Maun Dhyan Sadhana Shibir 14 – Vanchan 4

4 Views
22 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

Subject : એક તુજ આણ લહે થકે રે…

  • પ્રભુની આજ્ઞા વગરની વ્યવહાર સાધના નિશ્ચયમાં પરિણત થતી નથી.
  • પ્રભુની કૃપાથી જ પ્રભુની આજ્ઞા મુજબની સાધના મળે અને તેના પ્રત્યે તીવ્ર આદર થાય (દર્શનમોહનીયનો ક્ષયોપશમ).
  • પ્રભુની કૃપાથી જ તે સાધના થાય અને એનો આનંદ પ્રાપ્ત થાય (ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ).

મૌન ધ્યાન સાધના શિબિર ૧૪ – તલેગાંવ વાચના – ૪ (સવારે)

પરમતારક દેવાધિદેવ શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના ચરણોમાં બેસીને એમણે જ આપેલી સાધનાનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. સ્વાધ્યાય પણ કરવો છે. અને પ્રભુએ આપેલી સાધનાની અનુભૂતિ પણ કરવી છે. પ્રભુની સાધના પદ્ધતિ પર ઓવારી ગયેલો હું સાધક છું.

વિશ્વની તમામ પ્રમુખ સાધના પદ્ધતિઓનો સ્વાધ્યાય મેં કર્યો છે. અને એ પછી ડંકા ની ચોટ પર એક અધિકારી વિદ્વાનના રૂપમાં હું કહી શકું કે પ્રભુની સાધના પદ્ધતિમાં વ્યવહાર અને નિશ્ચયનું જેવું balancing છે, એવું balancing કદાચ દુનિયાની કોઈ પણ સાધના પદ્ધતિમાં નથી. ક્યાંક તમને વ્યવહારનું format મજાનું દેખાશે. પણ નિશ્ચયની વાતો હવાઈ હશે. ક્યાંક નિશ્ચયનું આછુંશું format દેખાય અને વ્યવહારનું format હોય જ નહિ. આ જ પ્રભુની સાધના પદ્ધતિ આપણને મળી છે. જ્યાં વ્યવહાર અને નિશ્ચયનું પૂરેપૂરું balancing છે. અદ્ભુત વ્યવહાર સાધના પદ્ધતિ.

એક મુનિરાજને જુઓ, એક સાધ્વીજી ભગવતીને જુઓ લાગે કે વ્યવહાર સાધના પણ કેટલી શ્રેષ્ઠ એમની પાસે છે. અને એ વ્યવહાર સાધના સીધી જ નિશ્ચયસાધનામાં રૂપાંતરિત થાય છે. ૩ – ૪ વાચનામાં આપણે એ વાત જોઈ કે આપણી વ્યવહાર સાધના નિશ્ચય સાધનામાં રૂપાંતરિત થાય જ. પણ અત્યારે આપણી વ્યવહાર સાધના નિશ્ચય સાધનામાં રૂપાંતરિત નથી થતી. તો આપણે ક્યાં ચુક્યા છીએ? ૩ તત્વોની વાત આપણે કરી રહ્યા છીએ… પહેલી વાત આપણી વ્યવહાર સાધનામાં પ્રભુ કૃપાનો સ્વીકાર આપણે ઉમેરવાનો છે. સાધનામાં એક ઇંચ, એક સેન્ટીમીટર તમે ચાલ્યા પ્રભુની કૃપા. સાધનામાર્ગમાં ગતિ માત્ર પ્રભુ છે.

એકવાર વાચનામાં એક ભાવકે મને પૂછેલું કે ગુરુદેવ! સાધના તો અમે કરીએ છીએ, પ્રભુની કૃપા. પ્રભુએ શાસન સ્થાપ્યું, સાધના પદ્ધતિ આપી. ગુરુપરંપરા દ્વારા અમારી પાસે એ આવી. પણ એ સાધના ને કરનાર તો અમે છીએ ને… તો માત્ર અને માત્ર પ્રભુ કૃપાને જ credit કઈ રીતે આપી શકાય? બુદ્ધિજીવી સાધક હતો. અને આ સવાલ તમને પણ થઇ શકે. મેં તમને સોલ ભત્તા નું પચ્ચક્ખાણ આપ્યું. પચ્ચક્ખાણ આપીને હું નવકારશી નું પચ્ચક્ખાણ પારીને વાપરવા માટે ગયો. સોલ ભત્તું તો તમારે કરવાનું છે ને! હું તો નવકારશી વાપરવા બેસી ગયો.

પ્રભુએ સાધના પદ્ધતિ આપી, સદ્ગુરુ દ્વારા એ મને મળી. પણ એ સાધના ને આચરનાર તો હું છું. તો પુરી credit પ્રભુને કેમ જાય? એ વખતે મેં એને એક example આપ્યું. મેં કહ્યું: એક ભાઈ એને અસાધ્ય વ્યાધિ થયેલો, કેટલાય ડોકટરો પાસે જઈ આવ્યો. કેટલાય વૈદ્યોની દવા લીધી. પણ દર્દ ટસ નું મસ ન થાય. કંટાળી ગયો એ. એમાં એક જાણકાર વ્યક્તિ મળ્યો. એણે કહ્યું એક વૈદ્યનું તને નામ આપું. બહુ જ નિષ્ણાંત છે. અને મને સ્પષ્ટ લાગે છે કે તું જો એમની દવા કરીશ તો તું સ્વસ્થ બની જ જવાનો. એ ભાઈ પેલા વૈદ્ય પાસે ગયા. વૈદ્યે દવા આપી. ચરી પાળવાની કહી. છ મહિના સુધી લગાતાર એની દવા પેલા ભાઈએ લીધી. છ મહિના ને અંતે નખમાં પણ દર્દ ન રહ્યું. બિલકુલ સ્વસ્થ એ બની ગયો. છ મહિના પછીની એક સવારે એ ભાઈને ત્યાં એનો એક મિત્ર આવ્યો. મિત્ર તો આને જોઇને નવાઈમાં પડી ગયો. ક્યાં મારો આ મિત્ર! વર્ષ પહેલા જોયેલો સાવ શરીર સુકલકડી થઇ ગયેલું. આજે રુષ્ટ પુષ્ટ શરીર બની ગયું છે. એ વખતે મિત્રએ પૂછ્યું: આટલી સ્વસ્થતા કઈ રીતે તમને મળી. એ વખતે પેલા ભાઈ શું કહે? મેં દવા લીધી માટે હું સાજો થયો એમ કહે? મેં ચરી પાળી. વૈદ્યે કહેલું સવારે લુખ્ખો ખાખરો અને black tea, બપોરે કારેલાનું શાક બાફેલું અને લુક્ખી રોટલી, સાંજે લુખી ખીચડી ઘી વગરની અને થોડું દૂધ. આ ચરી મેં પાળેલી માટે હું સાજો થયો, એમ કહે કે વૈદ્ય મળી ગયા માટે હું સાજો થયો એમ કહે! તમે જ હોવ તો શું કહો? તમે credit તમારા ઉપર નાંખો કે વૈદ્ય ઉપર નાંખો. કારણ દવા તો ઘણી બધી ખાધેલી. વર્ષોથી દવા ખાતો આવેલો. પણ આ વૈદ્ય નું જે vision એ vision કામ કરી ગયું. અને એટલે એ વ્યક્તિ કહે છે મને સ્વસ્થ બનાવનાર આ ઉપકારી વૈદ્ય છે.

એ જ રીતે વર્ષોથી આપણે સાધના કરતાં હતા, result મળતું નહોતું, પ્રભુની સાધના મળી result મળ્યું. Credit ક્યાં જાય. માનવિજય મ.સા. એ પરમતારક અનંતનાથ ભગવાનના સ્તવનમાં આની ચર્ચા કરી છે. બહુ પ્યારા શબ્દો છે – તપ જપ કિરિયા મોગ રે, ભાંજી પણ ભાંગી ન જાય, એક તુજ આણા લહે થકે રે, હેલામાં પરહી જાય” પ્રભુને ભક્ત કહે છે – કે પ્રભુ! તારી અને મારી વચ્ચે અંતર કેટલું? કેટલું અંતર? પ્રભુની પાસે જે છે એ જ મારી પાસે છે. અને એ જ તમારી પાસે છે. પ્રભુએ સ્વસત્તાનો ઉઘાડ કર્યો. પ્રભુના અનંત ગુણો પ્રગટ થયા. આપણી પાસે એ જ અનંતા ગુણો છે. એ જ સ્વરૂપ દશા આપણી પાસે છે. માત્ર એ ઢંકાયેલી છે. સત્તા રૂપે પ્રભુમાં અને આપણામાં કોઈ ફરક નથી. અને એટલે શક્રસ્તવ માં છેડે કહ્યું “યો જિન: સોહમેવ ચ” પ્રભુ જેવો તું છે એવો જ હું છું. સત્તા રૂપે આપણામાં અને પ્રભુમાં કોઈ ફરક નથી. ફરક ક્યાં પડ્યો? પ્રભુએ સ્વરૂપદશાનો ઉઘાડ કર્યો. આપણે પણ કરવો છે. તો એક કર્મની ભીંત આપણને નડે છે. જેના કારણે સ્વસત્તાનો ઉઘાડ થતો નથી. ત્યાંથી માનવિજય મહારાજે સ્તવના ની કડી શરુ કરી – તપ જપ કિરિયા મોગ રે, ભાંજી પણ ભાંગી ન જાય – એ કર્મની ભીંત તોડવાને માટે તપનો હથોડો લીધો. માસક્ષમણ ઉપર માસક્ષમણ આવી જાવ. ભીંત ન તૂટી એનું પ્લાસ્ટર પણ તૂટ્યું નહિ. જપ લીધું કરોડો વાર નમસ્કાર મહામંત્ર નો જાપ કર્યો. ભીંત તૂટી નહિ. પ્રભુએ કહેલી ક્રિયા કરી પણ સહેજ પણ ભીંતને ઘસરકો પડ્યો નહિ. હવે શું કરવું? તપ જપ કિરિયા મોગ રે, ભાંજી પણ ભાંગી ન જાય, એક તુજ આણા લહે થકે રે, હેલામાં પરહી જાય” એક તારી આજ્ઞાની હથોડી હાથમાં લીધી, ભીંતને touch કરી, ભીંત તૂટી ગઈ. તો ૨ વાત કરી. એક તપ, જપ ક્રિયા. આજ્ઞા વગરની. એક તપ, જપ આજ્ઞા યુક્ત. આજ્ઞા વગરની તપ, જપ અને ક્રિયા ગમે એટલી તમે કરો, એનાથી સ્વસત્તાનો ઉઘાડ થવાનો નથી. પણ જ્યાં આજ્ઞા તમે હાથમાં લીધી એ જ ક્ષણે સ્વસત્તાનો ઉઘાડ ચાલુ થઇ જશે. એ જે ઉઘાડ કરવો છે એના માટે પ્રભુની કૃપા જોઈએ છે. એક પ્રભુની કૃપા મળી ગઈ, આજ્ઞા ધર્મ પ્રત્યે આદર થઇ ગયો. આજ્ઞા ધર્મનું પાલન થયું. ભીંત છૂ, સ્વસત્તા નો ઉઘાડ.

યાદ રાખો પ્રભુની આજ્ઞા પ્રત્યે આદર પ્રભુની કૃપા વિના શક્ય નથી. પ્રભુની આજ્ઞા પર આદર ક્યારે થાય? દર્શનમોહનીયનો ક્ષયોપશમ થાય ત્યારે. અને પ્રભુની આજ્ઞાનું પાલન ક્યારે થાય? ચારિત્રમોહનીય નો ક્ષયોપશમ થાય ત્યારે. એટલે આપણી પરંપરા મોહનીયના ક્ષયોપશમ ઉપર બહુ જ ભાર મૂકે છે.

પાલીતાણામાં વર્ષો પહેલા ગુરુદેવની નિશ્રામાં અમારું ચાતુર્માસ. એ વખતે પૂજ્યપાદ વિદ્વદવર્ય અભયસાગર મ.સા.જી પણ પાલીતાણામાં બિરાજમાન. સાહેબની વાચના ગિરિવિહારમાં બપોરના ચાલતી હતી. અમે લોકો બધા દોડી – દોડીને સાહેબને સાંભળવા એમને પીવા માટે જતા.

એક વાત કહું, જે missionary man હોય છે, એમની પાસે એમનું એક mission નક્કી હોય છે. અને એ mission દ્વારા જ એ હજારો લોકોને પેલે પાર મૂકી દે છે. પંન્યાસજી ગુરુદેવ ભદ્રંકરવિજય મ.સા. પ્રભુની સાધના મને એમના દ્વારા મળી છે. એ મારા સાધના ગુરુ છે. નમસ્કાર મહામંત્ર એમણે એ રીતે સિદ્ધ કરેલો કે જે પણ વ્યક્તિ આવે એને સાહેબ નમસ્કાર મહામંત્ર આપતા. અને સાહેબ નમસ્કાર મહામંત્ર આપે, પેલાનું કામ થઇ ગયું. અભયસાગર મહારાજનું પણ એક mission હતું. અને એથી કરીને એમની mission ની વાત રોજ આવ્યા કરે. તમને ઘણી વાર લાગે કે હું પણ અમુક વાતો repeat કરું છું. પણ એ repeatation જરૂરી હોય છે.

બુદ્ધ ભગવાનના જીવનની વાત આવે છે. કે બુદ્ધ દરેક વાતને ત્રણ વખત કહેતાં. આપણી પણ પરંપરા છે. અમે કરેમિ ભંતે સૂત્ર દીક્ષા વખતે આપીએ, ત્યારે કેટલી વાર આપીએ, ત્રણવાર. મહાવ્રતો સંભળાવીએ, તમને તો એકેક મહાવ્રતને ત્રણ – ત્રણવાર સંભળાવીએ. તો બુદ્ધ એક વાત ત્રણ વાર કહેતાં. એકવાર પટ્ટ શિષ્ય આનંદે પૂછ્યું કે પ્રભુ તમે દર વાત ત્રણવાર repeat કેમ કરો છો. બુદ્ધ હસ્યા… બુદ્ધે કહ્યું – તું ત્રણવારની વાત કરે છે. તમારા જેવા માટે દરેક વાત ૩૦૦ વાર કહેવી જોઈએ.

સદ્ગુરુ તમને કહેશે પણ એ વખતે તમારું ચિત્ત સ્થિર હશે, તો એમાં એ વાત જશે ને! બુદ્ધના જ જીવનની એક ઘટના આવે છે એક મુમુક્ષુ સામે બેઠેલા, બુદ્ધ માટે શું ફરક પડે, હજાર હોય, એક હોય, બે હોય શો ફરક પડે. એક મુમુક્ષુ સામે હતો. બુદ્ધ પ્રેમથી વાચના આપે છે. ૧૫ એક મિનિટ બોલ્યા અને પછી અડધા વાક્યે બોલતા બંધ થયા. વાક્ય પૂરું થયું હોત ને તો તો પેલો પોતાની જાતને બડભાગી માનત, કે આવી વિભૂતિએ મને ૧૫ મિનિટ આપી. પણ બુદ્ધ અડધા વાક્યે બોલતા બંધ થયા. પેલાને થયું કે મારી કોઈ ભૂલ તો થઇ નથી! એટલે એણે પૂછ્યું પ્રભુ! મારી કોઈ ભૂલ થઇ? આપ અડધા વાક્યે બોલતા બંધ થયા. ત્યારે બુદ્ધે કહ્યું કે તું એકદમ એકાગ્ર ચિત્તે મને સાંભળતો હતો. તારું શરીર સ્થિર હતું, તારું મન સ્થિર હતું. તું મારા એક – એક શબ્દને પી રહ્યો હતો. પણ હમણાં મેં જોયું કે તારા જમણા પગનો અંગૂઠો સહેજ હલી રહ્યો છે. અને એટલે મેં બોલવાનું બંધ કર્યું. તારો જમણાં પગનો અંગૂઠો હાલ્યો કેમ? તારું સહેજ મન ત્યાં ગયું તો જ હાલ્યો. શરીરની કોઈ પણ ક્રિયા મનના આદેશ વિના થતી નથી. એટલે તારું મન સહેજ divert થયું. શરીરમાં ગયું. એટલે મેં બોલવાનું બંધ કર્યું. હું ઘણીવાર મારા પ્રવચનમાં કહું કે હું જો આવો નિયમ લઈને બેસું ને તો મંગલાચરણ અને સર્વમંગલ બેય સાથે થઇ જાય.

તો અભયસાગર મ.સા. નું એક mission હતું. એ રોજ અમને કહેતાં કે તમારી સાધના માટે તમે જ્ઞાનાવરણીયના ક્ષયોપશમને મહત્વનો માનો છો કે મોહનીયના ક્ષયોપશમને? સાહેબ એક example આપતા, કે એક મુનિએ ૫૦ ગાથા એક કલાકમાં કરી. જ્ઞાનાવરણીયનો એનો ક્ષયોપશમ થયો. પણ એ વખતે એને અહંકાર થાય. કેવી તીવ્ર મેધા મારી છે કે એક કલાકમાં મેં ૫૦ ગાથા કરી લીધી. તો મોહનીય કર્મ એણે બાંધ્યું. અહંકાર એણે ઉભો કર્યો. તો કમાણી થોડી થઇ નુકશાન મોટું થયું. જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ થયો. મોહનીય નો બંધ કર્યો. મોહનીયનો ઉદય પણ કર્યો. તો પ્રભુની કૃપા વિના પ્રભુની આજ્ઞા પર, પ્રભુની સાધના પર આદર નહિ થાય. આદર જ નથી, તો પાલન કઈ રીતે થશે, અને કદાચ પાલન કરી લો પણ આદર નથી તો એનો કંઈ meaning પણ નથી. તો આદર જે થયો પ્રભુની આજ્ઞા ઉપર, પ્રભુની સાધના ઉપર એ દર્શનમોહનીયનો ક્ષયોપશમ અને દર્શનમોહનીયનો ક્ષયોપશમ કેમ થયો? પ્રભુ ઉપર અત્યંત ભક્તિભાવ ઉભરાયો માટે, પ્રભુના ચરણોમાં તમે બેઠા, પ્રભુના ભુવન વિમોહન રૂપને તમે જોયું, એ રૂપમાં તમે સંમોહિત બન્યા. અને પ્રભુ તમને ગમી ગયા. પ્રભુ સાથેના પરમપ્રેમની ક્ષણો થોડી વાર માટે ચાલી. એ ક્ષણો એટલી બધી મૂલ્યવતી હોય છે કે એ ક્ષણોમાં દર્શનમોહનીયનો ક્ષયોપશમ થાય છે. એ દર્શનમોહનીયનો ક્ષયોપશમ થયો એટલે પ્રભુની આજ્ઞા પર, પ્રભુની એક – એક આપેલી સાધના ઉપર તીવ્ર આદર ભાવ છલકાય. મારા પ્રભુએ કહ્યું છે પછી કોઈ arguement નહિ, કોઈ બુદ્ધિ નહિ, કોઈ વિચાર નહિ. મારા ભગવાને કહ્યું છે. મારા ભગવાને કહ્યું છે – એ મારા માટે યોગ્ય જ છે. એને જ મારે આચરવું જોઈએ. તો દર્શનમોહનીયનો ક્ષયોપશમ કોણે કરાવ્યો? પ્રભુએ કરાવ્યો…. એટલે સાધનાનો પ્રારંભ પ્રભુએ કરાવ્યો.

એ આજ્ઞા પ્રત્યે આદર થયો. પછી તમે એનું પાલન કરો છો, તો એ પાલનમાં પણ પ્રભુની કૃપા આવી ગઈ. તો આદર મનના સ્તર પર છે. પાલન શરીરના સ્તર પર છે. મનના સ્તર ઉપર અને શરીરના સ્તર પર માત્ર પ્રભુ આવી ગયા. તમે ગયા, પ્રભુ આવી ગયા.

તમે કેન્દ્રમાં છો ને એટલે જ પ્રભુ કેન્દ્રમાં આવી શકતા નથી. જે ક્ષણે તમે કેન્દ્રમાંથી હટી જાવ, પ્રભુ તમારા કેન્દ્રમાં આવી જાય.

મીરાંના જીવનની એક મજાની ઘટના છે. સાંજનો સમય, મીરાં ગુરુના આશ્રમે ગઈ છે. દરવાજો બંધ છે. મીરાં દરવાજે ટકોરા લગાવે છે. અંદરથી ગુરુનો અવાજ આવે છે, કોણ છે? મીરાં એ કહ્યું: ‘હું મીરાં, પ્રભુના ચરણોની દાસી’ કેટલી સરસ રીતે મીરાં એ પોતાને introduce કરી. હું મીરાં પ્રભુના ચરણોની દાસી. અહીંયા શું છે… ચંદનાજી અને સુલસાજી બરોબર.. આ પ્રભુની પ્રસાદી મળી ગઈ. એ ચંદનાજી બની ગયા. અને પ્રભુ પર પૂર્ણ શ્રદ્ધા જેમને છે એ બધા સુલસાજી બની ગયા. અને અહીંયા મેઘકુમાર અને કુમારપાળ. પ્રભુની પ્રસાદી મળી, મેઘકુમાર મુનિ બની ગયા. પ્રભુ ઉપર જેમને અપાર શ્રદ્ધા છે એ બધા કુમારપાળ બની ગયા. યા તો સુલસા, યા તો ચંદના બરોબર….

મીરાં એ કહ્યું: ‘હું મીરાં, પ્રભુના ચરણોની દાસી’ દરવાજો ખુલ્યો મીરાં અંદર ગઈ. ગુરુના ચરણોમાં સાષ્ટાંગ દંડવત્ થઇ ઝુકી. એ વખતે ગુરુએ મીરાંને પૂછ્યું, કે બેટા! હમણાં તે કહ્યું: હું મીરાં પ્રભુના ચરણોની દાસી. પણ બેટા મારે તને પૂછવું છે આ બેઉ સાથે કઈ રીતે હોય? તું મીરાં પણ હોય, પ્રભુના ચરણોની દાસી પણ હોય, બે શી રીતે શક્ય બને? મીરાંને ખ્યાલ નહિ આવ્યો, કે ગુરુદેવ શું કહી રહ્યા છે. એણે આંખના ઈશારાથી પૂછ્યું: ગુરુદેવ! આપ શું કહો છો? Explain કરો…. એ વખતે ગુરુ કહે છે કે બેટા! પ્રભુના ચરણોની દાસી બનવું એટલે શું? વરસાદનું એક ટીપું હવામાં તરતું હોય એ દરિયા ઉપર પડે, દરિયામાં પડ્યું, વિલીન થઇ ગયું. એની identity ખતમ થઇ ગઈ. કોઈ કહે કે હમણાં જે વરસાદનું ટીપું હવામાં તરતું હતું એને દરિયામાંથી બહાર… તો… છે શક્ય..? એ વરસાદના ટીપાએ પોતાની identity totally ખતમ કરી નાંખી. અને એણે પોતાની identity ખતમ કરી તો શું થયું, એક ટીપામાં આખો દરિયો આવી ગયો. એક ટીપું દરિયા મય બની ગયું.

તો ગુરુ કહે છે તું જો પ્રભુના ચરણોની દાસી છે… તો તારી identity કઈ રીતે ઉભી રહી. તો મીરાં કઈ રીતે આવે…. ટીપું વિલીન થાય, બિંદુ વિલીન થાય તો જ સમુદ્રમય બની શકે.

સંત કબીરજીએ ૨ સૂત્રો આપ્યા. પહેલું સૂત્ર આપ્યું “બુંદ સમાના સમુંદ મેં” જીવનના બુંદ ને પરમના સમુદ્રમાં ભેળવી દો. પછીનું સૂત્ર બહુ મજાનું છે – બીજું સૂત્ર શું આવ્યું, સમુંદ સમાના બુંદ મેં. કલાપૂર્ણ સૂરિ દાદાએ પોતાનું વ્યક્તિત્વ પ્રભુમાં ઓગાળી દીધું. પ્રભુમય એમનું અસ્તિત્વ બની ગયું. તો પહેલા એમણે શું કર્યું, ‘બુંદ સમાના સમુંદ મેં’ જીવનના બુંદ ને, એમના વ્યક્તિત્વના બિંદુ ને પરમના સમુદ્રમાં ઓગાળી દીધું. પણ પછી શું થયું? એ કલાપૂર્ણસૂરિ દાદાની નાનકડી કાયામાં પુરા ને પુરા પરમાત્માને આપણે જોઈ શકતા હતા. ‘સમુંદ સમાના બુંદ મેં’

ગુરુની વાત મીરાંને એટલી તો ગમી ગઈ, એ જ ક્ષણે મીરાં એ નક્કી કર્યું કે મીરાં કેન્દ્રમાંથી હટી રહી છે. પ્રભુ કેન્દ્રમાં આવી રહ્યા છે. આટલી જ નાનકડી વાત છે. તમે તમારું કેન્દ્ર ખાલી કરી દો. પ્રભુ ત્યાં આવી જશે. ત્યાં સુધી મીરાં એ જે ભજનો રચ્યા એમાં છેલ્લે એક પંક્તિ આવતી. મીરાં કે ગિરિધર ગોપાલ. ભગવાન રહેતા પણ મીરાં પણ જોડે રહેતી. આ ઘટના ઘટી મીરાં ગઈ. Totally absent થઇ ગઈ. પ્રભુમાં વિલીન થઇ ગઈ. ઓગળી ગઈ. પછી જે ભજનો રચાયા. છેલ્લે આવે છે રાવરી દાસી. પ્રભુની દાસી. મીરાં ગઈ પ્રભુ પ્રગટ્યા.

અમારામાં અને તમારામાં ફરક શું? અમારા કેન્દ્રમાં હું હતું, સદ્ગુરુએ એવો શક્તિપાત કર્યો અમારો હું ને છીનવી લીધો. કેન્દ્રમાંથી એ હું ને છીનવીને પરિઘમાં મૂકી દીધો. કેન્દ્ર ખાલી થયું. પ્રભુ ત્યાં આવી ગયા. પ્રભુ તૈયાર છે. જે ક્ષણે તમે તમારા કેન્દ્રને ખાલી કરો પ્રભુ આવી જાય. પ્રભુ જોઈએ? કાંઈ જ કરવાનું નથી. કેન્દ્રમાંથી પરિઘમાં જતાં રહો. અમારા કેન્દ્રમાં પ્રભુ આવ્યા તો શું થયું… શરીર છે, ખાવાનું ખરૂ, પણ કંઈ રીતે? મારા પ્રભુ કહે છે એ રીતે… પાણી પીવાનું, પણ કંઈ રીતે? મારા પ્રભુ કહે છે એ રીતે… તો કેન્દ્રમાં પ્રભુ આવી જાય પછી મજા જ મજા.

અમે લોકો બિલકુલ નિર્ભાર. કારણ કેન્દ્રમાં પ્રભુ છે. પ્રભુને જ બધું જોવાનું છે હવે… we have not to do anything absolutely. તો પહેલું તત્વ આપણી સાધનામાં આપણે ઉમેરવું છે એ છે પ્રભુ કૃપા. એટલે આજથી જ, અહીંથી જાવ પછીની વાત નથી કરતો. આજથી જ જે જે સાધના થાય એ સાધના કરતી વખતે અને સાધના થયા પછી આંખો ભીની બને. પ્રભુ તારી કૃપા. તમે તમારી રૂમમાંથી અહીંયા આવ્યા. અને ઈર્યાસમિતિ પૂર્વક આવ્યા. નીચી નજરે જોઇને ચાલીને આવ્યા. અહીંયા આવ્યા, હાથ જોડાઈ જાય પ્રભુ તારો આભાર તે ઈર્યાસમિતિનું પાલન કરાવરાવ્યું. તો આપણી સાધનામાં જ્ઞાનાવરણીય ના ક્ષયોપશમ કરતાં મોહનીયનો ક્ષયોપશમ જરૂરી છે. દર્શનમોહનીયનો ક્ષયોપશમ પ્રભુ પ્રત્યે શ્રદ્ધા જન્માવશે. પ્રભુની આજ્ઞા પ્રત્યે શ્રદ્ધા જન્માવશે. પ્રભુની સાધના પ્રત્યે આદર જન્માવશે. અને ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ જેવો તીવ્ર બનશે એવો પ્રભુની આજ્ઞાના પાલનમાં તમને તીવ્ર આનંદ આવશે.

એક વાત તમને પૂછું… આજ્ઞાનું પાલન કરો છો પણ એનો આનંદ કેટલો પાછળથી? એક ચા નો શોખીન માણસ હોય, એના ટેસ્ટની ચા એને મળી ગઈ. ચા ધીરે ધીરે taste કરે test થી તો પણ કેટલી વાર લાગે, ૩ મિનિટ. બહુ ગરમ હોય તો. પણ એ ચા પીધા પછી કેવો કેફ, કેવો નસો રહેતો હોય છે. મજા આવી ગઈ આજે તો… એમ સામાયિક કર્યા પછી કેફ કેટલો ટાઈમ. અહીંયા તમે સામાયિક લઈને બેસી શકો, પણ વાચના શરૂ હોય ત્યારે સામાયિક પારવું નહિ. આપણું શ્રુત સામાયિક ચાલુ જ છે. ધ્યાનાભ્યાસ પૂરો થાય પછી સામાયિક પારી શકાય. તો સાધના કરો છો, પણ એનો આનંદ કેટલો? એ આનંદ પણ કોણ આપે…. પ્રભુ આપે. એટલે સાધનાની અંદર આદર  ઉભો કરવાનું કામ પ્રભુનું, સાધના કરાવવાનું કામ પ્રભુનું, અને સાધનાની અંદર અત્યંત આનંદ આપવાનું કામ પ્રભુનું. એ જ પ્રભુને આપણે ભૂલી જઈએ. અને સાધના કરીએ, અને પછી કહીએ સાધના જામતી નથી. સાધનામાં ચાર્મ આવતો નથી. ક્યાંથી આવે પણ… engine જ નથી ગાડી ચાલશે શી રીતે? સ્ટેશન પર જ ઉભી રહેવાની છે. Engine તો લગાડો. તો આપણી સાધનામાં ૧૦૦ – ૧૫૦ – ૨૦૦ વર્ષથી આ એક વસ્તુ નીકળી ગઈ હતી. કે સાધનાના એક – એક તબક્કે પ્રભુની કૃપાનો સ્વીકાર અને એનાથી ભીના ભીના બની જવું.

તો સાધનામાં આ એક તત્વ આપણે ઉમેરી લઈએ. કે સાધનામાં મને આદર આવ્યો. એ પણ પ્રભુની કૃપાથી. સાધના પાલન કરવાનો ભાવ પણ મને પ્રભુએ આપ્યો. અને સાધના કરી એમાં આનંદ પણ પ્રભુએ આપ્યો. શિબિરમાં આવવાનો ભાવ પણ પ્રભુએ આપ્યો. શિબિરમાં આવવાની અનુકૂળતા પણ પ્રભુએ કરી આપી. ઘણા એવા સાધકો મળે સાહેબ confirmation મળી ગયેલું bag બિસ્તરા પેક થઇ ગયેલા. અને રાતની ગાડીમાં નીકળવાનું હતું. ટિકિટ થઇ ગયેલી. Station જવા માટે તૈયાર થવું છું ગાડીમાં bag અને બિસ્તરો મુકું છું. ત્યાં સમાચાર આવ્યા કે નજીકના એક સ્નેહી expired થયા છે. તરત bag બિસ્તરા ઉઠાવી લીધા કારમાંથી, ઘરમાં મૂક્યા. અને સીધું જ પહેલા સ્નેહીના ત્યાં જવાનું થયું. અને એમાં શિબિર રહી ગઈ.

શિબિરમાં આવવાનો ભાવ પ્રભુએ આપ્યો. શિબિરમાં આવવાની અનુકૂળતા પ્રભુએ કરી આપી. શિબિરની એક – એક વાચના પ્રેમથી સાંભળો, એ પણ પ્રભુની કૃપા. અને એ વાચના થોડી પણ અંદર ઉતરે એ પણ પ્રભુની કૃપા. થોડી વાર ધ્યાનાભ્યાસ.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *