ઈન્સલ્ટ નથી કરતાં, ગુરુ મારા ઉપર કૃપા વરસાવી રહ્યા છે! આ ગુરુ નાલાયક કોને કહે છે? જે અંદર મારો કામ ક્રોધ બેઠેલો છે એને કહે છે; એટલે મારે એને કાઢીને પછી ઉપાશ્રય જવું જોઈએ. આવું તમને ક્યારેય feel થાય?
તો સાક્ષીભાવ અને સમર્પણ આ બે આપણી પાસે આવી જાય તો સ્વાનુભૂતિ દૂરની ઘટના નથી. પણ પહેલી વાત સ્વાનુભૂતિ જોઈએ છે? કેમ પરથી કંટાળ્યા છો કંઈ? પરથી કંટાળ્યા છો તમે? નથી કંટાળ્યા ! ખાખરો અને ચા રોજ સવારે આપે, કે સવારે અને સાંજ બે ટાઈમ ખાખરો અને ચા આપે તમે કંટાળી જ જાવ. આ શું માંડ્યું છે? બીજું કંઈ આવડે છે કે નથી આવડતું? ભાખરી લાવો, પરોઠા લાવો, કંઈક લાવો ! સવારે ઉપમા લાવો, પૌઆ લાવો, કંઈક લાવો! એટલે પરથી તમે થાકો છો એમ નહિ; એક નિશ્ચિત પરથી તમે થાકો છો. બીજું પર જોઈએ છે તમને! બોલો, એક પરથી થાક્યા તો બીજું પર! મહેલમાં રહેલો માણસ થાકશે ને હિમાલય જશે! અને હિમાલયમાં એ થાકશે એટલે એ પાછો મહેલ આવશે.! આખરે તો પરનું પર જ છે. આખરે પરનું પર જ છે. એટલે મારે તમને પૂછવું છે, પરથી કંટાળ્યા છો બોલો? તો સ્વાનુભૂતિના માર્ગ ઉપર તમે ચાલશો. નહીતર હું બતાવીશ તમે કહેશો, મ.સા. માર્ગ બહુ સરસ છે, આપે બતાવ્યો બહુ કૃપા કરી ! એટલે ચાલવાની કૃપા પણ જોડે જ કરશો… અમારા પ્રવચનમાં અમને બધા આવા જ મળે, ઉદાર માણસો. ઉદાર હોય. સાહેબ! બહુ કૃપા કરી તમે, આટલો સરસ માર્ગ બતાવ્યો. હવે ચાલવાની કૃપા પણ આપ જ કરજો…!
મહાબોધિ સૂરિ પોતાના જીવનની એક મજાની ઘટના કહે છે; એ વહોરવા ગયેલા, શ્રાવિકા બહાર ગયેલા અને શ્રાવકજી ઘરે. મહાત્માને જોઇને આનંદ તો થાય જ. સાહેબ પધારો! પધારો! પધારો! રસોઈ તો તૈયાર હતી નહિ, તો શ્રાવકનું ઘર છે, મીઠાઈ હોય, નમકીન હોય, ખાખરા તો હોય જ છેવટે, તો એને થયું મ.સા. ને ખાખરા વહોરાવું. ખાખરાનો ડબ્બો જડે નહિ. રસોડાનો અનુભવ એને કરતાં મ.સા. ને વધારે અનુભવ. મ.સા. કહે જો લખ્યું છે પેલું મગ, એમાં ખાખરા હશે જો, પેલાએ ખોલ્યો, ચમત્કાર રીતે એમાંથી ખાખરા મળી ગયા.! હવે ખાખરા તો વહોરાવવું. પણ હવે ઘી તો જોઈએ, લુખ્ખા તો કેમ વહોરાવાય? ઘી શોધે, ઘી જડે નહિ. મ.સા. કીધું આ ટાઈમ બગાડશે ખોટો, તારે ઘી જોઈએ છે! જો પેલા માળિયામાં બરણી પડી. માળિયામાંથી બરણી કાઢી. હવે શિયાળો ઘી થીજી ગયેલું. મ.સા. કહે જો, તારા ભાવ છે એટલે વહોરી લઉં છું, બે-ત્રણ ખાખરા નાંખી દે પાત્રામાં, થોડું ઘી નાંખી દે, હું વહોરીને ચાલ્યો જાઉં. નહિ મ.સા. એમ નહિ, મને ખાખરા ચોપડીને આપવા દો. ચોપડીને આપ્યા. ઘી થીજેલું, ખાખરા પાતળા, ચોપડવા જાય એટલે ભાંગી જાય. ત્યારે એની આંખમાં આંસુ આવી ગયા, મ.સા તમે બહુ કૃપા કરી, ખાખરાનો ડબ્બો જડતો નહોતો, શોધી આપ્યો તમે, ઘી ની બરણી તમે શોધી અપાવી, હવે ખાખરા ચોપડો.
અત્યારે સુધીના પ્રવચનમાં આવું જ કર્યું છે, મ.સા. કહે સ્વાનુભૂતિ જોઈએ? આનાથી મળે, હા, સાહેબ! તહત્તિ. પણ કોને જોઈએ છે? એટલે તમને પુછું સ્વાનુભૂતિ ખરેખર જોઈએ છે? તો પરથી કંટાળ્યા છો બોલો? કયા પરથી કંટાળ્યા છો? લીસ્ટ આપો મને! ઘરથી કંટાળ્યા છો? કે ઘર નાનું છે એટલે કંટાળ્યા છો? મુંબઈમાં રહો છો, પણ અમુક એરિયામાં રહો છો કે વાલકેશ્વરમાં જવું છે. અને એ એરિયાનું મકાન ખુંચે છે કેમ? મકાન તરીકે ખૂંચતું નથી. પણ આ એરિયામાં રહીએ છીએ એટલે ખુંચે છે. વાલકેશ્વરમાં હોઈએ તો એ મકાન તો જોઈએ જ છે પાછું. એટલે ખરેખર પર ખૂંચ્યું તમને? કેટલા પર તમને ખૂંચ્યા બોલો? કેટલા પર ખૂંચ્યા? હું તો કહું ચાલો, તમારો ફ્લેટ રાખો, તમારી કાર રાખો, બધું જ રાખો. વધુ પડતી આસક્તિ એમાં ન કરવી; એટલે પરની અનુભૂતિ ગઈ. પરનો ત્યાગ નહિ, પરના અનુભવનો ત્યાગ એ અમારા ત્યાં વાત છે. પરપદાર્થો ભલે રહ્યા; એમાં રાગ-દ્વેષાત્મક અનુભવ ન થવો જોઈએ. સંસારી માણસ છો. સેન્ટર માટે ઘર જોઈએ, ઘર રાખી લીધું. પૈસા પણ જોઈએ, દીકરાને સારું શિક્ષણ આપવું છે, સંસ્કાર આપવા છે, પૈસા પણ જોઈએ. વાંધો નહિ. પણ એની અંદર વધુ પડતી આસક્તિ ન હોય, આવું તો કરી શકો ને… આ જ આપણો પુદ્ગલ અનુભવ ત્યાં જ છે. અને આ જ આપણી સાક્ષીભાવની આખી યાત્રા છે.
એક બાજુ સમર્પણની યાત્રા. બીજી બાજુ સાક્ષીભાવની યાત્રા. સ્વાનુભૂતિ મળી જાય. તો આજે કહ્યું તેમ સમર્પણ શું કરે? તમને નિર્ભાર દશા આપે. સાક્ષીભાવ શું કરે? નિર્લેપ દશા આપે. હવે બધાની વચ્ચે રહેવા છતાં કશાથી લેપાવવું નહિ. બોલો તમે વધારે ઘર જોયેલા હોય, ફ્લેટો મુંબઈના કે મ.સા. એ વધારે જોયેલા હોય? અમારા સાધુઓએ વધારે જોયેલા હોય! એટલે સાધુઓને કો’ક દિવસ પૂછી તો જોજો કે સાહેબ! બહુ સરસ લક્ઝૂરીયસ ફ્લેટ કોનો લાગ્યો તમને? એ કહે કે લક્ઝુરીયસની ક્યાં માંડે છે? ફ્લેટ કેવો મને ક્યાં ખબર છે! મારે તો ખાલી વહોરવા જવાનું હતું. વહોરી લીધું. અમારે તો ત્યાં સુધી કહ્યું છે, વહોરવા જનાર સાધુ હોય, શ્રાવિકા માતા વ્હોરાવતી હોય, ત્યારે એ શ્રાવિકા માતા ચમચી ને વિગેરે કાચા પાણીમાં ન નાંખી દે, એટલે શ્રાવિકા માતાના આંગળી સુધીના હાથ સુધી નજર રહે! એ હાથમાં બંગડી છે કે નહિ એ ખ્યાલ સાધુને ન હોય. માત્ર ભગવાનની આજ્ઞા પાળવા માટે, ગોચરી અણીસીડિય ન થઇ જાય એના માટે, એ બહેન ક્યાંય કાચા પાણીનો સ્પર્શ નથી કરી નાંખતી ને… એ જોવા માટે આટલી આંગળી સુધીના હાથ પર નજર નાંખે. એના કાંડામાં એને બંગડી પહેરી છે, સોનાની છે? કેવી છે? કેવી નહિ? એનો ખ્યાલ સાધુને ન હોય.! એટલે પરમાં જવા છતાં પરનાં અનુભવનો ત્યાગ છે.
અને સાધુ મજામાં કેમ છે બોલો? અમે શાતામાં કે તમે શાતામાં ભાઈ? શાતામાં કોણ? અમે શાતામાં! Ever green. Ever fresh. કેમ શાતામાં છીએ? આ જ કારણ! કે પરના અનુભવનો ત્યાગ છે. એટલે આજે જરા વિચાર કરજો! કે પર ખરેખર ખટક્યું છે? પરનો ત્યાગ ભલે હમણાં ન થાય. પરનો અનુભવનો ત્યાગ કરી દો. પરમાં જે વધુ પડતી આસક્તિ છે, પર પ્રત્યે વધુ પડતો દ્વેષ છે, કારણ કે રાગ હોય ત્યાં દ્વેષ થવાનો જ છે. એક વસ્તુ તમને બહુ ગમે છે! ખાલી ઘડિયાળ જ છે નાનકડી! બહુ ગમે છે! તો એ કોઈ લઇ જાય તો એના પર તમને દ્વેષ થવાનો છે, રાગ હશે ત્યાં દ્વેષ આવશે. ને અહંકાર તો આપણે લઈને જ બેઠા છીએ. ૨૪ કલાક અહંકારની ધારા તો ચાલે જ છે. એ રાગ, દ્વેષ અને અહંકારની ધારાનો ત્યાગ એટલે સાક્ષીભાવની ધારા. એ સાક્ષીભાવની ધારામાં આગળ જવા માટે સમર્પણ આપણને ઉપયોગી થઇ જાય! એ આપણા અહં ને બિલકુલ બિલકુલ બિલકુલ પ્રભુમાં અને ગુરુમાં ડુબાડી નાંખે.
એ સમર્પણ અને સાક્ષીભાવની વાત આપણે આપણી સાધનામાં પણ જોવી છે. કારણ જ્યાં સુધી વિચારો રહેશે, વિકલ્પો રહેશે, ત્યાં સુધી તમારા વિકલ્પો પર તમારો કાબુ નથી. અને વિકલ્પો તમને પરમાં જ લઇ જશે. પણ જો વિકલ્પો પર કાબુ આવી જાય તો? વિકલ્પો પર નિયંત્રણ આવી જાય તો? એટલે આપણે ધ્યાનાભ્યાસની એ સાધના કરાવવા માંગીએ છીએ કે જેમાં વિકલ્પો ઉપર તમારું નિયંત્રણ આવી જાય. અત્યાર સુધી switch on કે off કરવી બીજાના હાથમાં; તમારા હાથમાં નહોતી. હવે તમારા હાથમા switch board આવી જાય, ચાલો આપી દઉં?
એના માટેની સાધના શરૂ કરીએ. થીયરીકલ તો આપ્યું, practical હવે આપવું પડશે ને!
