Prabhu Ke Prem Ki Anubhuti | 08-09-2026 | Pune Chaturmas

17 Views
20 Min Read

પાંચ કર્તવ્યો

આંતરયાત્રામાં ઊતરવાના આ આઠ દિવસ. ભીતરની યાત્રા શરૂ કરવી છે, ત્યારે સૌથી પહેલું પગથિયું હશે કોમળતા. હૃદયની કોમળતા વિના આંતરયાત્રાના માર્ગે જઈ શકાતું નથી. એ કોમળ ભાવને પુષ્ટ કરવા માટે પાંચ ચરણો બતાવવામાં આવ્યા છે : અમારિ પ્રવર્તન, સાધર્મિક ભક્તિ, ક્ષમાપના, અઠ્ઠમનો તપ અને ચૈત્ય પરિપાટી.

આપણે ત્યાં કહ્યું કે સાત ક્ષેત્રમાંથી જે ક્ષેત્રમાં વધારે જરૂરિયાત હોય એમાં પૈસા વાપરવાના. કોઈની ઈચ્છા સ્વદ્રવ્યથી જિનાલય બનાવવાની હોય, તો અમે ના ન પાડીએ; પણ જો કોઈ કહે કે સાહેબ! એક કરોડ રૂપિયા તમે કહો ત્યાં ખર્ચવા છે, તો હું એને સાધર્મિક ભક્તિમાં ખર્ચવાનું કહીશ. સાધર્મિક જ જો ઊંચો નહીં હોય, તો ભવિષ્યની અંદર કરોડો અને અબજોના ખર્ચે બનેલા આ સ્થાપત્યોને સંભાળશે કોણ?

સાધર્મિક ભક્તિની ટીપમાં તો તમે પૈસા લખાવવાના, પણ તમે જો શ્રીમંત છો, તો એક ગરીબ દીકરાને ભણાવવાની સાધર્મિક ભક્તિ કરો. એને જેટલું ભણવું છે, એટલું હું મારા તરફથી કરી આપીશ – આ રીતે એક દીકરાને દત્તક લો. એક દીકરો Well Educated બની જાય એટલે એનું આખું ઘર ઊંચું આવે.


આંતર યાત્રામાં ઉતરવાના આઠ દિવસ! ભીતરની યાત્રા શરૂ કરવી છે, ત્યારે સૌથી પહેલું પગથિયું હશે ‘કોમળતા’.  હૃદયની કોમળતા વિના આંતર યાત્રાના માર્ગ પર જઈ શકાતું નથી.

“हृदय कमल में ध्यान धरत हु”

હૃદય જ્યારે કમળ જેવું કોમળ બને, ત્યારે જ પ્રભુનું ધ્યાન એમાં થઈ શકે છે. અને ધ્યાન એ જ આંતર યાત્રા. એ કોમળ ભાવને પુષ્ટ કરવા માટે પાંચ ચરણો બતાવવામાં આવ્યા છે: અમારિ પ્રવર્તન, સાધર્મિક ભક્તિ, ક્ષમાપના, અઠ્ઠમનો તપ અને ચૈત્ય-પરિપાટી. ગુજરાતી ચાલશે કે હિન્દીમાં? પહેલીવાર ગુજરાતીમાં બોલું છું.

પહેલું કર્તવ્ય: કોમળ ભાવને ઉદ્દીપ્ત કરવા માટેનું ‘અમારિ પ્રવર્તના’. અહિંસા માટે એક સારામાં સારો શબ્દ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે ‘યોગશાસ્ત્ર’ માં આપ્યો છે: ‘આત્મૌપમ્ય’. તમને બીજા બધા જ પ્રાણીઓ તમારા જેવા લાગે એનું નામ અહિંસા.

તો ‘આત્મૌપમ્ય’ એટલે પોતાના જેવા જ તમે બધાને માનો. કોમળ ભાવ આવી ગયો!

સાધર્મિક ભક્તિમાં પણ કોમળ ભાવ છે. હું જે પરમાત્માનો પૂજક છું, એ જ પરમાત્માનો આ પૂજક છે. કોઈ સંબંધ નથી વેવાઈ તરીકેનો, બીજો કોઈ. સંબંધ છે પ્રભુ સાથે જોડાયેલાનો. જે પ્રભુનો હું ભક્ત છું, એ જ પ્રભુનો એ ભક્ત છે.

સો વર્ષ પહેલાંની એક ઘટના કહું. મુંબઈમાં માણેકલાલ ચુનીલાલ શેઠ અગ્રણી શ્રેષ્ઠી ગણાતા. બહુ મોટો બંગલો એમનો અને સરસ મજાનું જિનાલય. ગેટમાં (Gate) તમે એન્ટર (Enter) થાઓ એટલે જમણી બાજુનો રસ્તો જિનાલય તરફ જાય, ડાબી બાજુ એમના બંગલા તરફ જવાય. શેઠે કહેલું: “કોઈને પણ દેરાસરે જવું હોય એને રોકવાના નહીં.” વૉચમેનને (Watchman) કડક સૂચના આપી: “કોઈને પણ દેરાસરે જવું હોય, રોકવાનો નહીં. બંગલા તરફ આવવું હોય તો એની પૂછપરછ કરવી પડે.”

એક વાર, સવારના ૧૦ વાગેલા, શેઠ પોતે પૂજા કરવા માટે ગયેલા. બહુ જ ભક્તિપૂર્વક પરમાત્માની પૂજા કરી રહ્યા છે. પરમાત્માના અંગે તમે સ્પર્શ કરો ત્યારે શું થાય? ઝણઝણાટી થાય કઈ? કે ખળભળાટી થાય? લીક (Leak) થયેલો ઈલેક્ટ્રીકનો (Electric) વાયર (Wire) હોય, તમે ટચ (Touch) કરો તો શું થાય? શૉક (Shock) લાગે! પ્રભુ સાક્ષાત્ પ્રભુ છે. મૂર્તિ તો ત્યાં સુધી જ જ્યાં સુધી જયપુરથી લાવવામાં આવે છે. જે ક્ષણે પ્રાણપ્રતિષ્ઠા થઈ એ ભગવાન બની ગયા. પ્રાણપ્રતિષ્ઠામાં શું થાય ખ્યાલ છે? એક વૈશ્વિક પરમચેતના છે, એ વૈશ્વિક પરમચેતના સાથે મૂર્તિનું અનુસંધાન અમે લોકો કરતા હોઈએ છીએ. એ વૈશ્વિક પરમચેતનાને પકડીએ અને એને પ્રભુના બ્રહ્મરંધ્રથી પસાર કરીએ, જે નવ અંગમાંથી બહાર નીકળે. એક ઝરણું ચાલુ થઈ જાય, ઉપરથી પરમચેતના દાખલ થાય, નવ અંગમાંથી એ પરમચેતના બહાર નીકળે.

તો એ ઊર્જા, એ પરમશક્તિ, એનો સ્પર્શ થાય, ખળભળાટી મચે જ!

મેં એક ભાઈને પૂછેલું: ” કે કંઈ થાય છે?” મને એણે સામે પૂછ્યું. મને કહે: “સાહેબ કેમ નથી થતું?” મેં કહ્યું: “હું તને પૂછું છું.” મને કહે: “સાહેબ થવું જોઈએ પણ થતું નથી.” “કારણ શું?” ત્યારે મેં કહ્યું કે: “ઈલેક્ટ્રીક ટેકનીશીયન (Electric technician) હોય, એને વીજળીના વાયર જોડે કામ પડતું હોય, એ લીક થયેલા વાયરને પણ લાકડાની સ્લીપર (Slippers) પહેરી અને ટચ કરતો હોય, તો એને એની અસર નહીં થાય. કારણ, ઈલેક્ટ્રીસીટી (Electricity) અને એની વચ્ચે એક અવરોધક તત્વ આવે.

એમ તમે દેરાસરે જાઓ છો, ગભારા પાસે ઊભા રહો છો, ગભારામાં જાઓ છો, પ્રભુનો સ્પર્શ કરો છો, પણ પ્રભુ અને તમારી વચ્ચે વિચારો અવરોધક રૂપે આવી જાય છે. અને એના કારણે ખળભળાટી કે બીજો કોઈ જ અનુભવ તમને થતો નથી. બાકી અનુભવ થાય જ! પ્રભુનો સ્પર્શ કરીએ અને અનુભવ ન થાય?

મેરુ પર્વત ઉપર પ્રભુનો અભિષેક. ઇન્દ્ર મહારાજને શંકા થઈ કે આટલુ મોટુ અભિષેકનું પાણી પ્રભુ ઉપર જઈ રહ્યુ છે, પ્રભુ એને સહન કરી શકશે? પ્રભુએ પોતાના અવધિજ્ઞાનથી ઇન્દ્રનો વિચાર જાણ્યો. ઇન્દ્રના ખોળામાંથી પોતાનો પગ નીચે ઉતાર્યો અને મેરુ પર્વતને ટચ કર્યો. મેરુના શિખરો ગબડવા લાગ્યા. એ વખતે કલ્પસૂત્રમાં વિનયવિજય મહારાજે લખ્યું કે: “મેરુ કંપ્યો નથી, ધ્રૂજ્યો નથી, મેરુ નાચ્યો છે! કે પરમાત્માનો સ્પર્શ મને મળ્યો!”

આમ તો ઇન્દ્ર મહારાજ ઊંચકીને લઈને આવે, ઇન્દ્ર મહારાજના ખોળામાં અભિષેક થાય અને પછી ત્યાંથી લઈને ઇન્દ્ર મહારાજ જતા રહે. મેરુને ડાયરેક્ટ (Direct) ટચ મળતો નથી. આ સીધો સ્પર્શ મેરુ પર્વતને મળ્યો અને મેરુ નાચ્યો! તમે નાચ્યા?

તો માણેકલાલ શેઠ પૂજા કરતા હોય છે. એ વખતે પૂજાના કપડામાં એક ભાઈ દાખલ થાય છે. હાથમાં થેલી છે. શેઠ પ્રભુની પૂજા કરતા હતા, ત્યારે પેલા ભાઈ ડાબી બાજુમાં એક પ્રભુની પૂજા કરતા હતા, પછી શેઠ જમણી બાજુએ ગયા પ્રભુની પૂજા કરવા માટે.

પેલો માણસ એક સોનાના ભગવાનને ઉઠાંતરી માટે આવ્યો હતો, ચોરી કરવા માટે. એણે જોયું કે: “શેઠ જમણી બાજુ ગયા છે. સોનાના ભગવાન ડાબી બાજુએ છે. શેઠ જો ડાબી બાજુએ આવી ગયા અને પછી શેઠ ચૈત્યવંદન કરવા બેસશે, પછી તો મને મોકો નહીં મળે.” એટલે શેઠ જમણી બાજુ પૂજા કરે છે, ડાબી બાજુ રહેલ સોનાના ભગવાન આણે લઈ લીધા અને સીધા જ પોતાની પાસેની થેલીમાં નાખી દીધા! અને ઝપાટામાં જ રવાના થયો.

શેઠ આ બાજુ આવ્યા પૂજા કરવા, જોયું પેલા ભગવાન નહીં! ભગવાન ક્યાં ગયા? બીજું કોઈ હતું નહીં, એક જ માણસ, લાલ ધોતી અને ખેસ પહેરેલ અને હાથમાં કાળી થેલી હતી. તરત જ બહાર નીકળી ઇન્ટરકોમથી (Intercom) વૉચમેનને સૂચના આપી કે: “હમણાં જ એક માણસ ત્યાંથી નીકળશે. લાલ ધોતી અને ખેસ પહેરેલા છે, કાળી થેલી હાથમાં હશે. એને તું તારી રૂમમાં મૂકી દેજે. અને કહેજે કે શેઠ જોડે તમારે જમવાનું છે. એ ગમે એમ કહે તો પણ એને જવા ન દઈશ. મારી જોડે જ એને જમવાનું છે.”

કેટલા ઊંચા વિચારો! કહેતા નથી કે એની થેલી તપાસજે. વૉચમેન છે, એને જો ખ્યાલ આવી ગયો કે આ માણસ ચોર છે, તો એની નજરમાં એ ચોર તરીકે છપાઈ જશે અને સત્તર માણસોને કહેશે કે આ માણસ ચોર છે. એટલે કોઈની પણ બદબોઈ થવી ન જોઈએ. હજુ એ ખ્યાલ નથી કે આ જૈન છે, નોન-જૈન (Non-Jain) છે, કોણ છે? પણ માણસ તો છે! એ માણસની પણ પ્રતિષ્ઠા ખતમ થવી ન જોઈએ.

જ્યાં ફોન (Phone) આવી ગયો, ત્યાં જ પેલા ભાઈ આવ્યા. વૉચમેને કહ્યું: “સાહેબ, આ રૂમમાં બેસો તમે. શેઠે કહ્યું છે કે એમની સાથે જ તમારે જમવાનું છે. શેઠ ૧૫-૨૦ મિનિટમાં આવી જશે, પછી તમારે એમની સાથે જમવાનું છે. એમની જોડે એમના બંગલે જવાનું છે.”

પેલાના મનમાં પાપ છે, ભગવાન લઈને આવ્યો છે સોનાના. એ કહે: “નહીં, નહીં, મારે તો ઘરે જવું પડે એમ છે. મારી દીકરી માંદી છે, એને દવા આપવાનો ટાઇમ (Time) છે.” વૉચમેન કહે: “જુઓ સાહેબ, હું નોકર છું. નોકર આજ્ઞા લેવા માટે ટેવાયેલો હોય છે. મારા શેઠની આજ્ઞા છે, એ પ્રમાણે જ મારે કરવાનું. તમે ગમે એમ કરશો પણ છૂટી જઈ શકવાના નથી, એટલે આરામથી બેસી જાઓ.”

પેલો સમજ્યો કે જવા નહીં દે આ માણસ. બેસી ગયા, ન છૂટકે. ત્યાં શેઠ આવ્યા. કેટલા પ્રેમથી ભેટયા શેઠ! શેઠે કહ્યું: “મારો એક નિયમ છે, રોજ એકાદ સાધર્મિકને જમાડી અને પછી જ મારે જમવાનું. આજે બીજું કોઈ મળ્યું નથી, તમે છો. ચાલો મારી સાથે જમવા માટે.” વૉચમેનને કોઈ જ ખબર પડી નહીં. શેઠ એને પોતાની જોડે લઈ ગયા, ઘરે ગયા પછી પોતાના કીમતી કપડાં એને ચેન્જ (Change) કરવા માટે આપ્યા. કે: “આ કપડાં પહેરી લો. પૂજાના કપડે તો કંઈ જમવા બેસાય નહીં.”

પેલાએ કપડાં ચેન્જ કર્યા. પ્રેમથી શેઠે જમાડ્યો એને, ખૂબ ભાવથી! ભોજન પતી ગયું. પછી શેઠ પોતાના બેડરૂમમાં (Bedroom) એ ભાઈને લઈ ગયા. બેડરૂમમાં લઈ ગયા પછી બેડરૂમનું બારણું અંદરથી બંધ કરે છે. પેલા ભાઈને કહે છે: “પ્રેમથી બેસો.” “તમે કોણ છો?”. પેલો કહે: “સાહેબ, હું જૈન છું. મારું મૂળ વતન રાજસ્થાન, આ ગામ. ત્યાંથી ૨૦ વર્ષથી હું મુંબઈ આવેલો છું. અહિયાં નોકરી સારી મળી ગઈ, મારા કુટુંબને પણ અહીં લઈ આવ્યો છું. પણ બે દિવસ પહેલા જ મારા શેઠે કહ્યું કે, હવે તમે ઘરડા થયા છો, નવા એકાઉન્ટન્ટ (Accountant) મને મળી ગયા છે, એટલે તમારી સર્વિસની (Service) જરૂરિયાત નથી. તમે આજથી છૂટા છો. કોઈ નોટિસ (Notice) વિના એમને એમ મને છૂટો કરી નાખ્યો! બે દિવસમાં ઘણો ટ્રાય (Try) કર્યો પણ ક્યાંય નોકરી મળતી નથી. બીજી બાજુ દીકરી ઉંમરલાયક થઈ છે, સગપણ થયેલું છે, પેલા લોકો લગ્ન માટે પૂછાવે છે કે ક્યારે લગ્ન લેવા છે? શું કરવું છે? હવે હું મૂંઝાઈ ગયો છું, કે લગ્નની વાત વિલંબમાં નાખું તો પેલા લોકોને વહેમ પડે. લગ્ન હમણાં લઉં તો ખાલી ૨૦-૨૫ હજાર તો ખર્ચ કરવો પડે, મારી પાસે એક પૈસો નથી. મારી પત્નીની માંદગીમાં બધા પૈસા વપરાઈ ગયા. શું કરું? વિચાર કરતાં મને લાગ્યું કે જો મારી પ્રતિષ્ઠા મારે સાચવી રાખવી હોય, તો કોઈપણ હિસાબે દીકરીના લગ્ન તો મારે લેવા જ પડશે, પણ પૈસા ક્યાંથી લાવવા? એકપણ સંબંધી પાસે ગયો, કોઈ પૈસા આપવા તૈયાર નથી. સાહેબ, જૈનનો દીકરો છું. આ ભગવાનની પૂજા નાનપણથી કરતો આવ્યો છું. એ ભગવાનની હું ચોરી કરું? અને ચોરી કર્યા પછી હું સોનીને વેચી નાખું, અને મારા ભગવાન એને ભઠ્ઠીમાં ગાળી નાખે, શું મારાથી સહન થાય?” ધ્રુસકે ધ્રુસકે રડે છે. “પણ શેઠ, શું કરું? મારી પાસે કોઈ ઈલાજ નથી!”

એ વખતે માણેકલાલ શેઠની આંખમાં આંસુ આવે છે કે: “મારી પાસે કરોડો રૂપિયા છે, પણ જો મારા સાધર્મિકો આવા બેહાલ થઈને ફરતા હોય તો મારા કરોડો રૂપિયા શું કામના?” એમને તરત પેલાને ઑફર (Offer) કરી: “પહેલું, આજથી જ મારી ઑફિસે આવી જા. આજથી પગાર ચાલુ. પહેલો પગાર આજે જ આપી દઉં, મહિનાના ૫૦ હજાર રૂપિયા. તમારી દીકરીના લગ્ન માટે લાખ, બે લાખ, પાંચ લાખ જેટલા જોઈતા હોય એટલા આપી દઉં.”

પેલો તો શેઠના પગમાં પડ્યો. શેઠ એનો હાથ પકડીને ઊંચો કરે છે: “મારા પગમાં કેમ પડો છો? ભગવાનના પગમાં પડો! આપણે બંને એક જ ભગવાનના પૂજક છીએ.” અને પછી શેઠ કહે છે: “મને એક પ્રોમિસ (Promise) આપો કે તમારે અડધી રાત્રે પણ એક પણ પૈસાની જરૂર પડી, તમે બીજે ક્યાંય નહીં જવાના, મને જ યાદ કરવાના, મારી પાસે જ આવવાના! એ પ્રોમિસ મને આપો પછી જ તમે જાવ.”

સાધર્મિક ભક્તિ!

હું તો ઘણીવાર કહું છું:  ટીપ થાય છે આપણે ત્યાં પરંપરાથી, તમે ટીપમાં પૈસા લખાવો છો. લખાવવાના, વાંધો નહીં! પણ તમે જો શ્રીમંત છો, તો એક કામ કરો, એક ગરીબ દીકરાને દત્તક કરી લો. આજે એજ્યુકેશનનો (Education) ખર્ચ બહુ જ એક્સપેન્સિવ (Expensive) છે, બહુ જ એક્સપેન્સિવ! એજ્યુકેશન બહુ જ ખર્ચાળ બની ગયું છે. એક દીકરાને તમે એવી રીતે લઈ લો કે એને જેટલું ભણવું છે એટલું હું મારા તરફથી ભણાવીશ.

ઘણા એવા હોય છે જે કહેતા હોય: “સાહેબ, સામાન્ય ઘરની કોઈ દીકરી કે દીકરો હોય એને દીક્ષાનો લાભ જેટલો મને મળે એટલો આપજો.” એ મુનિ ભક્તિ થઈ. એવી જ સાધર્મિક ભક્તિ કે એક દીકરો અને તમે દત્તક તરીકે લઈ લો અને એને એજ્યુકેટેડ (Educated) બનાવી દો, આખું એનું ઘર ઊંચું આવી જશે. મુંબઈના પ્રવચનોમાં હું ઘણીવાર કહું છું, શ્રીમંતો જ બેઠેલા હોય સભામાં. જે લોકો સ્વપ્નના ચડાવવામાં કરોડ-કરોડ બોલવા માટે તૈયાર હોય, એમને હું કહેતો હોઉં છું કે: “તમારા કરોડો રૂપિયા શા કામના, જો આજે પણ જૈનો ધારાવીની ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય તો તમારા કરોડો રૂપિયા શું કરવાના? એ વિચાર તો કરો! એ ઝૂંપડપટ્ટીમાં એ ભાઈ રહેતો હોય, એ તો સમજ્યા. એની યુવાન દીકરી એ ઝૂંપડપટ્ટીમાં શી રીતે રહે? એકદમ હલકા લોકોની આખી જે છે તે વસાહત એની અંદર એ યુવાન દીકરી રહે શી રીતે? ક્યારેય વિચાર આવે છે? ક્યારેય રાત્રે ઊંઘ ઊડી જાય છે કે મારા સાધર્મિકો કઈ હાલતમાં હશે?”

આપણે ત્યાં કહ્યું છે કે સાત ક્ષેત્રમાંથી જે ક્ષેત્રમાં વધારે જરૂરિયાત હોય એમાં પૈસા વાપરવાના. અત્યારે અમે લોકો ના નથી પાડતા, કોઈની ઈચ્છા હોય સ્વદ્રવ્યથી જિનાલય બનાવવું છે, તો બનાવો. પણ કોઈ કોરો ચેક (Cheque) લઈને મારી પાસે આવે કે: “સાહેબ એક કરોડ રૂપિયા ખર્ચવા છે. પણ કોઈ ઈચ્છા મારી નથી, તમે કહો એ રીતે ખર્ચવા છે.” તો હું એને કહીશ કે તું સાધર્મિક ભક્તિમાં ખર્ચ. આપણા સાધર્મિકો આટલા બધા નીચલી સ્થિતિમાં હોય અને આપણે આવી રીતે જીવીએ, એ આપણા માટે શોભાસ્પદ નથી.

શાસ્ત્રોએ ત્યાં સુધી કહ્યું: “એકત્ત સવ્વધમ્મા…” એક બાજુ બધા જ ધર્મોને મૂકો અને બીજી બાજુ સાધર્મિક ભક્તિને મૂકો, અને બુદ્ધિના ત્રાજવાથી તોળો, તો બંને પલ્લાં સરખાં! આપણો સાધર્મિક જો ઊંચો નહીં હોય તો ભવિષ્યની અંદર કરોડો અને અબજોના ખર્ચે બનેલા આ સ્થાપત્યોને કોણ સંભાળશે? તો આપણા કોમળ ભાવને વિસ્તારવો છે. ક્ષમાપના તો કોમળ ભાવને વિસ્તારવા માટે જ છે. આંખોમાંથી આંસુ ઝરે, શું આપણો આ ધર્મ છે! કેવો ધર્મ આપણને મળ્યો!

કલ્પસૂત્રનું નવમું વ્યાખ્યાન, જે તમને અર્થથી સંભળાવવામાં નથી આવતું. એની અંદર પ્રશ્ન પૂછવામાં આવ્યો પ્રભુને કે: “પ્રભુ! આરાધક કોણ?” ભગવાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું:

जो उवसमइ तस्स अत्थि आराहाणा जो न उवसमइ तस्स नत्थि आराहाणा

જે ક્ષમા માંગી શકે અને ક્ષમા આપી શકે, એ જ આરાધક છે, બાકીનો કોઈ આરાધક નથી.

અઠ્ઠમનો તપ એ તપશ્ચર્યા રૂપે નથી, પણ વર્ષ દરમિયાન અજાણતાં જે પાપો થયા એના પ્રાયશ્ચિત્ત-તપ રૂપ છે. જાણીને જે પાપો થયા એનું પ્રાયશ્ચિત્ત તો અલગ લેવાનું, પણ અજાણતાં જે પાપો થયા એનું દર પખવાડિયે ઉપવાસ, ચાર મહિને છઠ અને વાર્ષિક અઠ્ઠમ, આ પ્રાયશ્ચિત્ત છે. એટલે રાગ અને દ્વેષથી અજાણતાં જે પણ અકાર્ય થઈ ગયા, પ્રભુ મને એની માફી આપો. આ ભાવ સાથે આપણે અઠ્ઠમનો તપ કરવાનો.

એટલે એ અઠ્ઠમનો તપ કરતાં પણ આંખો ભીની હોય, હૃદય કોમળ હોય કે: “પ્રભુએ કેટલી નાનકડી સજા આપી! અજાણતાં પાપ ઓછા થયા હશે ને? કેટલા પાપ થયા હશે! અને છતાં માત્ર એક અઠ્ઠમ તું કર અને તારા પાપોની હું તને માફી આપી દઉં!” આ પ્રભુની ઉદારતા અને આપણી કોમળતા ઝળકી રહી છે.

અને પછી ચૈત્ય પરિપાટી. જે પ્રભુએ આપણને આ કોમળ ભાવની દીક્ષા આપી, એ પ્રભુની પાસે એકલા તો રોજ જઈએ છીએ, સંઘની સાથે જઈએ. મજા ક્યારે આવે? એકલા-એકલા ખાઈએ એની મજા આવે? કે સ્વામિવાત્સલ્યમાં ખાવાની મજા આવે? કરોડપતિ માણસ પણ સ્વામિવાત્સલ્યમાં જમવા આવે, કેમ? કે સંઘની પ્રસાદી છે.

પાલીતાણામાં જ્યારે લાડુ અને સેવની ભાતી શરૂ નહોતી થયેલી, કોઈ પણ ભાતું જેવું હતું જ નહીં. અને ધર્મશાળાઓ દૂર, આરીસા ભુવનથી પણ દૂર. એ વખતે એક રાજસ્થાની ભાઈને વિચાર આવ્યો કે લોકો યાત્રા કરીને ૧૨ વાગ્યે, ૧ વાગ્યે, ૨ વાગ્યે ઉતરે અને પછી પાછું છેક ધર્મશાળા સુધી ચાલીને જવાનું! એ વખતે વાહનો પણ મળતાં નહીં. તો મારા સાધર્મિકોની હું કંઈક ભક્તિ કરું. એણે ચણાથી શરૂઆત કરી, ચપટી ચણા આપે. લોકો પ્રેમથી ચણા ખાય, પાણી પીએ, તૃપ્તિ થાય, પછી હાલવા માંડે.

અને એવામાં લાલભાઈ દલપતભાઈ શેઠ પાલીતાણાની યાત્રા માટે આવ્યા. લાલભાઈ દલપતભાઈ શેઠ એટલે કસ્તુરભાઈના પિતાશ્રી! આખા આપણા જૈન સંઘના પહેલા નંબરના આગેવાન. એ યાત્રા કરીને આવી રહ્યા છે, અને ૨૫-૫૦ શેઠ ત્યાં એમની જોડે છે.

પેલા રાજસ્થાની ભાઈને વિચાર થયો કે હું બધાને ચપટી-ચપટી ચણા આપું છું, પણ આટલા મોટા શેઠ એ કઈ મારા ચણા લે ખરા? એમને લેવા માટે ગાડી આવી ગયેલી હોય, એમનું તો નાસ્તા માટે લાડુ ને એ બધું હોય. એ કઈ મારા ચણા લે? પણ શેઠ નીચે ઊતર્યા, અને શેઠે જ્યાં જોયું… પહેલો વિચાર એમને એ થયો કે: “હું જૈન સંઘનો અગ્રણી, મને જે વિચાર ન આવ્યો, એ વિચાર આ એક ભાઈને આવ્યો કે ચણા આપું? બહુ સરસ વિચાર આવ્યો!”

અને શેઠ પોતે ત્યાં ગયા ચણા વેચનાર પાસે. ખેસ તો હોય ને,  ખેસ આમ લાંબો કર્યો: “ચણા નાખ આમાં! આ તો મારા હકના ચણા છે, હું તારો સાધર્મિક છું, અને સાધર્મિક તરીકે આપણે બધા સરખા છીએ.”

શિખોની પાસે આ વાત છે, આ શીખવા જેવું છે. કેન્દ્રીય મંત્રી હોય, પણ એણે ધર્મ માટે કંઈક ઘસાતું બોલી ગયો હોય અને એને સજા કરવામાં આવે, તો એને ગુરુદ્વારાની આગળ બેસી બધાના જૂતા સાફ કરવાના! કેન્દ્રીય મંત્રી હોય! મંત્રી તારા ઘરનો, અહીંયા તું ભક્ત છે. ભક્ત તરીકે તે ભગવાનની આજ્ઞાનો લોપ કેમ કરે? ચલ, તને સજા મળશે.

તો ચૈત્ય પરિપાટી એટલે સમૂહની અંદર પરમાત્માની પાસે જઈ, પરમાત્માની ભક્તિ કરવી કે: “પ્રભુ! તેં મને અદ્ભુતથી પણ અદ્ભુત આપ્યું છે. તેં જે મને આપ્યું છે, એના ઋણમાંથી મુક્ત થવાની મારી કોઈ તાકાત નથી. પણ જે પણ હું કંઈક કરું છું, એ માત્ર અને માત્ર હું ઋણ મુક્તિ માટે કરું છું.”

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *