વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત
Subject: પુદ્ગલ અનુભવ ત્યાગ
સાક્ષીભાવનું પહેલું ચરણ પુદ્ગલ અનુભવ ત્યાગ. પદાર્થો પણ પુદ્ગલ; શબ્દો પણ પુદ્ગલ અને વિચારો પણ પુદ્ગલ. પદાર્થનો ઉપયોગ ભલે થાય; એનો રાગ-દ્વેષાત્મક અનુભવ ન થવો જોઈએ. જમવાના સમયે પ્રભુમાં કે કોઈ સૂક્ષ્મ અનુપ્રેક્ષામાં તમારું મન હોય અને શું ખાધું એ તમને ખબર ન પડે – આ પદાર્થોના અનુભવનો ત્યાગ.
શબ્દના અનુભવનો પણ ત્યાગ કરવો છે. તમે કંઈક સરસ બોલ્યા અને કોઈએ પ્રશંસા કરી, તો અહંકારાત્મક અનુભવ તમને ન થવો જોઈએ. ભીતરમાં અનાહત નાદ સંભળાય, તો એમાં પણ રાગ નહીં. અનુભવ માત્ર સદ્ગુરુના શબ્દનો આપણે જોઈએ છે; માત્ર એ શબ્દોને અસ્તિત્વના સ્તરે ઊતારવા છે.
અને વિચારના સ્તર ઉપર પણ અનુભવનો ત્યાગ. કોઈ સરસ અનુપ્રેક્ષા થઇ, તો અહંકાર કરવાના બદલે એને પ્રભુના ચરણોમાં ધરી દો. અશુભ વિચારો કોઈ આવી ગયા, તો એને માત્ર જોઈ લો. વિચારો જોવાય, તો એનો અનુભવ તમારી ભીતર નહીં આવે. વિચારોના અનુભવનો ત્યાગ થાય, એટલે તમે નિર્વિકલ્પ–નિર્વિચાર બની શકો.
શ્રી શત્રુંજય મૌન સાધના શિબિર – ૮ [વાચના – ૨] [૩૧.૧૨.૨૦૧૮
દેવાધિદેવ પરમતારક શત્રુંજય તિર્થાધિપતિ શ્રી ઋષભદેવ પ્રભુના ચરણોમાં વંદના.
સદ્ગુરુદેવ પૂજ્યપાદ અરવિંદસૂરિ દાદાના ચરણોમાં વંદના.
ગઈ કાલે અંત:સ્તરને થોડું ટટોલ્યું હતું? પૂછ્યું હતું તમારી જાતને? કે ખરેખર સ્વાનુભૂતિ જોઈએ છે? તમારી જાત સાથે સંવાદ શરૂ કરો.આખી દુનિયાના લોકોની appointment લેનારા તમે તમારી appointment ક્યારે લેશો? તમારી જાતને પૂછો કે સ્વાનુભૂતિ ખરેખર જોઈએ છે? મારા જ્ઞાન, દર્શન, ચારિત્રનો હું અનુભવ ન કરું તો કેમ ચાલે! મારા આનંદને હું enjoy નહિ કરું તો કોણ enjoy કરશે?! મારું સ્વરૂપ જે નિર્મલ છે, અખંડાકાર ચેતના રૂપ છે, એનો અનુભવ હું ન કરું તો કેમ ચાલે! મને લાગે છે, થોડોક આસ્વાદ નહિ મળે ને ત્યાં સુધી પ્યાસ પણ નહિ જાગે. પરમાત્માની પ્યાસ મિલનની ક્યારે જાગે છે ખબર છે!
ભક્તિયોગાચાર્યો કહે છે, અલપ-ઝલપ એકાદ ક્ષણ માટે પ્રભુનું દર્શન થઇ જાય છે. અને પછી આપણે એવી જળોજટામાં પરોવાઈ જઈએ છીએ કે પ્રભુનું દર્શન છુટી જાય છે. એ સાક્ષાત્કારની ક્ષણો છૂટી જાય છે. અને પછી ભક્તિયોગચાર્યો કહે છે; પ્રભુ! આ ક્ષણો મારા માટે બહુ, બહુ જ બહુ જ અઘરી છે. આના કરતાં પહેલા હું સારો હતો. કે મારા વિભાવોની અંદર પ્રેમથી હું રહેતો હતો. મારા રાગ અને દ્વેષની સાથે પ્રેમથી હું રહેતો હતો. તે અદ્ભુત આસ્વાદ મને ચખાડ્યો. અને ચખાડીને તું દૂર ભાંગી જાય છે! તું મળતો નથી; આમાં રહેવાતું નથી. મારે શું કરવું…? આ પ્યાસની extreme point અહીંયા આવે છે કે જ્યારે એ મળતો નથી; એના વિના રહેવાતું નથી. સ્વાનુભૂતિની તલપ ત્યારે જ જાગશે જયારે આછો સો સમત્વનો આનંદ મળી ગયો. ધ્યાન સાધના આપણે કરીએ છીએ, ચોથા ચરણમાં તમે પહોંચી ગયા. તમારા સમત્વનો, તમારી અંદર રહેલ એ ગહેરી પ્રશાંતિ નો અનુભવ તમને થઇ ગયો; તમને થશે કે કોલાહલમય, ઘોંઘાટમય જગતમાં કેમ જઈ શકાય? અને પછી એ સ્વાનુભૂતિની તીવ્ર તલપ લાગશે. મારી દ્રષ્ટિએ તીવ્ર તલપ લાગ્યા પછી માર્ગ એકદમ સરળ છે. Easiest way; તલપ લાગી જાય તો. ચા પીવાની તલપ જેને લાગેલી હોય ને, એને બસ જંગલમાં ફસકાઈ પડે ને તો આજુબાજુ ફાંફા મારે, ક્યાંય નાનકડી હોટલ-બોટલ છે કે નહિ? તો ચા પી આઉં… ચા ની તલપ લાગેલી હોય તો ચા ની શોધ થવાની જ છે. એટલે સ્વાનુભૂતિની તલપ લાગવી જોઈએ.
એટલે હું ઘણીવાર કહું છું, કે મારા પ્રવચનો એપીટાઈઝર જેવા જ છે. આજે રીશેપ્શનમાં સૌથી પહેલાં તમે એપીટાઈઝર આપો ને, apple juice. કેમ? ભૂખ ઉઘાડે. મારે પણ તમારી ભૂખ ઉઘાડવી છે. તમને એમ જ્યારે એમ લાગશે કે સ્વાનુભૂતિ વિના ચાલી નહિ શકે. ત્યારે માર્ગ એક નહિ અનેક છે. એ માર્ગ ઉપર તમે ચાલી નીકળવાના છો. અને સ્વાનુભૂતિ કોઈ દૂરની ઘટના છે પણ નહિ. આપણે એક માર્ગની ચર્ચા કરી રહ્યા છીએ. There are so many ways. આ એક જ માર્ગ છે એવું નહી માનતા. There are so many ways. પણ આપણે એક માર્ગની ચર્ચા કરીએ છીએ. સાક્ષીભાવ અને સમર્પણ.
સાક્ષીભાવ દ્વારા નિર્લેપદશા મળે. સમર્પણ દ્વારા નિર્ભાર દશા મળે. આ બંને એટલા અપૂર્વ છે, કે ખાલી આનો આસ્વાદ મળશે ને તો પણ સ્વાનુભૂતિની તલપ તમને લાગી જવાની છે. સાક્ષીભાવની ક્ષણોમાં આવો; નિર્લેપદશાનો આનંદ તમે માણી શકશો. સાલું આની જોડે વળગણ હતું. આની જોડે વળગણ હતું. એ વળગણોને કારણે કેટલો દુઃખી હતો. આ બધા જ વળગણો કપાઈ ગયા. કેટલો સુખી હું છું! તો સાક્ષીભાવ નિર્લેપ દશા આપે છે. “સબમેં હૈ ,સબમેં નાહી” તમે કદાચ દુનિયામાં રહેતા હશો તો પણ દુનિયાથી ન્યારા તમે છો. હું પણ તમારા બધાની વચ્ચે જ રહું છું; પણ હું બધાથી ન્યારો છું. હું વ્યસ્ત માણસ છું સવારથી સાંજ સુધી પ્રવાહ લોકોનો ચાલતો હોય છે, પણ એ પ્રવાહની વચ્ચે પણ હું મારી એકાંતમાં જ હોઉં છું.
એના માટે એક સરસ માર્ગ તમને બતાવું. 3૦ વર્ષ સુધી હું એકાંતમાં રહ્યો! મારી સાધના બધી મેં સાચવી. અમે લોકો નાનકડા ગામોમાં રહેતા. નાનકડા ગામોમાં ગુરુદેવ પ્રવચન આપતાં. મારે માત્ર સ્વાધ્યાય કરવાનો હતો. ભક્તિ કરવાની હતી. એકાંતની અંદર હું ૩૦ વર્ષ રહ્યો. અચાનક ગુરૂદેવનો કાળધર્મ થયો. મારે આ post પર આવી જવું પડ્યું. પણ પછી મને લાગ્યું કે આ ભીડ મારા માટે કોઈ નુકશાનકારક નથી. એ ભીડની વચ્ચે હું એકલો જ છું. તમારે આવા બનવું છે? તો સાક્ષીભાવ નિર્લેપદશા આપે; સમર્પણભાવ નિર્ભાર દશા આપે. સાક્ષીભાવના પાંચ ચરણો છે. ચાલશું ને આપણે? સાથે યાત્રા કરશું ને?
પહેલું ચરણ છે – પુદ્ગલ અનુભવ ત્યાગ. પુદ્ગલમાં પદાર્થો પણ આવે છે. રોટલી- દાળ, વસ્ત્ર વગેરે પદાર્થો,મકાન વિગેરે પદાર્થો પણ આવશે. પછી પુદ્ગલમાં શબ્દ પણ આવશે, અને પછી પુદ્ગલમાં વિચાર પણ આવશે. શબ્દ પણ પુદ્ગલ છે, વિચાર પણ પુદ્ગલ છે, પદાર્થો પણ પુદ્ગલ છે. પુદ્ગલોનો વપરાશ એ રીતે કરો કે એમાં રાગ-દ્વેષાત્મક અનુભવ તમારો ન રહે. તો પદાર્થોનો એવી રીતે ઉપયોગ કરવો છે કે પદાર્થ વપરાય; રાગ-દ્વેષાત્મક અનુભવ ન થાય. જમવા બેસો અને પ્રભુમાં તમારું મન હોય, કે વાચનાના કોઈ પદાર્થમાં મન હોય તો શું ખાધું એ ખબર પડે તમને?
એક છોકરો હોય અને એ ક્રિકેટનો ખાસ શોખીન હોય, ટી.વી. પર એ ક્રિકેટ મેચ જોઈ રહ્યો હોય. અને એમાં એનો પ્રિય ખેલાડી ૯૬ પર પહોંચી ગયો. હવે એનું પૂરું ધ્યાન ટી.વી. માં છે. ક્યારે 4 લગાવે અને મારો પ્રિય ખેલાડી સેન્ચ્યુરી માં આવી જાય. એ વખતે એની માં હાથ મારે છે, બેટા! ૧૨ વાગી ગયા, ચાલ હવે જમવા ચાલ જલ્દી.. પણ એ જમવા જાય? ટી.વી. ને છોડીને? માં પણ સમજે છે, કે ટી.વી. ને છોડીને આવવાનો નથી. અને મારે રસોડું આટોપી દેવું છે. તો થાળીમાં રોટલી, દાળ, શાક, ભાત મૂકી છોકરા પાસે મૂકી દીધું. છોકરો ટી.વી. ને જોતો જાય છે, અને રોટલી દાળ ખાતો જાય છે. પછી કલાક પછી એને પૂછો કે બેટા! શેનું શાક હતું? દાળ શેની હતી? એ શું કહેશે! મમ્મા ને પૂછો કહે છે! શું કહેશે? મમ્માને પૂછો. મને ક્યાં ખ્યાલ છે? હા, કયા ખેલાડીએ કેટલા રન બનાવ્યા, એ પૂછો તો સ્કોર કહી આપું. બાકી શાક શું હતું, દાળ શું હતી, મમ્મા જાણે; મને કંઈ ખબર નથી. તમારે આવું ન બને! ક્રિકેટનો શોખીન છોકરો ક્રિકેટમાં પોતાના મનને એકદમ જોડી દે, તો શરીરના સ્તર પર કઈ ઘટના ઘટી એનો એને ખ્યાલ નથી. તમે આવું ન કરી શકો. મનને પ્રભુમાં જોડી દો ! મનને કોઈ સૂક્ષ્મ જ્ઞાનના અનુપ્રેક્ષામાં મૂકી દો. બસ, શરીર ખાધા કરશે.
હું ઘણીવાર કહું, ખાવાનું કોને છે? સવારે નાસ્તો કરીને આવ્યા ને? ચા પીધી નાસ્તો કર્યો. પણ ચા પીનાર કોણ હતું? ચા પીનાર જો તમે હતા તો ગરબડ કરી નાંખી. ચા પીનાર તમે હતા? નાસ્તો કરનાર તમે હતા? કે તમે જોનાર હતા? બોલો. શરીર ચા પીતું હતું, તમે જોતા હતા, બરોબર ? શરીર નાસ્તો કરતું હતું અને તમે જોતા હતા, બરોબર? આવું જ થાય છે ને? આ થયો પદાર્થો પરનો સાક્ષીભાવ.
પછી હવે પુદ્ગલ અનુભવ ત્યાગમાં શબ્દના અનુભવનો પણ ત્યાગ કરવો છે. તમે સરસ શબ્દ બોલ્યા; કો’કે એની પ્રશંસા કરી. તો અહંકારાત્મક અનુભૂતિ ન થવી જોઈએ; બોલાઈ ગયું; પ્રભુ મારા કંઠેથી વહી ગયા. શબ્દ અનુભવ ત્યાગની જોડે એક બીજી તમને પ્રક્રિયા આપું તમને! નાદ અનુભવનો પણ ત્યાગ. બે નાદ આપણે ત્યાં છે તમને ખબર છે. આહત નાદ અને અનાહત નાદ. બે વસ્તુને ભેગી કરો અને વાગે અવાજ, એ નાદને આપણે આહત નાદ કહીએ છીએ. અને કુદરતી ભીતર જે સંગીત ચાલ્યા કરે છે, એને આપણે અનાહત નાદ કહીએ છીએ. જે આપણા મહાપુરુષોએ અનાહત નાદને માણેલો, એમણે જ આપણા દેરાસરોની અંદર ઘંટ મુકાવ્યો છે. ઘંટ શા માટે છે? એક પગેરું છે. એ પગેરે પગેરે તમે ચાલો ને, તો અનાહત નાદ સુધી તમે પહોંચી શકો. ઘંટનું પેંડુલમ દીવાલ સાથે અથડાય, અને જે અવાજ થાય એ અવાજની વાત નથી; પેંડુલમ વચ્ચે આવી ગયું, અને પછી જે રમ રમ રમ અવાજ થાય છે ને, એ અવાજનું સીમીલર અનાહત નાદ છે. બીજી રીતે કહીએ તો ૐ આપણે બોલીએ, બોલીએ તો એકદમ પ્લુત, એકદમ મોટેથી ઉચ્ચારીએ, ૐ ૐ અને પછી જે બિંદુ છે, એને તમે ધીરે ધીરે તમે ઊંડાણમાં લઇ જાવ. તો એ જે બિંદુના જે ઉચ્ચાર છે ને એ ઉચ્ચારને સીમીલર અનાહત નાદ છે. ૐ ૐ ૐ એટલે માત્ર જે છે ને સંગીત થઇ જશે. પછી કોઈ ધ્વની નહિ રહે, કોઈ શબ્દ નહિ રહે. માત્ર નાદ રહેશે. તો આહત નાદને આપણા શબ્દને, એકદમ સૂક્ષ્મ રૂપ આપીને આપણે અનાહત નાદમાં જઈ શકીએ છીએ.
મારું રાજસ્થાન પાવાપુરીમાં ચાતુર્માસ હતું. ગુરુદેવ અરવિંદસૂરિ દાદાની નિશ્રામાં, પર્યુષણ પછી થોડો થાકી ગયેલો હું, લોકોની ભક્તોની ભીડ બહુ હતી. તો પાવાપુરીથી ૧૦ કિલોમીટર દૂર મીરપુર તીર્થ છે ત્યાં હું ગયેલો. એટલે થોડો fresh થઇ જાઉં. એટલે મારે તો fresh થવાનું નહોતું. પણ મારા શરીરને fresh કરવાનું હતું. હું તો fresh જ છું. મારું શરીર થાકે છે. થાકી જાય એટલે સુવાડી પણ દઉં છું કે ભાઈ સુઈ જા તું. મને જાગતો રહેવા દેજે, તું સુઈ જા. તો મીરપુર ગયો હું, હાઇવે થી અંદર પ્રવેશ કરીએ ને, બે બાજુ પર્વતો, ત્યારે ઊંડી ગુફામાં આપણે પેસતાં હોઈએ એવો એક નજારો. ત્રણ-ચાર કિલોમીટર અંદર ચાલ્યા, સરસ મજાના દેરાસરો, ધર્મશાળા વિગેરે પણ બધી વ્યવસ્થિત, આખો દિવસ દર્શનમાં ગયો. રાત્રે પ્રતિક્રમણ પછી સંથારાપોરસી ભણાવ્યા પછી સુવાની તૈયારી કરું છું. ત્યારે એક મજાનો નાદ મારા કાન પર પડવા લાગ્યો. લયબદ્ધ નાદ, લયબદ્ધ… અને એ નાદને કારણે મારી અંદરનો નાદ ચાલુ થઇ ગયો. બહારના નાદથી અંદરનો નાદ ચાલુ થાય, એને આપણે ત્યાં નાદાનુસંધાનની પ્રક્રિયા કહેવામાં આવે છે. નાદનું અનુસંધાન પેલા નાદથી આ નાદ. તો આખી રાત મારી ભીતર પણ એ અનાહત નાદ ચાલુ રહ્યો. સવારે ૫ વાગ્યા પેલો નાદ જે હતો, એ એકદમ બંધ થઇ ગયો.
સવારે મેં તીર્થના મેનેજરને પૂછ્યું; કે રાત્રે અવાજ આવતો હતો, એ શેનો આવતો હતો? મને સાહેબ આ વખતે વરસાદ ખુબ પડ્યો છે. તો પર્વતની ચોટી ઉપર પાણી બહુ ભરાયેલું છે, એ ધીમે ધીમે જમે છે અને લયબદ્ધ નાદ આવે છે. મેં કહ્યું બરોબર નાદ આવો જ હોય. પછી મેં પૂછ્યું, પછી સવારે ૫ વાગે નાદ ક્યાં ગુમ થઇ ગયો? એણે મને કહ્યું; સાહેબ! જંગલ બોલતું થયું એટલે નાદ સંભળાતો બંધ થઇ ગયો. નાદ ક્યાં બંધ થયો છે ! જંગલ બોલતું થયું નાદ સંભળાતો બંધ થઇ ગયો. સમજી ગયા તમે…? તમે બોલતાં થાવ એટલે બધું ટફ.
તો હવે મારે વાત એ કરવી છે કે નાદાનુસંધાન તો ખરું, નાદાનુભવ તો ખરો, આપણે ત્યાં સુધી જવું છે કે નાદાનુભવનો પણ ત્યાગ. કારણ એ નાદ પણ પૌદ્ગલિક ઘટના છે. એ અનાહત નાદનું શ્રવણ એ પણ પૌદ્ગલિક ઘટના છે. અને એ પૌદ્ગલિક ઘટનામાં તમારે રોકાવાનું નથી. સાધનામાર્ગમાં છે ને પ્રારંભિક સાધકોને બે સમસ્યાઓ નડે છે. પહેલી વાત તો એ કે આવો કોઈક અનુભવ થાય એટલે અટકી જાય છે. પગથિયામાં ઘર કરીને બેસી જાય, ઓહો આટલો સરસ અવાજ સંભળાય છે. અરે કોઈ અવાજ સંભળાયો ઠીક છે, એને પણ let go કરીને આગળ ચાલ તું. અહીંયા બેસી જવાનું નથી. આ તો એક પૌદ્ગલિક ઘટના છે; તારે પૌદ્ગલિક ઘટનામાં ક્યાંય રોકાવાનું નથી. તું જ્યોતિર્મય છે; જ્યોતિર્મયતા તને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તારે અટકવાનું નથી. એટલે સાધનામાર્ગમાં પહેલી સમસ્યા આ છે કે રસ્તામાં ઘર કરીને આપણે બેસી જઈએ છીએ.
અને બીજી વાત એ છે કે આપણે આપણી સાધનાને compare કરીએ છીએ. આ બહુ મોટી સમસ્યા છે. ગઈ કાલે સાધના બહુ સરસ થઇ, આજે બરોબર ન થઇ. આ compare કરનાર કોણ, પહેલા એ તો મને કહો ! ગઈ કાલની સાધના સારી હતી, આજની સાધના બરોબર ન થઇ, આ compare કરનાર કોણ છે? તમારું મન છે. મન compare કરે એનું કોઈ મહત્વ નથી. મનને તો મનના સ્તરે થોડોક આનંદ આવ્યો તો એણે સારું માની લીધું. મનના સ્તરના રતિભાવનું સાધનામાર્ગમાં કોઈ જ પ્રયોજન નથી. આ યોગપ્રક્રિયા, આ સાધના પ્રક્રિયા entertainment ની કોઈ પ્રક્રિયા નથી.
હું તો ઘણીવાર કહું છું, પ્રવચન આપતાં પહેલાં કે ભાઈ મનોરંજન માટે કોઈ આવ્યા હોય ને તો ભાગી જજો પહેલેથી. માંગલિક પહેલા જ ! હું મનોભંજનનો માણસ છું. મનોરંજનનો નહિ; મનોભંજનનો, મારે તમારા મનને તોડી નાંખવું છે. તમારું conscious mind ને તોડી નાંખવું છે. તમારી ખોપરીને-બુદ્ધિને તોડી નાંખો તો જ આ તત્વ તમારી અંદર જશે. નહિ તો conscious mind ના લેવલ ઉપર તમે ઘણું બધું સાંભળી નાંખ્યું. અંદર તો ગયું જ નથી કંઈ. એટલે ગઈ કાલની સાધના સાથે, આજની સાધનાને compare નથી કરવી.
તમારે શું કરવું તમને સમજાવું સાધનામાં, તમારે માત્ર બેસી જવું છે. તમારે નિષ્ઠાપૂર્વક બેસી જવું છે! જપમાં બેઠા, ધ્યાનમાં બેઠા, જેમાં પણ બેઠા, ક્રિયામાં બેઠા, નિષ્ઠાપૂર્વક બેસી જાવ, પછીનું કામ પ્રભુનું છે. તમારું નથી. તમારે માત્ર બેસી જવાનું છે. તમને સાધનામાર્ગમાં કેટલા push કરવા એ પ્રભુશક્તિ નક્કી કરશે !
હું ઘણીવાર કહું, શાસ્ત્રીય સંગીતનો કોઈ શોખીન હોય, એને ખબર હોય કે રાજકોટ રેડિયો સ્ટેશન પરથી સવારે ૬ વાગે મજાનું શાસ્ત્રીય સંગીત આવે છે. હવે શાસ્ત્રીય સંગીતનો શોખીન છે, એટલે સવારે ઉઠ્યો ! ૫.૫૫ એ તૈયાર થઇ ગયો ! રેડીયાનું volume ખોલી નાંખ્યું. ૫.૫૫ અવાજ આવતો નથી, ૫૬ નહિ, ૫૭ નહિ, ૫૮ નહિ, ૫૯ નહિ, પણ, જ્યાં ૬ વાગ્યા શાસ્ત્રીય સંગીત શરૂ થઇ જશે. એમ તમારે માત્ર બેસી જવાનું છે. Volume ખોલી નાંખવાનો છે; એ વહેશે પછી તમારી અંદર, તમારે વહેવાનું નથી. એટલે સાધનામાર્ગમાં બહુ મોટી disturbance છે કે આપણે એક તો રસ્તામાં ઘર કરીને બેસી જઈએ, અનાહત નાદ સંભળાય ! આવો નાદ હતો ! આવી નાદ હતો ! અરે ભાઈ પૌદ્ગલિક ઘટના છે મૂકી દે એને બાજુમાં ! અને તમારી સાધનાને ક્યારેય compare નહિ કરતાં. નિષ્ઠાપૂર્વક સાધના કરી લો ! પ્રભુના ચરણોમાં અર્પિત કરી દો.
તો આ નાદાનુભવ નો પણ ત્યાગ કરવો છે. તો તમે જે શબ્દો બોલ્યાં, એ શબ્દના અનુભવનો પણ ત્યાગ.
અનાહતનાદ તમને સંભળાયો અંદર, તો એ નાદના પણ રાગાત્મક કે દ્વેષાત્મક અનુભવનો ત્યાગ. કારણ એમાં રતિભાવ થઇ ગયો અને તમે અટકી જશો. આ તો બહુ સરસ, બહુ મજા આવી ગઈ. આટલો સરસ અનાહત નાદ સંભળાય છે ! બેસી ગયા તમે ત્યાં ! એ અનાહત નાદમાં થયેલો રતિભાવ તમારી સાધનાને stop કરી દે છે. એ ત્યાં પણ રતિભાવ જોઈતો નથી. એનો પણ રાગ-દ્વેષાત્મક અનુભવ જોઈતો નથી. અનુભવ કયા શબ્દનો જોઈએ છે બતાવું… અનુભવ માત્ર સદ્ગુરુના શબ્દનો આપણે જોઈએ છે.
પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજામાં એક બહુ સરસ રૂઢિપ્રયોગ થયો છે ! પાર્શ્વનાથ ભગવાન અને કમઠના સંવાદમાં એ પંક્તિ આવી છે, પૂજામાં, કે ક્યાં કાન ફૂંકાયા? ક્યાં કાન ફૂંકાયા? મંત્ર દીક્ષા લેવાની પ્રક્રિયા માટે આ રૂઢિપ્રયોગ છે. તે કોની પાસે કાન ફૂંકાયો? શું કાન ફૂંકાયો તે? એટલે પહેલાંની વિધિ આ હતી, ગુરુ તમને મંત્ર આપે ત્યારે તમારા કાનમાં મંત્ર આપે. એટલે તમારા કાનમાં મંત્ર જાય છે ત્યારે એક વિસ્ફોટ થાય છે, અને મંત્ર વૈજ્ઞાનિકો કહે છે, કે એ વિસ્ફોટ એવો થાય છે કે સહસ્રાર ખુલી જાય છે.
તમે લોકો છે ને આત્મતત્વને તો હવે સમજશો આ શિબિરમાં, તમારા શરીરને પણ સમજ્યા છો તમે? તમારા શરીરને સમજ્યા છે? તમારા શરીરના બે મહત્વપૂર્ણ portion છે. એક તો કરોડરજ્જુ. Spinal code. જેને અમે લોકો મેરૂ દંડ કહીએ છીએ. મેરૂ ઝુકે નહિ, એમ આ કરોડરજ્જુ ઝુકવી ન જોઈએ; ટટ્ટાર બેસવાનું છે. અને એટલે ધ્યાન સાધનામાં વારંવાર કહેવું પડે છે, શરીર ટટ્ટાર… શરીર ટટ્ટાર. કેમ? હું જોવું છું કેટલાનું શરીર ઝુકી જાય છે. ટેવ જ પાડો એવી, મેરૂ દંડ ઝુકે જ નહિ તમારો.
અને બીજું તમારા શરીરનું મહત્વપૂર્ણ portion છે, ચોટીનો પ્રદેશ. પહેલાંના લોકો ચોટલી રાખતા ને, એક ચોટલીનો જે પ્રદેશ છે, એને બ્રહ્મરંદ્ર કહેવામાં આવે છે. બ્રહ્મ એટલે પરમાત્મા. રંદ્ર એટલે પવેશદ્વાર. પરમાત્માનું પ્રવેશદ્વાર આ બ્રહ્મરંદ્ર છે; અને સદ્ગુરુ વાસક્ષેપ આપીને એ બ્રહ્મરંદ્રને ખોલે છે. તમારું બ્રહ્મરંદ્ર ખુલે પછી પ્રભુ અંદર જાય. દીક્ષાની વિધિનો ખ્યાલ છે? પહેલાં લોચ કે કરેમિ ભંતે? પહેલાં લોચ કે પહેલા કરેમિ ભંતે? પહેલાં લોચ- લુંચન, આચાર્ય ભગવંત પોતાના હાથેથી એ શિષ્યના બ્રહ્મરંદ્રમાંથી વાળોને જ નહિ, વિભાવોને પણ ચૂંટી લેશે. અને વિભાવમુક્ત એ બ્રહ્મરંદ્ર થયું હશે, એમાંથી પરમચેતનાનો અંદર પ્રવેશ થશે, એટલે કરેમિ ભંતે સૂત્ર જે છે, એ માત્ર કાનથી લેવાની પ્રકિયા નથી. અસ્તિત્વના સ્તરે લેવાની પ્રક્રિયા છે. માટે પહેલાં લુંચન પછી કરેમિ ભંતે રૂપ શબ્દ શક્તિપાત.
તો એ જે બ્રહ્મરંદ્ર છે, આપણું એની નીચે સહસ્રાર છે. પછી કરેમિ ભંતે રૂપ શબ્દ શક્તિપાત. તો એ જે બ્રહ્મરંદ્ર છે આપણું એની નીચે સહસ્રાર છે- હજાર પાંખડીવાળું કમળ. જે જન્મો-જન્મોથી મૂરઝાયેલું- બીડાયેલું પડેલું છે. ત્રણ રીતે એ કમળ ખીલે છે. પહેલી વાત તો હમણાં કહી એ; સદ્ગુરુએ શબ્દ શક્તિપાત કર્યો અને એ શબ્દ એવી રીતે તમારા અસ્તિત્વમાં ગયા, કે શબ્દ સીધા કાનમાંથી ઉપર ગયા. એટલે સહસ્રાર ને એમણે ભેદી નાંખ્યું. બીજી વાત એ છે; કુંડલીની શક્તિનું ઉત્થાન થાય, અને નીચેથી કુંડલીની શક્તિ ઉપર જાય, આજ્ઞા ચક્રથી પણ ઉપર જાય, સહસ્રારમાં જાય, ત્યારે સહસ્રાર જે છે, એ ખીલી ઉઠે. અને ત્રીજી વાત સદ્ગુરુ આશીર્વાદ આપે, ત્યારે તમારું સહસ્રાર ખીલી ઉઠે.
તો આપણી વાત એ હતી; શબ્દ અનુભવ ત્યાગ. અને નાદ અનુભવ ત્યાગ પણ ખરો. માત્ર ગુરુ ચેતના દ્વારા જે શબ્દો મળે છે, એ શબ્દોને તમારે તમારા અસ્તિત્વમાં મૂકી દેવા છે. અત્યાર સુધી કર્યું શું? ગુરુ ચેતનાના શબ્દો હવામાં વિખેરાઈ ગયા, એટલે તમે કંઈ બોલેલા હતા, એ મનમાં રહી ગયું બધું…! મારી અને તમારી વચ્ચે અંતર છે ને થોડું, ૧૦-૧૫ ફૂટનું અંતર છે ને વચ્ચે હવા છે; એટલે મારા શબ્દો હવામાં વિખેરાઈ જવાના કે ત્યાં સુધી પહોંચવાના? અહીંયા જ receptivity જોઇશે. આખી જ આપણી સાધનાનું મૂળ કેન્દ્ર receptivity છે. સદ્ગુરુ તો દિલ દઈને શબ્દો આપશે. તમને લોકોને ત્રણ-ત્રણ વખત વાચના અપાય છે. સદ્ગુરુઓ દિલ ખોલીને તમને આપી રહ્યા છે. But have you the receptivity? તમારા લોકો પાસે receptivity છે? એ શબ્દો ભીતર ઘુસી જાય છે? મેં પહેલાં પણ કહેલું, કે અમારું throwing એવું હોય છે, કે જે unconscious સુધી પહોંચી જાય. અમારે તમારા અસ્તિત્વ સુધી આ પ્રભુના શબ્દોને પહોંચાડવા છે. એના માટે ગુરુ ચેતનાના શબ્દોને લેવા માટેની પણ એક તડપન. જેમ સ્વાનુભૂતિની તડપન છે, એમ ગુરુ ચેતનાના શબ્દોને લેવાની પણ તડપન હોય. કારણ ગુરુ ચેતનાના શબ્દો મળશે, તો સ્વાનુભૂતિનો માર્ગ સ્પષ્ટ થશે.
ગુર્જિયેફ આજના યુગના યોગાચાર્ય હતા ! એકવાર શિષ્યોએ પૂછ્યું; સાહેબ! પ્રવચન આ રવિવારે આપશો? રોજ પ્રવચન આપતાં નહોતા. આ રવિવારે પ્રવચન આપશો? ગુર્જિયેફ કહે છે; જોઈએ ! હા નથી પાડતાં, જોઈએ. માત્ર જોઈએ એટલુ કહ્યું, ૧૦૦ માઈલ સુધી ફોન- બોન લાગી ગયા, કે સાહેબ કદાચ બોલશે, કદાચ બોલશે! ૪૦૦૦ હજાર માણસ સવારે ૮ વાગે આવી ગયું. પંડાલ આખો ભરાઈ ગયો. અને ગુર્જિએફ ને કહેવામાં આવ્યું સાહેબ! ૪૦૦૦ હજાર માણસ તમને સાંભળવા ભેગું થયું છે. નહિ, આજે પ્રવચન નહિ થાય. બીજો રવિવાર ફરી પૂછ્યું સાહેબ ! જોઈએ! ૩૦૦૦ હજાર લોકો આવ્યા તો પણ. ગુરુએ ના પાડી, નથી બોલવું. પાંચમાં રવિવારે એક હજાર માણસ આવેલું અને ગુર્જિએફ જે બોલ્યા છે દિલ ખોલીને, એ હજાર માણસોને લાગ્યું, કે આપણે પાંચ રવિવાર સુધી આવ્યા, અને ચાર રવિવાર નકામા ગયા, આ રવિવારે ગુરુએ આપણને એટલું બધું આપ્યું છે કે આપણો જન્મારો સાર્થક થઇ જાય!
મેં હમણાં એક શહેરમાં પ્રવચન આપતાં કહેલું, કે ભાઈ તમને પ્રવચનની તલપ છે એવું માનવું? તમારા સમયે અમારે પ્રવચન આપવાનું કે અમારા સમયે તમને પ્રવચન આપવાનું? પછી મેં કહ્યું એક આપણે અખતરો કરીએ, રવિવારનો દિવસ છે, ઓફીસ તો છે નહી તમારે, રવિવારના દિવસે હું કહી દઉં કે હું કલાક-દોઢ કલાક પ્રવચન આપીશ નક્કી, સમય નક્કી નહિ. સોમ થી શનિ સુધી ભલે તમે કહો એ પ્રમાણે આપી દઉં. રવિવાર માટે સમય નક્કી નહિ. સવારના ૮ થી સાંજના ૬ સુધીમાં ગમે ત્યારે એક કલાક આપી દઉં. મેં કહ્યું; મને કેટલા શ્રોતાઓ મળે? અને એ જે શ્રોતા હોય, સાચી તલપવાળા હોય. એ ૮ વાગે એટલે આવી જાય નવકારશી કરીને, ટીફીન મંગાવી લે ત્યાં, ૧૨ વાગ્યા સુધી પ્રવચન નથી થયું તો, બાજુમાં જઈને ટીફીનનું રોટલી શાક ખાઈ લે. ત્યાં ને ત્યાં જ, સદ્ગુરુદેવ જ્યારે બોલે, ત્યારે એમનો શબ્દ મને મળવો જોઈએ. તો તમારા શબ્દના અનુભવનો ત્યાગ. અનાહત નાદના અનુભવનો પણ ત્યાગ. માત્ર ગુરુ ચેતનાના જે શબ્દો છે, એને અસ્તિત્વમાં ઉતારો. તો પદાર્થોના સ્તર પર આપણે આ વાત જોઈ. શબ્દના સ્તર પર જોઈ.
હવે વિચારના સ્તર પર. સૌથી મોટું વળગણ તમને તમારા વિચારોનું છે. હું આમ માનું છું! દુનિયામાં સૌથી યુદ્ધો થયા ને તો માત્ર વિચારોને કારણે જ થાય છે. સામ્ય વાદ અને મૂડી વાદ. એક-એક વ્યક્તિના વિચાર. આમ જ જે છે, એ ન થઇ શકે. પેલો કહે આમ જ થઇ શકે. લડાઈ ચાલુ. લાખો લોકો ખતમ થઇ જાય. કરોડો ખતમ થઇ જાય. વિચારોને કારણે જેટલી લડાઈઓ થઇ છે ને, એવી લડાઈઓ બીજા કોઈના કારણે નથી થઇ. એ વિચાર ઉપર આપણે નિયંત્રણ મુકવું છે !
એટલે વિચાર પણ પુદ્ગલ છે, અને એના અનુભવનો પણ ત્યાગ કરવો છે. કઈ રીતે? એના માટે ત્રણ ચરણ તમને બતાવું.
પહેલું ચરણ તો એ છે, કે પ્રભુના કોઈ મજાના શબ્દો ઉપર તમે ચિંતન કર્યું તો એ વખતે તમારી બુદ્ધિ શક્તિ ઉપર ભાર નહિ આપતાં, તમારી વૈચારિક શક્તિ ઉપર ભાર નહિ આપતાં, પ્રભુના શબ્દો જ એટલા મજાના હતા કે આટલો સરસ વિચાર થઇ ગયો. પ્રભુના શબ્દો જ મજાના હતા, તમે વિચાર કર્યો, એની મહત્તા નથી; પ્રભુના પ્યારા પ્યારા શબ્દો તમને મળ્યા, એ મહત્તાની વાત છે. એટલે તમારા વિચારો ઉપર તમને અહંકાર ક્યારેય ન આવે. હું ઘણીવાર કહું છું કે અમે લોકો પ્રવચનને અંતે શબ્દમાં બોલીએ કે અશબ્દમાં બોલીએ, એક વાક્ય બોલવાના, જિનાજ્ઞા વિરુદ્ધ બોલાઈ ગયું હોય તો મિચ્છામી દુક્કડમ્. એનો એક અર્થ તમારા ખ્યાલમાં છે. બીજો અર્થ પણ એક મજાનો છે. પ્રવચનકાર મહાત્મા એમ કહે છે, કે જો હું પ્રભુની આજ્ઞા પ્રમાણે બોલ્યો હોઉં ને તો તે મજાનું જ હોય, એ મધુર જ હોય; પણ મારી બુદ્ધિ વચ્ચે ઘુસી ગઈ હોય, અને પ્રભુએ કહેલા પદાર્થોનું interpretation મેં મારી બુદ્ધિથી કર્યું હોય, તો ઢાળ આખો બગડી ગયો હોય તો મિચ્છામી દુક્ક્ડમ્. એપલ છે – સફરજન, અને એ મહેમાનને આપવાનું છે, ખાલી છાલ ઉતારી નાંખવાની છે. બીજું કંઈ કરવાનું છે નહિ. તો તુરિયા કે ટામેટાનું શાક છે, વઘાર કરતાં ન આવડે તો બગડી જાય. એમ પ્રવચનકાર મહાત્મા કહે છે, કે પ્રભુની આજ્ઞાને એ જ સ્વરૂપમાં inverted comma ની અંદર મેં જો મૂકી હોત ને તો તે મધુર જ હોય. પણ વચ્ચે મારી બુદ્ધિ પ્રવેશી ગઈ હોય, અને મારી બુદ્ધિએ ક્યાંય interpretation આપ્યું હોય, તો એનું મિચ્છામી દુક્કડમ્. એટલે તમારે પણ આ વિચારવાનું છે, પ્રભુની આજ્ઞા જ મધુર મધુર છે. અને પ્રભુની આજ્ઞા ઉપર ચિંતન થયું, એ પણ પ્રભુની કૃપાથી, પ્રભુના ચરણોમાં એ ચિંતનને પણ મૂકી દો.
હવે બીજી વાત વિચારોના સ્તર પર, કે વિચારો પર અત્યારે તમારું નિયંત્રણ નથી. આપણી છે ને એક મજાની સાધના છે, અષ્ટપ્રવચનમાતાની, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ. એમાં મનોગુપ્તિ એટલે શું? મન પરનું નિયંત્રણ. વિચારો પરનું નિયંત્રણ. મનોગુપ્તિનો મતલબ એ છે, કે સાધક પ્રભુને સંમત ન હોય એવો એક પણ વિચાર પોતાના મનમાં લાવી ન શકે. એક વ્યક્તિ પ્રત્યે, એક સેકંડ માટે તમને તિરસ્કાર થયો. તો મનોગુપ્તિ તમારી ખંડિત થઇ ગઈ. આ તો શુભ મનોગુપ્તિની વાત કરું છું હો… શુદ્ધ તો હજી આગળની વાત છે. શુભ મનોગુપ્તિ પણ ખંડિત થઇ જાય. પ્રભુએ કહ્યું છે એ જ ભાવમાં મારે રહેવાનું છે, પ્રભુને સંમત ન હોય એવો એક પણ વિચાર મારું મન કરી ન શકે. આવી રીતે આપણે ગુપ્તિની સાધના કરેલી હોય, તો આપણું મન આપણા નિયંત્રણમાં હોય. પણ એ ગુપ્તિ સાધના નથી થઇ, માટે મન તમારા નિયંત્રણમાં નથી આજે. અને એથી કરીને અશુભ નિમિત્તો મળતાં અશુભ વિચારો આવી જાય છે. જમવા બેઠા સ્વાદિષ્ટ વસ્તુ હતી; આસક્તિ થઇ ગઈ. કોઈએ તમને કંઈ કહ્યું, તમે બરોબર નથી, ગુસ્સો આવી ગયો !
તો હવે આવી રીતે નિમિત્તોને કારણે જે રાગ-દ્વેષ વિગેરે વિચારોમાં છલકાય છે, એનું શું કરશો? ત્યાં આગળ પણ પુદ્ગલ અનુભવ ક્યાંક તો કરવો જ છે. કઈ રીતે કરશો? તો એ વખતે પ્રકિયા એ આપી કે વિચારોમાં ભાઈ તું ભળ નહિ, વિચારોને ખાલી જો ! વિચારોમાં ભળવાનું નથી, વિચારોને જોવાના છે. ઘણો બધો ફરક પડી જાય ખબર છે? ૫૦ કિલોમીટર દૂર પહાડ પર આગ લાગી ગઈ છે, જંગલ સળગી રહ્યું છે ! તમે ૫૦ કિલોમીટર દૂરથી આગને જોઈ શકો છો. પણ એ આગ તમને ગરમી આપી શકે? ૫૦ કિલોમીટર દૂર રહેલી આગ તમને ગરમી આપશે? પણ તમે એકદમ એની નજીક ગયા તો…? ગરમી લાગશે. એટલે ૫૦ કિલોમીટર દૂરી એટલે શું થઇ ગયું? આગ દેખાય છે ખરી ! આગની અસર નથી. સમજ્યા બરોબર? આગ દેખાય છે, આગની અસર નથી. તમે એકદમ નજીક ગયા, એકદમ શરીર તમારું touch થઇ જાય એ રીતે, તો પછી તમને બળતરા થશે. એકદમ ગરમી ગરમી લાગશે!
તો વિચારોને જોવા એટલે શું? વિચારો દૂરની ઘટના છે, તમે દૂર છો. તમે જ્યોતિર્મય તત્વ છો. વિચાર પૌદ્ગલિક ઘટના છે. તમારે અને વિચારોને ન્હાવા નિચોવાનો સંબંધ ક્યાં છે? આ ક્યાંથી સંબંધ લઈને બેસી ગયા છો? વિચાર તમારું સ્વરૂપ છે? સિદ્ધશિલા ઉપર જવાના ત્યારે મન લઈને જવાના? વિચાર, વિચાર, વિચાર પણ શેનો વિચાર? અને આવી ગયો વિચાર, તો જોઈ લો. ૫૦ કિલોમીટર દૂર રહેલી આગને જોઈ, તો જોઈ લો. તો એની અસર મને થતી નથી, હું જોઈ શકું છું. એમ મારા વિચારમાં રાગ-દ્વેષ ભળેલા છે, એટલે જોઈ શકું છું, પણ એ રાગ-દ્વેષ મારી ચેતનાની અંદર પ્રતિબિંબિત થતાં નથી?
એના માટે એક નાનકડો પ્રયોગ તમને બતાવું ! બે મન તમારી પાસે છે, આમ તો ઘણા બધા મન છે, conscious, subconscious, unconscious પણ આપણે બે મોટા મનની વાત કરીએ, એક સંજ્ઞાવાસિત મન. એક આજ્ઞાવાસિત મન. સંજ્ઞાવાસિત મન, જ્યારે તમે જમવા બેઠા છો ત્યારે સક્રિય બનશે ! આ બહુ ટેસ્ટી છે હો, આજે તો બહુ મજા આવી ગઈ. એટલે સંજ્ઞાવાસિત મન તમને આસક્તિમાં લઇ જશે. એ વખતે જો આજ્ઞાવાસિત મન જો તમારી પાસે હોય, આજ્ઞાવાસિત મન તમને કહેશે કે ભાઈ! ખાવું એ ખાઈ લે, આ આસક્તિમાં શા માટે તું જાય છે? આસક્તિ કરીને તું કર્મબંધ કરે છે. રોટલી અને શાક કર્મબંધ નથી કરાવતા, બરોબર યાદ રાખો. રોટલી અને શાકમાં કર્મબંધ કરાવવાની કોઈ તાકાત નથી. કર્મબંધ કરનાર તમે છો. તમે એમાં રસાસ્વાદ લો છો ! tasty, tasty કહો છો, એના કારણે તમને કર્મબંધ થાય છે. રોટલી અને શાક બિલકુલ નિરુપદ્રવી છે. બિલકુલ બિનગુનેગાર. Even સારામાં સારી મીઠાઈ પણ બિનગુનેગાર છે. ગુનેગાર તમે છો ! તમે એમાં આસક્તિ કરી નાંખો છો.
હમણાંના એક મહાત્માની વાત કરું તમને, એ મહાત્મા રાજસ્થાનના એક ગામમાં હતા, નિર્દોષ ગોચરીના ખપી! એકાસણું કે આયંબિલ કરે, અવટ્ઢ ના પચ્ચ્ક્કખાણે! ત્યાં સુધી પાણી પણ વાપરવાનું નહિ, ઉનાળો હોય તો પણ! હવે નિર્દોષ ગોચરી લાવવી છે, જૈનોના ઘર થોડા હતા અને સાધુ – સાધ્વી વધારે હતા. તો હિંદુ ભાઈઓને ત્યાં જાય. ૧૨-૧૨.૩૦ જ્યારે રોટલા થતાં હોય ત્યારે, અને લુખ્ખા રોટલા વહોરીને લાવે ! એ લુખ્ખા રોટલા એક-બે કે ત્રણ જે લાવેલા હોય એમાં પાણી નાંખી દે. ૧૨ વાગે લાવેલા રોટલા ૪ વાગે અવટ્ઢનું પચ્ચક્ખાણ થાય, પારે, પછી વાપરે ! ઠંડા રોટલા પાણીમાં નાંખેલા વાપરે. છતાં એમને લાગ્યું કે આમાં મને આસક્તિ થાય છે ! અને એમણે શું કર્યું? સુદર્શન ચૂર્ણ વહોરે, સુદર્શન ચૂર્ણ એ પાત્રીમાં નાંખે, એમાં પાણી નાંખે, એટલે એકદમ કડવો કડવો ડુવો થઇ જાય, એમાં રોટલા નાંખે. એટલે રોટલાના અણુ અણુની અંદર કડવાશ પહોંચી જાય. અને એ રોટલો પોતે વાપરી જાય. દેહને તો માત્ર અનાજ જ જોઈએ છે ને… આસક્તિ કોને જોઈએ છે? તમે કહેશો જીભને ! ના, જીભને નહિ, તમારા મનને જોઈએ છે. જીભ પણ ગુનેગાર નથી. યાદ રાખો એક પણ ઇન્દ્રિય ખરેખર ગુનેગાર નથી. ગુનેગાર તમારું મન છે. આંખ છે ને શું કરે ખબર છે તમને? આંખને કેમેરા છે, કેમેરામાં ફોટો પાડી આપે, એમ આ આંખ જે છે ને એ અંદર દ્રશ્ય મોકલશે; આ આવું દ્રશ્ય છે, interpretation તમારું મન કરે છે; અને એ મન કહે છે કે આ સારું છે આ ખરાબ છે. એકદમ ગોરો ગોરો માણસ દેખાયો, અંદર એનું પ્રતિબિંબ પડશે, તમે કહેશો સરસ બાળક છે એકદમ! કાળું દેખાશે તમને સહેજ નારાજગી થશે! કંઈક સારું સારું દેખાશે, પ્રતિબિંબ પડશે અંદર, તમે કહેશો કે આ સારું છે !
હવે એક બહુ મજાની વાત તમને પૂછું? સારું અને ખરાબની વ્યાખ્યા કોણ કરે?
સૌંદર્ય ઉપર હમણાં એક ફિલોસોફરે ૨૦૦ પાનાનું પુસ્તક લખ્યું છે. અને ૨૦૦ પાનાંમાં સૌંદર્યની ચર્ચા કર્યા પછી છેલ્લે લખ્યું કે સૌંદર્ય અવ્યાખ્યાયી છે, beyond the words છે. સૌંદર્ય એટલે શું? ભારતીય માણસો જે છે એ ગોરી ચામડી જે છે એની સારી માનશે, કાળી ચામડીને સારી નહિ માને. પણ અમેરિકનો ની ગોરી ચામડી તમને સારી લાગશે બોલો? અને અમેરિકન જેવી ગોરી ચામડીવાળો માણસ અહીંયા આવશે તો પણ ગમશે ! કેમ? તમારા મનની પણ એક છેતરપીંડી છે આ, એક માસ હિપ્નોટીઝમ તમારા ઉપર થયેલું છે. આ સારું કહેવાય અને આ ખરાબ કહેવાય. નાનપણથી સમજાવવામાં આવ્યું, એ પ્રમાણે તમારું મન તૈયાર થયું. ઇન્દ્રિયો પણ ગુનેગાર નથી. મન પણ ખરેખર ગુનેગાર નથી ! મનને ખોટી રીતે treat કરવામાં આવેલું છે કે આ સારું કહેવાય અને આ ખરાબ કહેવાય. એટલે શબ્દ તો શબ્દ જ છે. તમે સારા છો એ શબ્દ કોઈ કહે કે તમે ખરાબ છો કોઈ શબ્દ કહે, ફરક શું પડે આમાં? શબ્દ પૌદ્ગલિક ઘટના છે, એની અસર શું થાય? અસર શું થાય? શબ્દ શબ્દ છે. તમે એમ કહો છો કે આ મને સારો કહ્યો. મને સારો કહ્યો; એટલે અહંકાર. મને ખરાબ કહ્યો; માટે ગુસ્સો ! હવે પકડો હું એટલે કોણ? મને ખરાબ કહ્યો. હું કોણ છું? હું કોણ? આ ગરબડ મોટી હું માં છે. માત-પિતાએ આપણને શરીર આપ્યું ! સોસાયટીએ આપણને નામ આપ્યું અને આપણે આ શરીર અને નામ ના શંભુ મેળા ઉપર, હું નું લેબલ ચીટકાળી દીધું! માત-પિતાએ શરીર આપ્યું, સમાજે નામ આપ્યું, નામ જરૂરી હતું, આટલો મોટો સમાજ છે, identity કેવી રીતે સ્થાપિત કરવી? હોસ્પિટલમાં તમે જાવ, તમે નંબર માં ફેરવાઈ જશો. પેશન્ટ નંબર ૪૫. ત્યાં એ રીતે identity ની વ્યવસ્થા છે. સમાજમાં identity, નામથી થાય છે, તો સમાજે તમને identity માટે નામ આપ્યું છે. Identity માટેની વસ્તુને તમે ego માટે વાપરી નાંખી? બોલો? સમાજે શેના માટે આપ્યું? Identity માટે ! એક ઓળખ, એક પરિચય થાય તમારો, તમે એને તમારા અહંકારનું સાધન બનાવી નાંખ્યું? તો શરીર ને નામ એનું એક મિશ્રણ એના ઉપર તમે હું નું લેબલ ચીપકાળી દીધું. તમને લાગે છે કે આ બરોબર થયું છે આમ? આ નામ રહેવાનું નથી. આ શરીર રહેવાનું નથી. તમે રહેવાના છો ! તમે આનંદઘન હું છો !
એક ઝેન સ્કુલમાં એક સમારોહ હતો. ઘણા બધા મહેમાનો આવેલા. students બધા સામે બેઠેલા, મહેમાનો સ્ટેજ પર હતા. ભાષણો ચાલતા હતાં. એક અતિથિએ જોયું, કે દરેક students જે ખમીસ પહેરીને આવે ને શર્ટ, એના ઉપર id card હતો. એટલે I-card તો તમારી ઘણાની પાસે છે, તમે લટકાવીને ફરો છો. આ મૌન સાધક ક્યાં સુધી આમ? ગળા સુધી, છાતી સુધી કે અંદર? આ અમારા સુધીરભાઈએ આપેલો card છે ને અહીં સુધી રહેવાનો! હું I-card આપું એ અંદર જશે; બિલકુલ મૌનમાં ડૂબી જાવ. તો દરેક students ના શર્ટ પર I-card હતું. Choiceless, mindless, nameless, આટલું જ. દરેક students ના I-card માં એક જ વસ્તુ લખાયેલી છે. Choiceless, mindless, nameless. ઝેન સ્કુલ હતી અને ત્યાં વિભાવ શૂન્યતા ઉપર જ ભાર મુકાય છે. એટલે choiceless તમે ઈચ્છા વિહીન છો! Mindless આ મન પણ જે છે એ તમે નથી. Nameless આ નામ તમે નથી. એ અતિથિ પ્રભાવિત થયા ! કે વાહ ! ઝેન સ્કુલ છે પણ ખરેખર એ લોકોએ I-card સુધી પણ એ પોતાનું આ તત્વજ્ઞાન વિસ્તાર્યું છે !
સમારોહ પૂરો થયો, એ અતિથિ જઈ રહ્યા છે, બધા students ઉભેલા હતા. છેલ્લી હારમાં એક student હતો, એના શર્ટ પર I-card નહોતું. એટલે મહેમાને પૂછ્યું; જરાક અટક્યા મહેમાન… કે where is your I-card? કેમ તે I-card નથી રાખ્યું? એણે પોતાના ખિસ્સામાંથી પડીકી કાઢી ! અતિથિ ને નવાઈ લાગી કે હું I-card નું પૂછું છું, અલ્યા પડીકી કાઢે છે! એણે પડીકી ખોલી ! સ્મશાનમાંથી લાવેલી રખિયા પડીકીમાં ! એણે કહ્યું; સર! મારું I-card ગુમ થઇ ગયું છે, એટલે મેં આ ખિસ્સામાં રાખ્યું છે કે હું આખરે સ્મશાનની રાખમાં ફેરવાવાનો છું! એટલે આ ‘હું’, ‘હું’ નથી. હું આનંદઘન હું છું. હવે બોલો, આ હું તમે થઇ જાઓ. તો મને કીધું એ વાત આવશે? આને કીધું! કોને કીધું? શરીરને કીધું! તમને ક્યાં કીધું છે કંઈ ! તમે તો આનંદઘન આત્મા છો !
તો વિચારોના સ્તર ઉપર પણ વિચારોના અનુભવનો ત્યાગ કરવો છે. એટલે તમને સરસ અનુપ્રેક્ષા થઇ તો પ્રભુના ચરણોમાં મૂકી દો અને ત્યાગ કરી દો ! એનામાં અહંકાર નહિ કરો કે મેં સરસ અનુપ્રેક્ષા કરી! પછી વિચારો આવી ગયા કોઈક અશુભ તો એને જોઈ લો ! અને જોઇને એનો ત્યાગ કરો ! વિચારો જોવાયા ખરા ! એનો અનુભવ અંદર નહિ આવે રાગ -દ્વેષનો. આસક્તિ કે ક્રોધ રૂપે એનો અનુભવ તમારી પાસે નથી એટલે શું થયું? તમે વિચારના અનુભવનો ત્યાગ. હવે આ અનુભવનો તમે ત્યાગ કરો તો શું થાય? તમે નિર્વિકલ્પ – નિર્વિચાર બની શકો !
અને કયો સાધક કેવી રીતે નિર્વિકલ્પ બને એની વાત યોગશાસ્ત્રના ૧૨માં પ્રકાશમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યએ આપણને બતાવી છે. યોગશાસ્ત્ર આપણે ત્યાં વંચાય છે. પણ પહેલા પ્રકાશે, બીજા પ્રકાશે, ત્રીજા પ્રકાશે ગાડી ઠપ થઇ જતી હોય છે. ૧૨મો પ્રકાશ ખાસ વાંચો ! એમાં એમણે શરૂઆતમાં લખ્યું છે; હેમચંદ્રાચાર્યએ કે ગુરુગમથી જે મળેલું હતું, શાસ્ત્રો દ્વારા જે મળેલું હતું એ મેં ૧૧ પ્રકાશમાં બતાવ્યું છે. હવે સ્વાનુભવથી મળેલું છે, એ હું ૧૨માં પ્રકાશમાં કહું છું. એટલે કલિકાલ સર્વજ્ઞની પોતાની સ્વાનુભૂતિ ૧૨માં પ્રકાશમાં ઝલકે છે. એમાં એક મજાનો શ્લોક એમણે આપ્યો છે; કહો કે એક સાધનાસૂત્ર, કે જે આપણને નિર્વિકલ્પતાની દિશામાં આગળ મુકે! અને એ રીતે વિચારના અનુભવનો ત્યાગ આપણને થાય. એ યોગશાસ્ત્રનો શ્લોક આપણે આવતી કાલે જોઈશું. આજે થોડું નિર્વિચાર બનવા માટે ધ્યાન કરી લઈએ.
