सा त्वस्मिन् परमप्रेमरूपा
ભક્તિને Enjoy કરી શકાય; પણ ભક્તિને શબ્દોની અંદર કેવી રીતે અભિવ્યક્ત કરવી? નારદ ઋષિએ એ અભિવ્યક્તિ આપી : “सा त्वस्मिन् परमप्रेमरूपा॥” ભક્તિ એટલે ભક્તનો પરમાત્મા પરનો પરમ પ્રેમ. હૃદય એ પ્રેમથી એવું તો ભરાઈ ગયું હોય કે રાગ, દ્વેષ, અહંકાર – કોઈને પણ ત્યાં રહેવાની જગ્યા જ ન મળે!
ભક્તનો આ જે પરમ પ્રેમ છે, એ ગંગા છે. પણ એનો ગંગોત્રી Point છે પરમાત્માનો ભક્ત પરનો પ્રેમ! નરક અને નિગોદમાં આપણે જ્યારે પ્રભુને ઓળખતા પણ નહતા, ત્યારે પણ પ્રભુનો પ્રેમ આપણા ઉપર વરસ્યો અને આપણને અહીં સુધી લઈને આવ્યો.
બીજી કોઈ વ્યક્તિ કદાચ પ્રેમ આપે, એની પાછળ કોઈ કારણ હોઈ શકે. પણ પ્રભુએ તો અકારણ જ આપણી પર પ્રેમ વરસાવ્યો. પ્રભુ તરફથી ગંગોત્રી Point તો સતત ચાલુ જ હોય છે; પણ આપણા હૃદયમાં પરમ પ્રેમની ગંગા વહે, એવું ક્યારેક જ બનતું હોય છે. આ જન્મનું આપણું અવતારકૃત્ય આ જ છે કે પ્રભુના એ પરમ પ્રેમમાં આપણે વહ્યા જ કરીએ, વહ્યા જ કરીએ.
પરમ પ્રેમની મધુર યાત્રાનો આજથી પ્રારંભ.
નારદ ઋષિને પૂછવામાં આવેલું કે ભક્તિની વ્યાખ્યા શું? હકીકતમાં, આપણે ભક્તિને એન્જોય (enjoy) કરી શકીએ, ભક્તિને શબ્દોની અંદર કઈ રીતે અભિવ્યક્ત કરી શકાય? પણ નારદ ઋષિએ શબ્દોની અંદર ભક્તિની વ્યાખ્યા પ્રસ્તુત કરી.
“सा त्वस्मिन् परमप्रेमरूपा॥“
ભક્તિ એટલે ભક્તનો પરમાત્મા પરનો પરમ પ્રેમ. પરમ પ્રેમ, સર્વોચ્ચ પ્રેમ, સંપૂર્ણ પ્રેમ. હૃદય એ પ્રેમથી એવું તો ભરાઈ જાય કે ન રાગને રહેવાની જગ્યા મળે, ન દ્વેષને, કે ન અહંકારને રહેવાની જગ્યા મળે. એક પદના માધ્યમથી આ પરમ પ્રેમની યાત્રા શરૂ કરીએ. પદનો ઉઘાડ:
“ભક્તિ કા મારગ ઝીણા ઝીણા રે।”
ભક્તિનો માર્ગ સૂક્ષ્મ માર્ગ છે. આ પરમ પ્રેમનો માર્ગ સૂક્ષ્મ માર્ગ છે, જ્યાં ડગલે ને પગલે જાગૃતિની જરૂરિયાત પડે. સહેજ જાગૃતિ ચૂકાઈ જાય, પરમ પ્રેમ છૂ થઇ જાય.
ભક્તનો આ જે પરમ પ્રેમ છે, એ ગંગા છે. પણ એનો ગંગોત્રી પોઇન્ટ (point) કયો? પરમાત્માનો ભક્ત પરનો જે પ્રેમ છે, એ ગંગોત્રી પોઇન્ટ છે.
મેઘકુમાર પહેલી જ વાર પ્રભુના સમવસરણમાં ગયા. પહેલી જ વાર પ્રભુનાં દર્શન, પ્રભુના પ્યારા-પ્યારા શબ્દોનું શ્રવણ. મેઘકુમાર ક્લિન બોલ્ડ (clean bowled) થઈ ગયા. પ્રભુનું સંમોહન, પ્રભુનો પ્રેમ, મેઘકુમારના વ્યક્તિત્વની ફરતે એવો તો વીંટળાઈ ગયો કે મેઘકુમારને લાગ્યું કે હવે આ શ્રીચરણો વિના એક ક્ષણ પણ રહી શકાશે નહીં. કેવો પ્રેમ પ્રભુએ આપ્યો હશે! બધા જ પ્રેમ ફીકા પડી ગયા.
મેઘકુમાર ઘરે આવ્યા. માને કહ્યું કે, “મા, પ્રભુ વિના એક ક્ષણ પણ હવે હું રહી નહીં શકું. મારે માત્ર અને માત્ર પ્રભુના શ્રીચરણોમાં રહેવું છે.”
એમની આંખોમાંથી વહેતો પ્રેમ, એમના ચહેરા પરથી અભિવ્યક્ત થતો પ્રેમ, એમના એક-એક અંગની ભાવ-ભંગિમામાંથી પ્રગટતો પ્રેમ! મા, આવો પ્રેમ જિંદગીમાં ક્યારેય પણ માણ્યો નથી. આ પ્રેમ વિના હવે હું જીવી નહીં શકું. આ પ્રેમ એ જ મારું જીવન છે.
અને મેઘકુમારની દીક્ષા થઈ. ગંગોત્રી પોઇન્ટથી પાણી ઝર્યું, ગંગા શરૂ થઈ. હેમચંદ્રાચાર્યે બહુ જ મજાની વાત વીતરાગ સ્તોત્રના પ્રારંભમાં આ સંદર્ભમાં લખી છે: ” त्वमकारणवत्सलः”
પ્રભુ! બીજી કોઈ વ્યક્તિ કદાચ પ્રેમ આપે, એની પાછળ કોઈ કારણ હોઈ શકે. તું એક જ એવો છે, જે અકારણ પ્રેમને વરસાવે છે. તું અમને પ્રેમ આપે, એમાં શું કારણ હોઈ શકે? અમે જ્યારે તને પિછાણતા નહોતા, અમે તને ઓળખતા નહોતા, અમે નરક અને નિગોદમાં હતા, એ વખતે પણ તારો પ્રેમ અમારા ઉપર વરસ્યા કર્યો, વરસ્યા જ કર્યો. અને એ પ્રેમ અમને અહીં સુધી લઈને આવ્યો. “भवत्प्रसादेनैवाहमियतीं प्रापितो भुवम्” તારા પ્રેમથી જ ઊંચકાઈને હું અહીં સુધી આવ્યો છું.
“ભક્તિ કા મારગ ઝીણા ઝીણા રે” આ ગંગોત્રી પોઇન્ટ તો સતત ચાલુ જ હોય છે. પણ આપણા હૃદયમાં પરમ પ્રેમની ગંગા વહે, એવું ક્યારેક જ બનતું હોય છે. આ જન્મમાં કદાચ બન્યું છે કે નથી બન્યું? પણ અહીં પ્રભુ, ત્રિલોકેશ્વર, અખિલ બ્રહ્માંડેશ્વર, મહાવીર પ્રભુના સાન્નિધ્યમાં આ ઘટના ઘટિત થાય, એવું આપણે ઈચ્છીએ. કે પ્રભુના પરમ પ્રેમમાં આપણે વહ્યા જ કરીએ, વહ્યા જ કરીએ, વહ્યા જ કરીએ.
“ભક્તિ કા મારગ ઝીણા ઝીણા રે” એકવાર, એ ગંગા વહે તો ખરી, શરૂ તો થઈ, પણ ક્યારે અટકી જાય, ખ્યાલ ન આવે. મેઘકુમાર રાજ્યને છોડીને, અપાર વૈભવને છોડીને, પરમાત્માના પ્રેમમાં ડૂબ્યા. એ પરમાત્માનો પ્રેમ એટલો તો વહાલો લાગ્યો કે એની સામે પૂરી દુનિયા, પૂરી દુનિયાનો વૈભવ એમને ફીક્કો લાગ્યો.
આખો દિવસ મુનિપણામાં મજામાં ગયો. રાત્રે ક્રમસર સંથારો આવ્યો છેલ્લે બારણા પાસે. રાત્રે દેહચિંતા માટે જતા અને આવતા મુનિઓની ચરણરજથી સંથારો ભરાઈ ગયો. અને મેઘકુમાર મુનિને થયું કે હું અહીં નહીં રહી શકું. શું થયું? પરમ પ્રેમની સામે કાયાનો પ્રેમ આવ્યો, અને એ કાયાના પ્રેમમાં સહેજ એ આગળ વધ્યા, પરમ પ્રેમની ગંગા અટકી ગઈ.
સવારે પ્રભુના શ્રીચરણોમાં બેઠા. પ્રભુનો પ્રેમ ફરીથી ઝીલ્યો. અને એ વખતે એક જાગૃતિ આવી કે આ પરમ પ્રેમ, અને એની સામે કાયાનો પ્રેમ જીતી શકે? How is it possible? આપણે કહી શકીએ, How is it possible? અગણિત જન્મોની અંદર ક્યારેય પણ ન અનુભવેલો પ્રભુનો આ પ્રેમ. અને એની સામે જન્મોજનમમાં મળતી આ કાયા, નશ્વર એવી આ કાયા, એનો પ્રેમ જીતી જાય? કઈ રીતે શક્ય બને?
મેઘકુમાર મુનિને લાગ્યું કે મોટી ભૂલ થઈ ગઈ. આ કાયાના પ્રેમે પ્રભુના પરમ પ્રેમમાંથી મને ચ્યુત કરવાનું વિચારી લીધું. આ કાયાનો પ્રેમ જોઈએ જ નહીં. પ્રભુના પ્રેમમાં જે પણ અવરોધરૂપ હોય, એ જોઈએ જ નહીં. અને એ જ વખતે એમણે પ્રભુની પાસે નિયમ લીધો કે કાયાની અંદર, મારી કાયામાં કોઈ પણ રોગ આવશે, ન તો ચિકિત્સા કરાવીશ, ન કોઈ ઔષધ લઈશ.
એક જ અપવાદ રાખ્યો, આંખોનો. આંખોમાં કોઈ તકલીફ થાય, તો ચિકિત્સા કરાવવાની છૂટ. અને એ પણ એટલા માટે કે, એ બે આંખો દ્વારા પરમાત્માના રૂપને જોવાનું છે.
સૂરદાસજી કહે છે:
“જિન આંખિન મેં નવી રૂપ બસ્યો, ઉન આંખિન સે અબ દેખિયો ક્યા?”
ક્યારેક દેશ અને કાળના સીમાડા ઓળંગીને, ભક્તોની વાણીમાં એકરૂપતા દેખાય. જર્મન કવિ રિલ્કે (Rilke) ની પ્રાર્થનામાં પણ સૂરદાસની વાતનો પડઘો પડે છે. રિલ્કેએ કહ્યું: “Put out my eyes, if that can see you.”
આપણા પ્યારા કવિ હરીન્દ્ર દવેએ ગુજરાતી ભાષામાં એનો રસળતો અનુવાદ કર્યો:
“ઠારી દે આ દીપ નયનના, તવ દર્શનને કાજ,
જો કાચ નથી આ ખપના.”
પ્રભુ, તારા રૂપને જોવા માટે જો આ આંખો કામમાં નથી આવતી, તો એ આંખ નથી, કાચ છે.
“ઠારી દે આ દીપ નયનના, તવ દર્શનને કાજ,
જો કાચ નથી આ ખપના.”
સૂરદાસજી કહે છે:
“જિન આંખિન મેં નવી રૂપ બસ્યો, ઉન આંખિન સે અબ દેખિયો ક્યા?”
બહુ મજાનો લય પકડ્યો છે. જે આંખોમાં રૂપ ઝળક્યું, એ આંખોથી શું જોશો? પણ મજાની વાત એ છે કે સૂરદાસજી ‘પરમ રૂપ’ નથી કહેતા. ‘જિન આંખિન મેં નવી રૂપ બસ્યો’. એટલે સૂરદાસજીના લયમાં, પ્રભુનું રૂપ એ જ રૂપ છે. બાકીનું કુરૂપ અથવા અરૂપ.
તો મેઘકુમાર મુનિ આંખોની ચિકિત્સાની છૂટ રાખે છે. કારણ, એ આંખોથી પરમના રૂપને જોવું છે. ખુલ્લી આંખે પણ પરમ રૂપને જોવું છે, અને બંધ આંખે એ પરમ રૂપને અનુભવવું છે.
આંખ ખુલ્લી હોય યા બંધ હોય, ભક્તનું એક જ અવતારકૃત્ય છે, ‘એ’ની સાથે જોડાયેલા રહેવું. ‘એ’ની સાથે જોડાયેલી જે ક્ષણ ન હોય, એ ક્ષણ ભક્તને માટે નકામી છે.
અમારા માટે, ત્રીજા મહાવ્રતમાં એક વિશેષ વાત આવે છે: પ્રભુ અદત્ત. એક મુનિ હોય, એક સાધ્વીજી ભગવતી હોય, એમની એક-એક ક્ષણ પર પ્રભુનું સિગ્નેચર (signature) જોઈએ. અમારી એક ક્ષણ એવી ન હોય, જેના ઉપર પ્રભુનું સિગ્નેચર ન હોય. પ્રભુના હસ્તાક્ષર એક-એક ક્ષણ પર જોઈએ. બધી જ ક્ષણો ‘પ્રભુદત્ત’ જ હોય.
અને પ્રભુદત્ત ક્ષણો એ જ આનંદની ક્ષણો. એટલે અમે લોકો એવરફ્રેશ (ever-fresh), એવરગ્રીન (evergreen). કેમ? કારણ શું? કારણ એક જ, અમારી એક-એક ક્ષણ પર પ્રભુનું સિગ્નેચર છે. જે ક્ષણ પર પ્રભુનું સિગ્નેચર નથી, જે ક્ષણમાં પ્રભુની આજ્ઞા સમાયેલી નથી, એ ક્ષણ અમારા માટે નકામી. એ ક્ષણનો અમારા માટે કોઈ અર્થ નહીં.
તો, આંખ ખુલ્લી હોય, આંખ બંધ હોય. તમે સૂતા હો, જાગતા હો. ‘એ’ની સાથેનો તાર તમારો જોડાયેલો જ હોવો જોઈએ.
અનંત જન્મોમાં જે ઘટના નથી ઘટી, એ ઘટના આ જન્મમાં ઘટિત કરવી છે. તમને માત્ર પ્રવચન સાંભળવા મેં બોલાવ્યા નથી. જોકે યશોવિજય નામની સંઘટના તો છે જ નહીં, પ્રભુએ જ બોલાવ્યા છે. પણ પ્રભુએ પણ માત્ર પ્રવચન સાંભળવા તમને બોલાવ્યા નથી. તમારી ભીતર પ્રભુનું અવતરણ થાય, એના માટે તમે અહીંયા આવ્યા છો.
ભક્તિશાસ્ત્રનું એક નિગૂઢ તત્ત્વ છે કે પ્રભુ તમારી પ્રતીક્ષા કરે છે. He is waiting for you.
અને એથી જ, પ્રભુ જ સદ્ગુરુ ચેતનાને મોકલે છે કે ઈનિશિયલ સ્ટેજ (initial stage) નું કામ તમે કરો. સદ્ગુરુ ઈનિશિયલ સ્ટેજનું કામ કરે છે, પછીનું કામ પ્રભુનું છે.
ચારસો, પાંચસો કે પાંચ હજાર જન્મ પહેલાં, તમારા અને મારા જીવનમાં એક ઘટના ઘટેલી. ભલે તમને અત્યારે યાદ નથી, પણ એ ઘટના ઘટેલી. ઘટના એ હતી કે આપણે બિલકુલ કોરી સ્લેટ (slate) જેવા હતા, અધ્યાત્મ જગતમાં, ભક્તિના ક્ષેત્રમાં. પરમ ચેતના એટલે શું? એ આપણને ખ્યાલ જ નહોતો. અને એ સમયમાં, આપણું સદ્ભાગ્ય રહ્યું કે આપણે એક સદ્ગુરુના ચરણોમાં બેઠા.
સદ્ગુરુએ પરમ ચેતનાની, પરમ ઐશ્વર્યની, પરમ પ્રેમની વાત કરી. કે તને ખબર નથી, પણ એ તને કેટલો ચાહે છે. તમને ખ્યાલ છે ખરો? એ તમને કેટલો ચાહે છે, તમને ખબર છે? આપણી એકે-એક પીડાની ક્ષણમાં, એ આપણી સાથે હતો. પ્રભુની એક જ ઇચ્છા હતી: “સવિ જીવ કરું શાસન રસી” જો પ્રભુથી બન્યું હોત તો આપણને બધાને મોક્ષમાં પહોંચાડીને પછી પ્રભુ મોક્ષમાં જાત.
સદ્ગુરુએ કહ્યું કે ભાઈ, એ તને ઉત્કટ રીતે ચાહે છે. અને એ ક્ષણે, આપણે પહેલી વાત, very first time, એના પ્રેમમાં પડ્યા. અને એ વખતે, આપણે એને પ્રાર્થના કરી કે તારો પ્રેમ આટલો બધો મારા ઉપર છે, એની અનુભૂતિ તું મને આપ, એની પ્રતીતિ કરાવ.
અને એ પાંચ સેકન્ડની આપણી પ્રાર્થના પર, પરમ ચેતનાએ આપણને સિલેક્ટ (select) કર્યા.
આ ઘટેલી ઘટના કહું છું હોં! તમારા અને મારા જીવનની. પ્રભુએ આપણને સિલેક્ટ કર્યા. અને પછી, સદ્ગુરુ ચેતનાને સંદેશ આપ્યો કે મેં એને સ્વીકાર્યો છે. He is selected by me. She is selected by me. અને પરમ ચેતનાનો સંદેશ મળ્યો, સદ્ગુરુ ચેતના કાર્યરત બની.
હું ઘણીવાર કહું છું કે પરમ ચેતના પરમ સક્રિય, સદ્ગુરુ ચેતના પરમ નિષ્ક્રિય. We have not to do anything absolutely. એની આજ્ઞા હોય, એની ઈચ્છા હોય, એ પ્રમાણે કરવા તૈયાર. બાકી અમારી કોઈ ઈચ્છા નથી. We are choice-less persons.
તો પરમ ચેતના પરમ સક્રિય, સદ્ગુરુ ચેતના પરમ નિષ્ક્રિય. પણ જ્યાં સંદેશ મળ્યો પરમ ચેતનાનો, ગુરુ ચેતના સક્રિય બની. હવે સદ્ગુરુએ શું કામ કરવાનું હતું? ઈનિશિયલ સ્ટેજનું, પ્રારંભિક સ્તરનું. એક ગ્લાસ ટોચ સુધી ધૂળથી ભરેલો હોય, એમાં તમે પાણી નાખો, તો સિવાય કીચ્ચડ શું થાય? તો ગ્લાસમાંથી ધૂળ કાઢવી પડે, ગ્લાસને સાફ કરવો પડે. પછી પાણી ટપકે, તો એ પીવા માટે કામ આવે.
સદ્ગુરુએ આપણા હૃદયના પાત્રમાંથી રાગ, દ્વેષ, અહંકારને ઉલેચવાની તૈયારી કરી. એ ક્ષણો એવી હતી કે આપણે પણ સદ્ગુરુના સંમોહનમાં હતા. હું ઘણીવાર કહું છું કે અમારા જેવા માણસો હોય ને, એમની પાસે સ્માઇલિંગ ફેસ (smiling face) જ રહેવાનો. કારણ સદ્ગુરુ ચેતના જે છે, એનું પણ સંમોહન તમને લાગી જાય. એટલે ઈનિશિયલ સ્ટેજનું કામ પૂરું થઈ જાય. નહીંતર ઈનિશિયલ સ્ટેજનું કામ પૂરું ન થાય, તો પ્રભુ વરસે કઈ રીતે?
તો સદ્ગુરુએ આપણા હૃદયના પાત્રમાંથી રાગ, દ્વેષ, અહંકારની ધૂળ કાઢવાની શરૂઆત કરી. ગ્લાસને ધૂળ-મુક્ત કર્યો, સાફ કરી નાખ્યો. હવે બસ પ્રભુ વરસે, મીઠું-મીઠું પાણી તમને મળ્યું. પણ જ્યાં ગુરુના ઓરા ફિલ્ડ (aura field) માંથી, સંમોહન ક્ષેત્રમાંથી બહાર આપણે ગયા, પાછા નિમિત્તોમાં અટવાઈ ગયા.
તો સદ્ગુરુ ચેતના, જન્મોથી તમારા ઉપર કામ કરી રહી છે. હજુ સુધી તમે રિઝલ્ટ (result) આપ્યું નથી, પણ એક વાત સદ્ગુરુ ચેતના વતી કહું કે સદ્ગુરુ ક્યારેય પણ થાકવાના નથી.
મને એક ભાઈએ પૂછ્યું કે સાહેબ, તમે વર્ષોથી વાચના આપો છો. ઘણી વાર એના એ જ ચહેરા હોય, એમાં ફેરફાર દેખાય પણ નહીં. તો તમને થાક લાગે કે નહીં? કંટાળો આવે કે નહીં?
ત્યારે મેં કહ્યું કે જ્યાં કર્તૃત્વ છે, ત્યાં થાક છે. જ્યાં કર્તૃત્વ જ નથી, ત્યાં થાક છે જ નહીં. છોકરાને સ્કૂલમાં ભણવામાં કંટાળો આવે, પણ રમતના મેદાનમાં જાય તો? ક્રિકેટમાં દોડમ-દોડ કરવાની હોય, છતાંય થાકતો નથી. તો જ્યાં કર્તૃત્વ છે, ત્યાં થાક લાગે છે. જ્યાં કર્તૃત્વ નથી, ત્યાં થાક જ નથી.
તમે કેમ થાકો છો? તમારી પાસે કર્તૃત્વ છે. “મેં આ કર્યું.” અમે કહેશું “પ્રભુએ આ કર્યું.” “મેં આ કર્યું” — આ વાક્ય અમારા શબ્દકોશમાં જ નથી. “પ્રભુએ આ કર્યું.”
તો સેંકડો જન્મોથી સદ્ગુરુ ચેતના આપણા પર કામ કરી રહી છે. આપણે રિઝલ્ટ નથી આપ્યું. આ વખતે, સદ્ગુરુ ચેતના તમને ખાલી કરે, ખાલી થઈ જાઓ. એટલે તો આ તીર્થમાં તમને લાવ્યા છે. નહીંતર બહાર જાઓ તો ફલાણા ભાઈ, ઢેકણા ભાઈ મળશે. અહીંયા કોઈ બીજું મળવાનું નથી. તમારે સંપૂર્ણ મૌનમાં રહેવાનું છે. કોઈની જોડે સંપર્ક તમારે કરવાનો નથી. મોબાઇલ ફોન તમારી પાસે છે નહીં.
તો ઈનિશિયલ સ્ટેજનું કામ આજે જ થઈ જાય. તો કાલ સવારે જુઓ ભક્તિમાં, આજ સાંજે ભક્તિમાં જુઓ. પ્રભુ કેવા અનરાધાર તમારા ઉપર વરસે છે! આ અનુભવ કરવો છે આપણે.
મેં પહેલી વાર પ્રભુના પ્રેમનો અનુભવ કર્યો, આ જન્મમાં. હું સ્તબ્ધ બની ગયો. કે શું આવી ઘટના હોઈ શકે ખરી? પરમ ચેતના, અને આટલી ઉત્કટતાથી મને ચાહતી હોય? આવું શકે? હું સ્તબ્ધ થઈ ગયો. એ સ્તબ્ધતા આંસુની ધારમાં તૂટી. ધ્રુસકે-ધ્રુસકે (ફાટ-ફાટ રડવું) રોયો. કે પ્રભુ, આટલો બધો તારો પ્રેમ! કે તું મારા જેવા માણસને ચાહતો હતો? મારું ગંદું વ્યક્તિત્વ, રાગ-દ્વેષ-અહંકારથી ભરેલો હું. તું મને ચાહે? કોઈક મને કહી દે, તો પણ હું માનું નહીં. પણ મને તો અનુભવ થયો! પ્રભુના પ્રેમનો.!
અને હવે મારા માટે, એ પ્રેમ સિવાય કોઈ દુનિયા નથી. સતત એ પ્રેમમાં જ રહેવાનું. અને આમ જોઈએ તો, મારું અવતારકૃત્ય પૂરું થયું. ‘એ’ને મેળવવો હતો મારે, એના પ્રેમને પામવો હતો મારે. એ મળી ગયો. મારું અવતારકૃત્ય પૂરું થયું. પણ એનો સંદેશ મળ્યો કે અહીંયા રોકાઈ જા. તું કંજૂસ નહીં થતો. તને જે મળ્યું છે, એ છૂટા હાથે બીજાને આપ.
અને એટલે, જે પ્રેમ મેં અનુભવ્યો છે, એ પ્રેમ હેન્ડઓવર (hand over) કરવો છે, હસ્તાંતરિત કરવો છે, તમને આપવો છે. અહીંયા તમે આવ્યા, ત્યાં સુધી, બની શકે પદાર્થોના રાગમાં હતા, વ્યક્તિઓના રાગમાં હતા. અહીંથી તમે જશો, ત્યારે માત્ર ને માત્ર પ્રભુના પ્રેમમાં તમે હશો.
તો આખું જ આપણું સેશન (session), બધા જ સેશન્સ (sessions), માત્ર પરમ પ્રેમની યાત્રામાં જ વીતવાના છે. તમને અનુભવ થવો જ જોઈએ. એણે જો મને અનુભવ આપ્યો, તો તમને કેમ ન આપે? He is ever ready. પ્રભુ તૈયાર છે.
અને એટલે જ મેં પહેલાં કહ્યું કે પરમ ચેતના ગુરુ ચેતનાને મોકલે છે. કે જાઓ, ઈનિશિયલ સ્ટેજનું કામ તમે કરી દો. પછીનું કામ, વરસવાનું કામ, મારે કરવાનું છે. સદ્ગુરુનું કામ તમને ખાલી કરવાનું છે. પ્રભુનું કામ તમને અમૃતથી ભરવાનું છે.
તમે બધા કોણ છો? ઉપનિષદો કહે છે: ” अमृतस्य पुत्राः” તમે બધા અમૃત પુત્રો છો. એ અમૃતનો આસ્વાદ આ જન્મમાં કરવો છે! આ ક્ષણોમાં કરવો છે!
અત્યાર સુધી કદાચ આ પરમ પ્રેમના અમૃતનો આસ્વાદ તમે નથી કર્યો. પણ હવે, માત્ર ને માત્ર એના પ્રેમના આસ્વાદમાં જ રહેવું છે. અને ગેરેંટી સાથે કહું કે એક વાર તમે એના પ્રેમને અનુભવી લીધો, પછી પદાર્થો પ્રત્યેના રાગ, વ્યક્તિઓ પ્રત્યેનો રાગ છોડવો નથી પડતો, છૂટી જાય છે! કશું જ છોડવું નથી પડતું! ‘એ’ મળે છે; બધું છૂટી જાય છે!
એક માણસ જંગલમાં ગયો. એક લોટો એની પાસે હતો. અને એમાં એને જંગલમાં આગળ જતાં, સોનામહોરોનો ઢગલો દેખાયો. એણે સોનામહોરો લોટામાં ભરી લીધી. એક જ લોટો છે. આગળ ગયો, ત્યાં હીરાનો ઢગલો જોયો. લોટો એક છે, હવે શું કરે? સોનામહોરો કાઢી નાખી, હીરા ભરી લીધા. પણ એ કહેતો નથી કે મેં સોનામહોરો છોડી. છૂટી ગઈ! હીરા મળ્યા, સોનામહોરો છૂટી ગઈ! પ્રભુ મળે; સંસાર છૂટી જાય!
મારી પાસે મુમુક્ષુઓ આવે છે, એ બધાને હું કહું છું કે સંસારને છોડવાની પળોજણમાં પડવાનું નથી. પ્રભુને એટલી ઉત્કટતાથી ચાહો, અને પ્રભુના પ્રેમનો એવી રીતે અનુભવ કરો કે સંસાર છૂટી જાય.
તો એ પ્રેમનો અનુભવ આપણે કરવો છે. ‘ધ્યાન’ એટલે બીજું કાંઈ જ નહીં, અનુભૂતિ. ધ્યાન એટલે experience. કોઈપણ વસ્તુનો તમને અનુભવ થાય, એનું નામ ધ્યાન.
તો, આપણે થિયરીકલી પ્રભુ-પ્રેમની વાત કરી. પ્રેક્ટિકલી પણ એ પ્રભુ-પ્રેમનો અનુભવ રોજ કરવાનો છે. અને એટલે આપણા ધ્યાનાભ્યાસમાં, આપણે માત્ર ને માત્ર એના પ્રેમનો અનુભવ કરવાની કોશિશ કરીશું.
